સંસ્કૃતમ્ અત્યંતમ્ સરલા ભાષા.

નેવુંના દાયકામાં ‘સંસ્કૃતભારતી‘ સંસ્થાની કામગીરી વિષે પ્રમિલા પરીખ દ્વારા લખાયેલ અને ‘સમકાલીન‘ દૈનિકમાં છપાયેલ અહેવાલ વાંચવામાં આવેલો; પ્રસ્તુત લેખની વિગતો વાંચીને નવાઈ એ લાગેલી કે એ સંસ્થાએ કેટલાંક એવાં ગામડાં તૈયાર કર્યાં છે કે, જ્યાંના તમામ લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરે છે! આદિવાસી શ્રમજીવી મહિલાઓ ખેતરોમાં કામ કરતી વખતે સંસ્કૃતમાં જ ગપ્પાં મારે છે. બાળકો લખોટી કે પકડદાવ જેવી રમતો રમતી વખતે સંસ્કૃત ભાષા જ બોલે છે, દુકાને ઘરવખરીની ચીજો ખરીદતી વખતે તેમજ ઘરનો રોજિંદા તમામ વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે. આપણી માન્યતા એવી છે કે સંસ્કૃત તો પંડિતોની જ ભાષા છે, અત્યંત ક્લિષ્ટ છે અને તે ડેડ લૅન્ગવેજ (મૃત ભાષા) છે. પણ અભણ આદિવાસીઓને સરળતાથી સંસ્કૃત બોલતાં જાણીને અચરજ થયું. શું આ વાત સાચી હશે? શંકાના સમાધાન માટે પત્રવ્યવહાર કર્યો, કેટલુંક સાહિત્ય મંગાવ્યું, વિડિયો કેસેટ જોઈ અને સંસ્કૃત અઘરી ભાષા હોવાનો ભ્રમ ખરી પડ્યો. બેંગલુરુ શાખામાંથી પત્ર દ્વારા સંસ્કૃત શીખવાની કોશિષ કરી. પરીક્ષાઓ આપી. ઘણી બધી પુસ્તિકાઓ અને ઓડિયો કેસેટ પણ મંગાવી.

દરમિયાન, કદાચ ૨૦૦૦ ની સાલમાં ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામે પંડિત સાતવળેકર સંસ્કૃત વિદ્યાલયના ઉપક્રમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જે કાર્યક્રમ સંસ્કૃત ભાષામાં જ રજુ થવાનો હતો અને સ્થાનિક બાળકો જ તેમાં ભાગ લેવાના હતા એવી જાહેરાત વાંચવામાં આવી. અતિથિવિશેષ તરીકે પંડિત ચમૂ શાસ્ત્રી પધારવાના હતા. અન્ય બે રસિક મિત્રોની સાથે કિલ્લા પારડી જવાનું થયું. પંડિત ચમૂ શાસ્ત્રીએ પ્રવચન શરૂ કર્યું. આખું પ્રવચન સંસ્કૃતમાં હતું. દસેક મિનિટ પછી એમણે સભાજનોને પ્રશ્ન કર્યો કે તમને મારી વાત સમજાય છે ને? જેમને એક પણ વાક્ય ન સમજાયું હોય તેઓ હાથ ઊંચો કરે. ઘણાં શ્રોતાઓએ હાથ ઊંચા કર્યા જેમાં મુસ્લીમ ભાઈઓ પણ હતા. શાસ્ત્રીજીએ રમુજ કરી કે તમને મારો સવાલ સમજાયો કઈ રીતે?  મેં તો સંસ્કૃતમાં જ સવાલ પૂછયો હતો!  એમણે સ્પષ્ટતા કરી કે, ‘હું વિમાન, ટ્રેન, બસ કે રિક્ષામાં મુસાફરી કરતી વખતે પણ સામાવાળા જોડે સંસ્કૃતમાં જ બોલું છું અને આજ સુધી કોઈને કંઈ તકલીફ પડી નથી. સંસ્કૃતથી આપણે ટેવાયા નથી એટલે તે આપણને અઘરી લાગે છે!‘ ત્યારપછી તો નાટક, ગરબા, નૃત્ય વગેરે સંસ્કૃતમાં રજુ થયા અને મનભરીને માણ્યાં સૂરતની ભૂલકાં ભવન હાઈસ્કૂલના અધ્યાપક શ્રી મહારુદ્ર શર્મા અને પ્રાધ્યાપક ભરતભાઈનો પાઠકનો પરિચય થયો; તેઓ સંસ્કૃતના પ્રચાર માટે ઉત્સાહથી કામ કરતા જણાયા.

કોઈપણ ભાષાનો જ્યાં બોલચાલમાં ઉપયોગ ન થાય ત્યાં સુધીનો તમામ વ્યાયામ નિરર્થક છે. સંસ્કૃત સંભાષણના વર્ગો ભરીએ તો તેને સારી રીતે વ્યવહારાન્વિત કરી શકાય. સૂરત અને નવસારીમાં એના વર્ગો ચાલ્યા. સૂરતમાં પૂર્ણાહૂતિ અને નવસારીમાં પ્રારંભ અને પૂર્ણાહૂતિના દિવસે જ જઈ શકાયું. સ્થાનિક કક્ષાએ જે પરિવર્તન જોવા મળ્યું તે સુખદ આશ્ચર્ય હતું. માત્ર એક અઠવાડિયાની પ્રેકટિશ કરીને બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોએ જે રજુઆત કરી તે પ્રશંસનીય હતી. ટોપલામાં શાકભાજી વેચવા નીકળેલી વૃદ્ધા જાણે સંસ્કૃત નગરીમાંથી (કર્ણાટકના માથુર ગામથી!)આવી હોય તેમ સહજતાથી સંસ્કૃતમાં બોલતી હતી. તમામની રજુઆત હૃદયસ્પર્શી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો કોઈ વસ્તુ શીખવી અઘરી નથી; સંસ્કૃત તો જરાય નહીં.

૧૯૭૫ની સાલમાં દેશમાં કટોકટી ચાલતી હતી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ સૂરતમાં, શાહપોરના સ્વામીનારાયણ મંદિરમાં આવેલા અને તેમણે અડધો કલાક સંસ્કૃતમાં પ્રવચન આપ્યું હોવાનું અખબારમાં વાંચ્યું ત્યારે ભારે અચંબો થયેલો. એક રાજકારણી સંસ્કૃતમાં ભાષણ આપે એ વાત જ માનવામાં ન આવે. કર્ણાટકના શિમોગા શહેરમાં સુષ્મા સ્વરાજ ચૂંટણી પ્રચારાર્થે ગયેલા ત્યારે તેમણે વીસ મિનિટ સંસ્કૃતમાં પ્રવચન આપેલું. સંસ્કૃત ભાષાને અઘરી અને મૃત ગણનારા લોકોને આઘાત અને આશ્ચર્ય થાય તેવી હકીકત તો એ છે કે આપણા દેશની બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. આંબેડકરનો આગ્રહ હતો કે ભારતનુ બંધારણ તો સંસ્કૃતમાં જ લખાવું જોઈએ. એમનું ચાલ્યું હોત તો તે સંસ્કૃતમાં જ લખાયું હોત, પણ બહુમતી સભ્યોને સંસ્કૃત આવડતું ન હોવાથી તેમણે વિરોધ કર્યો અને વાત પડતી મૂકાઈ.

ગુજરાતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અનેક સ્કૂલો હશે પણ એક સ્કૂલ સંસ્કૃત માધ્યમમાં પણ શિક્ષણ આપે છે, તેનો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી આ સ્કૂલમાં ૮૪ વિદ્યાર્થીઓ સંસ્કૃત સાહિત્ય, વેદ, ઉપનિષદો, પુરાણો અને જ્યોતિષશાસ્ત્ર સાથે અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરે છે. અહીં અંગ્રેજી અને કોમ્પ્યુટર સિવાયના બધા જ વિષયો સંસ્કૃત માધ્યમથી ભણાવવામાં આવે છે. સામાન્ય સ્કૂલમાં સાતમું ધોરણ પાસ કરનાર કોઈ પણ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. આ શાળામાં આઠ વર્ષ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને ‘શાસ્ત્રી’ની ડિગ્રી મળે છે. આ ડિગ્રી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા સાથે બી.એ.ની ડિગ્રીની સમકક્ષ ગણાય છે. ગુજરાત સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડે અહીં સંસ્કૃત ભાષાની પરીક્ષાનું કેન્દ્ર પણ ખોલ્યું છે.

સંસ્કૃત એ આપણા દેશની મૂળ ભાષા છે. અંગ્રેજોએ આ દેશના મૂળવતનીઓને પોતાનું ગૌરવ ભુલાવવા અને અંગ્રેજીના રવાડે ચડાવવા સંસ્કૃતને મૃતભાષા તરીકે જાહેર કરી. આમ ભારતીયોને ભારતીયતાના સંસ્કારોથી દૂર રાખવામાં એ લોકો સફળ પણ થયા. આપણો અમૂલ્ય સંસ્કાર વારસો પ્રાચીન ગ્રંથોમાં સચવાયો છે, એ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. આપણને સંસ્કૃત આવડતું ન હોય તો એ ગ્રંથોને સમજી કેવી રીતે શકીએ? આપણે આપણાં મૂળ તરફ જઈ જ ન શકીએ એ માટે તો અંગ્રેજોએ આપણે ત્યાં મૅકોલેની શિક્ષણપદ્ધતિ દાખલ કરેલી. ભારતીય પ્રજાનું મનોબળ તોડવાના એકમાત્ર ઉદ્દેશથી સંસ્કૃત ગ્રંથોનું વિકૃત અર્થઘટન રજુ કરનારા ભાષંતરકાર તરીકે મેક્સમૂલર નામના વિદ્વાનને રોક્યા હતા. તે માટે તેમને અધધધ કહી શકાય તેટલી રકમનું મહેનતાણું ચૂકવવામાં આવેલું. આ ષડ્યંત્રના પરિણામે આજે પણ આપણા કેટલાક વિદ્વાનો, એક કાળે, વિશ્વને માર્ગદર્શન આપનારી ભારતીય સંસ્કૃતિ માટે હીણપતભર્યાં લખાણો લખતા રહ્યા છે. સંસ્કૃત બચશે તો સંસ્કૃતિ બચશે.

ભારતીયો ફરીથી ભારતીયતા તરફ વળે તેમાટે અમદાવાદના ‘એકલવ્ય સંસ્કૃત એકેડેમી‘ નામની સંસ્થાના ડાયરેક્ટર પ્રા. મિહિરભાઈ ઉપાધ્યાય અથાગ પ્રયત્નો કરે છે. એમની સંસ્થાએ લગભગ પચાસ જેટલા લોકપ્રિય ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કરાવ્યો છે. ઉદાહરણ તરીકે, ‘તારા વિના શ્યામ, મને એકલડું લાગે!-‘ આ ગરબો તો સંસ્કૃતમાં આ રીતે ગાઈ શકાશે,

ત્વામ્ વિના શ્યામ  અહમ્ એકાકી ભવામિ.

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

ગરબાક્રીડન્ત્ય:  ગોપ્ય:  હો  હો

શૂન્યા:  ગોકુલસ્ય  વીથ્ય:

શૂન્યાસુ  નગરીષુ  ગોકુલસ્ય વીથિષુ (૨)

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

ત્વામ્ વિના શ્યામ  અહમ્ એકાકી ભવામિ.

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

શરદરાત્રી ઇયમ્ શોભના હો હો

ચન્દ્રિકા ઉદિતા મનોહરા

ત્વમાગચ્છતુ  શ્યામ રાસક્રીડાયામ્ શ્યામ

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)….

અને ‘પંખીડાં તું ઊડી જાજે પાવાગઢ રે…‘ એ લોકપ્રિય ગરબો સંસ્કૃતમાં ગાવો હોય તો?..

પક્ષિણો:     હે… પક્ષિણ: .. પક્ષિણ:  હે .. પક્ષિણ: …

પક્ષિણ:   ઉડ્ ડયીન્તાં     પાવાગઢમ્ રે. …

મહાકાલ્યૈ: કથયતુ    ગરબા રમતામ્ રે

હે…  ગ્રામસ્વર્ણકારબન્ધો શીઘ્રમાગચ્છ

મમ   માત્રે   સુન્દરં  મંજીરમાનય

શોભનં  મનોહરં  ચ  દિવ્યમાનય   રે

મહાકાલ્યૈ   કથયતુ ગરબા રમતામ્ રે…….

બાળક જ્યારે બોલતાં શીખતું હોય ત્યારે કોઈ મા-બાપ તેને માથે વ્યાકરણનો ભાર નથી થોપતા. બાળકો માતૃભાષા બોલે અથવા ટીવી જોઈને હિંદી શીખે ત્યારે વ્યાકરણ વચમાં નથી આવતું.. નિશાળમાં ભણવા જાય ત્યારે મોડેથી એને કર્તા, ક્રિયાપદ. નામ સર્વનામ વિશેણ,વિભક્તિ, લિંગ અને વચન વગેરે વાત જાણવા મળે છે. સંસ્કૃતભારતી સંસ્થા પણ સાદાં સરળ વાક્યો સાચી રીતે બોલતાં શીખવે છે અહીં વ્યાકરણ જરાયે ભારરૂપ નથી લાગતું. આપણે આપણા મૂળ તરફ વળવું હોય, આપણો પોતાનો પરિચય પામવો હોય તો સંસ્કૃત શીખવું આવશ્યક છે.

.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s