મંદિર નિર્માણની જરૂર શેને માટે?

Swaminarayan_Temple_Mathura

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે, પળ પળ તારાં દરશન થાયે દેખે દેખનહારા રે

નહીં પૂજારી નહીં કો‘ દેવા, નહીં મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા,ચાંદો સૂરજ તારા રે

ઈશ્વરની સર્વવ્યાપકતાનો ખ્યાલ આપતી આ પ્રાર્થના પ્રાથમિક શાળામાં ભણતી વખતે બેહદ ગમી ગયેલી. બીજી એક પ્રાર્થના ‘વંદન લે તું અમારાં, પ્રભુજી! વંદન લે તું અમારાં…‘ આખી તો યાદ નથી, પણ ‘કુંજ નિકુંજે પોઢણ તારા, ગિરિ શિખરે સિંહાસન ઢાળ્યા.. ફૂલડે ફૂલડે હસવાં તારાં, કલકલતાં ઝરણાંમાં તારા ઝાંઝર ઝણકંતા..‘ જેવા ત્રુટક ત્રુટક શબ્દો દ્વારા પણ સમજાય તેમ છે કે સર્જનહાર પોતે પોતાના સર્જનમાં છુપાયો છે! એને અન્યત્ર આવાસ ફાળવવું એ ગુસ્તાખી છે! અપમાન છે. એને રહેવા માટે આપણે મંદિર બનાવવું પડે એ તો એના સર્વશક્તિમાનપણામાં કરેલી શંકા છે. સર્વવ્યાપકને તે કદી કેદ કરી શકાય? આપણા ભગવાનને એટલો લાચાર તો ન જ બનાવવો જોઈએ કે એ આપણી દયા પર જીવે અને આપણે રાખીએ તેમ તે રહે!

કોલેજમાં ભણતા ત્યારે ‘ઈશ્વરે ઘર બદલ્યું‘ નામનું એક નાટક આવેલું. અમારા પ્રોફેસર ડૉ. ગોઠવરીકર મજાકમાં કહેતા કે, ‘ઈશ્વર અમેરિકા ચાલ્યો ગયો છે! નાલાયક લોકોએ મંદિરો અને તીર્થસ્થાનોને ઈશ્વરને રહેવા લાયક રહેવા દીધાં હોય તો ઈશ્વર અહીં રહે ને! આટલી સંકુચિતતા, ગુંગળામણ, ગંદકી, અસભ્યતા, અબૌધ્ધિકતા કંઈ ઈશ્વરને ગમે ખરી?‘ અને પછી ધર્મના થયેલા  વ્યાપારીકરણ પર આક્રોશભર્યા શબ્દો દ્વારા એમનો પૂણ્ય પ્રકોપ ઠાલવતા. ‘પેટભરુ લોકો‘ અને દંભીઓ પ્રત્યે તેમને તીવ્ર રોષ હતો.

મૂળ વાત, ‘ભગવાન છે જ‘ એ માન્યતા સ્વીકાર્યા પછી સવાલ એ પેદા થાય જ કે તે ક્યાં છે? ‘મને કહોને પરમેશ્વર કેવા હશે? કેવા હશે ને ક્યાં રહેતા હશે? આંબાની ઊંચી ડાળે ચડીને કેરીના મૂકનાર કેવા હશે!- પ્રીતમલાલ મજમુદાર રચિત આ બાળગીતમાં બાળઝંખના કે બાળજિજ્ઞાસાના રૂપમાં ઈશ્વરને શોધવાનો પ્રયાસ થયો છે. ભગવદ્ ગીતામાં ભગવાનના શ્રીમુખેથી કહેવાયું છે કે, ‘સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટ: ‘ એટલે કે દરેકના હૃદયમાં હું રહેલો છું. હૃદય ચીરનારા સર્જ્યનોને કોઈના હૃદયમાં ઈશ્વર દેખાયો છે કે કેમ તે ખબર નથી, પણ હવે તો શંકા પડે છે કે, માણસે પોતાના હૃદયને પણ એટલી હદે દૂષિત કરી નાંખ્યું કે ઈશ્વરે ત્યાંથીય હૃદયવટો લઈ લીધો હોય. એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં આપણે ત્યાં મંદિરો નહોતા. મૂર્તિપૂજા ય નહોતી. આર્યો તો યજ્ઞો કરતા અને દ્રવ્યયજ્ઞ સાથે જ્ઞાનયજ્ઞ કરતા- એ રીતે સંસ્કૃતિનો અથવા સભ્યતાનો પ્રચાર કરતા.

મંદિરો ક્યારથી, કોણે, કયા હેતુસર ચાલુ કર્યા તેની પળોજણ છોડીને મંદિરો કેવા હોવા જોઈએ, મંદિરોમાં કઈ પ્રવૃત્તિ થવી જોઈએ એના વિષે સ્વ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ જે નવતર વિચાર અને પ્રયોગ કરી જોયો તે જાણવા જેવો છે. તેમની કલ્પના પ્રમાણે ગામમાં જેમ મારું ઘર હોય તેમ ભગવાનનું પણ એક ઘર હોવું જોઈએ. ભગવાન તો સર્વવ્યાપક છે, એને કોઈ ઘર કે મંદિરની ગરજ નથી, પણ મને તેની ગરજ છે! સર્વવ્યાપક ભગવાનની અનુભૂતિ લેવા જેટલી મારી બુદ્ધિ પુખ્ત થઈ નથી એટલે મેં અવિવેક કરીને તેને સીમિત બનાવ્યો. ભગવાન મારી સમીપમાં જ છે એમ મને લાગે તો હિંમત રહે. પણ ભગવાનના સામીપ્યથી જેમ હિંમત રહે, તેમ ડર પણ રહે! સર્વાન્તર્યામી અને સર્વશક્તિમાનની હાજરીમાં આડુંઅવળું કંઈ કરાય તો નહીં જ, પણ વિચારી સુદ્ધાં ન શકાય. માણસે શિસ્ત, સંયમ અને સભ્યતાથી વર્તવું પડે. (જો કે એટલી સીમિત જગ્યામાં પણ સખણાં રહેવાનું અઘરૂં થઈ પડે છે!) પણ ઈશ્વરને હૃદયમાં, ઘરમાં કે ગામમાં બેસાડનાર બેજવાબદાર રહી શકે નહીં. ઈશ્વરના અસ્તિત્વમાં માનવું અને તેના સાંન્નિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરવો એ મોટી જવાબદારીનું કામ ગણાય. દુર્ભાગ્યે આપણા લોકોમાં એવી ભયંકર ગેરસમજ છે કે મંદિર બાંધવાથી મોટું ધર્મકાર્ય થઈ ગયું અને ચિત્રગુપ્તના ચોપડામાં આપણા ખાતે પૂણ્ય જમા થઈ ગયું. મંદિર જેમ ઊંચું, ભવ્ય અને વિશાળ; ધજા જેટલી ઊંચી ફરફરે તેટલો આપણો ધર્મ કે સંપ્રદાય વધુ મહાન!

પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ કહેલું કે, કાલ ઊઠીને ભારત મહાન વિશ્વસત્તા બને (આપણાં લક્ષણો પરથી એવું બને એવી શક્યતા તો જણાતી નથી છતાં ધારવામાં શું જાય છે?) તો દુનિયાભરના લોકો આપણા દેશની મુલાકાત લેવા આવે, આપણી પાસેથી કંઈક શીખવા આવે ત્યારે આપણે તેમને શું બતાવીશું? ભાખરા નાંગલનો ડેમ બતાવીશું? તાજમહેલ બતાવીશું? બહુમાળી વસાહતો બતાવીશું? ભવ્ય, આલિશાન, સોનેમઢેલ શિખરોથી શોભતા મંદિરો બતાવીશું? એ કંઈ વિશેષ વાત નથી. એવી સિદ્ધિ તો વિદેશો પાસે આપણા કરતાં વધારે હશે. એકલી સ્થાપત્ય કળાથી કોઈ સમાજ ઊંચે નથી આવી જતો. માણસ તરીકે આપણે સમાજમાં માનવ્ય કેટલું વિકસાવ્યું તે વાત અગત્યની છે. માણસ તરીકે આપણામાં રહેલા દોષોને અંકુશમાં રાખવા આપણે કઈ સિદ્ધિ હાંસલ કરી, સદ્ ગુણો બહાર લાવવા માટે શું કર્યું, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સત્વ ગુમાવ્યા વગર  ટકી રહેવાની કોઈ શક્તિ કે સમજણ કેટલે અંશે પ્રાપ્ત કરી, સુખ અને દુ:ખ સામે જોવાનો કયો દૃષ્ટિકોણ સમાજમાં ઊભો કર્યો, માણસ- માણસ વચ્ચે રહેલા ઊંચ નીચના, ગરીબ- તવંગરના, ભાષાના, પ્રદેશના, માલિક- મજૂરના ભેદભાવો કેટલે અંશે દૂર કરી શકયા, જીવન તરફ, બીજા માણસ તરફ અને પ્રકૃતિ તરફ જોવાનો ભોગનો દૃષ્ટિકોણ કેટલે અંશે બદલાયો?-…આ બધા મુદ્દા પર ચિંતન કરવા જેવું છે. મંદિરોમાં આ સમસ્યાઓના સમાધાન માટે કોઈ નક્કર પ્રયાસો થતા હોય તો ઠીક છે, નહિતર કેવળ મોટાઈ માટે, લોકો પાસે પૈસા ઉઘરાવી, મફતમાં જમીન કે મટિરિયલ્સ મેળવી ઈમારત ઊભી કરવી બેકાર છે. એ માત્ર સ્થાપત્યનો નમૂનો બનશે, એથી વિશેષ કંઈ જ નહીં. આપણે ઈમારત નહીં, આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી છલકાતો માણસ અને એવો જ ગૌરવવંતો સમાજ ઊભો કરવાનો છે.

            મંદિરને પ્રદર્શનનો વિષય બનાવવાને બદલે મંદિર વિષે વિશિષ્ટ ભાવ જાગૃત કરવાનો છે. ગામના લોકોએ સ્વેચ્છાએ કાઢેલી જગ્યા પર, ગામમાં શેઠ કે મજૂર કોઈ જાતના ભેદભાવ વગર શ્રમ કરી જમીન સમથળ કરે, કોઈ જાતની દિવાલ કે ધાબું સુદ્ધાં ભર્યા વગર ઘાસ, વેલાથી, વાંસ કે લાકડા (અથવા એંગલ)ના ટેકે ઊભા કરેલા મંદિરમાં આરસની જગ્યાએ લીંપણ હોય, ભવ્ય દેદિપ્યમાન મોંઘી મૂર્તિને બદલે કેવળ ફોટા હોય, મંદિરને તાળાં ન હોય, મંદિર ત્રણ બાહુથી ખુલ્લું હોય. દર વર્ષે પગારદાર પૂજારીને બદલે ગામના લોકો જ તેમના વારા પ્રમાણે મંદિરની સાફસૂફી, ફૂલોનો શણગાર (એ જ પૂજા!) કરે, સાંજે સૌ સાથે મળી પ્રાર્થના કરે, કોઈના જીવનમાં આવેલી સમસ્યા જાણીને તેને હૂંફ આપે તેમના માર્ગદર્શક બને. કોઈના ઓશિયાળા થયા વગર ગામની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે સૌ સાથે મળીને પુરુષાર્થ કરે. ભગવાનને પ્રિય એવા, માનવ્યને ઊંચું લાવનારા, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તેવા તેજસ્વી વિચારોનો સ્વાધ્યાય થાય. પરસ્પર સ્નેહભાવ વધે, પરમેશ્વરના આશીર્વાદ મળે તેવા સત્કાર્યોનું આયોજન થાય અને સમગ્ર ગામ એક કુટુંબની જેમ વર્તે. એ જોઈ ભગવાનનું હૈયું પણ હરખાય અને તેને અહીં વસવાનું મન થાય. ટૂંકમાં કહીએ તો મંદિરો ગામના સોસિઓ- ઈકોનોમિક પ્રોબ્લેમ્સ દૂર કરનારા કેન્દ્રો બને. . આ માત્ર કલ્પના નથી, એવા કૂટિર મંદિરોના સંનિષ્ઠ અને સફળ પ્રયત્નો થઈ ચૂક્યા છે. આપણો આખો દેશ મંદિરોની ઈમારતો (દહેરાંથી) ઊભરાય છે, નવી ઈમારતોની કોઈ જરૂર જ નથી; જો સાચે જ કોઈ જરૂરત હોય તો તે છે મંદિર પાછળ રહેલ ભાવનાનો જીર્ણોદ્ધાર કરવાની.

લેખક- સર્જક: પરભુભાઈ એસ. મિસ્ત્રી

૫૪- શ્રી રામનગર સોસાયટી.

કબીલોર, ગ્રીડ, નવસારી

પીન- 396424

સંપર્ક: 02637-236312 મો. 9327431312

email- parbhubhai@gmail.com

Leave a comment