મુખ્ય વક્તાની પસંદગી

           સાહિયત્યરત્ન શ્રી ભગવતીકુમાર શર્માજીને  ૨૦૧૧ના વર્ષનો ‘વલી ગુજરાતી ગઝલ વોર્ડ‘ ગુજરાતરાજ્ય સરકાર દ્વારા બીજી ફેબ્રુરીના રોજ સુરતનાં સાહિત્યપ્રેમીઓની હાજરીમાં રાજ્યનાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિના મંત્રી ફકીરભાઇ વાઘેલાનાં હસ્તે અર્પણ થયો. આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા વપરાયેલી ભાષાનું સ્તર અપેક્ષા મુજબનું નહોતું એવી જાહેર ચર્ચા આ વિભાગમાં થઈ તે વાંચીને આનંદ થયો. ઉપસ્થિત શ્રોતાગણની જાગરૂકતા પ્રત્યે માન ઉપજ્યું. એવૉર્ડ જ્યારે સરકાર તરફથી અપાતો હોય ત્યારે સરકારના હોદ્દેદારના હાથે જ અપાય તે સમજી શકાય તેવી બાબત છે, પણ રાજકારણીઓ બધા સાહિત્યપ્રેમીઓ નથી હોતા એટલે એમની પાસેથી ગૌરવવંતી ભાષાની આશા રાખવી  વધારે પડતી છે. આપણે સમજી શકીએ કે, મંત્રીશ્રીને મુ. ભગવતીભાઈ પ્રત્યે સ્નેહાદરની ભાવના હોય તો પણ એક સાહિત્યસભામાં બોલવા માટેની પાત્રતા એમની ભાષામાં નહોતી..

             પ્રસ્તુત ઘટનાએ જુદી દિશામાં વિચાર કરવાની પ્રેરણા આપી. કોઈ પણ જાહેર કાર્યક્રમનું જ્યારે આયોજન થાય ત્યારે સંબંધિત લોકોએ જે તે લાગતા વળગતા ક્ષેત્રના વ્યક્તિવિશેષોને જ મુખ્ય મહેમાન તરીકે આમંત્રવા જોઈએ. દા.ત.કોઈ નિશાળ કે કૉલેજ જેવા વિદ્યાધામોમાં પ્રસંગ હોય ત્યારે શિક્ષણજગત સાથે સંકળાયેલા મહાનુભાવો પૈકી કોઈને બોલાવવા જોઈએ, દવાખાના, ઈસ્પિતાલ જેવી સંસ્થાના ઉદ્ ઘાટન પ્રસંગે જાણીતા તબીબોને બોલાવવા જોઈએ. ખેડૂતોની સભામાં કોઈ સાહિત્યકાર કે ધાર્મિક અગ્રણીને બોલાવવાથી તેમને ખેતી વિષય પર બોલવામાં તકલીફ થશે, તો વળી તેમના વક્તવ્યમાંથી ખેડૂતોને ખેતી વિષે કોઈ માર્ગદર્શન મળતું નથી. જાણીતી હસ્તીને જરૂર બોલાવીએ પણ તે સંબંધિત વિષયની જાણકાર હોય તો તે હોંશથી બોલશે, તેમનું વક્તવ્ય ખીલી ઉઠશે અને તેમના જ્ઞાન- અનુભવનો લાભ શ્રોતાઓને તેમના ક્ષેત્રમાં ઉપયોગી નીવડશે.. એટલી વાત સાચી, કે સરકારી તંત્રો પાસેથી કોઈ સગવડ કે આર્થિક લાભની ગણતરી રાખી હોય તેવા લાભો એમની પાસેથી નહિ મળે, પણ કીંમતી માર્ગદર્શન અને યોગ્ય સંસ્થા દ્વારા યોગ્ય વ્યકંતિને સન્માન તો જરૂર મળે જ મળે.

        

પરભુભાઈ એસ. મિસ્ત્રી
૫૪, શ્રી રામનગર સોસાયટી,
કબીલપોર, નવસારી

લોકો શું કહેશે?

              ડૉ. શશિકાંત શાહની કૉલમમાંએક કિસ્સો એવો વર્ણવાયો છે, જેમાં એક   યુવાનને ઊંચી શૈક્ષણિક લાયકાત હોવા છતાં લાંબા સમય સુધી નોકરી નહિ મળી. છેવટે, એક શુભેચ્છક પાસેથી વગર વ્યાજની લોન લઈ, જુની કાર ભાડે ફેરવવાનો  નિર્ણય લીધો. એમાં કમાણીની એવી તક પ્રાપ્ત થઈ કે ટલો પગાર એને કોઈ સંસ્થા ક્યારેય આપવાની નહોતી. પોતાના   શુભ નિર્ણયની જાણ કરતો અને પોતાના આ  સાહસમાં આશીર્વાદ આપવાની વિનંતી કરતો પત્ર પણ એ  યુવાને ડૉ. શાહનેલખ્યો..

          એક વાત તો સુનિશ્ચિત જ છે કે આપણું આજનું શિક્ષણ રોટલો મેળવી આપવાની કોઈ ગેરંટી નથી આપતું. ઊંચી ઊંચી ડિગ્રી  પણ રોજગાર પ્રાપ્ત કરી આપવા માટે લાચાર છે. જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ડૉકટરો, વકીલો, સાયન્ટિસ્ટો  અને અનેક ગોલ્ડ મૅડાલિસ્ટો પણ ઝૂકી પડીને  આપઘાત કરતા હોય એવા કિસ્સા અખબારોના પાને અવારનવાર વાંચવા મળે છે.આત્મવિશ્વાસ અને સહનશક્તિનો અભાવ, મુસીબતોને ઓળખી તેનો સામનો કરવાની શક્તિ ડિગ્રીમાંથી નથી મળતી. ઘણીવાર એવું જોવા મળે છે કે ઊચ્ચ  ડિગ્રીધારી કરતાં અલ્પશિક્ષિત વ્યક્તિ જિંદગીમાં વધારે સારું કમાય છે અને જીવનના પ્રશ્નોને વધારે સારી રીતે ઉકેલે છે.

     કમાણી કરવા માટે પ્રામાણિક રસ્તો શોધવામાં કોઈ નાનમ ના હોવી જોઈએ. જાતને કે સમાજને નુકસાન કરતું ન હોય તથા ગેરકાયદે ન હોય તેવું કોઈ પણ કામ કરતી વખતે લોકો શું કહેશે તેની ચિંતા કરવાની મુર્ખાઈ કરવા જેવી નથી. લોકો કંઈ આપણી જરૂરિયાત પૂરી કરવા આવવાના નથી. આમલેટની, ભજિયાની શાકભાજીની કે ફળોની લારી ચલાવનાર કે પાનનો ગલ્લો ચલાવનારા  કોઈપણ વેરો ભર્યા વગર સારી કમાણી કરે જ છે. મેનેજમેન્ટ અને સાયકોલોજીના અનેક પુસ્તકો લખનાર બી. એન.દસ્તુર સાહેબે લખ્યું છે કે દુનિયાની નંબર વન ગણાતી ફાર્માસ્યુટિકલ પાર્ક ડેવિસ કંપનીમાં નોકરી કરતા  એક મિત્રે રાજીનામું આપીને ઘરે ઘરે તરકારી પહોંચાડવાની સર્વિસ ચાલુ કરી!  ધંધો એટલો સરસ ચાલ્યો કે ડિલિવરી માટે બે જીપ ખરીદવી પડી. દસ્તુરજી પણ એ  જ કંપનીમાં હતા. એમણે પણ રવિવાર અને રજાના દિવસોમાં કાર ડ્રાઈવીંગ શીખવીને ફ્લેટના હપ્તા જેટલા નાણાં કમાવા શરૂ કર્યા.

      પ્રામાણિકતાથી ધંધો કરવામાં કોઈ ડિગ્રી આડે આવતી નથી તેથી ‘લોકો શું કહેશે?‘ એવો ડર રાખ્યા વગર ઝંપલાવો અને જિંદગીમાં સ્વમાનભેર સ્થિર થાઓ!