આપણા કવિઓ, લેખકો અને કથાકારોએ રાધાના પાત્રને એટલું ચગાવ્યું છે કે જાણે રાધા વિના કૃષ્ણનું જીવન અધૂરું લાગે. રાધાનો પ્રેમ, રાધાનો ત્યાગ અને રાધાની સમજદારીને એટલો બધો ઢોળ ચડાવીને ચમકાવવામાં આવે છે કે બિચારા કૃષ્ણ, રાધા સમક્ષ ઝાંખા પડી જાય! કૃષ્ણ કે જેમને વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે એ પુરાણપુરુષને વામણા બતાવનારા સાક્ષરો અને ધર્મવીરો રાધાને ક્યારે અને ક્યાંથી ઊંચકી લાવ્યા અને કેવી રીતે એને કૃષ્ણના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધી તે વિષે ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. ‘મારા રામ તમે નહિ આવો સીતાજીની તોલે!‘ એવા વાહિયાત પણ અતિ લોકપ્રિય ભજનમાં જેમ સીતાના પાત્રને અતિશયોક્તિ અલંકાર વાપરીને ઉઠાવ આપવાની કોશિષ અણસમજુ લોકોએ કરી છે તેવું જ રાધાની બાબતમાં પણ થયું છે. સીતાજી તો રામાયણનું પ્રભાવી પાત્ર છે અને તેઓ ભગવાન રામચંદ્રજીના જીવનસંગિની હતાં જ્યારે રાધાનો તો મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં નથી. રામકથાની જેમ ભાગવત કથાની પારાયણો ખૂબ પ્રચલિત છે તે ભાગવત પુરાણમાં પણ રાધાનો ઉલ્લેખ નથી તેમ છતાં ભાવિકોના હૃદય આકાશે રાધાનો સિતારો ભગવાન કૃષ્ણ કરતા વધારે તેજથી પ્રકાશી રહ્યો છે!
અનુમાન લગાવી શકાય તેમ છે કે રાધાને કાલ્પનિક ગણાવવાના કારણે કેટકેટલા લોકોના હૈયે ‘ગહરી ચોટ‘ લાગી શકે તેમ છે. રાધા કોણ હતી અને કૃષ્ણના જીવનમાં તેનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થયો, ભગવાન કૃષ્ણના અવતારી કાર્યમાં રાધાનો ફાળો શો હતો એ કોઈ જણાવી શકે તેમ નથી. ‘ચોકીદાર ચોર છે‘ એવું સૂત્ર ગમે તેટલા લોકો ગમે તેટલીવાર બોલીને આકાશ ગજવે તેથી ચોકીદાર ચોર થઈ જતો નથી. કોઈ આધાર વગરની વાત ગમે તેટલા લાંબા સમયથી બોલાતી કે લખાતી આવે તેટલા માત્રથી તે સત્ય સિદ્ધ નથી થઈ જતી. આપણી એક તકલીફ એ છે કે મનને ગલગલિયાં કરાવે તેવી રોચક વાતો કોઈ ભગવાનના નામ સાથે જોડીને રજુ કરે તો તે આંખ મીંચીને સ્વીકારી લઈને રજુ કરનારની સાથે ડોલવા લાગી જઈએ છીએ; આ આપણું લક્ષણ રહ્યું છે. વળી પાછા કહીએ છીએ કે ‘શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર?‘. શ્રદ્ધાનું મૂલ્ય છે જ, એનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ‘યા દેવિ! સર્વ ભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:‘ એમ કંઈ અમસ્તું જ નથી કહેવાયું, પણ આપણી શ્રદ્ધાને સત્યનું પીઠબળ હોવું જરૂરી છે એ વાત ભૂલી જવાય છે. શ્રદ્ધા શબ્દમાં સત્ય નિહીત છે. સત્ વત્તા ધૃ ધારયતિ- જે સત્યને ધારણ કરે છે તેનું નામ શ્રદ્ધા. આપણે તો સાચી ખોટી માન્યતાઓને જ શ્રદ્ધા ગણાવતા ફરીએ છીએ.
ચાલો, આપણે રાધાનો પીછો પકડવાની થોડીક કોશિષ કરી જોઈએ. આપણી પાસે રાધાનું પાત્ર આવ્યું કેવી રીતે? કૃષ્ણ સાથે એનું નામ જોડાયું કેવી રીતે? મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ અને શ્રીમદ ભાગવત્ જેવા ગ્રંથોમાં કૃષ્ણ ચરિત્રની ચર્ચા તો છે, પણ તેમાં રાધાનું નામ ક્યાંયે જોવા મળતું નથી. રાધા આજે વૈષ્ણવ સમાજમાં શ્રી કૃષ્ણની પત્ની તરીકે સર્વમાન્ય રીતે સ્થાપિત થઈ ચૂકી છે. રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ થઈ શકતી નથી. આ બધું કેમ થયું?
રાધા-રાણીના ગરબા અને ભજનો તથા કવિતા દ્વારા આપણને રાધાની ઓળખાણ થઈ. કાવ્યો, ગઝલો, વાર્તા, નવલકથાઓમાં રાધાના કેરેક્ટરને ડેવલપ કરેલા જોયા. કથાકારોના મુખેથી રસાળ શૈલીમાં રાધા વિષેના વર્ણનો સાંભળ્યા, પણ આપણે કોઈ દિવસ કોઈને પૂછવાની તસ્દી નથી લીધી કે કયા પ્રમાણભૂત ગ્રંથોમાંથી આ વાત લેવામાં આવી છે. આપણા કથાકારો વ્યાસપીઠ પર ભાગવત કે રામચરિત માનસ ગ્રંથનું પોટલું લઈને તો જરૂર બેસે છે, પણ શ્લોક ટુ શ્લોક કે ચોપાઈ લઈને એનો અર્થ સમજાવવાનું ટાળે છે. એમને આવડતી અને એમને ગમતી વાતોનો વિસ્તાર કરીને સમયનો બગાડ કરે છે, પણ મહત્વની વાતો ઓમિટ કરી દેવાની લુચ્ચાઈ કરે છે!
શ્રી કૃષ્ણને તે જમાના પ્રમાણે આઠ રાણીઓ હતી. રુક્મિણી જોડે એમણે પ્રેમલગ્ન કરેલા. રુક્મિણીના પિતાએ તેના વિવાહ જરાસંધના પુત્ર શિશુપાળ સાથે ગોઠવી રહ્યાની ગંધ આવતાં જ રુક્મિણીએ એક પ્રેમપત્ર લખીને શ્રીકૃષ્ણને મોકલ્યો. તે શ્રી કૃષ્ણના અપ્રતીમ પરાક્રમથી અને વ્યક્તિત્વથી આકર્ષાઈને પોતાનું દિલ તેમને અર્પિત કરી ચૂકી હતી. જગતના અપ્રતીમ સૌંદર્યે એવા જ અપ્રતીમ પૌરુષને લખેલો ઈતિહાસનો એ પહેલવહેલો પ્રેમપત્ર ગણાય છે. અન્ય પત્નીઓ જાંબુવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. એ જમાનામાં પરાક્રમી પુરુષો જોડે સંબંધ સ્થાપિત કરવા ત્યારના રાજાઓ પોતાની બહેન કે દીકરીને પરણાવીને સંબંધની મધુરતા વધારતા તે રિવાજ મુજબ બનેલી પત્નીઓ છે. આ રીતે કૃષ્ણની આઠ રાણીઓ હતી. પણ કૃષ્ણ જાણે આજના જમાનાની જેમ ગેરકાનુની લગ્નબાહ્ય સંબંધ બાંધતા વિલાસી પુરુષ હોય તેમ રાધા જોડે એમનું નામ જોડવામાં આવે છે તે સાવ અજુગતું છે. સોળ સહસ્ર રાણીઓની વાત લખીને તો આપણા સાહિત્યકારોએ કૃષ્ણજીને સાવ વિલાસી જીવડો બનાવી દેવાની ધૃષ્ટતા કરી છે. તે સમયે આસામના નરકાસુરે સોળ હજાર કન્યાઓને કેદ કરી હતી. કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરીને એ કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરી. સમાજ એ મહિલાઓને દૂષિત થયેલી માનતો હતો. એવી ભ્રષ્ટ થઈ ચૂકેલી સ્ત્રીઓને વેશ્યા ગણીને એમના ભાઈ કે પિતા કે કોઈ સગાં પણ એમનો સ્વીકાર કરવા તૈયાર ન થયા ત્યારે અપમાનિત થયેલી એ સ્ત્રીઓ દુ:ખી હૃદયે શ્રી કૃષ્ણ પાસે ગઈ. બોલવા લાગી કે, ‘અમારો કોઈ સ્વીકાર કરતું નથી. તમે અમને કારાવાસમાંથી તો છોડાવી પણ હવે અમે ક્યાં જઈએ? અપમાનભરેલી આઝાદી કરતાં તો તે કારાવાસ સારો હતો‘. શ્રી કૃષ્ણે હિંમતભેર કહ્યું કે ‘કોઈ તમારો સ્વીકાર ભલે ન કરે, પણ હું તમારો સ્વીકાર કરું છું. આજથી તમે સૌ મારી પત્ની છો. કોઈ પૂછે તો વિશ્વાસપૂર્વક કહેજો કે અમે કૃષ્ણની પત્નીઓ છીએ.‘
મહાપુરુષો જેનો સ્વીકાર કરે તેનો અનાદર કોઈ કરી શકતું નથી. શ્રી કૃષ્ણે એ અપ્રતિષ્ઠિત મહિલાઓને પોતાની કાયદેસર પત્ની તરીકે અપનાવીને તેમને સમાજમાં પ્રતિષ્ઠાભર્યો દરજ્જો આપ્યો. શ્રી કૃષ્ણનું આ પગલું ક્રાંતિકારી હતું. કોઈનામાં આટલી હિંમત ન જ હોઈ શકે. ભારતને આઝાદી મળી અને ભાગલા પછી જે કત્લેઆમ. લૂંટ, બળાત્કાર અને હિંસાનું તાંડવ ખેલાયું ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. દૂષિત થયેલી સ્ત્રીઓને એમના પતિ, ભાઈ, પિતા અને સમાજે તરછોડી દીધી ત્યારે એમને વારાંગના થઈને જીવવાનો વારો આવ્યો. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી નોંધે છે કે તે વખતે કૃષ્ણ જેવું વિરાટ વ્યક્તિત્વ આપણી સમક્ષ હોત તો એ બહેનોએ પતિત તરીકે જિંદગી ગુજારવી પડી નહોત. શ્રી કૃષ્ણ જેવા વીર ક્રાંતિકારી નાયકને સોળ હજાર રાણીઓ હતી એમ કહીને તેમનું વિલાસી ચિત્ર ઊભું કરનારની મતિ અતિ ક્ષુદ્ર છે એમ કહી શકાય. હદ તો ત્યારે થાય છે જ્યારે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો બાંધતા લંપટ પુરુષને ‘કાનુડા‘ નું લેબલ મારવામાં આવે છે!
‘બ્રહ્મવૈવર્ત‘ પુરાણના આધારે સંશોધન કરનાર હિંદીના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય નાટ્યલેખક શ્રી નારાયણ પ્રસાદ બેતાબે ‘રાધાકૃષ્ણ‘ નામની એક પુસ્તિકા બહાર પાડી હતી. તેમણે લખ્યું છે કે એ પુરાણમાં જુદા જુદા સ્થળે રાધા અને કૃષ્ણનો સંબંધ પિતા-પુત્રી, માતા- પુત્ર, પતિ-પત્ની વગેરેનો કહ્યો છે. આ બધામાંથી કયો સંબંધ સાચો તે તો ભગવાન જ જાણે! બ્રહ્મવૈવર્ત પુરાણ સિવાય બીજા કોઈ કૃષ્ણચરિત્રના આધારભૂત ગ્રંથમાં રાધાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ પુરાણ વેદવ્યાસ રચિત માની શકાય તેવું નથી. એની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. કથાકારો પોતાની માન્યતા અને કલ્પનાનું ગિલિટ ચઢાવીને મનોરંજક ટૂચકાઓ ઉમેરીને પાત્રોની રજુઆત કરી શ્રોતાઓને મનોરંજન કરાવતા આવ્યા છે.
પુરાણકારોને સેક્સી વર્ણન કરતા કોઈ સૂગ નથી આવતી. તેઓ લખે છે” રાધા પૂર્ણ યૌવનથી ભરેલી યુવતિ હતી. રોઈ રહેલા બાળકૃષ્ણને શાંત કરવા ખોળામાં લઈને વહાલ વરસાવવા લાગી. પછી એનું માતૃત્વ કોણ જાણે ક્યાં ચાલી ગયું તે વહાલ વરસાવતાં વરસાવતાં તે રાધા કામવાસનાનો અનુભવ કરવા લાગી. બાળકૃષ્ણે પણ એક નવયુવાનનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી જે લખ્યું તે વર્ણન શરમ અને મર્યાદાનો લોપ કરનારું છે.ધૃત્વા ચ તાં કૃષ્ણ; સ્વાપચાચાસ વૃક્ષસિ ચ કાર શિથિલં વસ્ત્રં ચુમ્બન ચ ચતુર્વિધમ- રાધાનો હાથ પકડીને કૃષ્ણે તેને આલિંગનમાં લીધી. રાધાના વસ્ત્ર ઢીલાં કરીને ચારે તરફ ચુંબન કરવા લાગ્યા. આ તો સૌથી શ્લિલ એવો શ્લોક થયો તો પછી અશ્લિલ શ્લોકમાં કેવું વર્ણન આવતું હશે તેની કલ્પના થઈ શકે છે.
આરાધ્ય દેવ એવા શ્રી કૃષ્ણને લંપટ ગણાવવા એ કંઈ જેવી તેવી ધૃષ્ટતા નથી. આપણા દેવ જો આવા હોય તો પછી તેના ઉપાસકો પણ લંપટતા આચરે તેમાં કોઈ નવાઈ નથી. જે દેવની ઉપાસના કરતા હોય તેના ગુણો તેના ઉપાસકોમાં આવે! કૃષ્ણ જાણે કે રાધા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહ્યા હોય એવું વર્ણન કરવું એ આપણા આરાધ્ય દેવનું હડહડતું અપમાન છે. યુગપુરુષને થતો રહેલો અન્યાય છે. પુરાણકારોને, કથાકારોને અને સાહિત્યકારોને પોતાના મનનો કિચડ પ્રગટ કરવા જાણે બીજું કોઈ પાત્ર જ ન મળતું હોય તેમ રાધાના કાલ્પનિક પાત્ર સાથે કૃષ્ણનો સંબંધ કલ્પી લઈને તેમના પવિત્ર ચરિત્રને કલંકિત કરે તે કોઈ રીતે શોભાસ્પદ નથી.
પ્ર. મિ.
FACEBOOK ARTICLE PUBLISHED IN ‘PRIYAMITRA’ WEEKLY.