વનવગડાના ફૂલ

શ્રી દિનેશ પાંચાલ કે જેઓ બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ કર્મચારી અને ગુજરાતમિત્ર અખબારના કટારલેખક છે એમણે એમની સાહિત્યયાત્રા વિષે ખૂબ સારી લેખમાળા ઈન્ટરનેટ પરથી રજૂ કરી. શ્રી પાંચાલ ગુ.મિ. માં આવ્યા તે પહેલાં ગુજરાત સમાચારમાં ‘દર્પણ જૂઠ ના બોલે‘ કોલમ લખતા હતા. એકવાર તેમનો કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો. લેખમાં લખેલી વાતો રેશનલ હતી અને લેખક મારી જેમ જ બેંક કર્મચારી હતા અને સમવયસ્ક જણાયા; તે કારણસર કે પછી પાંચાલ અને મિસ્ત્રીની સામાજિક ધરી એક જ હતી તે કારણે, ગમે તે હોય હું એમનાથી આકર્ષાયો. તેઓ ગુ.મિ.માં રેગ્યુલર લખતા થયા એટલે એમને નિયમિત વાંચવાનું બન્યું. અમારી વચ્ચે લેખક વાચકનો બંધાયેલો સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. એમના ઘરે જવાનું પણ અને અન્યત્ર મળવાનું પણ થતું રહ્યું. સાહિત્યમાં એમનું પ્રદાન મોટું છે. રેડિયો નાટક, વાર્તાઓ અને નિબંધો એમ વિવિધ ક્ષેત્રોમાં કલમ અજમાવી ચૂક્યા છે અને એમના ઘણાં બધા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. મને પોતાને એમનું વાર્તાલેખક તરીકેનું રૂપ વધારે પસંદ રહેતું આવ્યું છે.

હમણાં જ એમની એક પોસ્ટમાં આપવીતી વર્ણવતાં એમણે લખ્યું કે તેઓ વાંસદા તાલુકાના વનપ્રદેશમાં આવેલા ભિનાર ગામમાં એક લુહારના ઘરે જન્મેલા. તે જમાનો અભાવ વચ્ચે જીવવાનો હતો. તેમાંયે જંગલ વિસ્તારનું નાનકડું, અંધારું ગામડું અને અકિંચન કુટુંબ. શ્રમ કરીને પેટિયું પુરવાનું. સામાન્ય સગવડનાં યે ફાંફા પડતા હોય ત્યાં ભણતર પાછળનો ખર્ચ શ્રમજીવી લોકોને તો પોષાય જ નહિ. છોકરો ભણે તેના કરતા જલદી કામધંધો કરતો થઈ જાય તો ઘર ચલાવવામાં બાપાને મદદરૂપ થાય. છોકરી પરણવા લાયક થાય તેની ચિંતા સતાવે, પણ છોકરો મોટો થતો જાય તેમ હાથલાકડી કરતો થાય એ સ્થિતિ વડીલોના મનમાં આશા જગાડે. ભણતર કંઈ તે વખતે મોઘું તો નહોતું જ; પ્રાથમિક શિક્ષણ સૌને માટે સાવ મફત હતું અને ગુણવત્તા સભર પણ હતું. ઘરનું કામ કરતાં કરતાં કે મજૂરીની આવક ઊભી કરીને પણ ભણી શકાતું. વિદ્યાર્થી એના મા બાપને ભારે તો નહોતો જ પડતો કારણ કે, એની ભણતરની જરૂરિયાત જેટલું તો એ વેકેશનમાં કમાઈ જ લેતો. અમે બધા એ જ પરિસ્થિતિમાં ભણ્યા છીએ. ગરીબાઈ અને અગવડ એ કંઈ નવાઈની વાત નહોતી. બધા જ સમદુ:ખિયા હતા.

સવાલ હાઈસ્કૂલમાં ભણવાનો હતો. યુનિફોર્મ સીવડાવવાનો ખર્ચ કરવો પડતો. ટર્મ ફી અને શિક્ષણ ફીના પૈસા ભરવા પડતા. એ રકમ માસિક પાંચ કે દસ રૂપિયા હતી, જે આજની સરખામણીએ ભલે સાવ નગણ્ય કહેવાય. પરન્તુ તે વખતે રિસેસમાં ચણા ખાવાના બે પૈસાયે નહોતા મળતા ત્યારે પાંચ રૂપિયા તો બહુ મોટી રકમ ગણાતી. જે કુટુંબો આર્થિક રીતે પછાત હોય એટલે કે જેમની આવક વાર્ષિક નવસો- બારસોથી ઓછી હોય તેમને સરકાર તરફથી તે વખતે ફી માફી મળતી અને તે સહાયને આધારે અંગ્રેજી બે ચોપડી ભણવા માટે ભાગ્ય ખુલતું. અભ્યાસ સારો હોય તો એસ.એસ.સી પૂરું કરી શકાતું નહિતર તે જમાનામાં 60-70 ના દસકામાં નવો નવો હીરા ઉદ્યોગ ખીલવા લાગ્યો હતો તેમાં ઝંપલાવવાના અરમાન રહેતા. એ હીરાઘસુનું કામ શીખવા માટે પણ પાંચસો રૂપિયા ભરવાના હતા. છ મહિના પછી હીરા ઘસવાની મજુરીની આવક ચાલુ થઈ જતી. એ રકમ સારી એવી મોટી હતી. અમારા ઘણા સહાધ્યાયીઓ અને કેટલાક શિક્ષકો સુદ્ધાં ચાલુ નોકરી છોડીને હીરામાં બેસી જતા હતા. હીરામાં થતી કમાણી ઈર્ષ્યા જગાવે તેવી હતી. આ સંજોગોમાં વડીલો એસ.એસ.સી. સુધી આપણને ભણવા દે એ જ એમનો મોટો ઉપકાર અને એ જ આપણા માટેનો એમનો ત્યાગ! યુવાન એસ.એસ.સી થાય એ જ મોટી લાયકાત ગણાતી. પ્રથમ વર્ગ તો ભાગ્યે જ કોઈનો આવે, પણ જો આવે તો એને એટલી પ્રતિષ્ઠા મળે કે જાણે એ સ્કૂલમાં નહિ, પણ બોર્ડમાં પ્રથમ આવ્યો હોય! એવા વિદ્યાર્થીઓ ગામનું ગૌરવ ગણાતા.

આ સંજોગોમાં દિનેશભાઈ પાંચાલ ભણ્યા અને બેંકમાં નોકરી કરતા કરતા સાહિત્ય ખેડાણ કરતા રહ્યા અને એમની એકધારી નિષ્ઠાને કારણે સાહિત્યજગતમાં જે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા તે સાચેમાચ એક વિરલ સિદ્ધિ છે. મારી એક વોટ્સેપ પોસ્ટમાં એમની સાહિત્ય યાત્રાને મેં ‘તળેટીથી શિખર સુધીની નહિ, પણ ઊંડી ખીણથી ઊંચા શિખર સુધીની વિકાસયાત્રા‘ તરીકે મેં બીરદાવી છે. વનવગડામાં ઊગેલા ફૂલના સૌંદર્ય અને સુગંધ વિષે મોટેભાગે કોઈને માહિતી નથી હોતી અને તેથી તેની કદર પણ નથી થતી. ઊગે છે, ખીલે છે, કરમાય છે અને ખરી પડે છે; એની નોંધ કોણ લે ભલા? શા માટે લે?

ભિનારના વનવગડામાં ઊગેલા ફૂલો પૈકીનું એક ફૂલ જેમ શ્રી દિનેશભાઈ પાંચાલ છે તેમ મારી જાણમાં ભિનાર ગામના જ અન્ય બે ફૂલો પણ છે; જે કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર પ્રગતિ કરતા રહ્યા છે અને જીવનના ઊચ્ચ મુકામ સુધી તેઓ પહોંચી શક્યા છે, જેમના નામો પણ ક્યાંય સાંભળવા મળતા નથી. એ બે ફૂલો પૈકીનું એક ફૂલ તે એડવોકેટ રમણલાલ પી. પટેલ અને બીજું ફૂલ તે ભાગ્યેન્દ્રકુમાર પટેલ. બંને જણા શિડ્યુલ ટ્રાઈબ એટલે કે ઢોડિયા પટેલ જાતિમાં જન્મેલા. રમણભાઈ ૧૯૪૨માં, દિનેશભાઈ ૧૯૪૯ માં અને ભાગ્યેન્દ્રકુમાર ૧૯૬૭ માં જન્મેલા છે, આટલો તફાવત તેમની ઉંમરમાં છે. રમણભાઈ તે જમાનામાં ગ્રેજ્યુએટ થયા એટલું જ નહિ, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયા. એલ.એલ.એમ. પણ થયા એ બહુ મોટી સિદ્ધિ ગણાય. નવસારીની લૉ કોલેજના પ્રિન્સિપાલ પણ બન્યા. વનવગડાનું ફૂલ કાયદાનું ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજના સર્વોચ્ચ પદે બીરાજે સ્વયં એક બહુ મોટી સિદ્ધિ ગણાય. એટલું જ નહિ રમણભાઈએ એમના વિસ્તારમાં પોતાની સઘળી કમાણી ખર્ચીને એક વૃદ્ધાશ્રમ પણ ઊભો કર્યો. આ કંઈ જેવું તેવું પ્રદાન ન ગણાય. પછાત વિસ્તારની પછાત કોમમાં જન્મીને આવા વિરલ સામાજિક કામો કરનાર ખરેખર નમસ્કારને પાત્ર છે. એમણે ક્યારેય પોતાના નામની કે કામની ક્યારેય જાહેરાત કે આત્મપ્રશંસા નથી કરી. તેઓ ભલા અને તેમનું કામ ભલું.

ભાગ્યેન્દ્ર પટેલની તો વાર્તા જ કોઈ દંતકથા જેવી લાગે. એમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એ વીસ બાવીસની ઉંમરનો છોકરો હશે. તે સૂરતના અલથાણ ટેનામેન્ટ પાસે આવેલી ભારતીશ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. નારગોલની ચિત્રકળા વિદ્યાલયમાંથી આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફરની ડિગ્રી મેળવી હતી. લોકો એને ભગુ પેન્ટર તરીકે ઓળખતા. સૂરતમાં જાહેરાતોના હોર્ડિગ ચિતરવા એ પાલખ બાંધીને સખત મજુરી કરતો. સાહિત્યમાં શોખ હોવાથી વાંચતો અને લખતો. રેડિયો અને સંગીતમાં સારી એવી દિલચસ્પી. એક ચર્ચાપત્ર દ્વારા અમારો પત્રસંબંધ બંધાયેલો. પછી રૂબરૂ મળવાનું થયું. તે વખતે એ નજીકની એક હિંદી માધ્યમની હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયો હતો. સૂરતના એફ. એમ રેડિયો સ્ટેશન પર કામ કરવાની તીવ્ર ઈચ્છા હતી, પણ એની પસંદગી નહિ થયેલી. નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના રેડિયો સ્ટેશન પર જઈને સૌને આસિસ્ટ કરતો રહ્યો.

એકાએક એના ભાગ્યનો સિતારો ચમક્યો. દિલ્હીની નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી વિભાગમાં કામ કરવાની એને તક મળી. દિલ્હી ગયા પછી એ કામમાં એવો મંડી ગયો કે ઊંચું જોવાની ફૂરસદ ન મળી. એની ક્રિયેટિવીટીને જાણે પાંખો ફૂટી. ભારે સંઘર્ષ કરીને એણે એનું સ્થાન મજબૂત કર્યું. આ માણસમાં અપાર શક્તિ ભરેલી છે. સાહસિક છે, વિવેકી છે, આભને બાથ ભરવાનો આત્મવિશ્વાસ છે. સાંઈ બાબામાં આસ્થા ધરાવે છે. સંગીતની સૂઝ છે. વાર્તાકાર છે, ચિત્રકાર છે, ફોટોગ્રાફર છે, સંપાદક છે, રેડિયો પર સમાચાર વાચક છે. નાટ્ય અને ફિલ્મ નિર્માતા છે, દિગ્દર્શક છે, ગીતકાર અને ગાયક છે. સાહિત્યકારો સાથે સતત સંપર્કમાં રહે છે. પુસ્તકોનો પ્રચારક છે. એના અક્ષરો એટલે મોતીના દાણા! ચાલુ ટ્રેને એણે મને લખેલા પત્રોમાં ના એના અક્ષરો જોઈને મને મારા અક્ષરોની શરમ લાગે. સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં મશગુલ રહે છે. જે કોઈ કામ હાથમાં લે છે તે જીવ રેડીને કરે છે.

આટલા બધા પ્રવૃત્તિમય રહેવા છતાં ભાગ્યેન્દ્ર સંબંધોનો માણસ છે. એના સંબંધમાં હોય તેવી કોઈ વ્યક્તિને મદદરૂપ થવાની તક મળતાં જ તેના ટાઈટ શિડ્યુલમાંથી કોઈ પણ રીતે સમય કાઢીને તમામ મદદ સહજ ભાવે કરે છે. આ બહુ મોટી વાત છે.

એના માટે તો એક સ્વતંત્ર લેખમાળા કરવી પડે.

પ્ર. મિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s