આ વિશ્વમાં કશુંય સ્થાયી નથી; જગત પરિવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે સૃષ્ટિ બદલાતી રહે છે. માણસો પણ બદલાય છે અને સંબંધો પણ બદલાતા રહે છે. આપણે પોતે પણ હવે પહેલાંના જેવા ક્યાં રહ્યા છીએ! શરીરની અવસ્થા બદલાય છે, ખાવા પીવાની વસ્તુ અને રીત બદલાય છે. વસ્ત્રપરિધાન, જીવન વ્યવહાર, શાળાનો અભ્યાસક્રમ અને નોકરી વ્યવસાયની રસમો બદલાય છે. જૂનું ભુલાય છે અને એને સ્થાને નવું જ કંઈક આવીને ગોઠવાય છે. કેટલાક પરિવર્તનો આપણને ગમે છે, કેટલાક પરિવર્તનો સમજાતા નથી, તેથી શરૂઆતમાં ગમતા પણ નથી. ધીમે ધીમે વિરોધ ઓગળતો જાય છે અને ન ગમતા ફેરફારો જોડે અનુકૂલન સધાતું જાય છે.
બધું જ બદલાતું હોય ત્યારે આપણી વાતચીતમાં વપરાતા શબ્દો પણ કેમ બાકાત રહે? કહેવાય છે કે ગમે તેટલું નજીકનું સગપણ હોય, પણ અવર જવર વગરનો સંબંધ નકામો. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. અર્થસભર શબ્દો પણ વપરાશના અભાવે ભૂલાતા જાય છે. ટેકનોલોજીના વિકાસ સાથે આપણે નવા નવા સાધનો વાપરતા થયા તેને કારણે નવા શબ્દોના પરિચયમાં આવ્યા અને હવે તે આપણા જીવન સાથે વણાઈ ગયા. પહેલાં સહજપણે મોઢા પર આવી જતા જૂના શબ્દો વપરાશના અભાવે આપણે ભૂલવા પણ માંડ્યા.
આપણાં ગામડાંઓમાં પહેલાં ખેતી કરવા માટે બળદનો ઉપયોગ થતો અને વાહન વ્યવહારના સાધન તરીકે બળદગાડાનું ચલણ ચાલતું હતું, પણ ટ્રેકટરો આવવાથી બળદો ગયા અને બળદગાડાંય ગયાં. પજારીમાં જ્યાં બળદો બંધાતા ત્યાં ટ્રેકટરો ગોઠવાતા થયાં. પશુઓ માટે ઘાસ, ચારના ભારા ગોઠવાતા ત્યાં ડિઝલના પીપડા મૂકાતા થયા. સ્વાભાવિક રીતે બળદો ન રહેવાથી પરાણા અને પરાણીઓ પણ ગઈ. પશુધન ઓછું થઈ જવાથી વાડામાં સીંચાતા ઘાસ પરાળના કુંદવા પણ ગયા. દર પાંચ – છ દિવસે ખેડૂતોને ત્યાં વલોણું થતું તે બંધ થવાથી ગોળી, રવઈ, નેતરાં, દોણી અને નાના વારિયાં અલોપ થઈ ગયાં. બળદના દોર, મછોટી, ઘૂઘરા, ઢોરને બાંધવાના ખૂંટા, સાંકળ, મઢ્ઢી અને અડોલી ગઈ. તાજી વિયાયેલ ભેંસના દૂધથી બનતી બરી પણ અલભ્ય બની ગઈ. પરગામ જતી વેળા બળદને નીરવા માટે ગાડામાં ઘાસ-પરાળ પાથરીને તેના પર ગોદડી પાથરી તેના પર બેસવામાં આવતું. સામાન પાંજરી તરફ મૂકાતો, હવે બળદગાડા સાથે તેની પાંજરી પણ ગઈ અને કારની ડીકી આવી ગઈ. ઘાસ ચારાને બદલે વાહનની ટાંકીમાં પેટ્રોલ પૂરાવવાનું ચાલુ થયું.
દાતણ છૂંદવા અને નિશાળમાં ઘંટ વગાડવા માટે વપરાતી લાકડાની મોગરી છેલ્લે ક્યારે જોઈ હશે તે યાદ નથી આવતું. જૂની લોકપ્રિય કહેવતો સમજાવવી અઘરી બનતી જાય છે. ‘આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ‘, કહેવતમાં ઉલાળ અને ધરાળ શબ્દોને કેવી રીતે સમજાવવા? ‘આજની ઘડી ને કાલનો દા‘ડો‘, એમાં ઘડીનું માપ કેવી રીતે સમજવાનું? –ઘડી,પળ, વિપળને સ્થાને કલાક, મિનિટ, સેકંડ ગોઠવાઈ ગયાનેય ખાસ્સો સમય થઈ ગયો. રાજ્યના મુખ્ય પ્રધાન કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતોય નથી એના અનુસંધાનમાં વપરાતી કહેવત ‘ગંજીનો કૂતરો પોતે ખાય નહિ ને કોઈને ખાવા દે નહિ‘- અહીં વપરાતા ગંજી શબ્દને કયા અર્થમાં લેવો, આપણે તો અંડરવેર તરીકે ગંજી પહેરતા આવ્યા છીએ! કૂંદવું ક્યાં શોધવા જવું?‘ નેવના પાણી મોભે ચડે નહિ‘, પણ હવે તો ધાબાં આવી જવાથી નેવાણાં પણ રહ્યા નથી, નેવના પાણી ઝીલવાની મજા જ જતી રહી છે. આજના મકાનોમાં મોભ, ગયા, ભારોટિયા, ટોડલા, અડારા રહ્યા જ નથી, અરે! હવે તો ઊંબર પણ જવા માંડ્યા છે. ‘આપણી તે લાપસી અને પરાઈ તે કુસકી‘ પહેલાં ગાડાં ભરીને ભાત (ડાંગર) ખંડાવવા મિલમાં જતા. ભાતના છોડા તે કૂસકો અને બારીક છોડા સાથે ચોખાના થોડા અંકુરો પણ આવે તે કુસકી! આ કુસકી ખાવામાં મીઠી લાગે, એટલે બાળકો મૂઠી ભરી ભરીને મોઢામાં ઓરે. દૂધ દેતી ભેંસને ટોપલો માંડવામાં પણ કુસકીનો ઉપયોગ થતો. હમણાંના બાળકોને કુસકી ક્યાં જોવા મળે? કણકી જોવા મળે ખરી! ફીફાં ખાંડવા એટલે વ્યર્થ મહેનત કરવી, પણ ફીફાં કોને કહેવાય? ‘ફીફાં‘ એટલે અનાજના છોતરાં. છોતરાંને ખાંડવાથી કંઈ મળવાનું નથી.
ફીસું એટલે ઓછા જોરવાળું, ઢીલું, નરમ એવો અર્થ થાય; ઝાડ પર ચડ્યા હોઈએ અને નાજુક ડાળી પર પગ ટેકવીએ કે તરત જ વડીલો ચેતવે કે આ ઝાડની ડાળી વધારે ફીસી આવે એટલે એનો ભરોસો નહિ. ફેં ફાટવી એ શબ્દ પ્રયોગમાં‘ ફેં‘ નો અર્થ શો થાય એમ અમે બધાને પૂછતા પણ કોઈ જવાબ મળતો નહિ, શબ્દોનો અર્થ સમજ્યા વગર માત્ર ટેવને કારણે તથા લોકોમાં તે પ્રચલિત હોવાને કારણે આપણે વાપરતા રહ્યા છીએ, પણ એનો સચોટ અર્થ છે, થાકને લીધે હાંફી જવાથી ગળામાંથી આવતો અવાજ. પહેલાંના વડીલો ગુસ્સે થતા ત્યારે ચાવણમાં ઓઝટ મારીને બત્રીસે બત્રીસ દાંત ખંખેરી નાંખવાની ધમકી આપતા! એ ચાવણ એટલે લમણું અર્થાત્ જડબાંવાળો ભાગ. પત્રની શરૂઆત ‘સવિનય જત જણાવવાનું કે‘ થી થાય, પણ ‘જત” નો અર્થ કોઈ જણાવતું નથી એક રૂઢિ તરીકે લખાતો હશે એમ માની લઈએ. જખ મારવી શબ્દ નિર્દોષ છે પણ એનો ધ્વનિ આપણને ગાળ જેટલી ચોટ પહોંચાડે છે.
હેરાનગતિ કરવા આપણી પાસે કોઈ નક્કામી મહેનત કરાવે તેને માટે પત્તર રંગવી, પત્તર ખાંડવી, પત્તર ધામવી જેવા શબ્દો વાપરતી વખતે આપણે સાવધ થઈ જઈએ, અજાણપણે કયાંક અજુગતું તો નથી બોલતા ને, એવો છૂપો ભય લાગે. સાર્થ જોડણીકોષે એનો અર્થ આપવાનું ટાળ્યું છે, પણ ભગવદ્ગોમંડળે પત્તરનો એક અર્થ ‘કાગળ’ની સાથોસાથ બીજો અર્થ ‘મળદ્વાર’ પણ આપ્યો છે. ”મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો” દાનો એટલે પ્રામાણિક, ડાહ્યો, સમજુ, વિવેકી. પણ દાથરો શબ્દ મૂઠિયાં, પાતરાંને વરાળથી બાફતી વખતે તેને વાસણમાં મૂકેલા પાણીથી અધ્ધર રાખવા જે ઘાસ મૂકવામાં આવે તેને માટે વપરાય છે. શહેર કે કસબામાં ઘાસ ક્યાં લેવા જઈએ, એટલે લાકડાની પટ્ટી જડેલો, વાસણને બંધબેસતો થાય એવો દાથરો અથવા કાણાંવાળી ડીશ બજારમાં મળે છે, જેને ફેંકવો નથી પડતો.
મોબાઈલ શબ્દનો અર્થ થાય હરતું ફરતું. આજ સુધી આપણે મોબાઈલ દવાખાનું, મોબાઈલ લાઈબ્રેરી, મોબાઈલ બેંક – જેવા શબ્દો સાંભળ્યા હતા, પણ લગભગ એક દાયકાથી સેલફૉન વધારે પ્રચલિત થયા. ઘર કે ઓફિસ છોડીને માર્કેટિંગ કરતા કે બહાર ફરતા લોકોનો પણ ઝડપથી સંપર્ક કરવા માટે એ ખૂબ ઉપયોગી સાધન છે. ‘મોબાઈલ‘ શબ્દ સાંભળતાંની સાથે જ બીજું કંઈ યાદ ન આવતાં સૌ પ્રથમ તો મોબાઈલ ફૉન જ યાદ આવે, જાણે કે એ સેલફૉનનો પર્યાય ન હોય! કેટલીક માહિતી આપણા મગજમાં હોય પણ જલદી હોઠ પર જ ન આવે, ત્યારે આપણને અકળામણ થાય અને બોલી ઉઠિએ, “ભાઈ મગજમાં છે, પણ જલદી ડાઉનલોડ નથી થતું!” કેટલીક જૂની માહિતી ‘ડિલિટ’ પણ થઈ જતી હોય છે. ઉપયોગના અભાવે ભૂલી જવાય.
આપણને ગમતાં નવાં પુસ્તકો વસાવતા જઈએ, ગમતાં ગીતોની નવી નવી સીડીઓ લાવીએ, નવા સંબંધીઓ અને ગમતા માણસો જોડે મૈત્રી બંધાતી જાય. એ સૌ મહત્ત્વના અને ઉપયોગી છે, પણ સમયના અભાવે બધા જોડે સંપર્કમાં રહી શકાતું નથી તેથી તેમની અવજ્ઞા થતી હોય તેવું લાગે. સંબંધો ભૂલાવા લાગે. સંબંધોની કડી મેળવવા સંદર્ભો આપવા પડે. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. ભુલાવા આવેલા શબ્દોનો પરિચય તાજો કરવા માટે ડિક્ષનરી અથવા શબ્દકોષો ઉથલાવવા પડે. ચિર પરિચિત સંબંધી કે મિત્ર વરસો પછી આપણને ભેટી જાય ત્યારે શરૂઆતમાં તો આપણને એમ જ લાગે કે આમને ક્યાંક જોયા છે. કોણ છે ને ક્યાં જોયા છે, તે યાદ નથી આવતું પણ જરાક થોભી જઈને પરિચય પામવાનો પ્રયત્ન કરીએ અને ઓળખાણ તાજી થાય ત્યારે ખોવાયેલો ખજાનો પુન: પ્રાપ્ત થયાનો આનંદ રોમે રોમ રણઝણી ઊઠે! શબ્દો પણ આપણા સન્મિત્રો છે, સ્વજનો છે; ક્યારેક એને યાદ કરીને ઓળખવાની કોશિષ કરી જોવા જેવી ખરી; એને પામવાનો આનંદ અદ્વિતીય છે.
–પરભુભાઈ એસ. મિસ્ત્રી