ભટકતી ટપાલની સદ્ ગતિ!

postal

જયાભાદુરીની ઉપહાર ફિલ્મ જેમણે જોઈ હશે તેમને એક દૃશ્ય તો અચૂક યાદ રહી ગયું હશે; અભણ જેવી બાલિકાબધૂ બહારગામ નોકરી અર્થે ગયેલા તેના શિક્ષિત પતિને એક ચિઠ્ઠી લખીને જીભની લાળ વડે પરબિડિયું બંધ કર્યા પછી પૂરેપૂરું નામ સરનામું લખવાને બદલે માત્ર પતિનું નામ જ લખે છે અને ટપાલબોક્ષમાં નાંખી આવે છે! આ જોઈને પ્રેક્ષકોને રમુજ થાય છે. કેટલી અબૂધ અને ભોળી છોકરી છે! પણ એય એક જમાનો હતો. પત્ર લખવાનો એ રોમાંચ અદભૂત હતો. પ્રિયજનને પત્ર લખવા કાગળ અને પેન હાથમાં તો લઈએ, પણ શરૂઆત ક્યાંથી કરવી, સંબોધન શું કરવુ, હૈયાની વાત અક્ષરમાં કેવી રીતે ઉતારવી, કંઈ સૂઝે નહીં અને કોઈને પૂછાય પણ નહીં! પછી સાહસ કરીને, જેવું આવડે તેવું લખી તો કાઢીએ પણ મનને સંતોષ થાય નહીં! લખ્યા પછી કેટલાય કાગળ ફાડી નાંખવામાં આવે; છેલ્લે જે દસ્તાવેજ (પ્રેમનો!) તૈયાર થાય તેય કેટલી બધી વાર વાંચ્યા કરીએ. ઝટ ટપાલપેટીમાં નાંખી આવવાનું મન પણ ન થાય. અક્ષરે અક્ષરે પ્રેમ નીતરે અને શબ્દે શબ્દે હૈયું પ્રગટે! જાત જાતના ચિત્રો સહિત અવનવી શૈલીમાં પત્ર લખાય. લાગણીના પૂરમાં બુદ્ધિ તણાતી હોય એવો એ અનુપમ અનુભવ! અલ્પશિક્ષિતો તો ઠીક, શિક્ષિતો પણ પ્રેમના નશામાં એવી ભૂલ કરી બેસે કે એ પત્રને ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં ટપાલખાતાને નવનેજાં પાણી ઉતરે! બધ્ધું લખીએ પણ સરનામું જ ન લખીએ તો શું થાય!

ફિલ્મની માત્ર કલ્પના જ નહીં, પણ જીવનની આ નરી વાસ્તવિકતા હતી અને એને ઝાઝો વખતેય નથી થયો. હજી ગઈ કાલની, એટલે કે ગયા ત્રણ ચાર દસકાની જ તો વાત છે. અંગત પત્રોમાં શું લખેલું હશે, તે જાણવાની ઉત્સુકતા પત્રના પ્રાપ્તકર્તા કરતાંય અન્યોને વધારે હોય! પત્ર ફૂટી જાય તો પોતાનો પ્રેમ જાહેર થઈ જાય. જાહેર થઈ ગયેલો પ્રેમ વખોડાય અને ઈજ્જતના કાંકરા થઈ જાય, એટલે કેટલાક લોકો પત્રને મથાળે સૂચના મૂકે, ‘માલિક સિવાય ખોલશો નહીં!‘ એવી સૂચના મૂકવાથી કંઈ સલામતી પ્રાપ્ત નથી થઈ જતી. ઊલટાનું, જેના હાથમાં એ પત્ર આવે તેની ઉત્સુકતા ઓર વધી જાય; તે એવી સિફતથી પત્ર ફોડે, વાંચે અને ફરીથી ચોંટાડી દે કે કોઈને અણસાર પણ ના આવે. લોકોના પત્રો ફોડીને રહસ્ય જાણી લેવાનોય કેટલાક લોકોને ઉન્માદ હોય છે! જાણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધાનો છૂપો આનંદ માણતા હોય તેટલો મલકાટ તેમના ચહેરા પર છાનો નથી રહેતો.

પરંતુ, આજે આપણે એ વિષય પર વાત કરવી છે કે અધૂરા અને વણઉકેલાયેલ સરનામાવાળા પત્રોનું શું થતું હશે, તેને કેવી રીતે યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવતા હશે, અગર કેવી રીતે ઠેકાણે પાડવામાં આવતા હશે! નિશાળમાં તો શીખવવામાં આવે જ છે કે, પત્ર લખતી વેળા જમણા ખૂણે લખનારનું પૂરું નામ , ઘર નંબર, મહોલ્લો, ગામનું  નામ, તાલુકો, જિલ્લો અને પીન અવશ્ય લખવા. ત્યારબાદ તારીખ લખીને ડાબી તરફ પત્ર જેને લખાયો છે તેને માટે યોગ્ય સંબોધન અને ત્યારબાદ પત્ર લખવાનું પ્રયોજન યોગ્ય ભાષામાં મુદ્દાસર લખી, પત્ર પૂરો કરીને પરબિડિયા પર સારા અક્ષરે પ્રાપ્તકર્તાનું તથા પત્ર મોકલનારનું નામ અને પૂરું સરનામું લખીને પછી જ પત્ર પોસ્ટ કરવો. જેથી તે પત્ર યોગ્ય વ્યક્તિને પહોંચે અથવા કોઈ સંજોગોમાં વ્યક્તિ ન મળે તો લખનારને પરત થાય; પત્ર રઝળે નહીં. કેટલાક અણવીતરા લોકોની ગણતરી એવી હોય કે જરૂર કરતાં ઓછી કીંમતની ટિકિટ લગાડી હોય તો ‘નોટ પેઈડ‘નો થપ્પો લગાડીને પેનલ્ટી વસુલ કરવા ટપાલખાતું તે પત્ર અચૂક પહોંચાડે!

આર.એલ.ઓ. એટલે કે રિટર્ન લેટર્સ ઓફિસ નામના કાર્યાલયમાં અધૂરા અથવા વિચિત્ર સરનામાવાળા પત્રો એકઠા થાય છે. આ ખાતામાં એવા તાલીમબદ્ધ લોકો હોય છે, જેઓ જટિલ પત્રો જોઈને જ પામી જાય છે કે એને ઠેકાણા સુધી કેવી રીતે પહોંચાડવાનો છે. તેઓ ભણેલા-ગણેલા તથા અભણોની તમામ પ્રવૃત્તિઓ, તમામ પ્રાદેશિક ભાષાઓના શિખાઉ લોકોની ચાલુ ભાષાને બહુ નજીકથી સમજે છે. સરનામું જ નહીં લખ્યું હોય એને વાંચીને પત્ર મોકલનાર કે પ્રાપ્ત કરનારની વિગતો જાણવા તેઓ અનુમાનો કરે છે, પોતાના તરફથી શક્ય તમામ પ્રયત્નો કરી લીધા બાદ જ તે કચરાપેટીમાં જાય છે. આ કામમાં ઘણીવાર તો ચિઠ્ઠી ખોલીને વાંચવાની મજબૂરી પણ આવી જાય છે. તાર ટપાલ ખાતાના મહાનિર્દેશક રહી ચૂકેલા જાફ્રે ક્લાર્કનું પુસ્તક ‘પોસ્ટઓફિસ ઓફ ઈન્ડિયા‘માં અનોખા સંબોધનોવાળા તમામ પત્રોના ઉદાહરણ જોવા મળે છે. એમાં પરમ પૂજ્ય, શ્રદ્ધેય અને પ્રાત:સ્મરણીયથી માંડીને કોણ જાણે કેટલાયે સંબોધનો તો થતા હતા, પણ સરનામું જ નહોતા લખતા.એક ધ્યાનાકર્ષક પત્ર પર સરનામું નીચે મુજબ લખેલું હતું:

પ્રતિ શ્રી, 2,12,22-1-18-13-1

3-15,19-8-1-14-20-9-4-25-1,13-1-14-9-9-18

22,16,18-21-14-4-1-12

22-9-1,13-1-14-16-21-18-1

4-9-19-19-21,10-1-9-16-21-18(18-1-10)

અનુભવી કર્મચારી એચ.એમ.અન્સારીએ એની સાંકેતિક ભાષાને તોડીને એ સરનામું શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી. અંગ્રેજી વર્ણમાળાના 1 થી લઈ 26 સુધીના સંખ્યાને ક્રમ આપીને અંકલિપિની મદદથી એ જ દિવસે પત્રને એ સરનામે પહોંચાડી દીધો. એના પર રિમાર્ક કરેલું હતું; અનુવાદિત (ટ્રાન્સલેટેડ)

સેવામાં, બી. એલ. વર્મા, દ્વારા- શાં વિદ્યામંદિર, મુ. પો. રીદાલ,  જિલ્લા- જયપુર (રાજસ્થાન)

પ્રખ્યાત ડોગરી લેખક અને ભારતીય તાર-ટપાલ બોર્ડના સભ્ય જેવા મહત્ત્વના હોદ્દા પર રહી ચૂકેલા શ્રી શિવનાથે પોતાની નોકરી દરમિયાન અનોખા સરનામાથી લખેલા પત્રો જોયા હતા. જેવા કે- ૧.પૂજ્ય ભાઈસાહેબના ચરણોમાં ૨. શાસ્વત શ્રી સર્વ ઉપમા યોગ્ય સકલ ગુણ નિધાન પંડિત શ્રીયૂત શુક્લ સાહેબ બહોરને રામ.

એવી રીતે એક પત્રમાં લાલ ગોળો બનાવીને, પાન દરીબા નવી દિલ્હી લખેલું હતું. કુશળ ટપાલીની સમજમાં આવી ગયું કે આ પત્ર દરીબાના છેદીલાલ પાનવાળાનો હોઈ શકે છે. છેવટે તે જ પ્રાપ્તકર્તા નીકળ્યો. ગામડે રહેતી એની પત્નીએ તે લખ્યો હતો. એકવાર કલકત્તાની જીપીઓમાં એક પત્ર આવ્યો જેના પર સરનામાની જગ્યાએ વાયોલીનનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. ખૂબ માથાઝિંક કર્યા પછી પણ કંઈ ન વળ્યું એટલે કલકત્તા આર.એલ.ઓ. માં મોકલવામાં આવ્યો. મગજની ઘણી બધી નસ ખેંચી જોયા પછી પછી એ પત્ર બેહલા (બંગાળીમાં વાયોલિનને બેહલા જ કહે છે) પોસ્ટ ઓફિસ મોકલવામાં આવ્યો., જ્યાં સંબંધિત વ્યક્તિ સુધી પહોંચાડવામાં સફળતા મળી

કાનપુરના એન.આર.સેનના નામે ૧૪ જૂન ૧૯૬૩ના રોજ લખાયેલ પત્ર પહોંચાડવામાં આવ્યો તેના પર એડ્રેસ હતું:  આર સ્નેહ, ૬૪-૬૫ કોર્ટ મહેલ, કાનપુર. પણ એનું સાચું સરનામું હતું: એન.આર. સેન, ૬૫-૬૪ મોતી મહેલ, કાનપુર! એ પત્ર કાઠગોદામથી માંડી દેશના તમામ ભાગોમાં સફર કરતો કરતો ૧૨ ઓગસ્ટના રોજ પહોંચી ગયો. શ્રી સેને એ માટે ટપાલ ખાતાનો લેખિત આભાર માન્યો. કુરિઅરવાળા આવી સેવા આપી શકે ખરા?

બલિયાથી શ્રીમતી ધન્નોદેવી નામની મહિલાએ મુંબઈ માટે એક પત્ર મોકલતી વેળાએ પત્રની ઉપર એક ધમકી પણ લખી હતી કે મુન્નાના બાપા સિવાય જે કોઈ ખોલશે તેને સો ગૌહત્યાનું પાપ લાગશે! એ પત્રને આ સરનામે રવાના કરાયો હતો:

રાજકુમાર મિશિર, મુંબઈનીચાલમાં, મોટા દેવળની પાછળ, કંદોઈની દુકાનની બાજુમાં પાનની દુકાને પહોંચે અને મુન્નાના બાપાને હાથોહાથ આપવામાં આવે.

એ જ રીતે અન્ય એક પત્ર આ સરનામે લખવામાં આવ્યો: જોગબાનીથી ધન્જુરામ થાપા. પત્ર અલ્હાબાદ બેંકમાં જઈને ધનીરામ થાપા ચોકીદારને મળે. અત્યંત જરૂરી.

આજે સાક્ષરતા વધી હોવા છતાં, ૨૦૦૩-૦૪ના રેકર્ડ મુજબ આર.એલ.ઓ.ની એકલી કલકત્તા કચેરીમાં ૩૪.૩૭ લાખ પત્રો આવ્યા જેમાંથી માત્ર ૧.૨૭ લાખ મૃત જાહેર થયા બાકીનાને પહોંચાડવામાં આવ્યા અગર લખનારને પરત કરવામાં આવ્યા.આ બધું છતાં, વાર્ષિક સરેરાશ અઢી કરોડ પત્રો આર.એલ.ઓ પહોંચાડાય છે તે બતાવે છે કે આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. ટપાલખાતાની નિષ્ઠાને સલામ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s