હવે પ્રભુ, અવતાર નહીં લો તો સારું!

લોકપ્રિય ગાયક કલાકાર સ્વ. મુકેશજીના એક ગુજરાતી ભજનની પંક્તિ છે, ‘હવે ખરું અવતરવાનું ટાણું, હવે પ્રભુ, અવતાર લો તો પ્રભુ જાણું!‘ ભગવાનને અવતાર લેતાં પહેલાં સો નહીં, હજાર વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાયેલી છે. પ્રભુએ બનાવેલો વિશ્વબાગ માણસજાતે ઉજ્જડ કરી નાંખ્યો છે. તેની વેદના ભગવાન સમક્ષ વર્ણવવામાં આવી છે.

પણ ભગવાન અવતાર લે ખરો? ગીતામાં ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત..સંભવામિ યુગે યુગે‘ વચન આપ્યા પછી ભગવાન હજી સુધી આવ્યા હોય એમ લાગતું નથી. આજની પરિસ્થિતિ એવી છે કે ભગવાન અવતાર લેતા હોય તોપણ એમને ના કહેવાનું મન થાય તેમ છે. હવે તો અવતરવાનું માંડી જ વાળજો! ભગવાનને પણ વેચીને ચણા ખાઈ આવે તેટલી હદે માનવજાત સ્વાર્થી અને નિર્લજ્જ બની ચૂકી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કથાકાર સાધુઓ અને અન્ય સ્વામીજીઓ તરફથી સૃષ્ટિના આદિ દેવ બ્રહ્માજી, મહાદેવજી, અને વિષ્ણુના અવતારી પુરુષ શ્રી કૃષ્ણ ભગવાન વિશે બેહુદા વક્તવ્યો અપાયાના વિડીયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનું તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોય, તેઓ તેમના અનુયાયીઓ કે સત્સંગીઓના જીવનને અયોગ્ય રસ્તેથી વાળીને પરમાત્માના માર્ગે વાળી તેમનો ઉદ્ધાર કરતા હોય તેમ જ સમાજના અન્ય વર્ગોની પણ માનવતાના રાહે સેવા કરતા હોય તો તે પ્રવૃત્તિ ખરેખર જ પ્રશંસનીય, વંદનીય અને અભિનંદનીય છે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. પરંતુ, જ્યારે તેઓ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા પુરવાર કરવા માટે સત્સંગીઓના મનમાં બીજા ધર્મ- સંપ્રદાય અને તેના થઈ ગયેલા મહાપુરુષો વિશે હલકટાઈનો ભાવ પ્રગટ કરે, તેમનું અપમાન કરે, નીચા દેખાડે, પોતાના સંપ્રદાયના સ્થાપક મહાપુરુષના નોકર ચાકર કે શરણાગત ભક્ત તરીકે પ્રસ્થાપિત કરવાની ચાલબાજી કરે એ અત્યંત ઘૃણાસ્પદ અને નીંદનીય કૃત્ય છે. કોઈ ધર્મના પ્રવક્તા બીજાની નિંદા કરતા હોય, બીજાને હલકા પાડવાની કોશિશ કરતા હોય તો તેમના પંથના જે વડા ધર્મગુરુ હોય તેમણે તેનો કડક શબ્દોમાં જાહેર વિરોધ કરવો જોઈએ. તેમને સંપ્રદાયમાંથી પાણીચું આપવું જોઈએ અને સંપ્રદાયના જે કોઈ ગ્રંથોમાં એવું વિકૃત અને નીંદનીય લખાણ હોય તે ગ્રંથોને પાછા ખેંચી લેવા જોઈએ. જે ગ્રંથો ઉપલબ્ધ હોય તેને જાહેરમાં બાળી નાખી તેનો નાશ કરવો જોઈએ. જો એમ ન થતું હોય તો વડા ધર્મગુરુઓનો પણ આ સ્વામીજીઓને અંદરખાનેથી સંપૂર્ણ ટેકોજ  છે એવી શંકા અસ્થાને ન ગણાય. છૂપી રીતે તેઓ પણ સનાતન ધર્મના આદિ દેવોને નીચા દેખાડવાના મતના છે અને તેમની મૂક સંમતિ છે, એમ જ પુરવાર થાય.

આ બધી મોંકાણ થવાનું કારણ છે અવતારવાદ. જો સનાતન ધર્મે અવતારવાદ જ માન્ય ન કર્યો હોત તો આ બધા દેહધારી મહાપુરુષોના અનુયાયીઓએ બીજાને ઉતારી પાડવાના ઉધામા ન કર્યા હોત. આવી નિંદનીય ઘટનાઓ બને છે તેથી હિન્દુ ધર્મના અવતારવાદના સિદ્ધાંતની સમીક્ષા કરવી જરૂરી બને છે.

મારી પાસે બે પુસ્તકો છે તે પૈકી એક છે દંતાલીવાળા સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની પુસ્તિકા ‘શું ઈશ્વર અવતાર લે છે?‘ અને બીજું એક પુસ્તક છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનો પર આધારિત ‘દશાવતાર‘; જેમાં અવતારવાદ કોના માટે છે અને એની આવશ્યકતા શી,  તે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.

કીંમતી રત્ન કોઈ પાગલના હાથમાં જઈ પડે તો તેની શી દશા થાય, સુંદર પુષ્પોની માળા વાંદરાના ગળામાં પહેરાવીએ તો તેની કેવી હાલત થાય, તેની કલ્પના આપણે કરી શકીએ તેમ છીએ. વિશ્વના મહાન પુરુષો તેમના સમયમાં જે કોઈક મૂલ્યવાન સિદ્ધાંતો સમાજના કલ્યાણ માટે કહી ગયા તેનું કેવું અવમૂલ્યન અને અંધાનુકરણ થયું છે, તેનો નમૂનો અવતારવાદ પૂરો પાડે છે. અખો કહે છે તેમ “કહ્યું કાંઈ અને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું” એવો ઘાટ અવતારવાદના સિદ્ધાંતનો થયો છે.

ભારત ધર્મપ્રધાન દેશ પણ ગણાતો આવ્યો છે. આપણા ધાર્મિકો બુદ્ધિ કરતા ભાવનાને વધારે મહત્વ આપતા જણાયા છે. ધાર્મિક ગણાતા લોકોનું વાંચન બિલકુલ નથી અથવા બહુ જ ઓછું છે એમ કહી શકાય. તેમનું જે  વાંચન છે તે પણ તેમના સાંપ્રદાયિક ગ્રંથો પૂરતું જ સીમિત છે. તેમાં ‘હા જી, હા’ કરવા સિવાય  જિજ્ઞાસા ભરેલા પ્રશ્નો કે શંકા ઉઠાવીને તેનું બૌદ્ધિક સમાધાન કરી સ્વીકારવાનું વલણ બિલકુલ નથી. યત્ સાહેબ ઉક્તમ્ તત્  પ્રમાણમ્. કથાકાર કે સ્વામીજીએ જે કંઈ કહ્યું તે બધું પ્રમાણભૂત જ હોય, એમણે બધી વાતોનો વિચાર કરીને જ કહ્યું હોય, આપણે તો તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાનું જ હોય, આવું વલણ ભક્તગણમાં જોવા મળે છે અને તે ખતરનાક છે.

શિક્ષાપત્રી વાંચતા એમ સમજાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે. મહાપ્રભુ વલ્લભાચાર્યે વૈષ્ણવ ધર્મ પ્રચલિત કર્યો અને કાળાંતરે જેમની જનોઈ છૂટી ગઈ હતી તેવા તમામ લોકોને કંઠી પહેરાવી ભાગવત ધર્મ સમજાવ્યો અને તેનું પાલન કરવા આચારસંહિતા આપી. કોઈપણ મહાપુરુષ પોતાના સીમિત આયુષ્યકાળ દરમિયાન સમગ્ર સમાજ સુધી તો ન જ પહોંચી શકે. તે વખતના દેશ, કાળ અને મુસાફરીના ટાંચા સાધનોને લઈને એ કરવું શક્ય પણ ન ગણાય, તેમ છતાં સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી ભગવાનનો પ્રેમ અને ભક્તિ સમજાવવા તેમણે અથાક અને અવિરત પ્રયત્નો કર્યા. તેમના પછી થયેલા અન્ય મહાપુરુષોએ તેમનું અધૂરું કામ પૂરું કરવા સમાજના બાકી રહેલા સમુદાયો સુધી પહોંચીને આગળ ધપાવ્યું. આ રીતે જોતા સહજાનંદ સ્વામીએ મહાપ્રભુ વલ્લભાચાર્યના મિશનને જ આગળ ધપાવ્યું અને તેમના વૈષ્ણવ ધર્મનો વિસ્તાર કર્યો એમ કહી શકાય. તેઓ સૌ વંદનના જ અધિકારી હોય.

વેદો ‘ન ઇતિ, ન ઇતિ‘ કહે છે તેનો અર્થ શો થાય? ભગવાન અવતાર લે છે? ના ઇતિ. ભગવાન એટલે આ બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને એને સુશોભિત કરનાર અદૃશ્ય શક્તિ. એ અગોચર છે, અતીન્દ્રિય છે, એ નિર્ગુણ અને નિરાકાર છે. એને જન્મ નથી અને મૃત્યુ પણ નથી. એને કોઈ માતા નથી અને પિતા નથી. એ જ સર્વ પ્રાણીઓનો માતા અને પિતા છે. એ સર્વ શક્તિમાન છે. આ સૃષ્ટિમાં કંઈ પણ કરવા માટે એણે મનુષ્યદેહ લેવાની કોઈ જરૂર નથી. એ સર્વશક્તિમાન છે અને દેહ ધારણ કર્યા વગર પણ જે કરવું હોય તે કરી શકે છે. દુષ્ટોનો નાશ કરવો હોય કે સજ્જનોનું રક્ષણ કરવું હોય એ તમામ કામ કોઈ આકાર ધારણ કર્યા વગર પણ કરી શકે છે. નિરાકાર એવો ભગવાન શા માટે સાકાર બને? નિર્ગુણ શા માટે સગુણ બને? અસીમ શા માટે સીમિત બને?

અવતારવાદ એ પ્રયત્નશીલ સજ્જનોને માટે અપાતું એક આશ્વાસન છે, સુમધુર કલ્પના માત્ર છે. બ્રહ્મનું માનૂષીકરણ કરવાથી અને મનુષ્યનું બ્રહ્મીકરણ કરવાથી આ બધા ગોટાળા થાય છે. જેમણે જન્મ લીધો, માણસ તરીકે અકલ્પનીય પુરુષાર્થ કર્યો અને કલ્પનાતીત પરિણામો જગતને ભેટ ધર્યાં અને જેઓ મૃત્યુ પામ્યા તે સૌ મહામાનવો હતા. તેમને માટે ભગવાન કે પ્રગટ બ્રહ્મસ્વરૂપ કે અનંતકોટિ બ્રહ્માંડ નાયક જેવા વિશેષણો વપરાય તે એમના પ્રત્યેના ભાવ ભક્તિને કારણે વપરાતા વિશેષણો સિવાય બીજું કંઈ નથી. એમાં રહેલા ભાવનેપ્રણામ કરીને કહેવાનું કે તેઓ પૈકી કોઈ ભગવાન નથી. કોઈનો ભગવાન ઊંચો અને કોઈનો નીચો એવો વિચાર સુદ્ધાં બાલિશ છે. એમની મહત્તા વધારવા માટે રચેલી કથાઓ પણ કાલ્પનિક છે. હવે બે હાથ જોડીને, ભગવાનને કહેવાનું મન થાય છે કે કૃપા કરીને અવતરવાનો વિચાર પણ કરતા હોય તો માંડી જ વાળજો! લોકો નિરર્થક લડી મરશે.

પ્ર. મિ.

  

Leave a comment