એક માણસ હતો. શું નામ રાખીએ? ‘માણસ’ જ રાખીએ. એ સાવ સામાન્ય હતો. એની આજુબાજુ કંઈ કેટલાયે મિત્રો તેમજ સ્વજનો હતા. સૌ એનાથી જુદા હતા. એ સૌના નામ હતા. ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’…… પણ એ બધા અસામાન્ય હતા અને તેથી જ એ સામાન્ય હતો અને તેથી એ ‘માણસ’ જ હતો.
‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’ વગેરે પણ નાના હતા ત્યારે એના જેવા જ હતા. બધા સાવ સામાન્ય જ હતા. અ,બ અને માણસ ઉંમરમાં સરખાજ હતા. નાના હતા ત્યારે સ્કૂલે સાથે જ આવતા. શેરીનું પેલું ગલુડિયું એઓ સાથે ખૂબ ભળી ગયેલું ચાલતું ચાલતું રોજ એ સહુની સાથે સ્કૂલ સુધી આવતું. ગલુડિયાનો ‘માણસ’ના લંચબોક્ષમાં પણ ભાગ રહેતો. પરંતુ, ગલુડિયામાંથી કૂતરો બનવાની પ્રક્રિયાનો અણસાર આવતાં ‘અ’ અને ‘બ’ની શંકા વધવા માંડી હતી. કૂતરું તો કરડી પણ ખાય! અને એક દિવસ અ એ રસ્તામાં પડેલી લાકડીથી એને હાંકી કાઢ્યું. કૂતરાને વાગ્યું પણ ખરું. ગભરાયેલા કૂતરાને ‘માણસે’ હૂંફ આપી. પીઠ પર લાગેલા ઘાવને પાણીથી સાફ કરી મલમપટ્ટી પણ કર્યા. ‘અ’ અને ‘બ’ સમયસર સ્કૂલે પહોંચી ગયા. ‘માણસ’ મોડો પડ્યો. શિક્ષક દ્વારા શિક્ષા થઈ. ‘અ’ અને ‘બ’ એ ‘માણસ’ને સાઈકલમાં પંક્ચર પડવાનું બહાનુ બતાવવા પણ કહ્યું પણ ‘માણસ’ તો શિક્ષક સમક્ષ સાચું જ બોલ્યો અને અભ્યાસના ભોગે સેવા કરવાની વાતોની વર્ગમાં હાંસી પણ થઈ. શિક્ષકે તો ‘માણસ’ને એના માતા-પિતા વિષે પણ પૂછ્યું. સાવ સામાન્ય માતા-પિતાના પુત્ર પાસે આશા પણ શી રખાય, એવું જાહેરમાં બોલી શિક્ષકે પોતાના શિક્ષકત્વનો પ્રભાવ પણ વધાર્યો. પરીક્ષામાં ‘અ‘ નો નંબર ‘માણસ’ની બરાબર પાછળ જ આવતો. એકવાર ‘માણસ’ને છ પ્રશ્નોમાંથી ચાર બરાબર આવડતા હતા. ચારના ઉત્તર લખી ‘માણસ’ વર્ગખંડ છોડવાની તૈયારી જ કરી રહ્યો હતો ત્યાં તો પ્રિન્સિપાલ સાહેબે આવી એની પાટલી પાસેથી એક ચબરખી ઉપાડી. એણે જોયું કે ચબરખીમાંના અક્ષરો એના નહોતા. પુસ્તકમાંના જ શબ્દો ચબરખીમાં કોતરાયેલા હતા. એની ઉત્તરવહીમાં પણ એ જ લખાણ હતું એ કેવી રીતે સાબિત કરે કે એ ચબરખી એની નહોતી! શાળાનું નામ ખરાબ કરનાર એ તો ગુનેગાર બન્યો. ‘અ’ અને ‘બ’ અભ્યાસમાં એનાથી આગળ નીકળી ગયા. એની ગાડી પણ સામાન્ય ઝડપે ચાલી રહી હતી. મા પણ કહેતી કે, રાજધાની એક્ષપ્રેસ અને લોકલ ગાડીએ એક જ પાટા પર ચાલવું પડે. હા, રાજધાની એક્ષપ્રેસ ધસમસતી આવે અને એ તો બધા કરતાં પહેલી જાય. લોકલે બાજુ પર ખસી જવું પડે અને અન્ય પ્લેટફોર્મ પર પોરો ખાવો પડે. અન્યને જગ્યા આપવામાં તો એ એક્કો હતો. ‘અ’ અને ‘બ’ તો એટલી ઝડપે ભાગતા હતા કે, કયા સમયે ક્યાં હોય તે કળવું ખૂબ મુશ્કેલ બનતું. પરંતુ, ‘ક’ અને ‘ડ’ એની જેમ જ લોકલ ગાડી હતા. નોકરી લેવા પણ ‘ક’ એની સાથે જ હતો. ઈન્ટર્વ્યુ બંનેએ સાથે જ આપ્યો હતો. ખૂબ મોટી કહેવાતી ફેકટરીમાં એણે અને ‘ક’ એ અરજી કરી હતી. કંપનીએ ટેક્ષ બચાવવા શું કરવું જોઈએ એવા સવાલના જવાબમાં ‘ક’ એ વ્યવહારુ માર્ગ અપનાવવાનો રસ્તો સૂચવ્યો હતો. કંપનીનો ફાયદો જેમાં હોય તે રસ્તે જવું એવું ‘ક’ માનતો હતો. વળી, એણે તો ઉત્પાદન વધારવાના ઉપાયો પણ બતાવ્યા હતા. કિંમત એની એ રાખી વજન ઓછું કરવું કે થોડા થોડા સમયે જુદા જુદા નામ અને દેખાવ હેઠળ એકની એક પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાના ઉપાયો ઉત્સાહથી બતાવ્યા હતા. એ જ પ્રશ્નો ‘માણસ’ને પૂછાયા તો ગ્રાહકને કે વેપારીઓને કદી ન છેતરવાની બાબતે ભાર મૂક્યો હતો. ટેક્ષ તો જે હોય તે ભરવાથી જ કંપનીની શાખ વધે એવું જોરશોરથી ઈન્ટર્વ્યુ લેનારને એણે કહ્યું હતું અને એ ડિસ્ક્વોલિફાય થયો હતો.
હા, માણસને ગાતાં સારું આવડતું હતું. નાનપણથી જ એ સારું ગાઈ શકતો. એ તો ગાઈ જ શકે ને! કારણ કે, એની મા પણ સારું ગાતી. એનું ગાવાનું પણ એનું પોતાનું નહોતું એની એ આવડત તો એની માને કારણે હતી. વેલ, ‘ડ’ ને પણ સારું ગાતા આવડતું. ‘ડ’ એ તો ગામના જાણીતા સંગીત ગુરુ પાસે તાલીમ લીધી હતી. આથી ‘ડ’ અસામાન્ય હતો. અને તેથી જ સ્કૂલમાં, શેરીમાં, કોલેજમાં બધા એને ગમે ત્યારે ઊભો રાખી ગીત ગવડાવતા. ‘ડ’ એવું નહીં કરતો.
એ તો ગુરુજી સાથે ઘણા કાર્યક્રમો આપતો. એની ખૂબ વાહ વાહ થતી. ‘ડ’ ને ઊંડેઊંડે ખબર હતી કે, ગમે તેટલી તાલીમ લીધી હોય પરંતુ, માણસના અવાજની બરોબરી એ કરી શકે એમ નથી કારણ કે, ‘માણસ’નો અવાજ ખરેખર તો એનો પોતીકો જ હતો. એ અવાજને ક્યાંય ચાંદીના વરખ લગાડી રૂપાળા બનાવવાની કે બોક્ષની અંદર સાચવીને મૂકી રાખવાની જરૂર જ નહોતી. ‘ડ’ માણસને ગમે ત્યાં ઊભા રહીને ગાવાની ના પાડતો પણ ‘માણસ’ જેનું નામ! સ્થળ કાળનું ભાન ભૂલીને પણ સૂર રેલાવતો. બધા માત્ર એની વાહ વાહ કરતા. મા એને સુદામા કહેતી. ઊમેરતી પણ ખરી કે, સુદામાની ઝોળી તો ખાલી હોય, પણ તારી ઝોળીમાં તો બધાને માટે કાંઈનું કાંઈ હોય જ. કૂતરા- બકરા માટે મલમપટ્ટી, દોસ્તો માટે સમય, કોઈને માટે તારી કલા તો કોઈને માટે મૌન. મા વળી એમ પણ કહેતી કે, સુદામાનું બળદગાડું પણ ચાલેલું જ ને- તારી લોકલ ગાડી પણ ચાલશે. પણ, તે દિવસે તો ખરું થયું હતું. એક સ્કૂલમાં એને પ્રાર્થના ગાવા બોલાવેલો. મુખ્ય મહેમાન સંગીતના ખૂબ જાણકાર હતા. એની પ્રાર્થના મહેમાનને ખૂબ ગમી અને એમણે ‘માણસ’ને એક પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું એ મુખ્ય મહેમાનથી ચેતીને ચાલવાની ‘ડ’ દ્વારા ખૂબ ચેતવણી મળી. એ મહેમાન સાથે કામ ન કરવાની ‘ડ’ દ્વારા સલાહ મળી.પણ ‘માણસ’ જેનું નામ! એને એ મુખ્ય મહેમાન હોય કે અન્ય ‘અ’ ,‘બ’, ‘ક’, ‘ડ’ હોય. એને શું ફેર પડે? ‘ડ ‘ને એકબીજાની પૂંછડી પકડીને ઝાડ પર ચઢતા વાંદરા દેખાયા. છેલ્લો વાંદરો આગલા વાંદરાની પૂંછડી છોડી દે એટલે બધા ધબાય નમ:. છેલ્લાએ ઝડપથી ખસી જવાનું. ‘ડ’ ને માણસ સૌથી ઉપરનો વાંદરો જણાયો. ‘ડ’ એ માણસને શુભેચ્છાઓ પણ ખૂબ આપી. ગળું ખૂલે એ માટે પાન પણ ખવડાવ્યું ‘માણસ’નું ગળું ખૂલવાને બદલે બંધ થઈ ગયું.
એ ‘માણસ’ તમને કે મને કોઈ દિવસ મળી પણ જાય. એને ઓળખવાનું અઘરું નહીં પડશે. એના ઘોઘરા અવાજે કહેશે પણ ખરો, ‘જોજો ભાઈ પાન ખાવ ત્યારે સાચવીને અને જોઈને ખાજો. પાન બનાવનારથી ભૂલમાં સિંદુર ન નંખાઈ ગયું હોય… ભૂલ તો કોઈથી પણ થાય.’
આપણે સામાન્ય બની રહેવું હોય તો એની વાત સાંભળીશું નહિતર અસામાન્ય બનવાની રેસના ભાગીદાર થતાં કોણ રોકી શકે???
મેઘધનુષ
જ્યારે જ્યારે હું જગતમાં પડતો રહ્યો,
ત્યારે ત્યારે હું જ ખૂદને જડતો રહ્યો.
લેખિકા- ડૉ. કીર્તિદા કે. વૈદ્ય. એમ.એસ.સી. એમ. ફીલ. પીએચ.ડી.(રસાયણશાસ્ત્ર)
૧૯૮૨થી બી.પી. બારિયા સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં લેક્ચરર તરીકે સેવા આપી રહ્યા છે. સયાજી વૈભવ લાયબ્રેરીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સક્રિય છે. શાસ્ત્રીય ગરબા અને લોકનૃત્યોનું દિગ્દર્શન કરી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. નવસારીથી પ્રકાશિત થતા પ્રિયમિત્ર પખવાડિકના ‘વેદના- સંવેદના’ વિભાગમાં નિયમિત કટાર લખતા રહ્યા છે. બેન કીર્તિદાને ગઝલ લખવામાં રસ છે અને કવિ સંમેલનમાં અવારનવાર ભાગ લેતાં રહ્યાં છે. નવી પેઢીમાં વાચનરસ વધે અને અભિવ્યક્તિની કળા પાંગરે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. એમણે મોનો એક્ટિંગ માટેની ઘણી સ્ક્રિપ્ટ પણ લખી છે.
બ્લોગ જગતમાં તમારું હાર્દિક સ્વાગત છે….ગુજરાત ભાષાની ઉત્તમ રચનાઓ અહીં મૂકવાના તમારા પ્રશંસનીય પ્રયાસને હૃદયની શુભેચ્છાઓ. ધન્યવાદ
ખૂબ ખૂબ આભાર, સુનીલભાઈ.