અહમની શસ્ત્રક્રિયા કરતી આચારસંહિતા

સૂરત સોનાની મૂરત તરીકે ઓળખાય છે. સુવર્ણનગરી સૂરતના એક સપૂત એટલે શ્રી કૃષ્ણકાંત ભુખણવાલા. જન્મ કલકત્તા, વતન સૂરત પણ કર્મભૂમિ મોહમયી નગરી મુંબઈ. તેમણે કારકીર્દિ બનાવી ફિલ્મ લાઈનમાં. અભિનય શક્તિ એટલી જોરદાર કે કોઈ એક બીબામાં કેદ થવાને બદલે વૈવિધ્યભર્યા રોલ જાન રેડીને ભજવ્યા. આયુષ્યના એકાણુંમા વર્ષમાં પ્રવેશ ટાણે એમની કારકીર્દિ અને સંસ્મરણોની સુવાસોથી સભર ‘ગુઝરા હુઆ જમાના‘ પુસ્તકનું ગાંધીસ્મૃતિ હૉલમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું. ‘કે.કે સાહેબ‘ના હુલામણા નામથી જાણીતા આપણા આ વડીલ એટલે સિનેમા જગતનું એક મહામૂલું ઘરેણું. સૂરત શહેરનું કીંમતી રત્ન. એમના સાંનિધ્યમાં એમના જીવનની વીતેલી પળો માણવાનો સોનેરી અવસર એટલે આ લોકાર્પણવિધિ. ૨૦ એપ્રિલ, શનિવારની સલૂણી સાંજ. પીઢ પત્રકાર, મૂર્ધન્ય સાહિત્યકાર, સૌના આદરણીય વડીલ અને સૂરતના ગૌરવવંતા સંસ્કાર પુરુષ શ્રી ભગવતીકુમાર શર્માજીના હસ્તે વિમોચનવિધિ. ગાંધીજીના નિયમિતતા અને સમયપાલનના ગુણોના આગ્રહી એવા ડૉ. શશિકાંતભાઈ શાહનું સંચાલન. સોનામાં સુગંધ ભળે એવા ‘ગાંધી સ્મૃતિ‘ નામના હૉલના ગુણગ્રાહી શ્રોતાઓ, એ આ કાર્યક્રમનું મહદ્ સૌભાગ્ય. સુજ્ઞ વિવેકીજનોથી ઊભરાતા આ હૉલમાં નિયત સમયે, બરાબર સાડા ચાર વાગ્યે પડદો ખૂલ્યો. અદભૂત રોમાંચક પળ વચ્ચે કે.કે.સાહેબની અનોખી ઢબે પ્રસ્તુતિ.એકાણુંની ઉંમરે પણ રણકદાર, પ્રભાવી અવાજથી શ્રોતાઓને એમણે કરેલું ઉદ્ બોધન ચિર કાળ સુધી હૉલમાં પડઘાયા કરશે.

લોકોને સંમોહિત કરનારું કે.કે.સાહેબનું  ગૌરવવંતુ વ્યક્તિત્વ અને એમણે કરેલી અદાકારીના યાદગાર અંશો રજૂ કરતી વિડિયો ક્લિપ માણતાં માણતાં શ્રોતાજનો એક જુદા જ ભાવવિશ્વમાં ખેંચાઈ જતા અનુભવાયા. સંપાદક શ્રી બીરેનભાઈ કોઠારીએ અતિ કુશળતાપૂર્વક સંપાદન કરીને ધારાવાહિક લેખમાળાનું ગ્રંથમાં કરેલું રૂપાંતર આ પ્રસંગનું એક મહત્ત્વનું અંગ હતું. શ્રી બકુલ ટેલરે કરેલું ટૂંકું આવકાર પ્રવચન અને તે પછી સંપાદન પ્રક્રિયામાંથી પસાર થતી વેળાનું બિરેનભાઈએ કરેલું અત્યંત રસપ્રદ વર્ણન…. સમયનું ભાન ભૂલીને સૌ કાર્યક્રમ માણતા હતા અને એકાએક સમય દેવતાએ પોતાનો પરિચય કરાવ્યો. બીરેનભાઈને અપાયેલી મિનિટો પૂરી થવા આવી છે, તેની જાણ સંચાલકે  શ્રી બીરેનભાઈને કરી અને સૌની ભાવસમાધિમાં વિક્ષેપ પડ્યો. સમય થંભી ગયો હતો કે લોકો સમયને ભૂલી ગયા હતા? વક્તા અને શ્રોતાઓ તમામને ખ્યાલ ના રહ્યો કે કાર્યક્રમ સમય મર્યાદામાં સમાપ્ત કરવાનો છે! દિલની વાતો કહેવા આડે સમય સૌથી મોટો વિલન છે. વડીલો અને સંચાલકો તો મફતમાં બદનામ થાય છે. દિલ કહે કે, ‘સમય તૂ ધીરે ધીરે ચલ.‘ પણ સમયની ગતિને કોઈ રોકી શક્યું નથી. સમયને માન આપ્યા વગર છૂટકો જ નથી. જે સમયને માન આપે છે, તેનું ગૌરવ જળવાય છે, જે સમયને ઓવરટેક કરવા જાય છે તે પછડાય છે. મોટાભાગની રોડ દુર્ઘટના ઓવરટેકથી જ થાય છે.

દરેક વક્તાને ફાળવેલી સમય મર્યાદાની પત્રિકા મંચ પર બિરાજમાન મહાનુભાવોને આપવામાં આવેલી હતી તેમ છતાં સમયભાન ન રહેતાં સંચાલકે કરેલી નૂકતેચીનીકરી અને ભૂકંપ સર્જાયો! બીરેનભાઈ સ્તબ્ધ થઈ ગયા. મારા માટે પણ સમયની પાબંદી?…એમને ઘણું કહેવાનું રહી જતું હતું, એમનું દિલ દુભાયું. કચવાતે હૈયે વાક્ય અધૂરું રહેવા દઈને તેમણે માઈક છોડી દીધું. એમના નાના ભાઈ શ્રી ઉર્વિશ કોઠારી એક પ્રતિભાશાળી કટારલેખક, પીઢ પત્રકાર અને રેશનાલિસ્ટ તરીકે સુપ્રતિષ્ઠિત છે. તેઓ પણ મંચ પર બિરાજમાન હતા. તેમના ચહેરા પર કડવાશ વ્યાપી ગઈ. સંચાલકશ્રીએ બીરેનભાઈની નમ્રપણે માફી માંગીને સ્પષ્ટતા કરી કે કાર્યક્રમના સંચાલનની જવાબદારી લેતાં પહેલાં મેં સમયપાલનના અમારા આગ્રહથી આયોજકોને વાકેફ કર્યા હતા. અમારા દરેક કાર્યક્રમો સમયસર શરૂ થાય છે અને સમયસર પૂરા થાય છે. આ જ અમારી વિશિષ્ઠ ઓળખ છે. ઉર્વિશભાઈ બોલવા ઊભા થયા, પણ ‘જયહિંદ, જયભારત. મને આપવામાં આવેલી પાંચ મિનિટનો સમય હવે શરૂ થાય છે અને તે જતી કરીને હવે પછીના વક્તાને હું આપવા માંગું છું‘ એટલું બોલીને અભણ મહિલાની જેમ છણકો કરીને તેઓ બેસી ગયા! એમની બોડી લેન્ગવેજ વિચિત્ર હતી. મોઘમ, થોડુંક જ બોલીને પારાવાર રોષ તેઓ દર્શાવી ગયા. સંચાલકે ફરજ બજાવીને સમય મર્યાદા તરફ ધ્યાન ખેંચ્યું, તે કંઈ તેમનો ગુનો થોડો ગણાય? અવિવેકી કોણ, જે સમયનું પાલન કરે તે કે, સમય સાથે જે તાલ ન મેળવી શકે તે? વિદ્વાનો પણ આટલી સાદી વાત ન સમજી શક્યા.

પછીના વક્તા હતા સૌના વડીલ અને આદરણીય તથા લોકપ્રિય લેખક શ્રી ભગવતીકુમાર શર્માજી. યથોચિત શબ્દપ્રયોગો અને ઉચ્ચારશુદ્ધિથી શોભતું તેમનું વક્તવ્ય બેનમૂન હતું. કે.કે. સાહેબના પ્રદાન અને તેમના પ્રત્યેના સ્નેહને તેમણે આબાદ પ્રગટ કર્યા. પ્રવચનની શરૂઆતમાં તેમણે સમયની પાબંદી પ્રત્યે નારાજગી પ્રગટ કરતાં કહ્યું કે, ‘બોલતી વખતે મને ઘડિયાળના કાંટા ચૂભે છે.‘ તેમનો નિર્દેશ કાંટા કરતાં સંચાલકની સમય પ્રતિબદ્ધતા તરફ જ વધારે હતો તે છાનું ન રહ્યું. તે વખતે ઉર્વિશભાઈના ચહેરા પરનો મલકાટ પણ છૂપો ન રહી શક્યો. પ્રાસંગિક ટકોર સમજીને સૌએ એ શબ્દો નજરઅંદાજ કર્યા. પરંતુ, પ્રવચનના અંતે પણ તેમણે હૃદયની કડવાશ દોહરાવી તે અજૂગતું જરૂર લાગ્યું અને તે વેળા તો ઉર્વિશભાઈ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયેલા દેખાયા. જાણે વેર સંતોષાઈ ગયાનો ક્રુર આનંદ!…

સંચાલકે ફરીથી વાત દોહરાવી. આગલે દિવસે જ ભગવતીભાઈએ મને કહ્યું હતું કે પાંચ દસ મિનિટ કોઈ વધારે બોલે તેમાં શું થઈ ગયું? અને મેં જણાવ્યું હતુ કે પાંચ વક્તા બોલવાના હોય અને બધા એ રીતે છૂટ લે તો કાર્યક્રમ અડધો કલાક તો સહેજે લંબાઈ જાય. લોકો દૂર સુદૂર (૫૦-૬૦ કિ.મી)થી કાર્યક્રમ માણવા આવ્યા હોય તેમને ઘરે પહોંચતા ઘણી તકલીફ પડે. આયોજકોએ મારી શરત મંજૂર કર્યા પછી જ મેં આ જવાબદારી લીધી હતી. આપ મારા ગુરુ છો અને આપના તરફથી તો અમને આશીર્વાદની જ અપેક્ષા હોય છતાં આપને માઠું લાગ્યું હોય તો હું દીલગીર છું. પછી તો કે.કે.સાહેબને સૌએ માણ્યા અને કાર્યક્રમ અપેક્ષા અનુસાર નિયત સમયે સંપન્ન થયો. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ઘટના તે આચારસંહિતાનું પાલન કરવામાં પડતી તકલીફની છે. આ ઘટનાના સાક્ષી શ્રોતાઓ જ્યારે જ્યારે ‘ગુઝરા હુઆ જમાના‘ના લોકાર્પણ પ્રસંગને યાદ કરશે ત્યારે આચારસંહિતાના પાલન પ્રત્યે વિદ્વાનોએ દર્શાવાયેલો આ તીવ્ર અણગમો પણ સ્મૃતિપટ પર અણગમતી છાયા જરૂર ચિત્રાંકિત કરી જશે.

સુજ્ઞ વાચક મિત્રો, ઘટના તદ્દન સાચી, પાત્રોના નામ પણ સાચા, કોઈને ઝાંખા પાડવાનો મુદ્દલે આશય નથી. તમામ મહાનુભાવો આપણા સૌના આદરના અધિકારી સજ્જનો છે જ, તે વિષે કોઈ જ શંકા નથી. આપણું ફોકસ ઘટના ઉપર છે. સમય અને સ્થળ બદલાતા રહે છે, સબ્જેક્ટ બદલાતા રહે છે અને પાત્રો બદલાતા રહે છે, પણ ઘટના પુનરાવર્તન પામતી જ રહે છે એનું દુ:ખ છે. અહીં આ પ્રસંગે વિધાતાએ સન્માનનીય વિદ્વાનોને નિમિત્ત બનાવીને અપજશના અધિકારી બનાવ્યા. ક્યારેક, ક્યાંક, પાત્ર તરીકે આપણે પણ ગોઠવાતા આવ્યા જ છીએ અને પોતાને વી.આઈ.પી. સમજતા આવેલા આપણને, જો કોઈ આચારસંહિતા કે નિયમ બતાવે ત્યારે આપણને ચચરાટ થઈ આવે છે. આપણો અહંકાર ફેણ માંડીને ફુત્કારવા માંડે છે અને અશોભનીય સ્વરૂપે પ્રગટ થાય છે તેથી પ્રસંગની ગરિમા હણાય છે. સુવ્યવસ્થિત રીતે અને સુચારુ ઢબે જાહેર કે અંગત શુભ પ્રસંગોના સંચાલનમાં આપણે જ આડખીલી બનતા રહ્યા છીએ તેનું શું? આપણે સમજદાર સજ્જનો હોવા છતાં એક બહેતર પ્રણાલિકા ઊભી કરવામાં ઊણા ઊતરતા આવ્યા છીએ. ઘેટાંને સંભાળવા માટે ધારિયાધારી ભરવાડની જરૂર પડે અને આપણને સાચવવા માટે દંડાધારી પોલીસની જરૂર પડે એ કેટલી હિણપતભરી બાબત છે? આચારસંહિતાના પાલનની વાત આવતાં જ આપણું નાક છીંકાઈ જાય છે, આવું કેમ? આપણે સ્વયંશિસ્ત કેમ નથી પાળી શકતા? અનિયંત્રિતપણું તો  જાનવરનું લક્ષણ ગણાય. શિસ્તપાલન કરવાનો કોઈ આગ્રહ કરે ત્યારે જે સ્ટાઈલથી આપણે ઘુરકિયાં કરીએ છીએ તે આપણને લાગેલા  સોશિયલ અને રેશનલ વિશેષણોનો છેદ ઊડાડી દે છે. રહી જાય છે કેવળ એનિમલ; આપણા સૌના માટે દુ:ખદ અને શરમજનક બાબત જ આ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s