લાગું ગણપતિને પાય…

કહેવાય છે કે, ‘સારા કામમાં સો વિઘન!’ કોઈ પણ શુભ કાર્યમાં ગમે તેટલી કાળજી રાખવામાં આવે તોય ગમે ત્યારે, ગમે તે દિશામાંથી અડચણ તો આવે જ આવે. એ વિઘ્ન આપણી પ્રગતિ પર બ્રેક મારે, આપણને વિચલિત કરે અને નિરાશ પણ કરે. આવું ન બને અને શુભ કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે વિઘ્નહર્તા દેવ ગણેશજીનું પૂજન કરવાનો રિવાજ આપણા સમાજમાં પ્રચલિત છે.

‘વિદ્યારંભે વિવાહે ચ, પ્રવાસે નિર્ગમે તથા…‘ કોઈપણ મંગળ કાર્યનો પ્રારંભ ગણેશપૂજાથી જ થાય એવી જડબેસલાક પ્રણાલિ આપણા પૂર્વજોએ ઊભી કરેલી છે. ક્યારેક મનમાં પ્રશ્ન જાગે કે શું ગોર મહારાજ પાસે યથાવિધિ ગણપતિ પૂજન કરાવ્યા પછી ખરેખર વિઘ્નો આપમેળે શાંત થઈ જાય ખરા? વિશ્વના ઘણા સમાજો આવી કોઈ વિધિ કર્યા વિના પણ તેમનાં મંગળ કાર્યો પાર પાડે જ છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ગણેશપૂજા કરીને પ્રારંભેલા શુભ કાર્યો પણ અટવાઈ ગયાના દાખલા સમાજમાં જોવા મળે છે, ત્યારે ગણેશપૂજાનો શો મતલબ? નાસ્તિક બનવાની સંપૂર્ણ મનાઈ સાથે મગજને થોડીક તસ્દી આપવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

ગણેશજીના સ્વરૂપ અને તેના તત્વજ્ઞાન વિષે તો આપણે સૌ પરિચિત છીએ. દર વર્ષે ગણેશોત્સવ કરીએ છીએ, છતાં આપણાં જીવનવ્યવહારમાં ગણેશપૂજનનો કોઈ પ્રભાવ વર્તાતો માલમ પડતો નથી. ભક્તિશાસ્ત્રનો નિયમ એવું કહે છે કે જે દેવની ભક્તિ કરીએ તેના ગુણો ભક્તમાં સંક્રાંત થાય છે. (થવા જોઈએ). કૃષ્ણો ભૂત્વા કૃષ્ણં યજેત્, રામો ભૂત્વા રામં યજેત્, શિવો ભૂત્વા શિવં યજેત્,… તે મુજબ ગણેશજીની ભક્તિ કીધા પછી પણ જો આપણે અબૌધ્ધિક રહીએ તો ભક્તિ વિષેની આપણી સમજણ અધૂરી ગણાય. શંકા પણ જાગે કે ભક્તિ અને ઉપાસનાને નામે આપણે કોઈ અવળા રસ્તે તો ફંટાઈ નથી ગયા ને ? ગણેશજી વિવેકબુદ્ધિના દેવ ગણાય છે. જો આપણે ગણેશ ભક્ત હોઈએ તો આપણામાં વિવેક બુદ્ધિ જાગૃત થવી ઘટે. જીવનમાં આવતા પ્રશ્નોનો સામનો જો વિવેકહીનતાથી કરીશું તો આપણી ગણેશભક્તિ લજવાશે. ગણેશજીનો ભક્ત ક્યારેય વિવેકભ્રષ્ટ ન હોઈ શકે.

કોઈપણ શુભકાર્ય અતિ ઉત્સાહમાં કરવાને બદલે વિવેકબુદ્ધિથી તેનું આયોજન કરવું જોઈએ. આપણાં અત્યાર સુધીના જ્ઞાન, ડહાપણ અને અનુભવના આધારે તથા સમાજનાં સન્માન્ય અગ્રણીઓનાં સલાહ સૂચન અને માર્ગદર્શન માટે તેમનો સાથ લઈને કામ કરવામાં આવે તો વિઘ્નો ઓછા આવે. બિલકુલ  વ્યાવહારિક રીતે વિચારીએ તો જે તે ક્ષેત્રના અગ્રણી વ્યક્તિનો  વિનયપૂર્વક સહકાર માંગવાથી તેમની પ્રસન્નતા અને બુદ્ધિકૌશલ્યનો લાભ મળે. તેમનું સન્માન જળવાવાથી રાજી થઈને તે ઉપયોગી થવાની તત્પરતા બતાવશે. તે સાથે પ્રભાવી માણસનો સાથ હોવાથી ઉપદ્રવી તત્ત્વો વિઘ્નો ઊભું કરતાં પહેલાં સો વાર વિચાર કરે. અને તેમ છતાં જો કોઈ અનિષ્ટ તત્ત્વ માથું ઊંચું કરે તો, એ પ્રભાવી માણસની પહોંચ દ્વારા તેને અંકુશમાં રાખી શકાય. ગણેશજીની પૂજા સાથે આ ખ્યાલ રાખવો પણ જરૂરી છે. નહિતર આ વાસ્તવિક વિઘ્નહરતા જ ક્યારેક વિઘ્નકર્તા બની જતા હોય છે. દરેક સમાજમાં, દરેક વિસ્તારમાં, દરેક ક્ષેત્રમાં જેમનું વિશેષ ચલણ ચાલતું હોય એવા મહાનુભાવોની હસ્તિ હોય જ છે અને તેમનો આદર જળવાય તો વિઘ્નો આવતા અટકે એ પણ એક હકીકત છે.

પહેલાંના ગ્રંથકારો ગ્રંથની શરૂઆત ગણેશવંદના અને સરસ્વતીની સ્તુતિથી જ કરતા. અજાણતા પણ કોઈની નિંદા, અપમાન, ઈર્ષ્યા કે દ્વેષ ન થઈ જાય અને સમાજના કલ્યાણ અર્થે તથા પરમ તત્ત્વની પ્રીતિ અર્થે પૂરી નમ્રતાથી ગ્રંથની રચના કરતા. ગ્રંથ યશસ્વી બને તો તેને સરસ્વતીની અને ગણેશજીની કૃપા અને પ્રેરણા ગણાવતા. તેમનો આ વિવેક લોકકવિ અને ભજન, ગરબા જોડી કાઢનારા ભાવિકો પણ અનુસરતા. તેથી જ તો કેટલાક ગરબાની શરૂઆત ‘લાગું ગણપતિને પાય, સમરૂં શારદા રે માય….‘થી થયેલી જોવા મળે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s