ડૉ. શશિકાંત શાહની કૉલમમાંએક કિસ્સો એવો વર્ણવાયો છે, જેમાં એક યુવાનને ઊંચી શૈક્ષણિક લાયકાત હોવા છતાં લાંબા સમય સુધી નોકરી નહિ મળી. છેવટે, એક શુભેચ્છક પાસેથી વગર વ્યાજની લોન લઈ, જુની કાર ભાડે ફેરવવાનો નિર્ણય લીધો. એમાં કમાણીની એવી તક પ્રાપ્ત થઈ કે એટલો પગાર એને કોઈ સંસ્થા ક્યારેય આપવાની નહોતી. પોતાના એ શુભ નિર્ણયની જાણ કરતો અને પોતાના આ સાહસમાં આશીર્વાદ આપવાની વિનંતી કરતો પત્ર પણ એ યુવાને ડૉ. શાહનેલખ્યો..
એક વાત તો સુનિશ્ચિત જ છે કે આપણું આજનું શિક્ષણ રોટલો મેળવી આપવાની કોઈ ગેરંટી નથી આપતું. ઊંચી ઊંચી ડિગ્રી પણ રોજગાર પ્રાપ્ત કરી આપવા માટે લાચાર છે. જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ડૉકટરો, વકીલો, સાયન્ટિસ્ટો અને અનેક ગોલ્ડ મૅડાલિસ્ટો પણ ઝૂકી પડીને આપઘાત કરતા હોય એવા કિસ્સા અખબારોના પાને અવારનવાર વાંચવા મળે છે.આત્મવિશ્વાસ અને સહનશક્તિનો અભાવ, મુસીબતોને ઓળખી તેનો સામનો કરવાની શક્તિ ડિગ્રીમાંથી નથી મળતી. ઘણીવાર એવું જોવા મળે છે કે ઊચ્ચ ડિગ્રીધારી કરતાં અલ્પશિક્ષિત વ્યક્તિ જિંદગીમાં વધારે સારું કમાય છે અને જીવનના પ્રશ્નોને વધારે સારી રીતે ઉકેલે છે.
કમાણી કરવા માટે પ્રામાણિક રસ્તો શોધવામાં કોઈ નાનમ ના હોવી જોઈએ. જાતને કે સમાજને નુકસાન કરતું ન હોય તથા ગેરકાયદે ન હોય તેવું કોઈ પણ કામ કરતી વખતે લોકો શું કહેશે તેની ચિંતા કરવાની મુર્ખાઈ કરવા જેવી નથી. લોકો કંઈ આપણી જરૂરિયાત પૂરી કરવા આવવાના નથી. આમલેટની, ભજિયાની શાકભાજીની કે ફળોની લારી ચલાવનાર કે પાનનો ગલ્લો ચલાવનારા કોઈપણ વેરો ભર્યા વગર સારી કમાણી કરે જ છે. મેનેજમેન્ટ અને સાયકોલોજીના અનેક પુસ્તકો લખનાર બી. એન.દસ્તુર સાહેબે લખ્યું છે કે દુનિયાની નંબર વન ગણાતી ફાર્માસ્યુટિકલ પાર્ક ડેવિસ કંપનીમાં નોકરી કરતા એક મિત્રે રાજીનામું આપીને ઘરે ઘરે તરકારી પહોંચાડવાની સર્વિસ ચાલુ કરી! ધંધો એટલો સરસ ચાલ્યો કે ડિલિવરી માટે બે જીપ ખરીદવી પડી. દસ્તુરજી પણ એ જ કંપનીમાં હતા. એમણે પણ રવિવાર અને રજાના દિવસોમાં કાર ડ્રાઈવીંગ શીખવીને ફ્લેટના હપ્તા જેટલા નાણાં કમાવા શરૂ કર્યા.
પ્રામાણિકતાથી ધંધો કરવામાં કોઈ ડિગ્રી આડે આવતી નથી તેથી ‘લોકો શું કહેશે?‘ એવો ડર રાખ્યા વગર ઝંપલાવો અને જિંદગીમાં સ્વમાનભેર સ્થિર થાઓ!