જ્ઞાતિ પરંપરા અને જ્ઞાતિપંચોની બદલાતી જતી ભૂમિકા

          વ્યક્તિ એ સમાજરચનાનું સૌથી નાનું એકમ છે. તેનાથી આગળનું એકમ એટલે  કુટુંબ. કુટુંબમાં એક અથવા  એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે. ઘણાં કુટુંબો મળીને એક મહોલ્લો, શેરી અથવા સહકારી સોસાયટી બને છે. ઘણાં મહોલ્લા મળીને એક વૉર્ડ કે એક ગામ બને છે. ઘણાં ગામો મળીને તાલુકો, ઘણા તાલુકા મળીને જિલ્લો અને એ રીતે રાજ્ય અને દેશ બને છે. વહીવટ ચલાવવા માટે સમાજના વિવિધ ઘટકોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. કોઈ પણ યોજનાનો અમલ કરવો હોય તો શાસકો સીધા વ્યક્તિ સુધી નથી પહોંચી શકતા. વહીવટીતંત્રમાં ઉપરથી નીચે જવા કે નીચેથી ઉપર સુધી પહોંચવા માટે વિવિધ પગથિયાં પસાર કરવા પડે છે.

         ભારતીય સમાજ અનેક જ્ઞાતિ સમૂહોમાં વહેંચાયેલો છે. દરેક જ્ઞાતિના લોકોની આજીવિકાના સાધનો અલગ અને જીવનશૈલી પણ અલગ. એમના રિવાજો અલગ તેમ વાણી વ્યવહાર અને વિચારસરણી પણ ભિન્ન. વ્યવસાયની અસરને કારણે સ્વભાવમાં પણ વૈવિધ્ય જોવા મળે. પ્રત્યેક જ્ઞાતિની ઓળખ માટે આપણે ત્યાં વિપુલ માત્રામાં કહેવતો પ્રચલિત થયેલી છે; જેમાં એમના ધંધાના લક્ષણોનો પ્રભાવ ચોખ્ખો વર્તાઈ આવે છે. દરેક સમુદાયના લોકોમાં ગુણ- અવગુણ તો હોવાના જ તેથી જાતિ વિષયક કહેવતોમાં જ્ઞાતિવિશેષ ગુણોની સાથે જ્ઞાતિના અપલક્ષણોનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે! વાણિયા, બ્રાહ્મણ, દેસાઈ, પાટીદાર, સોની, સુથાર, લુહાર, દરજી… વગેરે જ્ઞાતિના લોકો એક સમૂહમાં સાથે રહેતા. એટલે જ તો જૂનાં ગામડાં અને નગરો વાણિયાશેરી, દેસાઈવાડ, બ્રાહ્મણ મહોલ્લો, કુંભારવાડ, સુથારવાડ, દરજીફળિયુ, કોળીવાડ, હળપતિવાસ, હરિજનવાસ, નાયકીવાડ, ઢોડિયાવાડ, ખત્રીવાડ, ઘાંચીશેરી, ગોલવાડ વગેરેમાં વિભાજિત થયેલાં જોવા મળે છે. દરેક જ્ઞાતિના લોકો પરસ્પર અવલંબિત હતા અને તે સૌ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો પણ હતા. પ્રત્યેકનું મહત્ત્વ હતું. પ્રત્યેક જ્ઞાતિ સમુદાયના વણલિખિત કાયદાઓ હતા અને જ્ઞાતિપંચના વડાઓનું સમગ્ર જ્ઞાતિ પર આધિપત્ય રહેતું. ‘પંચ કહે તે પરમેશ્વર‘ નો એ જમાનો હતો. નાના મોટા ઝગડાની પતાવટ પંચ દ્વારા જ થતી. જ્ઞાતિના ધારાનો ભંગ કરનારને દંડ કે પછી નાત બહાર મૂકવા જેવા આકરા પગલાં પણ જ્ઞાતિપંચો ફરમાવતા અને તેનો ચુસ્તપણે અમલ થતો. ભક્ત કવિ નરસિંહ મહેતાને, વીર કવિ નર્મદને કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પણ નાતના સખત કાયદાનો કડવો અનુભવ થયેલો. આદિ શંકરાચાર્ય અને સંત જ્ઞાનેશ્વરના પિતાનો તેમની નાતે બહિષ્કાર કરેલો. આ થઈ જ્ઞાતિપંચોના ઈતિહાસની આછેરી ઝલક.

       આઝાદી મળી અને દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ્ઞાતિપંચના વડાઓનો પ્રભાવ પણ ઓસરવા લાગ્યો. તાનાશાહી ગઈ અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતપોતાના સમુદાયને પ્રગતિના પંથે દોરવાનો માર્ગ ખુલ્લો થયો. કુરિવાજો સામે મેદાને પડનાર સુધારાવાદી લોકોને કાયદાની ઓથ મળી. ‘નાત બહાર‘ મૂકીને જ્ઞાતિજનને પજવવાનું શસ્ત્ર હવે રહ્યું નહીં. (કમનસીબે અમુક યુનિયનોમાં પોતાના જ મેમ્બરોનો બૉયકોટ કરવારૂપ એ  હથિયાર હજી અસ્તિત્વમાં છે.) આર્થિક રીતે સધ્ધર અને સુશિક્ષિત એવી ઊંચી ગણાતી આવેલી જ્ઞાતિઓએ  જ્ઞાતિજનોના વિકાસ માટે ઝડપભેર પ્રગતિશીલ પગલાં ભરવા માંડ્યા. સામાજિક પ્રસંગે રસોઈના સાધનો કે મંડપનો સામાન રાખવા માટે તૈયાર કરેલા મકાનોને સ્થાને નવી નવી વાડીઓ અસ્તિત્વમાં આવવા માંડી. એ વાડીઓમાં એક તરફ અપરિણીત યુવક યુવતિઓના પરિચય મેળાઓ યોજાવા લાગ્યા તો બીજી તરફ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પ્રવૃત્તિઓ, બહેનોને પગભર કરવા માટે રોજગારલક્ષી પ્રકલ્પો અને જ્ઞાતિના યુવાવર્ગને શિક્ષણની સવલતો, માર્ગદર્શન અને જરૂરી તમામ સહાયો મળી રહે તે માટેના આયોજનો થવા લાગ્યા. નાના બાળકોથી માંડીને પ્રૌઢો સુધી તમામને તેમની સિદ્ધિ બદલ  અભિવાદન, પ્રોત્સાહન અને હૂંફ મળે એવા કાર્યક્રમો થવા માંડ્યા. સમાજના લોકોને શુદ્ધ સાત્વિક મનોરંજનની સાથોસાથ જીવનલક્ષી વિચારો મળે એ માટે વિદ્વાનોના પ્રવચનો પણ ગોઠવાવા લાગ્યા. વ્યક્તિ અને જ્ઞાતિસમાજ વચ્ચેનો નાળસંબંધ હકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ બન્યો. દીર્ઘદૃષ્ટિવાળા આગેવાનોના નેતૃત્વ હેઠળ જૂનવાણી વિચારધારાથી મુક્ત થઈને નવી દિશા તરફ ડગ મંડાયા.

       આર્થિક રીતે સદ્ધર એવા જ્ઞાતિ સમાજોના દૃષ્ટિવંત આગેવાનોએ શિક્ષણક્ષેત્રે પણ પ્રગતિશીલ કદમો ભર્યા. ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટે ખાનગી નિવાસી શાળાઓ પણ ચાલુ કરી. પોતાના સમાજને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થાય, શરીર અને મનથી ખડતલ બને, બૌદ્ધિક વિકાસ થાય એ માટે સતત ચિંતન કરીને તમામ સવલતો પૂરી પાડવાનો તેમનો અભિગમ અન્યો માટે પણ પ્રેરણાદાયી રહ્યો. સામાજિક સુધારા માટે પણ જ્ઞાતિસમાજો ઘણી ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. વ્યક્તિગત રીતે માણસ ગમે તેટલો સુધારાવાદી અભિગમ ધરાવતો હોય, પણ સુધારાને અમલમાં મૂકવા આડે અનેક અવરોધો આવતા હોય છે, જ્યારે જ્ઞાતિ-સમાજ પોતે સુધારાવાદી ચળવળ ચલાવતો હોય ત્યારે તે જ કામ સરળ બની જાય છે. સૂરતના પાટીદાર સમાજે ભ્રૂણહત્યા ના વિરોધમાં જબરદસ્ત આંદોલન સફળતાપૂર્વક ચલાવ્યું અને બેટી બચાવ ચળવળને વેગવંતી બનાવી. સમૂહલગ્નો કરી વેડફાતી સંપત્તિ અને સમય તો બચાવ્યા જ, પણ તેની સાથે ગરીબ પરિવારોને મજબૂત આધાર પણ આપ્યો. પતિ-પત્ની વચ્ચે  મનમેળ હોય તેટલું પૂરતું નથી; સાસુ-વહુ અને દેરાણી જેઠાણી વચ્ચેના સંબંધો પણ સુમધુર રહેવા જોઈએ. લગ્નવિધિ પ્રસંગે અગ્નિની સાક્ષીએ ફરાતા ચોરીના ચાર ફેરા ઉપરાંત પાંચમો ફેરો બંને પક્ષના વડીલોએ પણ ફરીને તેમને પ્રતિજ્ઞાબદ્ધ થવાનો ચાલ શરૂ કર્યો. રસ્તાઓ ગમે તેટલા પહોળા કરવામાં આવે તોયે વધેલા વાહન વ્યવહારને લીધે ટ્રાફિક જામ થઈ જતો હોવાની સમસ્યાથી આપણે પરિચિત છીએ. તેમાંય વળી લગ્નસરા ચાલતી હોય ત્યારે તો ભાઈ, તોબા! ટ્રાફિક જામ થવાના સમયે જ વરઘોડો કાઢવાના માનસમાં પરિવર્તન લાવવાની કોઈનામાં તાકાત નથી. પણ પાટીદાર સમાજે એ દિશામાં પહેલ કરીને વરઘોડો કાઢવાનો રિવાજ બંધ કરી ટ્રાફિક જામનો ત્રાસ દૂર કર્યો એ બદલ એમને સલામ. આપણા સમાજમાં ઘણા બધા સુધારા કરવાનો સમય પાકી ગયો છે, માત્ર આલોચના કરતા બેસી રહેવાને બદલે ઠોસ પગલાં લેવાની જરૂર છે. સુધારાની વાત સમાજના લોકોને ગળે ઉતારી શકે એવા પ્રતિષ્ઠિત અને હિંમતવાન આગેવાનોની આવશ્યકતા છે. ‘જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધારા કરો નહીં તો મરો‘ . જૂનવાણી માનસ છોડ્યા વગર હવે ચાલવાનું નથી.

          જૂદી જૂદી જ્ઞાતિઓના મંડળો ઊભાં થતાં જાય છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓની જાહેરાત તથા અહેવાલો અખબારના પાના પર વાંચવા મળે છે. તેથી સમાજચિંતકોના મનમાં ક્યારેક શંકા પણ જાગે છે કે જ્ઞાતિવાદ ફરીથી વકરી તો નથી રહ્યો ને? ખરું જોતાં, પ્રજા હવે સમજતી થઈ છે કે પ્રગતિ કરવી હશે તો સંગઠન હોવું જરૂરી છે. અત્યાર સુધી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયેલી જ્ઞાતિના વિચારશીલ લોકોને પણ સમજાયું છે કે જો સમાજનો વિકાસ કરવો હશે તો આત્મનિર્ભર બનવું પડશે. આપણો હાથ પકડીને કોઈ બીજો આપણને ઊંચે લાવશે, એવી ભ્રમણામાં જીવવાનો કોઈ અર્થ નથી. આપણો ઉદ્ધાર આપણે પોતે જ કરવો પડશે. કોઈના વિકાસની ઈર્ષ્યા કરીને મનમાં બળવાને બદલે વિકસિત જ્ઞાતિ-સમાજના ઈતિહાસ પરથી પ્રેરણા લઈ પોતપોતાના સમાજને ઉપર લઈ જવાની જરૂર છે. હવે ઊંચ નીચના ખ્યાલો રહ્યા નથી. વારસાગત વ્યવસાયોનો છેદ ઊડી ગયો છે. સૌને શિક્ષણ અને આજીવિકા પ્રાપ્ત થાય એ માટે સહચિંતન કરે, આર્થિક રીતે સમૃદ્ધ થવાના બહેતર વિકલ્પો શોધે, કુરિવાજોના સકંજામાંથી સમાજને છોડાવે તથા પોતાની શક્તિ અને સૂઝનો પ્રામાણિક રીતે ઉપયોગ કરે તો વિકાસને આડે આવે એવા કોઈ પ્રતિકૂળ સંજોગો હવે રહ્યા નથી. બીજાનું સારું જોઈને તેનું અનુકરણ કરવાની જરૂર છે.

         સમગ્ર સમાજનો વિકાસ કરવો હશે તો તમામ જ્ઞાતિ-સમાજો પોતપોતાની રીતે પ્રવૃત્ત બને એ જરૂરી છે. સંસ્કાર, શિક્ષણ, કુનેહ, બુદ્ધિમતા, શ્રેષ્ઠતા  અને વિકાસ પર કોઈ કોમ કે જ્ઞાતિનો ઈજારો નથી. સંકલ્પ મજબૂત હશે તો પ્રગતિ દૂર નથી. સંકુચિત જ્ઞાતિવાદમાંથી મુક્ત બની સમજણ અને સહકારથી વિકાસકૂચ કરવાનો માર્ગ અત્યંત સરળ બનતો જાય છે એ વીતેલા દસકાની ફળશ્રૂતિ નજરઅંદાજ કરવા જેવી નથી.

Leave a comment