પ્રસાદની રામાયણે તો રવાડે ચડાવી દીધા!

———————————–

પ્રસાદ શબ્દે આપણામાં અનેક ભ્રમ પેદા કર્યા છે.

ઉત્તર ગુજરાતમાં આવેલ અંબાજીના મંદિરમાં માતાજીના પ્રસાદ તરીકે આજસુધી મોહનથાળ ધરાતો હતો તેને બદલે ચીકીનો પ્રસાદ ધરાવવાનું આપણી બીનસાંપ્રદાયિક સરકારે ફરમાન જાહેર કર્યું અને ભક્તોના મનમાં વમળ ઊભા થવા લાગ્યા. મોહનથાળ અને ચીકી વચ્ચે કોઈ લડાઈ નથી, પણ ભક્તો અને પ્રસાદના વેપલા સાથે સંબંધિત લોકો માટે પ્રસાદનો મુદ્દો મોટો પ્રેસ્ટિજ ઈસ્યુ બની ગયો. મંદિરમાં પ્રસાદમાં શું ધરાવવું તે નક્કી કરનાર સરકાર વળી કોણ? આવી દખલગીરી તે બીજા ધર્મોમાં કરી શકે કે કેમ!

મને લાગે છે કે આ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો અંગત મામલો કહેવાય. માબાપ અને સંતાનો વચ્ચેનો તથા પતિ અને પત્ની વચ્ચે હોય તેવો જ બિલકુલ અંગત વિષય. મારા માબાપને શું ભાવે અને એમને મારે શું ખવડાવવાનું તે મારે નક્કી કરવાનું હોય. પતિને શું થાવે તે પત્નીને વધારે ખબર હોય. બાળકને કઈ વસ્તુ માફક આવે અને કઈ નહીં તે એના માબાપને વધારે ખબર હોય. તેઓ શું રાંધે અને ક્યારે ખાય તે વિષયમાં કોઈની દખલગીરી ચાલી ન શકે.

અમે તો ગામડામાં મોટા થયાં એટલે પ્રસાદ વિશેની અમારી પ્રાથમિક સમજણ ખૂબ મર્યાદિત રહેવા પામી છે. કોઈ માતાના સ્થાનકે બધા માનતા ચડાવવા જાય તે લોકો નાળિયેર વધેરે, અને ઘરે આવીને મહોલ્લામાં ખાંડ કોપરુંનો પ્રસાદ વહેંચે. નિશાળમાં છોકરું પાસ થાય તો ખાંડ- કોપરાનો પ્રસાદ વહેંચાય. કોઈને ત્યાં બાળકનો જન્મ થાય તોયે ખાંડ- કોપરાનો જ પ્રસાદ વહેંચાય. પ્રસાદ એટલે ખાંડ કોપરું- એ જ વાત અમારા મગજમાં નાનપણથી ફિટ થઈ ગયેલી. બરફી, પેંડા, જલેબી એવી ચીજ વસ્તુઓ અમારા સિલેબસના બહારની હતી!

પછી થોડાંક મોટાં થયાં એટલે સત્યનારાયણનો શીરો પ્રસાદ તરીકે ચાખવા મળ્યો. એ શીરો તે વખતે પ્રસાદ તરીકે, નામનો જ બનતો. કથા વખતે વહેંચાતો પ્રસાદ એટલી અલ્પ માત્રામાં અમને મળતો હતો કે એને પ્રસાદ કરતાં દવા કહેવી વધારે યોગ્ય ગણાય! આટલો ઓછો પ્રસાદ કેમ મળ્યો? આ તો એક કોળિયા જેટલો પણ નહીં થાય! એવી ફરિયાદ કરનારને ચૂપ કરી દેવામાં આવતો. વડીલો કહેતા કે પ્રસાદ એ પેટ ભરીને ખાવાની ચીજ નથી. ‘પ્રસાદ વળી કોને કહેવાય? જીભ પર મૂક્યો અને સ્વાદ ચાખવા મળ્યો એટલે એનું કામ પૂરું!‘ આ વાત તે વખતે ગળે ઉતરતી નહીં, પણ વડીલો જોડે માથાઝીંક વળી કોણ કરે?

પ્રેમવિહ્વળ બનેલી કલાવતી કન્યા સત્યનારાયણનો પ્રસાદ લીધા વગર પતિ મિલન માટે ઉતાવળે દોડી અને અજાણપણે તેનાથી મહાન અપરાધ થઈ ગયો. પતિ અને પિતાના કિનારે આવેલા વહાણ ડૂબી ગયાં. એ કાલ્પનિક ઘટના લોકમાનસ પર એવી અસર કરી ગઈ કે હવે લોકો પ્રસાદ લીધા વગર ઊઠતા જ નથી. રખે ને કોઈ દેવના અપરાધી ઠરીશું અને કોઈ મસમોટી સજા મળી જશે તો? એવી ભયગ્રંથિ બંધાઈ ગઈ. પરિણામે લોકો કહેતા થઈ ગયા કે પ્રસાદ તો માંગીને પણ ખાઈ જ લેવો! પ્રસાદનો મહિમા અપાર છે. મહિમાના પરસાદ કો ખાતાં પાવન થાય, સુખ ઉપજે દુ:ખ જાય… પ્રસાદના એક કણમાં પણ કેટલી બધી ચમત્કારિક શક્તિ ભરેલી છે! પ્રસાદની અવગણના કરવાથી દેવ કોપાયમાન થાય. પ્રસાદમાં એવો કયો ગુણ હશે કે એ ન લેવાથી તમામ સત્કાર્યો પર પાણી ફરી વળે? પ્રસાદના મહિમાનો અતિરેક થવાથી આપણે કથા ભૂલી ગયા, વ્રત ભૂલી ગયા અને કેવળ પરસાદિયા ભગત બની ગયા! ભગવદ્ ગીતાનો ઉપદેશ બાજુ પર રહી ગયો અને તેના માહાત્મ્ય વાંચવા પર ધ્યાન કેન્દ્રિત થયું. આમ તો શીંગદાણા, કેળાં, સાકર અને સફરજન જેવાં ફળો પણ પ્રસાદ તરીકે ચઢાવી શકાય. જન્માષ્ટમી પર પંજરી કે પંજાજીરી પ્રસાદ તરીકે વહેંચાતી હોય છે.

ભક્તની જેવી ભાવના હોય, તેની જેવી આર્થિક સ્થિતિ હોય તે મુજબ તે પોતાના ઈષ્ટદેવને પોતાને મનગમતી વસ્તુ ધરાવે, અર્પણ કરે અને તે અન્ય લોકોને વહેંચી દીધા પછી જ પોતે આરોગે. આટલી સીધી સાદી વાતને અમુક નિશ્ચિત વાનગી સાથે જોડી દેવાનો શો અર્થ? વીરપુરના જલારામ મંદિરે છૂટી મીઠી કણી આપવામાં આવતી. દ્વારકામાં પહેલીવાર ગયો ત્યારે ચાસણીમાં બોળેલા ખડખડિયા જેવો પ્રસાદ વેચાતો જોયો. જે પૈસા ધરાવે તેને જ મળતો હતો. આજસુધી ચાખેલા પ્રસાદ મફતમાં મળતા હતા, પણ પૈસા ખરચીને ખાધેલો પહેલો પરસાદ ઠોરનો પ્રસાદ હતો, જે ખરેખર કઠોર- સખત હતો!

અમૃતસરના સુવર્ણમંદિરમાં મળતો શીરાનો પ્રસાદ તો દાઢે વળગે તેવો છે! તિરુપતિ બાલાજીના લાડવા તો માણસના માથા જેટલા મોટા હોય છે! એક આખો લાડવો ખાતાં તો ફેં ફાટી જાય! જૈનોના પવિત્રધામ મહુડીમાં મળતા સુખડીના પ્રસાદ વિશે સાંભળ્યું છે. એ પ્રસાદ ત્યાં જ ખાઈ જવાનો હોય છે. મહુડીથી બહાર લઈ જવા પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે. આ બધા સ્ટાર તીર્થધામો છે, શ્રીમંતોના યાત્રાસ્થળો છે. એમના પ્રોટોકોલ હોય તે મુજબનો જ પ્રસાદ ધરાવી શકાય. આપણા ગામડાના દેવસ્થાનો આપણા જેવા સાદા અને સરળ. તેને ધરાવાતો પ્રસાદ પણ સાદો અને સહજપ્રાપ્ય. અમુક જ વસ્તુ ચડાવાય એવો દુરાગ્રહ નહી.

સંતોષીમાતા એ પૌરાણિક માતા છે જ નહીં, એ તો વીસમી સદીનું સર્જન છે, મને એમાં શ્રદ્ધા નથી પણ એ વ્રત કરનારા શ્રદ્ધાળુ લોકો જે પ્રસાદ વહેંચે છે તેનું સ્વાગત છે. બાળકોના શરીરમાં પ્રોટીન તત્વ પૂરું પાડનાર ચણાનો પ્રસાદ ચડાવવાનું જેમને સૂઝ્યું હશે તેની બુદ્ધિને નમસ્કાર!

અરે, અરે! પ્રસાદનો મૂળ અર્થ તો થાય કૃપા. એ તો લખવાનું રહી જ ગયું.

નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદન્મયાચ્યુત,

સ્થિતોSસ્મિ ગતસંદેહ: કરિષ્યે વચનં તવ. गीता- १८/७३

ભગવાનના પ્રસાદથી કૃપાથી અર્જુનનો મોહ દૂર થયો. સ્વધર્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ. સર્વ સંદેહો ટળી ગયા અને સ્વધર્મમાં સ્થિર થઈ ભગવાનની આજ્ઞા પાળવા તત્પર થયો. – આવું કોઈ પરિણામ આપણે જેને પ્રસાદ માનીને કકળાટ કરીએ છીએ તેવા પ્રસાદથી આવેલું જણાતું કેમ નથી? આવી કોઈ કૃપા આપણને કેમ પ્રાપ્ત થતી નથી? કે પછી એ આપણે ઈચ્છતા જ નથી! આપણને તો પેટ ભરાય અને જીભને ચટાકો મળે એવો જ પ્રસાદ અપેક્ષિત જણાય છે.

ગીતાનો બીજો અધ્યાય ‘આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમ્ અધિગચ્છતિ‘ માં પ્રસાદ એટલે ચિત્તની નિર્મળતા અર્થાત પ્રસન્નતા એવો અર્થ સમજાય છે. ‘પ્રસાદે સર્વદુ:ખાનામ્ હાનિરસ્યોપજાયતે,- પામે પ્રસન્નતા તેના દુ:ખો સૌ નાશ પામતાં‘

કોણ આટલી બધી માથાકૂટ કરે? બંધારણે આપણને નિરંકુશ થવાનો મૌલિક જંગલી અધિકાર આપ્યો છે. જેને જેમ ચાલવું હોય તેમ ચાલવા દો. કોઈ શું કામ તેમાં દખલગીરી કરે?

પ્ર. મિ.

Leave a comment