મનને કેળવવાની વાત જ સાવ ભૂલાઈ ગઈ

————————————-

બેંકમાં રિસેસ દરમિયાન અમે ટોળ ટપ્પા મારતા બેઠા હતા. કોની શૈક્ષણિક યોગ્યતા કેટલી તેની વાત નીકળી. બીલીમોરાથી આવતા કિશોર દેસાઈએ સ્ટેટેસ્ટિકમાં એમએસસી કર્યું હતું. બહુ જ ઈન્ટેલિજન્ટ છોકરો. રાજસ્થાનથી ઓલ ઈન્ડિયા ટેસ્ટ પાસ કરી ઓફિસર થઈને આવેલા અમારી જ ઉંમરના કૈલાસ ચંદ્ર શર્માજીએ કે. ડી. ને કહ્યું કે, ‘યાર, તુમ તો ફોગટમેં બેંકમેં આયે હો! તુમ તો કિસી કાલેજમેં પ્રોફેસર બન સકતે થે.‘ કે. ડી પ્રામાણિક યુવાન હતો તેણે કહ્યું કે, ‘હું પ્રોફેસર થઈને શું ભણાવું?‘ શર્માજીને નવાઈ લાગી. ‘યાર તુમ એસા ક્યૂં સોચતે હો? જો તુમને પઢા વહી સિખાને કા હૈ ન?‘

કે.ડી.એ હસતાં હસતાં જવાબ વાળ્યો. ‘પરીક્ષાની તૈયારી વખતે જે ચેપ્ટર્સ અઘરાં લાગવાથી મેં ઓમિટ કરી દીધેલા. તે ચેપ્ટર્સ વિદ્યાર્થીઓને હું કેવી રીતે ભણાવી શકું?‘ કે. ડી. ની આટલી સરળતા અને બૌદ્ધિક પ્રામાણિકતા જોઈને શર્માજી દંગ થઈ ગયા. એવા તો કેટલાયે શિક્ષકો અને પ્રોફેસરો વિદ્યમાન હશે કે જેમણે ભણતી વખતે કેટલાંયે પ્રકરણો ઓપ્શનમાં કાઢી નાંખ્યા હશે અને તેમ છતાં તેઓ વિદ્યાસંસ્થાઓમાં તેમનું ગાડું ગબડાવતા હશે! તેમની અને તેમના વિદ્યાર્થીઓની સ્થિતિની ભાગ્યે જ કોઈ કલ્પના કરતું હશે.

ઓપ્શન, ઓપ્શન, ઓપ્શન!

આ ઓપ્શને તો માણસના જીવનમાં દાટ વાળ્યો છે. આઈધર ધીસ ઓર ધીસ! આ નહીં તો આ. આ નહીં તો પેલું. એમાં જ માણસ અણઘડ રહી જાય છે. એનામાં પાંગળાપણું ઉમેરાતું જાય છે. એ અપૂર્ણ રહી જાય છે. ઓપ્શન શોધવાની આદત એનો આત્મવિશ્વાસ તોડી નાંખે છે. નાનપણથી આ સિલસિલો ચાલુ થાય છે. મા બાપ અને ઘરના વડીલો લાડ લડાવીને બાળકોના મનને મારી નાંખે છે. આ વાનગી નથી ભાવતી તો એના બદલામાં એને મનગમતો અન્ય કોઈ વિકલ્પ આપો. આ પોષાક નથી ફાવતો તો વાંધો નહીં, એને મનગમતો બીજો કોઈ પોષાક લઈ આપો. આ છૂટ વધતી જ જાય છે. બાળક લાડઘેલું થઈ જાય છે અને વડીલો પાસે મનમાની હરકતો કરાવતું રહે છે. એ જ બાળક જ્યારે વિશ્વના પ્રાંગણમાં પોતાનું સ્થાન બનાવવા જાય છે અને જ્યારે એનું ધારેલું થતું નથી અને ત્યારે એ ફસડાઈ પડે છે. નાસીપાસ થઈ જાય છે. નાહિંમત બની જાય છે. સર્વત્ર અંધારું જ વર્તાય છે. ગુંગળાય છે. પોતાને નિ:સહાય સમજે છે. આ પરિસ્થિતિમાં તે ઘર છોડી દે છે, હોસ્ટેલ છોડી ભાગી જાય છે, ક્યારેક દુનિયા પણ છોડીને આત્મહત્યા કરવા તરફ વળે છે.

પરીક્ષામાં એક પેપર ખરાબ જતાં જ કેટલાક વિદ્યાર્થીઓ માથે હાથ દઈ બેસી જાય છે. એક પેપર ખરાબ ગયું તો તેનો અફસોસ કરી બીજાં પેપર પર માઠી અસર કરવાને બદલે બાકીના પેપર પર તડામાર તૈયારી કરી નુકસાન ભરપાઈ કરવાનો અભિગમ રાખવો જોઈએ. એક પરીક્ષામાં નાપાસ થવાથી જિંદગીનું અંતિમ પરિણામ નથી આવી ગયું. હજી આખી જિંદગી બાકી છે. વધારે સારી તૈયારી કરીને ઝળહળતી કારકિર્દી બનાવવાની તક રાહ જોતી ઊભી છે. ‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય‘ એ કવિતામાંથી શું શીખ્યા?

માણસની જિંદગી મૂલ્યવાન છે, નજીવી બાબતમાં એને ફેંકી ન દેવાય. અભ્યાસમાં અત્યંત તેજસ્વી બાળકો સાવ ક્ષુલ્લક કારણોસર જીવન ટૂંકાવે છે ત્યારે એમ લાગે છે કે આપણી કેળવણીમાં જ કંઈ ખામી છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ પણ ડિપ્રેશનમાં આવીને જીવનનું અંતિમ પગલું ભરી બેસે છે કારણ કે તેમણે સંજોગોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. જીવન એક સંઘર્ષ છે અને તેમાં હાર જીત તો ડગલે ને પગલે આવતી જ રહે છે. સફળતા અને નિષ્ફળતા કાયમી નથી. સંસાર દ્વન્દ્વાત્મક છે. એ દ્વન્દ્વોને સહન કરવાની તાલીમ જે આપે તે જ જીવનલક્ષી શિક્ષણ.

‘ચાલ, મન જીતવા જઈએ‘ ફિલ્મ જોતી વખતે મોટાભાગના સિનિયર સિટિઝનોને એવી અનુભૂતિ થઈ કે અમારી પેઢી અભાવો અને અગવડો વચ્ચે ઉછરીને મોટી થઈ. સંઘર્ષ કરીને મોટી થઈ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચેથી આપમેળે રસ્તો કાઢવાનું શીખી ગયા. પરંતુ, અમે જે અગવડો ભોગવી એ અમારા સંતાનોને ભોગવવી ન પડે તે માટે તેમને તમામ સગવડો આપીને અમે ભૂલ કરી. જે માગ્યું તે આપ્યું. જે નહીં માંગ્યું તે પણ આપ્યું. પાણી માંગતાં દૂધ આપ્યું. સાઈકલને બદલે સ્કૂટર આપ્યું. લેટેસ્ટ સગવડો આપીને તેમને સુખી રાખ્યા. પણ ત્યાં જ મોટી ભૂલ રહી ગઈ. સગવડોએ તેમની ખુમારી છિનવી લીધી. ઝઝૂમવાની તાકાત હણી લીધી. ‘તિરાડે ફૂટી કૂંપળ‘ નાટકમાં એક વડીલનો ડાયલોગ છે કે છોકરાંઓને ખવડાવવાનું સુનાનું, પણ અઘાવવાનું ચૂનાનું!‘ આ ડાયલોગ પર ખૂબ તાળીઓ પડતી આવી છે. આ વાતનો અમલ થવો ઘટે. અમારી જોડે બેંકમાં કામ કરતો યુવાન જશપાલ દેસાઈ એના મા બાપનો એકનો એક દીકરો અને બાપા જલદી અવસાન પામેલા. એને જીવનની હાર્ડ ટ્રેનિંગ મળી. એક ભાઈએ એને સવાલ પૂછ્યો કે ‘તને પોતાનાથી દૂર કરી જોખમી તાલીમ માટે મોકલતાં તારી માનો જીવ કેમ ચાલ્યો?‘ જશપાલે મગરૂરીથી સુંદર જવાબ આપેલો, ‘હું એકનો એક છું એટલે જ મને વધારે સક્ષમ બનાવવા માટે મારી મધરે મને આવી સખત તાલીમ લેવા મોકલ્યો.‘ બધા મા બાપ એવી સૂઝ નથી બતાવી શકતા.

અમારી પેઢી પાસે ઓપ્શન નહોતા. જમવામાં એક જ શાક હોય પછી તે કારેલાંનું હોય કે ભીંડાનું. ન ભાવતી વસ્તુ જોઈને બાળક ઠઠણવા માંડે! આ શાક તો કેમ કરીને ગળે ઉતરે? માનો સાદ પડે ‘ભૂખ લાગી હોય તો ચૂપચાપ ખાઈ લે. બધાએ ખાધું અને તને જ શાનો વાંધો છે? તારા એકલાને ખાતર નવું કંઈ નહીં બને. અમે બનાવવા માટે નવરા પણ નથી. ભૂખે ભરડો ભાવે અને ઊંઘ ઊકરડે આવે. માણસને ભૂખ નથી લાગી તેની આ બધી ચાતરમ છે. પેટમાં પોલ પડી હોય તેને બધું પેસી જાય!‘ કોઈ વિકલ્પ ન દેખાતાં ઝખ મારીને કારેલા ખાવા પડે. ભણતાં ભણતાં ઘરનું અને ખેતીનું કામ પણ કરવું પડે. ઢોર ઢાંખરનું પણ ધ્યાન રાખવું પડે. સામાજિક જવાબદારીઓ પણ બજાવવી પડે. ગામમાં કે શેરીમાં રમવા ગયેલું બાળક કોઈનો માર ખાઈને આવે કે કશે પડીને –અફળાઈને આવે તો તેને પંપાળવાને બદલે ઉપરથી બે લાફા મારી દેવાતા! ત્યાં શું મેથી જમવા ગયો હતો? એવો ઠપકોયે મળતો. પોતાને થયેલી ઈજા છાની ચોરીથી સહન કરવી પડતી. વડીલોના તમાચા ગયા, માનો સોટીમાર ગયો, શિક્ષકો કાન પકડતા કે કોહણમાં ચાવી આપતા, ઠપકાના વેણ ઠપકારતા એ બધું ચાલી ગયું. બાળકોને લાડ, જીવનસાથીને લાડ, પ્રજાને લાડ.. માણસના મનને લાડ! આ વધી ગયેલાં લાડથી માણસ પોપલગારા બની ગયા. સહનશક્તિ ગુમાવી બેઠા. બાપા ખિજાયા અને બાળક ઘર છોડી ભાગી ગયું. ધણીએ પિયર જવાની ના પાડી અને પત્નીએ ફાંસો ખાધો કે ઝેર ગટગટાવ્યું- આવા સમાચારો શું સૂચવે છે? એ જ કે મનને કેળવવાનું ચૂકી જવાયું. સાઉન્ડ બૉડી એન્ડ સાઉન્ડ માઈન્ડ! પહેલવાન જેવો તાકાતવર માણસ અને સ્કોલર વિદ્વાન પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં નાસીપાસ થઈ જાય એ અધૂરી તાલીમની ચાડી ખાય છે.

પ્ર. મિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s