કરવા જઈએ કંસાર અને થઈ જાય થૂલી

પીડિત, આફતગ્રસ્ત અને અભાવમાં જીવનારા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા વર્ષાવનાર સજ્જનોની કોઈ જમાનામાં ખોટ નથી પડી. રેલ, દુકાળ, ધરતીકંપ, અકસ્માત, રોગચાળો જેવી આપત્તિ આવી પડે ત્યારે સમાજના પરોપકારી માણસો મોકળા મનથી પોતાની સંપત્તિ, શક્તિ અને સમયનો વિનિયોગ કરીને દુ:ખીજનોની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે. કોઈ પ્રસિદ્ધિ, કદર કે ઈનામની અપેક્ષા વગર મૂંગે મોઢે કામ કરનારા અનેક લોકો અને સંસ્થાઓ સમાજમાં સક્રિય છે, એ આનંદ અને ગૌરવદાયી ઘટના છે. સરકાર કરતાંય આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમાજમાં ઘણા કામો થતાં રહેલાં છે.

શિયાળાની ઋતુમાં ધાબળાદાન, ઉનાળામાં શીતળ પેયજળ કે છાસકેન્દ્રો, વિદ્યાર્થીઓને નોટબુક, પુસ્તકો, અન્ય જરૂરી સ્ટેશનરી, બૂટ-ચંપલ, છત્રી, રેઈનકોટ વગેરે વહેંચવું એ પૂણ્યકાર્ય છે. રોટરી, લાયન્સ જેવી સેવાભાવી આંતર્રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચાલતા નેત્રયજ્ઞો, દંતયજ્ઞો કે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો દ્વારા જરૂરતમંદો માટે ઉપયોગી કામો થતાં રહેલાં છે. કેટલાક સેવાકાર્યોની જાણ દૈનિક અખબાર કે અન્ય સામયિકો દ્વારા આપણને થાય છે, તો કેટલાક સેવાકાર્યોની સુવાસ આપણને વિશ્વાસુ સજ્જનો દ્વારા મળે છે. આવું, ભલાઈનું કોઈ કામ આપણા હાથે પણ થવું જોઈએ અથવા એવી સંસ્થાઓ કે ગ્રુપ સાથે જોડાઈને આપણે પણ કંઈક યોગદાન આપવું જોઈએ એવી સદ્પ્રેરણા આપણા હૃદયમાં જાગે છે.

પૂજા અને ધ્યાન તો ઘરમાં પણ થઈ શકે, એ માટે મંદિરોની કોઈ જરૂર નથી. મંદિરો ઊભા કરવા પાછળ કોઈ વિશિષ્ઠ અર્થ હોય તો તે એ  કે મંદિર એ ગામનું ભાવકેન્દ્ર અને સંસ્કારકેન્દ્ર બને. પરમ પિતા ઈશ્વરના અધ્યક્ષપણા હેઠળ ગામના સંચિતો ને વંચિતો ભેગા મળે. સંસ્કાર, સત્કાર્યો અને ગામની સુખાકારી માટેના ત્યાં આયોજનો થાય. ગામ કુટુંબભાવનાથી એકત્ર મળે. એકમેકના સુખ દુ:ખથી વાકેફ થાય અને અગવડ ટાણે એકબીજાને મદદરૂપ થાય. આવાં મંદિરો ગામમાં અવશ્ય હોવાં જઈએ. મંદિરો એ ગામના અર્થ-સામાજિક કેન્દ્રો બનવા જોઈએ. તો એ ગામની શોભા બની શકે. દેખાદેખીથી અથવા કોઈના મનમાં તરંગ આવે કે ગામમાં એકાદ મંદિર હોવું જોઈએ અને ભંડોળ ઉઘરાવીને સુંદર ઈમારત તૈયાર થઈ જાય. આરસની મનોહર મૂર્તિય આવી જાય, પણ પરિવારભાવનાથી ગામના લોકો ભગવાન પાસે બેસીને સત્કાર્યો કરતા ના હોય તો એવા મંદિરોનો કોઈ અર્થ નથી. માત્ર મંદિર બનાવવું એ કોઈ સત્કૃત્ય નથી. નિરંતર સત્કાર્યો ચાલતા રહેવા જોઈએ. આજે તો મંદિરો હાટ બનતા જાય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને મંદિર વચ્ચેનું સામ્ય વધતું જાય છે.

ગામમાં લાયબ્રેરી હોવી જોઈએ, જાહેર પુસ્તકાલયો એ જ્ઞાનની પરબ છે, પણ તે કોના માટે? કોઈ જ્ઞાનપિપાસુ હોય તેના માટે. કમનસીબે, એવાં કેટલાંય પુસ્તકાલયો છે જેનાં પુસ્તકો પર ધૂળના થર જામી ગયેલા દેખાય છે, કોઈ એને વાંચતું નથી. કોઈને ધૂળ સાફ કરવાની આવશ્યકતા જણાતી નથી. વૈભવી ગણાતી લાયબ્રેરીની પણ આ જ દશા છે. પુસ્તકો તો ઠીક, પણ આજની તારીખનું અખબાર પણ હાથમાં આવતું નથી. લાયબ્રેરી એટલે નવરા લોકોને નિરાંતે ઊંઘવાનું સ્થાન! કોઈ કર્મચારી કે સંચાલક પણ એવા લોકોને આવતા રોકવાની તસ્દી લેતા ન હોય તો એવી લાયબ્રેરીની ભવ્યતાના ગુણગાન ગાવાનો કોઈ જ અર્થ નથી. સાચી ધાર્મિકતા જગાડ્યા વિનાના મંદિરો અને જ્ઞાનની ભૂખ જગાડ્યા વિનાના પુસ્તકાલયો કીંમતી જગ્યા ખોટેખોટી રોકે છે. સર્વે કરીએ તો એવું તારણ નીકળવાનો પૂરો સંભવ છે કે, અમુક મર્યાદિત લોકો સિવાય અન્ય લોકો એનો લાભ લેતા નથી. એનો અર્થ એ જ કે સમાજમાં સાચી ધાર્મિકતા વધારવામાં મંદિરો સરેઆમ નિષ્ફળ ગયાં છે અને લોકોની જ્ઞાનક્ષુધા જગાડવામાં પુસ્તકાલયોએ નાદારી નોંધાવી છે.

અખબારમાં અવાર નવાર સમાચારો પ્રગટે છે કે ઠંડીમાં ગરીબોને ઓઢાડેલા ધાબળા બીજે દિવસે બજારમાં વેચાઈ જાય છે અને તેનો દારૂ પીવાય જાય છે. વિદ્યાર્થીઓને ભણવા માટે અપાયેલી સ્કોલરશીપમાંથી ટીવી, મોબાઈલ કે બીજાં શોખના સાધનો ખરીદાઈ જાય છે. નવસારીમાં એકવાર રેલ આવેલી ત્યારે નારણલાલા કંસારાની દુકાનેથી ખરીદીને દાનમાં અપાયેલા વાસણો બીજે દિવસે એ જ દુકાનમાં વેચીને તેમાંથી રેડિયો સેટ ઘણાં ઝૂપડામાં આવી ગયેલા. બધે જ આ પરિસ્થિતિ છે. આફત આવે એટલે અમુક લોકોના ચહેરા પર ચમક આવે!  હવે મદદનો ધોધ વહેશે અને જે મળે તેમાંથી દબાવી રાખેલી ઈચ્છા પૂરી કરી શકાશે! લોકો આશાળભૂત થઈ ગયા છે. અભાવગ્રસ્ત વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ચીજ વસ્તુ વહેંચવા જનારા સજ્જનોને અનુભવ છે કે અમુક વર્ગમાં મદદ માંગવાની અને મદદ પર જીવવાની ભૂખ જાગી છે. આ ભૂખમાંથી ભીખ જન્મે છે. પાછા ક્યારે આવવાના છો અને બીજીવાર શું વહેંચવાના છો એવી પૃચ્છા થાય છે. લોકોને લોન લઈ, હુન્નર કરીને આગળ આવવું નથી પણ લોન પરની સબસીડી જોઈએ છે. લોન તો પાછી વાળવાની હોય જ્યારે સબસીડી તો શીરાની જેમ ગળે જ ઉતારી દેવાની હોય. પૈસા ઉછીના નથી જોઈતા પણ મદદ તરીકે જોઈએ છે. સદ્ વિચારોની નહીં, પણ સારા અને મફતમાં મળતાં ભૌતિક સાધનોની ભૂખ જાગી છે. પરોપકારી અને દાનવીર થવાની હોશ વગરની હોંશ એને માટે જવાબદાર છે. માનવતાવાદી ગણાવવાની ઘેલછાથી આચરેલો અતિ ઉત્સાહ માણસોને બગાડે છે. મદદ કરનારની ભાવના ખરેખર ઊંચી છે પણ પરિણામ વિપરીત છે; ત્યારે શું દાન કરવુંજ નહીં? કોઈને મદદ કરવી જ નહીં? બહુ પેચીદો પ્રશ્ન છે. મદદ તો કરવી જ છે, રાહતકાર્ય તો કરવા જ જોઈએ. જેમને આપણે ઓળખતા હોઈએ, જેના ગુણ અવગુણોનો આપણને પરિચય છે અને જેમની સાથે આપણો સંબંધ છે, જેની સાચી જરૂરિયાતનો આપણને ખ્યાલ છે અને મદદનો દુરૂપયોગ નથી જ થવાનો એનો આપણને ભરોસો છે, તેમને આંગળી આપી ઊંચે લાવવા એ ધર્મકાર્ય છે. પણ, જેઓ હંમેશાં મદદ પર જ જીવવા માંગતા હોય તેમને ઉત્તેજન આપવું એ અધર્મ છે. પરંતુ માણસો જોડે સંબંધ પ્રસ્થાપિત કરી એની જરૂરિયાત સમજવા જેટલો સમય જ કોની પાસે છે?

એક જવાબદાર માતા અને બીજો ઈશ્વર તેના સંતાનોને કઈ વસ્તુની, ક્યારે અને કેટલી જરૂર છે તે સારી રીતે સમજે છે અને તે જ પ્રમાણે તે જરૂરત પૂરી કરે છે. સંતાન અને ભક્તો તો જ્યારે જે મન થાય તે પ્રાપ્ત કરવાની જીદ પકડીને રડે, પણ કલ્યાણ ઈચ્છતી મા તેને રડવા જ દે છે. ઈશ્વર પણ ભક્તોને ટટળાવતો હોય છે. મા અને ઈશ્વર નિષ્ઠુર દેખાય, પણ તેને હૈયે સંતાનોનું  હિત વસેલું હોય છે. તેથી કેટલીક વસ્તુ માંગ્યા વગર પણ આપી દે છે જ્યારે કેટલીક વસ્તુ ગમે તેટલા આક્રંદ બાદ પણ નથી આપતા. આપણે જેને મદદ કરવા માગીએ છીએ તેને ખરેખર મદદની આવશ્યકતા છે કે કેમ, કેવા પ્રકારની અને કેટલી મદદની જરૂર છે તેનો વિવેકપૂર્વક ક્યાસ કાઢીને મદદ કરવામાં આવે તો એ જરૂર આશીર્વાદરૂપ નીવડે, એ માટે ફિલ્ડવર્કરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આવેશમાં આવીને, સત્કાર્ય કરવાની ચળ ધરાવતા સજ્જનો કંસાર કરવા જાય છે, પણ તેની અજાણપણે થૂલી થઈ થઈ જાય છે. તેથી જ લાયબ્રેરીના પુસ્તકોને ઊધઈ લાગે છે, રખડુ લોકો ત્યાં આવીને નિરાંતે પગ લંબાવી ઊંઘે છે. મંદિરોમાં ભગવાન ઢંકાઈ જાય છે, સંસ્કારને બદલે અર્થોપાર્જનના ધામ બને છે, તથા પ્રસંગોચિત મદદ પ્રાપ્ત કરી સ્વમાનપૂર્વક ઊભા થવાને બદલે પરોપજીવી વર્ગ ઊભો થાય છે.