ભારત દેશને એની પોતાની અસલી તાકાતથી વંચિત રાખવાનો કારસો આઝાદી મળી ત્યારથી ચાલતો આવ્યો છે. હિંદુ સંસ્કૃતિના દુશ્મનો કોણ છે?
નરેન્દ્ર મોદી વિશેના તથ્યો કયા-કયા છે?
ચાલો એક લાંબી વાર્તા કહું.
1996 માં પહેલી વાર વાજપેયીજી એ સરકાર બનાવી એ તો વિપક્ષે રીતસર ફૂંક મારીને તેર દિવસમાં ઉડાડી મૂકી અને બીજી વાર તેર મહિના લાગ્યા. જયલલિતામાં તો કંઈ એટલી બુદ્ધિ હોય નહિ પણ અંદરખાને એને ધાક ધમકી આપીને ટેકો ખેંચાવી લીધો અને એક વોટ થી સરકાર પડી ગઈ. પણ ભારતની પ્રજાએ ત્રીજી વાર હજી વધુ મજબૂતી સાથે વાજપેયીજીને સરકાર બનાવવાનો મોકો આપ્યો.
આ પોઈન્ટ પર લુટ્યેન્સની ટોળકી (એનડીટીવી અને મંડળી) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે વિચાર્યું કે ભારતની પ્રજાએ તો વાજપેયીજીને સત્તા આપવાનું નક્કી કરી જ લીધું છે તો આપણે પાણીમાં રહીને મગર સાથે દુશ્મની શા માટે કરવી? અને આમેય જો ભાજપની સરકાર પણ આપણા ખિસ્સામાં રહેતી હોય તો ભાજપ હોય કે કોંગ્રેસ, આપણને શું? તે પછી સરકારમાં એવા લોકોનો પ્રભાવ વધ્યો જેને મીડિયા સાથે સારુ બનતું હોય. જશવંત સિંહ, યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા, અરુણ શૌરી વગેરે એવાં નેતાઓ હતા જેમને જમીન સાથે કોઈ સબંધ નહોતો પણ લુટ્યેન્સ સાથે ઘરોબો હતો. કારગિલ યુદ્ધમાં પણ એનડીટીવીની મહિલા પત્રકાર બરખા દત્તને છેક યુદ્ધભૂમિ સુઘી જવા દેવામાં આવી અને દુનિયાએ પહેલી વાર ટીવી પર લાઈવ યુદ્ધ જોયું. આને લીધે ભારતીય સેનાનું લોકેશન છતું થઈ જતા અનેક સૈનિકો શહીદ થયા.
ત્યારબાદ ગુજરાતમાં એક મહાવિનાશક ભૂકંપ આવ્યો અને એ સાફ થયું કે કેશુબાપાના કંટ્રોલમાં કશું નથી અને ગુજરાતને નવા મુખ્યમંત્રીની તાતી જરૂર છે. મારા પપ્પાએ તે વખતે આરએસએસ તરફથી ભચાઉમાં સેવા કરતી વખતે આંખે જોયેલું કે સરકારી અધિકારીઓ એમ્બેસેડર ભરીને વિદેશી રાહત સામગ્રી (કેન ફૂડ, ધાબળા, તંબુ) વગેરે ચોરી જતાં. કેશુબાપાથી આ વિષયમાં કશું થયું નહિ એટલે એવા મજબૂત નેતા ની જરૂર વર્તાઈ જેને સરકારી બાબુઓ ઉલ્લુ ન બનાવી જાય.
અને એવા નેતાને દિલ્લીથી પેરાશૂટ ડ્રોપ કરવામાં આવ્યાં જેણે ગુજરાતમાં સરપંચની ચૂંટણી પણ નહોતી લડી. આ નેતાને પણ મીડિયા સાથે ભારે ઘરોબો હતો અને મુખ્યમંત્રી બન્યાના થોડાં મહિના પછી ઝી ન્યુઝ ના સુધીર ચૌધરીએ એમને પૂછ્યું પણ હતું કે “હવે તો તમે મળતા જ નથી; ઘમંડ ચડી ગયું છે કે શું?” મને યાદ છે મોદીનું નામ જયારે ઘોષિત થયું ત્યારે ઝી ન્યુઝ પર પાંચેક મીનીટની ક્લિપ આવી હતી જેમાં મોદી એક ગેલેરીમાં હીરોની અદાથી એન્ટ્રી પાડે અને કેમેરો છેક ફ્લોર લેવલ થી મોદીને નિહાળે. બેકગ્રાઉન્ માં ઢમ ઢમ કરીને મ્યુઝિક વાગે. હું તેર વર્ષનો હતો પણ મને અજુગતું તો લાગેલું જ કે મીડિયા એક નેતાને આમ પિકચરના હીરોની જેમ શા માટે બતાવે?
ખેર, એ પછી ૨૦૦૨ માં કંઈક એવું થયું જેણે દેશને હલાવી મૂક્યો. લુટયેંસ એ નક્કી કર્યું કે મોદી હેઝ ટુ ગો. આ કોઈ ખાનગી વાત નથી છાપામાં રીતસર આર્ટિકલ લખાયા જેનું હેડિંગ હતું “મોદી, ચાલ સામાન બાંધ”.
પણ ત્યારે કંઈક એવું બન્યું જેની આ ટોળકીએ કલ્પના પણ નહોતી કરી. અડવાણીજીએ વાજપેયીજીને કનવિન્સ કરી લીધા કે મીડિયા ગમે તે કહે, મોદી નિર્દોષ હોય તો એની પાસે રાજીનામુ ન જ મૂકવાય. બીજેપી હાયકમાંડમાં અચાનક ફૂટેલી આ કરોડરજ્જુથી ટોળકીને ઝટકો તો લાગ્યો, પણ એ મૂછમાં મલકાયા પણ ખરા કે “અબ હમ દીખાતે હૈ, હમસે પંગા લેને કા નતીજા!”
અને એ પછી લોન્ચ થયું મોદી અને ભાજપને ભારતના રાજકીય ઇતિહાસમાંથી હંમેશા માટે ભૂંસી નાખવાનું અભિયાન: મોદી હટાઓ. ચોવીસમાંથી બાર બાર કલાક મોદીને ટીવી પર ગાળો આપવામાં આવતી. ૨૦૦૨ ની કરુણ ઘટનાના મહિનાઓ અને ક્યારેક વર્ષો પછી તિસ્તા સેતલવાડ અને રાણા અય્યુબ જેવી ભાડૂતી ‘પત્રકારો’ દ્વારા કપોળકલ્પિત વાર્તાઓને સત્યનો જામો પહેરાવીને તરતી મૂકવામાં આવી. એક હાડ થીજાવી દે તેવી વાર્તા એવી હતી કે હિન્દુઓ મુસ્લિમ બાળકોને હવામાં ઊંચે ઉછાળી તલવાર પર કેચ પકડતા અને ગર્ભવતી મહિલાઓના પેટ ચીરીને ભ્રુણને બહાર ખેંચી કાઢતા. આવી વિકૃત કલ્પના પણ કોઈ કઈ રીતે કરી શકે એનો જવાબ મને વર્ષો પછી રશિયન લેખક દોસ્તોયેવસ્કીની ‘બ્રધર્સ કરામાઝોવ‘ વાંચતી વખતે મળ્યો. યુરોપના ધર્મયુદ્ધો (કૃસેડ્સ) વખતે તુર્કીના મુસ્લિમ સૈનિકો ખ્રિસ્તીઓ સાથે આવા અત્યાચારો કરેલ એવું ખ્રિસ્તી દસ્તાવેજોમાં નોંધાયું છે. એ જ વાર્તાને સીધી અહીં ચિપકાવવામાં આવી.
તિસ્તા જેવીઓએ મુસ્લીમ મૃતકોની સંખ્યા વધુ દેખાડવા માટે જૂની કબરો ખોદી કાઢી. વળી, બોલીવુડની નંદિતા દાસ જેવી અભિનેત્રીઓએ ડુંટીથી ચાર આંગળી નીચે સાડી પહેરી મોદી હટાઓના પાટિયા લઈને ફોટા પડાવ્યા. ગુજરાતના આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પાસે કોંગ્રેસની ટીકીટના બદલામાં મોદી વિરદ્ધ ખોટી વાર્તાઓ બોલાવડાવાઈ, જે છેવટે કોર્ટમાં ગપ્પાં સાબિત થઈ. (આ મહાશયે તુષાર મહેતાનો ઇમેઇલ એકાઉન્ટ હેક કર્યો અને જુનિયર અધિકારીઓ પર ખોટી એફિડેવિટ કરવાનું દબાણ કર્યું હોવાનું કોર્ટમાં પાછળથી સાબિત થયું). મોદીને ગાળો આપવી એ ફેશનેબલ બની ગયું અને મોદી માટે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનું અશક્ય બન્યું.
આનો રાજકીય પ્રભાવ એવો પડ્યો કે નીતીશ કુમાર જેવા કાચા પોચા તો ડરીને NDA છોડી ગયા કે સાલું જે માણસને મીડિયામાં સાવ રાક્ષસ તરીકે ચીતરવામાં આવ્યો હોય એની સાથે એક ફોટો પણ છાપામાં આવે તો આપણી તો કરિયર પૂરી થઈ જાય.
પણ ગુજરાતમાં પ્રજાએ પૂર્ણ બહુમત સાથે ભાજપને ચૂંટી કાઢી. એક નહિ, બે નહિ ત્રણ વાર મોદી ચીફ મિનિસ્ટર ચૂંટાયા. આ દરમ્યાન આકાર પટેલ જેવાઓએ એવો અભિપ્રાય આપ્યો કે ગુજરાતની પ્રજા જ કોમવાદી અને મુસ્લિમ વિરોધી છે એટલે મોદી જીતે છે. મતલબ કે લુટયેન્સના લાખ ના પાડવા છતાં ગુજરાતીઓ મોદીને વોટ આપવાની જુર્રત કરે એટલે ગુજરાતી પ્રજાને જ રાક્ષસ ચીતરવાનુ શરૂ થયું અને આ કામ પાછું ગુજરાતીઓને જ સોંપાયું. મુંબઈના ગુજરાતીઓ બિચારા નાછૂટકે મોદીને ગાળો આપતા, જેથી કોમવાદીમાં ન ખપી જવાય. દિલ્હીમાં ગુજરાતીઓ અછૂત જાહેર થયા અને નર્મદા યોજના જેવી વેલિડ માગણીઓ વિરૂદ્ધ પણ અમીર ખાન જેવા ધુરંધરો પડ્યા અને જ્યારે એના રીટેલીએશનમાં ફનાનો બહિષ્કાર થયો ત્યારે અનિલ કપૂરે બધા બોલિવુડ સ્ટારોને ભેગા કરી ઘોષણા કરી કે “ગુજરાત શું અમારો બહિષ્કાર કરે, અમે જ ગુજરાતનો બહિષ્કાર કરીશું”.
ખેર, ૨૦૧૪ આવતા આવતા યુપીએ સરકારે એવી કળાઓ કરી કે ખુદ એમને ગેરંટી હતી કે આ વખતે તો નહિ જ જીતીએ. મણીશંકર ઐયરે CWC ની મીટીંગ પછી જે હુંકાર કર્યો કે “એક ચાયવાલા ઈસ દેશ કા પીએમ નહિ બન સકતા નહિ બન સકતા” ત્યારે એનો કહેવાનો મતલબ એ હતો કે બીજેપી તો સત્તા પર જરૂર આવશે, પણ મોદીને પીએમ નહિ બનવા દઈએ. બસો બોતેરમાં વીસ સીટ પણ ઓછી પડે એટલે નીતીશ પાસે શરત મુકાવીશું કે મોદીને બહાર કાઢો તો ટેકો આપું, અને પૂર્ણ બહુમત તો અમારા બાપા રાજીવ ગાંધી પછી કોઈ માયકા લાલને નથી મળી એટલે એ તો બહુ દૂરની વાત છે!
પણ ભારતની પ્રજાને પણ આ ખબર હતી એટલે મોદીને ગણીને પૂર્ણ બહુમત કરતા દસ સીટ વધુ આપી કે “માત્ર ભાજપ નહિ, મોદી જ જોઈએ”. ૨૦૧૯ આવતાં શશી થરૂરે વળી ડહાપણ ડહોળ્યું કે “ટુ થાઉઝંડ ફોરટીન વોઝ અ ફ્લુક ઇલેક્શન. એવી ભૂલ પાછી નહિ થાય”. લ્યો.. પ્રજાએ આપેલ જનાદેશને ફ્લૂક એટલે અઠે ગઠે જાહેર કરવામાં આવ્યો.
ખેર, પછી શું થયું એ તો આપણે જાણીએ જ છીએ. અસહિષ્ણુતા, એવોર્ડ વાપસી, શાહીન બાગ, ટિકેત આંદોલન જેવા ધતિંગ એ મૂળ “મોદી હટાઓ” કેમ્પેનના જ નવા અવતારો છે, અને હજી જૂજવા રૂપ ધારણ કરીને કેમ્પેન પાછું ને પાછું ઉથલા મારતું જ રહેશે. એવું નથી કે ટોળકી સાવ હાથ ઘસે છે. તેઓ પણ મોદીને ગાળો આપતા આપતા મેગસેસેથી લઈને મેકગિલ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂક્યા છે. દરમ્યાન નવા ભારતનો ઈતિહાસ હજી તો લખાઈ રહ્યો છે. સ્ટે ટ્યુન્ડ
પ્ર. મિ.