જોડણીદોષની વ્યથા કોને કહેવી?

આપણે ઉચ્ચારો સાંભળીને શીખીએ છીએ અને જોડણી જોઈને શીખીએ છીએ.

રોજ રોજ જે લખાણ નજરે પડતું હોય તેનાથી તે અક્ષરોના આકાર અને શબ્દોની જોડણી આપણા મગજમાં રેકોર્ડ થઈ જતી હોય છે. તેનાથી કંઈક જુદું કે વિપરીત જોવામાં આવે ત્યારે આપણે મુંઝાઈ જઈએ; આપણને શંકા પડે કે અત્યારે નજર સામે છે તે સાચું કે આજ સુધી જે જોતા આવેલાં છીએ તે સાચું. સામાન્ય જનતાને તો કોઈ ફરક પડતો નથી, તેમને તો લખનાર શું કહેવા માંગે છે તે મુદ્દો સમજાઈ જાય એટલે વાત પૂરી. સવાલ વિદ્યાર્થીઓને, શિક્ષકોને, સાહિત્યકારોને, પત્રકારોને અને પ્રૂફ-રીડરોને થતો હોય છે. યોગ્ય શબ્દ, યોગ્ય જોડણી, વિરામચિહ્નો વગેરેની જરૂર તેમને વધારે પડતી હોય છે.

સામાન્ય રીતે પાઠ્યપુસ્તકોમાં છપાયેલા શબ્દોની જોડણી પ્રમાણિત હોય છે. નવલકથા, વાર્તા, પ્રવાસવર્ણન કે ચિંતનાત્મક લખાણોમાં સ્પષ્ટતા કરેલી હોય છે કે જોડણી સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે. નવજીવન પ્રકાશનના પુસ્તકો વાંચનારના મનમાં શબ્દોની જોડણી બરાબર અંકિત થઈ ગયેલી હોય છે. જે સામગ્રી ઉતાવળે પ્રકાશિત થાય છે તેમાં પ્રૂફરીડિંગ થતું હશે ખરું, પણ તેમાં કેટલાક દોષો રહી જવાની સંભાવના રહેલી છે તેથી વર્તમાનપત્રોમાં છપાયેલા શબ્દોની જોડણીને પ્રમાણભૂત માનવામાં જોખમ રહેલું છે. પહેલાં, ‘ગુજરાતમિત્ર‘, ‘સમકાલીન‘ જેવાં અખબારોમાં જોડણીની શુદ્ધતા જળવાતી હતી. હાલમાં જોડણીની એટલી ચોકસાઈ કોઈ રાખતું હોય એમ જણાતું નથી. આપણે લખેલા શબ્દોની જોડણી સાચી છે કે ખોટી તે ચકાસવા માટે આપણી પાસે એકમાત્ર આધાર છે માન્ય જોડણી કોશ. પ્રૂફરીડરોએ જોડણીકોશને અનુસરવાનું હોય છે. માત્ર અનુમાનને આધારે કોઈ લખાણને પ્રમાણિત કરી શકાય નહીં.

કવિમિત્રોના લખાણમાં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે, એમણે લઘુ- ગુરુની મર્યાદા સ્વીકારીને કાવ્યરચના કરવી પડતી હોય છે. અનુસ્વાર, હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ નો ખ્યાલ રાખીને જ તેમણે શબ્દો પ્રયોજ્યા હોય છે. અન્ય લેખક મિત્રોને શબ્દોની સાચી જોડણી ખબર હોવા છતાં એમની ભૂલ રહી જવાની શક્યતા એટલા માટે હોય છે કે વિચારોના તેજ પ્રવાહોને શબ્દોમાં ઉતારતી વખતે જોડણી સુધારવાનો તેમની પાસે સમય નથી રહેતો. એ બધું સુધારવા જાય તો પેલો પ્રવાહ અટકી પડે, તે જરાય પોસાય નહીં; જોડણી તો પછીયે સુધારી શકાય. વળી, એ કામ માટે તો પ્રૂફ રીડર પણ મળી શકે.

હમણાં, મારી એક પોસ્ટમાં મેં ‘દ, ઘ, અને ધ‘ વિશે લખ્યું હતું. ‘ધ્ધ‘ અને ‘દ્ધ‘ માં થતા ગોટાળા પર પ્રકાશ પાડ્યો હતો. ચર્ચામાં ભાગ લેતાં એક મિત્રે શંકા કરી કે ‘મુદ્રિત શબ્દોની જોડણી મુજબ હાથે કાગળ પર લખી ન શકાય. શુદ્ધ જોડણીના આગ્રહી એવા ગાંધીજીએ પણ શુદ્ધ, બુદ્ધ, શ્રાદ્ધ લખવાને બદલે શુધ્ધ, બુધ્ધ, શ્રાધ્ધ એમ જ લખ્યું હોવાની ધારણા છે.‘

મિત્રે દાવો કર્યો કે ‘‘અમે જાણીતા દૈનિકોમાં પ્રૂફ રીડિંગ કર્યું છે, ઘણાં પત્રકારોના લખાણનું પ્રૂફરીડિંગ કર્યું છે, સ્વયં અમે પણ લેખક અને પત્રકાર તરીકે ઘણા લેખો, વાર્તાઓ- નવલકથા લખી છે પરંતુ તમે જે રીતે ‘દ્ધ‘ હાથે લખવાના આગ્રહી છો એવાં ‘દ્ધ‘ લખનારના સંપર્કમાં આવ્યા નથી. અમે આજે પણ પ્રબુધ્ધ કે અનિરુધ્ધ જ લખી શકીએ છીએ. પેઈન્ટર પણ ‘શુધ્ધ ઘી મળશે‘ માં ‘ધ્ધ‘ જ લખતાં હોવાનાં પૂંઠા પરના બોર્ડ જોયાં છે…‘‘

ચોંકાવનારું સત્ય રજૂ કરવા બદલ એ મિત્રનો હાર્દિક આભાર માનવો જ રહ્યો. છાપામાં કેવી રીતનું પ્રૂફરિડિંગ થઈ રહ્યું છે તેનો ચિતાર આપવા એમણે સ્વાનુભવ રજૂ કરવાની હિંમત દાખવી, એમની નિખાલસતાને બીરદાવવી જ જોઈએ. છાપાંઓમાં ‘નિષ્ણાંત‘ અને ‘આંતકવાદ‘ જેવા શબ્દો કેમ છપાય છે તેના મૂળ અહીયાં પડેલાં છે! જોડણીકોશનો ઉપયોગ કર્યા વિના જ લખાણ એપ્રુવ કરે એવા સંનિષ્ઠ પ્રૂફરીડરો આપણી શિક્ષણ વ્યવસ્થાએ તૈયાર કર્યા છે!

સાચી જોડણી લખવી બહુ અઘરી છે. શુદ્ધતાનો આગ્રહ રાખનાર વ્યક્તિની જોડણી હંમેશાં સાચી જ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહી. શંકાના સમાધાન માટે એણે પણ જોડણીકોશનો આધાર લેવો પડે છે. ઘણા મહાનુભાવો લખતી વખતે જોડણીકોશ હાથવગો રાખતા હોય છે. રાખવો જ જોઈએ. તેમ છતાં ક્યાંક તો ક્ષતિ રહી જવાની શક્યતા રહે જ છે. પ્રૂફ રીડિંગ એ બહુ કડાકૂટવાળો વ્યવસાય છે. ગમે તેટલી કાળજી રાખીને પ્રૂફ તપાસ્યાં હોય તોયે તેમાં કોઈ ને કોઈ કચાસ તો રહી જ જાય છે. જેટલીવાર તપાસો તેટલીવાર કંઈ નહીં ને કંઈ ક્ષતિ રહી ગયેલી માલુમ પડે. બીજા કોઈ ભૂલ કરે તે તો સમજ્યા, પણ જેમને જોડણીની ભૂલ સુધારવાનું કામ સોંપાયું હોય તેઓ પણ જોડણીકોશ જોવાની તસ્દી લીધા વિના ‘હાંક, સુલેમાન ગાલ્લી!‘ કોઈ જોવાનું નથી- એવો અભિગમ અપનાવે ત્યારે એ વ્યથા કોને કહેવી?

પ્રૂફરીડરની અણઆવડત, એની બેદરકારી, એણે ઉતારેલી વેઠ ગુજરાતી ભાષાને ખૂબ મોંઘી પડે છે. વાચકો સામાન્ય રીતે એણે પ્રમાણિત કરેલી જોડણીને અનુસરતા હોય છે. તેથી પ્રૂફ રીડરની ભૂલ વિસ્તરતી જ રહે છે અને એ પાપ માટે તેઓ જ વધારે જવાબદાર છે. મહેનતાણું ઓછું પડતું હોય તો માંગી લેવું જોઈએ અથવા કામ છોડી દેવું જોઈએ, પણ વેઠ તો ન જ ઉતારવી જોઈએ. એવી વેઠનું ગૌરવ લેનાર સુજ્ઞ લોકોમાં હાંસીને પાત્ર બને છે.

આપણે પેઈન્ટરોની જોડણીને અનુસરી શકીએ નહીં. તેઓ બિચારા ઓછું ભણેલા છે. તેમને જેવાં વાક્યો લખી આપ્યાં હોય તે મુજબ તેઓ બોર્ડ ચીતરે છે. એમાં દોષ રહી જતો હોય તો તેને માટે તેઓ જવાબદાર નથી. તેમનો એવો દાવો પણ નથી હોતો કારણ કે તેઓ સમજે છે કે એ તેમનો વિષય જ નથી. જેમનો એ વિષય છે તેમને કોઈ ચિંતા ન હોય તો એ શું કામ માથાકૂટમાં ઊતરે? આપણને આપણા કામ સાથે નિસબત હોવી જોઈએ.

આશા રાખું છું કે પ્રૂફરીડર ભાઈઓ જોડણીકોશનો ઉપયોગ કરતા થાય! એ ખરીદવાની શક્તિ ન હોય તો પ્રકાશક પાસે માંગણી કરે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે. ચલતી કા નામ ગાડી – સૂત્ર ભૂલી જવા જેવું છે. એ સૂત્ર મુજબ ચાલવાથી જ તો આજની દુ:ખદ પરિસ્થિતિ સર્જાઈ છે.

અસ્તુ.

પ્ર. મિ

8Suresh Desai, Ramesh Tanna and 6 others

2 Comments

Like

Comment

Share

Leave a comment