બીજો ચિરંજીવી ખલનાયક બલિરાજા!

      સત્યનારાયણની કથાના અંતે ગવાતી દશાવતારની આરતીમાં આવતી કડી, ‘‘પાંચમે અતિ બળિયો બળદેવ જેથી સુરપતિ યે કાંપે; વામનરૂપ ધર્યું મહારાજે બળિને પાતાળે ચાપે. જયદેવ જયદેવ‘ એ તો ઘણાને ખબર હશે. પુરાણકથા મુજબ બલિરાજા ખૂબ પરાક્રમી હતો, ખૂબ ધાર્મિક હતો. એણે પુષ્કળ યજ્ઞો કર્યા. એને ઈન્દ્ર જોડે વિરોધ હતો. એ ઈન્દ્રાસન પડાવી લેવા માંગતો હતો. જેનામાં લાયકાત હોય તે ઈન્દ્ર બને એમાં કંઈ બહુ મોટી વાત નથી. એ એનો અધિકાર પણ ગણાય. ઈન્દ્રએ ગભરાવાનું કોઈ કારણ પણ નહોતું. લાયકાત હોય તે માણસને આગળ આવવા દેવો જોઈએ. પણ બલિરાજા બગભગત હતો. એનું પ્રગટ કાર્ય સાત્વિક જણાતું હતું, પણ એની પછવાડે મોટી ચાલ હતી. ઈન્દ્રને એ વાતની જાણ હતી એટલે એણે વિષ્ણુને વાકેફ કર્યા હતા. ભગવાનને પણ છેતરે એવા ધાર્મિક પુરુષો આજે પણ ક્યાં ઓછા છે? વિષ્ણુ ભગવાને ઈન્દ્રરાજાને સંભાળવાનું માથે લીધું. બલિ જ્યારે યજ્ઞ કરતો હતો ત્યારે બટુકનું રૂપ લઈને ભગવાન તેની પાસે ગયા અને ભિક્ષા માંગી. જૂની હિંદી ફિલ્મ ‘વામન અવતાર‘નું ગાયન યાદ આવી જાય તેમ છે. ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી!‘ બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલાં પૃથ્વી માંગી. બલિએ રાજીખુશીથી પૃથ્વી લઈ લેવા કહ્યું.  ડગલાં ભરતી વખતે ભગવાને વિરાટ રૂપ લીધું અને પહેલા ડગલે પૃથ્વી અને બીજા ડગલે ત્રિભુવન માંગી લીધું. હવે ત્રીજું ડગલું ક્યાં ભરૂં એમ ભગવાને પૂછ્યું ત્યારે બલિએ કહ્યું કે મારા માથા પર પગ મૂકો. ભગવાને માથા પર પગ મૂક્યો અને બલિ પાતાળે ચંપાઈ ગયો. ભગવાને એને વચન આપ્યું કે હું તારા પુત્ર પરિવારનું રક્ષણ કરીશ તું પાતાળમાં નિરાંતે રહેજે. બલિના ત્યાગની અવેજીમાં વરસનો એક દિવસ એના નામે ઊજવવાનો નક્કી કર્યો. બલિ પ્રતિપદા એટલે કે બેસતું વરસ એ બલિની યાદમાં ઊજવાય છે; આ થઈ પૌરાણિક કથા.

એક સવાલ મગજમાંથી નીકળે તેવો નથી. બલિરાજા ધાર્મિક અને સાત્વિક પ્રકૃતિનો હોય અને સમાજ માટે સારી પ્રવૃત્તિઓ કરતો હોય તો ભગવાને એને પાતાળમાં કેમ ચાંપ્યો? પુરાણકારો જે વાત કરે છે તે બુદ્ધિમાં ઉતરે તેવી નથી. દંતકથા તો એમ પણ કહે છે કે બલિ એવો ચતુર નીકળ્યો કે એણે ભગવાનને પોતાના અંગરક્ષક-નોકર તરીકે રહેવાની ફરજ પાડી.

બલિ કોણ હતો? હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ હતો. પ્રહલાદનો દીકરો  વિરોચન અને વિરોચનનો દીકરો તે બલિ. પ્રહલાદ સાત્વિક પ્રકૃત્તિનો હતો. આધ્યાત્મિક હતો. તેને રાજગાદી પર બેસવાની લાલસા નહોતી, પણ નરસિંહ ભગવાને તેને બળજબરીપૂર્વક ગાદીએ બેસાડ્યો. સારા માણસો રાજકારણમાં આવવા જોઈએ. સંસાર અસાર છે, રાજકારણ એ કિચડ છે એમ સમજીને ‘ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્‘ કરીને ધ્યાનમાં બેસી જવું સરળ છે. હિમાલય ભ્રમણ કરવું પણ સરળ છે, પણ તેને બદલે રાજકારણના કિચડનો સામનો કરીને, પ્રજાને સુશાસન આપીને પણ પ્રભુસેવા કરી શકાય. આ પણ સાધના જ છે, તપ જ છે, આમાં આત્માની ઉન્નતિ અને સમાજકલ્યાણ બંને સચવાય જ છે એમ સમજાવીને પ્રહલાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. પ્રહલાદે સરસ રાજ્ય કર્યું. ત્યાર પછી પ્રહલાદનો દીકરો વિરોચન ગાદીએ આવ્યો. તે ઊંધો નીકળ્યો. વિરોચન નાસ્તિક હતો. તેનામાં બાપના કરતા દાદાના લક્ષણો વધારે હતા. ઉત્તમ પિતાના સંતાન ઉત્તમો જ હોય એવું બનતું નથી. હિરણ્યકશિપુ જેવો પ્રહલાદ ન નીકળ્યો અને પ્રહલાદ જેવો વિરોચન ન નીકળ્યો. મારા પિતા મહાન હતા એમ કેવળ બોલવાથી કામ ન ચાલે. જાતે મહાન કામો કરી દેખાડવા પડે. પિતાના સ્વસંપાદિત ગુણો સંતાનમાં આવતા નથી. પિતા કરતા દાદાના સંસ્કાર પૌત્રમાં વધારે આવે છે. પ્રહલાદના છોકરા વિરોચનમાં બાપના ગુણો ન હોવાથી તે નિષ્ફળ રહ્યો. સાત્વિક વિચારો સમજવા તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો.

વિરોચનનો છોકરો બલિ બાળપણથી જ બુદ્ધિશાળી અને કૂટનીતિજ્ઞ હતો. તેણે તેના પારિવારિક ઈતિહાસનો બરાબર અભ્યાસ કર્યો હતો. તેણે જોયું કે હિરણ્યકશિપુ તાકાતના જોરે બળજબરીથી શાસન કરવા ગયો તો એણે મરવું પડ્યું. પ્રહલાદ જેટલી ભક્તિ અને સંસ્કાર તેનામાં હતા નહિ. તે આસુરી સંસ્કૃતિનો હતો. હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિરોચનની મિશ્ર આવૃત્તિ એટલે બલિરાજા! બલિને સમજાઈ ગયું કે ખાઓ, પીઓ અને મજા કરો એ આસુરી વૃત્તિના વિચારો કેવળ સામર્થ્યના જોરે પ્રજા પર લાદી શકાશે નહિ, લોકો માનશે નહિ અને બીજો નરસિંહ ઊભો થશે! એટલે એણે મોટા મોટા યજ્ઞો કરીને ધાર્મિકતાનો દેખાવ ઊભો કર્યો. યજ્ઞ એટલે દેવપૂજા સંગતિકરણ મિત્રકરણ. જે મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી. લોકોમાં જે કંઈ ગુણો હોય તે બદલ તેમની પ્રશંસા કરી- પૂજા કરવી, તેમની સાથે આત્મીયતા ઊભી કરવી. આજના અનુસંધાનમાં કહેવું હોય તો બલિ રાજાએ વિપદગ્રસ્ત લોકોને મદદ કરીને અને સમાજના બુદ્ધિમાન લોકો- લેખકો, પત્રકારો, કાનૂની નિષ્ણાતો વગેરેને એવોર્ડ આપીને વિભૂષિત કર્યા. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ખુશ રાખ્યા એનો અર્થ એ જ કે સમાજના બૌદ્ધિક વર્ગને સુખ સગવડો આપીને સંતુષ્ટ રાખ્યા જેથી તેમની વફાદારી શાસન પ્રત્યે કાયમી રહે. બૌદ્ધિકોની ફરજ હતી કે તેઓ પ્રજામાં સંસ્કાર ઊભા કરે. સમાજને સભ્ય બનાવે, જવાબદાર નાગરિકત્વ નિર્માણ કરે. બલિએ આ વિકાસપ્રક્રિયા ચાલાકીપૂર્વક અટકાવી દીધી. બ્રાહ્મણોને પૂરતી દક્ષિણા મળતી હોય અને રાજદરબારમાં પ્રતિષ્ઠિત સ્થાન મળતું હોય તો એને બીજું જોઈએ પણ શું?

ઉપલક રીતે ધાર્મિકતા ધમધમતી રહેતી. કથા પારાયણો ચાલતા રહેતા, હોમ હવનો ચાલતા રહેતા. ધાર્મિક સ્થળો ઊભાં થતાં હતાં, પણ ત્યાં પૂજા-પાઠ, ભજન- સત્સંગ અને આરતી- પ્રસાદથી વિશેષ કશું થતું નહિ. પ્રજાને ઉત્સવોની ઊજવણી કરવામાં મશગુલ રાખવામાં આવતી. માણસમાં માનવીય ગુણો પાંગરે અને વિકસે એ માટેની તમામ બારીઓ બંધ કરી દેવામાં આવી હતી. શિક્ષણ અને કેળવણી રાજ્યાશ્રિત બનતા જ જીવનલક્ષી પાઠો શિખવવાનું બંધ થયું અને રોજગારલક્ષી અભ્યાસક્રમને ઉત્તેજન આપવામાં આવ્યું. સમાજ સમસ્યાગ્રસ્ત બનતો ગયો અને દરેક સમસ્યાનો ઉકેલ બલિરાજા પાસે જ છે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. બલિ જ સૌનો બેલી છે. બલિ જેવો કોઈ રાજા થયો જ નથી અને બલિ જે કરી શકે તે કોઈનાથી ન થઈ શકે એવી ધારણા ઊભી કરવામાં આવી.

દેશના રક્ષણ માટે તત્પર એવા પરાક્રમી વીરજવાનોને વીરતા બતાવવાથી વંચિત રાખ્યા. એમને વૈશ્વિક માનવવાદના પાઠો ભણાવી એમના લોહીને ઠંડુ પાડી દેવામાં આવ્યું. માનવ અધિકારની દુહાઈ આપીને આતતાયીઓ સામે શસ્ત્ર ન ચલાવવાની સૂચના આપીને તેમના શૌર્ય પર લગામ મૂકી દીધી. સશસ્ત્ર આતતાયીઓ જોડે માનવતા દાખવીને તેમના પર શસ્ત્રપ્રહાર કર્યા વિના શહીદ કરવાનો કારસો ઘડાયો. ચાલાકીપૂર્વક ક્ષત્રિયત્વ ખલાસ કીધું. વહીવટી અધિકારીઓને બઢતી આપીને ખુશ રાખ્યા જેથી તેમની પાસેથી ઈચ્છિત ગેરકાનૂની કામ પણ લઈ શકાય. શાસકો પાસેથી કટકી- પ્રસાદ મળતી હોય અને પ્રજાને લૂંટવાની તરકીબ મળતી હોય તો વહીવટીતંત્ર કોઈ દિવસ શાસકો સામે માથું ઉંચકવાની હિંમત ના કરે! બલિ રાજા યાવત્ચન્દ્ર દિવાકરૌ સત્તા સંભાળે એવા આશીર્વાદ એને મળતા જ રહે. બલિ ખરેખર મુત્સદ્દી રાજકારણી હતો. ઉપરથી ભલો, પરોપકારી અને ધાર્મિક રહીને એણે સમાજજીવનના મજબૂત પાયા જ તોડી નાખ્યા. આટલો ક્રૂર તો હિરણ્યકશિપુ પણ નહોતો! એ તો જે કરતો તે ખુલ્લંખુલ્લા કરતો. તે દંભી તો નહોતો જ. બલિની ચાલાકી સામે કેટલાક અધિકારીઓએ માથું ઊંચક્યું તો એમને ‘રાજસત્તાનો લોભ છે‘ એવો આરોપ એમના માથે મૂકીને બદનામ કરવામાં આવ્યા.

બલિના સમયમાં એક આદર્શવાદી અને સાત્વિક પ્રકૃત્તિની સ્ત્રી હતી. તેનું નામ અદિતિ. અદિતિએ ભગવાન પાસે એવો પુત્ર માંગ્યો કે જે વૈદિક સંસ્કૃતિ મુજબ જીવન જીવે અને મરવા પડેલી વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરે. ભગવાન પોતે એમને ત્યાં પુત્ર થઈને જન્મ્યા, તેમનું નામ વામન. વામન બચપણથી જ કલ્પક બુદ્ધિના હતા. તેમણે શાંતપણે લોકો વચ્ચે જઈને લોકોને જગાડવાનું કામ કીધું. બાળવયમાં બાળકોને સાથે લઈને જંગલોમાં, કે નદી કિનારે લઈ જઈને રમતો રમાડતો, તેનામાં વીરતા જગાડતો, જીવનલક્ષી શિક્ષણ આપી તેમને સાચા અર્થમાં સંસ્કારી નાગરિક બનાવતો. દેશાભિમાન જગાડતો, સંસ્કૃતિપ્રેમ જગાડતો અને એ રીતે જાગૃત સમાજ ઊભો કરતો ગયો. બલિના ગુરુ શુક્રાચાર્યે બલિને ચેતવ્યો કે આ છોકરો સાધારણ નથી. એ તારા વિનાશનું કારણ બનશે. પણ બલિ એની ચતુરાઈ પર મુસ્તાક રહ્યો.

અને જેને વામન ધારેલો એ બટુક દિવસે દિવસે વિરાટ બનતો ગયો. જનસમાજમાં એની લોકપ્રિયતા વધતી ગઈ. લોકો ‘વામન! વામન!..‘ ના નારા લગાવવા લાગ્યા. બલિની ચતુરાઈ લોકો સમજી ગયા અને બલિમુક્ત સમાજનિર્માણ માટે સંકલ્પબદ્ધ થતા ગયા. એક દિવસ બલિરાજા યજ્ઞ કરતા હતા અને વામન તેમની સમક્ષ જઈને ઊભા રહ્યા. બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલામાં જે માંગી લીધું તે સાંભળીને બલિના પગ તળેથી ધરતી ખસી ગઈ! હકીકતમાં વામને જ એ ધરતી ખેંચી લીધી હતી. બલિનું પતન થયું અને એ નજરકેદ થયો.

કમનસીબે, સમાજમાં આવા દંભીઓ પાકતા જ રહે છે જેઓ સમાજના બેલી હોવાનો દાવો કરતા જાય અને સમાજને નિર્માલ્ય બનાવતા જાય. તેમની સામે સદા જાગૃત રહેવાનો બોધ આપવા માટે બલિને ચિરંજીવી માનવામાં આવ્યો હશે એમ સમજાય છે.

પ્ર. મિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s