ધર્મ વિરુદ્ધ બોલો તો જેલ!

દિવ્ય ભાસ્કરની ગુજરાતી આવૃત્તિ, ૨૩ મે ૨૦૧૩ ના અંકના પહેલા પાનાની પહેલી કૉલમમાં છપાયેલા સમાચાર:

‘ધર્મ વિરુદ્ધ બોલો તો જેલ: મોસ્કો/ રશિયન સરકાર એવો કાયદો ઘડી રહી છે કે જો ધર્મ વિરુદ્ધ બોલો તો જેલની સજા થાય. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનારને પાંચ લાખ રૂપિયાનો દંડ અને એક વરસની જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે.‘

સૌ જાણે જ છે કે સોવિયેત સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રોમાં સામ્યવાદના લોખંડી શાસન હેઠળ સિત્તેર સિત્તેર વરસ સુધી ધર્મ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રજાની ધાર્મિક લાગણીને ક્રુરતાથી કચડી નાંખવામાં આવી હતી; કારણ કે ધર્મને અફીણ માનનારી વિચારધારાનું ત્યાં આપખૂદી રાજ ચાલતું હતું.  લોકશાહી ધબકતી થતાં જ, કોમામાં સરી ગયેલો ધર્મ એકાએક આળસ મરડીને બેઠો થઈ ગયો. ધર્મને દફનાવવા નીકળેલી વિચારધારા પોતે જ કબરમાં પોઢી ગઈ. એટલું જ નહીં પણ ધર્મની વિરુદ્ધ બોલનાર કે લોકોની ધાર્મિક લાગણી દુભવનાર સજાને પાત્ર બને એવો કાયદો લાવવાની નોબત આવી ગઈ.

વિચાર કરતાં જણાશે કે સિત્તેર વરસ દરમિયાન, ત્રણ પેઢી ધર્મના પ્રતિબંધમાંથી પસાર થઈ ચૂકી. છેલ્લી બે પેઢીને તો ધર્મના સંસ્કાર જ મળ્યા નહોતા, તો પછી એકાએક ધર્મ બેઠો કેવી રીતે થઈ ગયો?! કોઈને એમ લાગતું હોય કે ધર્મ એ ઉપરછલ્લી બાબત છે અને સાબુ વડે જેમ શરીર પરનો મેલ દૂર કરીએ તેમ નાસ્તિક વિચારોના આક્રમણથી એને નાબૂદ કરી શકાશે, તો એ કેવળ ભ્રમણા છે; પથ્થર પર પાણી જેવો એ વ્યર્થ વ્યાયામ જ બની રહે છે. શાસન દ્વારા લાંબા કાળ સુધી સખત પ્રતિબંધ મુકાવા છતાં, પ્રજાના જિન્સ સાથે વણાઈ ચૂકેલો ધર્મ નાબૂદ થયો નથી, એ ઘટના એવું તારણ કરવા પ્રેરે છે કે ધર્મ અત્યંત પ્રભાવશાળી પરિબળ છે અને એને નજરઅંદાઝ કરવામાં કોઈ શાણપણ નથી.

સદીઓ વીતે છે, યુગો વીતે છે, એક એકથી ચડિયાતા શૂરવીર અને પરાક્રમી રાજાઓ, શહેનશાહો, સમ્રાટો, માંધાતાઓ પૃથ્વી પરથી વિદાય લે છે, પણ જેવો ગણો તેવો તોય ધર્મ આ જગત પર અવિચળ શાસન કરતો રહ્યો છે એ હકીકત છે. આપણે મહાભારતના કર્ણની વાત જાણીએ છીએ કે, એ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. ધર્મ અને ઈશ્વરવાદ વિષે વાત કરતી વખતે ચોક્કસપણે માનવું પડે કે આ બંને બાબતો પણ મનુષ્યજીવન સાથે કવચ અને કુંડળની જેમ વળગેલી છે. ઈન્દ્રદેવે કર્ણ પાસેથી કવચ કુંડળ માંગી લીધા ત્યારથી જ કર્ણનું મોત નિશ્ચિત થઈ ચૂક્યું હતું. ત્યાર પછીની ઘટનાઓએ તો માત્ર ઔપચારિતા જ પૂરી કરી.. સોવિયેટ રાષ્ટ્રસંઘે પણ ધર્મ અને ઈશ્વરવાદનો છેદ ઊડાડીને સામ્યવાદની ઠાઠડી પહેલેથી જ તૈયાર કરી દીધી હતી એ સત્ય એના પતનથી થકી પૂરવાર થઈ ચૂક્યું છે.

નિરીશ્વરવાદી ચિંતકો, લેખકો અને ચળવળકારો કંઈ સમાજના શત્રુઓ તો નથી જ. તેમને હૈયે પણ સમાજનું કલ્યાણ જ વસેલું હશે. અનેક રીતે દૂષિત થયેલા પ્રવર્તમાન ધર્મને જોયા પછી એમને લાગ્યું હશે કે માનવ સમાજના ઉત્કર્ષ આડે ધર્મ જ સૌથી મોટું પરિબળ છે, આ ધર્મને નાબૂદ કર્યા વિના માણસજાતને સુખી કરવી અશક્ય છે. તેમનું એ તારણ છેક અર્થહીન પણ નહોતું. ધર્મવિહીન સમાજ વ્યવસ્થા ઊભી કરવા માટે એમણે સંનિષ્ઠ પ્રયાસો કરી જોયા. સિત્તેર- સિત્તેર વરસનો ગાળો પ્રયોગ કરવા માટે ખૂબ લાંબો ગણાય. એ પ્રયોગની નિષ્ફળતા જોયા પછી પણ સામ્યવાદી બિરાદરો પકડેલું નાડું છોડવા માગતા નથી, એ એમની બાળહઠ જ ગણાય! કઈ સત્તા અને કઈ અંધશ્રદ્ધાને જોરે ધર્મને નાબૂદ કરી શકાશે?

બ્રર્ટ્રાન્ડ રસેલ નિરીશ્વરવાદી ચિંતક હતા, એમના વિષે વાંચેલી એક વાત આંખ ઉઘાડનારી છે. કહેવાય છે કે રશિયાની ક્રાન્તિ પછીના કેટલાક વર્ષો બાદ, સામ્યવાદી શાસને મેળવેલી સિદ્ધિના પ્રત્યક્ષ દર્શન માટે તેઓ રશિયા ગયા. ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ નિરાશ થયા. તેમણે કહ્યું કે, ‘આપણું ધ્યેય હતું ધર્મવિહીન અને શોષણવિહીન સમાજ વ્યવસ્થાની રચના કરવાનું, ધર્મ સાથે સંકળાયેલા તમામ અનિષ્ટોનો છેદ ઊડાડવાનું. પણ ધર્મની ટીકા કરતાં કરતાં આપણે એક નવો જ ધર્મ સ્થાપી બેઠા. સામ્યવાદ આપણો ધર્મ (સંપ્રદાય) બની ગયો; દાસ કેપિટલ આપણો ધર્મગ્રંથ, મોસ્કો આપણું કાશી (અથવા મક્કા) અને કાર્લ માર્ક્સ આપણા દેવાધિદેવ !!…. કઈ સિદ્ધિ હાંસલ કીધી આપણે?‘ તદ્દન સાચી વાત છે, રાત બધી દળીને ઢાંકણીમાં ઓસારવા જેવી વાત છે. અરે, ઢાંકણી જેટલી યે સિદ્ધિ નહીં. ધરતી પર સાક્ષાત જન્નત કે સ્વર્ગ ઊભું કર્યાનો દાવો કરનાર સોવોયેટ સંઘ તમામ રીતે દોદળું – ખોખલું થઈ ગયું. જગતનો ઈતિહાસ કહે છે કે ધર્મ અને ઈશ્વરવાદના વિરોધ પર ઊભી થવા મથતી વિચારસરણી ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય તોયે તે કદી યશસ્વી બની શકતી નથી. આ સત્ય ભીંત પર જ નહીં, હૃદયમાં પણ કોતરી રાખવાની જરૂર છે.

પદાર્થનો જડત્વનો સિદ્ધાંત વિચારસરણીઓને પણ લાગુ પડે છે. સમયાંતરે ગતિ આપવામાં ન આવે તો ગમે તેટલી ઉત્કૃષ્ટ વિચારધારાનું કચુંબર થઈ જતાં વાર નથી લાગતી. ‘કહ્યું કાંઈ ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું‘ જેવો ઘાટ થતો આવ્યો છે. જુદા જુદા સમયે અને સ્થળે પ્રભાવી સમાજહિતચિંતકો પાક્યા તેમણે તત્કાલીન સમાજ સમક્ષ માનવકલ્યાણને  ઉપયોગી વાતો કહી, પણ શેઠની શિખામણ ઝાંપા લગી! મહાપુરુષોની વિદાય પછી એ રામ એના એ જ! ધર્મ પર ગ્લાનિ આવતી ગઈ. ધર્મનો અંચળો પહેરીને અધર્મ લોકમાનસ પર સવાર થઈ ગયો. તેજસ્વી ઈશ્વરવાદને સ્થાને ભ્રાંત ઈશ્વરવાદ વકરતો ગયો. સમજદાર વર્ગ ધર્મ અને ઈશ્વરવાદથી વિમુખ થતા ગયા, એટલું જ નહીં એની ઠેકડી ઉડાડવામાં ગૌરવ સમજવા લાગ્યા અને અજ્ઞાની લોકો અજાણપણે અધર્મને જ ધર્મ સમજીને પૂરી તાકાતથી પકડી બેઠા, તેથી સમાજને પારાવાર નુકસાન થયું.

ધર્મ અને ઈશ્વરવાદ તો જોઈએ જ, પણ તે એટલા બધા જર્જરિત થયા છે કે જે હાલતમાં તે છે તે રૂપમાં એનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. એના ડિમોલેશનને બદલે રિનોવેશનની જરૂર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે સમાજજીવનમાં જે કંઈ નવા પરિમાણો ઉમેરવા આવશ્યક જણાય તે ધર્મ અને ઈશ્વરવાદના તત્વજ્ઞાનમાં બોળીને સમાજને પીરસવા એ ખરી બુદ્ધિમતાનું કામ છે. રશિયાનું સચોટ ઉદાહરણ નજર સમક્ષ હોવા છતાં રેશનાલિસ્ટ મિત્રો ધર્મ અને ઈશ્વરવાદને તોડવા ઝનૂની બન્યા છે. તેનાથી તે કદી તૂટવાના નથી પણ તેઓ પોતે જ સમાજથી અલગ પડતા જાય છે તે ચિંતાજનક છે. રેશનાલિઝમની સમાજોપયોગી વાત ધર્મ અને ઈશ્વરવાદ સાથે સાંકળીને કહેશો તો જ લોકો તે સ્વીકારશે, નહિતર બધું જ પછડાઈને ખલાસ થઈ જશે. આપણને ટપ્ ટપ્ સાથે નિસ્બત છે કે મમ્ મમ્ સાથે? હમસચ્ચાઈ કરતાં સમાજ કલ્યાણ વધારે મહત્ત્વનું છે, તે વાત સુજ્ઞો તરત સમજી જશે. આપણી આયુર્વેદ ચિકિત્સામાં અનુપાનનું વિશેષ મહત્ત્વ છે. ધર્મ અને ઈશ્વરવાદ અનુપાન જેવા છે. સમજોપયોગી જે કોઈ વાત કહેવી હોય અગર કોઈક વિશેષ કલ્યાણકારી અને પ્રભાવી વિચારધારાને સમાજજીવનમાં કાર્યાન્વિત કરવી હોય તો આ અનુપાનનો આધાર લીધા વિના છૂટકો જ નથી. માણસ શ્રદ્ધાનો બનેલો છે. શ્રદ્ધા તૂટી જશે તો માણસ પણ તૂટી જશે; પછી વૈશ્વિક માનવવાદ અને રેશનાલિઝમ કોની સામે મંજીરા વગાડશે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s