ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ સવારે જાગીને પથારીમાં બેઠા થતાંની સાથે જ કરદર્શન કરવાનું હોય છે. કરદર્શનના શ્લોકો થકી માણસમાં ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. જમીન પર પગ મૂકતી વેળા ધરતી માતાને નમસ્કાર કરી એની ક્ષમા માંગવાની હોય છે. દાતણ કરતી વખતે વનસ્પતિને નમસ્કાર કરતો શ્લોક તથા સ્નાન કરતી વખતે ભારતની મુખ્ય નદીઓનું આવાહ્ન કરવામાં આવે છે. સાથે સાથે પુશ્યશ્લોક ચરિત્રો, મોક્ષદાયી સાત નગરીઓ, પાંચ સતીઓ તથા સાત ચિરંજીવી ચરિત્રોને યાદ કરવામાં આવે છે. એ શ્લોક આ મુજબ છે;
‘અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભિષણ; કૃપ: પરશુરામશ્ચ સપ્તૈ: તે ચિરજીવિત:‘
આ સાત ચિરંજીવીઓ હજી જીવે છે એવું કહેવાય છે. ખરેખર તેઓ સદેહે હજી સુધી હયાત હશે કે? શ્રદ્ધાળુઓ તો મક્કમપણે માને જ છે કે આ પાત્રો હજી હયાત છે. અને પ્રસંગોપાત અમુક ખાસ લોકોને દર્શન પણ આપે છે. એમની શ્રદ્ધા અને ભાવનાને નમસ્કાર કરીને આગળ વિચારીએ તો ચિરંજીવી એટલે અમર અથવા લાંબાકાળ સુધી ટકનારા; તેમનો દેહ અમર કે તેમના સદવિચારો અને તેમનું કર્તૃત્વ અમર? ભારતીય સંસ્કૃતિના આ મહાન પાત્રો તેમની વિશેષતાને કારણે જનમાનસમાંથી કદી વિસરાતા જ નથી. શાસ્ત્રકારોએ એમના દેહવિલય વિષે કંઈ લખ્યું નથી એટલે લોકો માને છે કે તેઓ હયાત હોવા જોઈએ, પણ આવું કદી હોઈ શકે નહિ. મહાભારતના મુખ્ય પાત્ર અને અવતારી પુરુષ એવા શ્રી કૃષ્ણને અને ઈચ્છિત મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહને મૃત્યુ આવે અને વ્યાસજીને મૃત્યુ ન આવે એવું બની શકે ખરું? અશ્વત્થામા અને કૃપાચાર્યના એવા તે કયા અવતારી કાર્યો બાકી રહી ગયા કે તેઓ હજી મૃત્યુને રોકીને જીવી રહ્યા હશે? રામાયણના રામ અને લક્ષ્મણ ચાલ્યા ગયા અને હનુમાનજીને ચારેય યુગમાં જીવતા રહેવાના આશીર્વાદ આપ્યા એટલે તેઓ હજી હાજરાહજુર છે એમ મનાય છે. હનુમાનજીનું સમગ્ર જીવન જ પ્રેરણાદાયી રહ્યું છે, વ્યાસ ભગવાનના વિચારો પણ માનવજીવનને નિત્ય માર્ગદર્શન આપતા રહેલા છે. તેઓ અમર રહે તે તો ઉત્તમ વાત છે જ, પણ ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સદેહે હયાત હોત તો અતિ ઉત્તમ ગણાત. તેઓ પ્રકૃત્તિના નિયમોને વશ થઈ કાળધર્મ પામ્યા તો આ સાત પાત્રોને કેમ અહીં મૂકી ગયા, એવો સવાલ મનમાં જાગવો સ્વાભાવિક છે.
કથાકારો કહેતા આવ્યા છે કે રામાયણની મંથરા હજી જીવે છે. બીજાનું સુખ જોઈને દ્વેષાગ્નિથી બળતા કે અદેખાઈ કરનારા લોકોને કથાકારો મંથરાનું રૂપ ગણે છે. કથાકારોને મંથરાના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ મળતો ન હોવાથી આવા ચિબાવલા વાક્યો ગોઠવી કાઢીને ભાવિકોના મગજમાં ફિટ બેસાડી દે છે. જાણે નવું સંશોધન થયું હોય તેમ આ બાબતને ભાવપૂર્વક વર્ણવવામાં આવે છે. એકે કહ્યું એટલે બીજાને પણ એમ કહેવાની ચળ ઉપડે છે અને મંથરાને ચિરંજીવી બનાવવાની ચાનક આગળ વધતી જ જાય છે. તો પછી સાત ચિરંજીવીઓમાં મંથરાનું નામ કેમ નથી લેવાતું? એવાં તો કેટલાયે પાત્રો છે કે જેમના મૃત્યુ વિશે કોઈ વિગતો ક્યાંય મળતી નથી એટલે તેઓ હજી મર્યા જ નથી એમ માનવામાં કોઈ ન્યાય નથી. આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ અને મા ભારતીના લાડકા સંતાન એવા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હોવાના પુરાવા ન મળવાના કારણે તથા તેમના અપ્રતીમ પરાક્રમ અને બુદ્ધિમતા પર ગજબનો વિશ્વાસ હોવાથી લોકો માનતા જ નહોતા કે તેમનું મૃત્યુ થયું છે. તેમના જીવિત હોવા વિષે અનેક દંતકથાઓ વરસો સુધી ચાલતી રહી, પણ સજીવોને જેમ જન્મ છે તેમ મૃત્યુ પણ છે જ, ‘નામ તેનો નાશ‘ એ અવશ્યંભાવિ ઘટના છે. એને ટાળી ન શકાય; ભાવનાથી માનવું તે અલગ વાત છે.
સાત ચિરંજીવીઓ પૈકી અશ્વત્થથામાને પ્રથમ ક્રમાંક અપાયો છે તે આશ્ચર્યજનક બાબત છે. અશ્વત્થામાએ એવું તે શું કર્યું કે એને યુગો સુધી માનવસમાજે જીવતો માનવો પડે? અશ્વત્થામા કોણ હતો? દ્રોણ ગુરુનો એ પુત્ર હતો અને જીવથીયે વહાલો હતો. ‘અશ્વત્થામા મરાયો છે એવા સમાચાર જ્યારે દ્રોણને મળશે ત્યારે દ્રોણ હથિયાર હેઠે મૂકી દેશે અને દ્રોણ હણાશે‘ એવો એને શ્રાપ કે વરદાન હતું. સામાન્ય રીતે દીકરા કરતા બાપ જ વહેલો મૃત્યુ પામતો હોય છે, પણ બાપની હયાતિમાં દીકરો મૃત્યુ પામે તો તે અમંગળ ઘટના વખતે પિતાના પ્રાણ પણ લગભગ ચાલ્યા જ ગયા હોય એવી કરુણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. પિતા નિરૂત્સાહી થઈ જાય છે અને જીવવાની ઈચ્છા ગુમાવી બેસે છે. મહાભારતના યુદ્ધમાં એવી તે કેવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જેવા અવતારી પુરુષે સત્યપ્રિય યુધિષ્ઠિરને સત્યભાષણ કરવાની પ્રતિજ્ઞા તોડીને અસત્ય વચન બોલવાનું સમજાવવાનો વખત આવ્યો?
દ્રોણગુરુ તે દિવસે રણાંગણમાં સાક્ષાત કાળ બનીને કાળો કેર વર્તાવી રહ્યા હતા. એવું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું કે પૃથ્વીનો પ્રલય થવાની જાણે કે ઘડીઓ ગણાઈ રહી હતી. એક બ્રાહ્મણ આટલો બધો ક્રુર અને નિષ્ઠુર બની શકે? દ્રોણની લોહીપિપાસાએ એને બ્રહ્મરાક્ષસ બનાવી દીધો હતો. એને અટકાવવો જરૂરી હતો. લાખો સ્ત્રીઓ વિધવા અને લાખો બાળકો અનાથ થવા જઈ રહ્યા હતા. આખરે કયા વેરને કારણે દ્રોણગુરુ આટલા બેફામ બન્યા હતા? નિર્ધનતાને કારણે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો અને હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્રવિદ્યા સ્વીકારવાનું સ્વીકાર્યું એ માટે એમની પાસે વાજબી કારણો હતા, પણ રાજકુમારોનું શિક્ષણ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં પડી રહેવા પાછળ કઈ મજબૂરી હતી? કયો લોભ હતો? જે કારણથી એકલવ્યને એમણે બાણવિદ્યા શીખવવાની ના પાડી તે કારણ પોતાના દીકરા અશ્વત્થામાને કેમ લાગુ પાડ્યું નહિ? ક્ષત્રિય રાજકુમાર અર્જુનને તેની યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું, પણ અશ્વત્થામાને કઈ યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા આપી? અને તે યે પાછી અધૂરી? બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું તે અશ્વત્થામા જાણતો નહોતો. (ગુરુ દ્રોણે એક કુપ્રથા શરૂ કરી તે હજી આજે યે ચાલુ છે. દ્રોણના પહેલાં, રાજકુમારો પણ ઋષિના તપોવનમાં ભણવા જતા અને અન્ય સામાન્ય બાળકોની સાથે આચારસંહિતા મુજબ રહીને અભ્યાસ કરતા હતા. સત્તાધીશો કે શ્રીમંતોના ઘરે જઈ, તેમના બાળકોને પ્રાયવેટ ટ્યૂશન આપવા જવાની ગૌરવહીન પ્રથા ગુરુ દ્રોણે ચાલુ કરી.)
ભારદ્વાજ ઋષિના વંશજો આટલા નપાવટ પાકશે એવું કોઈએ ધાર્યું નહિ હોય. દ્રોણ ગુરુની વિનાશલીલાને અટકાવવા યુધિષ્ઠિરનો પ્રતિજ્ઞાભંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. એ જમાનો પ્રાણને ભોગે પણ પ્રતિજ્ઞાધર્મને બચાવવાનો હતો, પછી ભલે જગતનું અકલ્યાણ થાય! દેવવ્રત ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદી પર ન બેસવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા ન પાળી હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. જગતના કલ્યાણ આડે પ્રતિજ્ઞા નડતી હોય તો એવી પ્રતિજ્ઞા તોડવી એ જ પરમ ધર્મ બની રહે છે. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ બોલવાની ફરજ પાડી કે અશ્વત્થામા હણાયો છે. અશ્વત્થામાના મરવાના સમાચાર સાંભળીને દ્રોણ જરા ઢીલા પડ્યા. સમાચારની ખાતરી કરવા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને એમણે વાતની પૂર્તિ કરતાં જણાવ્યું કે ‘હા, અશ્વત્થામા હણાયો છે.‘ (નર: વા કુંજર: વા- એ શબ્દો યુધિષ્ટિર બોલ્યા જ નથી છતાં, એ તૂત ચાલુ જ છે!) પ્રતિજ્ઞા મુજબ દ્રોણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને ધ્યાનાવસ્થામાં બેઠા. તે સમયે ધૃષ્ટદ્યુમ્ને એમનું માથું વાઢી લઈને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.
પિતાના મોતનો બદલો લેવા કે પછી દુષ્ટ દૂર્યોધનના વહાલા થવા માટે અશ્વત્થામાએ રાત્રિના ઘોર અંધારામાં, યુદ્ધ છાવણીમાં ભરનિદ્રામાં સૂતેલા દ્રૌપદીપુત્રોને પાંચ પાંડવો સમજીને જીવતા સળગાવી મૂક્યા એ કાયરતાપૂર્ણ દુષ્કૃત્ય કોઈ નરપિશાચ જ કરી શકે. ઉરીમાં શું બન્યું હતુ? અશ્વત્થામા આવ્યો હતો કે? એ જમાનામાં, દુશ્મનને સાવધ કરીને, તેના હાથમાં મનગમતું હથિયાર આપીને તેને યુદ્ધમાં લલકારવામાં આવતો. રાત્રે અસાવધ સ્થિતિનમાં નિંદર માણતા મહારથીઓને ચૂપકીદીથી ચોર પહલે આવીને સળગાવી મૂકવા જેટલી કુટિલતા એક બ્રાહ્મણ ક્યાંથી લાવ્યો હશે? સૂતેલા દ્રૌપદી પુત્રોની નિર્ઘૃણ હત્યા કર્યા પછી એણે જરીકે અપરાધભાવ ન અનુભવ્યો. એ જ્યારે પકડાયો ત્યારે એના હાથમાં બ્રહ્માસ્ત્ર હતું.
ગુરુપુત્ર અને બ્રાહ્મણપુત્ર સમજીને જેની હરકતોને માફ કરતા આવેલા એ નરાધમે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું. પુત્રોની હત્યાથી કોપાયમાન અર્જુને પણ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. પૃથ્વીનો પ્રલય થશે એવી દહેશતથી વ્યાસજીએ તેમને બ્રહ્માસ્ત્ર વાળવાની અપીલ કરી. અર્જુને તો બ્રહ્માસ્ત્ર વાળી લીધું. પણ અશ્વત્થામા વાળી ન શક્યો. આકાશ કે પાતાળ જેવી કોઈ દિશામાં ફેંકવું અનિવાર્ય હતું. પાંડવોના વંશનું નિકંદન કાઢવાને સંકલ્પબદ્ધ એવા આ બ્રહ્મરાક્ષસે કુટિલતાથી અટ્ટહાસ્ય કરીને શહીદ નવયુવાન અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર નિશાન તાક્યું! માનવતા શરમાઈ નહિ, પણ ખરેખર ધ્રુજી ઊઠી. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ સ્તબ્ધ થઈ ગયા!
જગતમાં આવા લોકોની પણ કમી નથી, જેમને કોઈ કરતાં કોઈની શરમ નથી. તેઓ ગમે તે હદે જઈ શકે છે. વિદ્વાન બ્રાહ્મણો સુદ્ધાં બ્રહ્મરાક્ષસ બની શકે છે. સાક્ષરા: વિપરિતાનિ રાક્ષસા: ભવન્તિ. પોતાની જાત સિવાય કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પળેપળ સાવધતા રાખવી જરૂરી છે. કોઈપણ મનુષ્યના દિમાગમાં પ્રવેશ કરીને શયતાન ગમે ત્યારે આપણા પર ત્રાટકી શકે છે. બનેલો માળો પીંખી શકે છે! એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે?
પ્ર. મિ.