દેવો કાલ્પનિક છે. મનુષ્યમાં જુદા જુદા સદગુણો વિકસાવવા માટે દેવોને પ્રતીક બનાવીને તેમનું ધ્યાન. જાપ અને તે ગુણ વિકસાવવાનો સભાન પ્રયાસ કરીને દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એનું નામ જ ભક્તિ એમ આપણે જોયું, પણ આ તો એક જુદો મુદ્દો થયો. સમાજમાં તો એવી જ માન્યતા પ્રવર્તતી આવી છે કે દેવો અંતરિક્ષમાં વસે છે. વાયુ સ્વરૂપે કે પછી અદૃશ્ય રીતે રહે છે અને સાધકની સાધનાથી પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજરાહજુર પ્રગટ થાય છે.સાધકને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે અને માંગણી રજુ થાય કે તરત જ ‘તથાસ્તુ‘ કહીને અલોપ થઈ જાય છે. કેટલાક લોકોને દુન્યવી પદાર્થોની જરૂર હોય છે તેઓ સાંસારિક માંગણીઓ રજુ કરે અને કેટલાક સાધકો લખ ચોરાસીની આવન જાવનના ત્રાસથી મુક્ત થવા મોક્ષધામ, અક્ષરધામની ઈચ્છા રાખે છે. સ્વજનોના અવસાનના સમાચાર લખતી વખતે તેઓ દેવલોક પામ્યા, વૈકુંઠવાસી કે કૈલાસવાસી થયા, કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા એવું લખવાનો રિવાજ આપણે ત્યાં છે. આપણી શ્રદ્ધાને અનુરૂપ જીવાત્મા જે તે દેવની સમીપ પહોંચ્યો એમ આપણે માનીએ છીએ. એ માન્યતાને ચકાસવાની કોઈ જરૂર આપણને લાગતી નથી. માનવું હોય તે માને અને ન માનતું હોય તે નમ્રતાથી બે હાથ જોડીને શ્રદ્ધાળુની શ્રદ્ધાને વંદન કરે. નાહકનું ચોળીને ચીકણું કરનાર કે વિવાદ ઊભો કરનારનું માન રહેતું નથી. છતાં જિજ્ઞાસુઓનું મન ઠરીને બેસતું નથી. તેમની શોધ ચાલુ જ રહે છે.
સ્વર્ગ નામનો કોઈ પ્રદેશ હોય અને ત્યાં અનેક દેવોના નિવાસ સ્થાન કે નગરો હોય અને મૃત્યુ પછી આત્મા ત્યાં જતો હોય એવી કલ્પના લોકો કરતા આવ્યા છે. ‘આપ મૂઆ વિણ કોઈથી સ્વર્ગે નહિ જવાય‘ એવી કહેવત પણ ખૂબ પ્રચલિત છે. સ્વર્ગમાં જવું હોય તો આ દેહ છોડીને જવું પડે, જીવતે જીવત સ્વર્ગમાં જઈ શકાતું નથી. સ્વર્ગ એટલે સુખની પરાકાષ્ઠા! દુ:ખનું નામોનિશાન નહિ! આપણે માનતા આવ્યા છીએ કે જનેતાના ચરણોમાં સ્વર્ગ છે. જે સ્થાન પર માણસ સર્વ ચિંતાથી મુક્ત હોય અને પોતે જાણે આનંદના ઉદધિમાં પરમ તૃપ્તિ અનુભવતો હોય એવી સ્થિતિને સ્વર્ગીય સુખની ઉપમા આપવામાં આવી છે. એટલે કે સ્વર્ગનું સ્થાન આપણા ભાવજગતમાં છે. આપણે ઇતિહાસમાં શીખ્યા છીએ કે મોગલ બાદશાહ જહાંગીરે પહેલીવાર સૌંદર્યધામ કાશ્મીર જોયું ત્યારે એના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, ‘પૃથ્વી પર ખરેખર સ્વર્ગ ક્યાંયે હોય તો તે અહીં છે, અહીં છે, અહીં જ છે!‘ કોઈને સ્વિત્ઝરલેન્ડમાં સ્વર્ગ લાગે તો કોઈને કેરળના પ્રાકૃત્તિક સૌંદર્યમાં સ્વર્ગની ઝાંખી થાય. સૌંદર્ય માણસના મનની આંખોમાં છે એટલે કચ્છના રણમાં પણ માણસ સ્વર્ગની અનુભૂતિ કરે એ શક્ય છે! જ્યાંથી નજર હઠવાનું નામ નહિ લે, પગ ચોંટડૂક થઈ પડે, જ્યાંથી પાછા આવવાનું મન જ નહિ થાય એવી જગ્યા એટલે સ્વર્ગ, એવી વ્યાખ્યા કરીને આપણે મન મનાવી લીધું છે.
આપણે ઉત્તરાખંડના ચારધામની યાત્રા કરવા જઈએ ત્યારે હરદ્વાર સ્ટેશને ઉતર્યા પછી ઋષિકેશ થઈને જમનોત્રી, ગંગોત્રી બદરિનાથ અને કેદારનાથ જઈએ છીએ. હરદ્વાર માટે બે જુદા જુદા શબ્દો વપરાતા આવ્યા છે. ‘હરદ્વાર‘ અને ‘હરિદ્વાર‘ હર એટલે મહાદેવ અને હરિ એટલે વિષ્ણુ. જેને શિવલોકમાં જવું હોય તે હરદ્વારથી જાય અને વિષ્ણુલોકમાં જવું હોય તે હરિદ્વારેથી જાય; સ્થળ તો તેનું તે જ! જે હોય તે દરેકની શ્રદ્ધાનો સવાલ છે, પણ અહીંથી ઉપર ચઢતા જઈએ એટલે દેવભૂમિ તરફ આપણું પ્રયાણ થઈ રહેલું છે એમ સમજાય. યમુના એટલે યમની બહેન. સાક્ષાત મૃત્યુના દેવની એ બહેન. યમુના એ તાપીની જેમ સૂર્યપુત્રી છે. શું ઉત્તરાખંડ એ દેવોનો પ્રદેશ હશે? ગંગા નદીને સુરસરિ કહેવામાં આવી છે. ગોમુખથી ગંગા નીકળે છે અને ગંગોત્રીથી તે અઢાર કિલોમીટર દૂર છે. ગ્લેસિયરમાંથી ગંગા પ્રગટ થાય છે. શિવજીએ સ્વર્ગની નદી ગંગાને જટામાં ઝીલીને હળવેકથી પૃથ્વી પર ઊતારી તે સ્થળ ગંગોત્રી, એવું વર્ણન પુરાણોમાં આવે છે. અહીં ગૌરી કુંડ આવેલો છે. પહાડોને ચીરતો જલપ્રવાહ આગળ ભાગે છે તેને ભાગીરથી કહેવામાં આવે છે, દેવપ્રયાગ જતાં સાત નદીઓનો પ્રવાહ ભેગો થઈને ગંગા નામ ધારણ કરે છે.
કેદારનાથ પહોંચીએ, જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને ત્યાં રાત્રિવાસ કરીએ તો એવી અનુભૂતિ થાય છે કે જાણે આપણે સ્વર્ગમાં જ છીએ. આ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે તે નામ સાર્થક જ છે. બદરિનાથથી ત્રણ માઈલ દૂર આવેલા માના ગામમાં મહર્ષિ વેદવ્યાસજીની અને ગણેશજીની ગુફાઓ છે. વ્યાસગુફામાંથી વેદવ્યાસજી મહાભારતના શ્લોકો બોલે અને ગણેશગુફામાં બીરાજમાન ગણેશજી તે લખે એવી કથા છે. અહીં સરસ્વતી નદી છે. પાંડવો હિમાડો ગાળીને સદેહે સ્વર્ગે જવા પ્રયાણ કર્યું ત્યારે આ નદીને ઓળંગવાની હતી. ભીમસેને એક વિશાળ પથ્થર મૂકીને પુલ બનાવી દીધો અને તેના પર થઈને તેમણે સ્વર્ગારોહણ કીધું એવી દંતકથા છે અને એ વિગત દર્શાવતું પાટિયું પણ ત્યાં મૂકેલું છે. અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ રચાય છે. સરસ્વતી લુપ્ત થાય છે. તો શું મહાભારતમાં વર્ણવેલા સ્વર્ગના દ્વાર અહીં જ છે?
મહાભારતમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધ પહેલાં શિવજી પાસે પાશુપત્યાસ્ત્ર લેવા ગયેલા અર્જુનનું શિવજી સાથે યુદ્ધ થયું હતું. અર્જુન ઈન્દ્રનો પુત્ર હોવાથી તેની સહાય લેવા માટે તે સદેહે ઈન્દ્રપુરી ગયો હતો. પિતા ઈન્દ્ર પુત્ર અર્જુનના મનોરંજન માટે સ્વર્ગની અપ્સરા ઉર્વશીને તેની પાસે મોકલે છે. ધ્યેયનિષ્ઠ અર્જુનને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા સિવાય બીજા કશામાં રસ ન હોવાથી ઉર્વશીની પ્રણયચેષ્ટાનો કોઈ પ્રતિસાદ આપતો નથી પરિણામે અપમાનિત થયેલી ઉર્વશી અર્જુનને નપુંસકતાનો શાપ આપે છે. આ બધી કથા દ્વારા તો એવું ફલિત થાય છે કે માણસ સદેહે પણ સ્વર્ગે જઈ શકતો હશે.
વેદમૂર્તિ પદ્મભૂષણ પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજી દ્વારા સ્થાપિત ‘સ્વાધ્યાય મંડળ‘ કિલ્લા પારડીના મુખપત્ર ‘વેદસંદેશ‘ ના જુન ૨૦૧૮ના અંકમાં એક રસપ્રદ માહિતી સાંપડે છે. મહાભારત અને પુરાણકાળની ભૂગોળ સમજાવતાં સાતવળેકરજી લખે છે-
‘સ્વર્ગલોક- ત્રિવિષ્ટપતે આજનું તિબેટ. ત્રિવિષ્ટપ શબ્દનો અપભ્રંશ તિબેટ થયો છે. એ સ્વર્ગમાં મર્યા પછી જ જવાય એમ માનવાનું નથી. અર્જુન સદેહે સ્વર્ગના રાજા ઈન્દ્ર અને શંકર પાસે શસ્ત્રો લેવા સ્વર્ગમાં ગયો હતો. પાંડવો પણ સદેહે ગયા હતા. મહાભારતના સ્વર્ગારોહણ પર્વમાં તિબેટ જવાનો રસ્તો પણ બતાવેલો છે. એ પર્વ વાંચવાથી અને એ માર્ગનો નકશો જોવાથી સ્વર્ગને લગતો બધો સંદેહ દૂર થઈ જશે. ટૂંકમાં આજનું તિબેટ તે જ ત્યારનું ત્રિવિષ્ટપ સ્વર્ગ હતું. ત્યાં દેવોના રાજા ઈન્દ્ર રહેતા હતા. એનો અધિકાર સ્વર્ગ (તિબેટ), માનવલોક (આર્યાવર્ત) અને પાતાળ (કોંકણ) એ ત્રણે પર હતો. એને જ ત્રિલોક તરીકે ઓળખવામાં આવતું.
આ સ્વર્ગમાં દેવ જાતિનું રાજ્ય હતું. ત્યારના ભારતવાસીઓનું નામ આર્ય અને પાતાળ લોકનું નામ ‘સર્પલોક‘ હતું.ત્યાં સર્પજાતિના લોકો રહેતા હતા. સમુદ્ર તટનો દક્ષિણ તરફનો પ્રદેશ ‘પાતાળ‘ ને નામે ઓળખાતો હતો. એ પાતાળ દેશની કન્યાઓ સ્વરૂપવાન હતી. આર્યો તેની સાથે લગ્ન પણ કરતા. કોકણદેશ એટલે મુંબઈથી કારવાડ સુધીનો પ્રદેશ, આમ સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાળ ઉપર જણાવ્યા મુજબ હતા અને તે પ્રદેશોમાં લોકો છૂટથી આવજા પણ કરતા. માનવલોકમાંથી ઘણાં વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવા એ જ સ્વર્ગમાં તિબેટ જતા અને ત્યાં દેહમુક્ત થતાં. એટલે જ સ્વર્ગવાસ, કૈલાસવાસ, વૈકુંઠવાસ એ શબ્દો મૃત્યુવાચક હતા અને આજે પણ મનાય છે. જીવનને અંતે ત્યાં જઈને દેહત્યાગ કરવો એ શ્રેષ્ઠ પુરુષો માટે ઉત્તમ માનવામાં આવતું હતું.
ભૂતલોક એટલે આજનું ભૂતાન. મરણ પછી ભૂત થનારાઓનું ભૂતલોક એ માન્યતા બરાબર નથી. ભૂતલોક નામની માનવજાતિ હતી. અને એમનો રાજા કૈલાસમાં રહેતો હતો. એ લોકો પણ ભારતમાં આવતા અને ભારતના લોકો કૈલાસમાં જઈને રહેતા. વૈકુંઠ એ ઉપેન્દ્રનું સ્થાન હતું. આજે પણ ત્યાં વિષ્ણુપદ મોજૂદ છે. સ્વર્ગદ્વાર, સ્વર્ગકપાટ, વિષ્ણુપદ આજે પણ મોજૂદ છે. ઈન્દ્ર- ઉપેન્દ્ર એ પ્રમુખ- ઉપપ્રમુખની માફક માનવાના છે. ઉપેન્દ્ર ભારતના રાજ્યવ્યવહારની સંભાળ રાખતા એટલે એમને નારાયણને નામે ઓળખવામાં આવતા. નારાયણનો અર્થ થાય નરેષુ અયનમ યસ્યા- માનવલોકમાં જે આવજા કરે તે. ગંગા નદીને ત્રિપથગા (ત્રણે લોકમાં વહેતી નદી) કહેવામાં આવી છે કેમ કે તિબેટ, આર્યાવર્ત અને સમુદ્રતલ પ્રદેશમાં વહે છે.
ગંધર્વલોક- અપ્સરાઓનો દેશ મધ્ય હિમાલયમાં છે. અહિગણ દેશ અફઘાનિસ્તાન- અફઘાન છે. એ પિશાચ દેશ હતો. પિશાચનો અર્થ ‘પિશિતાસ‘ છે એટલે લોહી પીનારા માંસભક્ષી. એને મરણ પછીની પિશાચયોનિ ગણવાની નથી.
અસીરિયા એટલે અસુર દેશ. ત્યાંના લોકો અસુર લોક તરીકે ઓળખાતા. દાન્યુબ નદીની પાસેનો પ્રદેશ ‘દાનવ‘ ને નામે ઓળખાતો. અસુર અને દાનવ એ બે જુદા હતા. બાક્ટ્રિઆ દેશમાંથી બક લોકો ભારતમાં આવ્યા હતા. એ બક લોકોને ભીમસેને માર્યા હતા. વૃત્ર દેશ દક્ષિણ રશિયામાં હતો. અને ‘રાક્ષસ‘ રશિયાના રહેવાસી હતા. આ લોકો આર્યને સતાવતા. તેમને હઠાવવા માટે ઉપેન્દ્રે- વિષ્ણુએ પ્રયત્ન કરવો પડતો.
સાતવળેકરજીના મત મુજબ તો તિબેટનો પ્રદેશ એ સ્વર્ગ હોવો જોઈએ. જો આ વાત સત્ય હોય તોયે એક સવાલ તો મનમાં ઊભો જ રહે છે કે એક વેળાના સમૃદ્ધ સ્વર્ગનું પતન ક્યારે થયું, કેવી રીતે થયું, દેવતાઓ બધા ક્યાં ગયા સ્વર્ગની જાહોજલાલી ક્યાં અદૃશ્ય થઈ ગઈ. શું આખી દેવસૃષ્ટિ અંતરિક્ષમાં ચાલી ગઈ હશે? વિજ્ઞાનીઓએ મોકલેલા અવકાશયાનોના કેમેરા પણ એ દેવસૃષ્ટિની તસવીરો લઈ શક્યા નથી. તો શું સ્વર્ગ કપોળપલ્પિત સ્થાનનું નામ છે? એમ લાગે છે કે ફિલોસોફી, વિજ્ઞાન અને સાહિત્યિક વાર્તાઓનું કચુંબર થઈ ગયું છે!
પ્ર. મિ.