શ્રમનું વિભાજન: એક સુવ્યવસ્થા

એક સમૃદ્ધ પરિવારમાં ચાર પુત્રવધૂઓ હતી. સાસુમાને થયું કે આજ સુધી તો મેં પરિવારને સારી રીતે સાચવ્યો. ઘરનું સંચાલન, સામાજિક ફરજો તમામ જવાબદારી મારી એકલીના શિરે હતી. ઘણી તકલીફો પડી, પણ મારી હયાતિ પછી એવું ન બનવું જોઈએ કે કોઈ એકલીના માથે જ બધું આવી પડે. એવું પણ ન બનવું જોઈએ કે ઘરની જવાબદારીમાંથી સૌ હાથ ઊંચા કરી દે! આવું થાય તો તો વરસોની મહેનત અને કાળજી કુનેહથી ઊભી કરેલી સમૃદ્ધિ નાશ પામે અને પ્રતિષ્ઠાનું યે પડીકું વળી જાય. અગમચેતી દાખવીને મારે હવે એ નિર્ણય લેવો જોઈએ કે ઘરની કઈ જવાબદારી કઈ વહુને સોંપવી. આમ તો ચારેચાર પુત્રવધૂઓ સંસ્કારી છે, સક્ષમ છે તેમ છતાં એકવાર તેમની પરીક્ષા મારે લેવી જોઈએ. તેમની રૂચિ શેમાં છે તે જાણ્યા પછી જવાબદારી સોંપાય તો તે ભારરૂપ નહીં લાગે અને મન મૂકીને ફરજ નિભાવે.

એક દિવસ સાસુમાએ ઘરની મોટી વહુને ડાંગરના પાંચ દાણા આપ્યા  અને તેને કહ્યું કે આ તને સાચવવા માટે આપું છું. મને જરૂર પડે ત્યારે તારી પાસેથી માંગીશ. આ રીતે વારાફરતી બાકીની વહુઓને પણ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને માગું ત્યારે મને પાછા આપજો એમ જણાવ્યું. આ દાણા સાચવવા આપવા પાછળનો હેતુ તો ફક્ત સાસુને જ ખબર; વહુઓને તો એટલી જ ખબર કે સાસુમા જ્યારે માંગશે ત્યારે એ પાછા આપવાના છે. એક વહુને લાગ્યું કે ઘરમાં કોઠારમાં અનાજના આટલા દાણા ભર્યા છે, સાસુમા જ્યારે માંગશે ત્યારે કોઠારમાંથી પાંચ દાણા કાઢીને આપી દેવાશે, આ પાંચ દાણાને અલગથી સાચવવાની જરૂર નથી એમ સમજીને તેને ફેંકી દીધ!. બીજીએ એક નાની ડબ્બીમાં એ દાણા સાચવી રાખ્યા. ત્રીજી વળી એ દાણા છોલીને ચોખા ખાઈ ગઈ. ચોથીએ શું કર્યું તે ખબર ન પડી.

ચાર પાંચ વરસ પછી સાસુમાએ ચારે વહુઓ પાસેથી એ દાણાની ઉઘરાણી કરી. પહેલી તો તરત જ જઈને કોઠારમાંથી પાંચ દાણા ગણીને કાઢી લાવી અને સાસુના હાથમાં મૂક્યા. બીજી વહુ એના કબાટમાંથી ડબ્બી શોધી લાવી અને તે ખોલીને પાંચ દાણા જે હતા તે કાઢી આપ્યા. ત્રીજીએ કહ્યું કે મારી પાસે તે દાણા નથી. એ દાણા તો હું ખાઈ ગઈ હતી! ચોથીને પૂછ્યું કે મેં તને પાંચ દાણા આપેલા તે ક્યાં છે. તેણે નમ્રતાથી કહ્યું કે ‘મા, તે દાણા અત્યારે હું હાજર કરી શકું તેમ નથી. તે લાવવા માટે તો તમારે મારા પિયરમાં ગાડું મોકલવું પડશે‘. સૌને નવાઈ લાગી કે પાંચ દાણા લાવવા માટે વળી ગાડું મોકલવાનું હોય! એની વાત કોઈને સમજાઈ નહીં. સાસુમાએ એ જાણવા માગ્યું કે એણે આપેલા પાંચ દાણાનું એણે શું કર્યું. વહુએ જણાવ્યું કે તમે આપેલા પાંચ દાણા મારા પિયરમાં મે વાવ્યા. તે પાંચ છોડ પર કંટી આવી અને તેમાં અનેક દાણા આવ્યા. પાંચ દાણાના પાંચસો થયા. એ તમામ દાણાને બીજે વરસે મેં વાવ્યા તો પાંચસો છોડ પર એટલા બધા દાણા આવ્યા કે એક ગુણ ભરાઈ ગઈ. બીજે વર્ષે તે વાવ્યા તો કોઠી ભરીને ડાંગર પાકી. દાણા વધતા જ ગયા. આજે મારા પિયરમાં એટલા બધા દાણા છે કે તેને લાવવા માટે ગાડું જ મોકલવું પડે. તમે આપેલા પાંચ દાણાનો એ પ્રતાપ છે.

ચારેચાર વહુ ગુણિયલ હતી. સાસુમાને વહાલી હતી પણ દરેકની કાર્યક્ષમતા અને વૃત્તિ જુદી જુદી હતી એ સાસુમાને સમજાઈ ગયું. ઘરના બધાં જ કામો સરખાં મહત્ત્વના છે. કોઈ કામ હલકું નથી. દરેક કામ અગત્યનું છે. ક્યારેક કોઈ કામ જેને સોંપાયું હોય તે વ્યક્તિ ઉપલબ્ધ ન હોય તો ઘરના અન્ય કોઈ પણ સભ્યે તે જાતે કરી લેવું પડતું હોય છે. ઘરના કામમાં બાદશાહ ગુલામ એવી કહેવત છે. પછી સાસુમાએ ચારે વહુઓને તેમની વૃત્તિને અનુરૂપ કામ વહેંચી આપ્યાં. ઘરની જવાબદારી વહેંચી આપી. જેને ફેંકતા આવડતું હતું તેને ઘરની સાફસૂફીનું કામ સોંપ્યું. કઈ વસ્તુ જરૂરી છે ને કઈ જરૂર વગરની છે એનો ખ્યાલ રાખીને ઘરની ચીજવસ્તુઓને ગોઠવવાની કે નિકાલ કરવાની અને ઘરને સુઘડ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. બીજીને ઘરનું રસોડું સોંપી દીધું. એને ચાખતાં સારું આવડતું હતું! ત્રીજીને તિજોરીની ચાવી આપવામાં આવી.તેની સાચવણી સારી હતી. પણ ચોથીને? ચોથીને પરિવારની મુખ્ય વ્યક્તિ બનાવી ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી. આમાં કોઈને સજા કરવાનો કે કોઈને સરપાવ આપવાનો સવાલ નથી, પણ જેની જે કામમાં નિપુણતા છે તે મુજબનું કામ તેમને સોંપાયું. સાસુમાને નિરાંત થઈ ગઈ કે હું નહીં હોઉં ત્યારે પણ મારી વહુઓ પરિવારને સારી રીતે ચલાવશે, સૌની કાળજી લેવાશે, પરિવાર પ્રગતિ કરશે અને એની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતી રહેશે. ચારે વહુઓ સંસ્કારી છે, પરિવારને સમર્પિત છે અને પરસ્પર લાગણીવાળી છે. ‘પુત્રવધૂઓની પરીક્ષા‘ નામનો એક પાઠ પ્રાથમિક શાળામાં ભણવામાં આવેલો તેની આ વાત છે.

આપણે આપણા ઘરમાં સામાજિક પ્રસંગ લઈને બેઠા હોઈએ ત્યારે આપણાં ઘણાં બધા સગાં સ્નેહી અને મિત્રો ભેગાં થાય છે. પ્રસંગને સારી રીતે પાર પાડવા માટે તેઓ કોઈ ને કોઈ જવાબદારી લેવા ઉત્સુક હોય છે, પણ દરેકની સમજણ, રૂચિ, કેપેસીટી જુદી જુદી હોય છે, તેથી તે ઓળખીને તે મુજબ તેમને કામ સોંપવામાં આવે તો તેઓ ઉમંગભેર અને પૂરતી ચોકસાઈથી તે કામગીરી બજાવે છે. પોતે કામ આવ્યાનો તેમને ય આનંદ અને આપણું કામ સારી રીતે પાર પડ્યાનો આપણનેય આનંદ. કોઈ પરાયું નથી, કોઈ નકામું નથી. કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક વ્યક્તિની ભાગીદારી, દરેકની ઉપયોગિતા અને દરેકનું સરખું મહત્વ જળવાય છે. કોઈને એમ નહીં લાગે કે અમે તો નકામા અટવાયા! પાંચ આંગળીઓ કદી સરખી હોતી નથી. દરેકનું કામ જુદું પણ કોઈ કામ હલકું કે ઉતરતું નહીં. દરેક કામ અતિ મહત્વનુ. દરેક માણસ પણ સરખા મહત્વનો.

નાનામોટાં મંડળોથી માંડીને કોઈ સંસ્થા, સંગઠન કે તંત્રમાં પણ લગભગ આ જ રીતે વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. કોઈક ઉદ્યોગગૃહ હોય તો પ્રોડક્શન સાથ સંકળાયેલા કર્મચારીઓનો એક વર્ગ હોય છે. તેમના કામનું સુપરવિઝન કરનાર બીજો એક વર્ગ હોય છે. તેનાથી ઉપર ત્રીજો એક વર્ગ હોય છે જે નિષ્ણાતોનો વર્ગ છે. તેઓ અવારનવાર અપડેશન કરતા રહે છે અને સૌથી ઉપર એક વર્ગ એવો છે જે નીતિ વિષયક નિર્ણયો લે છે. કામ કરવાની ક્ષમતા અને અનુભવને આધારે તેમને પ્રમોશન પણ મળતા રહે છે. ઉદ્યોગગૃહની પ્રગતિમાં તમામ સરખા હિસ્સેદાર હોય છે. સમય સમય પર સાચા નિર્ણયો લેવાવા જોઈએ. એ નિર્ણયોને અનુરૂપ પ્રોગ્રામ સેટ થવા જોઈએ. તે ગુણવત્તા મુજબ વર્કરોએ કામ કરવું જોઈએ. આ બધામાં ક્યાંક પણ ચૂક થાય તો વ્યવસ્થા ખોરવાય છે અને ધારેલા પ્રોજેક્ટ સમયસર પાર પડતા નથી. દરેક વર્ગ વચ્ચે સાયુજ્ય હોવું જરૂરી છે.

આપણા સરકારી તંત્રોમાં પણ સ્ટાફ વચ્ચે વ્યવસ્થાના ભાગરૂપે એક ભેદરેખા હોય છે. કામના પ્રકાર અને જવાબદારી મુજબ ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓ હોય છે ત્યારબાદ ક્લાસ વન, ક્લાસ ટુ ઓફિસર કે મેનેજરો હોય છે.અને નિર્ણયો લેનાર, પોલીસી ઘડવાનું કામ સરકાર કરતી હોય છે. આ સૌ વચ્ચે સમજદારી હોય, કોઓર્ડિનેશન હોય તો તંત્ર સારી રીતે ચાલે છે.. જો વ્યવસ્થા ઢીલી તો તંત્ર ઢીલું અને વ્યવસ્થા જડબેસલાક હોય તો તંત્ર વધારે કાર્યક્ષમ પુરવાર થાય છે.

આ વ્યવસ્થા દુનિયામાં સઘળે જોવા મળે. જે પીંડે તે બ્રહ્માંડે. આપણા શરીરમાં દરેક અંગો કામના છે અને દરેકનું મહત્ત્વ છે, પણ વિચાર કરવાનું અને નિર્ણયો લેવાનું કામ મગજ કરે. સંરક્ષણ કે આક્રમણ કરવા માટે આપણા હાથ તત્પર જ હોય. કામ કરવા માટે શક્તિ જોઈએ. ખોરાક પચાવવાથી માંડી તેનું લોહી બનાવી તેને સતત ફરતું રાખીને પુરવઠો પહોંચાડવાનું કામ પેટ કરે અને કામ કરવા કે સેવા કરવા શરીરને ઊંચકીને ફેરવવાનું કામ પગ કરે. પગમાં ઘા થાય તો મગજમાંથી હુકમ છૂટે અને હાથ તરત જ મદદે પહોંચે, લોહીનો વધુ પુરવઠો મોકલાય. શરીરનું સમગ્ર તંત્ર સક્રિય થઈ જાય. આજ ફોર કાસ્ટ સિસ્ટમ તો નથી ને?

સમાજ એ ઘણા બધા માનવોનો બનેલો સમુદાય છે. સમાજમાં જીવનની આવશ્યકતાઓનું ઉત્પાદન કરનાર વર્ગને ઉત્પાદક નામ આપીએ. રોટી, કપડા અને મકાન, દવા, શિક્ષણ, મનોરંજન એ જરૂરી વસ્તુઓ છે. અને તેની સાથે સંકળાયેલો વર્ગ પણ ઉત્પાદક જ ગણાય. આ  સેવાનું કામ છે. સફાઈ કરવી એ જ એકમાત્ર સેવા નથી.આજે જુદી જુદી સર્વિસ આપનારા સેન્ટર ખૂલ્યાં છે. જેઓ તાકીદે સેવા અપે છે અને યોગ્ય ચાર્જ લે છે. ઉત્પાદન કરનાર વર્ગ જાતે સમાજમાં ફરીને તેનું ઉત્પન્ન પહોંચાડી શકતો નથી એટલે એ બધાંની કિંમત આપીને એકત્ર કરી તેના પર પોતાનું યોગ્ય મહેનતાણું ચડાવીને સમાજમાં વિતરણ કરનારો એક વર્ગ ઊભો થયો.. તેને વિતરક કહીએ. કોઈપણ સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો આ ઉત્પાદક અને વિતરક વર્ગ સક્ષમ હોવા જોઈએ. તો અને તો જ જરૂરિયાની વસ્તુઓ સમાજના એકેએક માણસ સુધી પહોંચી શકે.

આવા સમૃદ્ધ સમાજ પર બહારના આક્રમણનો ભય રહે. સુવ્યવસ્થા ઢીલી પડેતો આંતરિક પ્રશ્નો પણ ઊભા થાય. તેથી સલામતી અને સુરક્ષા માટે સંરક્ષક વર્ગ હોય. અને તમામ લોકોએ અંગત તેમજ જાહેર જીવન કેવી રીતે જીવવું તેની કેળવણી આપનાર ચિંતકોનો એક વર્ગ હોય. આ ચારેચાર વર્ગ વચ્ચે સાયુજ્ય હોય, એકરાગિતા હોય, અનુકૂલન હોય તો સમાજ સ્વસ્થ રહે.  જેને આપણે ઉત્પાદક વિતરક, સંરક્ષક અને ચિંતક નામ આપ્યાં તેને જ અંગ્રેજીમાં પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યૂટર, પ્રોટેક્ટર અને થિંકર કહેવાય. આપણા સૌના પૂર્વજ એવી આર્ય પ્રજાએ એને શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ નામ આપ્યાં એમાં ખોટું શું છે? ખોટું એ થયું કે આપણે વર્ણને વર્ગ સમજવાને બદલે જ્ઞાતિ સમજી બેઠા અને તેમાં ઊંચનીચના ભેદ દાખલ થયા. અપડેશન કરીને રજુ કરવામાં આવે તો શ્રમ વિભાજન કરનારી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા જગતની શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

પ્ર. મિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s