સુકા જોશી કોણ?

સુકા કે સુખા?

સુ. કા. જોશી એ ઈનિશિયલ છે કે પછી એનું નામ જ સુખા છે?

કંઈ ખબર નથી.

85 ની સાલમાં હું સ્વાધ્યાયમાં જતો થયો. પછી મેં જોયું કે સુરતથી બહારના સ્વાધ્યાયી લોકોનુ જો સુરતમાં આગમન થયું હોય તો તેઓ સુરતના વનિતા વિશ્રામ કેન્દ્રમાં જરૂર આવે કારણ કે ત્યાં તે વખતે વિડિયો કેન્દ્ર ચાલુ થયું હતું. આ રીતે મહારાષ્ટ્રથી આવેલો એક છોકરો મારું ઘર પૂછતો મારે ત્યાં આવ્યો. એ જલગાંવથી આવ્યો હતો અને જલગાંવની કોલેજમાં ભણતો હતો. એણે જલગાંવની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે મને માહિતી આપવા માંડી, તેમાં સુકા જોશીનું નામ અવારનવાર બોલાતું સંભળાયું. ‘સુકા જોશી’ અથવા ‘જોશી સર’ નો નામોલ્લેખ વારંવાર થતો રહ્યો. ‘સુકા જોશી’ના વખાણ કરતાં એ જાણે થાકતો ન હતો. સુકા જોશીનું કુટુંબ તન, મન, ધનથી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હતું. સુકા જોષી વિદ્વાન, વિવેકી અને નિષ્ઠાવાન અધ્યાપક હતા. વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને આદરભર્યું સ્થાન ધરાવતા હતા એમ સમજાયું. તેઓ જલગાવમાં ડીબીટી કેન્દ્ર પણ ચલાવતા હતા. ડીબીટીમાં ગ્રેજ્યુએટો અને કોલેજીયનો આવતા હોય. ડીબીટી એટલે ડિવાઇન બ્રેઇન ટ્રસ્ટ. આવા કેન્દ્રમાં પ્રવચન અને ચર્ચાનું સ્તર ઘણું ઊંચું હોય છે. અહીં યુવાનોના અભ્યાસ અને તર્કશક્તિ ખિલવવાનું કામ થતું હોય છે. યુવાની ખીલે તેવા પ્રકારની પ્રવૃત્તિઓનું ધામ એટલે ડીબીટી. કારણ કે ‘યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે!’

વર્ષો પછી અમારે ત્યાં ઉપરથી એવો આદેશ આવ્યો કે જ્યાયસ અને અવર જ્યાયસ લેવલના તમામ ભાઈઓએ તેમને ફાળવેલા નિશ્ચિત ગામો પકડીને તમામ શક્તિ તે વિસ્તારમાં જ કામે લગાડવી. સ્વાધ્યાય પ્રવૃત્તિને પરિણામ લક્ષી બનાવવી હોય તો એક જ જગ્યાએ ખૂંપી જવું. ‘ભક્તિફેરી’ હોય કે ‘તીર્થયાત્રા’ હોય તેમણે આ જ ગામડાં પકડી રાખવા. ગામમાં એટલી હદે ઓતપ્રોત થઈ જવું કે ગામની પ્રત્યેક વ્યક્તિને તમે પ્રેમથી નામ દઈને બોલાવી શકો અને ગામના લોકો તમને પ્રેમથી નામ દઈને બોલાવતા થાય. તમારી અઠવાડિક રજા કે તહેવારના દિવસોમાં પણ તમારે એ જ ગામોમાં ધામો નાખવો. આમ કરવાથી સાતત્ય જળવાવાના કારણે વિચારોનું પરિણામ ગામના લોકોમાં જોવા મળશે. કામ ઊગી નીકળેલું દેખાશે. “ટૂંકમાં, તમારે સૌએ સુકા જોશી બનવાનું છે.”

ઘણા મિત્રોએ આ પહેલાં સુકા જોશીનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે! સૌના મનમાં પ્રશ્ન થયો કે આપણને સુકા જોશી બનવાનું કહેવામાં આવ્યું છે, તો એ સુકા જોશી છે કોણ? અને એણે એવું તે શું કર્યું કે આપણે સૌએ એનું અનુકરણ કરીને એના જેવા થવાનું?

વાત સાંભળી કે દર રવિવારે માધવબાગ પાઠશાળામાં ચાલતા પૂજ્ય દાદાના પ્રવચનમાં પણ વ્યાસ પીઠ પરથી ‘સુકા જોશી’ના કર્મયોગનો ઉલ્લેખ થતો હતો. ‘સુકા જોષી’એ કર્યું તેવું કાર્ય કરવા દરેક યુવાને આગળ આવવું જોઈએ. ‘સુકા જોશી’ દર રવિવારે અને વેકેશનમાં પણ એના પુત્ર પરિવાર સાથે આદિવાસી ગામડાંઓમાં જઈને તેમની વચ્ચે રહીને સ્વાધ્યાય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. આને કહેવાય સમજણ, આને કહેવાય નિષ્ઠા, આને કહેવાય ભક્તિ, આને કહેવાય જીવન અને આને જ કહેવાય તપ. ‘સુકા જોશી’નો કર્મયોગ જોવો હોય તો નર્મદા જિલ્લામાં, ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગવાલી અને કાકડી આંબા ગામ એકવાર જોઈ આવો.

તમે ‘યોગેશ્વર કૃષિ’ જોઈ હશે તમે ‘વૃક્ષ મંદિર’ જોયું હશે પરંતુ, યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર એ બંનેની ગરજ સારે એવું કામ થયું છે ગવાલી અને કાકડીઆંબા ગામમાં.

આદિવાસીઓએ ક્યારેય કદી કાજુ બદામ નહીં ખાધા હોય, જોયાં પણ નહીં હોય પરંતુ, સુકા જોશીના પ્રયત્નથી ગામમાં કાજુ બદામના વૃક્ષોનું વાવેતર થયું. સુખા જોશી એટલે જાણે આદિવાસીઓનો દેવ, સુખા જોશી એટલે જાણે એમનો ભગવાન. સુખા જોશી એટલે એક એવું વ્યક્તિત્વ કે એમના એકે એક શબ્દ માં અમારું કલ્યાણ જ હોય, એવું આદિવાસીઓના મનમાં ઠસી ગયું. એમણે આદિવાસીઓને ત્રિકાળ સંધ્યા શીખવી. અભણ એવા આદિવાસીઓ સંસ્કૃત શ્લોકો બોલતાં થયાં. આ આદિવાસીઓ સવાર સાંજ વૈદિક પ્રાર્થના અને સંસ્કૃત સ્તોત્રો ચોપડીમાં જોયા વગર બોલતાં થયાં. આ આદિવાસીઓએ ‘વૃક્ષમાં વાસુદેવ છે’ એમ સમજીને વૃક્ષો રોપ્યા. એ વૃક્ષોનો ઉછેર કરવો અને તેનું જતન કરવું, એ જ એમની મૂર્તિપૂજા અને એ જ એમની ભક્તિ છે એવી સમજણ એમણે કેળવી. આખું ગામ એક ‘પરિવાર’ બની ગયું. સૌના આચાર વિચાર અને ધ્યેય એક થયાં. આખું ગામ ‘વૃક્ષમંદિર’ બની ગયું. કાજુના વૃક્ષ પર કાજુ આવતાં થયાં. પૂજ્ય દાદાના કાન સુધી આ વાત પહોંચી અને પૂજ્ય દાદા સ્વેચ્છાએ પોતે તે ગામોમાં પધાર્યા. અહીંનું કાર્ય જોઈને તેઓ ખુશ થઈ ગયા અને પગપાળા ચાલીને આ તપસ્વીનું કાર્ય તેમણે નજરો નજર જોયું. એમનું દિલ પ્રસન્ન થઈ ગયું અને સુખા જોશીને તેમણે હૈયાના આશીર્વાદ આપ્યા. પ્રેમથી એમની પીઠ થાબડી અને અન્ય યુવાનોએ પણ આ જ રીતે કાર્ય કરવું જોઈએ એવી પ્રેરણા આપી.

સુકા જોશીને જોયા વગર એમના વિશે એક માનભરી આકૃતિ સ્વાધ્યાયીઓના મગજમાં આકાર લેવા માંડી અને ગવાલી તથા કાકડીઆંબા- એ બંને ગામોની એકવાર જાત્રા કરવી જોઈએ એવી ભાવના થવા માંડી! લોકો બસ ભાડે કરીને એ ગામો જોવા માટે એક ટ્રીપ ગોઠવવા લાગ્યા. ખરેખર, અદભુત કામ થયું હતું. બુદ્ધિનિષ્ઠા કોને કહેવાય એનું પ્રત્યક્ષ પ્રમાણ સૌને જોવા મળ્યું.

આયોજન મુજબ દરેક જિલ્લાના દરેક તાલુકાના અગ્રણી ભાઈઓએ તેમના તાલુકાના ગામો દત્તક લીધાં અને કૃતિશીલ સ્વાધ્યાયી કાર્યકર્તાઓની ટીમ નિયમિત રીતે એમને ફાળવેલા ગામડાઓમાં જઈને કાર્ય કરવા લાગી.

પછી અચાનક શું બન્યું તેની કોઈ જાણ કર્યા વગર ઉપરથી આદેશ આવ્યો કે “સુકા જોશીને હવે ભૂલી જાઓ. એનું નામ પણ હોઠ પર આવવું જોઈએ નહીં!” કાર્યકર્તાઓને નવાઈ લાગી. પૂછ્યું પણ ખરું કે ‘જેમના જેવા થવાનું અમને કહેવામાં આવ્યું હતું, તેના જેવા થવાની વાત તો દૂર પણ તેનું નામ સુદ્ધાં ન લેવાનું શું કારણ?’ કોઈ પ્રતીતિકર જવાબ તો ન મળ્યો. એટલું જ કહેવામાં આવ્યું કે “તમને એનું નામ લેવાની ના પાડી એટલે વાત એટલથી જ બંધ. એના વિશે ઊંડા જઈને વિચારવાની કોઈ જરૂર નથી.”

અંદરો અંદર ગણગણાટ થયો એટલે એવું કહેવામાં આવ્યું કે “સુખા જોશીનો ઘમંડ વધી ગયો છે. એના સત્કાર્યનું એને અભિમાન આવી ગયું છે. જે ઘમંડ કરે છે તેનું પતન થાય જ છે માટે હવે એનું નામ આપણે માટે ત્યાજ્ય છે. ‘સુખા જોષી’એ એવું કયું કામ કર્યું કે જેમાં એનો ઘમંડ પ્રગટ થતો હોય તે કોઈએ જણાવ્યું નહીં. પણ જે સત્ય છુપાવવામાં આવે છે તે કોઈને કોઈ રૂપે પ્રગટ થયા વગર રહેતું નથી. ક્યારેક ને ક્યારેક તો એ બહાર આવતું જ હોય છે.

યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર જેવા પ્રયોગોમાં ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદનને વેચીને એમાંથી જે લક્ષ્મી પેદા થાય છે તેને કહેવાય ગ્રામલક્ષ્મી. આ ગ્રામલક્ષ્મી એ આ સમુદાયની માતા છે અને કટોકટીના કાળમાં તે આ સમુદાયની પ્રેમપૂર્વક સંભાળ લે છે. તાત્કાલિક એ રકમ ગામમાં ન રાખતાં હેડ ઓફિસ, મુંબઈ મોકલી આપવામાં આવતી હોય છે. દરેક ગામ ખાતે તેમના ખાતામાં એ રકમ જમા કરવામાં આવે છે, એવી સામાન્ય માહિતી આપવામાં આવતી હોય છે અને એના પર સૌને ગળાં સુધીનો વિશ્વાસ પણ છે.

સાંભળવા મળ્યા મુજબ દુકાળના વર્ષોમાં આદિવાસીઓ બેહાલ થઈ ગયા. સુખા જોશીને લાગ્યું કે “આ ગામો તરફથી જમા કરાવાયેલી મહાલક્ષ્મીમાંથી પ્રસાદ રૂપે એમને કંઈક મળવું જોઈએ કે જેથી તેઓ આજના કારમા દુકાળના પ્રસંગે ટકી શકે.” વાત ખોટી નહોતી. આ જ તો એમની ખરી જરૂરિયાતના ખરા દિવસો હતા. અને એક રીતે જોઈએ તો એમના પરસેવાની આ કમાણી હતી. પરંતુ, સુખા જોશીને ધરાર ના પાડી દેવામાં આવી. “એક વખત ભગવાનને અર્પણ થઈ ગયેલી લક્ષ્મી પર માત્ર ને માત્ર ભગવાનનો જ અધિકાર હોય છે, તે સિવાય બીજા કોઈનો નહીં ! અપાયેલું દાન પાછુ મંગાય ખરું? ના, ન જ મંગાય. એ રકમ પર હવે ગ્રામવાસીઓનો કોઈ અધિકાર થતો નથી.” સુખા જોષીને છેતરાયાની લાગણી થઈ! એમણે અવાજ ઊંચો કર્યો અને મહાલક્ષ્મી વિશેની જે કલ્પના આજ સુધી સમજાવવામાં આવી હતી તે યાદ કરાવી. તો આ થયો એનો ઘમંડ. પછી લોકમાનસમાંથી સુખા જોશીની એ છાપને ભૂંસી નાખવાના પ્રયત્નો શરૂ થયા. પહેલું કામ થયું એમને ભૂલી જવાનું અને ત્યાર પછીનું કામ એમના ચાહકોના દિલમાં એને અપ્રતિષ્ઠિત કરવાનું. શું એના હૃદયમાં રામ નહોતો? એના લોહીનો રંગ બદલાઈ ગયો હતો?

જે ગામોમાં સુખા જોષીએ કર્મયોગ સિદ્ધ કર્યો હતો તે જ ગામમાં આરોગ્યની સેવા આપવાના નિમિત્તે ‘પતંજલિ ચિકિત્સાલય’ ઊભું કરવામાં આવ્યું અને તબીબોની ટૂકડીઓ એમના વારા પ્રમાણે ત્યાં નિયમિત જવા લાગી. દૂર દૂરના ગામોમાંથી અને શહેરોમાંથી તબીબો, નર્સો અને બીજા સ્વાધ્યાયી કાર્યકરો ભેગા થઈને કાર કે ટેમ્પોનું આયોજન કરીને નિયમિત પૂજારી તરીકે ત્યાં જવા લાગ્યા.

ગરીબ રોગીઓની સારવાર કરવાનો જ ધ્યેય હોય તો શહેરના સ્લમ એરિયામાં કે આજુબાજુના આર્થિક રીતે પછાત ગામડાઓમાં જઈને પણ એવા કેમ્પ ગોઠવી શકાયા હોત. એમ કરવાથી કાર્યકરોનો જવા આવવાનો સમય પણ બચે, શક્તિ પણ બચે, વાહનભાડાના નાણાં પણ બચે અને વધારે રોગીઓની સારવાર થઈ શકે; તેને બદલે સુરત વલસાડ જેવા દૂરના શહેરોમાંથી આટલે બધે દૂર આવો પ્રયોગ ગોઠવવાની કોઈ જરૂર નહોતી અથવા એના જેવા બીજા પ્રયોગો નજીકના વિસ્તારમાં પણ ગોઠવી શકાયા હોત પણ તેવું થયું નથી. એટલે આ પ્રયોગ પાછળ સુખા જોશીના કામને ભૂંસી નાખવાનો બદઇરાદો જ હતો એવી શંકા જરૂર થઈ શકે.

પછી તો ઇન્ટરનેટ પરથી એવી પણ વિગતો જાણવા મળી કે સુકા જોશીએ બનાવેલા મંદિરમાંની મૂર્તિ બાબતે એમના પર કેસ કરવામાં આવ્યો અને ભગવાન યોગેશ્વરની એ મૂર્તિને જેલના સળિયા પાછળ રાખવામાં આવી! પરિવાર કદી સ્પષ્ટતા કરતો નથી એટલે સાચી વિગતો બહાર આવતી નથી અને બીજા માધ્યમો દ્વારા આવી વિગતો બહાર આવે તો એક જ દલીલ કરવામાં આવે છે કે “આપણું કાર્ય એ જ છે આપણો જવાબ!” કોઈપણ વિવાદના જવાબમાં ઢાલ તરીકે કાર્યને આડે મૂકી દેવાનો અભિગમ લોકોને ગળે ઊતરતો નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s