તોલ મોલકે બોલ!…..

           વર્તમાન સમયમાં વાતચીત અને રજૂઆત કરવાની કળા-કૌશલ્યનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પહેલા લોકો પાસે સમય હતો એટલે લાંબી લાંબી વાતો ચાલતી અને લોકો તે સાંભળતા પણ હતા, પરંતુ, આજે ચિત્ર જુદું છે. આજે સમયની અછત છે એટલે જે કંઇ વાત હોય, કોઈ બાબત હોય કે મુદ્દો હોય તેમાં જો બહુ ઊંડાણથી, લાંબી લાંબી વાર્તા કરવામાં આવે તો કોઇને તે પસંદ પડતું નથી. લોકો આવું સાંભળતા પણ નથી. આથી જ હવે આપણે મુદ્દાસર-સીસ્ટેમેટિક વાત કરતા શીખવું જોઇએ. ખૂબ જ સૂક્ષ્મ રીતે વાત કરવી તે પણ એક કળા છે.
કેટલાક લોકો તમામ બાબતો ખૂબ ઝીણવટપૂર્વક સાંભળે છે અને તેમનો અભિપ્રાય પણ ખૂબ જ અસરકારક હોય છે. ૧૦ લીટીનો જવાબ તેઓ માત્ર એક જ લીટીમાં આપે છે. આવી કળા બહુ ઓછા લોકો પાસે હોય છે. ઘણાને ટેલિફોન પર પણ લાંબી લાંબી અને ઊંચા સાદે વાતો કરવાની આદત હોય છે. પરિચિત  અને અપરિચિતો સાથે વાત થાય એ બંને રીતમાં તફાવત છે.

વાત મોબાઈલ પર કરવાની હોય કે રૂબરૂમાં, જાણીતા જોડે કરવાની હોય કે અજાણ્યા જોડે કરવાની હોય, પણ મુદ્દો એ છે કે આપણને વાત કરતાં આવડે છે ખરું? આપણા મનમાં પ્રશ્ન પણ થાય કે વાત કરવામાં વળી આવડતની શી જરૂર? એ તે વળી શીખવાની વસ્તુ છે? એના તે વળી વર્ગો ભરવાના હોય? બાળક બોલતાં શીખે એટલે એને વાત કરતા આવડી જ જાય! વાતચીત કરવામાં વળી શો મોટો વેદ ભણવાનો?..આપણે બોલીએ તે સામેની વ્યક્તિને ખબર પડે અને તેનું બોલેલું આપણને સમજાય એનું નામ જ વાતચીત. ખરું જોતાં ત્યાં જ આપણી ભૂલ થતી હોય છે. સામેની વ્યક્તિના મનમાં શું છે, તે આપણે યોગ્ય રીતે સમજ્યા છીએ ખરા, અથવા આપણે જે કહેવા માંગીએ છીએ તે યોગ્ય શબ્દોમાં અને યોગ્ય રીતે આપણે સમજાવી શક્યા છીએ ખરા?

મનમાં જે વિચાર આવે તે, જીભ પર જે શબ્દો આવે તે ગમે તેમ બકી નાંખવા એ તો પ્રાકૃત યાને જંગલી રીત થઈ. સભ્ય સમાજની વ્યક્તિ તરીકે આપણને સારા અને યોગ્ય શબ્દોમાં, સચોટ પણ સભ્યતાથી, પ્રસંગ અને વ્યક્તિનું માન જાળવીને બોલતાં આવડવું જોઈએ. આજ સુધી જે ચાલી જતું હતું તે હવે ચાલી શકે એમ નથી. ‘આપણે તો હૈયે તેવું જ હોઠે, કોઈની સાડીબાર રાખ્યા વગર તરત જ ચોપડાવી જ દઈએ.તરત દાન ને મહા પુન! આ પાર કે તે પાર, જે થવાનું હોય તે થાય, બોયલો તે બોયલો, બોલવામાં આપણે કોઈની શરમ નહિ રાખીએ. બીજાની જેમ ગળ્યું ચોપડ્યું બોલવાનું આપણને નહિ ફાવે‘ એમ બોલીને છાતી ફુલાવવાના દિવસો હવે ગયા. હવે આપણે ગ્લોબલાઈઝેશનના જમાનામાં કૉર્પોરેટ કલ્ચર વચ્ચે જીવીએ છીએ. હવે એવી નાદાનિયત આચરીએ તો મૂરખ અને હાસ્યાસ્પદ ઠરીએ. સંજોગોનું ભાન રાખીને શબ્દે શબ્દ જોઈ વિચારીને ન બોલીએ તો હાથમાં આવેલી સુવર્ણ તક હાથતાળી આપી જાય; કામ કરવાની કાબેલિયત ચાહે ગમે તેટલી હોય પણ સામેના માણસને આપણો અભિગમ જ પસંદ ન પડે તો આપણી કોઈ કીંમત ન રહે. ટૂંકું, મુદ્દાસર અને અર્થપૂર્ણ બોલવાનું આપણે શીખવું પડશે. આપણે પસંદ કરેલા શબ્દો થકી આપણું વાંચન કેટલું અને કેવું તે જણાઈ આવે છે. આપણી બોલવાની ઢબ અને આપણી બોડીલૅન્ગ્વેજ આપણા સંસ્કાર અને મનોભાવની ચાડી ખાય છે. આપણો બોલવાનો ઈરાદો શુભ હોય પણ આપણી રજૂઆત નકારાત્મક અસર ઊભી કરતી હોય એમ બનવાની શક્યતા પૂરેપૂરી છે. આપણા બોલવાથી કોઈને ગેરસમજ થાય એ માટે આપણા સિવાય અન્ય કોઈ જવાબદાર નથી.

મૂળભૂત રીતે આપણે સારા જ માણસો છીએ, પણ આપણને ઉત્તમ પ્રકારે વ્યક્ત થતાં નથી આવડતું. કોઈ જરૂરિયાત ન જણાવાને કારણે આપણે  એ વિષે સભાનતાથી વિચાર સુધ્ધાં નથી કર્યો. હવે સમય બદલાયો છે એટલે વાણી વ્યવહારમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. સારા વક્તાઓને સાંભળવા, અસરકારક વક્તવ્યોનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો. શિષ્ટ સાહિત્યનું વાંચન કરવું, વિવિધ શબ્દોની અર્થચ્છાયાનો ભેદ પારખવાની ટેવ પાડવી, બોલવા પાછળનો જે ઉદ્દેશ છે તે સુયોગ્ય રીતે પ્રગટ થાય અને બીનજરૂરી શબ્દો(તકિયાકલામ)ને ટાળી શકાય તો ઉત્તમ.

એક પ્રચલિત વાર્તા મુજબ એક ઝાડ નીચે એક સંત મહાત્મા બેઠા હતા. આંખે અંધાપો હોવાથી તે જોઈ શકતા નહોતા. એક માણસે આવીને તેને પૂછ્યું,‘એઈ બુઢ્ઢા,અહીંથી કોઈ વ્યક્તિને પસાર થતાં તેં જોઈ?‘ મહાત્માએ કહ્યું, ‘ના ભલા માણસ, અહીંથી કોઈ પસાર થયું નથી‘ થોડી વાર પછી બીજો માણસ આવ્યો તેણે પૂછ્યું, ‘હે સાધુ પુરુષ, તમે કોઈ વ્યક્તિને અહીંથી પસાર થતાં જોઈ?‘ મહાત્માએ કહ્યું, ‘ના,પણ તમારા પહેલાં પણ આવું જ પૂછવા એક માણસ આવ્યો હતો.‘ થોડીવાર પછી ત્રીજો માણસ આવ્યો. તેણે પૂછ્યું,‘ હે સંત મહાત્માજી, શું આપે થોડા સમય પહેલા અહીંથી કોઈ ને પસાર થતા જોયા છે?‘ મહાત્માએ કહ્યું,‘ હા મહારાજ, થોડા સમય પહેલાંજ અહીંથી તમારો સિપાહી અને ત્યારબાદ તમારો વજીર પસાર થયા છે. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જાય છે અને મહાત્માને પૂછે છે કે, હે સંત પુરુષ ! હું જાણું છું કે આપ જોઈ શકતા નથી તો પછી આપને કેવી રીતે ખબર પડી કે હું આ રાજ્યનો રાજા છું અને થોડા સમય પહેલા મારો સિપાહી અને વજીર અહીંથી પસાર થયા છે? મહાત્માકહે,‘ સાચી વાત છે મહારાજ કે, હું જોઈ નથી શકતો પરંતુ, હું તેઓની ભાષા અને તેમની બોલવાની પદ્ધતિ પરથી તેમને ઓળખી ગયો હતો; પહેલાં જે વ્યક્તિ આવી તેણે ખુબજ ઉધ્ધતાઈથી વાત કરી અને ત્યારબાદ આવનાર વ્યક્તિએ નમ્રતાથી વાત કરી, પરંતુ તમે ખુબજ સૌજન્યતા પૂર્વક વાત કરી તેથી મેં આવું અનુમાન લગાવ્યું.

માણસના બોલ પરથી તેનો તોલ થાય છે. મોબાઈલ ફોન પર સામે છેડે કોણ બોલે છે, શું બોલે છે તે કોઈ જાણતું નથી, પણ આપણે તેની સાથે કઈ રીતે બોલીએ છીએ તેની નોંધ આસપાસના લોકો લેતા જ હોય છે અને આપણી જાણ બહાર આપણી કીંમત નક્કી થઈ જતી હોય છે. સીસીટીવી કેમેરા ચોમેર લાગેલા જ હોય છે, સાવધાન!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s