About me

હું લખવાને રવાડે કેમ ચડ્યો તેનું કારણ…

સાચ્ચું કહું કે મને લખતાં આવડતું નથી છતાં મને લખ્યા કરવાનું ગમે છે. નાનપણમાં કહેતા કે ‘આવડે નીં ને પાવડો મારવા જાય, પાવલી લઈને પનવા જાય, પાવલી તો ખોટી ને બૈરી તો મોટી!‘ બિલકુલ સાચી વાત છે. એમ તો મહાભારતમાં યુધિષ્ઠિરને પણ જુગાર રમતાં નહોતું આવડતું છતાં એને જુગાર રમવાનો શોખ હતો. એવું જ કંઈક!

સામાન્ય રીતે કોઈ સાહિત્યકાર કે શિક્ષકોના સંતાનોને બાળપણથી જ પુસ્તકોનો અને શબ્દોનો સંગ સહજતાથી મળતો હોવાથી તો લેખનકળા તરફ વળે એ સ્વાભાવિક છે. મારા બાપુજી પાંચ ચોપડી ભણેલા અને મારી જી ત્રણ ચોપડી ભણેલી. મારી ફોઈબાઓએ કેટલી ચોપડી ફાડેલી તે મને ખબર નથી, પણ તેઓ લખી વાંચી શકતી હતી એની મને જાણ છે. બાપા અને ડોસી મા કેટલું ભણેલા તે જાણવાનો સવાલ જ ઊભો નથી થતો. એટલું ખરું કે મારા બાપા રણછોડ ડાહ્યાને છોકરાંના ભણતરમાં રસ હતો. મારી મોટીબેન જ્યારે નાની હતી ત્યારે મારા બાપાના ખોળામાં બેસીને જોડકણું ગાતી કે ‘ બડી લમ્બી રે, મારા દાદાની મૂંછ! દાદાની મૂંછ જાણે બિલ્લીની પૂંછ!‘ ગાતાં ગાતાં તે મારા બાપાની મૂંછ પકડવા જતી. બાપા ખૂબ હસતા.

મારી બેન ચાર ચોપડી ભણીને ઊઠી ગયેલી, પણ એ જ્યારે સ્કૂલે જતી ત્યારે મને સાથે લઈ જતી. પાટિયા આગળ સાહેબ મને બેસાડતા. માસ્તર ભણાવે અને બાળકો ભણે તે હું જોયા કરતો. આંક બોલાવે, કવિતા ગવડાવે તે હું પણ કંઈ સમજણ વગર તેમની સાથે ગણગણ્યા કરતો. આંકના પાવડા બોલે તે પણ કવિતા જ હશે એમ સમજીને કવિતા ભેગા આંકના પાવડા પણ મને યાદ રહી ગયેલા. ‘દરિયાને તીર એક રેતીની ઓટલી, ઊંચી અટૂલી અમે બાંધી જી રે‘ એ કવિતા અભ્યાસક્રમમાં મારે ભણવાની નહીં આવેલી, પણ મારી બેનના વખતમાં એ લોકો ગાતા એટલે મને યાદ રહી ગયેલી. ‘બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર ના આવ્યા મારા વ્હાલા!‘ એ કવિતા તે ગાતી ત્યારે અંતે ગવાતું ‘મારા વ્હાલા‘ મને આવડી ગયેલું. પછી તો આખી કવિતા મોઢે થઈ ગયેલી. ‘લીલા પીળા તમે આવો પોપટજી, કંઠે તે કાંઠલો કાળો પોપટજી!‘ ઊંચ્ચા અવાજે લલકારવાની મજા આવતી. તે વખતે ગવાતી પ્રાર્થના પણ તેમની સાથે સાથે ગાતો થઈ ગયેલો. ‘પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય…‘ એ પાઠ એ બાળકને એવો તો અક્ષરશ: યાદ રહી ગયેલો કે અક્ષરો વાંચતા નહોતા આવડતા છતાં, અક્ષરો પર આંગળી મૂકીને આખો પાઠ વાંચી બતાવતો, તેનું મારા બાપાને આશ્ચર્ય થતું. કુતૂહલથી તેઓ વારંવાર મારી પાસે વંચાવતા અને એકમેકની સામે જોઈને અચંબો પ્રગટ કરતા. અમારી વખતે બાળમંદિર કે બાળપોથી કે આજની જેમ પૂર્વ પ્રાથમિક શિક્ષણની કોઈ જોગવાઈ નહોતી. ઉપર જણાવ્યું તે જ અમારું બાળમંદિર!

આજે તો બપોરે જમીને સૂઈ જવાની આદત પડી ગઈ છે. તે વખતના વડીલો પણ બપોરે આરામ કરતા. એક ઊંઘ ખેંચી કાઢતા. આજના બાળકો બપોરે સૂતા નથી પણ મોબાઈલમાં ગેમ રમે છે. આપણે સૂઈ જવા કહીએ તોયે તેઓ સૂતા નથી. અમે પણ એવા જ હતા. બધાં જ બાળકો એવાં જ હોય છે. વડીલો સૂતા હોય ત્યારે અમે માળ પર જઈને ‘ખૉરજૉર‘ કરતા!  કુતૂહલથી બધાં પોટલાં ફંફોસી કાઢતા. કોઈ પેટી કે કોઈ માટલામાં શું ભરેલું છે તે તપાસતાં, જાણતાં અને રમતાં. એકવાર એક થેલામાંથી ભજન નીકળ્યા. ભજનમંડળવાળા મોઢેથી જે ગાય તે તો ભજન કહેવાય જ પણ તેઓ તેમના બંને હાથમાં લઈને જે વગાડે તે પણ ભજન જ કહેવાય! મંજિરા પણ ભજન કહેવાય અને મોટા (નાની ખુમચી જેવડા) કાંસા તે પણ ભજન જ કહેવાય. મંજિરા હોય તે રૂમઝુમ વાગે જ્યારે કાંસા ખોમ ખોમ વાગે! આપણને તો ભાઈ રમકડું જડી ગયું. પિત્તળના નાના મંજિરા અને આ મોટા કાંસાના બનાવેલા કાંસા! મારા બાપુજીના બાપા એટલે કે ડાયલા ડોસાના વખતે જે ભજનમંડળ ચાલતું તે વખતે એ સરંજામ અમારે ત્યાં રહેતો. મારા પરદાદા મોટા ભજનિક હતા એમ મારા બાપુજી કહેતા.

કાંસા ઉપરાંત, મારા પરદાદાએ લખેલા ભજનોની નોટબુક પણ મળી આવી. એ નોટબુક આજના બાળકો પાસે હોય તેવી નહીં, પણ મારવાડી વાણિયાઓ હિસાબ લખે તેવી ફોલ્ડિગ કરેલી ચામડાના કવરવાળી હતી. એ અક્ષ્રરો ગુજરાતી જ હતા પણ આપણાથી ઉકલી ન શકે તેવા હતા. જાતે બનાવેલી કાળી શાહીમાં કિત્તો બોળીને એ લખાયેલા હતા એમ મારા બાપુજીએ જણાવ્યું. એ લિપિ થોડી જુદી તો હતી જ. આપણે સડસડાટ નહીં જ વાંચી શકીએ એની ગેરંટી. હશે, ન વંચાય તો ન વાંચવાનું, પણ મારા ઘરમાં કોઈ અદભુત ખજાનો જરૂર છે એનો મને આનંદ થયો.

ભણતા ભણતા હું મેટ્રિક સુધી પહોંચ્યો. પ્રાસ બેસાડીને કોઈ જોડકણાની નકલ કરવાની કોઈ કાવ્યપંક્તિની પેરોડી બનાવવાનો ઉમળકો જાગ્યો. થોડાંક નખરાં કરી પણ જોયાં! એ જમાનામાં રાગરાગિણીમાં મહાભારત વંચાતા. એની ચોપાઈ ગમી ગઈ. ‘વૈશમ્પાયે એણીપેર બોલ્યા‘ તો મુહાવરાની જેમ બોલાતું હતું. ‘આ પ્રમાણે‘ ને બદલે ‘એણીપેર‘! એકવાર એક ફુલસ્કેપનું આખું પાનું ભરીને તેના પર ચોપાઈના ઢાળમાં મેં કોઈક પ્રસંગ લખ્યો. ભૂલ સુધારવા માટે વારંવાર વાંચતો હતો તે મારા બાપુજીએ જોયું. આંખમાં ચમક સાથે એમણે મને પૂછ્યું, ‘શું, આ તેં લખ્યું છે?‘ મેં કહ્યું કે, ‘હા, મેં લખી જોવાનો પ્રયત્ન કર્યો છે.‘ મારા બાપુજી હરખાઈ ઊઠ્યા. મને કહે કે, ‘મારો બાપો, ડાયલો ડોહો આ રીતે જાત્તે ભજન બનાવતો અને તેની નોટ બનાવતો!‘ હવે આશ્ચર્યચકિત થવાનો વારો મારો હતો. મેં પૂછ્યું કે ‘માળ પરથી જે ભજનોની થપ્પી મળી હતી તે તેમણે પોત્તે બનાવેલા ભજનોની થપ્પી હતી કે?‘ એમણે હા પાડી. હું તો સમજેલો કે તેમણે કશેકથી ઉતારેલા હશે, પણ આજે ખબર પડી કે તે સ્વરચિત ભજનો હતા.

એનો અર્થ એ થયો કે મારા પરદાદાના જિન્સ કામ કરી ગયા. મને લખવામાં અને સંગીતમાં રસ જાગ્યો તેને માટે મારા પરદાદાના રંગસૂત્રોમાં રહેલા સંસ્કાર જવાબદાર છે. રેલો ક્યાંથી ક્યાં ગયો તે સમજવા જેવું છે. આ બહુ રસપ્રદ બાબત છે. કારણ વગર કોઈ ક્રિયા બનતી નથી. બીજું સત્ય એ છે કે આજે આપણે સભાનપણે કે અભાનપણે જે કંઈ કરીએ છીએ તે આપણા પૂરતું સીમિત ન રહેતાં આવનારી પેઢીઓ સુધી એની અસર ટકે છે. માટે જે કંઈ કરીએ તે ખૂબ વિચારપૂર્વક, સંભાળીને, જવાબદારીપૂર્વક વર્તન કરવું.

મારી જી ભલે ત્રણ ચોપડી જ ભણેલી હતી, પણ અમારી જોડણી અને ઉચ્ચાર સંબંધે તે ખૂબ કડક હતી. રાગડા કાઢીને કોઈ વાંચે તે તેને બિલકુલ પસંદ નહોતું. બોલતી – લખતી વખતે ચોપડીમાં ભણવામાં આવતા શુદ્ધ શબ્દો જ લખવાનો તેનો આગ્રહ હતો એ મને વારસામાં મળ્યું.

એરુ ગામનું એક દંપતી હાલ કેનેડાથી ઈન્ડિયા આવેલું છે. તેઓ અમારા સંબંધી થાય. તો મારા ઘરે આવ્યા ત્યારે જૂની વાતો નીકળી. હંસાબેન (ડાહીબેન માધવભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી તે મારી સ્વ. મોટીબેનના બાળસખી) મારી પત્નીના કુટુંબી તથા એરૂના અંબેલાલ તે એમના પતિ. ડાહીબેને કહ્યું કે મારા પિતાજી હિસાબમાં એકદમ પાક્કા હતા તે ગુણો મારા જગુભાઈમાં આવ્યા, (જગુભાઈ બી.કોમ થયેલા) અને પિતાજીનો ભક્તિ સંગીત પ્રેમ તે મારામાં આવ્યો. અમારું આખું કુટુંબ એટલે ભક્તિ-સંગીત મંડળી. પિતાજી તંબુરો વગાડતા અમે તમામ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડીએ છીએ! આ ચર્ચા દરમિયાન, મારી ઉપર લખેલી વાત તાજી થઈ. મારો સાહિત્ય અને સંગીત પ્રેમ મારા બંને સંતાનોમાં સંક્રાંત થયો. દીકરીએ મહાભારત પર પીએચ.ડી કર્યું. બંને જણા સંગીત પ્રેમી અને દીકરાનો ભાષાપ્રેમ તથા વિજ્ઞાનપ્રેમ એને ટેકનોલોજી તરફ લઈ ગયો.

ખાનદાનનો ઇતિહાસ જાણવાથી ખબર પડી જાય કે આ માણસ આવો કેમ છે! તેથી જ પહેલાંના લોકો છોકરા- છોકરી પરણાવતા પહેલાં તેના ખાનદાનના મૂળિયાં ખોદી કાઢતા. એ જ તેમના પાક્કા જન્માક્ષર!

Parbhubhai Mistry PROFILE

2 thoughts on “About me

    • પ્રિય મયૂરભાઈ,
      વિચારવાટિકામાં ટહેલતાં ટહેલતાં જે નવા મિત્રો મળે તેઓ પોતપોતાને ઘરે પધારવા પરસ્પરને ભાવભીનું આમંત્રણ આપે એ અપેક્ષિત જ છે. આપના આમંત્રણનો હું સ્વીકાર કરું છું અને ચા નાસ્તો(વાસી પણ ટેસ્ટી વાનગી) આરોગીને જઈશ. પાક્કું!
      મને રિસ્પોન્સ આપવા બદલ હૃદયપૂર્વક આભાર.
      પરભુભાઈ મિસ્ત્રીના સ્નેહવંદન

Leave a reply to પરભુભાઈ Cancel reply