અથ શ્રી સત્યનારાયણ કથા

માણસના સમજપૂર્વકના પ્રયત્નોને જ્યારે ઈશકૃપાનો સાથ મળે છે ત્યારે તે યશસ્વી બને છે. કેવળ પુરુષાર્થ કે કેવળ ભગવાન ભરોસો સિદ્ધિ અપાવતો નથી. આત્મવિશ્વાસ અને ઈશવિશ્વાસ માણસના જીવનની મોટી મૂડી છે. માલિકની દયાથી શુભ સંકલ્પો સાકાર થયા પછી તેને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા જોઈએ. સત્યનારાયણની પૂજા કરીને ભાવિકો પોતાની કાર્યસિદ્ધિમાં મળેલી પરમ તત્વની સહાયનો એકરાર કરે છે. સ્વજનો, સંબંધીઓ અને શુભેચ્છકોની હાજરીમાં સત્યનારાયણની કથા-પૂજાનો રાખવામાં આવતો કાર્યક્રમ આ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો બને છે. દુ:ખ સાથે કબૂલવું પડશે કે આજે સત્યનારાયણની કથા માત્ર ઔપચારિક બની ગઈ છે. અજાણપણે એને આપણે બાધા-આખડીનું સ્વરૂપ આપી બેઠા છીએ. કથામાં કંઈ નાવીન્ય કે આકર્ષણ રહ્યું નથી. આમંત્રિત સ્વજનોને વિદાયગીરી આપવાનો રિવાજ પણ ઉમેરાતો ગયો છે. શિક્ષિત યુવાનોના મનમાં પ્રશ્નો જાગે છે કે સત્યનારાયણની કથા વંચાવવા માત્રથી (પોતે વાંચવાની તસ્દી લીધા વગર) માણસને ધાર્મિક કેવી રીતે કહી શકાય? સાચું બોલવાનું વ્રત લેવાનું હોય તો તે સમજી શકાય, પણ સત્ય સાથે કે અન્ય કોઈ વ્રત-નિયમ સાથે સંબંધ વિનાની કથા જીવનમાં પરિણામસાધક કઈ રીતે બની શકે? આ કથાની શરૂઆત ક્યારથી થઈ તેનો કોઈ ઈતિહાસ નથી મળતો. રામ, કૃષ્ણના જમાનાની વાત જવા દઈએ તો તુલસીદાસ, નરસિંહ મહેતા કે મીરાંબાઈના સમયમાં આ કથા અસ્તિત્વમાં હોય એવો ઉલ્લેખ મળતો નથી. સત્યના ઉપાસક મહાત્મા ગાંધીજી કે લોકમાન્ય તિલકે પણ સત્યનારાયણની કથાને મહત્ત્વ આપ્યું હોય એમ જણાતું નથી. કોઈ જાણીતા ધાર્મિક વિદ્વાનનું આ કથાને સમર્થન પ્રાપ્ત થયું નથી, છતાં આજે તો આ કથા હિંદુ સમાજનું અનિવાર્ય અંગ બની ગઈ છે!

સ્કંદુરાણના રેવાખંડમાથી લેવાયેલ પ્રચલિત કથા મુજબ પહેલા અધ્યાયમાં,  સુત પુરાણીએ વિષ્ણુ ભગવાન અને નારદજી વચ્ચે થયેલો સંવાદ શૌનકઋષિને કહી સંભળાવવાની શરૂઆત કરી. બીજા અધ્યાયમાં, શતાનંદ નામના સદાચારી પરંતુ ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગવાના કષ્ટમાંથી ઉગારવા માટે બ્રાહ્મણ વેશધારી ભગવાન વિષ્ણુએ સત્યનારાયણની વ્રત કથા સમજાવી અને તે મુજબ વ્રત કરવાથી ભિક્ષામાં ઘણું બધું ધન મળ્યું. તે બધા દુ:ખોથી મુક્ત થઈ સુખી થયો. અંતે મોક્ષ પામ્યો. બીજા અધ્યાયમાં શ્રમજીવી કઠિયારાની વાત કરી. વ્રતનો સંકલ્પ કરીને લાકડાંનો ભારો માથે ચડાવી વેચવા નીકળતાં રોજના કરતાં બમણો ભાવ મળ્યો. વ્રતના પ્રભાવે ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. ત્રીજો અને ચોથો અધ્યાય સાધુ વાણિયા અને લીલાવતી- કલાવતીનો છે, જે આપણને આબાદ લાગુ પડે છે. વ્રત કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો હું જરૂર એ વ્રત કરીશ.‘ એવો સંકલ્પ તેણે કર્યો. ત્યાર બાદ લીલાવતીને પેટે કલાવતી નામની કન્યા જન્મી છતાં એણે કમીટમેન્ટ પાળ્યું નહિ. લાલો લાભ વગર લોટે નહિ. વ્યવહારમાં ‘જો અને તો‘ થી વાત કરનારા અને પ્રત્યેક સંબંધમાં ફાયદો શોધનારા આપણે ભગવાન સાથે પણ સોદાબાજી (કે સોપારીબાજી!) જ કરતા આવ્યા છીએ. તેમાંયે વળી કામ તમામ થયા પછી જ કથા વંચાવવાની! પાંચમા અધ્યાયમાં ગોવાળિયાઓએ આપેલા પ્રસાદની અવગણના કરી હેરાન થનાર તુંગભદ્ર રાજાની વાર્તા છે.

બીજા જન્મમાં શતાનંદ બ્રાહ્મણ સુદામા અને કઠિયારો કેવટ થયો, ઉલ્કામુખ રાજા દશરથ થયો, સાધુ વાણિયો રાજા મોરધ્વજ થયો. તુંગધ્વજ સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનનો જય. આ બીજા જન્મની વાર્તા આજની બૌધ્ધિક પેઢીને ગળે ઉતરે એ વાતમાં માલ નથી.

પૂ.રવિશંકર મહારાજ ગામડામાં સત્યનારાયણની કથા દરમિયાન એક વાર્તા ખાસ કહેતા, તે સત્યવ્રતીની  વાર્તા ‘સંસ્કૃતિ‘ ના જુલાઈ 1949ના અંકમાં ઉમાશંકર જોષીના નામે પ્રગટ થયેલી. તેનો સાર અહીં પ્રસ્તુત છે:

એકવાર એક જૈન સાધુ ભિક્ષાન્ન લેવા (વહોરવા) એક ગામમાં નીકળ્યા. એક માણસે પોતાના ઘરની ભિક્ષા સ્વીકારવા વિનંતી કરી, પણ સાધુએ તેના ઘરની ભિક્ષા લેવાની એટલા માટે ના પાડી કે પેલા માણસના જીવનમાં કોઈ વ્રત નહોતું. જો એ  કોઈ વ્રત લે તો સાધુ ભિક્ષા સ્વીકારે. સાધુને ભીક્ષા આપવા માટે વ્રત લેવું પડે એમ જ હોય તો પોતે કોઈ પણ વ્રત લેવા તત્પર હતો, શરત એટલી હતી કે તે વ્રત પોતે પાળી શકે તેવું હોય. સાધુએ દારૂ ન પીવાનું, જુગાર ન રમવાનું, ચોરી ન કરવાનું વગેરે વ્રતો સૂચવ્યાં પણ એ દરેકમાં માણસે કોઈ વાત જતી કરવી પડતી હતી. વળી, ચોરી તો એનો ધંધો હતો! સાધુએ સાચું બોલવાનું સૂચવ્યું તે એને ગમી ગયું. વ્રત તો લીધું, પણ બીજા દિવસે દારુ પીવાનું મન થઈ ગયું. નશામાં જૂઠું બોલાઈ જાય તો વ્રત તૂટે. જુગારની ઈચ્છા થઈ અને વ્યભિચારનો વિચાર પણ આવ્યો, પણ એમાં તો અસત્ય વગર ચાલે નહિ એટલે મન વાળી લેવું પડ્યું. ચોરી ન કરે તો ખાય શું, એટલે એક વાર એવી ચોરી કરવી કે જેથી જિદગીભર ઘરથી બહાર નીકળવું ના પડે.ઘર બહાર નીકળે તો જૂઠું બોલવાનો વારો આવે ને? તેણે રાજાના મહેલમાં ચોરી કરવા જવાનું વિચાર્યું. સિપાઈઓએ રીને સવાલો કર્યા અને એણે સાચેસાચું જણાવ્યું કે તે રાજમહેલમાં ચોરી કરવા જાય છે પણ ગાંડો સમજીને તેને જવા દીધો. મહેલમાં અનેક કીંમતી ચીજો હતી તેને બીનજરૂરી ગણીને રત્નોની એક ડબ્બીમાંથી સાત પૈકી ચાર રત્નો પોતાને માટે પૂરતાં સમજી ગાંઠે બાંધી લીધા અને નીકળી ગયો.

રસ્તામાં વેશપલટો કરી નગરચર્યા કરવા નીકળેલા રાજાએ તેને પૂછ્યું એટલે સાચું કહી દીધું અને રાજમહેલમાંથી ચોરેલા ચાર રત્નો પણ બતાવ્યા. રાજાએ સરનામું માંગ્યું, તે પણ આપ્યું. રાજા ઘરે જઈને સૂઈ ગયો. સવારે જૂએ તો રાજમહેલની બારી ખુલ્લી! ચોરી થયાની બૂમ પડી, પ્રધાનજી આવ્યા. તપાસ થઈ. બચેલા ત્રણ રત્નો તેણે ગપચાવી લીધા. રાજાને જણાવ્યું કે બધું સલામત છે, પણ ડબ્બીમાંથી સાત રત્નો ગાયબ છે. ચોરને શોધી લાવવામાં નિષ્ફળતા મળી. ચોરે ચારમાંથી એક રત્ન વાણિયાને આપીને કહી દીધું કે આમાંથી જેટલો વખત ચાલે એટલા દિવસ સીધું મોકલજો અને ખૂટે ત્યારે જણાવજો! ચોર ઘરથી બહાર નીકળતો નથી અને જૂઠું બોલવાનો પ્રસંગ આવતો નથી.

એકાદ મહીના પછી રાજાએ દરબાર ભર્યો. ચોરની વાત નીકળતાં સૌએ લાચારી દર્શાવી કે તેમનાથી ચોર પકડી શકાય તેમ નથી. રાજાએ ચિટ્ઠી  લખી ચોરને બોલાવી લાવવા એક માણસને ચોરના ઘરે મોકલ્યો. ચોર સમજી ગયો કે આજે પકડાઈ ગયો. રાજદરબારમાં ગયા પછી, રાજાના પ્રશ્નોના ઉત્તરમાં એણે જણાવ્યું કે એ પહેલાં ચોરીનો ધંધો કરતો હતો, પણ એકવાર રાજમહેલમાં ધાપ પાડ્યા પછી એ ધંધો છોડી દીધો છે. સભા ચકિત થઈ ગઈ. રાજમહેલમાંથી એણે ચાર રત્નો ચોર્યાની કબૂલાત કરતાં ત્રણ રત્નો રજૂ કર્યા અને ચોથું સભામાં ઉપસ્થિત લાલ પાઘડીવાળા શેઠ પાસે છે એ પણ જણાવ્યું. શેઠ ગભરાઈ ગયો. રાજાએ બાકીના ત્રણ રત્નો ક્યાં હશે તે જાણવા માગતાં તેણે જણાવ્યું કે, ચોર તરીકે મારું અનુમાન એવું છે કે એ તમારા પ્રધાનજી પાસે હોવા જોઈએ, તમે એમને પૂછી જૂઓ! પ્રધાન કરગરી પડ્યો અને બાકીના ત્રણ રત્નો પોતે લીધા હોવાની કબૂલાત કરી. રાજાએ કહ્યું : ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાંય ચૂક્યો નથી અને તમે તો ખાવાપીવાની કશી ખોટ ન હતી તોયે વધુ સંઘરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગાએ એને જવાનું હતું તે જગાએ – કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગા એ પ્રધાનપદે હવેથી આ સત્યવ્રત બેસશે.’

આ રીતે સત્યનારાયણનું (સત્ય એ જ નારાયણનું) વ્રત કરવાથી એક ચોરનું જીવન પરિવર્તન થયું. તેની દરિદ્રતા ગઈ. ઊચ્ચ પદે બીરાજી સુખૌ થયો અને તેણે અનેકને સુખી કર્યા. જે કોઈ આવું વ્રત કરશે તેની તમામ સદીચ્છા ભગવાન સત્યનારાયણ પૂરી કરશે ઈતિ. બોલો, સત્યનારાયણ દેવકી જય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s