કૃષ્ણદાસ જી. ગુજરાતીનું સ્મૃતિ ચિત્ર

કે. જી. ગુજરાતીનું સ્મૃતિચિત્ર

જન્મ-15/04/1939; મૃત્યુ 01/11/2022

‘૭૨ ની સાલમાં સુરતની મેઈન ઓફિસમાં આવ્યો ત્યારે મને પહેલ વહેલો HSS એટલે કે ‘હોમ સેવિંગ્સ સેઈફ ડીપોઝીટ‘ ડીપાર્ટમેન્ટમાં બેસાડવામાં આવ્યો. અન્ય લેજર્સ ઉપરાંત નવા ખાતા ખોલવાનું એ કાઉન્ટર હતું. એ જગ્યા પર અમદાવાદનો રમણલાલ એ. પ્રજાપતિ બેસતો હતો. એને ત્યાંથી ઉઠાડીને ક્લિયરિંગમાં લઈ જવાનો હતો. પણ ઉઠતાં પહેલાં એણે મને તાલીમ આપવાની હતી. ડાબી બાજુ હૂંડીનું IBC ડિપાર્ટમેન્ટ હતું. જમણી બાજુના કાઉન્ટર પર ગુજરાતી બેસતા હતા. બે ખુરશીની વચમાં સ્ટૂલ અને સ્ટૂલ પર તે વખતના ભારેખમ લેજર્સ મૂકવામાં આવતા. એની બાજુમાં શાંતિલાલ માસ્ટર અને તેની બાજુમાં પ્રવીણસિંહ પરમાર કામ કરતો હતો. એની પાસે સ્ટાફ લેજર ઉપરાંત રિકરિંગના લેજર અને કેશ સ્ક્રોલ રજિસ્ટર રહેતું.

રમણ પ્રજાપતિ મને ટ્રેનિંગ આપે તે ગુજરાતી છાનામાના જોયા કરે, પણ કંઈ બોલે નહીં. તેઓ ઓછાબોલા હતા. પ્રવીણસિંહ વાંકડિયા વાળવાળો સોહામણો અને બોલકણો છોકરો હતો. તે અવાર નવાર મારી સામું જોયા કરે અને એના હોઠ બોલું બોલું થાય, પણ બોલે નહીં, બોલવાનો મોકો શોધતો રહે. પ્રજાપતિ આઘોપાછો થાય ત્યારે મારી પાસે આવીને મને કહે કે ‘બહુ ટેન્શન રાખવાનું નહીં, કંઈ પણ મુંઝવણ થાય તો મને પૂછી લેવાનું!‘ પરમાર ખૂબ ઉત્સાહી, મળતાવડો તથા કો-ઓપોરેટિવ જણાયો. અમે બંને એ જ બેચના હતા, પણ મારા કરતા એ દસ મહીના વહેલો રિક્રુટ થયો હતો. અમે સમોવડિયા ગણાઈએ. ગુજરાતી બોલે ઓછું, પણ અમને ઓબ્ઝર્વ કર્યા કરે. તેઓ સિનિયર હતા. તેમની નોકરીના દસ વરસ થયા હતા. સ્વાભાવિક રીતે તેઓ અમારા મુરબ્બી હતા. પહેલાં, તેઓ ગોડાઉન કિપર તરીકે કામ કરી ચૂક્યા હતા. મારો સ્વભાવ સંકોચશીલ, હું ગામડિયો હોવાથી મારામાં લઘુતાગ્રંથિ પણ ખરી અને મારી પડોસમાં ગુજરાતી સાહેબ પણ પાછા ઓછાબોલા એટલે અમારા બે વચ્ચેનો સંવાદ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. કારણ વગર કોઈની બાબતમાં માથું મારવાની ગુજરાતીને આદત જ નહોતી. કોઈ પૂછે તો પણ ખપ પૂરતું જ બોલે. બહુ વિચાર કરીને બોલે. અમારી વચ્ચે જનરેશન ગેપ હતો એમ લાગ્યું અને એટલે જ એમને વડીલ સમજીને અમે પણ અમુક અંતર રાખીને એમની જોડે વાત કરતા. તેઓ ઠરેલ વ્યક્તિ હતા જ્યારે અમે ઉછાંછળા છોકરાં! આટલી આમન્યા તો અમારે રાખવી જ પડે!

શરૂઆતમાં હું નવસારીથી અપડાઉન કરતો હતો પણ પછી રૂસ્તમપુરાના દેહલા મહોલ્લામાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું ચાલુ કર્યું. એક દિવસ સમય જોઈને ગુજરાતીએ મને પૂછ્યું, ‘મિસ્ટર મિસ્ત્રી, તમે જમવાનું શું કર્યું છે?‘  મેં કહ્યું કે હોટેલની કૂપન લીધી છે. સવારે નજીકમાં જ લાલગેટ પાસે આવેલી ‘સોના રેસ્ટોરન્ટ‘ માં જમીને બેંક પર આવું છું. સાંજે સિનેમા રોડ પર આવેલી ‘બ્રીજભુવન હોટેલ‘ માં જમીને પછી રૂસ્તમપુરા જાઉં છું.‘ એમણે પૂછ્યું, ‘કેટલો ખર્ચો આવે?‘ મેં કૂપનનો ચાર્જ જણાવ્યો. એમણે કહ્યું કે ‘મોંઘું પડે. તમને બહારનું ખાવાનું અનુકૂળ આવે ખરું?‘ પછી એમણે મને જણાવ્યું કે ‘મારો મિત્ર નટવરલાલ શિક્ષક છે અને જે અવારનવાર મને મળવા અહીં આવે પણ છે તે, અમારા એક બેનને ત્યાં સવાર સાંજ જમે છે. બેનનું ઘર ગોપીપુરા હનુમાન ચાર રસ્તા આગળ જ છે. તમને જો રસ હોય તો હું એમને વાત કરું. તમારો સમય બચશે, ખર્ચમાં પણ ફરક પડશે અને હેલ્થ પણ જળવાશે. અનુકૂળ આવે તો ચાલુ રાખજો, ન અનુકૂળ આવે તો છૂટ્ટા. બ્રાહ્મણ પરિવાર છે.‘ થોડો સમય ચાલુ રાખ્યા પછી મેં ત્યાં જવાનું બંધ કરી દીધું. એ બહેન ગુજરાતીને ધરમનો ભાઈ માનતા અને બહુ માન રાખતાં. પણ ગુજરાતીનું બીજું એક નામ ‘ચંદુભાઈ‘ છે એમ મને ત્યાંથી જાણવા મળ્યું.  ‘ચંદુભાઈ‘ નામ બહુ ઓછા લોકોને ખબર હશે.

મુરબ્બી હોવા છતાં તેઓ ‘તમે‘ કહીને જ વાત કરતા. પીળા કલરનું ઝીણી ચેક્સવાળું શર્ટ પહેરતા અને કાયમ શર્ટ ઈન કરતા. દરેક બાબતમાં એમની ઝીણી ઝીણી ગણતરી રહેતી. કોઈની જોડે વાત કરતી વખતે ‘મિ. દલાલ, મિ. પરમાર, મિ. દેસાઈ કે મિ. મિસ્ત્રી‘ એમ સંબોધન કરતી વખતે ‘મિસ્ટર‘ શબ્દ સહજ રીતે બોલતા. અજાણ્યા કસ્ટમર જોડે વાત કરતી વખતે પણ ‘મિસ્ટર, તમે સહી ખોટી જગ્યાએ કરી છે, અહીં ચોકડી મારી છે ત્યાં સહી કરી આપો.‘ એમ સરનેઈમ ખબર ન હોય તો ખાલી ‘મિસ્ટર‘ બોલતા.

વાઉચર ત્રણ જાતના આવે; કેસ, ક્લિયરિંગ અને ટ્રાન્સફર. એકવાર મેં એમના લેજરમાં કરેલું પોસ્ટિંગ જોયું તો BY CLG ને બદલે BY CHQ ON L. B. લખેલું જોયું. મને નવું લાગ્યું એટલે જિજ્ઞાસાવશ પૂછ્યું. એમણે સમજાવ્યું કે ખાતામાં ભરેલા ચેક બે જાતના હોય. લોકલ બેંકના ચેક હોય તે લોકલ ક્લિયરિંગમાં જાય અને બહારગામના હોય તે OBC માં જાય. તેમાં પાછા આપણી બેંકના હોય તેમ બીજી બેંકના પણ હોય! તેના પર બેંકનું કમીશન અને પોસ્ટજીસ લાગે. મારે માટે આ બધું, તે વખતે નવું હતું. મેં પણ એમનું જોઈને બાય ચેક ઓન એલ.બી. લખવાનું ચાલુ કર્યું. કાળી ટોપી અને ધોતિયું-કોટ પહેરીને આવતા શાંતિલાલ માસ્ટર તો ‘બાય ચેક‘ જ લખતા. તેઓ પણ અમારી જોડે સેવિંગ્સમાં જ હતા.

ગુજરાતી સરનેઈમ પરથી મેં એકવાર વાત કાઢી કે આખા ગુજરાતમાં તમે એકલા જ ગુજરાતી થોડા છો? તમે ગુજરાતી છો તો અમે થોડા જ નોન- ગુજરાતી છીએ! એમનાથી હસી પડાયું. એમણે સ્પષ્ટતા કરી કે હું કર્ણાટકી છું. મને એ ન સમજાયું કે નોન ગુજરાતી પીપલ ગુજરાતી કેવી રીતે કહેવાય! તેઓ વૈષ્ણવ હતા. કે. જી ગુજરાતી એટલે કે કૃષ્ણદાસ ગોવિંદજી ગુજરાતી. એમણે પોતાના વ્યક્તિત્વને અમુક નિયમોમાં બાંધી દીધું હોય એમ જણાતું. તેઓ બીજા જેટલા મુક્ત અને સ્વતંત્ર નહોતા. બીજાંને જે ચાલે તે એમને ન ચાલે. એમની ચોઈસ અન્યો કરતા અલગ હોય. જીવન જીવવાની એમની શૈલી જ બીજાથી જુદી હતી. એમની એ પરંપરા હશે, સંસ્કારો હશે, સંજોગો હશે; કારણો જે હોય તે પણ ઘણી બાબતોમાં તેઓ બીજાથી જુદા પડતા હતા એ હકીકત છે.

માણસના સ્વભાવ અને વર્તણૂંક બાબતે અનેક પરિબળો જવાબદાર હોય છે. પરિવારની જીવનશૈલી, શિક્ષણ, સંસ્કાર, જવાબદારીઓ, અને સારા માઠા અનુભવોને આધારે વ્યક્તિત્વ ઘડાતું હોય છે.  કરણાટકના બીજાપુર જિલ્લાનું બગલકોટ ગામ એ ગુજરાતી પરિવારનું વતન નું ગામ છે. હવે તો બગલકોટ એક અલગ જિલ્લો બની ગયો છે. વર્ષો પહેલાં એમના ઐક મોટાભાઈ સૂરત આવયા હતા. તેઓ P & T માં સરકારી નોકરી કરતા હતા. ટેલિફોન ખાતામાં તેમનું સારું એવું માન પણ હતું. તેઓ ચંદુભાઈને ગામથી અહીં સૂરત ખેંચી લાવ્યા. મેનેજર પારેખ સાહેબને વાત કરીને નોકરીએ લગાડ્યા. ત્યારબાદ ચંદુભાઈએ નાનાભાઈને બોલાવી લીધો અને તેને કેનેરા બેંકમાં નોકરી મળી. કૌટુંબિક જવાબદારી વધારે હતી. ઐક બહેનઅને તેના ત્રણ છોકરાંને મોટાં કરવાની જવાબદારી પણ ચંદુભાઈએ સ્વીકારી હતી, તેથી તેમને ગામ નિયમિત પૈસા મોકલવા પડતા. આ બધાંને કારણે પૈસાની ખેંચ ભોગવવી પડતી. સાયકલ અને પંખો ખરીદવા માટે પણ તેમણે બેંકની લોન લેવી પડે એવી હાલત કંઈ કોઈને જણાવવાની  ન હોય. કોઈને એમ થાય કે બેંકની નોકરીવાળાને તો જલસા જ હોય, પણ એ વાત બધા માટે સાચી નથી. એક સમયે એમ કહેવાતું કે બેંકવાળા માટે ‘‘ઓટી (ઓવરટાઈમ) ઈઝ રોટી એન્ડ સેલરી ઈઝ સેવિંગ!‘‘ પણ એ ભ્રમણા હતી. જેમને માથે જવાબદારીઓનો ડુંગર હોય અને બધાંને થાળે પાડવાના હોય તેમણે કરકસર વચ્ચે જીવવું પડતું હોય છે.

એમણે કાજીના મેદાન વિસ્તારમાં મકાન બનાવ્યું હતું. રિસેસમાં ઘરે જતા અથવા ભાગળ સુધી ચાલતા આંટો મારી આવતા. ચાલવું એ એમની હોબી હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી દાંડી સત્યાગ્રહની સુવર્ણજયંતી વખતે સાબરમતીથી દાંડીની પદયાત્રા કોંગ્રેસ પક્ષે યોજી હતી. તેમાં ગુજરાતીએ પણ ભાગ લીધો હતો. અખબારોમાં પદયાત્રીઓનો ફોટો છપાયો હતો તેમાં ગુજરાતી પણ હતા.

કરંટ ખાતામાં કામ કરતા હતા ત્યારે એમણે સાઈકલ ખરીદવા માટે વ્યાજ ફ્રી લોન માટે અરજી કરી હતી. કરંટના ઓફિસર ભગવાનદાસ કાકાએ કૉમેન્ટ પણ કરી કે ‘વ્યાજ મુક્ત લોનની ફેસિલીટી અવેઈલ કરવી હોય તો સાયકલ જ શા માટે, સ્કૂટર જ ખરીદવું જોઈએ‘. ગુજરાતીએ કહેલું કે ‘બીજા માટે તે જરૂરી હશે, મારે માટે જરૂરી નથી.‘ એમના આર્થિક સામાજિક સંજોગો પ્રમાણે એમણે જે નિર્ણય લીધો હોય તેમાં તેઓ અડગ હતા. વાત સાચી હતી. એક મહીનાનો પગાર એડવાન્સ લઈને પણ સાઈકલ લઈ શકાય. પણ બીજે મહીને તો કપાઈ જાય! ફેસ્ટિવલ એડવાન્સ લઈને ખરીદી કરે તો આઠ મહીનામાં રિકવર થઈ જાય પણ ઈન્ટરેસ્ટ ફ્રી સ્કિમનો લાભ લીધો હોય તો છત્રીસ મહીનામાં ચૂકવવાની રહે. તેથી પગારમાંથી એટલી ઓછી કપાત થાય અને બાકીની રકમ ઘર ચલાવવામાં વાપરી શકાય. સ્કૂટર લે તો હપ્તો તો મોટો આવે જ, તે સાથે લાઈસન્સ, વીમો, પેટ્રોલનો ખર્ચ પણ ઉમેરાય જેથી આર્થિક માર પડે. એ એમને માટે બીનજરૂરી લાગવાથી એમણે હરક્યુલસ સાઈકલ લીધેલી. તેઓ બહુ જ કરકસરથી જીવતા હતા. બોલવામાં પણ કરકસર અને પૈસા ખરચવામાં પણ કરકસર. પારકી પંચાતમાં એમને કોઈ દિલચસ્પી નહોતી. બીનજરૂરી પંચાત કરનારા એમની દૃષ્ટિએ નાદાન હતા. વિવાદથી તેઓ દૂર જ રહેતા હતા છતાં અમુક બાબતોમાં તેમનો સ્પષ્ટ અને જુદો મત પડતો હોવાથી તે મુદ્દા પૂરતો વિવાદ જરૂર રહેતો. પોતાની માન્યતા અને નિર્ણયમાં મક્કમ રહેવાને કારણે સંબંધિત વ્યક્તિને ગુજરાતી જિદ્દી પણ લાગ્યા હોય તો નવાઈ પામવા જેવું નથી. પણ જુદો મત ધરાવવાને કારણે તેઓ કોઈનું અહિત વિચારતા નહોતા. એમને ક્યારેય કોઈની સાથે ઊંચા સાદે વાત કરતા જોયા નથી. પોતાનો મત સ્પષ્ટ રીતે જણાવી દીધો કે વાત ત્યાં જ પૂરી.

બોતેર-તોતેરની સાલમાં ‘ખેરાલુવાળા બાપુ‘ ના મંતરેલા પાણીનો બહુ પ્રચાર ચાલતો હતો. આપણા ઘરથી લઈ ગયેલા પાણીમાં બાપુ તરીકે પ્રખ્યાત એક મુસ્લીમ યુવાન ફૂંક મારી આપે, તે પાણી દવાની જેમ રોજ રોજ પીવાથી ગમે તેટલો અસાધ્ય રોગ પણ સાજો થઈ જતો હોવાનો પ્રચાર થતો હતો. ડૂબતો માણસ તરણું ઝાલે તેમ શ્રદ્ધાળુ લોકોની ભીડ જામતી. એ જ અરસામાં મારી માને કેન્સરનું નિદાન થયું હતું અને તે છેલ્લા સ્ટેજમાં હતું. પથારીવશ માની ખબર લેવા જે કોઈ આવે તે સલાહ આપતા કે એકવાર ખેરાલુ જઈને પાણી મંતરાવી લાવવા જેવું ખરું. જોગાનુજોગ ભરૂચમાં એક જાહેર મેદાનમાં બાપુ પધારવાના હતા. ગુજરાતી પણ ત્યાં જવા તૈયાર થયા એટલે મને આશ્ચર્ય થયેલું. સ્વજનોના કલ્યાણ માટે લોકનિંદાની પરવા કર્યા વિના નિર્દોષ લાગતા ઉપચાર કરવામાં કંઈ ખોટું નથી. એમનો દીકરો ત્યારે નાનો હતો અને બાળલકવાની અસર હેઠળ હતો. તે માટે તેઓ ભરૂચ જવા તૈયાર થયા. મેં પણ મારી મા માટે મંતરેલુ પાણી લઈ આવવા મન મનાવ્યું.

કાજીના મેદાનમાં એમણે ઘર તો બનાવેલું, પણ ત્યાં મુસ્લીમ વસ્તી હતી અને ત્યાંના અસામાજિક તત્વોએ ઐમને ઘણા હેરાન કર્યા હતા. કંટાળીને એ ઘર તેમણે વેચી દેવું પડેલું. ત્યારબાદ નદી પાર ‘દીપદર્શન‘ સોસાયટીમાં તેમણે મકાન બનાવ્યું.  તેઓ કેટલા ભાઈઓ હતા તેની પૂરી માહિતી તો નથી પણ એમનો નાનો ભાઈ કેનેરા બેંકમાં નોકરીએ લાગ્યો હતો. મોટાભાઈ રામદાસ ભાઈ તો અમારી સાથે અલથાણ ટેનામેન્ટમાં રહેતા હતા. તે સિવાય એમના એક ભાઈ કર્ણાટકમાં વકીલ હતા એવું મેં સાંભળેલું.

અમે અડાજણ, આનંદમહેલ રોડ પર રહેવા આવ્યા તે પછી નજીક આવ્યા. સવારે ચૌટાપુલ બેંક પર જતી વખતે અને સાંજે રિટર્ન થતી વખતે પણ એમની સોસાયટી પાસેથી જ પસાર થતો. વધુમાં લીલાબેન નામની એક મહારાષ્ટ્રિયન મહિલા અમારા બંનેના ઘરનું કામ કરવા આવતી હતી એટલે પણ અમારા સંબંધનો સેતુ બની રહ્યો. સૂરત છોડ્યા પછી વર્ષો બાદ, કોરોનાના કરફ્યુ વચ્ચે, મણકાના ઓપરેશન માટે અમારે નવસારીથી સૂરત આવવાનું થયું અને સૂરત જ રહેવું પડ્યું, ત્યારે એમના દીકરાને ફૉન કરીને વિનંતી કરી કે મારે ચંદુભાઈને મળવું છે. હું મોર્નિંગ વૉકમાં નીકળું છું. તું પપ્પાને ઓટલા પર આવવાનું કહેજે. જોખમ વચ્ચે, માસ્ક પહેરીને અમે સાત આઠ મિનિટ સાથે બેઠા અને એ અમારી આખરી મુલાકાત નીવડી. એમનો સદભાવ કદી ભૂલાય તેમ નથી. ભગવાન એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના.

કૃષ્ણદાસ ગોવિંદભાઈ ગુજરાતી  પત્ની- ગીતાબેન કૃષ્ણદાસ ભાઈ- બંસીભાઈ જી ગુજરાતી

પુત્ર- પ્રવીણ (અક્ષય),  પુત્રવધૂ- જ્યોતિ પુત્રી- દર્શના કાપડિયા   જમાઈ- ઉર્જિત કાપડિયા

પ્ર. મિ.

૪ નવે. ૨૦૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s