સંતુલિત સમાજવ્યવસ્થાની આવશ્યકતા

                જીવનયાત્રાનો ત્રીજો મુકામ એટલે વાનપ્રસ્થ અવસ્થા. વિદ્યાભ્યાસ અને ગૃહસ્થી પાર કર્યા પછી આવતી આ અવસ્થા કેટલીક સમસ્યાઓ સર્જે છે તેમ કેટલીક તકો પણ પૂરી પાડે છે. સમસ્યા તો જિંદગીમાં ક્યારે નથી આવતી? સમસ્યા તો જિંદગીનો એક ભાગ છે, પણ કોણ જાણે કેમ, આ ઉંમરે માણસને સમસ્યાનું રૂપ અતિ વિકરાળ લાગે છે. માણસ નાનેથી મોટો થતો જાય તેમ જોતો હોય છે કે જિંદગીના જુદા જુદા મુકામે પહોંચેલી વ્યક્તિઓ અમુક ચોક્કસ પ્રકારની પીડાઓ ભોગવતી રહેલી છે; પોતે પણ ક્યારેક તો એ મુકામે પહોંચવાનો છે અને એ તમામ પીડાઓ કોઈ ને કોઈ સ્વરૂપે પોતાની સમક્ષ પણ આવવાની જ છે, તો તે વેળા પોતે કેવી રીતે પહોંચી વળશે, તેની પૂર્વતૈયારી તેણે નહીં કરી હોય? આપણે કહીએ છીએ કે હવે ઊતરતું લોહી છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે, સહનશક્તિ પણ ઘટવા લાગી હોય છે. શ્રવણશક્તિ ઘટવા લાગી, યાદશક્તિ ઓછી થઈ ગઈ છે, પગ સાબૂત રહ્યા નથી, ગમે ત્યારે ઠોકર વાગી જાય છે, હાથ મજબૂત રહ્યા નથી પકડેલી વસ્તુ ક્યારે પડી જાય તેની ખબર રહેતી નથી, આંખો હવે ઓછું ભાળે છે. હાડકાં કમજોર પડી ગયાં છે, જરાક વાગતાંની સાથે ફ્રેક્ચર થઈ જાય છે. દાંતો પડવા લાગ્યા છે, પાચનશક્તિ ઘટી ગઈ છે, પણ જીભના ચટાકા વધતા જાય છે. કાને ઓછું સંભળાય, આંખે ઓછું દેખાય, છતાં ઘરમાં કોણ આવ્યું, કોનો ફોન આવ્યો, શું વાત કરે છે, તે જાણવાની ઉત્સુકતા પ્રશ્નો સર્જે છે. ઘરના લોકો મારી અવગણના કરે છે, મને કોઈ પૂછતું નથી, મને કોઈ કંઈ જણાવતું નથી, મારા તરફ જોવાની કોઈને પડી નથી, કોઈને મારી ચિંતા નથી. બધા  મારી જોડે આડાઈ કરે છે, મારા જ ઘરમાં મારું સતત અપમાન થયા કરે છે, હું એકલો પડી ગયો છું, મારું કોઈ નથી…  ઈત્યાદિ ફરિયાદો કેમ સામાન્ય બની ગઈ છે?

                 બીજી તરફ, કેટલાક વૃદ્ધો એટલા પ્રસન્ન, ખુશખુશાલ અને હળવા જણાય છે કે તેઓ વૃદ્ધાવસ્થાને ખરેખર મન ભરીને માણી રહ્યા હોય એવું લાગે છે. પરીક્ષાખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી જેમણે પૂરતી તૈયારી ન કરી હોય તેમના ચહેરા પડી ગયેલા હોય, જ્યારે મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થીઓ હોંશે હોંશે ઉત્તરો લખવા લાગી જાય છે, તેમને પરીક્ષાનો ડર નથી હોતો, કેવા પ્રશ્નો પૂછાશે તેની ચિંતા નથી હોતી; તેઓ માનસિક રીતે સજ્જ હોય છે. અપેક્ષિત પ્રશ્નોની તૈયારી કરી લીધી હોય છે અને અનપેક્ષિતને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ હોય છે. શાણા સજ્જનો પરિસ્થિતિથી ગભરાતા નથી, જે ઉપાધિઓ નિશ્ચિતપણે આવવાની જ છે તેનો સામનો કરવા માટે મનને પહેલેથી જ તૈયાર કરી દીધું હોય છે. જીવનવ્યવહારમાં જરૂરી પરિવર્તન કર્યું હોય અને એષણાઓ ઘટાડી નાખી હોય તો કોઈ સમસ્યાઓ ખાસ પજવતી નથી. જેની જીવનવ્યવસ્થા પહેલેથી જ ખોરવાઈ ગઈ હોય તેને તકલીફ ન પડે તો જ નવાઈ. જે સમયને ઓળખીને ચાલે છે, તેને સમય સાચવી લે છે.

                વૃદ્ધોના પ્રશ્નો એ કંઈ એકલા હિંદુ કે ભારતીયોના જ નથી. આખી દુનિયાના તમામ વૃદ્ધોને એ પજવે છે. અન્ય રાષ્ટ્રો કે અન્ય પ્રજાઓ એનો કેવી રીતે તોડ કાઢે છે તેના પરથી પ્રેરણા લઈને આપણે પણ શક્ય હોય તે ઉપાય કરી શકીએ. વળી, વૃદ્ધત્વ સનાતન છે એટલે પ્રાચીનકાળમાં કોઈ કાળે, કોઈ પ્રજાએ એના ઉકેલ માટે કોઈ સંનિષ્ઠ પ્રયોગ કર્યો હોય તો તેનો અભ્યાસ કરીને, દેશ કાળ મુજબ જરૂરી ફેરફારો કરીને,, નવા સ્વરૂપે, બહેત્તર પરિણામો લાવી શકાય એવી વ્યવસ્થા વિચારાવી જોઈએ. સમાજશાસ્ત્રીઓએ અને શાસકોએ તથા સમાજના દરેક વર્ગે એ દિશામાં ગંભીરપણે વિચારીને સમસ્યાને નિર્મૂળ નહીં તોય ન્યૂનતમ બનાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. એકલ દોકલ કે છૂટાછવાયા પ્રયોગોને બદલે સમસ્ત સમાજ જેનું અનુસરણ કરી શકે તેવી કોઈ જીવનપદ્ધતિની શોધ કરવી અનિવાર્ય   છે.

                ભારતીય હોવાને નાતે ભારતીય ઈતિહાસમાં સમસ્યારહિત સમાજવ્યવસ્થા ઊભી કરવાનો કોઈ અખતરો થયો છે કે કેમ તે વિષે વિચારતાં, વૈદિકકાળમાં, ત્યારના સમાજશાસ્ત્રીઓ કે જેને લોકો ઋષિ તરીકે ઓળખે છે, તેમણે એવો સફળ પુરુષાર્થ કરેલો હોય તેમ દેખાય છે. અલબત્ત, વૈદિકોની આશ્રમ વ્યવસ્થા ક્યારે ઉદ્ભવી અને ક્યારે, કેવી રીતે, કેમ નાશ પામી તે જાણવાનો કોઈ એતિહાસિક પૂરાવો આપણી પાસે નથી; એટલા માત્રથી તેને કલ્પના સમજીને હસી કાઢવામાં કોઈનું શ્રેય નથી. કેવી હતી એ સમાજવ્યવસ્થા?

                આજના ભાગદોડના જમાનામાં ગૃહસ્થાશ્રમીઓને બે પ્રશ્નો અત્યંત પજવી રહેલા છે, તે છે સંતાનો અને વૃદ્ધ મા-બાપના પ્રશ્નો. નોકરી કરતા કરતા બાળઉછેર માટે સમય કાઢવો મુશ્કેલ છે. સંતાનોનુ ભણતર દિનબદિન મોંઘું બનતું જાય છે. નોકરી ધંધા માટે કે બઢતી પામીને આર્થિક પ્રગતિ કરવામાં વડીલોની જવાબદારી ક્યારેક અડચણ બને છે. વૈદિકોની આ જવાબદારી ઋષિઓના તપોવનોએ ઉપાડી લીધી હતી. વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ નિવૃત્તોના હાથે દરેક વર્ગના બાળકોને મફતમાં શિક્ષણ મળતું. હુન્નરઉદ્યોની તાલીમ મળતી અને ઋષિ (સમાજશાસ્ત્રીઓ)ના હાથે પ્રકૃતિની ગોદમાં જીવનલક્ષી શિક્ષણ મળતું. જીવનમાં, ડગલે ને પગલે આવતી પ્રતિકૂળ પરિસ્થિતિમાં નાહિંમત ન થતાં, જવાબદાર નાગરિક તરીકે કેમ વર્તવુ તેની સમજણ અપાતી. પોતાનો પરિવાર છોડીને આવેલા વાનપ્રસ્થીઓને વિશાળ પરિવારની હૂંફ મળતી તો મા-બાપને છોડીને તપોવનમાં આવેલા બાળકોને વાનપ્રસ્થીઓ તથા ઋષિમંડળનું વાત્સલ્ય મળતું. અપમાન, અવગણના,બીનઉપયોગિતા અને એકલતાનો અહિં સચોટ ઉકેલ! સંતાનોના વિદ્યાભ્યાસ અને સંસ્કાર સીંચનના મહત્ત્વના પ્રશ્નનો પણ ઉકેલ!  જિંદગીમાં કૂટપ્રશ્નો  આવે તો તપોવનના મા-બાપ તુલ્ય , અનુભવી વાનપ્રસ્થી અને સમાજશાસ્ત્રીઓ દ્વારા સચોટ માર્ગદર્શન. ઉગતી અને આથમતી બે પેઢીઓનો કેવો સુભગ સમન્વય! બન્ને અન્યોન્યના સહાયક અને પૂરક. સૌનું આત્મસન્માન, આત્મગૌરવ અને જીવનવિકાસ. સૌનું સરખું મહત્ત્વનું સામાજિક પ્રદાન.

                સૌની જરૂરિયાતોનો સુખદ ઉકેલ અને તે પણ કશા આર્થિક ભારણ વિના! ગૃહસ્થીઓ નચિંતપણે પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે. સાહસ કરી શકે, મારાં બાળકો કે મારા માબાપનું શું થશે એ ની ચિંતા રાખ્યા વગર સમૃદ્ધ થઈ શકે, સમૃદ્ધિ ભોગવી શકે અને સમાજ પણ સ્થિર પ્રગતિ કરી શકે. આજનો સમાજશાસ્ત્રી રોબર્ટ  બર્સ્ટિડ્ટ કહે છે કે દરેક વ્યક્તિ તેના સમાજ અને સંસ્કૃતિને જે પ્રદાન કરે છે, તે અતિ અલ્પ છે,પરંતુ તે સમાજ અને સંસ્કૃતિમાંથી જે મેળવે છે, તે અમાપ છે. જેથી આપણે સમાજના ઋણી છીએ. વૃદ્ધાવસ્થા આપણને સમાજ અને સંસ્કૃતિ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો અવસર પૂરો પાડે છે. આપણાં તપોવનોએ વૃદ્ધો પાસેથી ઉત્તમ કામગીરી કરાવી તેમને સામાજિક ઋણમાંથી તો મુક્ત કર્યા જ, સાથે ગૌરવભર્યું સ્થાન પણ  આપ્યું અનેક જાતના કરવેરા અને ફરજિયાત દાન તથા આકરી ફી ભર્યા પછી પણ ભાવિ પેઢીનું ઘડતર નથી કરી શક્યા તે તેમણે સહજતાથી કરી દેખાડ્યું.

            આપણે ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વરસાના વરસદારો છીએ, તેમ છતાં સમસ્યાગ્રસ્ત છીએ. એ સમસ્યાનો આછો પાતળો ઉકેલ પણ જુની, કાળગ્રસ્ત થયેલી વ્યવસ્થામાંથી મળી શકતો હોય તો તેમ કરવામા જ શાણપણ અને દૂરંદેશિતા છે એમ સ્વીકારવામાં નાનમ ન હોવી જોઈએ.

                                                   પરભુભાઈ એસ. મિસ્ત્રી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s