બહુ વર્ષો પહેલાં, અમારા ગામના પાદરે છાપરામાં એક હળપતિ રહેતો હતો. ઢેડિયો એનું નામ. અમે બાળકો તો એમને ઢેડિયા કાકા તરીકે જ ઓળખતા હતા પણ આખું ગામ એમને માટે *ઢેડિયો ફાંહ* શબ્દ વાપરતું. ફાંહ એટલે શું? એવો કોઈ શબ્દ ચોપડીમાં તો ભણવામાં નહોતો આવ્યો. વડીલો કહેતા કે એ ઢેડિયાની એક પણ વાત પર ભરોસો કરવો નહીં! એને મોટી મોટી ફાંહ મારવાની ખરાબ આદત છે. ફાંહ પરથી ફોંહાટ શબ્દ આવ્યો. એ ફોંહાટ ભાઈની વાતમાં કદી આવવું નહીં!
બહુ મોડેથી સમજાયું કે આ શબ્દ ડંફાસ પરથી આવેલો છે. ડ નીકળી ગયો અને સ નો હ બોલવાથી ફાંસ નું ફાંહ થઈ ગયું. ડંફાસવીરો માટે ફોંહાટ શબ્દ આવી ગયો.
આવા ફોહાટ લોકો બડી બડી બાપ લાખ ચાલીસ ની ડીન્ગ મારતા હોય છે. રાજકારણમાં આજકાલ ફેંકુ શબ્દ પ્રચલિત બન્યો છે. આવા છોકરાઓ માટે અમે છાંટુ શબ્દ વાપરતા અને તેને વૉર્નિગ આપતાં કહેતા કે થોડીક ઓછી છાંટ માર! એ અરસામાં બજારમાં છાંટ વાળા કેળાં પણ લારી પર વેચાતાં થઈ ગયા હતાં!