શાસ્ત્રાત્ રૂઢિ બલીયસિ

ભાઈ બહેનના હેતના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર હમણાં જ આવી ગયો. કેટકેટલીય બહેનો ક્યાં ક્યાંથી પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે કેટલીય તકલીફો વચ્ચે પણ હૈયામાં હેતનો દરિયો લઈને ઉમટી પડી. ભાઈ બહેનના સગપણ તો દુનિયાના દરેક સમાજમાં હોય પણ એ સગપણ અને પ્રેમને વ્યક્ત કરતો સામુહિકપણે ઊજવાતો આવો ઉત્સવ બીજે ક્યાંય હશે કે કેમ તેની શંકા છે. મહાત્મા ગાંધીજીએ કાચા સૂતરને તાંતણે આપણને સ્વરાજ અપાવ્યું અને આપણા પ્રાચીન સમાજશાસ્ત્રીઓએ એવા જ કાચા સૂતરના તાંતણે ભાઈબહેનના પ્રેમને અમર બનાવી દીધો. આ તહેવારમાં રાખડીઓની વિવિધતા અને વહેવાર તો પાછળથી દાખલ થયો હશે, પણ સ્નેહના પ્રતીક તરીકે બંધાતા સાદા દોરામાં રહેલી તાકાત હૃદયને ભીંજવી જાય છે. બજાર રંગબેરંગી રાખડીઓથી ઉભરાયછે, સામયિકોના પાના પણ રાખડીનો તહેવાર ઉજવતા માલમ પડે છે, રેડિયો, ટેલીવિઝન પરથી રક્ષાબંધનના ગીતો પ્રસારિત થાય છે, સર્વત્ર નિર્દોષતા પવિત્રતા અને મધુરતા નાચતી માલમ પડે છે. (આજના સમયમાં યુવક યુવતિઓ ફ્રેન્ડશીપડે મનાવે છે પણ તેમાં આટલી ઉત્કટતા અને ટકાઉપણું અનુભવવા મળતું નથી)

‘ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના‘, ‘રાખી ધાગોંકા ત્યૌહાર..‘, જેવા ફિલ્મી ગીતો આપણાં હૃદયને સ્પર્શી જાય છે. રેડિયો, ટીવી નહોતાં ત્યારે પણ ‘કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..‘ એ ગીત ખૂબ ગવાતું અને આજે પણ એ ગીત સાંભળવા મળે છે. કૌટુંબિક ભાવના, રાષ્ટ્રીય ભાવના અને સામાજિક ઉત્તરદાયિત્વને દૃઢ કરતી અનેક રૂઢિઓ આપણે ત્યાં પ્રચલિત છે તેમ ઋતુ અને આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય કરનારી તેમજ નવરાત્રિ, દિવાળી, હોળી, મકરસંક્રાંતિ કે વસંતોત્સવ દ્વારા પ્રકૃતિ સાથે તન્મય કરનારી રૂઢિ પણ દાદ માંગી લે તેવી છે. જ્ઞાનની ક્ષિતિજો દિનપ્રતિદિન વિસ્તરતી જાય છે, માણસનું જીવન બદલી નાંખે તેવાં નવાં નવાંસંશોધનો થતાં જાય છે. પ્રયોગશાળામાં સિદ્ધ થતું સત્ય પ્રયોગશાળા પૂરતું સીમિત રહી જાય છે, ચિંતકોનું ચિંતન પ્રવચન હૉલ કે પુસ્તકોમાં કેદ થઈ જાય છે. અનેક રિસર્ચ ગ્રંથો યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં ગુંગળાતા પડ્યા છે. લોકજીવન અને રિસર્ચને જાણે કંઈ લાગતું વળગતું નથી. વિજ્ઞાન એને રસ્તે અને જનજીવન એને રસ્તે. વિજ્ઞાન ગમે તેટલું વિકસે, ચિંતનશિબિરો ગમે તેટલી થાય પણ તે લોકોના જીવનવ્યવહારમાં પરિણમતું ન હોય તો એનો શો અર્થ?

ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે તે કીંમતી બી જ વાવતો હોય છે પણ ખેતરમાં બી જયારે ઊગે છે ત્યારે પાકની સાથે નિરર્થક અથવા ઉપદ્રવી નિંદામણ પણ ઊગી નીકળતું હોય છે, જે પાકને નુકસાનકર્તા છે; તેવી રીતે સદુદ્દેશથી શરૂ કરેલી રૂઢિ જોડે હાનિકારક બાબતો પણ ભળી જતી હોય છે જે રૂઢિનું સત્વ હણી લે છે. સમયાંતરે એનું નિંદામણ થતું રહેવું જોઈએ. સંત પુરુષો એ જ કામ કરતા હોય છે.

માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનો સમાજ પર કશો પ્રભાવ ન હોય તો એનું જ્ઞાન સમાજમાં કાર્યાન્વિત થતું નથી અથવા સમાજ એના જ્ઞાનનો યોગ્ય લાભ ઉઠાવી શકતો નથી. કાલ માર્ક્સની વિચારધારાને લૅનિનનું પ્રભાવશાળી નેતૃત્વ સાંપડ્યું ત્યારે જ એ પરિણામલક્ષી બન્યું. આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઘટના યાદ કરીએ તો તે જમાનામાં એવી માન્યતા હતી કે, વરસાદનો દેવ ઈન્દ્ર હોવાથી ઈન્દ્રની પૂજા થાય તો જ વરસાદ આવે. જો ઈન્દ્રપૂજા ન થાય તો તે દેવ રૂઠે. શ્રી કૃષ્ણ ભગવાને લોકોને સમજાવ્યું કે વરસાદનું કારણ ઈન્દ્ર નથી પણ પર્વત છે, તમારે પૂજા જ કરવી હોય તો આ ગોવર્ધન પર્વતની કરો, ઈન્દ્રની નહિ. જુનવાણી લોકોનું કામ હોય વિરોધ કરવાનું! પેઢીઓથી ચાલતી આવેલી ઈન્દ્રપૂજા એક નાદાન છોકરાના કહેવાથી બંધ ન કરી શકાય. રૂઢિ તૂટશે તો તેનું માઠાં પરિણામો આવશે; પણ, ગોકુળના લોકો પર શ્રી કૃષ્ણનો પ્રભાવ એટલો હતો કે તેમણે ઈન્દ્રપૂજા ફગાવીને ગોવર્ધનપૂજા કરી. કુદરતનું કરવું તે મુશળધાર વરસાદ પડ્યો અને તે થોભવાનું નામ નહોતો લેતો. જુનવાણીઓના હાથમાં સબળ હથિયાર આવી ગયું. ઈન્દ્રની અવગણનાનું આ સીધું પરિણામ છે! કૃષ્ણને કહો કે હવે ગોકુળને બચાવે! ઢોર ઢાંખર અને માનવવસ્તીને શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતની ગુફાઓમાં સુરક્ષિત ખસેડ્યા. એક રૂઢિને તોડીને તેને સ્થાને બીજી વધારે તર્કયુક્તરુઢિ પ્રસ્થાપિત કરવી એ ખાવાના ખેલ નથી. વિજ્ઞાન ગમે તે કહેતું હોય, શાસ્ત્રમાં ભલે જુદું લખેલું હોય પણ જનમાનસને બદલવાનું જરાયે આસાન નથી.

ઉપર, રક્ષાબંધનને લગતા ગીતોમાં એક લોકગીતનો ઉલ્લેખ થયો. ‘કુંતાઅભિમન્યુને બાંધે અમર રાખડી‘ માં રાખડી(રક્ષાકવચ)નો ઉલ્લેખ થયો છે, ભાઈબહેનના પ્રેમની વાત કહેવામાં આવી નથી, છતાં આ ગીત રક્ષાબંધનના દિવસે ગવાય છે અને જનમાનસ પર તેનો પ્રભાવ પણ છે. સાત કોઠાના યુદ્ધ સમયે શું ખરેખર કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી ખરી? સૌ પ્રથમ તો ‘વૈશમપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મેજય રાય…‘થી લોકપ્રિય બનેલું શ્રી વલ્લભરામ સૂરજરામ વ્યાસ રચિત મહાભારતના દ્રોણપર્વમાં કડવું નં૪૨થી ૫૩સુધીમાં અભિમન્યુના પરાક્રમની કથા આલેખવામાં આવી છે અને યુદ્ધે જવા તૈયાર થયેલા પૌત્રને કુંતાજી રાખડી બાંધે છે. સતીનું સત અવિચળ રહે એવું લાગે છે પણ અભિમન્યુ એ અસુરનો જીવ હોવાની કથા મુજબ જો તે વિજેતા બને તો ભગવાનનું મહત્ત્વ ઘટી જાય એવા ડરથી ભગવાન કાવતરું કરીને ઉંદર સ્વરૂપે આવીને રાખડીને કાતરી કાઢે છે, રાખડી કપાઈ જવાથી સતીનું રક્ષાકવચ છૂટી જાય છે. અનેક મહારથીઓ યુદ્ધનાનિયમો નેવે મૂકીને ખૂબ ક્રુરતાથી તેની હત્યા કરે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મૂળ મહાભારતમાં દ્રોણપર્વ અંતર્ગત અભિમન્યુવધ પર્વના ૩૩ થી ૫0 અધ્યાય પૈકી ક્યાંય એવો ઉલ્લેખ વાંચવા મળતો નથી કે અભિમન્યુ અસુર હોયને શ્રી કૃષ્ણે તેને મરાવી નાંખ્યો હોય. ઊલટું, સાતમો કોઠો કેમ ભેદવો તેનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ કાજે લોહીના છેલ્લા ટીપા સુધી ઝઝુમીને વીરગતિ પામનાર અભિમન્યુને તેઓ આંખમાં આંસુ સાથે અંજલિ આપે છે. અહીં વેદ વ્યાસ કરતાં વલ્લભરામ વ્યાસનો જનમાનસ પરનો પ્રભાવ વધારે કામ કરી ગયો એમ સ્પષ્ટ જણાઈ આવે છે. આપણને વેદ વ્યાસ ભૂલ કરતા હોય એવું લાગે છે! મૂળ મહાભારત જોડેનો સંબંધ છૂટી ગયો અને લોકપ્રિય તથા સહેલા પ્રચલિત સાહિત્યને ઈતિહાસ સમજી લેવાને કારણે એક મહામાનવને અન્યાય કરી બેઠા. વાતનો સાર એ જ છે કે રૂઢિ ગમે તેટલી સારી કે ખરાબ હોય પણ તે શાસ્ત્ર કરતાં અત્યંત બળવાન હોય છે. માનવજીવનને સુખી બનાવવા માટે અદ્યતન શાસ્ત્રોમાં સંગ્રહાયેલા જ્ઞાનનું રૂઢિમાં રૂપાંતર કરવું આવશ્યક છે.

સ્નેહના સૂકાતા ઝરણાં કે સંસ્કારની કટોકટી ?

હૈયું હચમચી જાય તેવા સમાચાર વાંચ્યા. બારડોલીના કોઈ મનહરભાઈ મિસ્ત્રીની લાશ મળી નહેરમાંથી. બે પુત્રો અને એક પુત્રીના આ પિતાને આત્મહત્યા કરવા સુધી પ્રેરી જનારી વિગતમાં જતાં માલમ પડ્યું કે દીકરી પરણીને સાસરે હતી. બે ભાઈઓને તેમના મા બાપને પોષવા અઘરા લાગ્યા એટલે બાગબાન ફિલ્મની સ્ટોરીની જેમ એકે રાખી માને અને બીજાએ રાખ્યા બાપાને. વહુ જબરી નીકળી. સસરો તેને ભારે પડ્યો એટલે પજવવાનું ચાલુ કરી દીધું. નોકરની જેમ ઘરકામ કરવાની જવાબદારી સોંપી. ખાધા બલ્લે જેને નોકર મળે તે તો પરમ ભાગ્યવાન કહેવાય! સસરો ઘરમાં કચરા પોતું કરે તો જ તેને ખાવાનું મળે, તે પણ માત્ર એક જ રોટલી! રોટલી સાથે શાક ખાવા જોઈતું હોય તો કપડાં ધોવા પડે. દાળ- ભાત જોઈતા હોય તો પચાસ રૂપિયા કમાઈ લાવીને વહુના હાથમાં આપવા પડે. કેવી તાનાશાહી, કેવી લાચારી!! પુત્રવધૂ બનેલી સ્ત્રીના મગજમાં આટલી બધી તુમાખી ક્યાંથી આવીને ભરાતી હશે? સિંહ જેવા પુરુષોએ પોતાના અવસ્થાને કારણે ઘરમાં મિયાંની મિંદડી થઈને જીવવું પડે એ કેવી દયાજનક સ્થિતિ? લાંબા સમય સુધી બાપાએ આ અપમાન વેઠ્યું પણ સહનશક્તિની હદ આવી ત્યારે મોતને વહાલું કર્યું. સ્યૂસાઈડ નોટમાં લખી ગયા કે મારી લાશ મારા પુત્રોના હાથમાં સોંપશો નહિ! મૃતદેહ મળ્યો. પંચક્યાસ થયો. ગામલોકોએ સ્મશાનમાં દીકરીને બોલાવી. લોકેલાજે બંને ભાઈઓ પણ આવ્યા. સ્યૂસાઈડ નોટ વાંચીને ગુસ્સા પર કાબુ ન રહેતાં ગામલોકોની હાજરી વચ્ચે બહેને બંને ભાઈઓને ગાલ પર તમાચા ઝીંકી દીધા અને સ્મશાનની બહાર કાઢી દીધા. પિતાના અગ્નિસંસ્કાર પત્યા પછી સીધી પોલીસ સ્ટેશને પહોંચી, એની ફરિયાદ પરથી બંને પુત્રો અને પુત્રવધૂઓની ધરપકડ થઈ. જેમણે જેમણે આ વાત જાણી તેમને જરૂર આઘાત લાગ્યો. સ્ત્રીસશક્તિકરણની ઝૂંબેશને ફટકો પડે એવી આ દુર્ઘટના છે. માથાફરેલ પુત્રવધૂઓ જેમને માથે ઠોકાઈ હોય તેવા વૃદ્ધોની યાતના અરેરાટી ઉપજાવનારી હોય છે. આવા નમૂનાને જન્મ આપવા બદલ એમના મા બાપને શરપાવ મળવો જોઈએ!

‘કભી કભી‘ કોલમમાં લેખક દેવેન્દ્ર પટેલે સૂરતમાં બનેલી આવી જ એક ઘટના એક વરસ પહેલાં લખેલી તેનું સ્મરણ થઈ આવ્યું. સૂરતના સુસંસ્કૃત વિસ્તારના એક પરિવારમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓના મા બાપની વીતકકથા વાંચીને અરેરાટી થાય. ત્રણ પુત્રીઓ પરણીને ઘરમાંથી વિદાય થઈ. તેમની રીતે સાસરામાં ગોઠવાઈ ગઈ. મોટા પુત્રને આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબમાં પરણાવેલો. પુત્રવધૂ પિયરમાં સૌની લાડકી તે સારો એવો કરિયાવર લઈને આવેલી. સંયુક્ત કુટુંબમાં રહેવાનું ન ફાવતાં તેના બાપાએ બે બેડરૂમ કિચનનો ફ્લેટ ખરીદી આપેલો ત્યાં તેણે પોતાની મરજી મુજબનો સંસાર ઊભો કર્યો. સાસુ સસરાની જફા મટી ગઈ.

નાનો દીકરો કોલેજમાં ભણતો હતો. છેલ્લા વરસમાં હતો. ભણતર પૂરું થાય પછી એને પરણાવવાનું વિચારતા હતા ને એક દિવસ અચાનક દીકરાને તાવ આવ્યો, બીમારી વધતી ગઈ, હોસ્પીટલમાં દાખલ કર્યો. સારવાર પાછળ ખૂબ પૈસા વેર્યા, પણ બીમારી પ્રાણઘાતક નીવડી. નાનો દીકરો ને વહુ ઘડપણમાં સેવા કરશે એવું આશ્વાસન હતું તે પણ ઠાલું નીકળ્યું. દીકરાના અકાળે થયેલા અવસાનથી વૃદ્ધ મા બાપને માથે આભ તૂટી પડ્યું. પુત્ર વિરહમાં વલોપાત કરતી મા પણ વધુ જીવી ન શકી. ‘છેવટે તો આપણે બે જ હોઈશું!‘ એવી સ્થિતિનું વર્ણન કરતો વોટ્સેપ મેસેજ તો ઘણાએ વાંચ્યો હશે; એકલા રહી જનાર પર શી વીતતી હશે તેની કલ્પના અતિ બિહામણી છે. પતિ બિચારો એકલો થઈ ગયો. એકલવાયું જીવન જીવવાનું અઘરું હતું. ઢળી ગયેલી અવસ્થા અને જુવાનજોધ દીકરાના મૃત્યુથી ભાંગી પડેલ તથા જીવનસાથી વિહોણા એ વૃદ્ધનો જીવનમાંથી રસ જ ઊડી ગયો હતો. લોકે લાજે દીકરો પોતાના ફ્લેટ પર લઈ ગયો. વહુનું મોઢું ચડી ગયું, આ બલા ક્યાંથી વળગી! વર જોડે પણ હસવા બોલવાનું બંધ કીધું અને સસરા જોડે ભિખારી જેવો વ્યવહાર કરવા લાગી. સસરાને સવારે ચા પીવાની ટેવ, પણ ત્રણ ચાર વાર માંગે ત્યારે કલાક પહેલાં ઊકાળેલી ઠંડી ચા ઠોંસે! વડીલને રીબાવવામાં કયો પાશવી આનંદ મળતો હશે, આવી વીરાંગનાઓને? વહુનું ફુંગરેલું મોં જોઈને ખાવાનું માંગતાંયે ગભરાટ છૂટે. ગણતરીની રોટલી ને શાક જે મળે તેનાથી ચલાવી લેવાનું. દાળભાત તો પંદરેક દિવસે મળે. વહુની ગેરહાજરીમાં દીકરાને એક દિવસ વાત કરી કે ‘ભાઈ, હું અડધો ભૂખ્યો રહું છું‘, પણ એણે વાત એક કાને સાંભળી ને બીજા કાનેથી કાઢી નાંખી. વિસનખીનો આટલો બધો ધાક!

કેટકેટલી બાધા રાખીને માણસ ભગવાન પાસે સંતાનની માંગણી કરે, કેવી કેવી અગવડો વેઠીને સંતાનોને સગવડ આપવાનો પ્રયત્ન કરે. તેમના ભાવિ સુખ માટે ભણાવે, ઉત્સાહથી પરણાવે અને પછી તેમના જ હાથે અવહેલના પામે! ભગવાનનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માણસ એમ લખવા બોલવાની આપણે ફિલસૂફી છાંટીએ અને એ જ ઉત્કૃષ્ટ સર્જન જ્યારે હૈયે લાત મારે ત્યારે ભગવાન પરની આસ્થા પણ ડોલી જ જાય. જાનવર કરતાંયે જાય એવું જીવન જોઈને ઘૃણા છૂટે. એક દિવસ દીકરાએ કહ્યું કે ‘તમે રહેતા હતા તે મકાન અમારા નામ પર કરી દો.‘ દીકરાએ ડોક્યુમેન્ટમાં જ્યાં સહી કરવાનું કહ્યું ત્યાં બાપાએ સહી કરી આપી.

બીજા જ દિવસથી વીસનખીએ નહોર ભરાવવા માંડ્યા. ‘આખો દિવસ શું ઘરમાં પડ્યા રહો છો?‘ સસરા સમજી ગયા, જમ્યા પછી નજીકના મંદિરે જઈ બાંકડા પર સૂવાનું ગોઠવ્યું; ઠંડી હોય કે તાપ હોય. ઓશિયાળાની જેમ ઘરમાં જવાનું અને જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાવાનું; ન હોય તો ભૂખ્યા સૂઈ રહેવાનું. એક દિવસ ન રહેવાયું એટલે બોલાઈ ગયું કે ‘વહુ, તું આ જે કરે છે તે સારું નથી. તારા સંતાનો આ બધું જૂએ છે, મુજ વીતી તુજ વીતશે…‘ વહુએ લાકડી શોધી કાઢીને સસરાની ધોલાઈ કરી નાખી. સાંજે દીકરાને વાત કરી તો તે પણ એલફેલ બોલી ગયો. વૃદ્ધની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઈ. એટલે જ નરસિંહ મહેતાએ ફરિયાદ કરતાં ગાયું હશે કે ‘ઘડપણ શીદ મોકલ્યું?‘ ઘડપણ એ માનવજીવનનો મોટો અભિશાપ હશે?

માર ખાઈ ખાઈને ત્રાસી ગયા. પત્નીને યાદ કરતાં બોલે કે ‘મને એકલો મૂકીને તું ચાલી ગઈ એના કરતા હું જ મરી ગયો હોત તો સારું થાત.‘ મરવાની વાત યાદ આવતાં રેલના પાટા પર જઈને સૂઈ ગયા, પણ મોત એમ કંઈ રેઢું થોડું જ પડ્યું છે? ઓળખીતા પારખીતા જોઈ ગયા એટલે સમજાવીને પાછા લાવ્યા, પણ વહુ દીકરામાં શરમનો છાંટો હોય તો ને? સુધરે એ બીજા! સંવેદનાહીન માણસો, સાવ નપાવટ! નહાવા માટે ગરમ પાણી મળતું હતું તેય બંધ થઈ ગયું. ઠંડું નહાવાની પ્રકૃત્તિ નહિ. દુર્બળ દેહ, બીમારીને પેસતાં વાર નહિ લાગે. બપોરે મોડેથી નહાય અથવા શિયાળાની કડકડતી ઠંડીમાં તો નહાવાનું જ માંડવાળ કરવું પડે.

એક દિવસ એક વૃદ્ધાશ્રમમાં રહેવા તેઓ ચાલી નીકળ્યા. મેનેજરે કહ્યું કે સગાં વહાલાંને લઈને આવો, ખર્ચ કોણ ભોગવશે? વૃદ્ધાશ્રમે પણ ન સંઘર્યા એટલે ભત્રીજાઓને ઘરે ગયા. આજીજી કરી કે મને ગમે ત્યાં મૂકી આવો, પણ મારે દીકરાના ઘરે જવું નથી. ખૂબ વિચારને અંતે તેઓ સાબરકાંઠાની એક સંસ્થામાં મૂકી આવ્યા. એ એક એવી સંસ્થા કે જ્યાં રક્તપિત્તના દર્દીઓની સારવાર અને મંદબુદ્ધિના બાળકોની સારી માવજત કરે છે. અહીં એ વૃદ્ધ સુખેથી રહે છે. સવારે ગરમાગરમ ચા- નાસ્તો મળે છે. કપડાં, થાળી વાડકો ધોવા માટે વોર્ડ બોય છે. નહાવા માટે ગરમ પાણી છે. બે ટાઈમ પૌષ્ટિક પૂરતું ભોજન મળે છે. તેઓ રોજ ગીતા વાંચે છે. તેમને હવે એક નવો પરિવાર મળ્યો છે; તેઓ ખુશ છે.

અમિતાભ બચ્ચનની હિંદી ફિલ્મ ‘બાગબાન‘ અને કે.કે સાહેબની ગુજરાતી ફિલ્મ ‘વિસામો‘ જેમણે જોઈ હશે તેમણે એ ફિલ્મો જોતી વખતે અસહાય વૃદ્ધોની પીડા અનુભવી હશે. પ્રફુલ્લ દવેના દર્દભર્યા કંઠે વિસામો ફિલ્મમાં ગવાયેલું એ ગીત ‘એક પારેવડાંની જોડ હતી‘ પ્રેક્ષકોના હૈયામાં ચિરા પાડતું અનુભવાય છે. ‘ચણી ચણીને ચાંચ તણખલાં હોંશે બાંધ્યો માળો, સંસારની બાજી વિખાણી હસતો ઉપરવાળો!‘ જેણે આંખો અને પાંખો આપી એ જનક અને જનેતા જ જેને માથા પરનો ભાર લાગે એ જીવતરને ધિક્કાર છે. સાથે મળીને જે દંપતિએ સુખ દુ:ખ વેઠી જીવન સંઘર્ષ કર્યો, પોતાના સુખ પર પૂળો મૂકીને સંતાનોનું જીવન સુખી બને એ માટે જેઓ ઘસાઈ છૂટ્યા એમને જ્યારે વિસામો લેવાની ઘડી આવી ત્યારે એમના પ્રેમની અદેખાઈ કરે, એમની મજાક ઉડાવે ત્યારે તેઓ માણસ હોવાની તમામ લાયકાત ગુમાવે છે. આવનારી તો પારકા ઘરથી આવી હોય, એણે સાસુ સસરાનો સંઘર્ષ જોયો ન હોય; એને તો એવુંયે લાગે કે તમારાથી થતું હશે ને કીધું હશે એમાં શી મોટી ધાડ મારી? પણ પોતાનું સંતાન જ્યારે પાણીમાં બેસી જાય ત્યારે મા બાપના મનમાં શું થતું હશે? અરેરે, મારો જ રૂપિયો ખોટો નીકળ્યો? આ રૂપિયો ખોટો નીકળે એની વેદના ભારે પીડાદાયક હોય છે.

ભણેલી અને નોકરી વ્યવસાય કરતા કરતા યે ગૃહસ્થાશ્રમની તમામ જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવનારી મહિલાઓ પણ આ સમાજમાં છે. જેઓ પોતાની કમાણીમાંથી સાસુ સસરાને પ્રેમથી પોષે છે એટલું જ નહિ તેમના વતીની તમામ સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે. કુટુંબમાં પતિ ક્યારેક ફરજ ભૂલે અથવા મન નાનું કરે તોયે પત્ની તેને મનાવીને બાજી ઠેકાણે પાડે અને કુટુંબની પ્રતિષ્ઠા જાળવે એવા ઉદાહરણો પણ આપણી આંખ સામે તરવરે છે; તે સૌને નમસ્કાર કરવાનું મન થાય, તેમના મા-બાપને અભિનંદન આપવાનું મન થાય પણ એ જ સન્નારીની વૃદ્ધાવસ્થામાં જ્યારે બદહાલત થાય અને એણે જ્યારે દીકરા વહુની તુમાખી સહન કરવાની આવે ત્યારે આપણે કેવી સંવેદના અનુભવીશું? આવા દાખલા હવે વધતા જાય છે.

વૃદ્ધાશ્રમો વધતા જાય છે એ આનંદના સમાચાર છે કે મોંકાણના? કુટુંબવ્યવસ્થા તૂટે અને વૃદ્ધોએ નિરાધાર નિ:સહાય બની ઠોકર ખાતા, અડલાતાં થઈ જાય એટલે તેમને રાહત આપવા માટે વૃદ્ધાશ્રમો બને છે. ગુનાનું પ્રમાણ વધારે હોય ત્યાં પોલીસ સ્ટેશનની જરૂર ઊભી થાય છે. અદ્યતન સાધનોથી સજ્જ મોટી મોટી હોસ્પીટલો બને એ ગૌરવની વાત નથી; એ હોસ્પીટલો સમાજના અનારોગ્યની ચાડી ખાય છે. શ્રેષ્ઠ વાત એ છે કે કોઈએ હોસ્પીટલમાં ભરતી થવાનો વખત જ ન આવવો જોઈએ; શ્રેષ્ઠ વાત એ છે કે પોલીસ સ્ટેશન કે કોર્ટના પગથિયાં જ ન ચડવા પડે અને શ્રેષ્ઠ વાત એ જ છે કે કોઈ વૃદ્ધને પરિવાર છોડીને વૃદ્ધાશ્રમોની વાટ ન પકડવી પડે!

વોટ્સેપ પર જ એક લઘુ નવલકથા વાંચવા મળી તે પ્રસ્તુત છે; ‘ વૃદ્ધાશ્રમમાં બે વેવણો ભેગી થઈ ગઈ!‘ સમજો તો ઘણું સમજાઈ જાય તેમ છે.

મંત્રો એટલે જીવનસૂત્રો….

નવસારીની સાયન્સ કોલેજમાં અમે ભણતા ત્યારે પ્રો. ડી. એ. દાદી સાહેબ અમને કેલ્ક્યુલસ ભણાવતા હતા. એક દિવસ વર્ગમાં એક સમીકરણ ઉકેલતી વખતે એમણે એક સૂત્ર યાદ કર્યું અને જણાવ્યું કે આ સમીકરણ ઉકેલવામાં આપણને એ સૂત્ર ઉપયોગી થઈ પડશે. એકાએક એમના ચહેરા પર સ્મિત ઝળહળી ઊઠ્યું અને મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘ સૂત્ર ઈઝ ધ મંત્ર ઓફ મેથેમૅટિક્સ !‘ મંત્ર શબ્દની આટલી સરળ અને વહેવારિક વ્યાખ્યા અનાયાસે એમના મુખેથી સાંભળી તેવી જ હૃદયમાં કોતરાઈ ગઈ.

દેવ કે કોઈ શક્તિને સાધ્ય કરવા માટે જે ગૂઢ શબ્દ કે શબ્દો વપરાય તેને સાદી સમજ પ્રમાણે મંત્ર કહેવામાં આવે છે. મંત્ર આપવો એટલે દીક્ષા આપવી અથવા સમજાવી દેવું. ધાર્મિક સંપ્રદાયોમાં અનુયાયી તરીકે જોડાનાર વ્યક્તિ મંત્ર લેવા ધાર્મિક વડા પાસે જાય છે. વડા ધર્મગુરુ સાધકને શરૂઆતમાં લઘુ મંત્ર અને પછી ગુરુ મંત્ર આપે છે. મંત્ર ગુપ્ત રાખવાનો હોય છે. કોને કયો મંત્ર આપ્યો તે જાહેર કરવાનું હોતું નથી. મંત્ર જેટલો ગુપ્ત રાખી શકાય તેમ તેની શક્તિ વધારે. જો તે જાહેર કરી દેવામાં આવે તો તેની શક્તિ ઘટી જાય એવું ધર્મગુરુઓ ઠસાવતા હોય છે. આમેય રહસ્ય જ્યારે ખુલ્લું થઈ જાય ત્યારે તેની અસર કે પ્રભાવ ઓસરી જતો હોય છે. રહસ્ય જ્યાં સુધી ગુપ્ત રહે ત્યાં સુધી તેમાં અપાર શક્યતાઓ ભરેલી હોય છે.પરંતુ મંત્ર આપવો એનો એક અર્થ એવોય થાય છે કે કોઈને સમજાવી દેવું. આપણા વડાપ્રધાન સૌને નમો મંત્ર આપવા માટે જાણીતા છે.. મતલબ કે કોઈ કામ કેવી રીતે કરવાનું કે જેથી તે જલદી થાય, સરળતાથી થાય અને એ કામ કરવા પાછળનો હેતુ સિદ્ધ થાય તેની હિન્ટ આપવી તેને પણ વહેવારિક ભાષામાં મંત્ર આપેલો કહેવાય.

‘મંત્રપુષ્પાંજલી કરવી’ એનો નકારાત્મક અર્થ નીકળે છે. કોઈને કડક શબ્દોમાં ઠપકો આપવો, મારવો કે ગાળો આપવી અથવા શાપ આપવા માટે ‘મંત્રપુષ્પાંજલી કરી‘ એવો શબ્દપ્રયોગ થાય છે. કોઈ કોઈનાથી મોહ પામે કે અંજાઈ જાય તો તે ઘટનાને મં‘ત્રમુગ્ધ‘ થઈ ગયા કહેવાય. પણ તો પછી, મંત્રાલય કે મંત્રણાનો શો અર્થ લેવો? આ શબ્દોને મંત્ર સાથે શી લેવા દેવા હશે? મંત્રનું અપભ્રંશ મંતર થાય. મંતરવું કે મંતરાવવું એટલે કોઈને ભરમાવવું કે ઠગવું. જંતર મંતર જાદુ બનંતર… મંતર એટલે જાદુ. અશક્યને શક્ય કરી દેખાડવું. જો કે જાદુગરો નરી હાથચાલાકી અર્થાત ચપળતાનો જ ઉપયોગ કરતા હોય છે.

એટલી વાત તો નક્કી કે દેખીતી રીતે અશક્ય લાગતું કામ સાકાર કરવું હોય તો ચીલા ચાલુ પદ્ધતિ કરતાં કોઈ વિશેષ રીત અપનાવવી પડે અને એ વિશેષતાને જ કહેવાય મંત્ર. આરોગ્ય માટેના મંત્રો, આર્થિક બદહાલત દૂર કરી સમૃદ્ધ થવા માટેના મંત્રો, અભ્યાસક્રમમાં આવતા કૂટપ્રશ્નો ઉકેલવાના મંત્રો, જીવનમાં આવતી અનેક અડચણો પાર કરવાના મંત્રો, સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો. વહીવટી ગુંચ દૂર કરવાના મંત્રો.મંત્રોએટલે સંસ્કૃત જેવી કોઈ ભાષાના ગૂઢ શબ્દો જ નહિ, પણ સમસ્યાનો ઉકેલ લાવનારા સરળ સૂત્રો. મંત્ર સરળ હોય કે ગૂઢ, પણ એને સિદ્ધ કરવા માટે તપ કરવું પડે તેમ એ સૂત્રો ભલે બોલવામાં સરળ હોય પણ તેને કાર્યસાધક બનાવવા માટે તપ કરવું પડે. માત્ર બોલવાથી કે જપ કરવાથી દહાડો નહિ પાકે. એને વ્યવહારમાં કાર્યાન્વિત કરવા પડે.

‘દરદરોજ વાંચનાર હોશિયાર બને છે‘ આવું સૂત્ર વર્ગખંડના પાટિયા પર લખવામાં આવતું. ભણવામાં હોશિયાર બનવાનો આ એક સીધો સાદો મંત્ર છે.પણ આ મંત્રનું માત્ર રટણ કરવાથી એનું પરિણામ નથી મળતું. કાર્યસાધક બનાવવા માટે મંત્રને જીવનમાં ઉતારવો પડે. પાકો અભ્યાસ કરવો પડે ‘.કરે તેવું પામે અને વાવે તેવું લણે‘ આ કહેવત પણ મંત્ર જેટલો જ પ્રભાવ ઊભો કરે છે. બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકાય. ઊજળું પરિણામ જોઈતું હોય તો કર્મો પણ ઉજળાં જ કરવા પડે. માણસને સુખી થવાની ચાવીરૂપ આવા સૂત્રો મંત્ર કરતાં જરાય ઊતરતા નથી. વગર મહેનતે કામ સિદ્ધ કરી આપનારા ચમત્કારિક મંત્રો પ્રત્યે આપણને આકર્ષણ રહે છે. કોઈ એવો મહાત્મા આપણને મળી જાય કે જે આપણા માથે હાથ ફેરવીને કોઈ મંત્ર બોલે અને કહે કે,‘બેટા, તેરા કલ્યાણ હો જાયેગા‘ અને આપણી સઘળી સમસ્યાનો અંત આવે, એવી મિથ્યા ભ્રમણામાં આપણે જીવીએ છીએ.

પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ શ્રીમદ ભગવદ ગીતાના નિચોડરૂપે કેટલાંક સૂત્રો આપણને આપ્યાં છે જે ‘ગીતા સંદેશ‘ તરીકે ઓળખાય છે, એનું પ્રત્યેક વાક્ય મંત્રની કક્ષાનું છે. ‘કર્યા વગર કંઈ મળતું નથી. કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા અને ભગવાનને હાંક મારતો જા. નિરાશ થઈશ નહિ. મદદ તૈયાર છે. ભગવાન હરહંમેશ તારી જોડે જ છે.‘ આ જીવનસુત્રોને સમજીએ તો એમાં રહેલી શક્તિનો અનુભવ થશે. એનું મહત્ત્વ સમજાશે. અને જીવનમાં ચમત્કાર સર્જાશે.

‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે‘ એ કહેવતને અનુરૂપ ઉપનિષદનો એક જાણીતો મંત્ર છે, ‘ચરૈવેતિ‘.માણસ પ્રવાસ દ્વારા ઘણું શીખે છે, ઘણો ઘડાય છે. પરંતુ, જિજ્ઞાસા અને અવલોકનવૃત્તિ જરૂરી છે. જે પ્રદેશમાં ફરીએ ત્યાંના લોકોનું જીવન, ત્યાંની આબોહવા, ત્યાંની વનસ્પતિ, ત્યાંના લોકોની સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરતાં કરતાં કરેલું ભ્રમણ ચોક્કસપણે માણસનું ઘડતર કરે જ.

આપણો શાંતિમંત્ર જે સર્વ પ્રસંગે બોલાતો રહ્યો છે, તેનો જો મર્મ સમજાય તો સર્વત્ર સદાકાળ શાંતિ જ સર્જાય જો તે સમજીને જીવાય તો. આપણે તો ત્રણ વાર શાંતિ બોલીને મંત્રના પરિણામની રાહ જોયા કરીએ પણ એમ કાંઈ ચમત્કાર સર્જાતો નથી. ‘ૐ સહનાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહવિર્યં કરવાવહૈ, તેજસ્વીનાનધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ‘- ની પાછળ ઊચ્ચ અને કલ્યાણકારી ભાવના રહેલી છે, એની પછવાડે ક્રાંતિકારી વિચારધારા રહેલી છે, એમાં સ્વસ્થ સમાજરચનાના બીજ રહેલા છે. તેનો જો વહેવારમાં અમલ થાય તો પૃથ્વી પર સ્વર્ગ સર્જાય,પણ આપણે તો વિચાર્યા વગર પોપટપાઠ જ કરતા રહ્યા છીએ એટલે એનું પરિણામ દેખાતું નથી.

જિંદગી છે તો એમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહેવાના. દુ:ખને યાદ કરી કરીને રડ્યા કરવાથી કોઈનું ભલું નથી થતું. મુસીબતો નવાઈની કંઈ આપણા જ જીવનમાં ઓછી આવે છે? પણ આપણે હંમેશાં એકના એક રોદણાં રડ્યા કરીએ તો કોઈ આપણી પાસે ઊભું પણ ન રહે. દુ:ખોને હસી કાઢવાની ટેવ પાડવી જોઈએ. ‘હસે તેનું ઘર વસે‘. મુસીબતોથી જેમ ગભરાતા જઈએ તો તેમ મુસીબતો આપણને વધારે ગભરાવે. સાચો રસ્તો તો એ છે કે હિંમતથી એનો સામનો કરવો. ‘હિમતે મર્દા તો મદદે ખુદા‘ આપણે હિમતથી પુરુષાર્થ કરવાને બદલે સીધા ભગવાનને જ હાક મારવા લાગી જઈએ તો એમ કંઈ ભગવાન નવરા નથી કે કોઈના નોકર પણ નથી કે આળસુનો સાદ સાંભળીને દોડ્યા આવે ! ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે ઉપાધિઓ આવી પણ તેમણે હસતાં હસતાં એનો ઉકેલ આણ્યો. જેના હોઠો પર સદાય સ્મિત રમતું હોય તેની સામે મુસીબત પણ લાચાર.

મંત્રો કે સૂત્રો પોતે કોઈ જ ચમત્કાર કરતા નથી એનો વ્યવહારમાં ઉપયોગ કરવાથી ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે.

ઉત્સવોની ઉજવણીનો દોર કોના હાથમાં?

જિંદગીનું બીજું નામ છે સંઘર્ષ. માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી એ સતત સંઘર્ષ કરતો હોય છે. પ્રકૃતિના પરિબળો સામે, કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે, નોકરી ધંધા મેળવવા માટે, તે ટકી રહે તે માટે તથા તેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા માટે, જીવનના દરેક ક્ષેત્રમાં સંઘર્ષ જ સંઘર્ષ પડ્યો છે. જેને આપણે સુખી સમજીએ છીએ તેવો માણસ પણ કોઈ ને કોઈ પ્રકારનો સંઘર્ષ કરતો રહેલો હોય છે. સતત સંઘર્ષ અને તાણ વચ્ચે જીવતો માણસ હળવાશ ઈચ્છે છે. ચિંતામાંથી મુક્તિ ઈચ્છે છે. જવાબદારીઓ અને ઉપાધિ તો બારે દા‘ડા રહેવાની, કોઈ દિવસ તો એ ઉપાધિના પોટલાંને કોરાણે મૂકી નચિંત થઈને જીવનને માણીએ, એવી ઈચ્છા હરકોઈને થાય. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા: ખલુ માનવા:. ઉત્સવોએ રણપ્રદેશમાં આવતી મીઠી વીરડી સમાન છે.ઝંઝાવાત ભરેલી જિંદગીમાં માણસને ટકી રહેવાનું બળ આપનાર અનિવાર્ય ઘટક એટલે ઉત્સવ. ઉત્સવો ન હોત તો માણસ ગુંગળાઈમર્યો હોત.

આપણે ત્યાં કેટલાક ઉત્સવો પ્રાકૃતિક, કેટલાક ધાર્મિક, કેટલાક રાષ્ટ્રીય અને કેટલાક સામાજિક મહત્વ ધરાવે છે. ભારત ખેતીપ્રધાન દેશ રહ્યો છે એટલે રવી કે ખરીફ પાક તૈયાર થયા પછી માણસ થાક ઉતારીને હળવો થઈ શકે, સારાં વસ્ત્રો પહેરે, સારું ભોજન પામે, થોડું મનોરંજન મેળવે અને સમાજમાં મુક્ત રીતે હળે મળે તે માટે આપણા પૂર્વજોએ ઉત્સવો ઊભા કર્યા. સાંસારિક સમસ્યાઓ વચ્ચે ભીંસાતો રહેલો માણસ (પૅરોલ પર છૂટેલા કેદીની જેમ) ઉત્સવોની ઉજવણી દ્વારા કામચલાઉ ધોરણે રાહત અનુભવે છે. ઉત્સવ પતી ગયા પછી તો એ જ જૂની રેઢિયાળ જિંદગી અને જીવનના તમામ પ્રશ્નો આપણને હાથકડી પહેરાવવા તત્પર ઊભા જ છે. પૅરોલ એ કાયમી મુક્તિ નથી. દરદીને ઈમર્જન્સીમાં ઈલાજ તરીકે ઓક્સિજનનો બાટલો ચડાવવો પડે, પણ કેવળ ઓક્સિજન પર જીવી શકાતું નથી. ઉત્સવોની અતિરેકતા અને તેમાં પ્રવેશતી વિકૃતિ અનેક પ્રશ્નો સર્જે છે. ક્યારેક દવા પોતે જ રોગનું કારણ બની જાય છે.

મહર્ષિ ચાર્વાકે કહેલું કે દેવું કરીને પણ ઘી પીવું- એટલે આપણા લોકો દેવું કરીને પણ ઉત્સવોનું માન રાખે છે! ફેસ્ટિવલએડવાન્સ અને વિવિધ ઉત્પાદકોની ફેસ્ટિવલ ઓફર આપણને એમાં મદદરૂપ થાય છે. આર્થિક તંગી તો બારે દા‘ડાની! તેથી શું જિંદગીમાં મોજ મજા જ નહીં કરવાની? કેટલાય પૂણ્યો કર્યા હશે ત્યારે મનુષ્યની જિંદગી મળી, તે શું કેવળ હાય હાય કરવા માટે જ?.. તહેવારના દિવસોમાં રૂટિન રસોઈ બનાવીએ તો ઉત્સવો આપણા પર નિસાસા નાંખે. ઉત્સવોમાં કંજુસાઈ કે કરકસર નહીં કરવાની, રડવાનું નહીં, પોતે દુ:ખી છે એવું કોઈને જણાવવા દેવું નહીં. સપરમા દિવસોની આમન્યા રાખવાની! મસ્તીથી જીવવાનું. આમ,સતત ઉપાધિના પોટલાં લઈને જીવતા માણસને તદ્દન ભાંગી પડતા બચાવવાનું કામ ઉત્સવો કરે છે. એકલવાયું કે અંતર્મુખી જીવન જીવતા માણસને ઉત્સવો સમાજાભિમુખ બનાવે છે. નદી, દરિયો, વનસ્પતિ, આકાશ જેવા પ્રાકૃતિક તત્વોથી દૂર થતા રહેલા માણસોને ઉત્સવો પ્રકૃતિ તરફ પાછું વળીને જોવાની ફરજ પાડે છે. જેમ દવા દ્વારા શરીરને  ખૂટતાં તત્વો પ્રાપ્ત થાય છે તેમ ઉત્સવો દ્વારા માણસના જીવનમાં ખૂટતી વાતોની પૂર્તિ થાય છે. એમ પણ કહી શકાય કે ઉત્સવોએ જીવનનું ટૉનિક  છે.

આજની અત્યંત દોડધામ ભરેલી જિંદગીમાં માણસને પોતાના કુટુંબીજનો સાથે નિરાંતે બેસવાનો સમય નથી મળતો, ત્યારે પોતાના સગાં સંબંધીઓ અને નાત સાથેનો સંપર્ક તો ઓછો જ થઈ ગયો હોય, એ સ્વાભાવિક છે. ઉગતો અને આથમતો સૂરજ કે બીજ અથવા પૂનમનો ચાંદ ક્યારે જોયો હશે, છેલ્લું મેઘધનુષ ક્યારે જોયેલું તેય યાદ કરવું પડે. મકર સંક્રાંતિનો તહેવાર કે વસંતપંચમી આપણને કુદરત તરફ જોવાની ફરજ પાડે છે. એકલવાયા થતા જતા માણસને બીજા માણસ સાથે જોડવાનું જરૂરી બન્યું છે, માણસને પ્રકૃતિ સાથે અને ઈશ્વર સાથે જોડવાનું પણ એટલું જ જરૂરી છે. માણસ સુખી હોય કે દુ:ખી, પણ તે પોતાના સમાજને, પ્રકૃતિને અને ઈશ્વરને ભૂલી જાય તે કોઈ હિસાબે ન પરવડે. પૂર્વજોએ કેટલી દીર્ઘદૃષ્ટિ રાખીને આ ઉત્સવો ઊભા કર્યા તેનો વિચાર કરીએ ત્યારે તેમના એ પ્રદાન માટે નમસ્કાર કરવાનું મન થાય.

મકરસંક્રાંતિએ ઉજવાતો પતંગોત્સવ એ સંપૂર્ણપણે પ્રાકૃતિક (ખગોળીય) ઘટના છે, આજના રોકેટ કે અવકાશયાનના જમાનામાં પણ પતંગનું મહત્વ જરાય ઓછું નથી થયું. આબાલવૃદ્ધ સૌ પતંગોત્સવને માણે છે, તલના લાડુ સાથે આયુર્વેદ વણી લેવાયું તે સાથે સ્નેહથી પરસ્પરને જોડવા માટે તલના લાડુ વહેંચીને આનંદ માણતાં શીખવ્યું, સમાજહિત ચિંતક બ્રાહ્મણોને કૃતજ્ઞભાવે લાડુમાં ગુપ્ત રીતે દક્ષિણા આપવાની કે ગરીબોનીં જરૂરિયાત માટે દાનધર્મની મહત્તા ઊભી કરવામાં આવી. ગાયને નીરવામાં આવતા ઘાસચારાના રિવાજ દ્વારા મૂંગા પશુઓ પ્રત્યેની આપણી જવાબદારી પણ સમજાવવામાં આવી. રંગબેરંગી પતંગો ચગાવીને પ્રકૃતિ સાથે તન્મય થવાની મજા આ દિવસોમાં જેટલી આવે તેટલી આડે દિવસે કદી નથી આવતી! પણ હવે એ ભાવના કે સમજણમાં ઓટ આવી ગઈ છે, નુકશાનકારક રંગમિશ્રિત ધારદાર દોરો આકાશે ઊડતા નિર્દોષ પક્ષીઓની પાંખ અને ગળાં કાપી નાંખે છે, વાહનચાલકોને કે રાહદારીઓને પણ હોસ્પિટલ ભેગા થવું પડે છે, આવી ગુનાઈત બેદરકારી રાખવાથી ઉત્સવની ભાવનાને ઠેસ પહોંચે છે તે આપણે વિચારતા નથી.

વસંતઋતુ એ પ્રકૃતિની યુવાની છે. વસંતઋતુમાં પ્રકૃતિમાં ઉન્માદ છવાયેલો માલમ પડે છે. સૃષ્ટિ નવા રંગ રૂપ સજીને મોહક અને માદક બને છે. સર્વત્ર જાણે કામદેવનું સામ્રાજ્ય પ્રવર્તેલું જણાય છે. આહ્લાદક ઠંડી હવા મસ્તી કરવા પ્રેરે છે, કવિઓને કવિતા સ્ફુરે છે તો યુવાન હૈયામાં પ્રેમના અંકુરો ફૂટે છે. એ જ અરસામાં હોળી- ધૂળેટીના મસ્તીભરેલા દિવસો આવે છે. કુદરતે સર્વત્ર વેરેલા અવનવા રંગો આપણને તેના રંગમાં રંગાઈ જવાનું ઈજન આપતા હોય ત્યારે એને નકારી પણ કેમ શકાય! ‘ખુલ્લમ્ ખુલ્લા પ્યાર કરેંગે‘ નું ગાંડપણ છવાઈ જાય, એ વસંતનો પ્રભાવ છે. માણસ કુદરતથી વિમુખ થતો ગયો તેમ તેમ નિર્દોષ આનંદથી દૂર થતો ગયો. કુદરત સાથે ઓતપ્રોત થવા પ્રેરનારો આ રંગોત્સવ માણસના જીવનમાં રંગ ભરનારો, મસ્તી રેડનારો પ્રાકૃતિક ઉત્સવ છે, પણ એમાં ચામડી તથા આંખને નુકસાન કરનારા કૃત્રિમ રંગોનો થતો વપરાશ ચિંતાજનક છે; તેનાથી દૂર રહેવું ઘટે. વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી ગયું હોવા છતાં લાકડાં, છાણાંથી જ હોળી સળગાવવાની જીદ કેમેય છોડી શક્યા નથી એ દુ:ખદ છે.

શીતળા સપ્તમીના દિવસે ચૂલાની પૂજા અને એક દિવસનો વિરામ બરાબર છે, પણ તે દિવસે ઉપવાસ કરવાને બદલે તળેલું અને વાસી ખાવાનો તદ્દન અવૈજ્ઞાનિક રિવાજ કેમ કરતાં ઘૂસી ગયો તે મગજમાં બેસતું નથી, એમ કરવાથી શીતળા અને શીળવા કઈ રીતે નાબૂદ થાય? હકીકતમાં, ચોમાસામાં પાચન તંત્ર મંદ પડતું હોવાથી ચાતુર્માસમાં એકટાણું કરવાનું વૈદો સૂચવે છે. ચોમાસું એટલે માંદા પડવાની ઋતુ, એમાં ભોજન બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બળેવના તહેવાર સાથે ભાઈ બેનના નિર્મળ સ્નેહની ગાથા વણાયેલી છે, પરંતુ તેમાંય હવે વ્યાપારિક ગણતરી મંડાય છે. જેટલી મોંઘી રાખડી તેટલા જ મોંઘા ભાવની સાડી- એવાં સમીકરણો મંડાતા હોય ત્યારે ગ્લાનિ ઉપજે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ખાસ રમાતો જુગાર એ ખુદ ભગવાનનું અપમાન છે, જાતમહેનતથી ઊભું કરેલું રાજ્ય યુધિષ્ટિરે જુગારમાં ખોયું, તે બદલ જિંદગીભર તેમણે યુધિષ્ઠિરને માફ કર્યા નથી; એવા મહામાનવના નામને કલંક લગાડીને આપણે કયા પ્રકારની કૃષ્ણભક્તિ કરી રહ્યા છીએ? કોઈ કૃષ્ણભક્તને આ વાત ખટકતી કેમ નથી? કૃષ્ણના કોઈ પણ કૃત્યમાં અંગત સ્વાર્થનો કોઈ અંશ સુદ્ધાં નહોતો, મટકી ફોડવાનો કાર્યક્રમ નર્યો ધંધો થઈ પડ્યો છે. ‘મને શું મળશે ?‘  એની ગણતરી રાખીને થતાં કામોથી કૃષ્ણ સદા આઘો રહે છે.

સાર્વજનિક ઉત્સવો નિમિત્તે રચનાત્મક કાર્યોનું આયોજન થવું જોઈએ. આજે સાર્વજનિક ઉત્સવને નામે લોકો પાસેથી દબાણપૂર્વક પૈસા ઉઘરાવીને તમાસો કરનારા ટપોરીઓના હાથમાં ઉજવણીનો દોર ચાલ્યો ગયો છે. ભક્તિનું ગાંભીર્ય ચાલી ગયું છે અને ઉજવણીના નામે પજવણી ચાલી રહેલી છે. પ્રેમથી કે ભક્તિભાવથી નહીં, પણ નુકસાનના ભયથી લોકો ફાળો આપે છે. અનિષ્ટો સામે રાતી આંખ કરવાને બદલે આંખ આડા કાન કરવાનું વલણ વધતું જાય છે તેથી અનિષ્ટો વેગથી વિસ્તરતા જાય છે. નગરે નગરે, ગામેગામ, ગલીએ ગલીએ ટપોરીઓ દ્વારા જાહેર નાણાંથી તમાસા ચાલી રહેલા છે અને છતાં કોઈ ધર્મપ્રેમીનું લોહી ઉકળતું નથી તેનું આશ્ચર્ય થાય છે. નવરાત્રિમાં ઓરકેસ્ટ્રા અને D.J.ના ઘોંઘાટ થકી શેરી ગરબાનું સત્યાનાશ નીકળી ગયું છે. મોંઘવારી વધ્યાની આપણે બૂમ મારીએ છીએ, પણ જાહેર ઉત્સવો દ્વારા થતી પજવણીમાં અઢળક પૈસો બરબાદ કરવામાં કોઈ પાછું ફરીને નથી જોતું, કોના બાપની દિવાળી! આપણી ઉત્સવપ્રિયતા ઘોંઘાટપ્રિયતામાં ફેરવાઈ ગઈ છે. લોકના પૈસે વિકૃતિ પોષવી એ નરી અધાર્મિકતા છે. દૂધ-પૌંઆથી ઉજવાતી અને ચાંદનીના શીતલ કિરણોઝીલી, સાત્વિક મનોરંજન સાથે ભક્તિભાવ વધારતી નવરાત્રિ અને શરદપૂર્ણિમાને વલ્ગર તમાસાનું ગ્રહણ લાગી ચૂક્યું છે. પૌંઆને સ્થાને ઘારી કેવી રીતે ઘૂસી ગઈ! રાવણના પૂતળાને જાહેરમાં સળગાવવાથી કોઈ દુર્ગુણો નષ્ટ થતાં નથી. ‘સત્યમેવજયતે‘ના સૂત્રની માફક પૂતળાંદહનનો કાર્યક્રમ પણ નિરર્થક છે.

આપણા ઉત્સવો જીર્ણોદ્ધાર માંગે છે;ગાંડપણ તથા અબૌધ્ધિકતા નાબૂદ કરી એને  તાર્કિક બનાવવાની જરૂર છે. અનધિકૃત કબજો જમાવી બેઠેલા અને પબ્લિકના પૈસે મનસ્વી તમાસા કરનાર નિર્લજ્જ તત્વોને દૂર કરી બુદ્ધિમાનોએ સક્રિય થવું પડશે. માત્ર મંડપ ડેકોરેટર્સ, ડીજે, ઓરકેસ્ટ્રા અને મૂર્તિકારોના આર્થિક લાભાર્થે થતી બાબતો બાદ કરી સાદા છતાં ગૌરવભર્યાં આયોજન થવાં જોઈએ. ઉત્સવોને કમાણીનું સાધન સમજી બેસનારા સ્વાર્થી લોકોની ચુંગાલમાંથી બચવું જ પડશે.

 

આપણો જ કક્કો સાચો!

કેટલીક વસ્તુ જ્યારે વિના પ્રયત્ને મળી જાય છે ત્યારે તેનું મૂલ્ય આપણને સમજાતું નથી. આપણને વારસામાં મળેલી કેટલીક બાબતોમાં આમ જ થવા પામ્યું છે. કોઈ આપણને સમજાવે તો જ ખબર પડે કે જગતમાં કોઈની પાસે નથી એવી ઘણી બધી અમૂલ્ય ચીજોના આપણે માલિક છીએ. આપણે સાવ નિર્ધન નથી જ, ઊલટાના આપણે સૌથી વધારે સંપત્તિવાન છીએ. ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વરસાની વાત જવા દઈએ, પણ આપણા મૂળાક્ષરોની બાબતમાં તો આપણે સાચા અર્થમાં શ્રીમંત છીએ જ, એ વાત જો સમજાય તો આપણને આપણા પૂર્વજો પ્રત્યે જરૂર માનની લાગણી પેદા થાય.

કોઈ આપણને પૂછે કે તમને કક્કો બારાખડી આવડે છે? તો આપણને ઘડીભર તો એમ જ લાગે કે કેવો બેહુદો સવાલ છે! કક્કો બારાખડી શીખ્યા વિના જ શું આપણે આટલી ડિગ્રી સુધીનું ભણતર પ્રાપ્ત કર્યું હશે? આપણી ભાષામાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા? સ્વરનો ઉચ્ચાર ક્યાંથી થાય, કેવી રીતે થાય, વિવિધ વ્યંજનોનો ધ્વનિ ક્યાંથી નીકળે, બોલતી વખતે આપણી જીભ કયા કયા સ્થાનોને સ્પર્શે, હવા નાકમાંથી કે કંઠમાંથી કેટલા પ્રમાણમાં પસાર થાય તે બાબત પર જો વિચાર કરીએ તો એ વાતનું આશ્ચર્ય થાય કે, આપણા પૂર્વજોએ મગજની કેટલી બધી કસરત કરીને મૂળાક્ષરો શોધ્યા હશે અને વૈજ્ઞાનિક ઢબે એની ગોઠવણી કરી હશે!

નિશાળમાં ભણતી વખતે એ બધું સમજવા- સમજાવવાનો સમય નહોતો, આપણને અક્ષરનો પરિચય થાય એટલે પત્યું. ચલતીકા નામ ગાડી! અને એ ગાડી એવી રીતે ચાલતી જ રહી કે એનું મિકેનિઝમ સમજવાનું અને એની માવજત કરવાનું જ વિસારે પડી ગયું. કેટલાયે પાર્ટ્સ આપણે બેદરકારીથી ખોઈ નાંખ્યા, એ પાર્ટ્સ બીજે ક્યાંય ઉપલબ્ધ નથી એટલે આપણે જાતે જ સમજપૂર્વક એને પ્રસ્થાપિત કરવા પડશે. વિશ્વના આંગણે ફરતા થઈએ એટલે આંતર્રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી તો શીખવી જ પડે, પણ તેથી માતૃભાષાની અવગણના તો ન જ થઈ શકે ને? બીજાની સારી બાબતોનું અનુકરણ જરૂર કરવું જોઈએ પણ આપણી અમૂલ્ય મૂડીનું રક્ષણ પણ કેમ ભુલાય?

આજે આપણી પાસે ‘મ’ અને ‘ન’ એમ બે જ અનુનાસિક વપરાશમાં બચ્યા છે કારણ કે, અંગ્રેજીમાંM અને N એમ બે જ અનુનાસિકો છે. આપણી માતૃભાષામાં પાંચ અનુનાસિકો હતા. બાકીનાનો ઉપયોગ બંધ થયો એટલે ભૂલાઈ જવા આવ્યા છે, એટલું જ નહીં કોઈ એનો ઉપયોગ કરે તો આપણને તે અજુગતું લાગે છે! જમાનો પર્ફેક્શનનો ચાલે છે, છતાં આપણે પર્ફેક્ટ્નો જ ઉપહાસ કરીએ છીએ એય કેવી વિડંબના! ગંગા બોલતી વખતે બે ‘ગ’ ની વચ્ચે જે અનુનાસિક આવે તે ‘ન’ નથી, પણ અંગ્રેજીમાં Ganga લખાય એટલે આપણે અનુસ્વાર પછીનો વર્ણ ‘ગ’ જે વર્ગનો છે તેનો અનુનાસિક ‘ડં’ લખતા નથી. પછી બોલતી વખતે પણ ગન્ગા બોલીએ છીએ. મંજુલા અંગ્રેજીમાં (Manjula) લખતી વેળા એનો ઉચ્ચાર (મન્જુલા) બદલાઈ જાય છે. હંસ, વંશ, વાંસ અંગ્રેજીમાં લખતી વખતે Hans (હન્સ), Vansh (વન્શ) અને Vans (વાન્સ) લખીએ તો એનો ઉચ્ચાર બદલાય જાય છે. ટંડેલ બોલતી વખતે અનુસ્વારની જગ્યાએ ણ્ નો ધ્વનિ સંભળાવો જોઈએ પણ આપણને ટન્ડેલ સંભળાય છે કારણ કે,અંગ્રેજીમાં માટે કોઈ લિપિ ચિહ્ન નથી એમની પાસે M અને N–એમ રોકડા બે જ અનુનાસિકો છે એટલે આપણી પાસે યોગ્ય અનુનાસિક હોવા છતાં આપણે તે વાપરવાનો છોડી દીધો! પહેલાં લખવામાં અને પછી બોલવામાં!આપણે દૃષ્ટિનો ઉચ્ચાર દ્યષ્ટિ, દ્રુષ્ટિ કે દ્રષ્ટિ કરીએ છીએ. સંસ્કૃત ને બદલે સન્સ્ક્રિત બોલીએ છીએ, કૃષ્ણને આપણે ક્રશ્ન, કરસન, ક્રિશ્ન, કિસન બનાવી દીધો. અમૃતને અમ્રત કે અમરત બનાવી દીધા અને ગૃહપતિને ગ્રહપતિ!

આપણે જે ભાષા બોલીએ છીએ તે જુદા જુદા ધ્વનિઓની બનેલી છે. આ ધ્વનિઓ ધ્વનિપથમાંથી પસાર થતા વાયુને કારણે સંભવે છે. ફેફસાંમાંથી નીકળેલો વાયુ કંઠનાળમાં થઈને મુખ કે નાક વાટે બહાર નીકળે તેને ધ્વનિપથ કહેવાય. આ ધ્વનિપથમાંથી પસાર થતો વાયુ કોઈ પણ સ્થળે અવરોધાયા વગર સીધો બહાર આવે ને જે ધ્વનિ (અવાજ) નીકળે તેને ધ્વનિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ ‘સ્વ’ર કહેવાય અને આ વાયુ જો ક્યાંક કશે અવરોધાય તો તેનાથી પેદા થતા અવાજને ‘વ્યંજન’ કહેવાય. જો તે નહિવત એટલે કે નિગ્લિજીબલ અવરોધાય તો તેને અર્ધવ્યંજન અથવા અર્ધસ્વર તરીકે ઓળખવામાં આવે છે.

આપણી વર્ણમાળામાં સ્વર –( અ, આ, ઇ, ઈ, ઉ, ઊ,ઋ,એ,ઐ,ઓ ઔ) અને વ્યંજનો ( ક્, ખ્, ગ્, ઘ્….જ્ઞ સુધીના) ને જુદા પાડવામાં આવ્યા છે. રોમન લિપિ કે જેમાં અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પૅનિશ વગેરે ભાષા લખાય છે તેમાં આવું વિભાજન કરવામાં આવ્યું નથી. અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ – સ્વરો આલ્ફાબેટમાં વેર વિખેર પડ્યા છે. શાસ્ત્રીય વર્ગીકરણ એ વિજ્ઞાનનું પાયાનું એક લક્ષણ છે.એ દૃષ્ટિએ તો આપણો કક્કો સ્વર અને વ્યંજનનું સુસ્પષ્ટ વર્ગીકરણ ધરાવતી દુનિયાની એકમાત્ર વૈજ્ઞાનિક વર્ણમાળા છે એટલું જ નહીં, વ્યંજનોમાં પણ આંતરિક વર્ગીકરણ કરવામાં આવેલું છે.‘અ’ અને ‘આ’ કંઠ સ્થાનેથી, ‘ઇ’ અને ’ઈ’ તાલુ સ્થાનેથી, ‘ઉ’ અને ‘ઊ’ હોઠ પાસેથી ઉચ્ચારાય છે તેથી તે અનુક્રમે કંઠ્ય, તાલવ્ય અને ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે.કંઠ, તાલુ, મૂર્ધા, દાંત અને હોઠ થકી ઉચ્ચારિત થતા વ્યંજનો ક્રમ મુજબ ગોઠવાયેલા છે.

અનુનાસિક એટલે નાકમાંથી બોલાતો વ્યંજન. એ બોલતી વખતે આપણી જીભ જે તે સ્થાને વાયુને રોકી દઈને તેને નાકને રસ્તે બહાર નીકળવાની ફરજ પાડે છે. ‘S.’કંઠ્ય અનુનાસિક છે કારણ કે, તે બોલતી વખતે જીભ કંઠના ભાગે ચોંટી જઈ હવાને નાકના રસ્તે ધકેલે છે.‘ગ’અનુનાસિક બોલતી વખતે જીભ તાલુ સ્થાનેથી હવાને વાળી દે છે, ‘ણ’ બોલતી વખતે મૂર્ધાને સ્થાનેથી ‘ન’ બોલતી વખતે દાંતના સ્થાનેથી અને‘મ’ બોલતી વખતે હોઠ પાસેથી હવાને રોકીને નાસિકા વાટે બહાર ધકેલે છે. વ્યંજનોને પાંચ વર્ગોમાં ગોઠવેલા છે, પ્રથમ વર્ણના આધારે તે ‘ક’ વર્ગ, ‘ચ’ વર્ગ,’ ટ’ વર્ગ ‘ત’ વર્ગ અને ‘પ’ વર્ગના નામે તે ઓળખાય છે.‘ય’,’ર’,‘લ’,’વ’ આ વર્ણો ‘અંત:સ્થ’ તરીકે ઓળખાય છે કારણ કે, આ ધ્વનિઓ સ્વર અને વ્યંજનની વચ્ચે, અંતરાલમાં રહેલા છે. વર્ણમાળામાં છેલ્લે ઉષ્મન ધ્વનિઓ મૂકેલા છે. પહેલાં મૂર્ધન્ય ‘ષ’, ત્યારબાદ તાલવ્ય ‘શ’ અને તેના પછી દંત્ય ‘સ’, એવો તેનો અનુક્રમ છે.એ દરેકનો ધ્વનિ અલગ હોવા છતાં તેનો ઉચ્ચાર જોઈ શીખવતું ન હોવાથી આપણે તેમને સમાન ગણીને વિકલ્પ તરીકે લખતા અને બોલતા આવ્યા છીએ. સૌરાષ્ટ્ર તરફના લોકો તો ‘ચ’ નો ઉચ્ચાર પણ ‘સ’ જેવો જ કરે છે. ‘હ’ ને સંસ્કૃતમાંથી લીધો છે અને ‘ળ’ એ વિશિષ્ઠ એવો ગુજરાતી ધ્વનિ છે. છેક છેલ્લે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ લખાય છે, પણ તે સ્વતંત્ર વ્યંજનો નથી. ‘ક્ષ’ એ‘ક્’ અને ‘ષ્’ નો જોડાક્ષર તો ‘જ્ઞ’ એ ‘જ્’ અને ‘ગ્’ નો જોડાક્ષર છે. આ બધી માથાકૂટ સમજાવવામાં જલસો દીપોત્સવી અંકે મદદ કરી છે તેનો આભાર માનવો રહ્યો. આપણા તમામ વ્યંજનો ખોડા એટલે કે હલંત છે. કોઈ વ્યંજન પૂર્ણ નથી. એની સાથે જ્યારે સ્વર ‘અ’ ઉમેરાય ત્યારે જ એ પૂર્ણ બને છે, એ વાત યાદ રાખવા જેવી છે. ગીતામાં ભગવાને અમસ્થું જ નથી કહ્યું કે, अक्षराणाम् अकारोस्मि – અક્ષરોમાં ‘અ’ એ મારી વિભુતિ છે. શિવ વગર જીવનું અસ્તિત્વ જ નહીં! ૨૭૦૦ વર્ષ પહેલાં રચાયેલી આ વર્ણમાળાની વૈજ્ઞાનિકતાથી વિદેશના વિદ્વાનો ચકિત થાય છે, પણ આપણે મન તો ‘ઘરકી મુરગી દાલ બરાબર!’

કરવા જઈએ કંસાર અને થઈ જાય થૂલી

પીડિત, આફતગ્રસ્ત અને અભાવમાં જીવનારા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા વર્ષાવનાર સજ્જનોની કોઈ જમાનામાં ખોટ નથી પડી. રેલ, દુકાળ, ધરતીકંપ, અકસ્માત, રોગચાળો જેવી આપત્તિ આવી પડે ત્યારે સમાજના પરોપકારી માણસો મોકળા મનથી પોતાની સંપત્તિ, શક્તિ અને સમયનો વિનિયોગ કરીને દુ:ખીજનોની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે. કોઈ પ્રસિદ્ધિ, કદર કે ઈનામની અપેક્ષા વગર મૂંગે મોઢે કામ કરનારા અનેક લોકો અને સંસ્થાઓ સમાજમાં સક્રિય છે, એ આનંદ અને ગૌરવદાયી ઘટના છે. સરકાર કરતાંય આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમાજમાં ઘણા કામો થતાં રહેલાં છે.

શિયાળાની ઋતુમાં ધાબળાદાન, ઉનાળામાં શીતળ પેયજળ કે છાસકેન્દ્રો, વિદ્યાર્થીઓને નોટબુક, પુસ્તકો, અન્ય જરૂરી સ્ટેશનરી, બૂટ-ચંપલ, છત્રી, રેઈનકોટ વગેરે વહેંચવું એ પૂણ્યકાર્ય છે. રોટરી, લાયન્સ જેવી સેવાભાવી આંતર્રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચાલતા નેત્રયજ્ઞો, દંતયજ્ઞો કે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો દ્વારા જરૂરતમંદો માટે ઉપયોગી કામો થતાં રહેલાં છે. કેટલાક સેવાકાર્યોની જાણ દૈનિક અખબાર કે અન્ય સામયિકો દ્વારા આપણને થાય છે, તો કેટલાક સેવાકાર્યોની સુવાસ આપણને વિશ્વાસુ સજ્જનો દ્વારા મળે છે. આવું, ભલાઈનું કોઈ કામ આપણા હાથે પણ થવું જોઈએ અથવા એવી સંસ્થાઓ કે ગ્રુપ સાથે જોડાઈને આપણે પણ કંઈક યોગદાન આપવું જોઈએ એવી સદ્પ્રેરણા આપણા હૃદયમાં જાગે છે.

પૂજા અને ધ્યાન તો ઘરમાં પણ થઈ શકે, એ માટે મંદિરોની કોઈ જરૂર નથી. મંદિરો ઊભા કરવા પાછળ કોઈ વિશિષ્ઠ અર્થ હોય તો તે એ  કે મંદિર એ ગામનું ભાવકેન્દ્ર અને સંસ્કારકેન્દ્ર બને. પરમ પિતા ઈશ્વરના અધ્યક્ષપણા હેઠળ ગામના સંચિતો ને વંચિતો ભેગા મળે. સંસ્કાર, સત્કાર્યો અને ગામની સુખાકારી માટેના ત્યાં આયોજનો થાય. ગામ કુટુંબભાવનાથી એકત્ર મળે. એકમેકના સુખ દુ:ખથી વાકેફ થાય અને અગવડ ટાણે એકબીજાને મદદરૂપ થાય. આવાં મંદિરો ગામમાં અવશ્ય હોવાં જઈએ. મંદિરો એ ગામના અર્થ-સામાજિક કેન્દ્રો બનવા જોઈએ. તો એ ગામની શોભા બની શકે. દેખાદેખીથી અથવા કોઈના મનમાં તરંગ આવે કે ગામમાં એકાદ મંદિર હોવું જોઈએ અને ભંડોળ ઉઘરાવીને સુંદર ઈમારત તૈયાર થઈ જાય. આરસની મનોહર મૂર્તિય આવી જાય, પણ પરિવારભાવનાથી ગામના લોકો ભગવાન પાસે બેસીને સત્કાર્યો કરતા ના હોય તો એવા મંદિરોનો કોઈ અર્થ નથી. માત્ર મંદિર બનાવવું એ કોઈ સત્કૃત્ય નથી. નિરંતર સત્કાર્યો ચાલતા રહેવા જોઈએ. આજે તો મંદિરો હાટ બનતા જાય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને મંદિર વચ્ચેનું સામ્ય વધતું જાય છે.

ગામમાં લાયબ્રેરી હોવી જોઈએ, જાહેર પુસ્તકાલયો એ જ્ઞાનની પરબ છે, પણ તે કોના માટે? કોઈ જ્ઞાનપિપાસુ હોય તેના માટે. કમનસીબે, એવાં કેટલાંય પુસ્તકાલયો છે જેનાં પુસ્તકો પર ધૂળના થર જામી ગયેલા દેખાય છે, કોઈ એને વાંચતું નથી. કોઈને ધૂળ સાફ કરવાની આવશ્યકતા જણાતી નથી. વૈભવી ગણાતી લાયબ્રેરીની પણ આ જ દશા છે. પુસ્તકો તો ઠીક, પણ આજની તારીખનું અખબાર પણ હાથમાં આવતું નથી. લાયબ્રેરી એટલે નવરા લોકોને નિરાંતે ઊંઘવાનું સ્થાન! કોઈ કર્મચારી કે સંચાલક પણ એવા લોકોને આવતા રોકવાની તસ્દી લેતા ન હોય તો એવી લાયબ્રેરીની ભવ્યતાના ગુણગાન ગાવાનો કોઈ જ અર્થ નથી. સાચી ધાર્મિકતા જગાડ્યા વિનાના મંદિરો અને જ્ઞાનની ભૂખ જગાડ્યા વિનાના પુસ્તકાલયો કીંમતી જગ્યા ખોટેખોટી રોકે છે. સર્વે કરીએ તો એવું તારણ નીકળવાનો પૂરો સંભવ છે કે, અમુક મર્યાદિત લોકો સિવાય અન્ય લોકો એનો લાભ લેતા નથી. એનો અર્થ એ જ કે સમાજમાં સાચી ધાર્મિકતા વધારવામાં મંદિરો સરેઆમ નિષ્ફળ ગયાં છે અને લોકોની જ્ઞાનક્ષુધા જગાડવામાં પુસ્તકાલયોએ નાદારી નોંધાવી છે.

અખબારમાં અવાર નવાર સમાચારો પ્રગટે છે કે ઠંડીમાં ગરીબોને ઓઢાડેલા ધાબળા બીજે દિવસે બજારમાં વેચાઈ જાય છે અને તેનો દારૂ પીવાય જાય છે. વિદ્યાર્થીઓને ભણવા માટે અપાયેલી સ્કોલરશીપમાંથી ટીવી, મોબાઈલ કે બીજાં શોખના સાધનો ખરીદાઈ જાય છે. નવસારીમાં એકવાર રેલ આવેલી ત્યારે નારણલાલા કંસારાની દુકાનેથી ખરીદીને દાનમાં અપાયેલા વાસણો બીજે દિવસે એ જ દુકાનમાં વેચીને તેમાંથી રેડિયો સેટ ઘણાં ઝૂપડામાં આવી ગયેલા. બધે જ આ પરિસ્થિતિ છે. આફત આવે એટલે અમુક લોકોના ચહેરા પર ચમક આવે!  હવે મદદનો ધોધ વહેશે અને જે મળે તેમાંથી દબાવી રાખેલી ઈચ્છા પૂરી કરી શકાશે! લોકો આશાળભૂત થઈ ગયા છે. અભાવગ્રસ્ત વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ચીજ વસ્તુ વહેંચવા જનારા સજ્જનોને અનુભવ છે કે અમુક વર્ગમાં મદદ માંગવાની અને મદદ પર જીવવાની ભૂખ જાગી છે. આ ભૂખમાંથી ભીખ જન્મે છે. પાછા ક્યારે આવવાના છો અને બીજીવાર શું વહેંચવાના છો એવી પૃચ્છા થાય છે. લોકોને લોન લઈ, હુન્નર કરીને આગળ આવવું નથી પણ લોન પરની સબસીડી જોઈએ છે. લોન તો પાછી વાળવાની હોય જ્યારે સબસીડી તો શીરાની જેમ ગળે જ ઉતારી દેવાની હોય. પૈસા ઉછીના નથી જોઈતા પણ મદદ તરીકે જોઈએ છે. સદ્ વિચારોની નહીં, પણ સારા અને મફતમાં મળતાં ભૌતિક સાધનોની ભૂખ જાગી છે. પરોપકારી અને દાનવીર થવાની હોશ વગરની હોંશ એને માટે જવાબદાર છે. માનવતાવાદી ગણાવવાની ઘેલછાથી આચરેલો અતિ ઉત્સાહ માણસોને બગાડે છે. મદદ કરનારની ભાવના ખરેખર ઊંચી છે પણ પરિણામ વિપરીત છે; ત્યારે શું દાન કરવુંજ નહીં? કોઈને મદદ કરવી જ નહીં? બહુ પેચીદો પ્રશ્ન છે. મદદ તો કરવી જ છે, રાહતકાર્ય તો કરવા જ જોઈએ. જેમને આપણે ઓળખતા હોઈએ, જેના ગુણ અવગુણોનો આપણને પરિચય છે અને જેમની સાથે આપણો સંબંધ છે, જેની સાચી જરૂરિયાતનો આપણને ખ્યાલ છે અને મદદનો દુરૂપયોગ નથી જ થવાનો એનો આપણને ભરોસો છે, તેમને આંગળી આપી ઊંચે લાવવા એ ધર્મકાર્ય છે. પણ, જેઓ હંમેશાં મદદ પર જ જીવવા માંગતા હોય તેમને ઉત્તેજન આપવું એ અધર્મ છે. પરંતુ માણસો જોડે સંબંધ પ્રસ્થાપિત કરી એની જરૂરિયાત સમજવા જેટલો સમય જ કોની પાસે છે?

એક જવાબદાર માતા અને બીજો ઈશ્વર તેના સંતાનોને કઈ વસ્તુની, ક્યારે અને કેટલી જરૂર છે તે સારી રીતે સમજે છે અને તે જ પ્રમાણે તે જરૂરત પૂરી કરે છે. સંતાન અને ભક્તો તો જ્યારે જે મન થાય તે પ્રાપ્ત કરવાની જીદ પકડીને રડે, પણ કલ્યાણ ઈચ્છતી મા તેને રડવા જ દે છે. ઈશ્વર પણ ભક્તોને ટટળાવતો હોય છે. મા અને ઈશ્વર નિષ્ઠુર દેખાય, પણ તેને હૈયે સંતાનોનું  હિત વસેલું હોય છે. તેથી કેટલીક વસ્તુ માંગ્યા વગર પણ આપી દે છે જ્યારે કેટલીક વસ્તુ ગમે તેટલા આક્રંદ બાદ પણ નથી આપતા. આપણે જેને મદદ કરવા માગીએ છીએ તેને ખરેખર મદદની આવશ્યકતા છે કે કેમ, કેવા પ્રકારની અને કેટલી મદદની જરૂર છે તેનો વિવેકપૂર્વક ક્યાસ કાઢીને મદદ કરવામાં આવે તો એ જરૂર આશીર્વાદરૂપ નીવડે, એ માટે ફિલ્ડવર્કરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આવેશમાં આવીને, સત્કાર્ય કરવાની ચળ ધરાવતા સજ્જનો કંસાર કરવા જાય છે, પણ તેની અજાણપણે થૂલી થઈ થઈ જાય છે. તેથી જ લાયબ્રેરીના પુસ્તકોને ઊધઈ લાગે છે, રખડુ લોકો ત્યાં આવીને નિરાંતે પગ લંબાવી ઊંઘે છે. મંદિરોમાં ભગવાન ઢંકાઈ જાય છે, સંસ્કારને બદલે અર્થોપાર્જનના ધામ બને છે, તથા પ્રસંગોચિત મદદ પ્રાપ્ત કરી સ્વમાનપૂર્વક ઊભા થવાને બદલે પરોપજીવી વર્ગ ઊભો થાય છે.

શબ્દો આપણાં સ્વજનો

          આ વિશ્વમાં કશુંય સ્થાયી નથી; જગત પરિવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે સૃષ્ટિ બદલાતી રહે છે. માણસો પણ બદલાય છે અને સંબંધો પણ બદલાતા રહે છે. આપણે પોતે પણ હવે પહેલાંના જેવા ક્યાં રહ્યા છીએ! શરીરની અવસ્થા બદલાય છે, ખાવા પીવાની વસ્તુ અને રીત બદલાય છે. વસ્ત્રપરિધાન, જીવન વ્યવહાર, શાળાનો અભ્યાસક્રમ અને નોકરી વ્યવસાયની રસમો બદલાય છે. જૂનું ભુલાય છે અને એને સ્થાને નવું જ કંઈક આવીને ગોઠવાય છે. કેટલાક પરિવર્તનો આપણને ગમે છે, કેટલાક પરિવર્તનો સમજાતા નથી, તેથી શરૂઆતમાં ગમતા પણ નથી. ધીમે ધીમે વિરોધ ઓગળતો જાય છે અને ન ગમતા ફેરફારો જોડે અનુકૂલન સધાતું જાય છે.

          બધું જ બદલાતું હોય ત્યારે આપણી વાતચીતમાં વપરાતા શબ્દો પણ કેમ બાકાત રહે? કહેવાય છે કે ગમે તેટલું નજીકનું સગપણ હોય, પણ અવર જવર વગરનો સંબંધ નકામો. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. અર્થસભર શબ્દો પણ વપરાશના અભાવે ભૂલાતા જાય છે. ટેકનોલોજીના વિકાસ સાથે આપણે નવા નવા સાધનો વાપરતા થયા તેને કારણે નવા શબ્દોના પરિચયમાં આવ્યા અને હવે તે આપણા જીવન સાથે વણાઈ ગયા. પહેલાં સહજપણે મોઢા પર આવી જતા જૂના શબ્દો વપરાશના અભાવે આપણે ભૂલવા પણ માંડ્યા.

          આપણાં ગામડાંઓમાં પહેલાં ખેતી કરવા માટે બળદનો ઉપયોગ થતો અને વાહન વ્યવહારના સાધન તરીકે બળદગાડાનું ચલણ ચાલતું હતું, પણ ટ્રેકટરો આવવાથી બળદો ગયા અને બળદગાડાંય ગયાં. પજારીમાં જ્યાં બળદો બંધાતા ત્યાં ટ્રેકટરો ગોઠવાતા થયાં. પશુઓ માટે ઘાસ, ચારના ભારા ગોઠવાતા ત્યાં ડિઝલના પીપડા મૂકાતા થયા. સ્વાભાવિક રીતે બળદો ન રહેવાથી પરાણા અને પરાણીઓ પણ ગઈ. પશુધન ઓછું થઈ જવાથી વાડામાં સીંચાતા ઘાસ પરાળના કુંદવા પણ ગયા. દર પાંચ – છ દિવસે ખેડૂતોને ત્યાં વલોણું થતું તે બંધ થવાથી ગોળી, રવઈ, નેતરાં, દોણી અને નાના વારિયાં અલોપ થઈ ગયાં. બળદના દોર, મછોટી, ઘૂઘરા, ઢોરને બાંધવાના ખૂંટા, સાંકળ, મઢ્ઢી અને અડોલી ગઈ. તાજી વિયાયેલ ભેંસના દૂધથી બનતી બરી પણ અલભ્ય બની ગઈ. પરગામ જતી વેળા બળદને નીરવા માટે ગાડામાં ઘાસ-પરાળ પાથરીને તેના પર ગોદડી પાથરી તેના પર બેસવામાં આવતું. સામાન પાંજરી તરફ મૂકાતો, હવે બળદગાડા સાથે તેની પાંજરી પણ ગઈ અને કારની ડીકી આવી ગઈ. ઘાસ ચારાને બદલે વાહનની ટાંકીમાં પેટ્રોલ પૂરાવવાનું ચાલુ થયું.

          દાતણ છૂંદવા અને નિશાળમાં ઘંટ વગાડવા માટે વપરાતી લાકડાની મોગરી છેલ્લે ક્યારે જોઈ હશે તે યાદ નથી આવતું. જૂની લોકપ્રિય કહેવતો સમજાવવી અઘરી બનતી જાય છે. ‘આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ‘, કહેવતમાં ઉલાળ અને ધરાળ શબ્દોને કેવી રીતે સમજાવવા? ‘આજની ઘડી ને કાલનો દા‘ડો‘, એમાં ઘડીનું માપ કેવી રીતે સમજવાનું? –ઘડી,પળ, વિપળને સ્થાને કલાક, મિનિટ, સેકંડ ગોઠવાઈ ગયાનેય ખાસ્સો સમય થઈ ગયો. રાજ્યના મુખ્ય પ્રધાન કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતોય નથી એના અનુસંધાનમાં વપરાતી કહેવત ‘ગંજીનો કૂતરો પોતે ખાય નહિ ને કોઈને ખાવા દે નહિ‘- અહીં વપરાતા ગંજી શબ્દને કયા અર્થમાં લેવો, આપણે તો અંડરવેર તરીકે ગંજી પહેરતા આવ્યા છીએ! કૂંદવું ક્યાં શોધવા જવું?‘ નેવના પાણી મોભે ચડે નહિ‘, પણ હવે તો ધાબાં આવી જવાથી નેવાણાં પણ રહ્યા નથી, નેવના પાણી ઝીલવાની મજા જ જતી રહી છે. આજના મકાનોમાં મોભ, ગયા, ભારોટિયા, ટોડલા, અડારા રહ્યા જ નથી, અરે! હવે તો ઊંબર પણ જવા માંડ્યા છે. ‘આપણી તે લાપસી અને પરાઈ તે કુસકી‘ પહેલાં ગાડાં ભરીને ભાત (ડાંગર) ખંડાવવા મિલમાં જતા. ભાતના છોડા તે કૂસકો અને બારીક છોડા સાથે ચોખાના થોડા અંકુરો પણ આવે તે કુસકી! આ કુસકી ખાવામાં મીઠી લાગે, એટલે બાળકો મૂઠી ભરી ભરીને મોઢામાં ઓરે. દૂધ દેતી ભેંસને ટોપલો માંડવામાં પણ કુસકીનો ઉપયોગ થતો. હમણાંના બાળકોને કુસકી ક્યાં જોવા મળે? કણકી જોવા મળે ખરી! ફીફાં ખાંડવા એટલે વ્યર્થ મહેનત કરવી, પણ ફીફાં કોને કહેવાય? ‘ફીફાં‘ એટલે અનાજના છોતરાં. છોતરાંને ખાંડવાથી કંઈ મળવાનું નથી.
ફીસું એટલે ઓછા જોરવાળું, ઢીલું, નરમ એવો અર્થ થાય; ઝાડ પર ચડ્યા હોઈએ અને નાજુક ડાળી પર પગ ટેકવીએ  કે તરત જ વડીલો ચેતવે કે આ ઝાડની ડાળી વધારે ફીસી આવે એટલે એનો ભરોસો નહિ. ફેં ફાટવી એ શબ્દ પ્રયોગમાં‘ ફેં‘ નો અર્થ શો થાય એમ અમે બધાને પૂછતા પણ કોઈ જવાબ મળતો નહિ, શબ્દોનો અર્થ સમજ્યા વગર માત્ર ટેવને કારણે તથા લોકોમાં તે પ્રચલિત હોવાને કારણે આપણે વાપરતા રહ્યા છીએ, પણ એનો સચોટ અર્થ છે, થાકને લીધે હાંફી જવાથી ગળામાંથી આવતો અવાજ. પહેલાંના વડીલો ગુસ્સે થતા ત્યારે ચાવણમાં ઓઝટ મારીને બત્રીસે બત્રીસ દાંત ખંખેરી નાંખવાની ધમકી આપતા! એ ચાવણ એટલે લમણું અર્થાત્ જડબાંવાળો ભાગ. પત્રની શરૂઆત ‘સવિનય જત જણાવવાનું કે‘ થી થાય, પણ ‘જત” નો અર્થ કોઈ જણાવતું નથી એક રૂઢિ તરીકે લખાતો હશે એમ માની લઈએ. જખ મારવી શબ્દ નિર્દોષ છે પણ એનો ધ્વનિ આપણને ગાળ જેટલી ચોટ પહોંચાડે છે.

          હેરાનગતિ કરવા આપણી પાસે  કોઈ નક્કામી મહેનત કરાવે તેને માટે પત્તર રંગવી, પત્તર ખાંડવી, પત્તર ધામવી જેવા શબ્દો વાપરતી વખતે આપણે સાવધ થઈ જઈએ, અજાણપણે કયાંક અજુગતું તો નથી બોલતા ને, એવો છૂપો ભય લાગે. સાર્થ જોડણીકોષે એનો અર્થ આપવાનું ટાળ્યું છે, પણ ભગવદ્ગોમંડળે  પત્તરનો એક અર્થ ‘કાગળ’ની સાથોસાથ બીજો અર્થ ‘મળદ્વાર’ પણ આપ્યો છે. ”મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો” દાનો એટલે પ્રામાણિક, ડાહ્યો, સમજુ, વિવેકી. પણ દાથરો શબ્દ મૂઠિયાં, પાતરાંને વરાળથી બાફતી વખતે તેને વાસણમાં મૂકેલા પાણીથી અધ્ધર રાખવા જે ઘાસ મૂકવામાં આવે તેને માટે વપરાય છે. શહેર કે કસબામાં ઘાસ ક્યાં લેવા જઈએ, એટલે લાકડાની પટ્ટી જડેલો, વાસણને બંધબેસતો થાય એવો દાથરો અથવા કાણાંવાળી ડીશ બજારમાં મળે છે, જેને ફેંકવો નથી પડતો.
મોબાઈલ શબ્દનો અર્થ થાય હરતું ફરતું. આજ સુધી આપણે મોબાઈલ દવાખાનું, મોબાઈલ લાઈબ્રેરી, મોબાઈલ બેંક – જેવા શબ્દો સાંભળ્યા હતા, પણ લગભગ એક દાયકાથી સેલફૉન વધારે પ્રચલિત થયા. ઘર કે ઓફિસ છોડીને માર્કેટિંગ કરતા કે બહાર ફરતા લોકોનો પણ ઝડપથી સંપર્ક કરવા માટે એ ખૂબ ઉપયોગી સાધન છે. ‘મોબાઈલ‘ શબ્દ સાંભળતાંની સાથે જ બીજું કંઈ યાદ ન આવતાં સૌ પ્રથમ તો મોબાઈલ ફૉન જ યાદ આવે, જાણે કે એ સેલફૉનનો પર્યાય ન હોય! કેટલીક માહિતી આપણા મગજમાં હોય પણ જલદી હોઠ પર જ ન આવે, ત્યારે આપણને અકળામણ થાય અને બોલી ઉઠિએ, “ભાઈ મગજમાં છે, પણ જલદી ડાઉનલોડ નથી થતું!”   કેટલીક જૂની માહિતી ‘ડિલિટ’ પણ થઈ જતી હોય છે. ઉપયોગના અભાવે ભૂલી જવાય.

          આપણને ગમતાં નવાં પુસ્તકો વસાવતા જઈએ, ગમતાં  ગીતોની નવી નવી સીડીઓ લાવીએ, નવા સંબંધીઓ અને ગમતા માણસો જોડે મૈત્રી બંધાતી જાય. એ સૌ મહત્ત્વના અને ઉપયોગી છે, પણ સમયના અભાવે બધા જોડે સંપર્કમાં રહી શકાતું નથી તેથી તેમની અવજ્ઞા થતી હોય તેવું લાગે. સંબંધો ભૂલાવા લાગે. સંબંધોની કડી મેળવવા સંદર્ભો આપવા પડે. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. ભુલાવા આવેલા શબ્દોનો પરિચય તાજો કરવા માટે ડિક્ષનરી અથવા શબ્દકોષો ઉથલાવવા પડે. ચિર પરિચિત સંબંધી કે મિત્ર વરસો પછી આપણને ભેટી જાય ત્યારે શરૂઆતમાં તો આપણને એમ જ લાગે કે આમને ક્યાંક જોયા છે. કોણ છે ને ક્યાં જોયા છે, તે યાદ નથી આવતું પણ જરાક થોભી જઈને પરિચય પામવાનો પ્રયત્ન કરીએ અને ઓળખાણ તાજી થાય ત્યારે ખોવાયેલો ખજાનો પુન: પ્રાપ્ત થયાનો આનંદ રોમે રોમ રણઝણી ઊઠે! શબ્દો પણ આપણા સન્મિત્રો છે, સ્વજનો છે; ક્યારેક એને યાદ કરીને ઓળખવાની કોશિષ કરી જોવા જેવી ખરી; એને પામવાનો આનંદ અદ્વિતીય છે.

–પરભુભાઈ એસ. મિસ્ત્રી