લગનનાં ગીત લગન વખતે જ ગવાય એવી કહેતી છે, પણ વિડંબના એ છે કે હવે તો લગન વખતે પણ ગીત ગવાતા સંભળાતા નથી.
થોડાંક વરસ પહેલાં, આકાશવાણીના સૂરત એફ. એમ કેન્દ્ર પરથી એક પ્રાયોજિત કાર્યક્રમ રજુ થયેલો. જેનું નામ હતું, ‘દાદાને આંગણ આંબલો‘ જેની સ્ક્રિપ્ટ લખી હતી રવીન્દ્ર પારેખે. એ કાર્યક્રમ એટલો સરસ છે કે ફરમાઈશ કરીને વારંવાર સાંભળવો ગમે તેવો છે.
એ સ્ક્રિપ્ટ કંઈક આ મુજબ છે;
એક કુટુંબમાં કન્યાના લગ્ન લેવાઈ રહ્યા છે. કન્યા અને દાદી વચ્ચે સખીપણા છે અને બેઉ વચ્ચે ભાવપૂર્ણ સંવાદો થઈ રહ્યા છે. દાદી જુના જમાનાની છે. પૌત્રી નવા જમાનાની છે. બે જમાનાનો સમન્વય થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં પ્રસંગને અનુરૂપ લગ્નગીતો ગવાઈ રહ્યાં છે. કાર્યક્રમ સાંભળનાર બહુ સહજ રીતે ધ્યાનમગ્ન થઈને માણે એવી સરસ રજુઆત છે. બ્યુટિપાર્લરમાં જઈ મેંદી મુકાવીને હરખભેર ઘરે આવતી કન્યા દાદીમાને મેંદી રંગ્યા હાથ બતાવવા ઉત્સુક છે. દાદી તેની રાહ જોતાં અને કામ કરતાં ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે..‘ ભજન ગણગણી રહી છે. પૌત્રી ‘હાય દાદી!‘ બોલતી લાડ કરતી આવે છે. દાદી ઊંચું જોઈને ‘આવી ગઈ તું?‘ કહેતાં તેનું અભિવાદન કરે છે. ‘આટલી બધી વાર કેમ લાગી?‘ સવાલના જવાબમાં કન્યા બ્યુટિપાર્લરમાં લાગેલી લાઈનની વાત કરે છે. દાદી કહે છે કે મેં તો તને કહ્યું જ હતું કે હું તને મેંદી મૂકી આપું, પણ તું તો નવા જમાનાની છોકરી. તને એ ન ગમ્યું અને તું પાર્લરમાં ગઈ. કન્યા કહે છે‘ તારી પાસે મુકાવી હોત તો રાત પડી ગઈ હોત. દાદીમા કહે છે કે તે રાત તો આમેય પડી જ ગઈ! કન્યા એના હાથ પરની મેંદી બતાવીને તેના વખાણ કરે છે. દાદી કબૂલે છે કે આટલી સરસ તો મેં પણ ન મૂકી હોત, પણ મેં ગાયું હોત જરૂર કે ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. ‘ દાદીમા તાનમાં આવીને ગાવા લાગી જાય છે. કન્યા બોર થાય છે અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ‘દાદી, તને આટલું બધું મોંઢે કેવી રીતે રહી જાય છે તે જ મને સમજાતું નથી‘. દાદી કહે છે કે ‘તને ન જ સમજાય, બે વત્તા બે નો ગુણાકાર કેલ્ક્યુલેટર પર માંડનાર પેઢીને એ ન જ સમજાય. તને નથી લાગતું કે ટેકનોલોજી વધી અને યાદશક્તિ ઘટી? રિવાજો ભુલાયા અને સંસ્કારો પણ! આ તારા લગ્ન છે, પણ કંઈ લગ્ન જેવું લાગતું નથી. દીકરી કહે છે કે કલાક પછી તો ડિસ્કો દાંડિયા છે.
દાદી કહે છે કે આ તારા દોઢિયા ફોઢિયામાં મને સમજ ના પડે. જૂનું તેટલું સોનુ માનતી દાદીને તો ગીત ગાવામાં જ રસ છે. પૌત્રી ઉત્સુકતાથી પૂછે છે, ‘હેં દાદી! તેં તો પીઠી ચોળી હશે, નહીં? દાદી કહે છે કે મારી માએ ચોળેલી પણ તે ગાતાં ગાતાં! જો સાંભળ આ ગીત, બેકગ્રાઉન્ડમાં સમુહ સ્વરમાં ગીત ગવાઈ રહ્યું છે. ‘પીઠી ચોળી લાડકડી, ચુંદડી ઓઢી લાડકડી, ચુંદડીએ ધબકારા ઢાંક્યા.. કન્યા આ ગીત સાંભળીને ખુશ થઈ જાય છે. દાદીની વાત આગળ ચાલે છે, ‘આજે તમે જેમ ડાચાં રંગો છો ને તેમ અમારા વખતમાં વાનો લગાડાતો. ‘વોટ વાનો?‘ કન્યા પૂછે છે અને દાદી એના રંગમાં જાણે જાહેરાત કરતી હોય તેમ જવાબ આપે છે કે ‘વાનો એટલે સુગંધીદાર, ગુણયુક્ત પાઉડર, ત્વચા પર લગાડો તો… ‘દાદી ક્રીમ લગાડો કે પાઉડર, એનાથી શો ફેર પડે? દાદી કહે કે ‘ફેર પડે, ક્રીમ લગાડીને તું ઢગલો રૂપિયા ખરચી આવી પણ વાનો ફોઈ પાસે લગાવાતો અને એ રીતે ઘરની દીકરીનો હક ઊભો કરાતો. ચાલો એનું પણ એક ગીત સાંભળ,‘ ફરીથી સમુહગાન શરૂ થાય છે, ‘જે જોઈએ તે માંગો મહિયારી, આજે મહિયારીનો દાવ! તમારા વીરાની શાખ ઘણેરી, આજે મહિયારી દાવ. પેટી ખોલાવો ને પેટારા ખોલાવો આજે0.. સેલાની જોડી કઢાવો રે બેની, આજે મહિયારીનો દાવ. સાંકળીની જોડી કઢાવો રે બેની, આજે તમારો દાવ. મામી તો હોશે લાવ્યા…લાડકડીના હાથે કેવાં શોભી રહ્યાં!
કન્યા પૂછે છે, દાદી તારા લગનમાં પણ ગીતો તો ગવાયા જ હશે ને, એટલે દાદીને ચાનક ચડે છે, ‘અરે તે વખતે તો બધું ગીતોથી જ શરૂ થતું અને ગીતોથી જ પૂરું થતું. જન્મથી મરણ સુધીના કેટલાં બધાં ગીતો! દરેક પ્રસંગે ગીતો ગવાતાં. પણ એક વાત તો હતી જ કે તે જમાનામાં નાનામાં નાની ચીજોનું પણ મહત્વ સ્વીકારાતું. હમણાં તો તમે ફોન કરો અને રેસિપી તૈયાર પણ પહેલાં તો પેણો ચડાવાતો તે માટે ચૂલ ખોદાતી. તેનું પણ ગીત ગવાતું ચૂલામાં વળી ગાવાનું શું? એમાં તો ખાવાનું હોય! પણ એ ખાવાનું જે આપે છે ને તે ભૂમિનું પૂજન કરીને તેનો મહિમા ગાવાની વાત છે. વોટ નેક્સ્ટ? દાદી કહે છે કે ઉકરડી નોતરવાની. કન્યાને નથી સમજાતું. દાદી સમજાવે છે કે લગનનું ઘર હોય એટલે ભીડભાડમાં ઘરેણાં ખોવાય. બધાએ નવા કોકા પહેર્યા હોય, તેને કચરો કાઢવાનું કેમ સોંપાય એટલે કચરો વાળી ઝૂડીને ભેગો કરાતો. એમાં ખોવાયેલી વસ્તુ જડી આવતી. આમ ઊકરડી નોતરવાનો રિવાજ પડી ગયેલો. એક ગીત સંભળાય છે, ‘સહુ દેવને નોંતરીએ પાવલિયે પડી પડી.‘
શુભ પ્રસંગે દેવદેવીઓને પણ નોતરવામાં આવે. ‘બ્રહ્માણી આવ્યા ને લક્ષમીજી આવ્યા, માય દેવને માંડ્યા અમે … ભરી ભરી.
પણ સ્થાપના તો ગણેશજીની થાય ને? ‘ગણેશને તેડાવો રે રૂડા અવસરીએ.. એ ગણેશને બેસાડો રે સોના રૂપા બાજઠિયે. (આવાં ગીતોની ઠસક માણવા જેવી હોય છે! એનો સ્વરનિયોજક કોણ હશે?)
પણ બધામાં ધાર્મિક મહત્વ જ રહેતું એવું નહી, સામાજિક મહત્વ પણ રહેતું તને જાણીને નવાઈ લાગશે કે પૌત્રી દાદાને કહેતી કે એને કેવો વર જોઈએ છે? ‘બેની દાદાજીને ખોળે બેસી, ધીમું ધીમું બોલે, દાદા વર જોજે કંઈ વાડીમાંનો મોરલો.‘
લગ્ન એ અંગત બાબત હોવા છતાં એને જ્યારે સામાજિક પીઠબળ મળે છે ત્યારે એ પ્રસંગવિશેષ બની જાય છે. એટલે જ તો લગ્ન ટાણે બધાંને કંકોતરી લખીને આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી ગીત ગવાય છે
‘ કાગળ મંગાવો, કંકોતરી છપાવો, સગે વહાલે પહોંચાડો, આપણે ઘેરે બેની બાનો માંડવો..
મોટા કાકાને મોકલાવો, મોટા કુટુંબને તેડાવો રૂડા ગામને જમાડો આપણે ઘેરે લાડકડીનો માંડવો..‘
દાદી સમજાવે છે ગ્રહદેવતાની કૃપાદૃષ્ટિ ઊતરે તે માટે ગ્રહશાંતિ અને માંડવો સજાવવામાં કલાની અભિવ્યક્તિ છે બેટા, પણ આજે તો ફાસ્ટફુડિયા જમાનામાં માંડવા પણ રેડીમેડ મળે છે. પણ પહેલાં તો દીકરી દાદાને કહેતી, ‘આલા લીલા વાંસલડા વઢાવો રે દાદ! માણેકથંભ રોપાવો રે..‘ ગવાતું.
દાદી અને દીકરી વચ્ચે હળવી શૈલીના સંવાદો વચ્ચે કેટલીક ગંભીર વાતો પણ થાય છે. જૂનું તેટલું બધું સારું જ હતું એવું નથી. તે વખતે બાળલગ્નો થતા એટલે આજે પણ કરવા એવો આગ્રહ કદાપિ ન કરાય. આણાં તેડવા અને આણાં વળાવવા પાછળ બધાંનો ધીમે ધીમે પરિચય થાય એ જ ઉદ્દેશ હતો. પહેલાંના સમયમાં લગ્ન ગોઠવવાથી માંડીને મોસાળું કરવાની તમામ ફરજ અને ગરજ મામાની ગણાતી હતી. આજે કોઈ મામો એવું કરવા જાય તો ‘મામો‘ જ બની જાય.
દરમિયાન વરઘોડાની વાત નીકળે છે અને એક ગીત શરૂ થાય છે, ‘હંસા તારી સોનાની ચાંચ. હંસા તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે રે હંસો મોતી ચણવા જાય… હંસા જાજે ઉગમણે દેશ, હંસા જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઈને માંડવે હો રાજ.. કોઈ જાતના મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટનો સાથ લીધા વગર કુદરતી રીતે ગવાતાં આવાં ગીતો વગર આજના લગ્ન પ્રસંગો ઓશિયાળાં બની ગયાં છે. ફિક્કાં ફિક્કાં લાગે છે.
વરઘોડા શબ્દ પર દીકરી વાંધો લે છે. ‘વરને વળી ઘોડો શી રીતે કહી શકાય?‘ દાદીને ટીખળ સૂઝે છે તે કહે છે કે ‘તું ત્યારે તારા વર ગધેડો કહેજે!‘ લગ્ન સાથે પ્રકૃતિ, પ્રાણી અને પંખી જોડાયેલાં છે. હંસની ચાંચ સોનાની છે એમાં મહત્વ સોનાનું નથી પણ હંસનું પ્રતીક જેના માટે વપરાયું છે તે આત્માનું મહત્વ છે. દાદી મીરાંબાઈનું ગીત ‘જૂનું તો થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું‘ ગાઈ સંભળાવે છે.
એકાએક ફટાણાં યાદ આવે છે એટલે સમુહસ્વરે ફટાણાં ગવાય છે,
‘ઘરમાં નહોતું નાણું ત્યારે શીદ માંડ્યું તું ટાણું, મારા નવલા વેવાઈ! ઘરમાં નહોતી જાજમ, ત્યારે શીદ તેડ્યું તું સાજન, મારા નવલા વેવાઈ! ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડી ‘તી જાન, મારા નવલા વેવાઈ! હવે ‘નવલા વેવાઈ‘ શબ્દ ભુલાવા આવ્યો છે.
સપ્તપદી અને મંગલાષ્ટકની વાત થાય છે અને શરૂ થાય છે. મહિલાઓનુ ગૃપ ઉંચા અવાજે ગુજરાતી ભાષામાં ભાવથી મંગલાષ્ટકનું ગાન કરે છે અને વાતાવરણમાં ગંભીરતા સાથે પવિત્રતા છવાઈ જાય છે.
કન્યાવિદાય પ્રસંગે દીકરી રડશે એવી વાત દાદી કરે છે અને દીકરી કહે છે કે હું રડવાની નથી!મારી રાજીખુશીથી સાસરે જતી હોઉં પછી શા માટે રડવાનું? વાત વિદાયની છે, ‘વી ડાય‘ ની નહીં! દાદી ચેલેન્જ કરે છે કે મરજીથી પરણે છે છતાં તું રડશે જ, તેમાંયે જમાઈની હાજરીમાં તો ખાસ! એવામાં કોરસ શરૂ થાય છે. ‘દાદાને આંગણ આં..બલો, આંબલો ઘોર ગંભીર જો..! મજાક મસ્તી વચ્ચે વાતાવરણમાં ગંભીર પલટો આવે છે. દીકરી ડૂસકાં લેતી સંભળાય છે. ગીત આગળ ચાલે છે, ‘પહેલું પાન અમે ચૂં..ટિ.યું, બીજું ચૂં..ટ.વા દેજો. દાદાને વહાલા દી..ક..રા, અમને દીધાં, પર..દેશજો‘ તે સાથે જ લાગણીનો બંધ તૂટી જાય છે અને દીકરી હીબકાં ભરતી થઈ જાય છે. શબ્દો, ગાનારનો ભાવ, ગીતનું કોમ્પોઝિશન, રજૂઆત એટલી સચોટ છે કે એ સાંભળનારનું હૈયું પણ દ્રવી જાય છે. ખરેખર વિદાય તો હજી થઈ જ નથી, ગીતના શબ્દો જ સૌને રડાવી દે છે.
હવે આંગણાં જ નથી રહ્યાં. આંગણાં ગયાં અને આંગણાંમાંથી આંબાયે ગયા. આંબો એક કાળે સમૃદ્ધિનું પ્રતીક ગણાતો. હવે મોકળાશ જ નથી રહી. માણસના હૈયામાંય મોકળાશ રહી નથી. માણસ પ્રકૃતિથી દૂર થતો ગયો, વિકૃતિની નજીક થતો ગયો. સ્તુતિ ગઈ અને સ્ફૂર્તિ પણ ગઈ.
બહુ અર્થપૂર્ણ સંવાદો લેખકે લખ્યા છે. પ્રકૃતિ જ ઈશ્વર છે. નરસિંહ મહેતા કહે છે, ‘પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૂક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે‘ તો વળી નાનાલાલે તો ફૂલને દેવની હથેળી કહી છે. દીકરી કહે છે કે ‘પ્રકૃતિ અને સ્ત્રી સાથે સાથે જ ચાલે છે‘ દાદી કહે છે, ‘ના દીકરી, પ્રકૃતિ તે જ સ્ત્રી છે અને સ્ત્રી તે જ પ્રકૃતિ છે. પ્રકૃતિને નુકસાન કરીને માણસે સ્ત્રીને પણ હાનિ પહોંચાડી છે. સ્ત્રીના બધાં જ કાર્યો પ્રકૃતિ સાથે સંકળાયેલાં હતાં. મેઘ અને મધ હોય તો પણ મા તો એથીય વિશેષ મધુર છે. ગીત ગવાય છે ‘મીઠાં મધુ ને મીઠાં મેહૂલા રે લોલ‘.
બીજી ઘણી વાતો આ કાર્યક્રમમાં સમાવિષ્ટ થઈ છે. બધું અહીં લખવું શક્ય નથી, પણ જૂના સમયમાં લગ્ન પ્રસંગે ગવાતું એક પ્રભાતિયું મેં પણ સાંભળ્યું હતું તે અહીં ગવાય છે તેનો ઉલ્લેખ કરીને વિરમું છું. વારંવાર ફરમાઈશ કરીને રેડિયો પરથી આ કાર્યક્રમ માણવા જેવો છે.
સૂરજ ઊગ્યો રે કેવડિયાની પડખે કે વહાણેલાં ભલાં વાયાં રે.
સૂતા જાગો રે વસુદેવના નંદ કે વહાણેલાં ભલાં વાયાં રે….
‘પ્રિયમિત્ર‘ શિવમ્ સુંદરમ્
પ્ર. મિ.