ભાઈ બહેનના હેતના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર હમણાં જ આવી ગયો. કેટકેટલીય બહેનો ક્યાં ક્યાંથી પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે કેટલીય તકલીફો વચ્ચે પણ હૈયામાં હેતનો દરિયો લઈને ઉમટી પડી. ભાઈ બહેનના સગપણ તો દુનિયાના દરેક સમાજમાં હોય પણ એ સગપણ અને પ્રેમને વ્યક્ત કરતો સામુહિકપણે ઊજવાતો આવો ઉત્સવ બીજે ક્યાંય હશે કે કેમ તેની શંકા છે. મહાત્મા ગાંધીજીએ કાચા સૂતરને તાંતણે આપણને સ્વરાજ અપાવ્યું અને આપણા પ્રાચીન સમાજશાસ્ત્રીઓએ એવા જ કાચા સૂતરના તાંતણે ભાઈબહેનના પ્રેમને અમર બનાવી દીધો. આ તહેવારમાં રાખડીઓની વિવિધતા અને વહેવાર તો પાછળથી દાખલ થયો હશે, પણ સ્નેહના પ્રતીક તરીકે બંધાતા સાદા દોરામાં રહેલી તાકાત હૃદયને ભીંજવી જાય છે. બજાર રંગબેરંગી રાખડીઓથી ઉભરાયછે, સામયિકોના પાના પણ રાખડીનો તહેવાર ઉજવતા માલમ પડે છે, રેડિયો, ટેલીવિઝન પરથી રક્ષાબંધનના ગીતો પ્રસારિત થાય છે, સર્વત્ર નિર્દોષતા પવિત્રતા અને મધુરતા નાચતી માલમ પડે છે. (આજના સમયમાં યુવક યુવતિઓ ફ્રેન્ડશીપડે મનાવે છે પણ તેમાં આટલી ઉત્કટતા અને ટકાઉપણું અનુભવવા મળતું નથી)
‘ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના‘, ‘રાખી ધાગોંકા ત્યૌહાર..‘, જેવા ફિલ્મી ગીતો આપણાં હૃદયને સ્પર્શી જાય છે. રેડિયો, ટીવી નહોતાં ત્યારે પણ ‘કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..‘ એ ગીત ખૂબ ગવાતું અને આજે પણ એ ગીત સાંભળવા મળે છે. કૌટુંબિક ભાવના, રાષ્ટ્રીય ભાવના અને સામાજિક ઉત્તરદાયિત્વને દૃઢ કરતી અનેક રૂઢિઓ આપણે ત્યાં પ્રચલિત છે તેમ ઋતુ અને આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય કરનારી તેમજ નવરાત્રિ, દિવાળી, હોળી, મકરસંક્રાંતિ કે વસંતોત્સવ દ્વારા પ્રકૃતિ સાથે તન્મય કરનારી રૂઢિ પણ દાદ માંગી લે તેવી છે. જ્ઞાનની ક્ષિતિજો દિનપ્રતિદિન વિસ્તરતી જાય છે, માણસનું જીવન બદલી નાંખે તેવાં નવાં નવાંસંશોધનો થતાં જાય છે. પ્રયોગશાળામાં સિદ્ધ થતું સત્ય પ્રયોગશાળા પૂરતું સીમિત રહી જાય છે, ચિંતકોનું ચિંતન પ્રવચન હૉલ કે પુસ્તકોમાં કેદ થઈ જાય છે. અનેક રિસર્ચ ગ્રંથો યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં ગુંગળાતા પડ્યા છે. લોકજીવન અને રિસર્ચને જાણે કંઈ લાગતું વળગતું નથી. વિજ્ઞાન એને રસ્તે અને જનજીવન એને રસ્તે. વિજ્ઞાન ગમે તેટલું વિકસે, ચિંતનશિબિરો ગમે તેટલી થાય પણ તે લોકોના જીવનવ્યવહારમાં પરિણમતું ન હોય તો એનો શો અર્થ?
ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે તે કીંમતી બી જ વાવતો હોય છે પણ ખેતરમાં બી જયારે ઊગે છે ત્યારે પાકની સાથે નિરર્થક અથવા ઉપદ્રવી નિંદામણ પણ ઊગી નીકળતું હોય છે, જે પાકને નુકસાનકર્તા છે; તેવી રીતે સદુદ્દેશથી શરૂ કરેલી રૂઢિ જોડે હાનિકારક બાબતો પણ ભળી જતી હોય છે જે રૂઢિનું સત્વ હણી લે છે. સમયાંતરે એનું નિંદામણ થતું રહેવું જોઈએ. સંત પુરુષો એ જ કામ કરતા હોય છે.
માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનો સમાજ પર કશો પ્રભાવ ન હોય તો એનું જ્ઞાન સમાજમાં કાર્યાન્વિત થતું નથી અથવા સમાજ એના જ્ઞાનનો યોગ્ય લાભ ઉઠાવી શકતો નથી. કાલ માર્ક્સની વિચારધારાને લૅનિનનું પ્રભાવશાળી નેતૃત્વ સાંપડ્યું ત્યારે જ એ પરિણામલક્ષી બન્યું. આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઘટના યાદ કરીએ તો તે જમાનામાં એવી માન્યતા હતી કે, વરસાદનો દેવ ઈન્દ્ર હોવાથી ઈન્દ્રની પૂજા થાય તો જ વરસાદ આવે. જો ઈન્દ્રપૂજા ન થાય તો તે દેવ રૂઠે. શ્રી કૃષ્ણ ભગવાને લોકોને સમજાવ્યું કે વરસાદનું કારણ ઈન્દ્ર નથી પણ પર્વત છે, તમારે પૂજા જ કરવી હોય તો આ ગોવર્ધન પર્વતની કરો, ઈન્દ્રની નહિ. જુનવાણી લોકોનું કામ હોય વિરોધ કરવાનું! પેઢીઓથી ચાલતી આવેલી ઈન્દ્રપૂજા એક નાદાન છોકરાના કહેવાથી બંધ ન કરી શકાય. રૂઢિ તૂટશે તો તેનું માઠાં પરિણામો આવશે; પણ, ગોકુળના લોકો પર શ્રી કૃષ્ણનો પ્રભાવ એટલો હતો કે તેમણે ઈન્દ્રપૂજા ફગાવીને ગોવર્ધનપૂજા કરી. કુદરતનું કરવું તે મુશળધાર વરસાદ પડ્યો અને તે થોભવાનું નામ નહોતો લેતો. જુનવાણીઓના હાથમાં સબળ હથિયાર આવી ગયું. ઈન્દ્રની અવગણનાનું આ સીધું પરિણામ છે! કૃષ્ણને કહો કે હવે ગોકુળને બચાવે! ઢોર ઢાંખર અને માનવવસ્તીને શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતની ગુફાઓમાં સુરક્ષિત ખસેડ્યા. એક રૂઢિને તોડીને તેને સ્થાને બીજી વધારે તર્કયુક્તરુઢિ પ્રસ્થાપિત કરવી એ ખાવાના ખેલ નથી. વિજ્ઞાન ગમે તે કહેતું હોય, શાસ્ત્રમાં ભલે જુદું લખેલું હોય પણ જનમાનસને બદલવાનું જરાયે આસાન નથી.
ઉપર, રક્ષાબંધનને લગતા ગીતોમાં એક લોકગીતનો ઉલ્લેખ થયો. ‘કુંતાઅભિમન્યુને બાંધે અમર રાખડી‘ માં રાખડી(રક્ષાકવચ)નો ઉલ્લેખ થયો છે, ભાઈબહેનના પ્રેમની વાત કહેવામાં આવી નથી, છતાં આ ગીત રક્ષાબંધનના દિવસે ગવાય છે અને જનમાનસ પર તેનો પ્રભાવ પણ છે. સાત કોઠાના યુદ્ધ સમયે શું ખરેખર કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી ખરી? સૌ પ્રથમ તો ‘વૈશમપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મેજય રાય…‘થી લોકપ્રિય બનેલું શ્રી વલ્લભરામ સૂરજરામ વ્યાસ રચિત મહાભારતના દ્રોણપર્વમાં કડવું નં૪૨થી ૫૩સુધીમાં અભિમન્યુના પરાક્રમની કથા આલેખવામાં આવી છે અને યુદ્ધે જવા તૈયાર થયેલા પૌત્રને કુંતાજી રાખડી બાંધે છે. સતીનું સત અવિચળ રહે એવું લાગે છે પણ અભિમન્યુ એ અસુરનો જીવ હોવાની કથા મુજબ જો તે વિજેતા બને તો ભગવાનનું મહત્ત્વ ઘટી જાય એવા ડરથી ભગવાન કાવતરું કરીને ઉંદર સ્વરૂપે આવીને રાખડીને કાતરી કાઢે છે, રાખડી કપાઈ જવાથી સતીનું રક્ષાકવચ છૂટી જાય છે. અનેક મહારથીઓ યુદ્ધનાનિયમો નેવે મૂકીને ખૂબ ક્રુરતાથી તેની હત્યા કરે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મૂળ મહાભારતમાં દ્રોણપર્વ અંતર્ગત અભિમન્યુવધ પર્વના ૩૩ થી ૫0 અધ્યાય પૈકી ક્યાંય એવો ઉલ્લેખ વાંચવા મળતો નથી કે અભિમન્યુ અસુર હોયને શ્રી કૃષ્ણે તેને મરાવી નાંખ્યો હોય. ઊલટું, સાતમો કોઠો કેમ ભેદવો તેનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ કાજે લોહીના છેલ્લા ટીપા સુધી ઝઝુમીને વીરગતિ પામનાર અભિમન્યુને તેઓ આંખમાં આંસુ સાથે અંજલિ આપે છે. અહીં વેદ વ્યાસ કરતાં વલ્લભરામ વ્યાસનો જનમાનસ પરનો પ્રભાવ વધારે કામ કરી ગયો એમ સ્પષ્ટ જણાઈ આવે છે. આપણને વેદ વ્યાસ ભૂલ કરતા હોય એવું લાગે છે! મૂળ મહાભારત જોડેનો સંબંધ છૂટી ગયો અને લોકપ્રિય તથા સહેલા પ્રચલિત સાહિત્યને ઈતિહાસ સમજી લેવાને કારણે એક મહામાનવને અન્યાય કરી બેઠા. વાતનો સાર એ જ છે કે રૂઢિ ગમે તેટલી સારી કે ખરાબ હોય પણ તે શાસ્ત્ર કરતાં અત્યંત બળવાન હોય છે. માનવજીવનને સુખી બનાવવા માટે અદ્યતન શાસ્ત્રોમાં સંગ્રહાયેલા જ્ઞાનનું રૂઢિમાં રૂપાંતર કરવું આવશ્યક છે.