કારેલાં? એનું નામ સાંભળીને જ મોઢા પર કડવાસ ફરી વળે! જેને કડવા કારેલા ખાવાના ગમતા હોય તે મહાપુરુષોને ખરેખર નમસ્કાર જ કરવા પડે. બચપણથી કડવો સ્વાદ મારો શત્રુ બનેલો છે. શરીરમાં જરાક ધગુ ભરાય કે વડીલોનું ફરમાન છૂટે ‘એને ચૂરણ પીવડાવો!‘ ચૂરણ શબ્દ સાંભળીને જ મોતિયા મરી જાય. એ ચૂરણ એટલે મહા સુદર્શન ચૂર્ણ. તે વખતે ઘરેઘરમાં ચૂરણની ડબ્બી હાથવગી રહેતી. બીજો કડવો પદાર્થ કાચકા! કાચકાને સેકીને તેનો ભૂકો પાણીમાં કાલવીને પીવાનો. એ ઓસડ તૈયાર થતું હોય ત્યારે ઘરમાંથી ભાગી છૂટવાનું મન થાય. ભ્રષ્ટાચારીઓ ઈ.ડી.થી જેટલા ગભરાય છે તેના કરતા અને અમે ચૂરણ અને કાચકાથી વધારે ગભરાતા હતા. બીજી એક વનસ્પતિ હતી કડવી નાઈ. એનું નામ સાંભળીને કમકમા આવી જતા.
અમારા ઘરમાં કારેલાનું શાક બનતું ત્યારે હું દૂધ અને રોટલો અથવા સેકેલો પાપડ અને રોટલો ખાવાનું પસંદ કરતો. મારા સિવાય મારા ઘરના બધા જ લોકો કારેલાનું શાક અને રોટલો ખાય તે હું જોયા કરું. મને વિચાર આવતો કે આટલું કડવું શાક એ લોકો કેવી રીતે ખાતા હશે! રોટલાનો બુકિયો તોડે અને કારેલા સાથે તેને રગદોળે ત્યાંથી માંડીને એ કોળિયો મોંમાં મૂકે, ચાવે અને ગળે ઉતારે ત્યાં સુધીના તેમના ચહેરા પરના ભાવો હું કૂતુહલથી નીરખ્યા કરું. આ લોકોને જરા પણ કડવું નહીં લાગતું હોય? કેવી રીતે ગળે ઉતારતા હશે? મારા બાપુજી કહે કે જે સ્વાદ છે તે તો ગળા સુધીનો જ છે. રાત્રે કારેલાંનું શાક ખાધું હોય પછી બીજે દિવસે બહુ સારું લાગે! નીરોગી રહેવાય. મને એ બાબતમાં શંકા જ રહેતી. પાઠ્યપુસ્તકમાં એક કવિતા ભણવાની આવેલી. ‘કડવા કારેલાના ગુણ ન હોય કડવા હો રે! કડવા વચન ન હોય કડવા હો રે! છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી, કાતર કાપે ફરી સાંધવા હો રે!‘ ખરું જોતાં આ ‘હો રે..‘ શબ્દ પર પણ મને તે વખતે ચીડ ચડતી. છીણી અને કાતરની વાત જુદી છે. કારેલાં તે કારેલાં! એમાં અનેક ગુણો હોય તો પણ મારે એ ગુણ નથી જ જોઈતો.
વિશેષ વાત તો એ હતી કે અમારે ત્યાં બનતા કારેલાના શાકમાં જરા પણ ગોળ કે ખાંડ નાંખતા નહોતા. જો કે ગમે તે નાંખે તો યે એની કડવાસ નથી જ જતી એની મને પાક્કી ખાતરી હતી. અમારા ચોકમાં કારેલીનો માંડવો રહેતો. નાના છોકરાંને ધાવણ છોડાવવા કારેલાના પાન ચોળીને તેના રસનો ઉપયોગ થતો. આ ઘટના જ સાબિત કરે છે કે ઝેર જેવા કડવા કારેલાના રસને કારણે અમૃત તુલ્ય પયપાન બાળકોએ જતું કરવું પડતું. જે વાત નાનું બાળક સુદ્ધાં સમજી શકે તે વાત વડીલો કેમ નથી સમજતા તે મને નહોતું સમજાતું. કારેલીના પીળાં ફૂલ ખીલે ત્યારથી મને ગભરામણ થતી! હું એ કારેલાંનું નિરીક્ષણ કરતો રહેતો. એની છાલ એટલે જાણે મગરની ચામડી. જોકે તે વખતે મેં મગર હજી જોયું નહોતું, પણ મગરનું ચિત્ર તો જોયું જ હતું ને!
કારેલાંના શાકને બદલે એનો ઓપ્શન મળવાને કારણે હું એની કડવાસથી બચી તો ગયો, પણ અમારી શત્રુતાનો અંત આવ્યો નહીં. મને થયું કે આવડું અમસ્તું એ કારેલું મોટું કે હું મોટો? હું એનાથી હારી જાઉં તો હું મરદ શાનો! કોઈ ન જાણે તેમ મેં પાટિયામાંથી રોટલા પર કારેલા લઈને ખાવાની હિંમત ભેગી કરી અને આંખ મીંચીને મોઢામાં મૂકીને દુશ્મનને ચાવી નાખતો હોઉં તેમ ચાવવાની બહાદુરી તો બતાવી, પણ તરત જ વાડામાં જઈને થૂંકી નાખવું પડ્યું. તો યે ગળામાં કડવો સ્વાદ તો રહી જ ગયો. બાપુજીએ કહેલું કે ગળા સુધી જ કડવું લાગે, પણ આણે તો ગળે ઊતર્યા વગર જ પરચો બતાવી દીધો. કારેલાને કપાતું જોઉં ત્યારથી સિસકારા આવવા માંડે. કારેલું કડવું તો ખરું પણ એની ગંધ પણ એટલી જ કડવી.
એકવાર કારેલાના ઘૂઘરાની વાત મેં સાંભળી. મારી માને મેં કહ્યું કે કારેલાનો ઘૂઘરો ભરે તો હું કારેલું ખાઉં. માએ ઘૂઘરો બનાવ્યો તે મોટું મન રાખીને ખાધો તો ખરો, પણ કારેલું તો મેં ન જ ખાધું! મસાલાનું પૂરણ જ ખાધું.
મોટા થયા પછી મેં કારેલા સાથેનો હિસાબ ચૂકતે કરવાનું નક્કી કર્યું. હું સમજતો થયો હતો કે જીવને જેવો કરીએ તેવો થાય. મતલબ કે મનને પણ બાળકની જેમ પટાવવું પડે અને પટાવતાં પટાવતાં તેની આદત પડી જાય પછી કોઈ વાંધો ન આવે. જુદા જુદા પ્રસંગે મેં બીજા કોઈને ત્યાં કારેલાનું શાક ખાવાનો પ્રયત્ન કર્યો. સમજાયું કે એની કડવાસ દૂર કરવા બાફતી વખતે શું કરવું જોઈએ. નાડ હાથમાં આવી ગઈ. પછી તો કારેલાંનો મુખવાસ પણ ખાધો છે. અને કડવાસ વગરના કારેલા પણ ખાધા છે.
મારી અંગત વાત લખું? લખી જ દઉં. મિત્રોને મારી અંગત વાતમાં વધારે રસ પડશે એ હું જાણું છું. મેં લગન કર્યા પછીની વાત છે. પતિ પત્ની વચ્ચેની અંગત વાત છે. નવપરણિત યુવાન હૈયાની વાત છે. હું બેંક કર્મચારી અને મારી પત્ની હોસ્પીટલમાં નર્સ. એક સાંજે મેં એને કારેલાનું શાક બનાવવાનું કહ્યું. એણે સ્પષ્ટતા કરી કે હું શાક બનાવીશ પણ મને કારેલાં ભાવતાં નથી. હું કારેલા ખાઈશ નહીં. અરે તું બનાવ તો ખરી! ઘરમાં અમે બે જ જણ. ખાવા તો બેઠાં, પણ કોઈ ખાય નહીં! એ કહે કે તમને ભાવતું હોય તો તમે ખાઓ, પણ હું નહીં ખાઉં. મારે ગળે નહીં ઊતરે. (મને મનમાં થયું કે કારેલાની બાબતમાં અમે બંને સરખાં જ નીકળ્યાં!) મેં કહ્યું કે કારેલા મને પણ ભાવતા તો નથી જ, પણ એક સે ભલા દો! આપણે બે જણાં મળીને કારેલાંનું ભક્ષણ કરીશું. પણ એ ટસથી મસ ના થઈ. રાત્રિના દસ થયા. આજુબાજુના લોકો પણ જમી પરવારીને સૂવાની તૈયારીમાં હતા. અમે હજુ ખાધું નહોતું. પહલે આપ, પહલે આપ, જેવું પણ નહીં. તમારે ખાવું હોય તો ખાઓ, હું કારેલું ખાવાની નથી જ!
પછી એણે મક્કમતાથી એનો આખરી નિર્ણય જાહેર કર્યો. ‘હવે પછી મને કંઈ પણ બોલશો તો હું આ બીજા માળેથી નીચે ભુસકો મારીશ!‘ વાત બહુ ગંભીર તબક્કામાં પ્રવેશી ગઈ. કારેલું ખાવાથી કોઈ મરી નથી ગયું. આમ તો બીજે માળેથી ભૂસકો મારવાથી પણ મરી ન જવાય, હાડકાં જરૂર ભાંગે! મેં કહ્યું, ‘તું જાણે છે કે તારા વગર હું જીવી ન શકું. તું ભૂસકો મારશે તો હું પણ ભૂસકો મારીશ. મરી તો નહીં જ જઈએ પણ ફ્રેકચર તો થશે જ. પોલીસ આવશે. અકસ્માતનો કેસ નોંધાશે. પડી જવું કારણ લખાશે. શું લખાશે? અખબારમાં સમાચાર આવશે કે કારેલાના દુ:ખે એક શિક્ષિત અને યુવાન દંપતિએ કરેલો આપઘાતનો પ્રયાસ! હાઉ ફની! એ સમાચાર વાંચીને લોકોને હસવાનું થશે. મરીએ તો કોઈ ઉચ્ચ ધ્યેય રાખીને મરીએ! આવડા કારેલાંને માટે કંઈ મોંઘી જિંદગી આપી દેવાની હોય? એમાં આપણી ઈજ્જત શી રહે. ચાલ, હવે ઘણું મોડું થઈ ગયું છે. આપણે લોકોને હસવાનું કારણ નથી આપવું. હાસ્યાસ્પદ મોત નથી જોઈતું. અમે બંને જણાં હસીને હળવા થયાં. જમીને વાતો કરતાં સૂઈ ગયાં. શું જમ્યા તે બરાબર યાદ નથી. પણ એ પ્રસંગ તો આબાદ યાદ રહી ગયો છે.
મનને જે ન ગમે તે જ સ્વીકારવાની તેને ટેવ પાડવી જોઈએ. કાલે જ ‘ચાલ, મન જીતવા જઈએ‘ ફિલ્મનો બીજો ભાગ રાજહંસ થિયેટરમાં જોતી વખતે કારેલાંની વાત આવી એટલે કટુરસને બદલે હાસ્યરસ ઊભરી આવ્યો.
પ્ર. મિ.