जय जय गिरिबर राज किशोरी, जय महेश मुख चंद्र चकोरी।
નવસારીના લુન્સીકૂઈ મેદાન પર શ્રી પ્રેમચંદ ભાઈ લાલવાણીએ અત્યંત ભાવપૂર્વક ખુલ્લા દિલે પૈસા ખરચીને ઊભા કરેલા કથામંડપમાં પરમ આદરણીય પૂ. મોરારિદાસ હરિયાણી કે જેઓ મોરારિબાપુના નામથી જ વિશેષત: ઓળખાતા આવ્યા છે તેમની નવસો ચૌદમી કથાનો ગઈકાલે શુભારંભ થયો. પહેલા જ દિવસે સભામાં ઉમટેલી મેદની જોઈને બાપુ પ્રસન્ન થઈ ગયા. ગઈકાલે મારાથી જઈ શકાયું નહોતું એટલે યુ ટ્યૂબ પર સાંભળી લીધું અને આજના સવારના અખબારમાં થોડી માહિતી વાંચી લીધી. શારીરિક અસ્વસ્થતાને કારણે વધારે વખત બેસવામાં મુશ્કેલી હતી છતાં કથામંડપની પોઝિટીવિટીનો લાભ લેવા મન આકર્ષાયું એટલે સાડા નવ વાગ્યે પ્રવેશ મેળવ્યો. કથા દસ વાગ્યે શરૂ થવાની હતી.
બરાબર દસના સમયે બાપુ પધાર્યા. આજે ઔપચારિકતાને ઝાઝો અવકાશ નહોતો. કથા કેવળ કથા માટે જ હતી. એની પછવાડે ફંડ ઉઘરાવવાનો કોઈ આશય નહોતો. યજમાન પોતે પણ વિનમ્ર હોવાથી બીનજરૂરી ઔપચારિકતા ટાળીને પૂ. મોરારિબાપુની અમૃતવાણીનો જ બને તેટલો લાભ લેવા ઉત્સુક જણાયા. ભાવિકોને મન તો ઘર બેઠા ગંગાજી પધાર્યા હતા. એટલે માનસ સરિતામાં ડૂબકી લેવા તત્પર હોય જ. ઘણા સમય પછી પૂ. મોરારિબાપુના પ્રત્યક્ષ દર્શન કરવાની અમૂલ્ય તક તો શેં ચૂકે?
જનકપુરીના ઉદ્યાનમાં સહેલીઓ સંગ ઉમા ભવાનિની પૂજા કરવા ગયેલાં સીતાજી ભવાનિની જે સ્તુતિ કરે છે ત્યાંથી ગઈકાલે શરૂઆત થઈ હતી. મને એવો ખ્યાલ હતો કે સ્તુતિ પૂરી થઈ ગઈ હશે અને આજે તો કથા આગળ ચાલશે. વ્યાસપીઠ પર આસન ગ્રહણ કર્યા બાદ માઈક પર બાપુએ જે ધ્યાનમંત્રોનું ગાન કર્યું તે મને બિલકુલ સમજાયું નહીં. એક પણ શબ્દ મારાથી પકડાતો નહોતો. આમ તો બાપુનો અવાજ બુલંદ અને ઉચ્ચારો સ્પષ્ટ આવતા હોય છે, પણ મને આજે બરાબર સંભળાયું નહી, સમજાયું નહીં. અલબત્ત, એ મારું અજ્ઞાન જ હતું. બાપુનો વાંક તો ક્યાંથી હોય. શરૂઆતની લગભગ બેતાલીશ મિનિટ એવી ગઈ કે મારું અવળચંડુ મન અવળા વિચારે ચડી ગયું. ગુંગો બોલે તે ગુંગાની મા જ સમજે! તેમ ભક્ત બોલે તે ભગવાન જ સમજે, બીજાની એમાં ચાંચ ન ડૂબે. આજના વિષય પર આવતાં પહેલાં મનની યોગ્ય સ્થિતિ સ્થાપિત કરવા એ બધું જરૂરી હોય છે. અમારા બાપદાદાઓ સુથારીકામ કરતા. લોકોને ત્યાં રોજ પર કામ કરવા જાય ત્યારે કામ શરૂ કરતા પહેલાં પથરી કે નિહાણા પર ઓજારની ધાર કાઢવા બેસે. અડધો કલાક તો એ રીતે કામ કર્યા વિના જ જાય છે એમ ઘરધણીને લાગે. કોઈ આખાબોલા હોય તે મોઢા પર ચોપડાવે પણ ખરા કે આજના રોજમાંથી અડધા કલાકની મજૂરી કપાઈ જશે! હથિયારોની ધાર ઘરેથી જ કાઢી લાવવી જોઈએ નૈ! એમ તો હજામ પણ દાઢી પર સાબુ લગાડી દીધા પછી ચામડા પર અસ્તરો ઘસીને ટાપ ટીપ અવાજ કરવા માંડે. લોકો તેને પણ કહેતા કે ઘરથી જ અસ્તરાની ધાર કાઢી લાવતાં શું થાય! ટિકા કરનારાની બુદ્ધિ પર દયા આવે એવી વાત છે. એ ચામડા પર ટાપટીપ અસ્તરો ઘસવાથી કંઈ ધાર ન નીકળે! એ તો સાબુના ફીણથી દાઢી પરના વાળ નરમ થાય ત્યાં સુધી નવરા બેસીને રાહ જોવા કરતાં આ રમતમાં સમય પસાર કરતો હોય છે.
પણ હથિયાર ઘસવાની અને ધ્યાનમંત્રો બોલવાની ક્રિયા એકસરખી નથી. એની પરસ્પર સરખામણી કરવામાં અવિવેક છે. પણ મન કોને કહે, એ તો ગમે તે વિચારવા લાગી જાય.
એસીની વ્યવસ્થા કરેલી હોવાથી ઝીણી વાછટ જેવા ફુવારા ચાલુ થઈ ગયા. થોડા વખત પછી બંધ થશે એમ ધારેલું હતું, પણ એ ઝીણી વાછટ ચાલુ રહી. છત પર ધુમ્મસ છવાયા જેવું વાતાવરણ થઈ ગયું. મહિલાઓએ ઓઢણી માથા પર ઓઢવા માંડી. કપડાં પર ભિનાશ ફરી વળી. હાલમાં ચાલતા વાઈરલગ્રસ્ત લોકોને અકળામણ પણ થવા લાગી. ભાવિકો ખૂબ સહનશીલ અને મર્યાદાશીલ હોવાથી કોઈ ફરિયાદ નથી કરતા, પણ મારાથી સહન થાય તેમ નહોતું. બરાબર પોણો કલાક જંતરમંતર ચાલ્યા પછી બાપુએ કથા સાથેનો તંતુ જોડ્યો. સવા બારે મારે ઊઠી આવવું પડ્યું, ત્યાં સુધીમાં આ ચોપાઈને પકડી રાખીને અનેક મુદ્દા પર ચર્ચા કરી. કોઈનો પત્ર વાંચ્યો. આ ચેષ્ટા મારી કલ્પના બહાર હતી. એનાથી યે ચોંકાવનારી બાબત તો એ હતી કે બાપુએ એ પત્ર ફાડીને તેના ટૂકડા કરી નાંખ્યા. મને તો કેબિનેટે મંજુર કરેલો ઓર્ડિનન્સ જાહેરમાં ફાડી નાખનાર અભિમાની શેહજાદાની યાદ આવી ગઈ. જોકે તેની સાથે બાપુની સરખામણી કરવામાં પણ અન્યાય અને અવિવેક બંને છે.
પણ મને ગમતા એક પ્રસંગનો ઉલ્લેખ માત્ર એક જ વાક્યમાં થયો. ‘વિશ્વામિત્રજી અયોધ્યા આવ્યા અને દશરથે રામ લક્ષ્મણને મોકલી આપ્યા‘ આટલું બોલીને બાપુ તો આગળ નીકળી ગયા અને મારું મન તો દશરથ રાજાના દરબારમાં જ અટવાઈ ગયું. ત્યાં જે અકલ્પનીય પ્રસંગ બની ગયો તેનું સ્મરણ મને આહ્લાદક લાગ્યું. એ પ્રસંગની એવી તે શી વિશેષતા હશે કે મારું મન ત્યાં જ અટકી ગયું?
જણાવું કે નહીં જણાવું?
હવે હમણાં તો નહીં જ! રાત્રિના સાડા દસ થઈ ગયા છે.
પ્ર. મિ.