જનુભાઈ મંગુભાઈ રાવલ અને સુશીલાબેન જનુભાઈ રાવલ

માર્ચ ૬૭ ના ગૃપ ફોટાનો એક અંશ.

સાતેમ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેઓ આવ્યા. ૧૯૫૯ માં સ્કૂલની શરૂઆત થઈ આઠમા નવમા ધોરણના એક એક વર્ગથી. પછી ક્રમશ: દસમું અગિયારમું ઉમેરાયું. વિશિષ્ઠ ટિચિંગ મેથડથી લોકોમાં છવાઈ ગયા. ભણાવે બહુ સરસ. પણ મારે બહુ. ગેરશિસ્ત જરાયે ચલાવી ન લે. ગામના ઘરેઘરનો પરિચય. એકેએકને ઓળખે. બધાંની કાળજી રાખે. પણ સાહેબનો ખોફ પણ એટલો જ. સારું ભણાવે, રમાડે, ગવડાવે, હસાવે એકેએક વાતની કાળજી લે, પણ ખોટું જરાયે નહિ ચલાવે. માયાળુ ખરા, પણ એમનો તાપ પણ એટલો જ ઉગ્ર.

અમે તો તે વખતે ગામની પ્રાથમિક શાળામાં ભણીએ. એમના વિશે અનેક વાતો સાંભળેલી. જે લોકોને એમના પ્રત્યે રોષ હોય તે લોકો એમને જનિયો ચાંદરો કહીને રોષ ઉતારે. એમના માથાના વાળ આગળના ભાગે સફેદ હતા. દાંતની સારવાર મારે લીધેલી દવાની એલર્જીનું એ પરિણામ હતું.એમ બહુ મોડેથી નિવૃત્ત થઈ ગયા પછી ખબર પડી. એમનો ક્લાસ ભરનારને ગાઈડ વાંચવાની કે રિવિઝન કરવાની ભાગ્યે જ જરૂર પડતી. મેં એમને પહેલીવાર જોયા સાંઠની સાલમાં. હિંદી પહેલીની પરીક્ષા આપવા અમે સાતેમ ગયા ત્યારે તેઓ મોટેથી નામ બોલીને પરીક્ષાર્થીઓને નંબરની સ્લીપ વહેંચતા હતા.તેઓ કેન્દ્ર સંચાલક હતા. તેમની બોડી લેન્ગવેજ આત્મવિશ્વાસથી ભરેલી. અવાજ સત્તાવાહી લાગ્યો. એમનો આદેશ કે સૂચના માનવા જ પડે એવું લાગ્યું. પછી એ પરીક્ષાનું રિઝલ્ટ જાણવા મોટા ફળિયામાં એમના ઘરે ગયેલા ત્યારે આગલી પઠારમાં બારી પાસે બેસીને કંઈ વાંચતા હતા. આકર્ષક દેહ. એમના નામની તખતી જોઈ. રંગીન અને કલાત્મક અક્ષરોમાં લખ્યું હતું ‘જયંત એમ રાવલ‘! આ જયંત કોણ? જયંત એ જ જનુભાઈ. અમે ગામથી ચાલીને ગયા હતા. અમારા ટાંટિયા ધૂળવાળા હતા. અમને તરસ પણ લાગી હતી. પાણી પીવા પાણિયારા પાસે ગયા. સુશીલાબેન વાસણ માંજતા હતાં. હાથ ધોઈને પછી અમને પીવાનું પાણી આપ્યું. અમારું રિઝલ્ટ પણ પૂછ્યું. માર્ક કેટલા આવ્યા એમ પૂછ્યું મેં કહ્યું બેતાલીશ. તે વખતે હિંદી ખાસ કોઈને આવડતું નહોતું. પાંચમા ધોરણમાંથી પરીક્ષા આપી હતી.ચોપડા પણ લીધા નહોતા.

બીજે વરસે હિંદી દૂસરીની પરીક્ષા આપવા જવાનું થયું ત્યારે સુશીલાબેન અમારા વર્ગ નિરીક્ષક તરીકે આવ્યા હતાં. આંતર્સ્કૂલ રમતગમત સ્પર્ધા વખતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બધી ટીમો ભેગી થતી. જનુભાઈ યુવાન હતા. યુવાનોમાં પ્રિય હતા. યુવાનો જોડે વૉલીબોલ અને ક્રિકેટ રમતા તથા સાઈકલ ચલાવતા મેં એમને જોયા હતા. પછી તો સાતમું ધોરણ પાસ કરીને આઠમામાં એડમિશન લીધું અને ઉઘડતી સ્કૂલથી રોજ એમના સંપર્કમાં આવવાનું થયું. તેઓ અમને બીજગણિત ભણાવતા હતા. બીજગણિત, અંગ્રેજી, સંસ્કૃત વગેરે નવા વિષયો બાળકોને શીખવવાના હોય ત્યારે અનુભવી અને વિષયમાં રુચિ પેદા કરે એવા શિક્ષકો હોવા જોઈએ. શરૂઆત જ કંટાળાજનક રીતે થાય તો બાળકો મુંઝાય છે. સાહેબ દસમાના ક્લાસ ટિચર હતા. ઉપલા વર્ગોમાં તેઓ અંગ્રેજી અને હિંદી વિષય  ભણાવતા હતા. તેઓ જન્મજાત શિક્ષક હતા અને કોઈપણ વિષયને રસપ્રદ બનાવીને ભણાવી શકતા હતા. સુશીલાબેન આઠમા ધોરણમાં અમને અંગ્રેજી ભણાવતા. એસએસસીમાં સ્પે. ભૂગોળ તેઓ  ભણાવતા. નવમા દસમાના વર્ગમાં તેઓ ગુજરાતી, હિંદી અને સમાજશાસ્ત્ર ભણાવતા. સમાજશાસ્ત્રની તેમણે આપેલી નોટ્સ ખૂબ લોકપ્રિય બની હતી. ટિચિગ ઈઝ એન આર્ટ. આ બાબતમાં રાવલ દંપતિ ગોડ ગિફ્ટેડ ગણી શકાય.

શ્રી સાતેમ વિદ્યામંદિર પાછળથી શ્રી જી. આર. વિદ્યામંદિર બન્યું. હેડમાસ્ટર શ્રી છોટુભાઈ નાગરજી પટેલ એમના જિગરી દોસ્ત હતા. એ બંને મિત્રો પાસે સ્પષ્ટ વિઝન હતું અને તે મુજબ એમણે સ્કૂલના વિકાસનો પાયો નાંખ્યો. એમને ટીમ પણ સારી મળી. જનુભાઈ અને સાતેમની હાઈસ્કૂલ બંને એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં. બેઉને જુદાં ગણવા મુશ્કેલ. એ જમાનામાં સાતેમ તો અંતરિયાળ ગામ ગણાતું. ઈલેક્ટ્રીસિટી વિનાનું અંધારું ગામ. દીવા અને ફાનસ જ ચાલતાં પેટ્રોમેક્ષ તો વૈભવ ગણાય. ગામમાં પાકો રોડ નહીં. રસતાઓ કાચા, ધૂળિયા. ચોમાસામાં કાદવ કિચડ પોંદીને સામાન સાથે ખડસુપા બોર્ડિંગથી સાતેમ સુધી ચાલતા આવવાનું. કોઈ શહેરી જીવડો તો આવી અસુવિધા વેઠવા નહીં જ આવે. અમને એમના જેવા દૃષ્ટિવંત શિક્ષકોના વિદ્યાર્થી બનવાનું મળ્યું એ મોટું કિસમત જ ગણાય.

એકવાર ઉગત હાઈસ્કૂલના શિક્ષક જી. કે. પટેલ મને મળ્યા. હું કોલેજમાં હતો અને સ્ટેટેસ્ટિક વિષયની ફોરિન ઓથરની બુક અપ્રાપ્ય હતી તે મને પટેલ સાહેબ પાસેથી મળી. જી. કે. પટેલ મદરેસાના આચાર્ય કાંતિલાલ રાવલનો વિદ્યાર્થી હતો. રાવલ સાહેબે મારો પરિચય આપતાં કહ્યું કે જનુનો વિદ્યાર્થી છે. જી. કે. એટલે કે ગોવિંદભાઈએ જરાયે ઉમળકો ન બતાવ્યો. પછી એમણે મને કહ્યું કે જનુભાઈ બી.એડ.નો પાઠ આપવા અમારી સ્કૂલમાં આવેલા. જનુભાઈ મને ઘમંડી લાગેલા. બીજાં કરતાં પોતે સારું ભણાવી જાણે છે એવો એમને ફાંકો છે! મેં કહેલું કે ગોવિંદભાઈ, તમને એવું જરૂર લાગ્યું હશે, પણ હું એને ઘમંડ નહીં પણ આત્મગૌરવ સમજું છું. તેમ છતાં, એને અભિમાન કહેતા હો તો એવું અભિમાન રાખવાનો એમને અધિકાર છે.

આ શિક્ષક દંપતિનો હું પ્રિય વિદ્યાર્થી બની રહ્યો અને સુશીલાબેનના બા એટલે સર્વવત્સલ કમુબા તથા કાંતિલાલ મામા, મધુ મામી, ચિ. ભાવના સુધી સ્નેહસંબંધ વિસ્તર્યો એટલું જ નહીં, લીલામાસી અને આદરણીય કુંજવિહારી મહેતા સાહેબ સુધી પહોંચ્યો તેની પાછળ મારી માની લાગણી કારણભૂત બની રહી. લગ્નના ઘણા વરસો થયા પછી પણ રાવલ દંપતિને ત્યાં પારણું નહોતું બંધાયું. તેમનું નિ:સંતાનપણું અમને દુ:ખ પહોંચાડતું. છેવટે પહેલી મે ૬૮ના રોજ વિપુલનો જન્મ થયો. વાત્સલ્ય ઢોળવા માટે ભગવાને એમને એક બાળક તો આપ્યું, પણ જન્મથી જ ડાયાબિટિક! ભગવાન પણ શરતી પ્રેમ કરતો હશે? વાંઝિયા મહેણું દૂર કરી દીકરો તો આપું પણ જન્મે ત્યારથી એની સારવાર કરવી પડશે- એવી શરત રાખી હશે! કેટલું જીવશે તે તો સાવ અનિશ્ચિત. ભગવાને આપેલા પ્રસાદનો સ્નેહાદરભાવે સ્વીકાર થયો. પડકાર ઝીલી લીધો. નિષ્ઠાપૂર્વક ઉછેર કર્યો. દીકરો બુદ્ધિમાન, વિનમ્ર અને સમજદાર નીકળ્યો. ભણ્યો અને જીવન વીમા નિગમમાં નોકરીએ લાગ્યો. લગ્ન થયા. એને પણ બાળકો થયાં, સાહેબ અને બેન નિવૃત્ત થયાં. સાહેબની ઉત્તરાવસ્થામાં ટેકણલાકડી બન્યો. એમની સારવાર માટે તનતોડ મહેનત કરી. સાહેબનું અવસાન થયું. મારા વિપુલે મારી બહુ સેવા કરી. મારી રુચા અને મારી જાનુ એમ કહી દીકરીની વાત કરતી વખતે સાહેબનું હૈયું હરખાય અને આંખો છલકી ઊઠે. વૈવિધ્યના જન્મ પછી તો પૂર્ણ સંતોષ થઈ ગયો. જીવનમાં બીજું શું જોઈએ? દીકરા વહુનું જતન અને દીકરી જમાઈનો સ્નેહ. એમના સંતાનોનો કિલબિલાટ અને એમની પ્રગતિ- બહુ થઈ ગયું.

પહેલા સાહેબે વિદાય લીધી પછી સુશીલાબેને વિદાય લીધી. જે બાળક કેટલું જીવશે તે વિશે શંકા રહેતી હતી તેણે માતા પિતાને પ્રેમથી સહજ રીતે જવાબદારીપૂર્વક સંભાળ્યા અને તેમની તમામ અંતિમ વિધિ કરી. એટલું જ નહીં, સાસુ અને સસરાને પણ સાથે રાખી તેમને પણ સંભાળ્યા અને તેમને પણ અંતિમ વિદાય આપી તેમનું ક્રિયાકર્મ કર્યું. દીકરી બે કૂળને તારે છે એમ કહેવાય છે, પણ વિપુલે એક રોગગ્રસ્ત દેહથી પણ પિતૃકૂળ અને શ્વસુરકૂળની શાન વધારી. બંને કૂળનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

દોઢેક વરસ પહેલાં વિપુલે પણ આ દુનિયામાંથી વિદાય લીધી. સૌની ધારણા કરતા વિપુલ સારું જીવ્યો. તમામ સાંસારિક જવાબદારો નિષ્ઠાથી પાર પાડી. જવાબદાર સંતાનની જેમ જવાબદાર પિતા તરીકે પણ એની ભૂમિકા શ્રેષ્ઠ રહી. આજે આદરણીય સાહેબને અને બેનને તથા ચિ. વિપુલને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે સૌની લાડકી જાહ્નવીના આજે લગ્ન છે. એ દામ્પત્યજીવનની જવાબદારી ઉઠાવવા પતિગૃહે જઈ રહી છે ત્યારે આપ સૌ એમને અખંડ સૌભાગ્યવતી થવાના અને એમની જીવનયાત્રા નિષ્કંટક રહે એવા આશીર્વાદ આપવા સૂક્ષ્મ શરીરે જરૂર ઉપસ્થિત રહેશો એવો વિશ્વાસ છે.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

(૧) ચારધામયાત્રાનું હિંદુસમાજ માટે ભારે મહત્ત્વ રહ્યું છે. આ ચારધામ એટલે ભારતના ચાર ખૂણે આવેલા અતિ મહત્વના ધાર્મિક-ઐતિહાસિક શહેરો દ્વારિકા, રામેશ્વરમ્, જગન્નાથપુરી ને કાશી- એમ સામાન્યપણે માનવામાં આવે છે. પરંતુ, પ્રવાસ આયોજકો જે ચારધામની વાત કરે છે તેમાં તો ઉત્તરાખંડમાં આવેલા જમનોત્રી, ગંગોત્રી, બદરીનાથ અને કેદારનાથજીનો જ સમાવેશ થાય છે. એમાં સંપૂર્ણ ભારતના દર્શન કરવાની ઝંખના અતૃપ્ત રહી જાય છે. છતાં, અપેક્ષિત ચારધામોમાં જેનો સમાવેશ નથી થતો એવી ‘હિમાલયયાત્રા‘ એમના પ્રવાસમાં થાય છે એ હકીકતનું મૂલ્ય કંઈ જેવું તેવું નથી. દ્વારકા-રામેશ્વર-પુરી-કાશી તો ઉંમરના કોઈપણ પડાવ પર હોઈએ તો પણ જઈ શકાય છે, પણ હિમાલય જવાનું કામ મોટી ઉંમરે ટફ તો ખરું જ. મોટી ઉંમરે પગની શક્તિ ઘટી હોય, ફેફસાં પણ નબળાં પડવા આવ્યા હોય તે વખતે પર્વત પરની પાતળી હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જાય. ડાયાબિટિસ થયો હોય તો પડવા આખડવાના પ્રસંગોથી બચવું પડે.એટલે જો તક મળતી હોય તો વૃદ્ધ થવાની રાહ જોયા વગર હિમાલય પર આવેલાં  ચારધામોની યાત્રા અવશ્ય કરવી જોઈ એમ મનમાં થયા કરતું હતું.

અમારી બેંકમાંથી એન.જી પટેલ અને આનંદો એપાર્ટમેન્ટના સ્ટાફમિત્રો યાત્રા કરી આવ્યા હતા. ત્યાં શું જોવા જેવું છે તે જાણવાનો કે પૂછવાનો સવાલ જ મારા માટે નહોતો. હિમાલયના દર્શન કરવાં અને તેના કોઈ ગિરિશૃંગ પર ચડીને હિમાલયનો સ્પર્શ પામવો એ સાક્ષાત ભગવાનને પામવા જેવો ધન્ય અવસર હું માનતો આવ્યો છું. બચપણથી ગીતાના દસમા અધ્યાયમાં ભગવાને કહેલી વાત મનમાં કોતરાઈ ગયેલી હતી. ‘સ્થાવરાણામ્ હિમાલય- સ્થાવરોમાં હિમાલય હું છું‘એમ ભગવાને સ્વમુખે કહ્યું છે. તે ઉપરાંત હિમાલય વિશેની કવિતાઓઅને કાકાસાહેબ કાલેલકરના ‘હિમાલય પ્રવાસ‘ પુસ્તકના ગદ્યખંડો જે વાંચ્યા હતા તેણે પણ ઉત્સુકતા વધારી દીધી હતી. ગીતાના પુસ્તકના શરૂઆતના ભાગે દેવ દેવીઓની સ્તુતિ અને સ્તોત્રો ફોટા સહિત આપેલાં હતા તે પણ હું નાનપણથી જોતો આવ્યો હતો. તેમાં ગંગાજી અને જમનાજીની સ્તુતિ ઉપરાંત બદરીનાથ ભગવાનની ‘પવનમંદ સુગંધ શીતલ હેમમંદિર શોભિતમ્‘ સ્તુતિ પણ મને આકર્ષી રહી હતી. વર્ષોથી આ બધો એકઠો થયેલો મસાલો એકવાર જોર કરી ઊઠ્યો અને બુદ્ધિ પર દબાણ આવવાનું શરૂ થઈ ગયું. પચાસની ઉંમર તો થવા આવી. હમણાં જો હિમાલય પર ન ગયા તો પછી જિંદગીમાં ક્યારેય નહીં જવાય!

હિમાલય પરનાં સ્થળો જોવાની તાલાવેલી જોર પકડતી જતી હતી, પણ કઈ ટ્રાવેલમાં જવું તેની મૂંઝવણ હતી. મારા મિત્ર સતીશભાઈ શાહે જણાવ્યું કે આવા લાંબા પ્રવાસો કરવા હોય તો આયોજકો સારા હોવા જોઈએ. અને એવા સારા આયોજકો પૈકી ‘નૂતન ટ્રાવેલ્સ‘ વાળા રમણભાઈ શાહનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. તેઓ દર વર્ષે મે- જૂન દરમિયાન બે પ્રવાસો ચારધામ યાત્રાના ગોઠવે જ છે. તે ઉપરાંત  દિવાળી પછી બે પ્રવાસ દક્ષિણના તીર્થધામો માટે ઉપાડે છે. એમની ટૂરમાં પીધેલ લોકો આવતા નથી એટલે પણ એમના પ્રવાસમાં જવાનું લોકોને ગમે. હવે  નૂતન ટ્રાવેલ્સની ઓફિસ ક્યાં શોધવી? સતીશભાઈ મને રમણભાઈ શાહના ઘરે શાહપોરમાં લઈ ગયા. તેમને કંઈક અસ્વસ્થતા જેવી લાગી હશે એટલે નીચે જ પથારી કરીને સૂતા હતા. તેમના ઘરમાં મારી જ ઉંમરના એક બહેન હતાં અને તેઓ ખૂબ કાળજીથી તેમની સેવા કરતાં જણાયાં. કદાચ તેમના દીકરી હશે એવું અનુમાન કર્યું. પણ જાણવા મળ્યું કે એ એમના બીજીવારના પત્ની હતાં. ઉંમરમાં ખાસ્સો ફરક વર્તાયો એટલે દીકરી હોવાનું મેં ધારી લીધું. હશે,  એમની અંગત બાબત છે. મેં અમારા ચાર જણાની આવવાની ઈચ્છા દર્શાવી. અમે બે અને અમારાં બાળકો બે! એમણે પ્રવાસના કાર્યક્રમ વિશેની માહિતી આપતા પેમ્ફલેટ્સ મને આપ્યાં. પ્રવાસ માટેના નામો લખવાનું અને ટિકિટના પૈસા ભેગા કરવાનું કામ ભાગળના શાકભાજી માર્કેટ પાસે આવેલી ‘બેસ્ટ બેકરી‘ના શિરીષભાઈ પટેલને સોંપ્યું હતું.

બેસ્ટ બેકરીવાળા શિરિષભાઈ પટેલે મને ચારધામયાત્રા વિશે એમના પિતાજીએ લખેલી બે ચોપડીઓ આપી. તેઓ સ્વભાવે મિલનસાર અને ઉત્સાહી તથા વાતોડિયા હતા. તેમના પિતાજીએ કરેલું પ્રવાસવર્ણન પણ રોચક હતું. જે સ્થળે જવાનું હોય ત્યાંની ભૂગોળ, આબોહવા તથા તેનું ઐતિહાસિક મહત્ત્વ પહેલેથી જાણી રાખ્યું હોય તો ફરવા જવાની મજા આવે. ચોપડીમાંનું વર્ણન એટલું સરસ હતું કે વાંચતાં વાંચતાં જાણે આપણે હિમાલય યાત્રા કરી રહ્યા હોઈએ એવો અનુભવ થાય. એ ચોપડી બે ત્રણવાર વાંચી ગયો અને તે સાથે જ રમણભાઈ શાહ જોડે આત્મીયતા અને આદરભાવની લાગણી થવા લાગી કારણ કે એમાં રમણભાઈના ઉમદા વ્યક્તિત્વ પર સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રવાસની તારીખ તો હજી દૂર હતી. ઉત્તરાખંડના તીર્થધામોમાં જવાનો રસ્તો મે મહીનામાં ખૂલે. શરૂઆતમાં રસ્તામાં બરફ વધારે હોય. બરફ પીગળવાની શરૂઆત થઈ હોય એટલે ઠંડી પણ વધારે હોય. પહેલો પ્રવાસ મે મહિનામાં ઉપડે, મે બુકિંગ કરાવ્યું હતું બીજી વખતના પ્રવાસ માટેનું. એ પ્રવાસ લગભગ ચોથી જૂને ઉપડવાનો હતો. ૧૯૯૮ની સાલનો જુન મહીનો. બંને બાળકો કોલેજના બીજા ત્રીજા વરસમાં અભ્યાસ કરતા હતા. મારે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશવાને હજી એક વરસની વાર હતી.

બાળકોએ થોડોક છણકો કર્યો. અમારી આ ઉંમરમાં અમને મોજશોખના સ્થળે ફરવા લઈ જવાને બદલે ધાર્મિક જાત્રા શા માટે!? ત્યાં ડુંગરામાં કે જંગલોમાં વળી શું ફરવાનું? શું જોવાનું? મેં એમને સમજાવ્યું કે ફરવાનું અને જોવાનું તો જે મળે તે, પણ મુખ્ય વાત હિમાલય પર પગ મૂકવાની છે, ત્યાંની ધરતીનો સ્પર્શ પામવાની છે. તમને ગમે કે ન ગમે તોયે મારા માન ખાતર આ છેલ્લીવાર અમારી સાથે તમારે આવવાનું છે. હવે પછીના કોઈપણ પ્રવાસો તમે તમારા ગૃપોમાં અને અમે અમારાં ગૃપોમાં કરીશું, પણ આ પ્રવાસ વિશિષ્ટ છે એટલે મારી આગ્રહભરી વિનંતી છે કે તમે બંને જણા અમારી સાથે રહો. બની  શકે કે આ પ્રવાસમાં તમને કદાચ, અમારા કરતાં પણ વધારે રસ પડે.

એમની ચીડ વાજબી હતી. વીસ બાવીસ દિવસ ડોસાં ડગરાં સાથે કેમ વીતાવવા? પોતાની ઉંમરના કોઈ જ ન હોય તો તેઓ ગુંગળાઈ મરે. સરખે સરખાંની કંપની હોય તો જ મજા આવે. પ્રવાસ વિકટ લાગતો હતો. વતનથી ખૂબ ખૂબ દૂર, સાવ અજાણી જગ્યા. ડાકુ લુંટારાનો પણ ભય રહે. મોસમના ઠેકાણા નહીં, માંદા પડાય કે કોઈને કંઈ થઈ જાય તો અમારો પરિવાર અમારી સાથે હોય તો અમારી અંતિમ ક્રિયા કરનારા તો કોઈ સાથે હોવાં જોઈએને?! આવી અમંગળ કલ્પના ન કરવી જોઈએ એ વાત સાચી, પણ એ ગિરિકંદરા,એ ભેખડ અને ઊંડી ખીણો અને ત્યાં સર્જાતા ભયંકર અકસ્માતો વિશે ગંભીરતાથી વાંચ્યું હતું અને અમે મન મનાવ્યું હતું કે હિમાલયની યાત્રા ભેગી જીવનયાત્રા પણ સમાપ્ત થઈ જતી હોય તો એમાં અફસોસ કરવાનું કોઈ કારણ નથી. આપણું એવું સદભાગ્ય ક્યાંથી કે આપણે દેવભૂમિમાં જઈને દેહ છોડીએ?

ચાલો, ત્યારે! પૈસા ભરીને બુકિંગ તો કરાવી દીધું. તારીખ પણ નક્કી થઈ ગઈ. રમણભાઈની પહેલી ટૂર રેલવેના રિઝર્વ્ડ ડબ્બામાં જાત્રાળુઓને લઈને રવાના પણ થઈ ગઈ. તે લોકો આવે પછી અમારો વારો. ત્યાં સુધીમાં અમે જાત્રા માટેની તૈયારીઓ કરી લઈએ.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

(૨)

હિમાલયની આ યાત્રા માટે હું ઘણો જ ગંભીર હતો. આ એક એવી જાત્રા હતી જેનું એક અદમ્ય આકર્ષણ રહેતું આવ્યું હતું અને આ જ એવી જાત્રા છે જે ઘણી અગવડદાયી અને જોખમી છે. મને પોતાને ઠંડા પવનની એલર્જી છે. સવારે દોડવા જાઉં તો શિયાળામાં ઠંડો પવન લાગવાથી મારા શરીરે શીળવા ફૂટી નીકળે. શરીર લાલ થઈ જાય. ગરમાટો લાગવા માંડે અને ચામડી કરડવા લાગે. ચોમાસામાં રેઈનકોટ વગર બહાર નીકળ્યો હોઉં અને ઘરે રિટર્ન થતી વખતે વરસાદ ટપકી પડે અને વરસતા વરસાદમાં સાઈકલ કે સ્કૂટર ચલાવું તો પણ શીળવા ફૂટી નીકળે. મેં વાંચ્યું હતું કે હિમાલય પર તો ખૂબ ઠંડી હોય. હિમ શિખરો પરથી કાતિલ ઠંડા પવનો સૂસવાટાભેર આવતા હશે ત્યારે મારી શી સ્થિતિ થશે? કદાચ, આ જાત્રા મારે માટે આખરી જાત્રા પણ નીવડે!

બીજી તરફ, મારી પત્નીને બે ત્રણ વરસ પહેલાં જ અકસ્માત થવાથી ઘુંટણમાં ફ્રેકચર થયા હતાં. ઘુંટણમાં દર્દ રહેતું હતું અને ચાલવાથી પગે સોજા આવી જતા હતા. એને હાર્ટનો અને શ્વાસ લેવાનો પ્રોબ્લેમ પણ હતો. અધૂરામાં પૂરું, વર્ટી ગો- ચક્કર આવવાની સમસ્યા પણ હતી. નોકરી દરમિયાન, હોસ્પીટલના વોર્ડમાં સતત ચાલતા રહેવાને કારણે ઘુંટણના દર્દની સમસ્યા તો રોજની હતી. ડુંગરા પર ચડતી ઉતરતી વખતે શું થશે તેની ધાસ્તી તો રહેતી જ હતી તે સાથે ટટ્ટુ પર બેસતી વખતે પડી જવાય અથવા ટટ્ટુ પર બેઠા પછી બાજુની ઊંડી ખીણમાં નજર કરતાંની સાથે જ જો ચક્કર આવી જાય તો એનું શું થાય, તેની ચિંતા હતી. ઊંડી ખીણમાં માણસ ક્યાં જઈને પડ્યો તે શોધવાનું યે મુશ્કેલ અને માની લો કે તેનું શરીર નજરે પડે તોયે તેની પાસે પહોંચવાનું કે તેને ઉપર લાવવાનું કોઈ સાધન કે વ્યવસ્થા નહીં. મતલબ કે માણસ એકવાર ખીણમાં ગયો તે ગયો જ! એટલે હિમાલયની આ જાત્રા અમારે માટે જીવ સટોસટની જાત્રા હતી, એ હકીકત કોઈને સમજાય કે ન સમજાય, પણ અમને એની દારુણતાનો પૂરતો ખ્યાલ હતો. એ રીતે જોવા જઈએ તો આ પ્રવાસ અમારે માટે સાહસ જ હતો. ભલે અમે એરેન્જ ટૂરમાં જતા હોઈએ. ભલે મારી સાથે આખા ડબ્બાના પેસેન્જરોનો સાથ હતો, પણ સંકટ  આવે ત્યારે એ તમામ લોકો નિ:સહાય હતા. અમારે અમારા આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પર જ આધાર રાખવાનો હતો. મનોમન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે તારા પરની શ્રદ્ધા એ જ અમારી તાકાત છે. એ જ એક માત્ર આશા છે. જીવતા રાખીને બધે સલામત રીતે ફેરવી લાવે તે પણ તારી જ કૃપા અને દેવભૂમિની ખીણમાં સમાવી લે તો એ પણ તારી જ કૃપા!

દેવભૂમિના આ પ્રવાસ દરમિયાન અમને ત્રણેત્રણ ઋતુનો અનુભવ થશે એમ કહેવામાં આવ્યું હતું. એટલે ચારે જણાના રેઈનકોટ ખરીદી લીધા. આમ પણ હવે ચોમાસું તો આવવાની તૈયારીમાં જ હતું. રેઈનકોટ અમને વરસાદ અને ઠંડા પવનથી- એમ બંને પરિબળો સામે રક્ષણ આપવાના હતા. એટલે સારી ક્વૉલિટીના ખરીદ્યા. અમારી પાસે ગરમ વસ્ત્રો હતાં નહીં. પહેરવા સ્વેટર કે ઓઢવા માટે ધાબળા- બન્નુસ પણ હતા નહી. કોઈની પાસે માંગીને લઈ જવાનું અમને ફાવતું નથી. સૂરતના બજારમાં લેવા જઈએ તો મોંઘા પડે અને આમ પણ હરિદ્વાર- ઋષિકેશમાં ખરીદી માટે હોલ્ટ મળવાનો જ હોય તો ત્યાં વેરાયટી પણ ઘણી મળે અને કિફાયત ભાવે સારી વસ્તુ મળી રહેશે એમ જાણવા મળ્યું.

મતલબ કે, પૈસા જ જોઈએ. પૈસા હોય તો બધી સગવડ મળી રહે. અમે હંમેશાં પૈસાની કટોકટી વચ્ચે જ જીવ્યા છીએ. પ્રવાસે જવા માટે અમારી બેંક તરફથી ‘ટુ ન્ડ ફ્રો‘ ચોવીસ સો કિલો મીટરનું ગાડીના ફર્સ્ટ ક્લાસના જેટલું ભાડું ‘લીવ ફેર કન્સેશન‘ તરીકે મળે. ટુર આયોજક એનું સર્ટિફિકેટ આપી દે એટલે એની બહુ માથાઝીંક નહીં. પ્રવાસ બુકિંગની ટિકિટ રજુ કરીએ એટલે બેંક ‘એડવાન્સ અગેઈન્સ્ટ એલ.એફ.સી‘ની રકમ ખાતામાં જમા આપી દે. એક મહીનાની હકરજાનું લીવ એન્કેશમેન્ટ કરાવી લઈએ. બંને જણાનો ચાલુ મહીનાનો પગાર સાથે રાખીએ ઉપરાંત, ચાપુ ચપટી બચત થઈ હોય તે ઈમર્જન્સીમાં સાથે રાખીએ જેથી મુંઝાવું ન પડે અને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે. પ્રવાસમાંથી ઘરે આવીએ ત્યારે ખિસ્સાં ખાલી થઈ ગયાં હોય અને પગારની તારીખ હજી દૂર હોય તો તકલીફ પડે. આ બધું વિચારવાની અને તેને મેનેજ કરવાની જવાબદારીઓ દરેકને ત્યાં તેમની પત્ની જ કરતી હોય છે. મારે પણ એ બાબતમાં નિરાંત  હતી. બીજી વાત, કે ત્રણેક અઠવાડિયાના આવા પ્રવાસ દરમિયાન કોઈ ને કોઈ માંદું પડે, પ્રતિકૂળ હવામાન ને ખોરાક વગેરે બદલાવાથી ગમે ત્યારે કોઈને ગમે તે તકલીફ આવી પડે. મારી પત્ની નર્સ હોવાથી આવી બાબતોની ખૂબ કાળજી રાખતી આવી છે. પોતાના પૂરતી કે અમારા પરિવાર પૂરતી જ નહીં, પણ તમામ મુસાફરોના સ્વાસ્થ્યની જવાબદારી જાણે એના શિરે હોય એટલી કાળજી તે રાખતી આવી છે. એ તમામ દવા સિવિલમાંથી નહીં, પણ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી પોતાના પૈસાથી એ ખરીદતી હોય છે. જશુબેન મિસ્ત્રી એટલે જાણે હરતી ફરતી પુણ્યની દુકાન! કોઈકે મને કપૂરની ગોટી સાથે રાખવાની સલાહ આપી. ઉપર હવા પાતળી હોવાથી પૂરતો પ્રાણવાયુ ન મળે. જીવ ગભરાય, તે વખતે આ કપુરની ગોળીથી ઘણી રાહત રહે. જેમને જેવા અનુભવો થયા હોય તે મુજબ તેઓ આપણને ચેતવે. એક ભાઈએ એવી પણ સલાહ આપી કે અજાણી વનસ્પતિનો સ્પર્શ કરવો નહીં, કેટલીકવાર તે શરીરમાં ખંજવાળ ઊભી કરે છે. શરીરનો કોઈ ભાગ ખુલ્લો નહીં રાખવાનો. કસ્તુરી ખરીદવાની લ્હાયમાં પડવાનું નહીં, એમાં મોટેભાગે છેતરપિંડી વધારે ચાલતી હોય છે. ખરીદવા કરતા નજરો ભરીને બધું જોઈ લેવાનો અભિગમ રાખવો.

વાત સાચી છે. મારી સાત પેઢી તો શું, પણ સાતસો પેઢીમાં પણ કોઈએ હિમાલય પર પગ મૂક્યો ન હોય અને અમે પણ જિંદગીમાં બીજીવાર અહીં આવીએ એની શક્યતાય સાવ ધૂંધળી જ. બિલકુલ અશક્ય વાત. વસ્તુ તો આપણને ગમે ત્યાં ગમે તેટલી મળી રહેશે, પણ એ કુદરતી દૃશ્યો, એ હવામાન, એ વાતાવરણ, એ પવિત્રતા અને એ સમયખંડને અમારે અમારા શ્વાસમાં ભરી લેવાનો છે. એ અમને ફરીથી ક્યાંયે નથી મળવાનો. તેથી એને અમારા હેયે નોંધી રાખવાના છે. જો જીવતા રહીશું તો એ સ્મૃતિ અમારા ઘડપણની મોટી મૂડી બની રહેવાની છે. એટલે ખુલ્લી આંખે અને ખુલ્લા દિમાગે મારે હિમાલયની જમીન પર અને હવામાં વિચરવાનું છે એમ અમે મનોમન નક્કી કરી લીધું.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

(૩)

 પ્રવાસ માટે ટ્રેનનો સમય સવારનો છે. સામાન સાથે સવારમાં પહોંચવાનું અઘરું થઈ પડે. રમણભાઈએ સૂચના આપી કે આપણી બોગી યાર્ડમાં પડેલી હશે. અને આપણો સ્ટાફ પણ ત્યાં હાજર હશે. મારું નામ આપશો એટલે એ લોકો તમને તમારો સામાન બોગીમાં મૂકવામાં મદદ કરશે. સવારે એ જ બોગી અમદાવાદ તરફ જતી ટ્રેન સાથે સૌથી પાછળના ભાગે જોડાઈ જશે. એ મુજબ પહેલા નંબરના પ્લેટફોર્મ પર તમારે આવીને ઊભા રહી જવાનું. તમને ફાળવેલી સીટ પર તમારું નામ ચોક વડે લખેલું હશે ત્યાં તમારે બેસી જવાનું રહેશે. અમે એ સૂચનાનું પાલન કરીને સામાન મૂકી આવ્યા.

અમારી જોડે ડબ્બામાં કોણ કોણ હશે? એ લોકો કેવા હશે?.. સાવ ફેંકી દેવા જેવો સવાલ! બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે પણ એવા જ સવાલો મનમાં થતા હતા. કઈ સ્કૂલના કયા ઓરડામાં આપણો બેઠક નંબર આવશે, આજુબાજુ કોણ હશે, કોઈ પજવે કે હેરાનગતિ કરે એવું તો નહીં હોય ને! આપણા જવાબો લખવામાં ખલેલ પહોંચાડે તેવા કોઈ ન આવે તો સારું!… આવા વિચારો દરેકને આવતા હશે, મને પણ આવતા. આ પ્રવાસમાં પણ એ જ મનોસ્થિતિ ફરી એક વખત ઊભી થઈ.

બીજા દિવસની સવારે, ‘જિસકા હમેં, થા ઈન્તજાર, વો ઘડી આ ગઈ!‘ બધાં જ યાત્રિકો અમારા કરતાં પહેલાં આવીને બેસી ગયા હતા. ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો. અમારી જ રાહ જોવાતી હતી. ડબ્બો ગાડીના પાછળના ભાગે જોડાવાને બદલે સૌથી આગળના ભાગે જોડાયો હતો એટલે અમને અમારા રિઝર્વ્ડ ડબ્બા સુધી આવતાં તકલીફ પડી. ઉત્સાહ ભરેલા અજાણ્યા લોકો વચ્ચે થઈને અમે અમારી સીટ સુધી પહોંચ્યા. બધા એકમેકનો પરિચય પામવા ઉત્સુક હતા. હાલ પૂરતું તો અમારા કમ્પાર્ટમેન્ટમાં જેઓ બેઠા હતા તેમના મુખારવિંદ અમે નિહાળી રહ્યા અને નજરો એક થાય તો કંઈક બોલીને આછેરો પરિચય પામવા હોઠ આતુર હતા. અમારી સામે એક કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર હતો. પતિ પત્ની અને એમની કોલેજિયન દીકરી. એક મહારાષ્ટ્રીયન વૃદ્ધા મધુ દલાલ અમારા ડબ્બામાં હતી. એનો દીકરો સવારે એને મૂકી ગયો હતો. મહારાજનું નામ હતું જયેશ મહારાજ. દીકરીનું નામ હતું દર્શિતા. આ ગાડીમાં અમારે વડોદરા સુધી જ જવાનું હતું. ત્યાંથી ઉતર્યા પછી ગાડી બદલવાની હતી. ડબ્બામાં અમને સવારની ચા મળી ગઈ! ટેસ્ટ બિલકુલ સાનુકૂળ હતો, નહિતર ટેસ્ટ માટે એવું છે કે જેટલાં મોઢાં એટલા સ્વાદ! જે સ્વાદને અમુક લોકો વખાણે તેને બીજાં લોકો વખોડતા પણ હોય. અજબ જેવી વાત હતી કે રમણભાઈની ચા સૌને ફાવી ગઈ. કોઈએ કંઈ વાંધાવચકા ન કાઢ્યા. વડોદરા આવ્યું અને અમારો ડબ્બો ગાડીથી છૂટો પાડી દેવાયો. એક એન્જિન આવ્યું અને ડબ્બાને યાર્ડમાં ખેંચી ગયું. સામાન તો અમારે ઉતારવાનો હતો નહીં, અમે ઉતરી પડ્યા. રસોઈ માટેની ટીમ કામે લાગી. એ લોકો ટેવાઈ ગયેલા હતા. મેનુ તો તૈયાર જ હતું. સાધનો બહાર કાઢીને ફટાફટ રસોઈ બનાવવા લાગ્યા. યાર્ડમાં રસોઈ મઘમઘી રહી હતી. પૂરી, શાક, દાળ-ભાત, કચુંબર, પાપડ બધું બરાબર ટેસ્ટી હતું, પણ યાત્રાનો આરંભ શુકનવંતી લાપસીથી થતો હતો. સૌએ ધરાઈને મનભાવતું ભોજન કર્યું. અમારા કંપાર્ટમેન્ટમાં બે સીટ ખાલી હતી. ચીખલીથી આવેલું એક યંગ કપલ અમારી સાથે જોડાઈ ગયું. ભાઈ ડોક્ટર હતા. એમનું નામ હતુ; ડૉ. દિલીપ મોદી. એમની પત્નીને તેઓ ‘ચકુ ચકુ‘ કહીને બોલાવતા હતા એટલી ખબર પડી. સૂરતના એક ડૉ. દિલીપ મોદી તો મારા કવિમિત્ર પણ હતા. સિમિલર નામ! પ્રવાસમાં કોઈ ડોક્ટર પણ સાથે હોય તો એક જાતની નિરાંત રહે, પણ દિલીપભાઈએ સ્પષ્ટતા કરી કે અહીં હું ડોક્ટર તરીકે નહીં પણ યાત્રાળુ તરીકે આવ્યો છું! મને ડોક્ટર ગણશો નહીં. પણ ડોક્ટર તો ડોક્ટર જ કહેવાય ને!

એ સમયે સૂરતની આખી કાયાપલટ થઈ હતી. મ્યુનિસિપલ કમિશ્નર રાવ સાહેબે ડિમોલિશનનો સપાટો બોલાવ્યો હતો. ગીચ અને ગંદુ સૂરત ખુલ્લું અને રળિયામણું બની ગયું હતું. રાવ સાહેબના નામ સાથે તે વખતના આસિસ્ટન્ટ કમિશનર તરીકે સ્થાનિક ગુજરાતી એવા વિનોદ મોદીનું નામ પણ બોલાતું થયું હતું. સ્વાભાવિક રીતે મેં ડોક્ટર બાબુને પૂછી જોયું કે તેઓ વિનોદ મોદીને ઓળખે છે કે કેમ. એમણે જણાવ્યું કે તે મારો સગ્ગો ભાઈ છે! વાહ, ઓળખાણ તો કોણ જાણે ક્યાં ક્યાંથી નીકળી આવે! જમતી વખતે અમે શ્લોકો બોલીને પછી જ કોળિયો ભરતા હતા એટલે અમે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હોઈશું એવું અનુમાન જયેશ મહારાજે બાંધ્યું અને એમના યજમાન ડૉ. દક્ષાબેન ધોળાભાઈનો ઉલ્લેખ કર્યો. ડૉ. દક્ષાબેન અમારાં ખૂબ પરિચિત અને જુના સ્વાધ્યાયી એટલે વાતચીત કરવા માટેનો એક સેતુ ઊભો થઈ ગયો.

બપોરે જમ્યા, આજુબાજુ ટહેલ્યા, આરામ કર્યો અને  દિલ્હી તરફ જતી ગાડી સાથે ડબ્બો જોડાતાં જ અમે ગુજરાતની સરહદ છોડીને આગળ પ્રયાણ કર્યું. એક પછી એક સ્ટેશનો પસાર થતાં ગયાં. નામ વંચાતા ગયાં અને મારા દીકરાએ નોટબુકમાં સ્ટેશનના નામ ટપકાવવા માંડ્યાં. પણ સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, સ્ટેશનોના નામ લખવાનું બંધ કર્યું. આમ પણ રાત્રે ઊંઘી જઈશું ત્યારે જે સ્ટેશનો પરથી ગાડી પસાર થવાની છે તેના નામો કંઈ થોડા જ નોંધી શકાવાના છે! ઠીક છે. કામચલાઉ, સમય પસાર કરવા માટે આ પ્રવૃત્તિ કરી જોઈ. રાત્રિનું ભોજન ડબ્બામાં જ તૈયાર થઈ રહ્યું હતું. રસોઈનો સામાન અમારી પાછળના જ કંપાર્ટમેન્ટમાં હતો. ટૂર ઓર્ગેનાઈઝર રમણકાકા અમારી બાજુમાં જ છે અને એમના અનુભવનો લાભ એમની રમુજ સાથે અમને મળી રહ્યો છે. બીજા કંપાર્ટમેન્ટમાં ધોરણ પારડી ગામના પાટિદાર ભાઈબહેનો બેઠા છે. અમુક ખત્રી ફેમિલી પણ છે. એક સોપારીવાલા ઘાંચી છે. સાંજની રસોઈ પણ એટલી જ સ્વાદિષ્ટ છે. અમારા આરોગ્યની કાળજી રાખવા રમણભાઈનો ખાસ આસિસ્ટન્ટ એવો નેપાળી યુવાન કિશન છે. બાલાજી રોડ પર આવેલા પ્રસિદ્ધ ડૉ. જવાહર શાહના દવાખાનામાં એ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. કિશન પ્રવાસનો અનુભવી છે, બોલકણો છે, ઉત્સાહી છે. તરવરિયો છે. એનું મોઢું એટલું નાનું છે કે અમે એને ‘નાની મોઢીવાળો‘ કિશન તરીકે યાદ રાખી લીધો છે. નામ ભૂલી જવાય તોયે “નાનલી મોઢી‘ તો યાદ રહે જ!

Continue

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

(૪)

ટ્રેન ગુજરાતની સરહદ છોડીને ધાડપાડુઓના મુલક તરફથી પસાર થવાની છે. જે સલામતી છે તે ગુજરાતમાં જ છે. ગુજરાત છોડ્યા પછી ગુજરાતને ભૂલી જવાનું. રમણભાઈનો આદેશ છે કે ‘કોઈપણ સંજોગોમાં ડબ્બાનો દરવાજો ખોલવો નહીં. બહાર શું બની રહ્યું છે તે જાણવાનું કૂતુહલ મનમાં જ દબાવી દેવાનું. ધાડપાડુઓ અને ગુંડાઓ ગમે તે વેશમાં ડબ્બામાં ઘુસી જવાની શક્યતા રહેલી હોય છે.‘ બાપ, રે! આ તો હજી પહેલી રાત્રિ છે. બાકીના દિવસો અને રાત્રિ કેમ જશે! મનમાં દહેશત ઘર ઘાલી જાય છે. શું થશે? બધા મિયાંની મિંદડી જેવા ડાહ્યા ડમરા થઈને ડબ્બામાં શાંત બેઠા છે. રોજનો સૂવાનો સમય થાય એટલે મારી તો આંખ ઘેરાવા માંડે. બીજાંઓનું શું થયું તે ખબર નથી, હું તો ઊંઘી ગયો.રાત્રિ દરમિયાન કયાં કયાં સ્ટેશનો પરથી ગાડી પસાર થઈ ગઈ તે યાદ નથી. “આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા!” સવાર થઈ અને બધાં દાતણ પાણી કરવા અને શૌચ માટે ડબ્બામાં ચહલ પહલ કરવા માંડ્યા એટલે જાગી પડાયું. બધાંને સલામત જોઈને રાહત થઈ ગઈ. ડબ્બા ઉપરની પાણીની ટાંકી પૂરેપૂરી ભરાવી લેવાની કાળજી રમણભાઈએ રાખેલી છે. ઠંડા પાણીથી નહાવાની ટેવવાળાએ બિન્દાસ્ત નાહી લીધું છે. મારા જેવાંએ સંકોચાતા સંકોચાતાં મને ક-મને ઠંડા પાણીથી ચલાવી લેવું પડ્યું. એ તો સારું હતું કે જુન મહીનો ચાલતો હોવાથી વાતાવરણમાં ગરમી હતી એટલે ટાઢું પાણી ચાલી ગયું, બાકી ઘરે તો મને ઉનાળામાં પણ ગરમ પાણી જ જોઈએ! પણ બહાર નીકળ્યા પછી એ બધી ચાતરમ ભૂલી જવાની. હવે બધાંની દૈનિક ગતિવિધિનો ખ્યાલ આવવા માંડ્યો છે. કોઈની કુટેવ- સુટેવ, આગ્રહો, જિદ્દ, ફ્લેક્ષિબિલિટી, સમય સાથે અનુકુલન સાધવાનો સ્વભાવ, કોઈના પર રૂઆબ છાંટવાનો કે કોઈને મદદરૂપ થવાનો સ્વભાવ- આ બધી જે વિચિત્રતા માનવમનમાં ઢંકાઈ પડેલી છે તે હવે બહાર નીકળવા માંડશે. આ પણ એક જાતની તાલીમ છે. પ્રવાસો દ્વારા મળતું શિક્ષણ છે. જેમનામાં આ સહન કરવાની શક્તિ નથી તેમણે ઘરે જ બેસી રહેવું જોઈએ!

સમયસર ચા અને ગરમાગરમ નાસ્તો મળી જાય છે. ચા ન પીતા હોય તો કોફી કે ઉકાળો પીવાનો વિકલ્પ અપાય છે. નાસ્તામાં વિવિધતા છે. મારી પાસે વાંચવાની સામગ્રી છે. ફોટા પાડવા માટે મિત્ર પાસે માંગી લીધેલો એક કેમેરો છે, રોલ છે. દીકરાને ફોટોગ્રાફીનો શોખ છે, એણે ફોટોગ્રાફીના ઘણા મેગેઝીન વાંચ્યા છે, વસાવ્યા છે. પણ અત્યારે અમારું ધ્યાન એમાં નથી. ખુલ્લી આંખે જ્યાં સુધી જેટલું દેખાય તે મન ભરીને જોઈ લેવું છે. મગજમાં સ્ટોર કરી લેવું છે. ગાડી એક પછી એક સ્ટેશનો પસાર કરતી જાય છે. બહાર જોતાં જોતાં અંદરોઅંદર વાતચીત પણ ચાલતી રહે છે. આ માણસો અને આ પ્રદેશ તથા આ વાતાવરણ પાછાં મળવાના નથી. બહારવટિયાઓના પ્રદેશ વટાવીને ગાડી આગળ જઈ રહી છે, છતાં ભય ઓછો થયો નથી. અમારી ગાડી મેરઠ તરફના વિસ્તારમાં હતી અને…

????

સાંજનું વાળુ થઈ ગયું હતું. પ્રાર્થના, ભજન પણ પૂરા થવાં આવ્યાં હતાં. આંખ ઘેરાવાનો સમય થઈ ગયો હતો. ગાડી હરદ્વાર તરફ જઈ રહી હતી. અંધારું ચોમેર વ્યાપેલું હતું. રાત પણ સમ સમ કરતી પસાર થઈ રહી હતી અને અધવચ્ચે, અચાનક, ગાડી ઊભી રહી ગઈ. ફાયરિંગના અવાજો સંભળાયા. ડબ્બામાં ભયનું લખલખું પસાર થઈ ગયું. રમણકાકાની વાત સાચી પડી. કંઈ જ ન થાય તો આપણા નસીબ, પણ થાય તેની ગણતરી મગજમાં ચોક્કસ રાખવી. એ સમયે પ્રવાસ આયોજક જે સૂચના આપે તેનો સખ્તાઈથી અમલ કરવો. એનો અનુભવ અને કુનેહ જ આપણી સલામતી માટે ઉપયોગી થાય. દોઢ ડહાપણ કરવાથી નુકસાન થાય. (આ પ્રવાસ ૧૯૯૮ની સાલનો છે.)

બંદુકના ધડાકા સાંભળ્યા પછી ઊંઘ કોને આવે? મોડે મોડેથી ઊંઘ આવી ગઈ. દિલ્હી ગયું, હરદ્વાર આવી પહોંચ્યું અને ગાડી ઊભી રહી ત્યારે ખબર પડી કે સવાર પડી ગયું છે. જલદીથી સવારની દૈનિક ક્રિયા પતાવી. પ્લેટફોર્મ પર જ ચા નાસ્તો કરી લીધો. ડબ્બો યાર્ડમાં જતો રહ્યો. હરદ્વારમાં સાઈટ સીઈંગ કરવાનું હતું. ગરમ વસ્ત્રો અને બીજી જરૂરી ચીજો ખરીદવાની હતી. ‘હર કી પૌડી‘ પર સ્નાન અને સાંજની આરતીના દર્શન કરવાનો કાર્યક્રમ બપોર પછી રાખ્યો હતો. અમારા કંપાર્ટમેન્ટના સહયાત્રી જયેશ મહારાજે હરદ્વારના જોવાંલાયક સ્થળોનું લિસ્ટ બનાવ્યું. રમણકાકાને બતાવ્યું. કેટલાંક કાઢી નાંખ્યા, કેટલાંક ઉમેર્યાં. છકડાવાળા સાથે ભાડું નક્કી કરીને બધાં મંદિરોમાં ફર્યાં, ભાવથી દર્શન કર્યાં. કેરીની સિઝન હતી એટલે કેટલાક જણા ઘરેથી કેરી લાવેલા તેનો પ્રસાદ પણ મંદિરમાં ધર્યો. મને યાદ આવ્યું કે વરસો પહેલાં સ્વામી સત્યમિત્રાનંદજી નામના એક સંન્યાસી સુરત આવેલા. એમની ખ્યાતિ સાંભળીને ‘રંગવિહાર‘માં એમનું પ્રવચન સાંભળવા હું પણ ગયેલો. રામચરિત માનસમાં ગંગા પાર કરતી વખતનો કેવટનો પ્રસંગ એમણે જુદી રીતે વર્ણવેલો. કેવટ જોડે જે દલીલબાજી થાય છે તેનું વર્ણન કરતા એક દોહામાં ‘તુલસી‘ શબ્દ આવે છે તે ગ્રંથકાર તુલસીદાસ માટે નથી વપરાયો, પણ કેવટે રામને કહી દીધું કે ‘આજે તું, લક્ષ્મણ અને સીતા-પૈકી કોઈનું ચાલવાનું નથી! મારી શરત સ્વીકાર્યા વિના ગંગાપાર કરવા નાવ ઉપડશે નહીં! રામ માટે તુ, લક્ષ્મણના નામનો પહેલો અક્ષર લ અને સીતાનો પ્રથમાક્ષર સી મળીને ‘તુલસી‘ શબ્દ વપરાયો છે. આ એક શબ્દરમત છે. મુખ્ય વાત એ હતી કે તેઓ હરદ્વારમાં ‘ભારતમાતા‘નું એક વિશાળ મંદિર બનાવવા માંગતા હતા અને તે માટે ફંડ ઉઘરાવવા સુરત પધાર્યા હતા. તે વખતે મારા સાંભળવા પ્રમાણે હરદ્વાર એ મંદિરોથી ઉભરાતું શહેર હતું. મંદિર અને ગંગાદર્શન સિવાય બીજું હરદ્વારમાં છે પણ શું? મંદિરની અહીં કોઈ નવાઈ નથી. એકાદ મંદિર ન બને તો શું ખાટું મોળું થઈ જવાનું હતું? સ્વામીજી કહેતા હતા કે એનાથી દેશમાં એકતા આવશે! મને શંકા જ હતી કે મંદિરો બાંધવાથી વળી એકતા કેવી રીતે આવવાની હતી. આજે હરદ્વાર આવવાનું થયું જ છે તો મારે જોવું જોઈએ કે ભાવિકો પાસેથી ઉઘરાવેયેલા પૈસાથી ભારતમાતાનું મંદિર ખરેખર બન્યું છે કે કેમ, જો બન્યું હોય તો તેની વિશેષતા શી છે. અમે જોયું તો ખરેખર, ભવ્ય, બહુમાળી ઈમારત બનાવી હતી અને પ્રત્યેક ફ્લોર પર દેશના વિવિધ રાજ્યોની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંકી કરાવતી મૂર્તિઓ અને ચિત્રો ત્યાં દૃશ્યમાન હતા. સ્વામીજીની આરસની પ્રતિમા પણ હતી.

હરદ્વાર કે હરિદ્વાર? હર એટલે મહાદેવજી અને હરિ એટલે વિષ્ણુ. હરિ અને હરના ભક્તો એટલે કે વૈષ્ણવો અને શૈવો વચ્ચે પ્રાચીનકાળમાં મિથ્યા ઝગડો ચાલતો હતો. શિવ એટલે શવ અને શવ એટલે શબ! શિવ શબ્દ બોલતાં જ વૈષ્ણવો અભડાઈ જાય! દરજીને ત્યાં કપડાં સીવડાવવા જતી વખતે દરજીને પણ એમ ન કહે કે તું મારાં કપડાં સીવ! શું હરિ અને હર જુદાં છે? ભક્તોએ આ શી છોકરરમત માંડી છે? પરમ તત્વ તો એક જ છે. પુરાણકારોએ વિષ્ણુને મહાદેવની ભક્તિ કરતા અને મહાદેવને વિષ્ણુની ભક્તિ કરતા બતાવતી વાર્તાઓ રચી અને ભ્રમ દૂર કર્યો! રેલવે સ્ટેશન પરના બોર્ડ પર શું લખેલું છે તે જોવા હું ઉત્સુક હતો. જુદી જુદી જગ્યાએ મને બંને નામ દેખાયાં. સ્થળ એક જ, પણ નામ બે જુદાં જુદાં. ચારધામના તીર્થો દેવભૂમિમાં આવેલા છે, ભગવાન વિષ્ણુનું બદરીનાથ ધામ અને મહાદેવજીનું કેદારનાથ ધામ જવાનો રસ્તો તો એક જ છે. લોકો સમજ્યા વગર જ લડી મરે છે!

તીર્થોના મંદિરોમાં ઈશ્વર દર્શન કરવા નીકળેલા યાત્રિકો મંદિરમાં ઓછો વખત આપે છે. મંદિર કરતા એમનો વધારે પડતો સમય તો મંદિરના પ્રાંગણમાં આવેલી દુકાનો પર જાય છે! આ તે ભક્તિ યાત્રા છે કે શોપીંગ  યાત્રા? આપણે જાત્રાળુ છીએ કે ઘરાક? .. કે પછી બંને? સારું છે કે તે વખતે મોબાઈલ ફોન અને મોબાઈલ કેમેરા નહોતા! નહિતર અમુક યાત્રાધામ કે અમુક મંદિરે અમે જઈ આવેલા એવી હોશિયારી મારવા માટે સાબિતી તરીકે જ એનો ઉપયોગ થતો હોત. મારું ધ્યાન મંદિરની ઈમારત તરફ, મંદિરની મૂર્તિ તરફ અને ભક્તોની હિલચાલ તરફ મંડાયેલું રહે છે. મને જે ગમી જાય અથવા વધારે ધ્યાનાકર્ષક લાગે તેવી વસ્તુ બતાવવા મારી પત્ની અને બાળકોને આસપાસ જોવા મથું છું. દૂર હોય તો પાસે બોલાવીને બતાવું છું. મારી ઉંમરના અન્ય લોકોએ તો હરદ્વારને જોઈ જોઈને જુનું કરી નાંખ્યું હશે. ઘણાં લોકો અવારનવાર અહીં આવતા હોય છે. હું જ પહેલીવાર આવ્યો છું. મુગ્ધભાવે બધું જ જોઈ રહ્યો છું. ભગવાન જાણે પાછા ક્યારે અવાશે! આવવાનું થાય કે ન પણ થાય. દેવભૂમિમાં દટાઈ જવાનું લખાયું હોય તો આ જનમની આ છેલ્લી જ યાત્રા! આમ તો બધું જ અનિશ્ચિત છે. પણ આ યાત્રાની વિકટતા વિશે જેટલું જાણ્યું છે તેના પરથી એટલી માનસિકતા તો કેળવી લીધી છે.

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

હરદ્વારમાં મંદિરદર્શન પછી અમારે ગરમ ધાબળા લેવાના છે. વરસાદ સામે રક્ષણ લેવા ચાર જણાંના રેઈનકોટ તો લાવેલા જ છીએ, પણ હિમાલયની ઊંચાઈ પર ઠંડીનો સામનો કરવા ધાબળા લેવા જરૂરી છે. આમ તો કાળી કમળીવાળા બાબાનો આશ્રમ પણ આ તરફ ચાલે છે, એવું સાંભળ્યું છે. હિમાલય યાત્રાએ જનાર જાત્રાળુઓની સેવા માટે અહીં મફતમાં કામળો મળે છે. ચડતી વખતે લઈ જવાનો અને ઉતરતી વખતે પાછો મૂકી જવાનો. પણ અમારી પાસે ઘરે યે એકેય ધાબળો કે શાલ નથી એટલે વસાવવાના તો છે જ. બીજો બધો સામાન તો રિટર્ન જર્નીમાં ખરીદી લેવાશે, પણ હાલ પૂરતું તો ધાબળા અને ગરમ પહેરણ જ લેવાના છે.

અમને ગુજરાતી સમાજમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે કારણ કે સ્ટેશન અને યાર્ડમાં પડેલો ડબ્બો દૂર છે. રમણભાઈએ સૂચના આપી છે કે હવે આગળના પ્રવાસ માટે આપણે અહીંની મીનીબસમાં જવાનું છે. અત્યંત જરૂરી એવો ઓછામાં ઓછો સામાન લઈને એક બેગ તૈયાર કરો. ઘોડા પર બેસતી વખતે જીન પર મૂકવા માટે ધાબળા જોઈશે. ઠંડી અને વરસાદનો સામનો કરવા રેઈનકોટ જોઈશે. તમારી રોજિંદી દવા લેતા હોય તે સાથે જ રાખજો. ઉપર હવા પાતળી છે તેથી શ્વાસ લેવામાં તકલીફ થશે. કપુરની ગોળી રાખજો. ટોર્ચ સાથે રાખજો. ગરમ કપડાં લેજો. જોખમ હોય તે બધું અહીં જ મૂકી જવાનું છે. તમારો માલ સામાન ડબ્બામાં સુરક્ષિત રહેશે. ચારધામ ફરીને આપણે પાછા આવીએ એ દસ દિવસ દરમિયાન મારા બે માણસો અહીં જ રહેશે.

બપોરનું ભોજન કરીને, ખરીદેલી વસ્તુઓ વ્યવસ્થિત મૂકીને, થોડો આરામ કરીને પછી ટુવાલ કપડાં લઈને ‘હરકી પેડી‘ જવાનું નક્કી થયું. મારા એક સુરતી મિત્રે મને ‘હર કી પેડી‘ પર મળતી રબડી ખાવાની ખાસ ભલામણ કરી હતી, સુરતીઓ સ્વાદ રસિયા હોય છે. જે ભાવી ગયું તેનો મફતમાં પ્રચાર કરે છે. રબડીના સ્વાદ કરતાં મને તો ગંગાના શીતળજળની ભારે બીક ભરાઈ ગયેલી છે.તેથી હું ચિંતિત છું! મારું શું થશે? આમ પણ જળાશયોનો જળરાશિ જોઈને મને ગભરામણ થાય છે, ચક્કર આવે છે. પાણી ભરેલો તામડો મારા માથા પર કોઈ ભુસકાવી મૂકે- એકાએક ઢોળી મૂકે તોયે મને ગુંગળામણ થાય છે. બચવા માટે હું હવાતિયાં મારું છું. કોઈને કદાચ હસવું આવે તેવી વાત છે પણ મને લાગે છે કે મારે માથે મોટી જળઘાત છે! મેં તો નક્કી જ કરી રાખ્યું છે કે માત્ર પગ જ પલાળવા (પાદપ્રક્ષાલન) અને શરીર પર છાંટા લઈ લેવા. માર્જનથી જ કામ ચલાવી લેવું છે. ‘મન ચંગા તો કથરોટમેં ગંગા!‘ ચાંગળુ ભરીને ગંગાજળ લઈએ તેમાં આખી ગંગા આવી ગઈ. લોકો પાણીમાં ડૂબવાનો આનંદ કેવી રીતે લેતા હશે તે જ મને તો આશ્ચર્યજનક લાગે છે!

અમે ગયા ત્યારે ત્યાં મેળો ભરાયો હોય એવું દૃશ્ય હતું. સંસારના પાપો ધોનારી પાપહારિણી મા ગંગામાં ડૂબકી લગાવી પાવન થવા માટે શ્રદ્ધાળુઓ છેક ક્યાં ક્યાંથી અહીં પધાર્યા હતા. કેટલી બધી અગવડો વેઠીને તેઓ અહીં આવ્યા હતા. એમના હૈયે આનંદ સમાતો નહોતો. અહીં આવતાંની સાથે જ જીવન કૃતાર્થ થઈ ગયું- એવો ભાવ તેમના ચહેરા પર વંચાતો હતો. ગંગા તવ દર્શનાત્ મુક્તિ:- મા ગંગાના દર્શનથી જ જીવ મુક્ત થઈ જાય છે. આ સૂત્ર મને રાહત આપનારું લાગ્યું! હવે હું ગંગામાં સ્નાન ન કરું તોયે ચાલે! ગંગામૈયાના દર્શનનો મહિમા અપાર છે.

અમારા ગૃપના તમામ સભ્યો નાના નાના સમુહોમાં ગંગાઘાટે એક પછી એક પગથિયાં ઊતરીને ગંગાના જળપ્રવાહ તરફ જઈ રહ્યા છે. તેઓ સૌ આતુર છે ડૂબકી લગાવવા. અંદર ક્યાંય સુધી પહોળા પગથિયાની આખી હાર છે. ગંગાનો વિશાળ અને નિર્મળ જળપ્રવાહ ધસમસતો પસાર થઈ રહ્યો છે.  એનાં તરંગો આપણને ઝડપભેર ક્યાંના ક્યાં, નજર પણ ન પહોંચે ત્યાં સુધી ખેંચી જાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ ‘હર હર ગંગે, હર હર ગંગે‘ બોલતાં બોલતાં સ્નાન કરવાની મજા માણી રહ્યા છે. પાણીની બહાર કાળઝાળ ગરમી પડી રહી છે. એમની મસ્તી જોઈને ખરેખર એવું લાગે છે કે ‘માંહી પડયા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને!‘ અને મારા જેવા ‘તીરે ઊભા જુએ તમાસો, તે પામે નવ કોડી જો ને!‘ મને લાગી આવે છે. હૈયે એક ચોટ વાગે છે. શું હું સાવ અભાગિયો છું? અરે, મારી સાત પેઢીમાં કોઈ અહીં સુધી આવ્યું નથી; અરે, કોઈએ વિચાર્યું પણ નહોતું. મારે પણ ગંગાના પાવક નીરમાં ઝબોળાવું જોઈએ. મેં હિંમત એકઠી કરી. મજબૂત હાથે સાંકળ પકડી અને ગંગાના પ્રવાહમાં પગ ઝબકોળ્યા. આ શું? ચીલ વૉટર જેવું ઠંડુ પાણી! જાણે બરફ જ! એ શીતળતા તો પગના તળિયેથી પ્રવેશીને ક્ષણવારમાં તો માથાના વાળ સુધી પહોંચીને બહાર પણ નીકળી ગઈ. શરીરમાં કંપારી આવી ગઈ. શું કરું? પગ જ્યાં છે ત્યાં જ રહેવા દઉં કે પાછા ખેંચી લઉં? મારી અંદરથી સુરતનો કવિ નર્મદ બોલી ઊઠ્યો, ‘ડગલું ભર્યું કે ના હઠવું!‘ મરી ગિયા બાપ! હું તો દિંગ્મૂઢ બનીને સાંકળ પકડીને ઊભો જ રહ્યો. પછી થયું કે આમ ક્યાં સુધી ઊભો રહીશ? હળવેકથી પગથિયા પર બેઠો. કમ્મર સુધી પાણી આવ્યાં. ‘ગંગાના નીર તો વધે ઘટે રે લોલ!‘ ગભરાટ હજી ગયો નથી! ગંગામૈયા તો મને એના આલિંગનમાં લેવા ઈચ્છતી હતી અને મારો જીવ ગુંગળાતો હતો. આ તે કેવી પરિસ્થિતિ? મારાથી આગળના બે ત્રણ પગથિયા સુધી બેઠેલા નરનારીઓ મોજથી નહાતા હતા. હું ખેંચાઈ જાઉં તો એ લોકો મને તણાઈ જતો અટકાવશે કે? જે થાય તે, મરવાનું તો એક જ વાર છે ને! તો ગંગામૈયાનો ખોળો શું ખોટો? ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે!‘ નર્મદે વળી પાછો મને પાનો ચડાવ્યો. ‘યાહોમ‘ બોલીને નહીં, પણ ‘ૐ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી…‘ બોલતાં બોલતાં સાંકળ પકડી રાખીને મેં મારું આખું શરીર માના ખોળામાં ધરી દીધું. મારી ચામડીના તમામ છિદ્રો જાણે ખૂલી ગયાં. ગરમી નીકળી ગઈ, તન અને મનમાં પણ શીતળતા પ્રસરી ગઈ. એટલો આનંદ આવવા લાગ્યો કે બહાર નીકળવાનું મન જ થતું નહોતું. ‘સર્વ સંતાપો દૂર થયા, સ્વસ્થ થયો હું!‘ માનો સ્નેહાળ હાથ ફર્યો, આશીર્વાદ મળ્યા અને તન મન જાણે સાવ બદલાઈ ગયા. નવો જ બદલાવ અનુભવી રહ્યો. ગંગાસ્નાન કર્યા પછી બાકીના વર્ષો દરમિયાન મને ઠંડા પવનથી કે પાણીથી થતી સર્વ હેરાનગતિ સાવ મટી ગઈ.

અમે બધા ફ્રેશ થઈ ગયા હતા. હર કી પેઢી પર હવે ભીડ વધી રહી હતી. અમે દિશા બદલી. સ્નાન કરવાના ઘાટથી નદીના મુખ્ય પ્રવાહ તરફના કિનારે જગ્યા લઈ લીધી. અંધારું થવા આવ્યું. વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી. ભીડ અને અંધારું બંને એકી સાથે ઘટ્ટ બની રહ્યા હતા. લોકોના ચહેરા હવે ઝાંખા દેખાય છે. તાજા ને લીલા રંગના ખાખરાના પાનના પડિયામાં ઘીના તૈયાર દીવા મળતા હતા તે અમે લઈ રાખ્યા છે. અમે દિવાસળીનું બાકસ પણ સાથે રાખ્યું છે. દીવા અત્યારે સળગાવવાના નહોતા. ગંગા મૈયાની વિશાળ આરતી તૈયાર થઈ રહી હતી. પૂજારીઓ શિસ્તબદ્ધ ગોઠવાઈ ગયા. શંખનાદ શરૂ થયો. ભાવિકોનું સમગ્ર ધ્યાન આરતી પર કેન્દ્રિત થયું. ઘંટનાદ ઉમેરાયો. અંધારા વચ્ચે આરતીની જ્યોત ઝળહળી ઊઠી. એનું પ્રતિબિંબ ગંગાના જળતરંગોએ ઝીલ્યું. અદભુત દૃશ્ય રચાયું. જળપ્રવાહે જાણે પ્રકાશપ્રવાહનું રૂપ લીધું! તમામ ભાવિકોએ તેમના હાથમાંના પડિયામાં રહેલા દીવડા પ્રગટાવીને જળપ્રવાહમાં વહેતા મૂકી દીધા. દીવાઓ તરતા તરતા આઘા જવા લાગ્યા. ‘ગંગા મૈંયામેં જબ તક યે પાની રહે, મેરે સજના તેરી જિંન્દગાની રહે, મૈયા, હો ગંગા મૈંયા…! અને ‘ગંગા… તેરા પાની અમૃત..‘ એવા ફિલ્મીગીતો સાંભળેલા તે યાદ આવવા લાગ્યા. એ હજારો દીવડાના અગણિત પ્રતિબિંબો થકી એવો નજારો રચાયો કે સમસ્ત આકાશના તારાસમુહો જાણે પૃથ્વી પર ઉતરી આવ્યા હોય!  ધીરે ધીરે ભીડ વિખરાવા લાગી. શાંતિ અને શિસ્તભેર, સંભાળપૂર્વક લોકો પોતાના મુકામ પર જવા લાગ્યા. એ સ્વર્ગીય દૃશ્યો જેમણે પોતાની નજરમાં ભરી લીધું તેઓ જિંદગીમાં ક્યારેય એ ભૂલી ના શકે. અમે અમારા મુકામે આવ્યા.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

 હર કી પેઢીનો સ્વર્ગીય આનંદ લૂટ્યા પછી અમે મુકામ પર આવ્યા. દરેક જણ પોતપોતાની અનુભૂતિ પોતાના શબ્દોમાં વર્ણવવા લાગ્યા. ફરવાનો થાક, ગંગાસ્નાન થકી પ્રાપ્ત થયેલી ચિત્તની પ્રસન્નતા અને સ્વાદિષ્ટ ભોજન થકી થયેલી ઉદરતૃપ્તિથી ઊંઘ તો સરસ આવી ગઈ. રાત્રે સપનામાં પણ એ જ વીરલ દૃશ્યો જોયા. બીજા દિવસની સવારે અમે ઋષિકેશ ગયા. ગાયત્રી પરિવારનો મોટો આશ્રમ અહીં આવેલો છે. પંડિત રામશર્મા આચાર્યજીનું  વિશાળ તપોવન અહીં છે. ઋષિકેશમાં ઘણા બધા આશ્રમો છે. ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું ધામ એટલે ઋષિકેશ. હરદ્વાર અને ઋષિકેશ ગંગાને કિનારે આવેલાં એવાં બે શહેરો છે જ્યાં ઘણા લોકો વરસમાં પંદર વીસ દિવસ આવીને રહી જાય છે. માણસ ધાર્મિક હોય કે ન હોય, સાવ નાસ્તિક હોય તો પણ અહીં આવીને રહે એટલે એને ચિત્તની શાંતિ પ્રાપ્તિ થાય જ- એવું સાંભળ્યું હતું. અહીંનું હવામાન કુદરતી રીતે જ ખૂબ સારું છે. સર્વ પ્રકારના તાણ અને ચિંતા દૂર કરનારું છે. પ્રકૃતિ એ પરમ તત્ત્વનું પ્રગટ રૂપ જ છે. પ્રકૃતિ બધે જ છે, પણ તે ડહોળાયેલી હશે, અહીં પ્રકૃતિ એના એકદમ શુદ્ધ સ્વરૂપમાં છે. અહીં આવનાર જીવ સીધો મા જગદંબાના ખોળામાં જઈને બેસતો હોય એટલી નિરાંત, એટલી સલામતી, એટલી તૃપ્તિ અને એટલી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.

ઉડનખટોલામાં બેઠેલા હીરો હીરોઈનોને ફિલ્મોમાં જોયા હતા. ઘણી ઊંચાઈ પર મજબૂત તાર કે કેબલ બાંધેલા હોય અને તેના પર સરકતી કેબિનમાં સહેલાણીઓ બેઠા હોય. નીચે મોટેભાગે નદી હોય. પડ્યા બડ્યા તો નીચે જતાંની સાથે જ સીદ્ધા ઉપ્પર! રોમાંચકતા હોય ત્યાં જોખમ પણ હોય જ. ફેરાવાનું અંતર દૂર કરવા શોધાયેલો આ શોર્ટકટ ક્યારેક ભવફેરાનો પણ શોર્ટકટ બની જતો હોય છે.

ઋષિકેશમાં અમે સ્નાન કર્યું. અમારી સાથે આવેલા ડોશીમા મધુ દલાલે જયેશ મહારાજને ગંગાસ્નાન વખતે મંત્રો બોલવાના પૈસા આપ્યા. મહારાજે ના કહી તોયે પરાણે આપ્યા. ‘ગોર મહારાજે લેવા પડે‘ એમ કહ્યું. પૈસા કોને કડવા લાગે! પણ અમે તો અમારી રીતે રોજ સ્નાન કરતી વખતે જે શ્લોકો બોલતા આવ્યા છીએ તે જાતે જ બોલી ગયા. શ્લોક  બોલતાં સ્નાન કરવાનો એ સહજ સ્વભાવ બની ગયો છે. કોલેજ કરતી વખતે આશ્રમમાં રહેતો ત્યારથી આ ટેવ પડી ગયેલી છે. ગંગામાં ડૂબકી લગાવ્યા પછી પાણીમાંથી બહાર નીકળવાનું મન જ થતું નથી એ સ્વાભાવિક છે પણ સમયમર્યાદાનો યે ખ્યાલ રાખવો પડે છે. ઋષિકેશના અન્ય સ્થળોએ પણ અમારે જવાનું છે. 

ઋષિકેશ એ ભગવાન વિષ્ણુનું એક નામ છે જેનો અર્થ થાય છે વ્યવહારુ જ્ઞાનના દેવ. ‘રાઈભ્ય ઋષિ’એ ઋષિકેશ સ્વરૂપે ભગવાન વિષ્ણુની કરેલી તપસ્યાની ફળશ્રુતિ સ્વરૂપે આ જગ્યાનું નામ પડ્યું છે. સ્કંદ પુરાણમાં, આ ક્ષેત્ર કુબ્જામ્રક તરીકે ઓળખાય છે કેમકે તેઓ આંબાના વૃક્ષ નીચે પ્રકટ થયા હતા.

બહોળી રીતે ઋષિકેશ એ શબ્દ માત્ર તે નગર જ નહીં પરંતુ, પાંચ જિલ્લા ક્ષેત્રના સમૂહને અપાયેલું નામ છે જેમાં તે નગર અને આસપાસ ગંગાને બંને કિનારે આવેલા નાનકડા ગામડાં આદિનો સમાવેશ થાય છે. ઋષિકેશ એક વાણિજ્ય અને સંદેશવ્યવહારનું કેંદ્ર છે. આ સાથે વિકાસ પામતું ઉપનગર મુની-કી-રેતી; શિવાનંદ આશ્રમ અને સ્વામી શિવાનંદ સ્થાપિત ડિવાઈન લાઈફ સોસાયટી ધરાવતું શિવાનંદ નગર, ઉત્તર ઋષિકેશ; લક્ષમણ ઝૂલાનું ક્ષેત્ર, થોડાક વધુ ઉત્તરે આવેલ છૂટા છવાયેલ આશ્રમો અને પૂર્વ કાંઠે આવેલ સ્વર્ગ આશ્રમ આદિ ક્ષેત્રને પણ ઋષિકેશ ગણાય છે. વહેલી પરોઢે ત્રિવેણી ઘાટ પર થતી ગંગા આરતી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. અહીંથી ૧૨ કિમી દૂર જંગલમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને ૨૧ કિમી દૂર આવેલ ‘વશિષ્ઠ ગુફા’ એ સ્થાનીય લોકોમાં પ્રખ્યાત પૂજા સ્થળ છે.

ઋષિકેશ એ પૌરાણીક ‘કેદારખંડ’નો (આજનું ગઢવાલ ) એક ભાગ છે. દંત કથાઓ અનુસાર ભગવાન રામે લંકાના દાનવ રાજા રાવણને મારવા માટે અહીં તપસ્યા કરી હતી. જે સ્થળે રામના ભાઈ લક્ષ્મણે ગંગાનદી પાર કરી હતી તે સ્થળે આજે લક્ષ્મણ ઝુલા આવેલો છે. આ જ સ્થળે સ્કંદ પુરાણના ‘કેદાર ખંડ’માં ઈંદ્ર ખંડ આવેલ છે તેવું પણ વર્ણન છે. ૧૮૮૯માં શણના દોરડાનો પુલ અહીં બનાવવામાં આવ્યો હતો, જે ૧૯૨૪માં ના પુરમાં ધોવાઈ ગયો ત્યાર બાદ અહીં અત્યારનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો. પવિત્ર નદી ગંગા આ શહેરમાંથી પસાર થાય છે. આ સ્થળેથી ગંગા નદી હિમાલયની શિવાલિક ટેકરીઓ છોડી ઉત્તર ભારતના મેદાનમાં પ્રવેશે છે. આના બંને કિનારાઓ પર ઘણા પ્રાચીન અને નવા હિંદુ મંદિર આવેલા છે.

મનસા દેવી અમે ચારધામ યાત્રા શરૂ કરતાં પહેલાં કરેલું કે રિટર્ન થતી વખતે કરેલું તે અત્યારે સ્પષ્ટ યાદ નથી. મને લાગે છે કે કદાચ અમે બંને વખત મનસાદેવીના દર્શન કર્યાં છે. મનસા દેવીને, કપાળે લગાવાતી લાલ બિંદી ચડાવવાનો રિવાજ છે. એમ કરવાથી મનોરથો ફળે છે એવી માન્યતા છે. પરિણામે આખી દિવાલ લાલ લાલ બિંદીથી – લાલ ચાંલ્લાઓથી ભરાઈ ગયું છે. ઘરે આવ્યા પછી બાથરૂમમાં સ્નાન કરતી વખતે કપાળ પરની બિંદી બાથરૂમની દિવાલ પર ચોંટાડતી મારી પત્નીની મેં એમ કહીને ઘણીવાર મજાક કરી છે કે ‘આપણો બાથરૂમ હવે મનસા દેવીનું સ્થાનક જરુર બની જવાનો!‘

બેસ્ટ બેકરીવાળા શિરીષભાઈએ એમના પિતાજીએ લખેલા પ્રવાસ વર્ણનની બુક આપેલી તે અમે બરાબર વાંચેલી જ છે છતાં સાથે રાખી છે. હવે અહીંથી અમારી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. મનમાં ઉત્કંઠા છે દેવભૂમિના દર્શનની. કેવો હશે હિમાલય! કેવું હશે ત્યાંનું હવામાન! ત્યાંની કુદરત! રસ્તા કેવા હશે? રસ્તા પર બરફ હશે? શિખરો બરફથી છવાયેલા હશે? જુન મહીનામાં સૂર્ય કર્કવૃત્ત પર તપતો હોય ત્યારે બરફ પીગળી ન ગયો હોય?  બધા વિચારો મગજમાં ચાલતા હતા. એવામાં સૂરતનું એક નવદંપતી અમારી યાત્રામાં જોડાયું. નવા નવા લગન કરેલા છોકરો અને છોકરી આટલા જલદી ચારધામ યાત્રા કરવા કેમ પ્રેરાયા હશે? આ તે કંઈ જાત્રા કરવાની ઉંમર છે એમની? ખરેખર તો તેઓ હનીમુન માટે નીકળેલા હતા. પણ હનીમુન માટે હવા ખાવાનાં સ્થળો સિમલા, મનીલા, નૈનીતાલ જેવાં સ્થળે જઈને રહેવાને બદલે જાત્રાના સ્થળે કેમ? જે હોય તે, જુવાનિયા હતા, જોરાવર હતા, પૈસાદાર પણ હતા. સુરતમાં ક્યાં રહો છો એમ પૂછતાં જાણવા મળ્યું કે ગોલવાડના રાણા હતા. ઘણી બધી ઓળખાણ નીકળી. છોકરી ખાસ કશું બોલતી નહોતી, પણ છોકરો મિલનસાર નીકળ્યો. મારા સંતાનોને સરખે સરખાની કંપની મળી ગઈ. છોકરો ત્યાંના સ્વાધ્યાય કેન્દ્રમાં જતો હતો અને તે મારા નામથી પરિચિત હતો. વૈચારિક રીતે પણ અમે નજીક આવી ગયા.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

બીજે દિવસે સવારે અમે દેવભૂમિના પ્રથમ યાત્રાધામ એવા જમનોત્રી જવા પ્રયાણ કર્યું. પ્રવાસ આયોજક શ્રી રમણભાઈએ ત્યાંની બે બસ કરી હતી. પ્રવાસીઓને બસમાં તેમની સીટ ફાળવી દીધી હતી અને પાછા આવીએ ત્યાં સુધી એ જ બસમાં સૌએ બેસવાનું હતું. ‘ચલો મન! ગંગા જમના તીર‘ ડી.વી પલુસ્કરનું ભજન વરસોથી કાનમાં પડઘાયા કરતું હતું. હવે એ બંને નદીના મૂળ તરફ જવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. જમનોત્રી કે જન્મોત્રી. જન્મોત્રી તો જન્માક્ષરને કહેવાય. બોલતી વખતે મ અને ન નો થોડોક જ સ્થાનફેર થવાથી ‘જમ્નોત્રી‘ નું ‘જન્મોત્રી‘ થઈ જાય અને નામફેર સાથે અર્થફેર થઈ જાય! આપણે જમનોત્રી જ લખીએ.

અમારી બંને બસ હવે પૃથ્વીની સપાટીથી ઊંચે સ્વર્ગ તરફ જાણે જઈ રહી છે. આ દેવભૂમિ છે. અહીં બસની બારીમાંથી દેખાતી તમામ વસ્તુ પર અમારી કૂતુહલભરી નજર છે. એ ધરતી, એ સડક, સડક પરની ધૂળ, જમીન પર ઊગેલાં વૃક્ષો, અહીંનું આકાશ, એમાં થતા રહેલાં પરિવર્તનોને નિહાળતાં નિહાળતાં અમે જઈ રહ્યા છીએ. ક્યારેક બસ ઊભી રહે છે તો એ ધરતી પર પગે ચાલીને, કૂદીને, મસ્તી કરીને, પગ છૂટા કરી લઈએ છીએ. કૂદવાનું?! આ ઉંમરે કૂદવાનું? હજી મારી ઉંમર જ ક્યાં થઈ છે જે! હજી તો પચાસ પણ ક્રોસ નથી કર્યા. અભી તો મૈં જવાન હૂં! અખબારોમાં મેં વાંચેલું હતું ટેહરી બંધ વિશે, અખબારોમાં વાંચ્યું હતું મેં ચીપકો આંદોલન વિશે. એની સાથે એક મોટું નામ જોડાયેલું સાંભળ્યું હતું. એ હતા એક જમાનાના મશહૂર પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણા. 1970 માં એમનું નામ ગાજતું થયેલું. તેમની આરસની પ્રતીમાના દર્શન થયા. એનો અર્થ એ થયો કે અમે ટિહરી જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છીએ. આ દેવભૂમિ તે જ ગઢવાલ હશે? અહીં હેમવતીનંદન બહુગુણાની પ્રતીમા પણ જોવામાં આવી. એકવાર તેઓ ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યપ્રધાન હતા. ઈંદિરા ગાંધીના સંતાનો એમને મામા કહેતા હતા. પછી ઈંદિરા ગાંધી એને ખરેખર મામો બનાવી ગઈ! આપણે રાજકારણ સાથે કોઈ મતલબ નથી, પણ આ તો મૂર્તિ જોવાઈ ગઈ એટલે એના સંબંધમાં જે કંઈ વાંચેલું તેના અંશો યાદ આવી ગયા. પર્યાવરણનો પ્રશ્ન આપણને તો સતાવે જ, એ સ્વાભાવિક છે પણ હિમાલયની દેવભૂમિને પણ એ સતાવતો હોય તો એ દુ:ખદ આશ્ચર્યની વાત ગણાય.

મારી નજર બહારના દૃશ્યો પર છે તેમ મનના છાને ખૂણે પડેલી માહિતીની ફાઈલો પર પણ છે. એક સમય હતો કે ભાખરા નંગલ બંધ એ જાણે તાજમહેલની જેમ જોવાલાયક અજાયબી ગણાતી હતી. વિદેશના મહાનુભાવો આપણે ત્યાં પધારે ત્યારે આપણી સરકાર એમને એ બંધ જોવા અવશ્ય લઈ જતી. નદી પર બંધ બાંધીને એની વિનાશકતાને રોકવી અને એના પાણીને ખેતીના કામમાં વાળવું એ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવતી. તેની સાથે વિદ્યુત પેદા કરી શકાય, પાણીનું વિશાળ સરોવર બને તેમાં મત્સ્યોદ્યોગ વિકસાવી શકાય. આવી બહુહેતૂક યોજનાઓ માટે અમે વિદ્યાર્થીકાળથી ગર્વ લેતા આવ્યા છીએ. ગંગા નદી પરના એવા જ એક ટિહરી બંધ સામે પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાજીએ આંદોલન ઉપાડેલું હતું. સામાન્યજનોની આંખ જે ન જોઈ શકે તે બાબત નિષ્ણાતોની નજર સ્પષ્ટ જોઈ શકે. એમની બુદ્ધિ આવનારા વરસોના લાંબા અંતરાલ પછી એની કેટલી બધી સારી નરસી અસર અહીંની ધરતી પર, હવામાન પર અને લોકજીવન પર થવાની છે તેનું સચોટ ચિત્ર જોઈ શકે છે. આપણા ગુજરાતમાં પણ પૂર્વ મુ. મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ, સાક્ષરવર્ય ઉમાશંકર જોશી અને સૂરતના મીનુ પરેબિયાની ત્રિપુટીએ નદીઓ પરના બંધની ઊંચાઈ ન વધારવા માટે ચળવળ ચલાવેલી તે યાદ આવી ગઈ. એવી જાહેરસભામાં મેં હાજરી પણ આપી હતી. ઊંચાઈ ઘટાડવાનું મુખ્ય કારણ, આટલો મોટો જળરાશિ વિશાળ સરોવરમાં એકઠો થવાથી લાખો અબજો ટન પાણીનું વજન લાગવાથી પૃથ્વીના સ્તરો પર દબાણ આવે છે, તેથી ભુસ્ખલન થાય છે, ધરતીકંપ પણ થઈ શકે. જંગલોનો નાશ થવાથી પર્યાવરણ પણ ખોટકાય છે. આપણને ટૂંકી નજરની ખોડ હોવાથી નજીકના લાભો જ દેખાય, પણ જેમની પાસે દીર્ઘદૃષ્ટિ છે તેવા નિષ્ણાત લોકોને લાંબાગાળે આવનારો ભય પણ દેખાય છે તેથી એ લોકો સરકારને અને સમાજને સાવચેત કરે છે.

ભારતના ઇતિહાસમાં 1970ના દશકમાં થયેલું ચિપકો આંદોલન (Chipko Movement) ખૂબ પ્રભાવી આંદોલનો પૈકીનું એક છે. આ આંદોલન ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જંગલોમાં વૃક્ષ કાપણીને (Deforestation) રોકવા હાથ ધરાયુ હતું. આ આંદોલન 26 માર્ચ 1974ના રોજ ગઢવાલ હિમાલયના લાતા ગામમાં ગોરા દેવીના નેતૃત્વમાં થયું હતું, જેમાં કુલ 27 મહિલાઓએ ભાગ લઇ વૃક્ષ કાપણી રોકી હતી.

આ આંદોલનનો હેતુ વ્યવસાય માટે કપાઈ રહેલા વૃક્ષોને બચાવવાનો હતો. આ કારણે મહિલાઓ વૃક્ષને ચીપકી ગઈ હતી અને આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ આંદોલન દ્વારા સ્થાનિક લોકો વન વિભાગ દ્વારા કાપણી કરાતા વૃક્ષો પર પોતાનો પરંપરાગત આધિકાર હોવાનું જણાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આંદોલન વર્ષ 1973માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શરુ થયું હતું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ આંદોલનનો પાયો વર્ષ 1970માં મશહૂર પર્યાવરણવિદ્દ સુંદરલાલ બહુગુણા, કામરેડ ગોવિંદસિંહ રાવત, ચંડીપ્રસાદ ભટ્ટ અને શ્રીમતી ગૌરદેવીના નેતૃત્વમાં નંખાયો હતો

આ આંદોલનના કારણે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ હિમાલયી જંગલોમાં વૃક્ષોની કાપણી પર 15 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. ત્યારબાદ આ આંદોલન હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર સુધી ફેલાયું અને સફળ નીવડ્યું. એટલું જ નહીં આ આંદોલન હિમાલયના ક્ષેત્ર માટે પર્યાવરણ (Environment) સંવેદનશીલતાને જગાવવા માટેનું પ્રતીક બન્યું. આ આંદોલનના 47 વર્ષ બાદ આપણે જોઈ રહ્યા છે કે આ વિસ્તારોમાં અવારનવાર ભૂસ્ખલન, ભૂકંપ અને પૂર આવતું રહે છે.

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

વરસાદના ટીપાંની આત્મકથા બાળકોના પુસ્તકમાં ક્યારેક વાંચી હતી તેનું સ્મરણ થયું.  એ વરસાદના ટીપાં સાથે વળી અમારે શી નિસ્બત? નિસ્બત એટલા માટે છે કે અમારી હાલત અત્યારે એ ટીપાં જેવી છે! એ ટીપું કહે છે કે પહેલાં તો અમે ધરતી પરના એક વિશાળ મહાસાગરમાં હતા. સૂરજની ગરમીથી અમારું સ્વરૂપ બદલાયું. પ્રવાહીને બદલે વાયુ સ્વરૂપમાં અમારું પરિવર્તન થયું. વરાળમાંથી વાદળાં બંધાયાં. એ વાદળ હલકાં હોવાથી આકાશમાં ઊંચે ચડ્યાં. અમને ઠંડક લાગવા માંડી. વાયુ સ્વરૂપમાંથી અમે અત્યંત નાના નાના જળબિંદુઓ બન્યા. પવનદેવના સંપર્કમાં આવવાનું થયું. એ પવનદેવે અમને આકાશની મુસાફરી કરાવી. અમારો જીવ ગભરાઈ જાય એવી જોખમભરી અવકાશયાત્રા કરાવી. અનેકવાર દિશાઓ બદલાઈ, ગતિ બદલાઈ; અમે ક્યાં જઈ રહ્યા છે અને અમારું શું થશે તેની કોઈ જ કલ્પના આવી શકે તેમ નહોતું. ના ડગર હૈ, ના ખબર હૈ, જાના હૈ હમકો કહાં! એક તરફ આકાશમાં રખડવાની મજા પણ આવે અને બીજી બાજુ જીવ નીકળી જાય એવી જોખમ ભરેલી એ યાત્રા હતી. વરસાદના ટીપાએ કહેલી એ આપવીતી અને અમારી હાલની પરિસ્થિતિ વચ્ચે બિલકુલ સામ્ય છે. હિમાલયની પર્વતમાળામાં થઈને પસાર થવાનો એક રોમાંચ છે. અદભૂત અનુભવ છે. આહ્લાદક પ્રવાસ છે તે સાથે પળવાર પછી અમારું શું થવાનું છે તે અમે જાણતા નથી. અમારો જીવ અદ્ધર છે. રસ્તા વાંકાચૂકા છે. સાંકડા છે. ક્યાંક તૂટી પણ ગયા છે. ડ્રાઈવરની ગણતરી જરાક જ ખોટી પડે તોયે અમે સીધા ખીણમાં. આ ભય કાલ્પનિક નથી, બિલકુલ વાસ્તવિક છે. એવી રીતે ગબડી પડેલી બસોના અવશેષ માર્ગમાં અમે પ્રત્યક્ષ જોયા પણ છે.

તો શું કરવાનું?!

પરવરદિગારે આલમ, તેરા હી હે સહારા!…

ટૂર આયોજક રમણભાઈ શાહ ખૂબ અનુભવી, વ્યવહારકુશળ અને વિનોદી છે. તેઓ કહે છે કે તમારા હૃદયમાં બેઠેલો રામ જ તમારો બેલી છે! રામ રામ બોલ્યા કરવાનું! અહીં પણ ગાંધીજી યાદ આવી ગયા. બચપણમાં ઘરની દાસીએ શીખવેલું કે જ્યારે જ્યારે ડર લાગે ત્યારે રામ રામ બોલવાનું! ‘તબ માનવ તૂ મુખ સે બોલ, રામમ્ શરણમ્ ગચ્છામિ!‘ ખરેખર, અહીં આપણું ક્યારે ‘હરિ ૐ શરણ‘ થઈ જાય તે કહેવાય નહીં. જાત્રાની આ જ તો મજા છે. કેટલાક બાળકોને પેલા ડિસ્કો ડાન્સ કરાવતા, ઊંચે નીચે ઝિગઝાગ ફેરવતા ચકડોળમાં ખૂબ મજા આવે છે જ્યારે કેટલાક નબળા મનના બાળકો તેમાં બેસતાં ડરે છે. બેસતાં જ નથી! અમે તો નક્કી કરીને જ નીકળેલા છીએ ‘ક્યા ભરોસા હૈ ઈસ જિંદગી કા!‘ ગમે તે થઈ શકે, કંઈ કહેવાય નહીં! એમ જ માનીને ચાલવાનું કે અત્યારે લીધો તે શ્વાસ જ આપણો અંતિમ શ્વાસ હોઈ શકે!

આ જોખમભરેલી યાત્રાનું શરૂઆતનું વર્ણન વાંચીને વિદેશના મારાં એક મહિલા મિત્રે લખી જણાવ્યું કે ‘બળી એવી જાત્રા! શા માટે જીવને જોખમમાં મૂકવાનો! આપણને ખબર જ છે કે ભગવાન તો સર્વત્ર છે, આપણી અંદર પણ છે જ, તો આપણી અંદર કે આપણી આસપાસ તેને જોવાનો પ્રયત્ન ન કરી શકાય? આમ અદ્ધર શ્વાસે રખડવાનો શો અર્થ? ઈશ્વરને જોવાના આ બધાં ફાંફા છે!‘ હું કોઈ દલીલ નથી કરતો. ભગવાન પરનો મારો વિશ્વાસ એટલો દૃઢ છે કે ‘નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર, દાખવી પ્રેમળ જ્યોતિની સેર‘ અને ‘અબ સોંપ દિયા ઈસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથોંમેં, હૈ જીત તુમ્હારે હાથોં મેં ઓર હાર તુમ્હારે હાથોમેં‘. આવું બધું બહુ વાંચ્યું, સાંભળ્યું, ગાયું છે હવે એનો પ્રેક્ટિકલ અનુભવ પણ લેવો છે. જે થશે તે સારું જ થશે, કોઈ અકસ્માતમા, ધરતીકંપ કે નદીના પૂરમાં, પ્લેગ કે કોરોના જેવી મહામારીમાં ક્યાંક અજાણી જગ્યાએ ગુમનામ થઈને મરવું એના કરતાં ભગવાનનું નામ લેતાં લેતાં, દેવભૂમિમાં ફરતાં ફરતાં, દેવના ખોળામાં, પવિત્ર જગ્યાએ દેહ છોડવાનું સદભાગ્ય વળી કોના નસીબમાં!

બપોર થતાં અમે શ્યાના ચટ્ટી હેમખેમ આવી ગયા. પુષ્કળ ગરમી છે. બંને બસ ઊભી છે. હોટેલમાં ઉતરવાનું છે, જમવાનું બનાવવાનું છે. અમારે કંઈ નથી કરવાનું!  જમ્યા પછી રમણભાઈ કહે છે કે તમારે બહાર ફરવા જવું હોય તો ફરી આવો. આવતી કાલે સવારે આપણે અહીંથી જમનોત્રી જવાનું છે. અમારે પણ પગ છૂટા પાડવા છે. અજાણી ભૂમિમાં અમે રખડવા તો નીકળ્યા પણ પરસેવાના રેલા ઊતરે છે. એવામાં અમે બાજુમાં જ ખળખળ વહેતી યમુના નદીના દર્શન કર્યા. જીવમાં જીવ આવ્યો. યમુના કાળી છે! એમ તો કાળિકા માતા પણ કાળી છે! માતાનો ખોળો હૂંફ પણ આપે છે અને શીતળતા પણ આપે છે. માતા કાળી હોય કે ગોરી, મા એ મા છે. એનું વાત્સલ્ય બહુ મોટું બળ આપે છે. કાળા ખડકો, કાળી ભૂમિ, કાળી રેતીને કારણે પાણી કાળું ભાસે છે, બાકી પાણીને કોઈ રંગ નથી. જેવું પાત્ર તેવો તેનો રંગ. જળ એ જીવન છે. અમે ચારે જણાએ ત્રાહિમામ્ ગરમીથી બચવા માટે મા યમુનાના ખોળામાં ઝંપલાવ્યું. આહાહાહા! અદભૂત આનંદની અનુભૂતિ થઈ. માના ખોળામાંથી નીકળવાનું કોને ગમે? સંસારના દુ:ખોથી તપ્ત જીવોને માટે જન્મદાત્રી માનો ખોળો કે પ્રકૃતિમાતાનો ખોળો જ શાતાદાયક હોય છે.

 ધરાઈ ધરાઈને પાણીમાં રમ્યા પછી અમે બહાર નીકળ્યા. મારાં બાળકોએ એક ઊંચો ખડક શોધી કાઢ્યો. એમનામાં સાહસિકતા ઉભરાઈ આવી. એમને થયું કે આ ખડક પર ચડવું જોઈએ. અમારી સાથે કોઈ નથી. આજુબાજુ પણ કોઈ માણસો દેખાતા નથી. અમે તો હજી પાણીમાં જ હતા અને એમણે તો ખડક પર ચડવાયે માંડ્યું. અમે બંને જણા એમને શોધતાં શોધતાં ખડક પાસે ગયા ત્યાં સુધીમાં તેઓ ઉપર પહોંચી ગયાં હતાં. ઉપર મતલબ, ખડકની ટોચ પર! અમને જોખમ તો લાગ્યું, પણ અમારી શ્રદ્ધા કહેતી હતી કે કંઈ નહીં થાય! બેમાંથી એક નીચે ઉતર્યું અને નીચેથી કેમેરો ગોઠવી ફોટોગ્રાફ લીધો. જોખમી કામ કરવાનો પણ એક આનંદ છે, ગર્વ છે, મગરૂરી છે! એમને નીચે ઊતરવાનું કહ્યું. તેઓ નીચે આવ્યા અને અમે હજી વધારે રખડીએ ત્યાં તો આકાશમાં કાળાં વાદળો ધસી આવ્યાં. બધું એટલું ઝડપથી ગોઠવાઈ ગયું કે જાણે અચાનક કરફ્યુ નંખાઈ ગયો હોય. આકાશના એક ખૂણામાંથી વાદળાં ગબેડી મારતાં ધસી આવ્યાં અને એટલા ઉતાવળે અચાનક વરસી પડ્યાં કે આટલા સખત તાપ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડશે એમ ધાર્યું નહોતું. એક તો અહીં સાંજ વહેલી પડી જાય છે. તેમાં આ વાદળોએ કર્યું ઘોર અંધારું! પહેલાં અમે પરસેવાથી નહાયા હતા હવે ધોધમાર વરસાદથી બરાબરના પલળ્યા. હવામાનમાં અચાનક પલટો આવવો એ અહીં સામાન્ય છે. ટૂર આયોજકે સાચી જ વાત કરી હતી કે તમને અહીં ત્રણે ત્રણ મોસમનો અનુભવ એકસાથે થશે! અમે ચારેચાર જણાં પલળી ગયા. અન્ય લોકો પણ જ્યાં ગયેલા ત્યાંથી લથબથ થઈને આવ્યા. સાંજનું વાળુ કર્યું. બીજા દિવસે વહેલું ઊઠવાનું છે. ચાર વાગ્યે એટલે હનુમાન ચટ્ટી પહોંચવાનું છે. ત્યાંથી ઘોડા પર જમનોત્રી માટે પ્રયાણ કરવાનું છે. પણ આટલું બધું જલદી? ચાર વાગે તો બહુ વહેલું કહેવાય, એનો મતલબ એ કે અમારે ત્રણ વાગ્યે તો ઊઠી જ પડવાનું જેથી પરવારતાં ચાર તો વાગી જ જાય. સૌ સૂઈ ગયા. રાત્રે બહુ ટાઢ વાગી. એક જ દિવસમાં એક જ સ્થળે ઋતુએ બરાબરનો ચમકારો બતાવ્યો.

અસલી મજા જ આ છે!

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

મળસ્કે ઊઠ્યા. નાહી ધોઈને ચા પીને તેયાર થયા ત્યાં સુધીમાં તો સૂરજદાદા હસતા હસતા અમને તેડવા આવી લાગ્યા. દાદા આજે આટલા બધા વહેલા કેમ ઊગી ગયા? હવે મને સમજાયું કે આપણા સૂરતના અને દેવભૂમિના અક્ષાંશ રેખાંશમાં તફાવત છે તેને કારણે તથા ઉનાળો હોવાથી પણ અહીં ખૂબ જલદી સૂર્યોદય થઈ જાય છે. અહીંના વાતાવરણે કાલે એનો પરચો દેખાડી દીધો છે. ક્યારે, કેવો પલટો આવશે એનું કંઈ કહેવાય નહીં. આજે સવારે સૂરજદાદા હસતા દેખાયા પણ એનું હાસ્ય પણ મોનાલિસાની જેમ ભેદ ભરમ ભરેલું ન હોય એની શી ખાતરી! અમારી બસમાં બેસીને અમે હનુમાન ચટ્ટી આગળ આવ્યા. અહીંથી જમનોત્રીનું ચઢાણ ચાલુ થાય છે. અહીંથી ઘોડા ટટ્ટુ મળે છે. સિઝન પ્રમાણે એના ભાવ બદલાય છે. ટૂર આયોજક રમણભાઈને એનો પૂરો ખ્યાલ છે. એમણે ઘોડાવાળા સાથે ભાવતાલ નક્કી કરીને અમને બેસાડી દીધા. જરૂરી સૂચનાઓ પણ આપી. ગભરાટ નહિ રાખવાનું આશ્વાસન પણ આપ્યું. પોતે પણ એક ઘોડો ભાડે કરી તેઓ અમારી સાથે જ ચાલ્યા.

મને ચિંતા હતી તે એ વાતની કે ઘોડા પર બેલેન્સ ન રહે અને પડી જવાય તો? ખાસ તો મારી પત્નીને વર્ટિ ગો ની તકલીફ હતી. ખીણ તરફ જોવાઈ જાય અને એની ઊંડાઈ સુધી આંખ ખેંચાવાને કારણે ચક્કર આવી જાય એ તો સામાન્ય ઘટના છે. તેમાંય પોઝિશનલ વર્ટીગો વાળાને તો પૂરેપૂરી તકલીફ. વળી, બેત્રણ વખત ઘુંટણમાં ને ઘુંટણમાં જ ફ્રેકચર થયેલા હોવાથી પગ પરવારી ગયેલા છે. ઘોડાવાળાને મેં કહ્યું કે અમને બંનેને સાથે સાથે જ રાખજે. જુદી જુદી દવાઓ મેં મારી પાસે રાખેલી છે. બંને સંતાનોના ઘોડાને પણ અમારી સાથે જ રાખવાની વિનંતી કરી છે. ઘોડાના જીન પર પાથરવા માટે સાધારણ કક્ષાના ધાબળા લીધેલા તે પણ જીન પર પાથરી દીધા છે. બધી બરાબર કાળજી રાખી છે. અમારી બસના બધા યાત્રિકો પોતપોતાના ઘોડા પર બેસી ગયા છે. અમારી સાથે લાફિંગ બુદ્ધા જેવા એક બુઢ્ઢા દાદા પણ છે. એમનું વજન લગભગ એક સો વીસ કિલો જેટલું છે! એમનાથી ટટ્ટુ પર બેસી શકાય તેમ નથી. જો તેઓ બેસે તો પણ તેમને લઈને ટટ્ટુથી ચલાય તેમ નથી! એમને માટે ડોળીની વ્યવસ્થા કરવામાં આવી. ચાર માણસોએ ખાંધ મારી અને પેલા દાદાને મસાણે લઈ જતા હોય તેમ સુવડાવીને લઈ જવા માંડયા. એમની વ્યવસ્થા પાછળથી થઈ હતી. એટલે શરૂઆતમાં તેઓ સૌથી પાછળ હતા, પણ પછી એક વિરામ લીધા બાદ તેઓ અમારાથી આગળ નીકળી ગયા ત્યારે આ નજારો જોવા મળ્યો! દાદા તો ખરેખર લાફિંગ બુઢ્ઢાની જેમ હસતા હતા. મોજીલા સુરતી કોને કહે! પણ નરસિંહ મહેતાનું ભજન મને યાદ આવી ગયું, ‘ચારે છેડે ચારે જણા, તોયે  ડગમગ થાયે રામ. ઊંચી મેડી તે મારા સંતની રે..!‘ ખરેખર, પેલા પહાડી માણસોને ઘણો શ્રમ પડતો હતો. તેમના ડીલે પરસેવાના રેલા ઊતરતા હતા. પગ રસ્તે ચાલવાનું અને વાંકાચૂંકા રસ્તે ડોળી લઈ જવાની એટલે ઊંચી નીચી થતી કાયા ભય પમાડતી હતી, રખેને દાદા ગબડી પડે તો? એક તરફ અનિષ્ટ થવાની દહેશત અને વિશાળ કાયાથી થતી રમુજ! શું દુનિયા બનાવી છે, ભગવાને! ભય વચ્ચે પણ માણસ હસી શકે એ પણ નવાઈ જ કહેવાય ને!

હવે આ તરફ અમારી સ્થિતિ પણ જોવા જેવી થઈ. ઘોડાવાળાને સૂચના આપવા છતાં જાનવર તે જાનવર. બધાંને સાથે રાખવાની સૂચનાનું પાલન તો ન જ કરી શકાયું. અમે ચારે જણાં છૂટા પડી ગયા. ગમે તેટલી કાળજી રાખીએ તોયે છેવટે તો એકલા જ આવેલા અને એકલા જ જવાના એ નિયતીની યાદ અપાવતા હોય તેમ એ ટટ્ટુઓએ અમારી વચ્ચે અંતર પાડી જ દીધું. એટલું અંતર કે અમે એકબીજાંને જોઈ જ ન શકીએ. એ કારણે મનમાં દહેશત રહે કે સૌ સલામત તો હશે ને?

અગાઉ મેં એમ લખ્યું કે સવાર સવારમાં સૂરજદાદા હસતા તો દેખાયા, પણ એમના હાસ્યમાં પણ કોઈ ભેદ ભરમ ન હોય એની શી ખાતરી? એવું જ બન્યું. ચોખ્ખા દેખાતા આકાશમાં રમવા વાદળો એકાએક દોડી આવ્યાં. આજે તો અમે રેઈનકોટ લીધા જ છે. મેં તો શર્ટ પર વુલન પહેરણ પહેરીને તેના પર રેઈનકોટ ચડાવ્યો છે! ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો, સારું તો લાગ્યું, પણ પછી એની રફતાર તેજ બની. અહીં વાદળાંની ટેસ્ટ મેચ કે વન ડે મેચ નથી રમાતી;  ટ્વેન્ટી ટ્વેન્ટીની ઝડપે જ રમત રમાય છે! ગમે ત્યારે દોડી આવે, રમત રમે અને પછી ચાલ્યા જાય! વળી પાછું એક ભજન યાદ આવી ગયું. ‘જળ ભરેલી વાદળી ગગને ઝોલાં ખાય, કોણ જાણે ક્યારે વરસે એ તો ન  કહેવાય, માયાના જીવડા જપી લે ઓમકાર!‘ બધું જ અનિશ્ચિત, બધું જ અનપેક્ષિત! પણ અનિશ્ચિતતાને માણવી, એનો આનંદ લૂંટવો એ પણ એક મજા છે.

જાનકી ચટ્ટી સુધી આવતા તો અમે પલળી ગયા. જાનકી ચટ્ટી આગળ હોલ્ટ કરવાનો હતો એટલે ત્યાં યાત્રાળુઓનો જમેલો થઈ ગયો. તમામ ઘોડાવાળા અહીં તેમના ઘોડાને થોભાવે છે. આપણા રિક્ષાવાળા કે કારવાળા જેમ પેટ્રોલ પુરાવવા વાહન થોભાવે છે તેમ એ લોકો ઘોડાને ગોળ મિશ્રિત બાફેલા ચણા અહીં ખવડાવે છે. યાત્રાળુઓ પણ ચા પાણી કે વરસાદને કારણે પેશાબ પાણી કરવા હોય તે હિસાબ પતાવી દે છે. પહાડી વિસ્તારમાં શ્વાસ લેવા તકલીફ પડતી હોય તો લોકો આરામથી બેસીને લાંબા ઊંડા શ્વાસ ભરીને ફેફસાંને રાહત કરી આપે છે. જમનોત્રી સમુદ્રની સપાટીથી ૪૪૨૧ મીટર ઊંચાઈ પર આવેલું છે. અને ત્યાં પહોંચવા માટે તેર કિલોમીટરનું અંતર કાપવાનું છે. વરસાદ એનું કામ કરી રહ્યો છે. આઘા પાછાં થયેલા એવા અમે સૌ અહીં ભેગા મળ્યા છીએ; ફરીથી આઘાં પાછાં થવા માટે જ સ્તો!

આ તો પહેલો પડાવ છે, મંઝિલ તો હજી દૂર છે. બપોર થવાની અને સાંજ પડવાની બાકી છે. આજનો દિવસ અમારો કેવો જશે, કોને ખબર?

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૦

જાનકી ચટ્ટી પર આરામ કરીને હવે અમે આગળ પ્રયાણ કરવા તત્પર છીએ, ઘોડાવાળા એમના ઘોડાને તૈયાર કરે એટલી જ વાર. આપણે જેમ પાલતુ જાનવરનાં નામ પાડીએ છીએ તેમ આ ઘોડાવાળોએ પણ તેમના નામ પાડેલા છે. દૂરથી બોલાવવા હોય તો તેમને નામથી સાદ પાડે છે! કેવાં નામ છે? કરીના, કરિશ્મા, કાજલ, એશ્વર્યા, રવિના….! અચ્છા, તો અમે જેના પર સવાર થયા હતા તે બધીઓ હિરોઈન હતી! કેવું ફની, કેવું રોમાંચક! અમે જેને ઘોડા સમજતા હતા તે બધી તો ઘોડીઓ હતી! અરે, ઘોડીઓ પણ નહીં, ખચ્ચરી કે ટટ્ટીઓ હતી! જે હોય તે પણ ઘોડાના વંશની હતી અને અમારો ભાર વહન કરીને મંઝિલ સુધી પહોંચાડનારીઓ હતી. અહીંના લોકોના જીવનનો એ જ તો આધાર હતી.

અહીં એક નાનકડી દુર્ઘટના બની. ટટ્ટુ પરથી ઉતરવા જતાં મારી દીકરી પડી ગઈ. સાઈકલ કે સ્કૂટર પરથી ઉતરતી વેળા એક પગ ઊંચો કરીને બીજી સાઈડ પરથી ઊતરીએ તેમ એ ઊતરવા ગઈ. ઘોડાવાળા છોકરાએ કહ્યું કે ‘મેડમ મૈં હેલ્પ કરતા હૂં !‘ પણ એને એવું લાગ્યું કે આવડો નાનો છોકરો વળી શું મદદ કરવાનો હતો. પણ આ સ્કૂટર કે સાઈકલ નહોતી. એક પગ જીન પર મૂકીને બીજો પગ ઊંચો કરવા ગઈ એટલે જીન ઉંચકાઈ ગયું અને ગબડી પડી! સખત ચટ્ટાન પર માથું પડ્યું એટલે માથામાં વાગ્યું. લોહી તો ન નીકળ્યું પણ ગુમડું થયું. કેટલાક દિવસો સુધી માથું હોળવામાં તકલીફ પડી. ટટ્ટુ ખીણવાળી ધાર તરફ હતું. બીજી તરફથી ઉતરી હોત તો સીધી ઊંડે ખીણમાં જ ગઈ હોત. બચી ગઈ! છોકરો બોલ્યો, ‘મેડમ, મૈંને પહલે હી કહા થા!‘ એની વાત સાચી હતી. એણે જીનનું બેલેન્સ જાળવીને બંને પગ સાથે રાખીને સલામત રીતે નીચી ઉતારી હોત.

આ ઘોડાઓની એક ખાસિયત માલમ પડી. તેમને રસ્તાની ધાર પર ચાલવાનું જ ફાવે છે. ખીણ તરફની ધારે ચાલે છે ત્યારે અમને બીક લાગે છે કે રખેને ઘોડા સાથે આપણે ખીણમાં ગબડી જઈશું! પણ તેઓ આપણા કરતા પણ ખૂબ સાવધ છે. રમણકાકાએ કહ્યું કે ‘આ રસ્તા પર ખીણ તરફની ધારે તમે ચાલતા હો તો તમે ગબડી પડો એમ બને, પણ ઘોડો બિલકુલ નહીં પડે. ખીણની ભયાનકતા જોઈને બીકના માર્યા તમે સંતુલન ગુમાવી દો, પણ ગમે તેટલી ધાર પરથી પણ એ જાનવર એનું સંતુલન કદી ન ગુમાવે એની ખાતરી! તમને બીક લાગતી હોય તો તમારે ખીણ તરફ નહીં જોવાનું, એ જ એક રસ્તો છે.‘

વરસાદ થોડો થંભ્યો. સૂરજદાદા ફરીથી હસતા દેખાયા. અહીં મોસમનું ખરેખર જ કોઈ ઠેકાણું નથી. કભી યે હંસાયે, કભી યે રુલાયે! જ્યાં આપણું કંઈ નથી ચાલતું ત્યાં એ કુદરતની ઈચ્છા સાથે આપણી ઈચ્છા મેળવી દેવાથી પરિસ્થિતિ સહ્ય બને છે. સહ્ય જ નહીં પણ માણવા લાયક બને છે. ડાહ્યા લોકો શીખામણ આપતા હોય છે કે ‘કુદરતને ઓળખીને ચાલો‘ મને લાગે છે કે એકલું ઓળખ્યે નહીં ચાલે, ઓળખ્યા પછી એની સાથે તદ્રૂપ થવું જરૂરી છે. સ્વેચ્છાએ એને વશ  થઈ જઈ એના એક ભાગ બની જવામાં મજા છે. એના નિયમનું ઉલ્લંઘન કરનારને એ માફ નથી કરતી.

આપણે સ્કૂલમાં શીખેલા કે પર્વત આરોહકો પર્વત પર ચઢતી વખતે આગળની તરફ અને ઊતરતી વખતે પાછળની તરફ નમેલા કેમ હોય છે. એનું વૈજ્ઞાનિક કારણ સમજાવીને પૂરા માર્કસ મેળવનાર જ્યારે આવી રીતે ઊંચાઈ પરના ચઢાણ વખતે એનું પાલન ન કરે તો ઊંધે માથે પછડાય છે! કેવળ જ્ઞાન પૂરતું નથી, જ્ઞાન મુજબનું કર્મ પણ જરૂરી છે. કેવળ જ્ઞાનીઓને પોથી પંડિત કહેવામાં આવે છે. જે જ્ઞાન કેવળ પુસ્તકમાં જ રહી જાય તેનો શો મતલબ? ટૂર આયોજક રમણભાઈ શાહે આ બધી વાત સ્પષ્ટ સમજાવી હોવા છતાં કેટલાક મિત્રો હોંશિયારીમાં ને હોંશિયારીમાં ચઢતી વખતે અક્કડ બનીને બેઠા. ઘોડાએ ચઢાણ શરૂ કર્યું અને ત્રાજવું પાછળની તરફ નમી ગયું! પગ ઉંચકાવા લાગ્યા! જીવ ગભરાયો. સારું છે કે પેલા ઘોડાવાળા આપણી સારી સંભાળ રાખે છે એટલે મોટી હોનારતમાંથી બચી જવાય છે. ‘મને કંઈ નહીં થાય‘ એવી ખોટી હોશિયારી મારવી નહીં. આપણે કંઈ ભગવાનના પહેલે ખોળેના દીકરા નથી. અને હોય તોયે કુદરતના નિયમનું પાલન તો હર કોઈએ કરવું જ પડે છે.

ઘડીક પહેલાં, વરસાદના પાણીના રેલા ઉતરતા હતા, સૂરજદાદાએ બોલિંગ ચાલુ કરી અને પરસેવાના રેલા ચાલુ થઈ ગયા. રસ્તામાં લાકડાનો પુલ આવ્યો. તે પરથી પસાર થતા ઘોડાના પગલાનો અવાજ થવા લાગ્યો. અમને શોલે ફિલ્મમાં ગબ્બરના સાથીઓ યાદ આવ્યા. ‘અરે રામપુરકે વાસીઓ! કાન ખોલ કર સુન લો!‘ ડાયલોગ હોઠ પર આવી ગયો!

બપોર થતાં અમે સૂર્યકુંડ આવી ગયા. અહીં ગરમ પાણીનો સ્રોત છે. કુદરતની પણ કેવી કમાલ કહેવાય! આટલે ઊંચે બર્ફીલા પ્રદેશમાં ગરમ પાણી! એ પાણીનું બરફ કેમ નથી થઈ જતું? યાત્રિકોને નહાવા માટે અલગ કુંડની વ્યવસ્થા છે. તેમાં ઉષ્ણતા થોડી ઓછી છે તેથી નહાઈ શકાય છે. થાકેલા શરીરને ગરમ પાણીનો સેક મળવાથી થાક ઊતરી જાય છે. ગરમ પાણીમાં નહાવાની લાલચ તો થાય, પણ તેના પર સમજણપૂર્વક સંયમ રાખવો પડે છે. આ પાણીને કારણે ઘેન ચડે છે! વધારે સમય નહાવાથી માથું ભમતું થઈ જાય, ચક્કર આવે, પગ લથડિયાં ખાય, ઘોડા પર બેઠા હોઈએ તો પણ પડી જવાય. આ પાણીમાં સલ્ફર હોય છે. એમાં નહાવાથી ચામડીના દરદો દૂર થઈ જાય છે.

અમારા ગામથી નજીક વીસેક કિલોમીટરના અંતરે ઉનાઈ ગામ આવેલું છે. ત્યાં પણ ઊના પાણીના કુંડ છે. ચૈત્રી પુનમ પર મેળો ભરાય છે. અમારા ગામના અને આસપાસના ગામના લોકો ચાંદની રાતમાં ચાલતા પગપાળા જાત્રામાં જતા. ગરમ પાણીમાં નહાઈને થાક ઉતારતા. બચપણથી જ મારી પણ ઈચ્છા હતી ઉનાઈ માતાના દર્શન કરવાની અને કુદરતી રીતે નીકળતા ગરમ પાણીમાં નહાવાની. હજી સુધી ત્યાં જઈ શક્યો નથી. એને માટે છેક આટલે દૂર આવવું પડ્યું. એક જુવાનિયો છોકરો મારો મિત્ર બનેલો છે. ભાગ્યેન્દ્ર પટેલ એનું નામ. એનું ગામ ભિનાર છે અને ઉનાઈની બાજુમાં જ છે. એણે વચન આપેલું છે કે જ્યારે જઈશું ત્યારે આપણે સાથે જ જઈશું. એ દિલ્હી જઈને નેશનલ બુક ટ્રસ્ટ સાથે જોડાયો. કામમાં પરોવાયો અને વચન વીસરાઈ ગયું.(રિટાયર થયા પછી છેક 2015માં મેં ઉનાઈ જોયું, જો કે નહાયો નહીં)

જિંદગીમાં પહેલીવાર આવા ગરમ પાણીના કુંડમાં અમે નહાયા. સારી રીતે ઝબોળાયા. મન તૃપ્ત થઈ ગયું, પણ પેલી સાવચેતી યાદ રાખીને વેળાસર બહાર નીકળી આવ્યાં. સૂર્યકુંડનું પાણી તો વધારે ગરમ હતું. એટલું ગરમ હતું કે તેમાં નહાવાની કોઈને પરમિશન નથી. શરીર બફાઈ જાય! શ્રદ્ધાળુઓ રૂમાલમાં કાચા ચોખા બાંધીને કુંડમાં બોળતા જણાયા. થોડી મિનિટોમાં જ ચોખા બફાઈને તેનો ભાત બની ગયો હતો. અમે પણ એ કૌતુક કરી જોયું. લોકો એને યમુનાજીનો પ્રસાદ માનીને થોડા થોડા દાણા ચાખતા હતા. મને એ દાણા ખાવામાં રૂચિ નહોતી.

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૧

યમનોત્રી પહોંચ્યા. કુદરતી રીતે જમીનમાંથી નીકળેલા ગરમ પાણીથી સ્નાન કર્યું. આજુબાજુની કુદરતનું નિરીક્ષણ કર્યું. મંદિરમાં યમુનાજીના દર્શન કર્યાં. અંદર મૂર્તિ હતી તે સાચા યમુનાજી કે બહાર ખળખળ અવાજે કાળાં ભમ્મર પ્રવાહરૂપે વહેનારાં ખરાં યમુનાજી? બહાર વહેતાં હતાં તે જ સાચાં યમુનાજી વળી! અમે બંનેના દર્શન કર્યાં. મૂર્તિ કે ચિત્ર તો પ્રતીક છે. કાલ્પનિક રૂપ છે. અસલ તો નજર સામે જે દેખાય છે તે જ સત્ય છે. અને આ તો યમુનાજીનું મૂળ પણ ન કહેવાય, યમુનાજીનો જ્યાંથી ઉદભવ થાય છે તે સ્થળ તો અહીંથી થોડેક આઘે છે. પરંતુ, સૌ યાત્રિકો અહીંથી જ અટકી જાય છે. ટ્રેકિંગમાં આવનારા સાહસવીરો મૂળ સુધી પહોંચે છે. જો કે ત્યાં ગયા પછી યે વિશેષ શું જોવાનું મળે? કંઈ નહીં, આ જ ભૂમિ, આ જ ખડકો, આ જ યમુના જળ! પણ અમે ઠેઠ સુધી પહોંચેલા તેનો આનંદ એ વિશેષ વાત છે. અમે ભૂખ્યા પણ થયા હતા. અમને પૂરી સાથે કેરીના મેથિયા અથાણા આપવામાં આવ્યાં તે હોંશથી ખાધાં. અથાણાં સાથે પૂરી ખાવી એ તો સારી વાત ગણાય, બાકી પહેલાં તો ટૂર આયોજકો બાફેલા ચણા ખવડાવતા. પહાડી પ્રદેશમાં હવાનું દબાણ ઓછું હોય એટલે રસોઈ બરાબર ચડે નહીં તેથી ઋષિકેશથી નીકળીએ ત્યારે જ બાફેલા ચણા સાથે લાવવાનો ચાલ હતો. હવે સગવડ થતી જાય છે. હવે હોટેલો પણ બનતી જાય છે અને ચાલવાનું અંતર ઘટતું જાય છે. મને દહેશત રહે છે કે ભવિષ્યમાં જેમ જેમ સગવડ વધતી જશે તેમ તેમ યાત્રાનો ચાર્મ પણ ઘટતો જશે. ઓછી મહેનતે  અથવા મહેનત વગર, સાવ સરળતાથી જે વસ્તુ મળી જાય છે તેની કદર ઓછી જ થાય છે. યાત્રા જેમ કઠિનાઈ ભરેલી અને જોખમી તેમ તેનો મહીમા વધુ! ખબર નહીં, આવા વિચારો મને કેમ આવતા રહે છે!

અમારી સાથે આવેલા કર્મકાંડી જયેશ મહારાજની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી એમ સાંભળ્યું. પ્રવાસ આયોજકે આપેલી સલાહની અવગણનાનું એ પરિણામ હતું. ક્યારેક માણસને એમ લાગવા માંડે કે મારા જેટલી સમજ કોઈનામાં નથી! બીજા કરતા હું કંઈક વિશેષ છું. ત્યારે અનુભવીઓની સલાહ અવગણીને નવા કીર્તિસ્તંભો સ્થાપિત કરવાનું એનામાં શૂરાતન આવે છે! મહારાજને બોલ બોલ કરવાની આદત મોંઘી પડી. ઉંચાઈ પરના પ્રદેશોમાં હવા પાતળી હોય છે, જેમ શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે તેમ બોલવામાં પણ તકલીફ પડે છે. બોલતી વખતે શ્વાસમાં લીધેલી હવાનો જ ઉપયોગ થતો હોય છે એ સત્ય ઘણાંને સમજાતું નથી. હવા વગર કોઈ ઉચ્ચાર જ ન થઈ શકે. કોઈવાર મોઢું અને નાક દબાવીને બોલવાનો પ્રયાસ કરી જોશો તો એનો ખ્યાલ આવશે! લપ લપ કરવાની આદતવાળા લપલપિયા કાચબાની વાર્તા તો બધાને ખબર હોય પણ વાર્તા પરથી બોધ લે એ બીજા! શીખેલું, સાંભળેલું, વાંચેલું હોય તેનો સાર ગ્રહણ કરી રાખીને જીવન વ્યવહારમાં તેનો અમલ કરવાનો હોય, પણ આપણે તેમ કરતા નથી. અક્કલ હોય તો તેનો સદુપયોગ કરવો અને ન હોય તો કોઈ અનુભવીની સલાહ માનવી જોઈએ. મહારાજનો પ્રસંગ યાદ કરીને હું એ વાત ધ્યાન પર લાવવા માગું છું કે ઊંચા ડુંગરા પર ચઢતી વખતે બહુ વાત ન કરવી જોઈએ. એ હિસાબે ધોરણપારડી ગામથી આવેલા ખેડૂતો ઓછું ભણેલા હોવા છતાં વધારે સમજદાર લાગ્યા. તે સિવાય ઘણાંની હાલત બગડી ગઈ હતી. અમારા સિવાય બીજાં ગૃપો પણ દેશના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા તેમને પણ કઠિનાઈનો સામનો કરવો પડ્યો.

અમે પરત ફરવાની તૈયારી શરૂ કરી તેની સાથે જ મેઘે પણ મોરચો માંડવાનો શરૂ કર્યો. ઉમડઘુમડ કર આયે બદરવા! આ કેવો અનુભવ? ખરેખર જ અહી કુદરતનું રાજ છે! ગમે ત્યારે તડકો, ગમે ત્યારે ઝાપટાં. ગમે ત્યારે ધોધમાર વરસાદ અને ઠંડા પવનના સૂસવાટા, ઘુંટણ છોલી નાખતી ભેખડ અને ચક્કર લાવી દેતી ઊંડી ખીણ. મનમાંથી પુનિત મહારાજ રચિત એક ભજનની પંક્તિ બહાર આવવા મથી રહી હતી, ‘તું મારે તો મરવાનું, તું તારે તો તરવાનું; માથું તારે ખોળે મૂક્યું રે શામળિયાજી!‘ અદભુત અનુભવ! કોઈપણ યાત્રા જ્યારે ‘મરવાની તેયારી‘ સાથે આરંભાય છે ત્યારે જ એનો આનંદ લૂંટી શકાય છે. જીવી ગયા એ પ્રત્યેક પળ જાણે પુનર્જન્મ લાગે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ અને ક્ષણે ક્ષણે જન્મ! આ રીતે ચોર્યાસી લાખ તો બહુ જલદી પૂરા થઈ જાય; પછી તો મોક્ષ યાને મુક્તિ! જનમ મરણના બધા ફેરા જ સમાપ્ત!

પાછા ફરતી વખતે અમને ખૂબ તકલીફો પડી. વરસાદ અવિરત વરસ્યા જ કીધો. રેઈનકોટ પણ ક્યાં સુધી રક્ષણ આપે? માથા પરથી, ગળાના ખુલ્લા ભાગથી રેલાઈ આવતું પાણી રેઈનકોટની દિવાલ ભેદીને છેક આંતર્વસ્ત્રો પણ પલાળતું રહ્યું. ઉપર ઠંડી લાગશે એમ વિચારીને પહેરેલા પહેરણ, લાંબી બાંયના શર્ટ, પેન્ટ બધું જ વરસાદના પાણીમાં બોળાવાથી વજનદાર બની ગયા હતા. કપડાં નિરર્થક લાગ્યાં. આટલું પહેરવા છતાં જાણે વસ્ત્રહીન હોઈએ એવું લાગવા માંડ્યું. પાછા ફરતી વખતે જુદી જુદી ચટ્ટીઓ પર પ્લાસ્ટિકની પારદર્શક કોથળીમાંથી બનાવેલા સસ્તા રેઈનકોટ મળતા હતા. તે જોયા પછી એવું લાગ્યું કે શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે! વજનવિહીન અને સસ્તો ઉપાય.

એમ લાગતું હતું કે હવે જલદી હોટેલના રૂમ ભેગા થઈએ તો સારું. રૂમ પર આવીને પહેલું કામ કપડાં બદલવાનું કર્યું. ખચ્ચરના જીન પર નાખેલા ધાબળા પણ પાણીથી લથબથ હતા. એ તમામ કપડાંને નીચોવીને હોટેલની પાળી પર નિંગરાવા મૂકી દીધાં. સૂકાવાના તો છે જ નહીં. અમારા સૌના શરીર થાકીને લૂલી ભાજી જેવા થઈ ગયા હતા. બીજે દિવસે અમારે ગંગોત્રી જવાનું હતું. રાત્રે જમીને સૂતા. સૂતી વખતે થાકેલા શરીર પર એકમેકને વિક્સ લગાડ્યું. થાક અને શરદીથી તાવ આવવાના ભણકારા વાગતા હતા. સવારે ઉઠાશે કે કેમ તે શંકાસ્પદ જ હતું. કોણ ક્યારે ઊંઘી ગયું તે ખબર જ ના પડી!

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૨

યમનોત્રીથી લથબથ થઈને સૌ હોટેલ પર આવ્યા. અમે જાતે જ એટલા નીચોવાઈ ગયા હતા તે કપડાંને ક્યાંથી નીચોવીએ?  હટર પટર- જેવા તેવા નીચોવીને પારોળી પર જગ્યા શોધીને નીંગરાવા – નીતરાવા મૂકી દીધા. જમવાનું તૈયાર થતાં જમીને પથારીમાં લાંબા થઈ ગયા. વિક્સ લગાવીને ઓઢીને એવા સૂઈ ગયાં કે વહેલી ઊગે સવાર! આમ પણ અહીં પહાડી વિસ્તારમાં સવાર ઘણી વહેલી પડી જાય છે. સપના વગરની મીઠી નીંદરના ખોળામાં એવાં પોઢી ગયાં કે જયાં થાક જેવું કંઈ અનુભવાતું નહોતું! જાણે સ્વર્ગયાત્રા જ સમજો! ઊંઘ એટલે ટેમ્પરરી મૃત્યુ યાને પરમ શાંતિ. પણ કાલની એક વાત કહેવાની રહી ગઈ. અમારી ટૂરના એક કાકા સોમાભાઈ પટેલની એક વાત જાણવા મળી. આ સોમકાકા વિષે એવી વાત ચર્ચાતી હતી કે એને ઘોડાનો શોખ હતો. ઘોડાની પરીક્ષા કરતા એને આવડતું હતું. તેઓ મુંબઈ રહેતા હતા અને ફિલ્મ અભિનેતા પ્રાણ અને દેવાનંદ માટે ઘોડા પસંદ કરતા. એમના પર અભિનેતાઓને પાકો ભરોસો હતો એમ તેઓ કહેતા હતા. અહીં ઘોડા પર બેસવાની એમની સ્ટાઈલ પણ બધાં કરતાં અનોખી હતી. એમના ગામના એટલે કે ધોરણ પારડીના એમના સાથીદારો પણ એ વાતની ટાપસી પુરતા જણાયા. રામ જાણે, એમની વાતમાં સાચું કેટલું અને ખોટું કેટલું! પણ બધાંને વાત કરવાનો મસાલો મળી ગયો. માણસ વૃદ્ધ પણ ખડતલ હતો. ટૂર આયોજક રમણભાઈ શાહ બહુ ચકોર અને લોકમાનસના સારા અભ્યાસુ વ્યક્તિ છે. જેટલી ઉત્સુકતાથી તેઓ વાત સાંભળે છે તેટલી જ ત્વરાથી વાતની સચ્ચાઈ પણ માપી લેતા હોય એમ જણાયું. અત્યંત રસપૂર્વક વાત તો તેઓ સાંભળે જ, પણ કોઈની વાતમાં સહેજે આવી પણ ન જાય. સોમકાકાની વાતમાં તથ્ય કેટલું અને ડંફાસ કેટલી તેનો ક્યાસ તેમણે કાઢી લીધો.

આજે સૂરજ વહેલો ઉગ્યો. ઊઠીને બહાર નીકળીને જોયું તો દાદા હસતા જણાયા! જાણે અમારી પરિસ્થિતિને તેમને જાણ હોય જ એવા ભાવથી મૂછમાં હસતા હતા. રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને? .. હવે આજે શું કરવું છે? – એમ જાણે પૂછતા હતા. આજે હવે અહીંથી ઉતરીને ગંગોત્રી તરફ પ્રયાણ કરવાનું છે એમ રમણકાકા કહેતા હતા. એમનું શિડ્યુલ પહેલેથી જ ફિક્ષ્ડ છે. પ્રવાસના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધીનો આખો કાર્યક્રમ નક્કી. કયે દિવસે, કયા ટાઈમે નાસ્તા કે જમણમાં શું આપવાનું. કઈ તારીખે ક્યાં પહોંચીશું, કેટલું રોકાઈશું, રહેવાની વ્યવસ્થા કેવી કરવાની તેનું આગોતરું આયોજન. પ્રકૃતિ જો સાથ આપે તો બધું સાંગોપંગ પાર પડે, પ્રકૃતિની રૂખ બદલાય તો તેની સાથે આયોજનમાં પણ ફેરફાર થાય. પહેલું પત્તું પ્રકૃતિએ ઉતરવાનું, તે જોયા પછી જોઈ વિચારીને વળતું પત્તું રમણકાકા ઉતરે. વર્ષોના અનુભવથી એમને પ્રકૃતિનો સારો અભ્યાસ છે. પહાડના વાતાવરણની પ્રકૃતિ તેમજ માનવ પ્રકૃતિ બંનેને તેઓ સારી રીતે સમજે છે એટલે માણસ બિન્દાસ્ત છે. હસતો, રમતો, વિનોદ કરતો; બિલકુલ ઓલિયા જેવો નફકરો માણસ.

રમણકાકાએ બધાંને નિરાંતે તૈયાર થવા દીધાં. હવે પહાડી રસ્તેથી નીચે ઉતરવાનું છે. ઊંઘ તો બરાબર લીધી જ છે. સ્વાદિષ્ટ ભોજન પણ લીધું છે. જે રસ્તે થઈ આવેલા તે રસ્તે જ લગભગ પસાર થવાનું છે. ચાર ધામ પૈકીનું એક સ્થળ પતી ગયું તેનો આનંદ છે. શીતળ પવનની લહેરખી આવી રહી છે. બસે ગતિ પકડી લીધી છે. પેટમાં પડેલા ભોજનનું ઘેન આંખ પર છવાવા લાગ્યું છે. ગામડાના લોકોને જમ્યા પછી ઊંઘવાની ટેવ હોય છે. એ બધાં અત્યારે કાંદા જોખી રહ્યા છે! ત્રાજવામાં કોઈ વસ્તુ તોલવાની હોય ત્યારે એમાંના ભારને કારણે પલ્લું ઊંચું નીચું થાય, તેમ બધાંના ડોયાં ડોલવા લાગ્યા છે. નસકોરાંનો ધ્વનિ પણ સંગીતમય સાથ આપી રહ્યો છે. આ પણ એક જાતની સમાધિ અવસ્થા જ છે એમ પાઠ્યપુસ્તકમાં રમણભાઈ નીલકંઠના એક પાત્ર ભદ્રંભદ્રે સમજાવ્યું હતું તે યાદ આવ્યું.

અમને બપોરે ઊંઘવાની આદત નથી. એ વૈભવ નોકરિયાતોને ન પોષાય. વધુમાં, આ માર્ગ પર ફરી પાછા આપણે આવવાના નથી જ, તેથી અહીંની હવા શ્વાસમાં ભરી લેવી છે. એ સૂસવાટાના અવાજને કાનમાં ઝીલી લઈને માઈન્ડમાં સેવ કરી રાખવાનો છે. અહીંની કુદરતને મન ભરીને નીહાળી લેવી છે. એ દૃશ્યોને આંખના કેમેરાથી ઝીલીને વિડિયો રેકોર્ડિંગ કરી સ્મૃતિપટ પર સાચવી રાખવાનું છે. આને માટે પૈસા ખરચેલા છે. એને માટે તો સમય કાઢીને આવ્યા છીએ અને સાથે તેમાં પરમેશ્વરની કૃપા ભળી છે ત્યારે ખુલ્લી નજરે, ખુલ્લા કાને, ખુલ્લા દિમાગે આપણી ક્ષમતા પ્રમાણે જેટલું માણી શકાય તેટલું માણી લેવાનું છે. જાણી લેવાનું છે. ઊંઘમાં અંકલેશ્વર ખોયું તેવો ઘાટ નથી થવા દેવો. ઊંઘવાનું તો ઘરે ગયા પછીયે મળશે, પણ આવો અવસર ફરી નહીં મળે.

ભૌગોલિક વિસ્તાર અને ગામ તથા શહેરના નામો તો માણસે પાડ્યા. તે જાણીએ કે નહીં જાણીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. જાણ્યા પછી તે યાદ રહે કે ન રહે તે બહુ મહત્ત્વનું નથી. નકશામાં જોઈ લેવાય, હવે તો ગુગલમાં પણ બધી માહિતી મળી રહે, પણ ઐ અનુભવમાંથી પસાર થવાની જે મજા છે. તે ખરેખર અમૂલ્ય છે.

ગંગોત્રી જતાં પહેલાં ઉત્તરકાશી આવ્યું. અહીં અમારે રાતવાસો કરવાનો છે. કાશી એટલે જ વિદ્યાનું ધામ, કાશી એટલે મુક્તિધામ, કાશી એટલે ભગવાન શિવજીની નગરી. ઉત્તરાખંડમાં આવેલું આ ઉત્તરકાશી પણ એવું જ પુણ્યધામ છે. આ એક કસબો જેવો છે. મંદિરો તો છે જ, સાથે બજાર છે. મુસાફરીમાં જરૂરી એવી કોઈ વસ્તુ ખૂટતી માલુમ પડે તો તે અહીંથી ખરીદી શકાય છે. થિયેટર પણ છે, જ્યાં મનોરંજન માણી શકાય છે. પગે ચાલીને ઘુમવાની મજા આવે છે. નર્મદા નદીને કાંઠે રેતીમાં જેટલા કંકર છે તે બધા જ શંકર છે એમ ભાવથી મનાતું આવ્યું છે તેમ યાત્રાના સ્થળોની ધૂળ પણ ગુલાલ જ છે. નસીબજોગે ઐ પ્રાપ્ત થઈ છે તો એનો લાભ શા માટે ન લેવો.

સમજુ લોકો કહી ગયા છે કે સપના જેવો છે સંસાર! સપના ક્ષણજીવી હોય છે. બે પાંચ ક્ષણોમાં આખું પિક્ચર પૂરું. જ્યારે માણસનું સિત્તેર, એંસી કે સો વરસનું જીવન જ એક સપના જેવું ગણાતું હોય તો તેમાં આવતા સુખોની ક્ષણો કેટલી? અને એ સુખોની યાદ તો વળી એનાથી યે અતિ અતિ અલ્પ! તેમાંયે આ તો બાવીસ ચોવીસ વરસ પહેલાંની યાત્રા, તેમાંથી માણસનું નાનું મગજ યાદ રાખે રાખે ને કેટલુંક યાદ રાખે? એટલે મારા લખાણમાં વિગતદોષ તો રહેવાનો જ છે, એનો મને ખ્યાલ છે. એક દિવસના રાત્રિરોકાણ પછી બીજે દિવસે અમે ગંગોત્રી પહોંચી ગયા. શું આ ગંગોત્રી જ છે? ગંગાનું મૂળ તો દેખાતું નથી. બે કાંઠે છલોછલ વહેતા ગંગાના વારિપ્રવાહમાં એનાં મૂળને ક્યાં શોધવું?

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૩

ગંગોત્રી આવ્યા. ગંગામાં સ્નાન કર્યું. ગંગાનું મંદિર છે ત્યાં દર્શન પણ કર્યા. ગંગા કિનારે બેસીને ગંગાના ઉછળતા વારિને જોતાં ઘણીવાર બેસી રહ્યા. અહીંયા બીજું શું જોવાનું હોય? ગંગોત્રીમાં જોવા જેવી મા ગંગા. અહીં દુકાનો કે બજારો હોય નહીં. કદાચ હોય તો પણ આપણે કંઈ શોપીંગ માટે તો આવેલા છીએ નહીં.

જેને જ્યાં ફાવે ત્યાં ફરવાની છૂટ હતી. પોતપોતાની રીતે બધાં નીકળી પડ્યા. હું અને મારી દીકરી એક તરફ છૂટાં પડી ગયાં. ફરતાં ફરતાં મને કોઈ વિશિષ્ટ સુગંધે આકર્ષ્યો. મોહક, માદક સુગંધ ક્યાંથી આવતી હશે તે શોધવા મેં વિવિધ દિશામાં નસકોરાં ફેરવ્યાં. આસપાસ કોઈ ન હતું. એક જગ્યાએ બે ત્રણ પહાડી લોકો બેઠા હતા. હું તેમની પાસે ગયો. સુગંધનો સ્રોત તેમની પાસે હતો. મેં પૂછ્યું આ સુગંધ શેની છે, તો તેમણે જણાવ્યું કે એ કસ્તુરી છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો. કસ્તુરી તો દંતકથામાં આવતી એક અલભ્ય ચીજ. ‘કસ્તુરી મૃગ નાભિ બસત હૈ, ફિર ઢૂંઢે બન માહીં‘ એટલી મસ્ત સુગંધ કે મનને તરબતર કરી નાંખે. મૃગ પણ એનાથી આકર્ષાય અને એને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાંખે. એ સુગંધ માણવાની મળે, એ કસ્તુરી જોવાની મળે એ તો આપણા ધનભાયગ કહેવાય. એ વેચાતી મળે કે? મેં એમને પૂછ્યું કે તમે વેચાતી આપો ખરા? એમણે હા કહી એટલે મેં કીંમત પૂછી. એમણે કહ્યું ચારસો રૂપિયા! એક ટેનિસ બોલ જેવડી કસ્તુરીની કીંમત ચારસો રૂપિયા! મેં મારા ગજવા તપાસી લીધાં.કંઈ જ ખરીદવાનું નહોતું છતાં મેં થોડાક પૈસા સાથે રાખ્યા હતા.મૃગની જેમ મારું મન પણ લોભાયું. એની સુવાસ જ એવી હતી તે!

મેં મારી દીકરીને શોધી કાઢી, પાસે બોલાવી અને મારા મનની વાત કહી. મેં જણાવ્યું કે આપણે એ ખરીદી લઈએ. પણ તું કોઈને કહેતી નહીં. આ એક સરપ્રાઈઝ છે. દુનિયાની દસમી અજાયબી જેવી વસ્તુ છે. જે કીંમતી વસ્તુ આપણી પાસે પણ હોય અને તે બીજાની પાસે પણ હોય તો તેમાં ફુલાવાની કોઈ વાત નથી, પણ જે કોઈની પાસે નથી તેવી કોઈ ચીજ આપણી પાસે હોવી એ ગર્વની વાત છે. અમે અંતરથી ખૂબ રાજી થઈને એ મોંઘી જણસ ખરીદી લીધી. બરાબર લપેટી લીધી. અને બગલથેલામાં મૂકી દીધી. અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. મનમાં ને મનમાં ખુશ થતાં અમે બીજે ફરવા નીકળી ગયા. અમારી જિંદગીની એ અતિ રોમાંચક પળો હતી. હૈયામાં ગુદગુદી થઈ રહી હતી.

ચાલીસ પચાસ મિનિટ રખડીને અમે પાછા વળ્યાં ત્યારે પેલો કસ્તુરી વેચવાવાળો ગાયબ હતો પણ બીજા ચાર-પાંચ જણાં કસ્તુરી વેચતા હતા અને પ્રવાસીઓ તેની પાસેથી કસ્તુરી ખરીદતા હતા. કીંમત કેટલી, માનશો? સો રૂપિયાની એક! અમે બાપ-દીકરી એકમેકની સામું જોવા લાગ્યા. અમે કોઈને કહ્યું નહીં કે એ જ કસ્તુરી અમે ચારસો રૂપિયામાં લીધી હતી! કયા મોંઢે કહીએ? ચારસો રૂપિયાની બીજી ચાર કસ્તુરી વટ કે સાથ અમે ખરીદી લીધી. ગંગોત્રીમાં અમે કરેલું આ સૌથી મોટું પરાક્રમ હતું. હાર્યો જુગારી બમણું રમે તેના જેવો ઘાટ તો નથી થતો ને? એ તો ઘરે ગયા પછી ખબર પડશે.

રમણકાકાને અમે પૂછ્યું કે ગંગા નદી ક્યાંથી નીકળે? અહીં તો ગંગાનું મુખ જેવું કંઈ જણાતું નથી. એમણે કહ્યું કે ગોમુખ તરીકે જાણીતી એ જગ્યા અહીંથી વીસેક કિમી. દૂર છે. ચાલીને જવું પડે. ટ્રેકિંગ કરનારા ગૃપ સિવાય અન્ય લોકો ત્યાં જતા નથી. ત્યાં જવાનું જરાક ટફ છે. બર્ફીલો વિસ્તાર છે. અમારાં સંતાનોએ તો મનમાં નક્કી જ કરી લીધું કે હવે પછી આવવું તો ટ્રેકિંગમાં જ આવવાનું. તો જ બધું જોવાનું, જાણવાનું મળે. આવી ઊડતી મુલાકાતમાં પૂરું જોવા ન મળ્યાનો અસંતોષ રહી જાય. આખો દિવસ ગંગોત્રી ભમ્યા પછી અમારી વળતી મુસાફરી ચાલુ થઈ ગઈ. વળતી એટલા માટે કે યમુનોત્રી અને ગંગોત્રી જુદા વિસ્તારમાં છે અને બદરીનાથ- કેદારનાથ જુદી દિશામાં, જુદા વિસ્તારમાં છે.

ઘાટીના આ રસ્તાઓ ખરેખર સાંકડા અને જોખમી છે. રસ્તાઓ તૂટતા રહે છે, ભંગાણ સર્જાતું રહે છે. ભેખડ કોરીને, તોડીને રસ્તા પહોળા કરાતા જાય છે, ભેખડો ધસી આવીને એ રસ્તા પૂરી દે છે. અહીં વાહન ચલાવવું એ આપણા પૃથ્વીલોકના ડ્રાઈવરનું કામ નથી. દેવભૂમિના- ઉત્તરાખંડના કેળવાયેલા ડ્રાઈવરોનું જ એ કામ છે. એ લોકો ડ્રાઈવિંગ કરતી વખતે શરાબપાન કરતા નથી. સ્ટિયરિંગ વ્હીલ પર અને બ્રેક પર એમનો કાબુ ગજબનો છે. ઘણીવાર અકસ્માત થવા આડે એક બે ઈંચનું છેટું રહી જાય છે. એ સ્થળ કે એ રસ્તો પસાર કરી ગયા પછી નેક્સ્ટ તીર્થધામમાં પહોંચીએ પછી ત્યાંના હિંદી અખબારમાં વાંચવા મળે છે કે અમે જે રસ્તો પસાર કરી આવ્યાં ત્યાં અકસ્માત થવાથી પ્રવાસી બસ ખીણમાં ગબડી ગઈ. એ વાંચીને અમારો શ્વાસ અધ્ધર થઈ જાય છે. એમની જગ્યાએ અમે જ હતા એમ કલ્પના કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે અમારા માથા પરની ઘાત ગઈ. અમે બચી ગયા તે આડે કોનું પુન આવીને ઊભું રહી ગયું હશે? અમે કોનો આભાર માનીએ, અમારા ડ્રાઈવરની સમયસૂચકતાનો કે ભગવાનનો? જે બસ ઉથલી પડી તેના ડ્રાઈવરે સમયસૂચકતા ન રાખી હોય એમ તો કેમ કહેવાય?  જે બચી ગયાં તે વધારે પુણ્યશાળી કે જેને દેવભૂમિએ પોતાનામાં સમાવી લીધા તેઓ વધારે પુણ્યશાળી? નથી સમજાતું.

આ યાત્રા ખરેખર ઈશ્વર ભરોસે ચાલે છે. આપણે કોઈ કાળજી નથી રાખતા એવું નથી. પ્રવાસીઓ, આયોજકો, ડ્રાઈવરો- સંબંધિત તમામ લોકો પૂરેપૂરી તકેદારી રાખે જ છે છતાં આખરી બાજી તો ઈશ્વરના હાથમાં જ છે એમ લાગે છે. ધડકતા દિલે અમારી યાત્રા ચાલી રહી છે. હૃદયનો પ્રત્યેક ધબકારો ભગવાન આપણી સાથે હોવાનો પરચો આપે છે. ઈશ્વર સર્વત્ર છે જ, પણ એ ધબકી રહ્યો મુજ અંતરમાં! એના સાંન્નિધ્યની અનુભૂતિ થાય છે. એક ભાવગીત આપોઆપ હોઠો પર આવી જાય છે: પ્રભુ સીમિત નથી કાંઈ મંદિરમાં, એ ધબકી રહ્યો હર અંતરમાં.

આપણે વાંચેલા, સાંભળેલા, ક્યારેક આપણા દ્વારા સ્વમુખે બોલાયેલા, લખાયેલા કે વિચારાયેલા  ઊચ્ચ તત્ત્વજ્ઞાનના એ શબ્દો અને એ ડહાપણ અહીં કસોટીએ ચડે છે. આપણી આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા આવા પ્રસંગે પાકી થાય છે. આવી તીર્થયાત્રા એ તો સમગ્ર જીવનયાત્રાનો એક અંશમાત્ર જ છે. એ અનુભૂતિનો વિસ્તાર થતો રહે તો?

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૪

પહેલાં જમનોત્રી કર્યું અને પછી ગંગોત્રી કર્યું. જમનોત્રી કઠણ પડ્યું જ્યારે ગંગોત્રીમાં કોઈ જ તકલીફ ન પડી. કોઈને કદાચ તકલીફ પડી યે હશે તોયે જમનોત્રીની તુલનામાં તો સાવ નગણ્ય જ કહેવાય. પણ અમારી બસ, માર્ગમાં આવતા નાના મોટા ડુંગરા પર જે રીતે ચડતી ઉતરતી જઈ રહી હતી તે જોઈને મને કાકા સાહેબ કાલેલકર યાદ આવ્યા. કાકા સાહેબે નોંધ્યું હતું કે ત્યાંની મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે ડુંગરા ચડ- ઉતર કરવા પડતા હતા. આ બહુ શ્રમભરેલું કામ કહેવાય. ખાલી હાથે પહાડો ચડ- ઉતર કરતાં પણ હાંફી જવાય ત્યારે પાણી ભરેલા બેડા લઈને ચડ ઉતર કરવાની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. પણ એ સ્ત્રીઓ તો બેડા લઈને હસતી રમતી,  હરખભેર દોડાદોડ કરતી જોવામાં આવી. કાકા સાહેબને આશ્ચર્ય થયું. તેમણે પેલી સ્ત્રીઓને જણાવ્યું કે અમારા તરફ મેદાનમાં પાણી ભરવા જતી સ્ત્રીઓને ઘણું સુખ છે. તેમને તમારી જેમ ડુંગરા ચડવા ઉતરવાની કોઈ ઝંઝટ જ નહીં. એ સાંભળીને પહાડી સ્ત્રીઓને મેદાનની સ્ત્રીઓની દયા આવી! ‘સાવ મેદાન? ચડવા ઉતરવાનું બિલકુલ નહીં? તો તો તેઓ બિચારી થાકી જતી હશે. અમારે પહાડ પર એ વાતનું ઘણું સુખ છે કે રમતાં રમતાં ડુંગરો ચડી જવાય અને રમતાં રમતાં ડુંગરો ઉતરી જવાય. થાકનું તો નામ જ નહીં. એ બિચારી મેદાનની બહેનો પાણી ભરેલા બેડાં લઈને સપાટ જગ્યામાં કેમ કરીને ચાલતી હશે?‘

સુખ અને દુ:ખ, સગવડ અને અગવડ એ સાપેક્ષ બાબતો છે. સુખ તે તો નહીં સુખ, દુ:ખ તેય નહીં દુ:ખ! આ ગજબનું તત્ત્વજ્ઞાન છે. સૌ કોઈ પોતપોતાની દૃષ્ટિ અને સમજણ પ્રમાણે એની મૂલવણી કરતા હોય છે. આપણે અગવડ સમજીને તેમના પર દયા લાવીને પરોપકારની ભાવનાથી મદદ કરવા જઈએ પણ તેમને ખરેખર આપણી મદદની જરૂર જ ન હોય એમ બની શકે. આપણા ઘરમાં માળો બનાવવા મહેનત કરતી ચકલી પર દયા લાવીને તેને મદદ કરવાના હેતુથી સારો રૂ કે કંતાન વગેરે મૂકી આપીએ તો એવડી નાની સરખી ચકલીનું સ્વમાન ઘવાઈ જાય! કોઈની દખલગીરી એ સહન ના કરી શકે. ખિજવાઈને બધું રૂ કાઢી નાંખે. તે જોઈને આપણે ખિસિયાણા પડી જઈએ. આવડી અમથી ટેણકીનો આટલો બધો રૂઆબ!

ખેર, અમે કેદારનાથ જવા માટે નીકળ્યા. રસ્તામાં સાંજ પડી ગઈ. રામબાડા આવી ગયું. ત્યાંની ઐક હોટેલમાં અમારે રાતવાસો કરવાનો હતો. જે થોડો જરૂરી સામાન હતો તે અમારા ઉતારા પર મૂકીને અમે ફરવા નીકળી પડ્યા. બાજુમાથી એક નદી પસાર થતી હતી. પાણી કરતાય પાણીની ઉપર સફેદ ફીણ વધારે હતું. મજાનું દૃશ્ય હતું. હું ને મારો દીકરો એ નદી કિનારે દૃશ્ય માણી રહ્યા હતા. પેલો સોમકાકો પણ અમારી પાસે આવી પહોચ્યો. અજાણી જગ્યાએ, અંધારામાં અમે  બે જ જણાં હતા. અંધારું ગાઢ થતું જતું હતું. તેવામાં સોમકાકાનો સાથ મળ્યો તે સારું લાગ્યું. એ નદી કદાચ યમુનાજી જ હતી. અમે હાથપગ મોં ધોયાં અને બનતી ઉતાવળે હોટેલ પર જવાની ટ્રાય કરી. અંધારામાં ભૂલા પડી જઈએ તો રમણકાકા અમને ક્યાં આગળ શોધવા આવે? તે વખતે મોબાઈલ ફોન તો હતા નહીં. સૌ આવી ગયા હતા. અમારી જ ગેરહાજરી બોલતી હતી. પણ કોઈ  ચિંતા કરે તે પહેલાં અમે પહોંચી ગયા. અહીં અમારા વિશે એક ગેરસમજ ઘર કરી ગઈ છે. કોલેજમાં ભણતા મારા દીકરા હિમાંશુને અન્ય લોકો મારો નાનો ભાઈ જ સમજે છે! હું એ છોકરાનો પિતા હોઉં એવું કોઈને લાગતું નથી. આવું ઘણાના કિસ્સામાં બનતું હોય છે. પ્રવાસ આયોજક રમણકાકા સમજે છે કે આ બે જુવાનિયા ટ્રેકિંગનો જીવ છે એટલે જાતે જાતે અજાણી જગ્યામાં ફરવા ગયા હશે.

 બધા આવી ગયા એટલે જમવાનું પીરસવાની તૈયારી થવા લાગી. આવતી કાલે સવારમાં વહેલા ઊઠીને કેદારનાથ જવા નીકળવાનું છે. ગૌરીકુંડ પહોંચીને ત્યાંથી ઘોડા ખચ્ચર કરીને કેદારનાથ પહોંચવું છે. જલદી જદી જમીને વહેલા વહેલા સૂઈ જવાનું છે. એક ટેરેસમાં ટેબલ ખુરસી પર અમે સૌ બેસી ગયા. ગરમ ગરમ પિરસાય તેની રાહ જ જઈ રહ્યા હતા. અને દાળ ઢોકળી પીરસવામાં આવી. શું એનો સ્વાદ હતો! આંગળા ચાટતાં જ રહી જઈએ. ખાઈએ ખાઈએ અને પેટ ભરાય જ નહી! પેટ તો ભરાય પણ મન તૃપ્ત થાય જ નહીં. દાળ ઢોકળી સાચે જ અમારી દાઢે વળગી. અમારા ગૃપના અમે બધા જ પ્રવાસીઓએ એટલું ખાધું એટલું ખાધું કે બધી જ ઢોકળી પૂરી થઈ ગઈ! કોણ જાણે કેમ બધાનો જ જઠરાગ્નિ એટલો બધો પ્રજ્વલિત થઈ ઊઠ્યો કે તપેલા બધાં સ્વાહા થઈ ગયા. આખા પ્રવાસ દરમિયાન આજે જ આમ થયું, બાકીના દિવસોમાં આટલું કોઈએ ખાધું નથી. જમાડવાની બાબતમાં રમણકાકા બહુ ઉદાર છે. સારામાં સારું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણ અને તેય પાછું જેટલું જોઈએ તેટલું! દિલમાં જરાયે કચવાટ નહીં. કોઈનો ઉપવાસ હોય તોયે તેમને માટે ભરપેટ ખવાય તેટલો ફળાહાર બનાવે. જાણે ખાવા માટે જ ઉપવાસ કર્યો હોય એવું લાગે. રમણભાઈ શાહને મન, કોઈને ખવડાવવું એ જાણે પુણ્યનું કામ હોય એમ સમજાય છે. એમના સ્ટાફને માટે ફરીથી બનાવવું પડ્યું. તેમણે ક્યારે ખાધું? ક્યારે વાસણો સાફ કર્યા અને ક્યારે તેઓ સૂતા હશે તેની અમને કંઈ જ ખબર ન પડી. અમે તો દાળ ઢોકળી ખાઈને ગોદડી ગોળ કરી ગયા હતા!

ક્રમશ:

12-06-2022

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૫

રામબાડાના રસ્તાની ડાબી બાજુએ એક ટેકરા પર આવેલી એ હોટેલમાં સવારે વહેલા ઊઠીને તૈયાર થઈને અમે બસમાં બેઠા. ગૌરીકુંડ આવ્યા. આ એક વિશાળ જગ્યા છે. પણ ત્યાં ફરવાનો સમય અમને ન મળ્યો. અમારે વહેલી તકે ઘોડા ખચ્ચર કરીને કેદારનાથનું ચઢાણ કરવાનું હતું. જેટલું મોડું થાય તેટલા અમે ઉપર મોડા પહોંચીએ. આ ચઢાણ જમનોત્રી કરતા ઊંચું છે અને માર્ગ પણ લાંબો છે. રસ્તો વિકટ પણ છે. અમે ચાર જણાના ચાર ઘોડા કર્યા. ઘોડા પર સતત બેસી રહેવાનું પણ ફાવે નહીં. ઢગરું તપી આવે એટલે થોડા થોડા સમયે નીચે ઊતરીને પગપાળા પણ ચાલીએ. એવી રીતે ચાલતાં ચાલતાં રસ્તાની બાજુમાં બરફનો એક મોટો વિશાળકાય ખડક જોવા મળ્યો. મિત્ર આકાશ આચાર્યે કહ્યું હતું કે જો તમે મે મહીનાના પહેલા બેચમાં જાઓ તો બરફ જોવા મળશે, જુનના બીજા બેચમાં જશો ત્યાં સુધીમાં બરફ પીગળી ગયો હશે. મને થયેલું કે આપણે કંઈ બરફ જોવા થોડું જ જવાનું છે? આપણે  તો હિમાલય દર્શન કરવા જવું છે. અમારા સદભાગ્યે રસ્તામાં જ બરફના ડુંગરાના દર્શન થયાં. અમારાં સંતાનો તો ગેલમાં આવી ગયા. નજીક જઈને જોયું તો બરફનો ડુંગર અંદરથી પોલો હતો! બાળકો હિંમતભેર અંદર ઘૂસી ગયાં. કેટલાક વડીલોએ વાર્યા પણ ખરા કે અંદર કંઈ સાપ સપોલિયા કે વિંછી જેવા ઝેરી જાનવર હોય તો નાહકની મુસીબત આવી પડે! પણ એવી સલાહ ગણકારે તે બીજા. વળી, મારા તરફથી પણ છૂટ હતી.

ચારધામો પૈકી આ કેદારનાથ સૌથી ઊંચું હતું. હવા પાતળી હતી. અહીં ચાલવા જઈએ તો શ્વાસ ભરાઈ આવે. પગ કદાચ નહીં થાકે, પણ ફેફસાં તો થાકી જાય, હૃદયને પણ જોર પહોંચે. શ્વાસના કે હૃદયના રોગીઓએ ખાસ સંભાળવા જેવું. પોતાને જરૂરી એવી દવા યાત્રિકે પોતે જ પોતાની સાથે રાખવી જોઈએ. અહીં હોસ્પિટલ નથી. આ રૂટ પર અને કેદારનાથમાં ઘણાં લોકો મરી ગયા હોવાના અહેવાલો છે. શરીર સાથ ન આપતું હોય તો કેદારેશ્વર જવાનું ટાળવું જોઈએ. અમારા ગૃપમાંથી બે ચાર જણા એવા સક્ષમ અને આત્મવિશ્વાસ સભર હતા કે જેમણે ગૌરીકુંડથી કેદારનાથ પગપાળા ચઢવાનું પસંદ કર્યું. તો સફળતાપૂર્વક અમારી સાથે જ ઉપર ચડ્યા. તેમને કશો વાંધો ન આવ્યો. અમને પણ લાગ્યું કે અમે પણ એવું કરી શક્યા હોત, પણ મારી પત્નીને ઘુંટણમાં ફ્રેકચર થઈ ચૂક્યા હતા.એટલે એને ઘણી તકલીફ પડે. ઉતરતી વખતે એટલો શ્રમ નહીં પડે, તે વખતે જોયું જશે. ‘ઈન પૈરોંસે ચલ કર તેરે મંદિર કભી ન આયા‘. પગે ચાલીને જઈ શકાતું હોય તો સારી વાત છે, પણ પગે તકલીફ હોય તો શું જાત્રા નહીં કરવાની? ઘોડા- ખચ્ચર, ડોલી, ઝોળી એ બધાં શેને માટે છે? એમને રોજી યે મળે અને આપણને સુવિધા રહે.

અમારી સાથે વોટરબેગ રાખી છે. મિલ્ટનની વોટરબેગ! એ જમાનામાં બિસલેરી પાણીની બોટલ નીકળી નહોતી. એ બિસલેરીની અહીં જરૂર પણ નથી. અહીં સર્વત્ર બિસલેરી વોટર જ કુદરત વહાવી રહેલ છે! વોટરબેગમાં પાણી નહીં ભરી લીધું હોય તોયે ચાલે. ખોટું વજન વધારવાનુ! ડુંગરાને ધરતી માતાના સ્તન કહ્યા છે, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ્ – માના સ્તનમાંથી દૂધ સ્રવતું હોય તેમ ડુંગરામાંથી નિર્મળ ઝરણાં વહેતા જ હોય છે. તે પ્રવાહની સામે ગ્લાસ કે બોટલ ધરી દો એટલે કવિ કલાપીની ગ્રામમાતા કાવ્યમાં રાજાનો ગ્લાસ જેમ શેરડીના રસથી ભરાઈ ગયેલો તેમ અહીં આપણો ગ્લાસ પણ ધરતીમાતાના ધાવણથી ભરાઈ જાય છે. બે હાથના ખોબા વડે પણ જલપાન કરી શકાય. પાણી જરાયે પ્રદૂષિત નથી.

રસ્તામાં ક્યાંક ક્યાંક પાનપરાગ, પાન મસાલા, ગુટકાના ખાલી પાઉચ પણ પડેલા દેખાય છે. માણસ જ્યાં જાય ત્યાં એનું છાણ વેરતો જાય, વિકૃતિ ઠાલવતો જાય, વ્યસનનું વાવેતર કરતો જાય. એક સારા વિચારને ફેલાતાં ખૂબ વાર લાગે છે જ્યારે દૂષણો ઝડપભેર ફેલાતાં જાય છે. શ્લોક શીખવા માટે મહેનત કરવી પડે છે જ્યારે ગાળ આપોઆપ આવડી જતી હોય છે. બગડેલો માણસ અન્ય લોકોને પણ બગાડે છે અને પ્રકૃતિને પણ બગાડે છે.

અમે પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. જેરકી જેવો પ્રકાશ હતો, પણ તેમાં ઉષ્ણતા નહોતી. જેમ જેમ અંધારું છવાતું જતું હતું તેમ તેમ ઠંડી વધતી જતી જતી. આખે રસ્તે પણ ઠંડો પવન સૂસવાતો હતો.  હોટેલ પર પહોંચ્યા, રૂમ આપવામાં આવ્યા. રૂમમાં ગાદલા બગલાની પાંખ જેવા હતાં. જમીને અમે સૂઈ ગયા, પણ ઠંડી શરીરને કરડતી હતી. હાથ પગ થીજી ગયા છે એમ લાગ્યું. ગાદલા વજનદાર છે તેની નીચે રક્ષણ મેળવવા પ્રયત્ન કર્યો, પણ ગાદલા યે જાણે બરફના બનેલા હોય તેવું લાગ્યું. સાવ ઠંડાગાર! રોજની આદત મુજબ પ્રાત: શૌચ કરવાનો વખત થયો, પણ ટોયલેટ જવાની પગ ના પાડતા હતા. જે લોકો ટોયલેટ ગયા તેમને પણ નિરાશ થવું પડ્યું. આઉટપુટ તરીકે કશું જ ના નીકળે. ખોરાકની ગતિ જ અટકી ગઈ હોય એમ જણાયું. ટોયલેટમાં પાણી ક્યાં છે? એ પાણીનું બરફ થવા માંડ્યું હતું; પાણીના રૂપમાં બરફ જ હતો. અને શરીરની વિશેષ જગ્યા પર એ લગાડવાનું સાહસ કોઈનામાં નહોતું. બહુ વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ! કોઈને વાત કરતાંયે શરમ લાગે! શું ધોવાનું? કંઈ ધોવા જેવું નીકળ્યું જ નહીં હોય ત્યારે! પણ હવે નહાવાનું કેમ કરવાનું? તેલ લેવા જાય, સ્નાન!  કેવી રીતે નહાવું? રમણકાકાએ ગરમ ગરમ ચા લઈને માણસને મોકલ્યો, પણ ચાની વરાળ સુદ્ધાં ઠંડી હતી. કપ કે ગ્લાસમાં રેડતાંની સાથે જ ચા ઠંડીગાર બની જતી હતી. સાલું આવું તો નહોતું ધાર્યું. અમે એકબીજાના તરફ જોઈને આ પરિસ્થિતિ પર મલકીએ! બીજું શું કરી શકીએ?

પણ આવું ક્યાં સુધી? શું આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહેવાનું? બરફની કોટડીમાં? અમે હિંમત કરીને બહાર નીકળ્યા. સૂરજ તો ક્યારનો ઊગીને આભમાં ખાસ્સો ઊંચે પણ આવી ગયો હતો. પહેલી વાત અમારે કેદારનાથ મહાદેવનું મંદિર જોવું હતું. ધીમે ધીમે, ચાલતાં ચાલતાં,બીતાં બીતાં અમે બહાર નીકળ્યાં અને અમારામાં હિંમત આવવા માંડી. ઠંડી ઓછી થવા લાગી. આખા પર્વત પરની ઠંડી અત્યાર સુધી અમારી રૂમમાં ભરાઈ બેઠી હતી. રૂમની બહાર ઠંડી ઓછી હતી. ઠંડીએ અમને પકડી રાખ્યા હતા કે અમે ઠંડીને પકડી રાખી હતી? આજે અમારાથી શિવલિંગની પૂજા નહીં કરી શકાય. પૂજા માટે અગાઉથી નામ નોંધાવવું પડે. એ બધી પ્રોસિજર જાણી લીધી. આમ જોવા જોઈએ તો આખો હિમાલય જ શિવાલય છે. પણ કેદારનાથ એ સ્વયંભુ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે એટલે એની પૂજા કરવી જોઈએ. વળી એ દુર્ગમ સ્થાન છે. અહીં સુધી આવવાનું સરળ નથી.

લખ્યું 15-06-22 11:56

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૬

કેદારનાથ એક એવું તીર્થધામ છે જ્યાં ભગવાન કેદારનાથ દાદાનું સામ્રાજ્ય પ્રવર્તે છે. અહીંની હવા, સફેદ પથ્થર, કાંકરા, ખડકો તમામ પદાર્થોમાં દાદાનું સાંન્નિધ્ય અનુભવવા મળે છે. અંત સમયે પાંડવોને હિમાલય આવવાનું મન કેમ થયું હશે. હિમાળો ગાળવા માટે આ દેવભૂમિ જ કેમ પસંદ કરી હશે તેના કોઈ કારણો સમજાવવા પડે તેમ નથી. અહીં ન આવે તો બીજે ક્યાં જાય. ભગવાન સર્વત્ર છે જ, એમાં કોઈ શંકા નથી, પણ અહીં તો ભગવાન છે જ છે, એ વાતની પ્રતીતિ થાય છે. અહીં ઓછામાં ઓછું એક રાત તો રહેવું જ જોઈએ. ટૂર આયોજકો એ પ્રમાણે કરે જ છે. કરવું જ પડે તેમ છે; કારણ કે એક જ દિવસે ત્યાં જઈને પરત થવું મુશ્કેલ પણ છે! અમે એક જ રાત રહેલા કે બે દિવસ તે વિશે હું ચોક્કસ નથી. યાત્રા કર્યાના ચોવીસ વરસ પછી આ લખવા બેઠો એટલે થોડો ઘણો વિગત દોષ તો રહેવાનો જ. મારો મારો મુખ્ય આશય જ અમે જે અનુભવોમાંથી પસાર થયા તે જણાવવાનો છે એટલે તેમાં નાના નાના વિગતદોષો કોઈરીતે નડતર રૂપ નથી બનતા. એનું એટલું મહત્ત્વ પણ નથી.

મેં અગાઉ પણ લખેલું કે અમારે અહીં ગાળેલો પૂરેપૂરો સમય હૈયામાં ભરી લેવો છે, અને એ જ સાચવી રાખેલો સમય મારામાંથી અત્યારે બહાર નીકળી રહ્યો છે. એમાં મીઠું મરચું જરાયે નથી. બિલકુલ ઓરિજીનલ સ્વાદ! મંદિરને બહારથી જોઈ લીધું. આસપાસનું લોકેશન પણ બરાબર નિહાળ્યું. પછી થોડે દૂર આવેલા એક ખડક પાસે ગયા. અમારા સહપ્રવાસીઓ પણ અમારી જોડે હતા. જયેશ મહારાજ, તેમની પત્ની અને દીકરી અમારી જોડે જ હતાં. ખડક પર આથમતા સૂરજનો તડકો હતો તે અમને ઉપર ચડવા લલચાવતો હતો. અહીં આસપાસમાં સૌથી ઊંચો આ ખડક જ હતો. અમે એવી કલ્પના કરી કે દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર અત્યારે અમે બેઠા છીએ. દાદાના ખોળામાં છીએ. અહીંથી ઊંચે હવે માત્ર આકાશ જ છે. અમે પ્રાર્થનાપ્રીતિ અમારી પાસે બગલથેલામાં રાખેલી જ છે. ધીમે ધીમે અંધારું ઊતરતું આવે છે. અત્યારે થોડુંક વાંચી શકાય તેમ લાગવાથી અમે પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્ર ગાવાનું શરૂ કરીએ છીએ.

મહિમ્ન: પારં તે પરમવિદુષો યદ્યસદૃશી સ્તુતિર્બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ |
અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર! નિરપવાદઃ પરિકરઃ ||

મને આ સ્તોત્ર બેહદ ગમે છે. આકાશવાણી પરથી શ્રાવણના દર સોમવારે એ રજુ થતું હતું. સંગીકાર રસિક ભોજક દ્વાર સ્વરબદ્ધ થયેલું અને વારાફરતી નર નારીના વૃન્દગાન રૂપે ગવાયેલા આ સ્તોત્રનો રાગ અને આરોહ અવરોહ બેહદ આકર્ષક છે તે સાથે દરેક શ્લોક પછી ગુજરાતીમાં અપાતી સમજૂતિ પણ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું, ગણગણવાનું અને લલકારવાનું મન થાય તેવા આ સ્તોત્રનું પરિવાર સહિત અહીં ગાન કરીએ એ તો અમૂલ્ય લહાવો છે. આવી તક કેમ ચૂકાય? અમે સપરિવાર મુક્તકંઠે એ સ્તોત્ર ગાઈએ છીએ. મહારાજ પણ કોઈકોઈ જગ્યાએ સાથ આપે છે, સ્વાભાવિક છે કે આખું સ્તોત્ર એમને પણ મોઢે તો ન જ હોય. પણ સૌ એકચિત્તે ભાવપૂર્વક સાંભળે છે. અમારી ગાયકી કરતાંયે વિશેષ તો એ સ્તોત્રના શબ્દો અને એની તર્જ સાંભળનારને સ્પર્શે છે અને અન્ય લોકો પણ અમારી પાસે આવીને મંત્રમુગ્ધ થઈને સાંભળે છે. સ્તોત્ર લાંબુ છે, કઠિન પણ છે. જોઈને બોલવાનું હોય તોયે જીભે લોચા વળે તેવું અઘરું છે. પણ એ જ્યારે પૂરું થયું ત્યારે જાણે અમારી ભાવસમાધિ પૂરી થઈ હોયએમ સૌને લાગ્યું. એ સ્તોત્રમાં કોને કેટલું સમજાયું? કદાચ, કોઈને કશી જ સમજ નહોતી પડી છતાં સૌના હૈયાં ભાવથી આર્દ્ર થયાં હતાં.

આ સ્તોત્રના દરેક શ્લોકના શબ્દોની સંધિ છૂટી પાડીને, એક એક શબ્દ અનેકવાર છૂટો બોલાવીને જીભ પર રમતો કરવા માટે મેં ઉત્સાહભેર પ્રયત્ન કર્યો હતો. નહીં બોલાય, નહીં બોલાય એમ કહી પારાયણ કરવામાંથી હાથ ઊંચા કરી દેનાર ભાઈબહેનો મેં આ સ્તોત્ર બોલતા કર્યા હતા. મારી ભક્તિ સમજીને એ પ્રયાસ મેં કર્યો હતો. પહેલાં એકે એક શબ્દ છૂટો, પછી બબ્બે શબ્દો, પછી દરેક ચરણ પાંચ પાંચ વાર બોલીને પછી બબ્બે ચરણ અને છેવટે આખો શ્લોક બોલવાની અમારી મથામણ ભગવાને જરૂર નોંધી હશે. આખું સ્તોત્ર કરતા અમને મહીનાઓ લાગ્યા હતા. અમારી નિષ્ઠા અને ભક્તિ રંગ લાવી; મહાદેવજીના આશીર્વાદ અમને મળ્યા અને આ કઠણ લાગતું સ્તોત્ર અમારી કાલીઘેલી જબાનથી અમે બોલતા થયેલા એ આરો સૌનો સહિયારો પુરુષાર્થ અમને યાદ આવી ગયો.

ભાવસમાધિ પૂરી થતાં જ જયેશ મહારાજે ખુશ થઈને એક શ્લોક અમને યાદ કરાવ્યો. એમણે કહયું કે આખું સ્તોત્ર બોલવાનું ન ફાવે અને ફક્ત એટલું જ બોલતાં આવડે કે ‘તવ તત્ત્વં ન જાનામિ કિદૃશોS સિ મહેશ્વર. યાદૃશોSસિ મહાદેવ તાદૃશાય નમોનમ:‘ તોયે એમાં બધું આવી ગયું. હું હજી પણ એ સમજવાની કોશિષ કરું છું કે બધું આવી જાય એટલે શું શું આવી જાય.

હવે વાદળો ધીમે ધીમે અમારા માથા પર આવી ગયાં. અમને ગોદમાં લઈને એ ધીમે ધીમે નીચે ઉતરવા માંડ્યાં. ઝાંકળ  જેવી હળવી વર્ષા અમારા પર વરસાવી ગયાં. અમને એવું લાગ્યું કે વરસાદના ફોરાં રૂપે ભગવાને અમને આશીર્વાદ આપ્યાં સૌના હૈયાં તૃપ્ત થયાં. વાદળની પાછળ અમે પણ ધીમે ધીમે નીચે ઊતરવા માંડ્યું. કોઈ ખાસ કંઈ બોલતું નહોતું. હમણાં થોડીવાર પહેલાં જ સમાધિનો જે આનંદ માણ્યો હતો તેને મમળવતાં મમળાવતાં નીચે ઊતરી ગયાં મંદિરને બહારની હાથ જોડી માથું નમાવી આદર આપીને પસાર થયા. હવે જમવા માટે પણ અમારી રાહ જોવાતી હશે, ઠંડી અમને એના આગોશમાં લેવા તત્પર હતી.

રૂમ પર ગયા. ભોજન લીધું અને મંદિરના પૂજારીઓ અમારી પાસે આવ્યા. જાતે પૂજા કરી શકાતી નહોતી. પૂજારી પાસે જ કરાવવી પડે. જુદા જુદા પ્રકારની પૂજા માટે જુદા જુદા ભાવ હતા. ભાવ ઊંચા હતા અને પૂજારીનો એટિટ્યૂડ પણ બરાબર ન લાગ્યો. એમની વાણીમાં તોછડાઈ અને અહંકાર વર્તાતો તો. અમારામાંથી કોઈકે ટકોર પણ કરી કે તમારી વાણીમાં અભિમાન કેમ છલકાય છે! પૂજારી બોલ્યો કે અભિમાન કેમ ન કરીએ? દેવભૂમિમાં જન્મ મળ્યો તે એમનેમ નથી મળ્યો. પૂર્વજન્મમાં કેટલા સત્કર્મો કીધાં હશે ત્યારે અમારો અહીં જ્ન્મ થયો! જે હશે તે, પણ આ લોકોને આખા વરસમાં કમાવા માટે છ મહીના જ મળે છે. યાત્રિકો પાસેથી મળતી દક્ષિણા પર જ તો જીવનનિર્વાહ કરવાનો હોય છે. અમે ઊંચી દક્ષિણા આપીને પૂજા નોંધાવી. પૈસા ચૂકવી દીધા, સવારે મહારાજ અમને હાથ પકડીને મંદિરે લઈ જશે, પાસે બેસાડશે અને પૂજા કરાવશે. અમે અમારી મુખ્ય તકલીફ જણાવી કે અમને સ્નાન કરવાની તકલીફ છે. આટલી બધી ઠંડીમાં શરીર પર પાણી રેડીને નહાવું કોઈ તે શક્ય નથી. સ્નાન કર્યા વગર પૂજા કઈ રીતે કરી શકાશે? મહારાજનો જવાબ અમને વહેવારુ લાગ્યો, જો કે અમે મલક્યા વગર ન રહી શક્યા. મહરાજે છૂટ આપી. એમણે કહ્યું કે વારિસ્નાનને બદલે વાયુસ્નાન ચાલશે! આ વાયુસ્નાન શબ્દ અમને ગમી ગયો. કોઈ દિવસ નહાવામાં મોડું થઈ જાય કે નળમાં પાણી ન આવે તો ‘નહાયા નથી‘ એમ કહેવાને બદલે ‘વાયુસ્નાન‘ કરી લીધું છે એમ વટભેર કહી શકાય!

મહારાજ સવારે વહેલા ઊઠાડવા આવ્યા. અમે ચારે જણાં પૂજામાં બેઠા. અહીં શિવલિંગનો આકાર નોર્મલ શિવલિંગ જેવો નથી પણ પહાડ આકારનો પથ્થર જેવો જણાયો. એના પર ચોખ્ખું ઘી ચડાવવાનું હતું. શિવલિંગ પર ચોપડવાનું હતું. પૂજા કર્યા પછી એ ઘીવાળા શિવલિંગને ભેટવાનું હતું. રૂટિન કરતા જુદું લાગે ને! મહારાજે સમજાવ્યું કે આ શિવલિંગ એ પહાડ નથી, પણ વૃષભનો પીઠવાળો ભાગ છે. તો પછી ડોકું ક્યાં ગયું? ડોકું ગયું નેપાળમાં! નેપાળમાં ભગવાન પશુપતિનાથછે તે વૃષભના ડોકાં રૂપે છે. શિંગડા સાથેનું માથું નેપાળમાં છે. તો પછી નેપાળની પણ એક ટ્રીપ મારવી પડશે.

ધારવા કરતા પૂજા જલદી પૂરી થઈ ગઈ, નહિતર યાત્રિકોનો ધસારો વધારે હોય તો નંબર આવતાં વાર લાગે.. છેક બપોર પણ થઈ જાય તો નવાઈ નહીં. ચાલો, પૂજા થઈ ગઈ. સૌ રૂમ પર આવી પણ ગયા.હવે ચા નાસ્તો કરીને પરત ફરીએ. જમવાનું તો બપોરે ગૌરીકુંડમાં છે. કુંડમાં નહી! ગૌરીકુંડ તો ગામનું નામ છે.

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૭

કેદારનાથ ચડતી વખતે અમે ઘોડા કર્યા હતા. ઘોડાનું ભાડું પણ વધારે હતું અને ઘોડો લીધા પછી પણ રસ્તે આપણે પગપાળા તો ચાલવું પડે જ છે. અમારા પૈકી કેટલાંક લોકો પગે ચાલીને ચડ્યા હતા અને પગે ચાલીને જ તેઓ ઊતરવાના પણ હતા.અમારાં બાળકોએ પણ અમને કહી દીધું કે અમે ઘોડા પર બેસવાના નથી. મને પણ લાગ્યું કે ચડતી વખતે હાંફી જવાય, હવા ઉત્તરોત્તર પાતળી થતી જાય, ડુંગરા પર પવન ઉપરથી નીચે તરફ આવતો હોય તે ચડવામાં મુશ્કેલી ઊભી કરતો હોય છે. નીચે ઊતરતી વખતે એ બધી તકલીફ તો નહીં જ પડે. અમે ઘોડા ન કરવાનું નક્કી કર્યું. પત્નીને જો તકલીફ જેવું લાગે તો રસ્તેથી ઘોડો કરી લેવાશે એમ વિચારીને અમે ચાલવા માંડ્યું. બાળકો તો બીજાંની સાથે આગળ નીકળી ગયા. હું અને જશુ ધીમે ધીમે ચાલવા લાગ્યા. જશુના ડગલાં નાના પડે અને ધીમા પણ ખરાં જ, એટલે અમે પાછળ પડી ગયા. કેદારનાથનું પાદર પણ વટી ગયું. બીજા ત્રણ ચાર કિલોમીટર ચાલી કાઢ્યું પણ હવે જશુના પગ ભરાઈ આવ્યા. એના પગે અસહકાર કરવા માંડ્યો. ઘોડાવાળો મળી જાય એ માટે હું પાછળ નજર દોડાવું પણ કોઈ નજરે ન આવે. હકીકત તો એ છે કે ઊતરતી વખતે આપણા સમગ્ર શરીરનું વજન ગુરુત્વાકર્ષણ સહિત આપણા પગ પર આવે છે. એટલે ચડતી વખતના કરતાં પણ ઊતરતી વખતે વધારે તકલીફ પડે એ બાબત અમારા ધ્યાન બહાર રહી ગઈ. જરૂર પડે તો અડધે રસ્તેથી ઘોડો કરી લેવાશે એ ગણતરી પણ ખોટી હતી. એવો યાત્રિક વગરનો ખાલી ઘોડો કોઈ આવતો નથી.

અમને કોઈ મદદ ન મળી. સૌ અમારાં કરતાં ક્યાંયે દૂર આગળ નીકળી ગયાં હતાં. પાછળ રહી ગયા હતાં માત્ર અમે બે જ. જશુના પગે સોજા ભરાવા માંડ્યા હતા. મને હવે પસ્તાવો થવા માંડ્યો. મારી પત્નીની હાલત માટે હું મારી જાતને ગુનેગાર માનતો થયો. મને ખબર હતી કે એના પગ પાંગળા છે, પછી કોઈ તર્ક કુતર્ક કર્યા વગર એને માટે ઘોડો કરવો જોઈતો હતો. મેં પૈસા પાછળ જોયું? કંજુસાઈ કરી? જે હોય તે પણ અત્યારની દુર્દશા માટે હું જ અપરાધી હતો. કોઈ કહે કે ન કહે, પણ મારા આ અપરાધ બદલ આખી જિંદગી હું મારી જાતને માફ કરીશ નહીં. થાકીને લોથ થઈને, ઘસડાતા પગે અમે ગૌરીકુંડ પહોંચ્યા ત્યારે તમામ લોકો જમી પરવારીને આગળના પ્રયાણ કરતા પહેલાં અમારી રાહ જોતાં હતાં. રમણભાઈ શાહને અમારી ચિંતા થતી હતી.

એક પારોળી પર જ અમે બેસી પડ્યા. દીકરો દીકરી બંને જણા અમારી પાસે આવી ગયા. જે કંઈ ખાવાનું બચ્યું હતું તે ખાઈ લીધું અને બસમાં બેસી ગયા. બસમાં બેસવા પગ ઊંચો થતો ન હતો. જેમ તેમ કરીને એને બેસાડી. બસમાં પગ લાંબો કરીને બેસાડવું પડે તેમ હતું. એ વ્યવસ્થા થઈ ગઈ. આંખ ખુલ્લી રાખીએ કે બંધ રાખીએ, પણ અત્યારે કેદારનાથધામ અમારા ચિત્તમાંથી ખસી ગયું. સોજાવાળા પગ અને પીડા સહન કરતો ચહેરો જ દેખાતો રહ્યો. દુખાવાની દવા લીધી. બસ ચાલતી રહી, વિચારો પણ ચાલતા રહ્યા. સ્થૂળ દૃષ્ટિ બહાર જોતી હોય તેવું લાગે, પણ બહારનું કોઈ પ્રતિબિંબ તેમાં ઝિલાતું નહોતું. કેમેરામાં રોલ ન હોય અને સેલ પણ ન હોય તો ફોટો કેવી રીતે લઈ શકાય?! હું સતત મારી જાતને ઠપકો આપતો રહ્યો. જે કંઈ થયું તે મારે લીધે જ થયું. એ અપરાધભાવ મારા મનમાંથી કેમેય નીકળતો નહોતો.

વિચારમાં ને વિચારમાં અમે ક્યાં આવી પહોંચ્યા તે ખબર ન પડી. કોઈ જગ્યાએ રાત્રિરોકાણ કીધું કે પછી પહાડી માર્ગ પર બસ હંકારતા હંકારતા સીધા જ અહીં આવી ગયા તેનો ખ્યાલ નથી. અમારી બસ ઊભી રહી ત્યારે અમે ભગવાન બદરીનાથના પ્રાંગણમાં ઊભા હતા. મંદિરની સામે જે હોટેલ છે તેમાં જ અમારો ઊતારો હતો. ભગવાન કેટલો દયાળુ છે! એને અમારા પગની હાલત વિશે ખબર જ હશે એટલે અમને ચાલવાની તકલીફ ન પડે એવી ગોઠવણ સહજ રીતે જ થઈ ગઈ. અને મંદિર પ્રવેશ કરતા પહેલાં જ ગરમ પાણીના કુંડ પણ સ્નાન કરવા માટે તૈયાર જ હતા. મેં જશુને ત્યાં જ બેસાડી. જે રૂમ ફાળવી તેમાં સામાન મૂકી આવ્યા. ટુવાલ અને કપડાં જ સાથે રાખ્યાં. યમુનોત્રીમાં પણ ગરમ પાણીના કુંડ હતા. પણ ત્યાં નવાઈ ખાતર જ શરીર ઝબકોળ્યું હતું. આંખને ઘેન ઘેરી વળે તો આપદા ઊભી થાય તેમ હતું. જ્યારે અહીં સ્નાન કીધાં પછી કશે જવાનું નહોતું, ઘેન ચડે તો રૂમમાં આવીને સૂઈ જવાનું હતું. મન મૂકીને નાહ્યાં. થાકેલા પગને બરાબર સેક પણ મળ્યો.

હળવાશનો અનુભવ થયો. શરીર અને મનને કળ વળી. બાળપણથી જે ચિત્ર હું ગીતાના પુસ્તકમાં જોતો આવેલો તેનું સ્મરણ થયું. એ પુસ્તકના શરૂઆતના પાના પર ડાબી તરફ લાલ- લીલા રંગના અક્ષરોમાં દેવદેવીઓની સ્તુતિ હતી અને સામે જમણી તરફના પાના પર એ દેવ કે યાત્રાધામોના ફોટા હતા. એમાં લીલા રંગે બદરીનાથ ભગવાનની સ્તુતિ હતી અને મંદિરનો ફોટો પણ હતો. એક્ઝટલી તે મુજબનું જ આ ધામ હતું! મને તો જાણે એમ જ લાગ્યું કે આ મારું ચિરપરિચિત સ્થળ છે. એ સ્તુતિ નાનપણમાં તો હું એમ જ વાંચી જતો. ‘પવન મંદ સુગંધ શીતળ‘- રાગમાં કેવી રીતે ગવાય તે ખબર નહોતી. નિશાળમાં કલાપીની એક કવિતા ભણવામાં આવેલી ‘દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી; જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી.‘ વિચાર વિસ્તાર માટે પણ એ પંક્તિ પૂછાતી હતી. એ હરિગીત છંદમાં લખાયેલી છે એમ જાણવા મળ્યું. છંદને યાદ રાખવા માટે અમે એનો રાગ સમજી લેતા. પંક્તિ વાંચતાંની સાથે જ ખબર પડી જાય કે એ કાવ્ય કયા છંદમાં છે. આ સ્તુતિને મેં રીતે ગાઈ જોઈ. (“ગાય” જોઈ નહીં!) અદ્ભુત! એ સ્તુતિ હરિગીતમાં બરાબર બેસી ગઈ! એ જ રીતે ‘રામચન્દ્ર કૃપાલુ ભજમન‘ ભગવાન રામની સ્તુતિ પણ હરિગીતમાં બેસી ગઈ. હરિના ભજનો કે હરિની સ્તુતિ અને સ્તોત્રો માટે જ ‘હરિગીત‘ છંદ બનાવેલો હશે કે? એવો તુક્કો પણ મનમાં આવી ગયો! પણ એકવાર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સવારના રજુ થતા ભક્તિસંગીતના કાર્યક્રમ ‘અર્ચના‘ માં ઊંચા અને બુલંદ અવાજે મેં ‘પવન મંદ સુગંધ શીતલ હેમમંદિર શોભિતમ્‘ સાંભળ્યું અને મારો દિવસ સુધરી ગયો. હરિગીતમાં હું જે ગાતો આવ્યો હતો તે માંદું માંદું લાગ્યું. ફિક્કું લાગ્યું. જ્યારે રેડિયો પર જે સાંભળ્યું તે તો રૂંવાડા ઊભા કરી દેનારું લાગ્યું. એ તર્જમાં શબ્દો જાણે આકાશમાં છૂટથી ફેંકાતા હતા અને હૈયાને વાઈબ્રેટ કરતા હતા. શબ્દો તો તે ના તે જ! (‘તેના તેજ‘ નહીં!) છંદનું બંધારણ પણ તે જ છતાં, યોગ્ય સ્વરરચના કરવાથી શબ્દોમાં પ્રાણ ફૂંકાયા! શબ્દોને ગતિ મળી, શબ્દો અર્થસભર બન્યા. સંગીતનો આ કેવો ચમત્કાર! (અત્યારે યુ-ટ્યૂબ પર શોધી જોયું પણ આકાશવાણી પર મેં જે સાંભળેલું તેની તોલે આવે એવું એકેય નથી)

અત્યારે ચુમ્મોતેર (કે ચમ્મોતેર) વર્ષની ઉંમરે હું યુવાનીમાં કરેલી યાત્રાના સુમધુર દિવસો યાદ કરવા બેઠો તેમ તે વખતની યુવાન વયે હું બચપણ અને નિશાળના સ્મૃતિવનમાં ભ્રમણ કરવા લાગી ગયેલો. એને લોકો અતીતરાગ કહીને વગોવે છે, પણ અમારો એ અતીત ભવ્ય હતો એમ તો આ વાંચનાર સૌ કોઈને લાગશે. અમારો ‘જ‘ જમાનો શ્રેષ્ઠ હતો એમ હું નથી કહેતો. એવો જ-કાર આપણને ન શોભે, પણ અમારા જમાનામાં જે સારું હતું તે કહેવાનો અમારો અધિકાર ખરો કે નહીં? અમારો સમય સાવ ફેંકી દેવા જેવો તો નહોતો જ એમ તો અમે જરૂર કહી શકીએ તેમ છીએ! એમાં ડુબકી મારવાથી અમને સમાધિનો આનંદ મળે છે અને હકારાત્મક ઊર્જા મળે છે એ કેમ ભુલાય?

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૮

મેરે દિલને જો માંગા મિલ ગયા, મૈંને જો કુછ ભી ચાહા, મિલ ગયા!

હો ગઈ પ્યાર કી હર તમન્ના તમન્ના જવાં….

બદરીનાથ ભગવાનના દર્શન આગલી સાંજે તો કર્યા જ હતા. સવારે ઊઠીને, નાહી ધોઈને ફરીથી પૂજા દર્શન કર્યા. સ્તુતિ તો આવડતી હતી. નાનપણથી લલકારતો હતો, પણ અહીં બદરીનાથ ભગવાનની સમક્ષ ઊભા રહીને એ ગાવાની મજા જ કંઈ જુદી હતી. મેસેજ મોકલીએ અને રૂબરૂ વાત કરીએ તેમાં ફરક તો રહે જ. ભગવાન પ્રત્યેનો ભાવ, ભક્તિ અનુરાગ એ સાંસારિક પ્યારથી કંઈક અનેરો જ છે. અહીં આવવાનું અમારી સાત પેઢીમાં કોઈએ કદી વિચાર્યું સુદ્ધાં નહોતું. હું- અમે આવી શક્યા એ ગૌરવની ક્ષણે અમારાં પૂર્વજોને યાદ કરવાનું અમે ભૂલ્યા નથી. ખાસ કરીને મારી મા કે જેણે બચપણથી મને આ  વિચાર વારસો અને ધ્યેય આપ્યું. પરમ તત્વ સાથેનો સંબંધ જોડી આપ્યો.

બદ્રીનાથ મંદિરમાં ભગવાન નારાયણની સ્વયંભૂ મૂર્તિ છે. બદરીનાથની મૂર્તિ ધ્યાનસ્થ અને ચતુર્ભુજ છે. બદ્રીનાથની પૂજા માટે માત્ર દક્ષિણ ભારતના કેરળના પૂજારીઓ જેમને રાવલ (Badrinath Pujari) કહેવામાં આવે છે તેમને જ અધિકાર પ્રાપ્ત છે. આજે પણ બદ્રિનાથ ધામમાં તેમના જ વંશજો પૂજા કરે છે. માત્ર મુખ્ય પૂજારીને જ મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર છે. પરંપરાગત કથા પ્રમાણે દેવોએ નારદકુંડમાંથી એ મૂર્તિને બહાર કાઢીને સ્થાપિત કરેલી. એ પછી એ મંદિર પર બૌદ્ધોનું પ્રાબલ્ય થયું. એ મૂર્તિને એમણે બુદ્ધની મૂર્તિ સમજીને પૂજવાનું ચાલુ રાખેલું. આદ્ય શંકરાચાર્યના વખતમાં એ લોકો તિબેટ ચાલ્યા ગયા. એ વખતે મૂર્તિને એમણે અલકનંદામાં નાંખી દીધેલી. શંકરાચાર્યે એ મૂર્તિને અલકનંદામાંથી બહાર કાઢીને વિધિવત પુનર્પ્રતિષ્ઠિત કરી, કહેવાય છે કે એ પછી દર્શનાર્થીઓની કમી અને ભોજનનું કષ્ટ હોવાને કારણે પૂજારીઓએ એને તામ્રકુંડમાં નાંખી દીધેલી. પછી રામાનુજ સંપ્રદાયના કોઈક આચાર્યે એની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરી એવો એનો ઈતિહાસ છે.

મગજ ચકરાઈ જાય તેવી વાત છે. જે ભગવાન બુદ્ધે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો તેમના અનુયાયીઓએ તેમની જ મૂર્તિપૂજા ચાલુ કરી દીધી. જે બુદ્ધ ભગવાને જીવહિંસાનો સખત વિરોધ કરી પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા રાખવાનો બોધ આપ્યો તે જ બૌદ્ધો માંસાહારી બન્યા. અને જે સમયે આખું ભારત જંગલ વચ્ચે વસેલું હતું. કોઈ રસ્તા પણ નહોતા અને સઘળે પગપાળા જ વિહાર કરવાનો હતો તે સમયે યુવાન આદિ શંકરાચાર્યે સમગ્ર ભારતની પ્રદક્ષિણા કરી અને દેશના ચાર ખૂણે ચાર શક્તિપીઠો સ્થાપી. એ શક્તિપીઠો એટલે કોઈ સ્થૂળ મકાન નહીં પણ જ્યાંથી વૈદિક વિચારધારાને વરેલા જ્ઞાની અને કર્મશીલ પ્રચારકોની ફોજ તૈયાર થઈને લોકોના જીવન ઉન્નત કરવા મથતી રહી. જે વિભૂતિને વૈદિક સંસ્કૃતિએ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યો તેણે સ્થાપેલા બૌદ્ધ ધર્મને શંકરાચાર્ય જેવા યુવાને હિમાલયને પેલે પાર સુધી ખદેડી દેવાની જરૂર પડી. આવું કેમ બન્યું? અદ્વૈતવાદનો મહિમા ગાનાર શંકરાચાર્ય પોતે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવે અને દેવ દેવીઓના સગુણ સ્વરૂપની સ્તુતિ તથા સ્તોત્રો રચે એ પણ કેવી અજીબોગરીબ ઘટના!

જે લોકો કંઈ જ નથી જાણતા તેવા ભાવિકો તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને, બે હાથ જોડીને આરતી પ્રાર્થના કરીને તૃપ્ત હૈયે વિદાય લઈ લે છે, પણ જેમને શંકરાચાર્યના કર્મયોગ વિશે થોડીક પણ માહિતી હશે તે અહીં આવીને એના તપનું સ્મરણ જરૂર કરશે.  ભગવાન બુદ્ધની બધ્ધી વાત સાચી, પણ તેમની सर्वम् क्षणिकम् सर्वम् दु:खम् વાળી વાત ભારે અનર્થકારી છે. વૈરાગ્યની પણ કોઈ સીમા હોય કે નહીં? સમગ્ર સંસાર આ વિચારધારા હેઠળ ભગવાં ધારણ કરીને હાથમાં ભિક્ષાપાત્ર લઈને ઉદાસી બની નીકળી પડશે તો સંસાર ચાલશે કેમ? એ ભિક્ષાપાત્રમાં ભોજન મૂકનાર કોઈ ગૃહસ્થી પણ રહેવો જોઈએ કે નહીં? વેપારધંધો કોણ કરશે? ખેતી કોણ કરશે? શુશ્રુષા કોણ કરશે? પરદેશી હુમલાખોરો સામે લડશે કોણ? અરે, ભિક્ષુકોના ભગવાં વસ્ત્રો કોણ તૈયાર કરશે? લોકો પરણશે જ નહીં તો ગૃહસ્થાશ્રમ તૂટી જશે, નવી પેઢીનું સર્જન જ ન થશે તો દુનિયા માનવવસતિ વિહોણી થઈ જશે. ભિક્ષુક બની જવું એટલે ટોટલી નિવૃત્તિવાદ. એનાથી જગતનું શું ભલું થવાનું હતું? આટલા બધા આત્યન્તિક કેમ થવાય? જે દેશમાં બૌદ્ધ ધર્મનો જન્મ થયો ત્યાંથી જ એને ઉખેડી કાઢવો પડે એ પણ કેવી વિડંબના? અને એને ભારતમાંથી નામશેષ કર્યા પછી શું કરવાનું? બત્રીસ વરસની ઉંમરે જેમની આવરદા પૂરી થઈ ગઈ એવા આ શ્રદ્ધેય મહાપુરુષે એકલે હાથે કેવું ભગીરથ કામ કર્યું? અને આજે આપણે કયા મુકામ પર છીએ? શંકરાચાર્યની પીડા હજી સુધી આપણને સમજાઈ નથી. આજના શંકરાચાર્યો ગાદી પકડીને બેઠા છે, તેમનો કોઈ કર્મયોગ હિંદુપ્રજાને ખબર નથી. એમને કોઈ ઓળખતું સુદ્ધાં નથી. મન વિષાદથી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ છે.

જે લોકો જાણે છે, વિચારે છે તેઓ દુ:ખી થાય, ન જાણનારા પરમ ભાગ્યશાળી કહેવાય. જાણ્યાનું ઝેર જ્યારે અજ્ઞાનતા એ મોટો આશીર્વાદ ગણાય છે.

        હશે, યાત્રાના ધામો એ સાત્વિક માણસોએ કરેલા તપના સ્મારકો છે. એમના તપથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપવા સાક્ષાત ભગવાન અહીં સ્વયંભુ પ્રગટ થયા છે. કર્મયોગીઓનું એ પ્રેરણાસ્થળ છે. આશ્વાસન અને આશીર્વાદનું મથક છે.એટલે જ તો અનેક વિટંબણાઓ સહન કરીને પણ લોકો અહીં આવે છે. આ જનમમાં ચૂકી જવાયું તો કંઈ નહી, આવતા જનમમાં મહાપુરુષોના રસ્તે ચાલીશું એવો સંકલ્પ થાય તોયે ભયોભયો.

         ઠંડીના દિવસોમાં જ્યારે બદ્રીનાથ ધામના કપાટ બંધ રહે છે,  તે વખતે જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન બદ્રીનાથની પૂજા કરવામાં આવે છે. 

        દર્શન કરીને બહાર નીકળ્યા. કુમળો કુમળો તડકો નીકળ્યો હતો. જેને અમે ગામડામાં ‘જેરકી‘ કહીએ છીએ તેની મજા માણી રહ્યા હતા. અદ્ભુત વાતાવરણ અને દિવ્યતાનો અનુભવ કરી રહ્યા હતા ત્યાં જ મારા સંતાનોએ એક નવી જ વાત કરી. આજ સુધી અમે એનાથી અજાણ હતા. અમે એટલે કે અમે બે જ નહીં, પણ બહુ જૂજ યાત્રાળુઓને એની ખબર હશે. ગઈકાલ સુધી મારાં બાળકોને પણ એ વાતનો કોઈ ખ્યાલ નહોતો. એમણે અમને કહ્યું કે “પપ્પા, ગઈકાલે કેદારનાથમાં તમારાથી છૂટાં પડીને અમે ફરતા હતા ત્યારે દિલ્હીથી અહીં ફરવા આવેલા એક ગૃપ સાથે અમે વાતે વળગ્યાં હતાં. તેમણે અમને પૂછ્યું હતું કે તમે બદરીનાથ જઈ આવ્યાં? અમે કહેલું કે હજી આવતીકાલે જવાના છીએ. તેમણે કહ્યું કે જો તમે હજી ગયા નથી અને કાલે જવાના જ છો તો અમારી આગ્રહભરી વિનંતી છે કે તમે નજીકના માણા ગામે જરૂર જજો. માણા? હા, ગામનું નામ માણા છે. બદરીનાથ મંદિરથી ત્રણેક માઈલ જેટલું જ દૂર છે. કોઈ ટૂરવાળા ત્યાં લઈ જતા નથી, પણ મંદિર પાસેથી જીપ ઉપડતી હોય છે. કોઈ સંગાથ શોધીને તમે જીપમાં બેસી જાઓ અને માણા ગામની મુલાકાત અવશ્ય લેજો. ત્યાં શું છે? અરે, ત્યાં જઈને જોયા પછી તમને લાગશે કે અહીં સુધી આવ્યા પછી જો આ સ્થળ જોવાનું ચૂકી જવાય તો જિંદગીમાં ખરેખર કંઈ ગુમાવ્યાનો અફસોસ રહી જાય. સાવ નજીક જ છે.‘

બાળકોની ઉત્સુકતા વધી ગઈ હતી એટલે પૂછ્યું કે તમે કહો તો ખરા કે ત્યાં એવું શું છે? ‘હમ શબ્દોમેં ઉસકા વર્ણન કર નહીં સકતે. હમારી વાણીમેં ઈતના સામર્થ્ય કહાં? ત્યાં મહર્ષિ વ્યાસ ભગવાનની ગુફા છે. જ્યાં બેસીને એમણે મહાભારત ગ્રંથની રચના કરેલી. મહાભારત પંચમ વેદ:. બીજી ગણેશ ગુફા છે જ્યાં બેસીને ભગવાન ગણેશજીએ મહાભારત લખવાનું કામ કરેલું. અહીં થઈને પાંડવો સ્વર્ગે ગયેલા. અહીં સરસ્વતી નદી વહે છે તેને પાર કરવા માટે ભીમે એક મોટી શીલા વડે પુલ બનાવી દીધેલો તે ભીમશીલા છે. માતા સરસ્વતી અહીંથી પાતાળમાં ચાલી જાય છે. અહીં સિવાય ભારતમાં ક્યાંયે તે દેખાતી નથી.‘ આ માહિતી અમારા માટે પણ ખૂબ રોચક હતી.

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૧૯

જિજ્ઞાસા, ઉત્સુકતા, મુગ્ધતા, કૂતુહલ વગેરે શબ્દોમાં જે માધુર્ય છે તે નાના બાળકોમાં વિશેષ જોવા મળે છે. કોઈ વિષય, વસ્તુ કે ઘટનામાંથી વિસ્મયભાવ નીકળી જાય પછી તે માણસ નીરસતા તરફ ઢળતો જાય છે. વિદ્યાર્થીઓમાં આ ગુણ હોવો જરૂરી છે. અફસોસની વાત છે કે માણસ જેમ જેમ જ્ઞાની બનતો જાય છે તેમતેમ જીવનમાંથી આ તત્વ ઘટતું જાય છે. બચપણમાં આકાશમાંનો ચંદ્ર જોઈને તેનું આકર્ષણ થતું. ચાંદની રાત્રે ચોકમાં ખુલ્લામાં સૂતા હોઈએ અને ચાંદામામામાં  ઝાડ અને બકરી અને ડોસી દેખાય! કાળાં વાદળો દોડતાં આવે અને ચાંદામામા સંતાઈ જાય! કૂ…ક બોલે! થોડીવાર પછી વાદળાં ચાલી જાય અને ચાંદામામા હસતા હસતા ‘ઉં આ રિયો!‘ કહેતા પ્રગટ થાય. એ જોઈને બાળકોનું હેયું નાચી ઊઠે. મોટા થયા પછી, વિજ્ઞાનમાં ભણવાનું આવે કે એ તો પૃથ્વીમાંથી છૂટો પડેલો નિર્જીવ ગોળો છે. એની પાસે પોતાનું કોઈ તેજ નથી. એ તો પરપ્રકાશિત છે. એના પર ઝાડ નથી, ડોસી નથી, બકરી નથી. જે દેખાય તે તો પથ્થરના ખડકો છે. બસ, ખલાસ! જ્ઞાન આવ્યું અને જીવનનું કાવ્ય ઊડી ગયું. ચાંદામામા તરીકેનું સગપણ હતું તે ઓશિયાળું બની ગયું.

સદભાગ્યે, ભગવાને અમને હજી અજ્ઞાની જ રાખ્યાં છે તે એનો કેટલો મોટો ઉપકાર છે. આપણે કંઈ જ નથી જાણતા, અથવા જે જાણીએ છીએ તે અતિ અલ્પ જ છે; નહીં બરાબર છે, આપણે હજી ઘણું જાણવાનું બાકી છે. એ સમજણ ન હોય તો પ્રવાસ કરવાનો અને આ બધા સૌંદર્યધામોમાં રખડી આવવાનો કોઈ અર્થ નથી. મારો વિદ્યાર્થીભાવ હજી જળવાઈ રહ્યો તે ઈશ્વરની કૃપા છે. વેદકાળના આપણા ઋષિઓ જિનિયસ હોવા છતાં ગંભીર થઈ જવાને બદલે હળવાશ લઈને જીવ્યા. ઉદાસીન થવાને બદલે મુગ્ધતા જીવનમાં જાળવી રાખી એટલે જ વરસતા વરસાદમાં તેઓ નાચ્યા અને જળસૂક્તો રચ્યાં. નદીઓ, સમુદ્ર અને પહાડોનાં સૌંદર્યમાં તેમને ભગવાન દેખાયો અને તેને ધર્મસ્થાનો બનાવ્યાં. આ સૃષ્ટિ રહસ્યમયી છે. સૌન્દર્યવતી છે. એનો પાર કોણ પામી શકે? આપણે તો માત્ર હાથ જોડીને તેને વંદન કરી શકીએ.

માણા ગામ વિશેની અદભુત વાત સાંભળીને અમારી પણ ઉત્સુકતા વધી ગઈ.

અમે ટૂર ઓર્ગેનાઈઝર રમણભાઈ શાહને મળીને આ વાત કરી કે અમારે માણા જવું છે. એમણે છૂટ આપી. શાંતિથી ફરી આવવા કહ્યું. અમારું સરસ્વતી નદી પ્રત્યેનું આકર્ષણ વધી ગયું.

મંદિર પાસેથી અમને એક હિંદીભાષી કપલ મળી ગયું એટલે શૅરીંગમાં એક જીપ ભાડે કરી. બહુ જલદી અમે માણા ગામ આવી ગયા. હવે અહી પગપાળા ફરવાનું હતું. આસપાસ બધું જોવાનું હતું. બંને ગુફા જોવાની હતી. રસ્તો ઉબડખાબડ હતો. ગુફા આઘે આઘે હતી. અમે જાણે કે કોઈ નવી જ દુનિયામાં આવી ગયા. એમ તો આ દેવભૂમી જ આખી નવી દુનિયા હતી, તેમાંયે આ તો કોઈ ફિલ્મમાં અતિ પ્રાચીન – પ્રાગૈતિહાસિક કાલ્પનિક ગામ દર્શાવતા હોય તેવું એ ગામ હતું; જાણે કે સપનાની દુનિયા! મનમાં એમ થતું હતું કે અહીંની તસુએ તસુ જમીન પર પગે ચાલીને અમે અમારાં ચરણોને પાવન કરી લઈએ. એ ધરતી એ હવા બધું જ પવિત્ર હતું.

અમારા ઉત્સાહનો કોઈ પાર ન હતો. પણ એક ભૂલ મારે નહોતી કરવી. હું સાવધ હતો. ગઈકાલનો મારો અપરાધ તો હજી તાજો જ હતો. તે મને ડંખ માર્યા કરતો હતો. મારી પત્નીના પગની હાલત ખરાબ હતી. પગે સોજા હતા, દુ:ખાવો તો થતો જ હતો પણ પેઈનકિલર લઈને ચલાવતી હતી. મેં આસપાસ નજર કરી, અહીં ઘોડા ખચ્ચર કંઈ નહોતું. પણ કેટલાક પહાડી લોકો હતા તેઓ અશક્ત માણસો કે વૃદ્ધોને કંડીમાં બેસાડીને એ કંડી ખભા પર નાંખીને બધે ફેરવતા હતા. અમે નાનપણમાં ગામડામાં જોતા આવેલા કે આદિવાસી મજુરણ મહિલાઓ તેમના નાના ધાવણાં બાળકોને લઈને કામે આવતી ત્યારે લૂગડાંનો ઝોલો બનાવીને એ ઝોલો પીઠ પાછળ લટકાવીને કામે આવતી અને એમને પીઠ પર રાખીને જ શ્રમકાર્ય કરતી હતી. ગરીબાઈ માણસ પાસે કેવું કેવું કામ કરાવે છે! એક પહાડી માણસ મારી સમસ્યા સમજી ગયો એટલે અમારી પાસે આવ્યો. ‘સાહબજી, મૈં માતાજી કો સમ્હલકર ઉઠાકર હર જગહ લે જાઉંગા.‘ એણે મારી પત્નીને ‘માતાજી‘ કહી તે મને ગમ્યું. મોં માગ્યા પૈસા આપીને અમે તેને સાથે લીધો. આમ કોઈ માણસના ખભે ચડીને ફરવામાં મારી પત્નીને ખૂબ સંકોચ થતો હતો. પણ પગને કારણે લાચારી હતી. આમ પણ મારી પત્નીની હાઈટ ઓછી અને વજન પણ ઓછું હતું એટલી એને રાહત હતી.

વ્યાસ ભગવાનની ગુફા જોઈ. ગુફામાં એમની મૂર્તિ હતી. નત મસ્તકે હાથ જોડીને ઊભા રહ્યા. મહાભારત ગ્રંથની રચના કરવા માટે એમણે જે સ્થાન પસંદ કર્યું તે સ્થાન અલૌકિક છે. ભગવાન વ્યાસ એલે જ્ઞાનની સાક્ષાત  મૂર્તિ. ગુરુપૂર્ણિમાને દિવસે પોતપોતાના ગુરુઓની લોકો વંદના કરે છે. વ્યાસ ભગવાન સમસ્ત વિશ્વના ગુરુ છે. એલે જ ગુરુપૂર્ણિમા એ વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગણિતશાસ્ત્રમાં વર્તુળના પરીઘ પરના બે બિંદુઓને જોડતી સીધી રેખાને જીવા કહેવામાં આવે છે. વ્યાસ એ સૌથી મોટી જીવા છે અને તે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ વ્યાસજી પણ જીવનના કેન્દ્રમાંથી આરપાર પસાર થતી જીવા જેવા છે. માનવ સમાજને શાશ્વતકાળ સુધી માર્ગદર્શન કરતા વિચારો એમણે આપ્યા છે. ‘ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર‘ – એ ઉપમા એમને બરાબર ફિટ બેસે છે. જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ એમણે આપ્યો છે. આપણા લોકોએ આખું મહાભારત વાંચ્યું નથી એટલે એ વિરાટ પ્રતિભાનો આપણને ખ્યાલ નથી. પહેલાં, ચોમાસામાં ગામડે ગામડે રાગરાગિણી વાળું મહાભારત વંચાતું તે પણ હવે બંધ થઈ ગયું છે. સામાન્યજનોને તેમાંથી ઘણી જાણકારી મળી રહેતી. જોકે એ મહાભારત કૃષ્ણદ્વૈપાયન વ્યાસ રચિત મહાભારતનો એક અંશ માત્ર જ છે. ટૂંકસાર જેવો એ ગ્રંથ છે; મૂળ મહાભારતના તો એના જેવડા છ વોલ્યુમ છે. વ્યાસ ભગવાન સાચે જ જ્ઞાનમૂર્તિ છે. દુર્લભં ભારતે જન્મ- એમ કહેવાય છે તે એટલા માટે કે આ ભૂમિ પર દેવો અને ઋષિઓએ જન્મ લીધો છે. સાક્ષાત્ ભગવાનને અવતાર ધારણ કરવાનું આકર્ષણ થયું છે. જ્ઞાન, ભક્તિ અને કર્મનો અહીં ત્રિવેણીસંગમ થયો છે.વિશ્વને માર્ગદર્શન કરનારી એક મહાન સંસ્કૃતિ અહીં વિકસી હતી એવી પાવનભૂમિ પર જનમ થવો એ આપણું મહદ્ ભાગ્ય છે. વ્યાસ ભગવાનને હાથ જોડીને પગે લાગતી વખતે આ બધી વાતોમાં ખોવાઈ જવાય છે.

આ સ્થળ અલૌકિક છે, અદ્ભુત છે. પાવનકારી છે. અહીં એકી સાથે બે સરસ્વતી અસ્તિત્વ ધરાવે છે. બંને એકમેકને પેરેલલ વહે છે. ચોંકી જવાય તેવી વાત છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી એનો ઇતિહાસ લખવો વ્યાસજીને જરૂરી લાગ્યો. યુગો સુધી વિશ્વને યાદ રહે તેવો ઇતિહાસ લખાવો જ જોઈએ. વ્યાસજીના પોતાના કુળનો ઇતિહાસ. મહાભારત યુદ્ધના તેઓ માત્ર સાક્ષી જ નહીં, પણ એક પાત્ર પણ ખરા જ. તેઓ જે લખે તે અધિકૃત જ હોય. એમનું મગજ વિચારોથી ઊભરાઈ રહ્યું છે. જ્યાં સુધી તે વ્યક્ત ન થાય ત્યાં સુધી દિલને ચેન નથી પડતું. અકળામણનો પાર નથી. મહાભારત લખવા માટે લહિયો જોઈએ. એ માટે ગણેશજી જ ચાલે, ગણેશ ભગવાનનો કોઈ વિકલ્પ જ નહીં. પણ ગણેશજી આ કામ માટે તૈયાર થાય ખરા? ગણેશજીએ શરત મૂકી, લખાવવાનું સળંગ ચાલુ રહેવું જોઈએ. વચમાં બોલતા અટક્યા તો લેખનકાર્ય બંધ! વ્યાસજીએ પણ શરત મૂકી કે સમજ્યા વિના એક શબ્દ સુદ્ધાં લખવો નહીં! બંને વચ્ચે કરાર થઈ ગયા. વ્યાસજી એટલી ઝડપથી બોલતા જાય કે ગણેશજી જેવા ગણેશજી હાંફી ગયા! લખતાં લખતાં કલમ તૂટી ગઈ પણ વ્યાસજી તો અટકતા જ નથી! વ્યાસજીના મગજમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે. વિચારોનો પ્રવાહ અતિ તેજ છે. ગણેશજીએ એમનો એક દાંત તોડી નાંખ્યો.દાંતની કલમ બનાવી. વ્યાસજી બોલતા જ જાય છે, બોલતા જ જાય છે. ગણેશજી વિનંતી કરે છે કે ધીમેથી બોલો, તમારી બોલવાની ઝડપ ઘટાડો. વ્યાસજી કહે છે કે એ મારા હાથની વાત નથી. લખવું જરૂરી છે, પણ આટલી બધી ઝડપથી લખી શકાતું નથી. સરસ્વતીને પ્રાર્થના કરી કે તમારી ઝડપ ઘટાડો. સરસ્વતીએ કહ્યું કે મારો વેગ તો આટલો જ રહેશે! હવે? શું થાય? માતાજી માનતા નથી. બરાબરના હઠે ચડ્યાં છે. બહાર નદી રૂપે વહી રહેલાં સરસ્વતીનો પણ એ જ મિજાજ છે. જળ સ્વરૂપે વહેતી સરસ્વતી નદી એ વ્યાસજીના મગજમાં વિચારરૂપે વહી રહેલી સરસ્વતીનું સ્થૂળ સ્વરૂપ છે. એક અદૃશ્ય સરસ્વતીનું દૃશ્ય સ્વરૂપ તે બહાર વહેતી સરસ્વતી નદી.

આજે પણ એ સરસ્વતી નદી જાણે ઉન્માદે ચડી હોય એવો જલદ એનો પ્રવાહ છે. એ પ્રવાહ ઘૂઘવે છે, પાણી ફીણ ફીણ બની જાય છે. શિકારા આપણા શરીરને વાગે છે. એ રૌદ્ર સ્વરૂપની બીક લાગે છે. ગણેશજી વિવેકના દેવ છે. સરસ્વતીને શાપ મળે છે. બહુ અહંકાર સારો નહી. તું પાતાળમાં ચાલી જા! સરસ્વતીએ પાતાળમાં ચાલી જવું પડે છે. આ બાજુ વ્યાસજીના મગજમાં રહેલાં સરસ્વતીજી પણ ઢીલાં પડે છે. શાંત થઈ ગયાં છે અને મહાભારતનો ઇતિહાસ જે રીતે લખાવો જોઇએ તે રીતે લખાય છે. એક લાખ જેટલા શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ સંપન્ન થાય છે.

ક્રમશ:

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૨૦

આ બધી આશ્ચર્યચકિત કરી નાંખનારી વાતો છે. વ્યાસજીના ચરણકમળ સમક્ષ આ બધી વાતો મનમાં ઊભરી આવે છે. કેટલા મહાન દેશમાં આપણે જન્મ્યા તેનું ગૌરવ અનુભવાય છે. પાંચેક હજાર વરસ પહેલાં થઈ ગયેલાં આ પાત્રો નરી હકીકત હશે કે કોરી કલ્પના? મહાભારત ઇતિહાસ છે કે પુરાણ? આજના લોકોના મનમાં શંકા નિર્માણ થાય છે. વૈશમપાયન એણી પેર બોલ્યા કે જયમુનિ ઋષિ એણી પેર બોલ્યા એ બધું સાચું હશે કે ફેંકાફેંક? કથાકારો અને રૂપાંતરકારોએ ગ્રંથને લોકભોગ્ય બનાવવા જમાનાને અનુરૂપ થોડુંક ઉમેર્યું પણ હોય એ સ્વાભાવિક ગણાય પણ ગોરખપુર પ્રકાશને બહાર પાડેલા અસલ મહાભારતના છ વોલ્યુમ વાંચ્યા પછી કોઈ શંકા રહેતી નથી.

રિપોર્ટર અને સાહિત્યકારના લખાણમાં ફરક હોય છે. રિપોર્ટર- પત્રકાર જે તે ઘટનાનું યથાતથ વર્ણન કરે છે. જે લગભગ શુષ્ક હોય છે. રાજકીય રંગે રંગાયેલા પત્રકારો એ જ ઘટનાને પોતાના એજન્ડા મુજબના ફોર્મેટમાં ઢાળીને રજુઆત કરે છે, તેમાં પક્ષપાત હોય છે. સાહિત્યકાર એ જ ઘટનાને કલાત્મક રીતે રજુ કરે છે. સમાજચિંતક તે જ ઘટનાનું નિરૂપણ એવી રીતે કરે છે જેથી સમાજને કોઈક બોધ મળે, સમાજનું કલ્યાણ થાય. કલ્પના કરીએ કે મહાભારતના યુદ્ધનું વર્ણન કોઈ ટી.વી. પત્રકાર કરતો હોય તે ક્રિકેટની રનિંગ કોમેન્ટ્રી જેવું હોય, કવિ કાલિદાસ એનું વર્ણન કરતો હોય તો તેમાં ભારોભાર શૃંગાર ભર્યો હોય; પણ આ તો વેદવ્યાસજી છે. તત્ત્વચિંતક છે, મહાન આર્ષદ્રષ્ટા છે. તેઓ જ્યારે વર્ણન કરતા હોય ત્યારે ઐતિહાસિક તથ્યો સાથે કેટલીક આખ્યાયિકાઓ પણ રજુ કરે અને તે દ્વારા વાચકોને ઈતિહાસ ભેગો બોધ પણ આપે. એ બોધ લોકો સમજી શકે એ માટેની વાર્તાઓ પણ મૂકે. જેમાં આબાલબૃદ્ધ સૌને રસ પડે. તે વાર્તા મનોરંજન સાથે જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મ પણ પીરસાતું હોય. ઋષિને માથે જવાબદારી છે આવનારી પેઢી અને આવનારા યુગો સુધી માનવસમાજને સંસ્કાર આપવાની, તેનું ઘડતર કરવાની. મહાભારત એ અધિકૃત ઇતિહાસ છે એ વિષે કોઈને શંકા ન રહેવી જોઈએ.

દિલચસ્પ વાત એ છે કે વ્યાસજીએ નોનસ્ટોપ એકધારું લખાવ્યા જ કરવાનું હોય તો તેઓ ઉંઘે ક્યારે? સ્નાન સંધ્યાદિ નિત્યકર્મો ક્યારે કરે? ખાય પીએ કે નહીં? કહેવાય છે કે એવા સમયે તેઓ અઘરા શ્લોકો મૂકી દેતા જેથી એને સમજવામાં ગણપતિજી ગુંચવાયા કરે; દરમિયાન વ્યાસજી નિત્યકર્મો પતાવી લે. આવા અઘરા શ્લોકો મહાભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટક અને વિજ્ઞાન લેખક વિજયગુપ્ત મૌર્યે મહાભારત અને પુરાણકથાઓમાં રહેલા વિજ્ઞાનના રહસ્યો શોધવા ઘણી મહેનત કરી હતી.

વ્યાસગુફા અને ગણેશગુફામાં સ્થાપિત મૂર્તિઓ સમક્ષ નતમસ્તક થઈ હાથ જોડતી વખતે આ દિવ્ય વિભૂતિઓનું પ્રદાન યાદ આવે છે. અચરજ ભરેલી નજરે આ બધું નિહાળતાં નિહાળતાં અને ક્યાંક કશુંક લખાણ દેખાય તો તે વાંચીને સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં અમે આગળ વધીએ છીએ. પહાડી માણસના ખભે લટકતી ‘માતાજી‘ (મારી પત્ની)ની ક્યારેક મજાક પણ કરી લઈએ છીએ!

પાંડવોએ સ્વર્ગારોહણ કરેલું તે માર્ગે અમે હળવે હળવે જઈ રહ્યાં છીએ. પાંડવોએ સ્વર્ગે જવું છે, પણ વચમાં સરસ્વતી નદી આવે છે. એને પાર કરવી છે, પણ સરસ્વતી કુંવારી છે. એને કોઈનો સ્પર્શ થાય એ મંજૂર નથી. આગળ જવું છે, પણ સરસ્વતી માનતાં  નથી. એના પર સેતુ બાંધીને જઈ શકાય છે. બધું પરવારીને નીકળેલા પાંડવો સેતુનિર્માણ કેવી રીતે કરી શકે? ભીમ યુક્તિ લડાવે છે. વિશાળ શિલા ઊઠાવી લાવે છે અને નદી પર ગોઠવી દે છે. એના પર પગ મૂકીને પાંડવો સામે કિનારે જાય છે. આપણને કૂતુહલ થાય છે કે સામે કિનારે શું હશે? ત્યાં સ્વર્ગ દેખાય છે ખરું કે? કંઈ દેખાતું નથી. આ તો સ્વર્ગે જવાનો માર્ગ છે, મંઝિલ નથી!

સરસ્વતી પાતાળે ચાલી જાય છે પણ તે સ્થળે અલકનંદા સાથે સંગમ થાય છે. બહુ ઓછા લોકોએ આ સંગમ સ્થાન જોયું હશે. પણ અહીં સરસ્વતીનું રૌદ્ર સ્વરૂપ સૌને ભય પમાડે છે. મારા સંતાનોએ સરસ્વતીનું જળ લેવા માટે પ્લાસ્ટિકનો નાનો કેરબો લીધેલો છે. લોકો ગંગાજળ તો ઘરે લાવતા હોય, પણ કોઈને ત્યાં સરસ્વતીનું જળ તો નહીં જ હોય. જે કોઈની પાસે ન હોય તેવી દુર્લભ ચીજ આપણી પાસે હોય એ વાતનો માણસને ગર્વ હોય છે. કોઈએ સરસ્વતી નદી જ ન જોઈ હોય તો તેનું જળ ક્યાંથી હોવાનું? અને અહીં આવ્યા પછી યે જળ લેવાની કોઈની હિંમત ચાલતી નથી. તોતિંગ ખડકો સાથે જોશભેર અથડાતો વેગીલો જળપ્રવાહ ભયંકર અવાજ કરે છે. દૂર ઊભા રહીને જોતાં જોતાં પણ બીક લાગે છે. જળના ઊડાં ફોરાં પર સૂર્યપ્રકાશ પડવાથી નયનરમ્ય  મેઘધનુષ રચાય છે પણ તે તરફ આંખો ઠરતી નથી. એ તરફ નજર જાય તોયે એનો સંદેશો મગજ સુધી પહોંચતો નથી. મગજ પર સરસ્વતીના રૌદ્ર સ્વરૂપે કબજો લીધો છે. આંખ બંધ કરી દઈએ તો પણ એ દૃશ્યો વિલાતાં નથી. મારો દીકરો કોલેજિયન છે, યુવાન છે, એનામાં હિંમત છે, એ કેરબામાં જળ ભરી લાવવા કૃતનિશ્ચયી છે. નજર સામે જોખમ છે, પડકાર છે. પણ સાહસિકતા એના પર હાવી થાય છે. ભગવાનનું નામ લઈને  એ કેરબો પકડીને આગળ વધે છે. હાજર લોકો ચિંતાથી અર..રર ઉદ્ગાર કાઢે છે. મારા તરફ એવી નજરે જૂએ છે કે ‘ભાઈ તમે આ છોકરાને વારો‘- એમ તેઓ કહેવા માગતા હોય. કાળ સામે ટક્કર ઝીલતો એ આગળ વધે છે. ખડક પર પગ માંડવા મુશ્કેલ છે. પગ મંડાય તો તેને સ્થિર રાખવા અઘરા છે. કાળના મોંમા પ્રવેશ કરતો હોય તે રીતે એ આગળ વધે છે. મારી છાતીના ધબકારા વધી જાય છે. ‘તારી માતાએ કેટલા જનમિયા તેમાં તું અળખામણો?‘ ના જવાબમાં બાળકનૈયો કહે છે કે ‘મારી માતાએ બેઉ જનમ્યા તેમાં હું નટવર નાનડો‘ એ શબ્દો યાદ આવી જાય છે. ભગવાન જાણે એની કાળદેવતા સાથે શું વાત થઈ રહી છે, અમને કોઈને કંઈ ખબર નથી. એવું લાગે છે કે જાણે હમણાં ગયો, ગયો જ. લોકોની નજર અમને ઠપકો આપી રહી છે. અમારી આંખો બંધ થઈ જાય છે અને કેરબામાં પાણી ઝીલીને મારો દીકરો હેમખેમ અમારી પાસે આવીને ઊભો રહે છે. નિશ્ચયાત્મક્તા અને દૃઢતા હજી એના ચહેરા પર દેખાઈ રહ્યાં છે. અમે ઈશ્વરનો પાડ માનીએ છીએ એમણે મારા દીકરાને સલામત રાખ્યો. હાજર યાત્રાળુઓ એના તરફ વિસ્મયથી નીહાળી રહ્યા છે. અમારા ધબકારા હજી શમ્યા નથી. મારા દીકરાના ચહેરાના ભાવો જાણે એમ કહી રહ્યા છે કે ‘માહીં પડ્યા તે મહાસુખ માણે‘ કોઈ સિદ્ધિ એમને એમ મળતી નથી. જોખમ તો ઉઠાવવું જ પડે છે. કરિષ્યે વચનં તવ મંત્ર સાથે  ‘કશ્ચિત દુર્ગતિમ્ ન ગચ્છતિ‘ એ ગીતાના આશ્વાસનવચન પર એને વિશ્વાસ છે. ભગવાન મારી જોડે જ છે એમ બોલવું જુદું અને એના ભરોસે ઝંપલાવવું જુદું.

અમને હાશ થઈ. લોકો અમને જોઈને ‘તમે તો ખરા છો!‘ એમ કહેવા માંગતા હોય તેવા ભાવ તેમના ચહેરા અને આંખોમાં વર્તાય છે. ભગવાને આજે અમારી લાજ રાખી. અમે એ દિવ્ય પ્રસંગને વાગોળતાં વાગોળતાં પાછા ફરીએ છીએ. અમારી ચારધામ યાત્રાનો આ અંતિમ પડાવ છે અને તે એવો રોમાંચક છે કે હજી તે અમારા ચિત્તપ્રદેશમાં તાજો  છે. જીપ મારફતે અમે પાછા બદરી વિશાલના સાંન્નિધ્યમાં પહોંચી જઈએ છીએ. વળતી મુસાફરી શરૂ થાય છે.

પણ અહીં અમારો પ્રવાસ પૂરો થતો નથી.  પાછળ નર અને નારાયણ પર્વતો અમારા તરફ મીંટ માંડીને ઊભા છે. અમને મળ્યા વગર જ તમે ચાલ્યા જશો? એવો સવાલ કરી રહ્યા છે. સ્નેહભીના આમંત્રણનો ઈન્કાર કરતાં દુ;ખ તો થાય જ છે. હજી વૈષ્ણોદેવી માતાના દર્શને જવાનું છે. અહીં ઠેર ઠેર સંગમો છે, પ્રયાગો છે. રૂદ્રપ્રયાગ, દેવપ્રયાગ.. બધાંના નામો ખાસ યાદ નથી રહેતાં. દેવભૂમિ પરથી અમે નીચે ઊતરી રહ્યા છીએ. આજે ગુગલ પર આ બધાં તીર્થધામોના વિડિયો જોઉં છું ત્યારે લાગે છે કે ઘણું બધું બદલાઈ ગયું છે. પણ શ્રદ્ધા અને સાહસ ભાવિકોને આજે પણ ત્યાં જવા લલચાવે છે. સગવડો મળતી હોય તો મોટી ઉંમરના લોકોએ પણ જવું જ જોઈએ. અમે દિલ્હીના પેલા અજાણ્યા યાત્રાળુઓના અત્યંત આભારી છીએ કે એમણે માણા ગામ વિશેની માહિતી અમારાં સંતાનોને આપી. સંતાનોએ એ વાત અમને જણાવી અને ભગવાન બદરીનાથે ત્યાં જવાની અમને પ્રેરણા આપી. પવિત્ર ભારતભૂમિમાં જન્મ લીધા પછી પણ હિમાલયના  યાત્રાધામોની યાત્રા ન કરી હોય તો આપણે જરૂર કંઈક ચૂકી ગયા છીએ એમ લાગે છે. આ અહંકાર નથી, આ દરેક યાત્રાળુની અનુભૂતિ છે.

ક્રમશ:

13-07-2022 18:43

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૨૧

અર્જુન અને શ્રી કૃષ્ણની જોડી એ નર નારાયણની જોડી છે. એક ભજનની કડી એવી છે ‘મુઝમેં તુઝમેં બસ ભેદ યહી, મૈં નર હૂં તુમ નારાયણ હો. મૈં હૂં સંસાર કે હાથોમેં, સંસાર તુમ્હારે હાથોમેં.‘ એ સરખામણી સમજી શકાય તેમ છે, પણ નર અને નારાયણ નામના બે પર્વતો પણ છે એવી ખબર નહોતી. અમે સ્વાધ્યાય કેન્દ્રમાં પાંડુરંગ દાદાના શ્રીમુખેથી નર અને નારાયણ નામના ઋષિઓના પ્રદાન વિશે સાંભળ્યું હતું અને વાંચ્યું પણ હતું પરંતુ, ભારતીય સંસ્કૃતિએ તેમનું કર્તૃત્વ કાયમ યાદ રહે તે માટે પર્વતોને એમના નામ આપ્યાં હશે એ ખબર નહોતી. આજે આપણા દેશમાં કે રાજ્ય અથવા જિલ્લા, તાલુકા, નગર અથવા ગામમાં જે મહાન પુરુષો થઈ ગયા તેમને અમર બનાવવા વિશેષ રસ્તા કે સ્થળોનું નામાભાધિન માટે તે સ્થળના મહાપુરુષોના નામ આપી દઈએ છીએ તેમ પ્રાચીનકાળમાં આકાશી પદાર્થો તથા વિશિષ્ઠ સ્થળોને અમુક ઋષિઓના નામથી ઓળખવાની પ્રથા પાડી હતી. ધ્રુવના તારાથી માંડી અમુક તારા- નક્ષત્રોના નામ પાછળ આ પ્રથા નિમિત્ત બની છે. સૌથી હાથવગું ઉદાહરણ સપ્તર્ષિ તારામંડળ છે. ક્રતુ, પુલહ, પુલત્સ્ય, અત્રિ, અંગિરા, વશિષ્ઠ અને મરિચી એ તારાસમુહો આકાશમાં એકમેકથી ખૂબ દૂર દૂર આવેલા છે, પણ તેમને આ નામે ઓળખ્યા પછી ભવિષ્યની પ્રજાને ક્યારેક તો ઉત્સુકતા જાગે કે એ નામ રાખવા પાછળ એમનું કયું યોગદાન નિમિત્ત છે. આપણા નગરોમાં સૌ કોઈની નજર પડે તે રીતે કેટલાક મહાનુભાવોના પૂતળાં મૂકવા પાછળ કે મહત્ત્વના રસ્તાઓને તેમના નામ આપવા પાછળ આ જ હેતુ રહેલો છે. લોકોની જિજ્ઞાસા કુંઠિત થઈ ગઈ હોય અને એ નામની અવગણના થતી હોય તો તે સમાજ નગુણો જ ગણાય.

અમે નર અને નારાયણ પર્વતોને જાણે તેઓ સાક્ષાત ઋષિઓ જ છે એવા ભાવથી અમે એમને નમસ્કાર કર્યા. અમારી બસ પહાડી રસ્તા પર થઈને નીચાણ તરફ ગતિ કરતી રહે છે અને અમારું મન નર અને નારાયણમાં ચોંટેલું છે.

નર અને નારાયણ પર્વત. વિષ્ણુના ૨૪ અવતારોમાંથી નર અને નારાયણ બે ઋષિબંધુઓની આ તપોભૂમિ છે. એમના તપથી પ્રસન્ન થઈને કેદારનાથમાં શિવ પ્રકટ થયા હતા. બીજી બાજુ બદ્રીનાથ ધામ છે જ્યાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. કહે છે કે સતયુગમાં બદ્રીનાથ ધામની સ્થાપના નારાયણે કરી હતી. નર અને નારાયણ પર્વતની વચ્ચે આવેલા બદ્રીનાથ ધામ આવનારા સમયમાં લુપ્ત થઇ જશે. ગોવર્ધન પર્વતની કેવી દશા થઈ ગઈ છે તે ઘણાંએ જોયું હશે.

પુરાણોમાં બદ્રીનાથ ધામ અને કેદારેશ્વર વિષે લખાયેલું છે કે જયારે નર અને નારાયણ પર્વત એકબીજામાં મળી જશે તો એ બંને ધામ સંપૂર્ણ રીતે ગાયબ થઇ જશે. એ સિવાય એવું પણ કહેવાય છે કે જે દિવસે જોશીમઠમાં આવેલા નૃસિંહ ભગવાનની એક હાથ લુપ્ત થઇ જશે, એ દરમિયાન બદ્રીનાથ અને કેદારનાથ પણ લુપ્ત થવાનું શરુ થઇ જશે અને એના લુપ્ત થવાના ઘણા વર્ષો પછી આ બંને ધામોની જગ્યાએ ભવિષ્યબદ્રી નામના ધામનું ઉદગમ થશે.

પગ ચાલે તે પ્રવાસ અને હૃદય ચાલે તે યાત્રા. પણ પગે ચાલવાનું હવે શક્ય નથી. વાહનોનો ઉપયોગ કર્યે જ છૂટકો.  દેવભૂમિ જતાં કેટલો સમય લાગ્યો અને હવે વળતી મુસાફરી કેટલી ઝડપથી પૂરી થઈ રહી છે. ઉન્નતિ માટે કેટલો બધો પરિશ્રમ કરવો પડે, કેટલી બધી રાહ જોવી પડે અને અધ:પતન તો ચપટી વગાડતામાં થઈ જાય છે! ચારિત્ર્ય ઘડતરમાં વર્ષો વીતી જાય છે અને એનું સ્ખલન તો ક્ષણવારમાં થઈ જાય છે. ક્ષણે ક્ષણે સાવધતા રાખવી પડે. ‘તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં ક્ષીણે પુણ્યે મર્ત્યલોકે વિશન્તિ .. ‘ અમારું પુણ્ય જાણે પૂરું થયું અને દેવભૂમિમાંથી અમે ફરીથી હરદ્વાર આવી પહોંચ્યા. અવકાશયાત્રીઓ અવકાશયાત્રા કરવા જાય ત્યારે તેમનું પોતાનું એક યાન હોય છે અને તેમાં તેમનો જરૂરી તમામ સરંજામ હોય છે. એ યાનને રોકેટની મદદથી નિર્ધારિત લક્ષ્ય તરફ જોરદાર ઝટકા સાથે ફેંકવામાં આવે છે. જેથી ગુરુત્વાકર્ષણ બળને ભેદીને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મુક્ત થઈ બીજા ગ્રહની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે છે. યાત્રાએ જવા માટે તેમજ નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ માટે પણ આપણે કેટલાંક ગુરુત્વાકર્ષણોમાંથી છૂટવું પડે છે. એ બળ તરીકે આપણા સાંસારિક સંબંધો હોય, નોકરી વ્યવસાય હોય, પૈસા ન છૂટતા હોય વગેરે કોઈપણ હોય પરંતુ, એકવાર દૃઢ સંકલ્પનો ધક્કો મારી દઈએ તો તમામ આકર્ષણબળોને ભેદીને ધ્યેયયાત્રા શરૂ થઈ જતી હોય છે.

અમે ફરીથી અમારા મૂળ યાન પર આવી પહોંચ્યા. રેલવેનો રિઝર્વ્ડ ડબ્બો જાણે અમારું મુખ્ય રહેઠાણ બની ગયું છે. માયા લાગી ગઈ છે. સહયાત્રીઓની અને આયોજક રમણભાઈ શાહ તથા એમના સ્ટાફ જોડે પ્રીત બંધાઈ ગઈ છે. સિત્તેર પંચોતેર સભ્યોનો બનેલો એક વિશાળ પરિવાર. એમના સ્વભાવમાં વિવિધતા છે. કોઈક વિશેષતા છે તેમ કેટલીક મર્યાદાઓ પણ છે. શરૂઆતમાં કોઈકને કોઈક સાથે થોડીક ચડભડ પણ થઈ હશે, પણ એવું તો થાય. બહાર નીકળીએ એટલે કેટલીક ટેવો મૂકવી પડે અને કેટલીક નવી ટેવો પાડવી પણ પડે. પદાર્થની જેમ માણસ પણ જડત્વ ધારણ કરી બેસે છે. એનામાં રહેલા ચૈતન્યને હલાવવું પડે. મનની જડતા ઢીલી પડે પછી એને વાળવી સહેલી પડે છે. હરદ્વારમાં ખરીદી કરીએ છીએ. ઘરના અને સગાંસંબંધીઓને માટે ગરમ કપડાં, શાલ, એક્યુપ્રેશર માટે લાકડાના નાના નાના ઉપકરણો અને બીજી નાનીમોટી ચીજવસ્તુઓ! પૃથ્વીલોક પર આવી ગયા એટલે અહીંના રીતરિવાજોને માન આપવું પડે. હરકી પેઢી પર ગંગાસ્નાન તો કેમ ચૂકાય? કસ્તુરીની ખરીદી જેવું એક મોટું કામ મેં અહીં એ કીધું કે જ્યોતિશશાસ્ત્રના પુસ્તકો પાછળ મેં વધારે પેસા ખર્ચી કાઢ્યા. લાલ કિતાબ ઉપરાંત ભૃગુસંહિતા અને બીજું બધું. જે ખજાનો બીજા પાસે નથી તે આપણી પાસે છે એવો ગર્વ પોષવો હોય તો તેની કિંમત તો ચૂકવવી જ પડે. હવે અમે દિલ્હી જઈશું. ત્યાં રોકાઈશું. વૈષ્ણવોદેવી માતા પણ અમારી રાહ જોઈ રહ્યાં છે.

15-07-22 19:28

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૨૨

ક્ષીણેપુણ્યે મર્ત્યલોકે વિશન્તિ. વાત સાચી છે. પુણ્ય પાક્યું હતું એટલે જ તો દેવલોક પામ્યા વગર દેવભૂમિના દર્શન કરવાનો મોકો મળ્યો! ‘આપ મુઆ વિણ કોઈથી, સ્વર્ગે નહીં જવાય‘ એવી ઉક્તિથી વિપરીત  આ શરીર છોડ્યા વગર જ સદેહે અમે સ્વર્ગે જઈ આવ્યાં! આ કોઈ નાનીસૂની ઘટના નથી. પોતપોતાની આસ્થા અને સમજણ મુજબ અમે દેવોની હાજરી પણ માણી. પ્રવાસના ભાડા મુજબ અને પ્રવાસના નક્કી થયેલા કાર્યક્રમ મુજબ નિર્ધારિત તારીખે પાછા ફરવું જ પડે છે. આ યાત્રાથી અમારાં સૌના હૈયાં તૃપ્ત થયાં હતાં. સદનસીબે કોઈ માંદું ન પડ્યું, કોઈ જખમી ન થયું. કોઈ વિખૂટું ન પડ્યું. આયોજન મુજબના દરેક સ્થળોની મુલાકાત લીધી. મન ભરીને યાત્રા માણી. આયોજક રમણભાઈએ માહિતી આપી કે કયારેક એવું પણ થાય કે મુશળધાર વરસાદને કારણે માર્ગો બંધ થઈ જાય. ન આગળ જવાય કે ન પાછા વળી શકાય. દિવસો એમ જ પૂરા થઈ જાય અને ચારધામની યાત્ર કર્યા વગર જ પાછા ફરવું પડે. ઈશ્વરની કૃપાથી અમને એવું કોઈ વિઘ્ન નડ્યું નહીં.

રસ્તામાં એક પુલ પાસેથી રસ્તો ફંટાતો હતો ત્યાં રમણભાઈએ એવી માહિતી આપી કે એ રસ્તે ‘વેલી ઓફ ફલાવર‘ જવાય છે. ફૂલોનું નગર! ચાલતાં જ ફરવું પડે. અમારા પ્રવાસમાં એ શક્ય નહોતું. એને માટે તો ટ્રેકિંગ જ બેસ્ટ. મારા બંને બાળકોને ‘વેલી ઓફ ફ્લાવર્સ‘નું આકર્ષણ થયું. એમણે સંકલ્પ કર્યો કે જિંદગીમાં ક્યારેક ‘વેલી ઓફ ફ્લાવર્સ‘ જોવા જરૂર આવવું. રાહત પહોંચાડે તેવી અને આશ્વાસન લઈ શકાય તેવી વાતની ખબર તો અહીં નીચે આવીને અખબારો વાંચ્યા પછી જ પડી. જે જે જોખમી સ્થળો પરથી અમે પસાર થયા અને વિદાય થયા તે પછીના બીજા જ દિવસે કોઈ ને કોઈ પ્રવાસી બસ ખીણમાં ઉથલી પડ્યાના સમાચારો અખબારમાં નોંધાયા હતા. એ વાંચ્યા પછી તારીખની ચકાસણી કરી તો માલુમ પડ્યું કે એ દુર્ઘટનાના ઠીક આગલે જ દિવસે અમે ત્યાં હતા! ભગવાન પળે પળ આપણી કેટલી બધી કાળજી રાખે છે તેનો અમને ખ્યાલ આવ્યો. અમે હંમેશાં માનતા આવ્યા છીએ કે ભગવાન સદૈવ અમારી સાથે જ છે. આ સમાચાર વાંચ્યા પછી એ ભરોસો પાકો થતો ગયો. ભગવાન આપણને કેટલો લવ કરે છે, કેટલી કાળજી રાખે છે તેનો આપણને અંદાજ આવતો નથી અને આપણને એની કદર પણ નથી.

અમે દિલ્હીમાં ફર્યા, લાલ કિલ્લો જોયો. ત્યાં આગળ ભરાતા બજારનો વસમો અનુભવ પણ લીધો. મીના બજાર વગેરે જોયું. ગીતના શબ્દો યાદ આવ્યા, ‘દિલ્લી શહરકા સારા મીના બજાર લે કે. કજરેને લે લી મેરી જાન હાય રે મેં તેરે કુરબાન!” આગ્રાનો તાજમહેલ પણ જોયો. અમારી સાથે આવેલા ધોરણ પારડી ગામના ભાઈઓને ખબર પડી કે ત્યાં યમુના નદી છે એટલે એમણે ટુવાલ પણ સાથે લઈ લીધો. નદી આવે એટલે ડુબકી મારીને સ્નાન કરી જ લેવાનું! સ્નાન કરવાનું ચૂકી જવાય તો તળાવે ગયેલો તરસ્યો આવે તેવી લાગણી થાય! સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય તો શું કામ જતું કરવાનું?- આ આપણા લોકોની માનસિકતા છે.

વૈષ્ણોદેવી જવા અમારી ગાડી ઉપડી. જિંદગીમાં કાશ્મીર જોવાની અમારી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ખાલિસ્તાની ચળવળ ચાલુ થઈ પછી ઠેર ઠેર ઉગ્રવાદી પ્રવૃત્તિ વધી પડી હતી. શીખ આતંકવાદ વકર્યો હતો. તેને કારણે કાશ્મીર જવાનું અમારે માંડવાળ કરવું પડેલું. વૈષણોદેવી જવાનું તો અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ  હાથી ખરીદે તો બકરી ઈનામમાં મળે તેમ ચારધામ જઈએ તો વૈષ્ણોદેવી ફ્રી હોય એવું લાગ્યું. જગતમાં કોઈ ઈનામ મફતમાં નથી મળતા. એની કિંમત, મૂળ વસ્તુની કિંમતમાં સામેલ જ હોય છે. રમણભાઈ શાહ તો બહુ નિખાલસ અને પ્રામાણિક માણસ છે. તેમણે પોતે એવો ઉપકાર કરતા હોવાનો દાવો કદી કર્યો પણ નથી. જમ્મુ થઈને કટરા જવું પડે. કટરાથી ખચ્ચર કે ઘોડા પર બેસીને ઉપર જવું પડે. ‘ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હિ જાના હૈ– એમ સમજીને કેટલાક લોકો  પૈદલ પણ જતા હોય છેં‘; પણ એમ કરવા જતાં હાંફી જવાય. જમ્મુના બજારમાં અમે ફર્યા. પણ જમ્મુ એટલે કાશ્મીર નથી. કાશ્મીરનું સૌંદર્ય જોવું હોય તો શ્રીનગર અને ઘાટીમાં જવું પડે. ડાલ સરોવર જવું પડે. અમે જમ્મુ ગયા ત્યાં જ ધડાકાથી અમારું સ્વાગત થયું! અહીં બોમ્બ ધડાકાની કોઈ નવાઈ નથી. ગાડીમાંથી માલસામાન ચોરાઈ જાય તેની પણ નવાઈ નથી. અમારા સોમકાકા પ્લેટફોર્મ પર કપડાં કાઢીને ખુલ્લામાં પાઈપના પાણીથી નહાવા ગયા. નાહીને આવીને જૂએ તો એની બંડી જ ગુમ! બંડીના ગજવામાં રુપિયાના બંડલ હતા તે ગયા. સોમકાકા રડવા લાગ્યા. જમ્મુ સલામત નથી. બજારમાંથી અખરોટ લીધી પણ ઘરે આવીને જોતાં ખબર પડી કે જે નમુના બતાવે તે જુદા અને પેક કરી આપે તે વસ્તુ અલગ હોય.

અમે કટરા આવ્યા. હોટેલમાં રહ્યા. ઉપર જવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. ખચ્ચર કરીને ઉપર જવા પ્રસ્થાન કર્યું. રમણીય પર્વતમાળા છે. પગથિયાં જોવા મળે તો અમે પૈદલ ચડીએ છીએ અને થોડા સમય પછી ખચ્ચર પર બેસી જઈએ છીએ. ઠેર ઠેર બોર્ડ લગાવેલાં વાંચવા મળ્યાં તેના પર લખેલા લખાણે મને ખુશ કરી દીધો! બોર્ડ પર લખેલું હતું કે વૈષ્ણોદેવી જેવી કોઈ માતા નથી. પ્રકૃતિ એ જ માતાજી છે! સચોટ સત્ય તો આ જ છે. જે સત્ય સનાતન દેખાય છે તેને આપણા લોકોએ નજરઅંદાજ કરવું છે, માણવું નથી અને જે નથી તેને પ્રાપ્ત કરવા ધસારો કરવો છે. લાખો યાત્રાળુઓ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા આવે છે તે લોકો આ બોર્ડ વાંચતા જ નહીં હોય? બસ, આંખ મીંચીને ઘેટાંની માફક એકની પાછળ એક એમ દોરાયા જ કરવાનું? જેને પ્રકૃતિમાં પરમેશ્વર નથી દેખાતો તેઓ નાસ્તિક છે. અણસમજુ છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ એ મારું જ સ્વરૂપ છે. પણ ગીતા વાંચે કોણ? અને કેવળ પાઠ કરવાથી જ પુણ્ય મળતું હોય તો અર્થ સમજવાની માથાકૂટ કોણ કરે?

દેલવાડાના દહેરા, અજંતા ઈલોરાની ગુફામાંના ચિત્રો અને શિલ્પકામ કે તાજમહેલની કોતરણીનો અભ્યાસ કરતા વિદેશી પ્રવાસીઓને મેં જોયા છે તે લોકો ખરેખર પ્રવાસના સ્થળોનું મહત્વ સમજે છે એવું મને લાગ્યું છે. કેટલી ધીરજથી તેઓ એકેએક વસ્તુ નીહાળે છે, ઓબ્ઝર્વ કરે છે, નકશો કાઢીને ચકાસે છે. વારંવાર જુએ છે. વિચારે છે. જુદા જુદા એંગલેથી ફોટા ખેંચે છે. કંઈક લખે છે, ચર્ચા કરે છે. એમની નજર કંઈક શોધે છે, પ્રમાણે છે અને જિજ્ઞાસા તૃપ્ત થયા પછી પણ ક્યાંય સુધી તેને વાગોળે છે. આપણને લાગે છે કે એ બધા તો નવરા લોકો છે! આપણે જે જે સ્થળોએ ગયા છીએ ત્યાં જાણે કોઈ પ્રદર્શન જોવા ગયા હોઈએ તેમ જોયું ન જોયું કરીને જલદીથી બહાર નીકળીને રાહતની લાગણી અનુભવીએ છીએ. જાણે હીરો ઘોઘે જઈ આવ્યો!

31-07-22 19:50

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૨૩

અમે ડુંગર ચડી રહ્યા હતા ત્યારે એ ઘોડાવાળા સાથે વાત કરતાં માલુમ પડ્યું કે રિટર્ન થતાં રાત પડી જશે. અત્યાર સુધીનો અહીંનો રેકોર્ડ રહ્યો છે કે રાત્રે ક્યારેય વિદ્યુત પાવર ખોટકાતો નથી. જાણીને આનંદ થયો. ત્યાં પહોંચતાં સાંજ તો સહેજે પડી જવાની. અંધારું થઈ જ જવાનું. ઉપર કેટલી ભીડ હશે તેનો કોઈ અંદાજ નથી. કેટલી લાંબી લાઈન હશે અને લાઈનમાંથી છૂટા પડીને વળતી મુસાફરી ક્યારે શરૂ થશે એનો કોઈ સમય નક્કી નથી. ફરીથી એટલું જ અંતર કાપીને તળેટીમાં આવતાં એકાદ તો વાગી જ જવાનો. પછી થાક્યા પાક્યાં ત્યાંથી કટરાની હોટેલ પર જવાનું! અઘરું તો પડશે, પણ ખરી રોમાંચકતા યે અઘરા કામમાં જ રહેલી છે. લાઈટ કદી જતી જ નથી એ વાતથી અમે નિરાંત અનુભવી.

બહાર પ્રકૃતિનું દર્શન કરતાં કરતાં અમે ઉપર ચડી રહ્યાં હતાં. સૂરજ ધીમે ધીમે નીચે સરકતો જતો હતો. અમે શિખર પર પહોંચ્યા અને સૂરજ પણ ક્ષિતિજ પાછળ અલોપ થઈ ગયો. સૂરજ સાથે અમારી જાણે કે વણકહી -અનટોલ્ડ હરિફાઈ ચાલી રહી હતી. અમે ઉપર પહોંચીએ તે પહેલાં સૂરજ ડૂબે કે, સૂરજ ડૂબે તે પહેલાં અમે ઉપર પહોંચીએ. મેચ ડ્રો થઈ ગઈ. ન હમ હારે ન તુમ હારે! તુમ્હારી ભી જય જય, હમારી ભી જય જય! અમને સંતોષ થઈ ગયો કે છેક અંધારું થઈ જાય તે પહેલાં અમે પહોંચી ગયા ખરા. ભૈરવ ઘાટી જવા જેવું હતું. ભૈરવ એટલે જ ભયાનક. અમે બે જણા નહીં ગયા, પણ અમારાં બંને સંતાનો ગયા વગર રહે કે? ઉગતી જુવાની તો પડકારને પણ પડકાર આપે. સૂરજ ડૂબી ગયા પછીનું ભળભાંખળુ અંધારું થઈ રહ્યું હતું તો પણ ગયા અને નવો અનુભવ લઈને વેળાસર આવી મળ્યા.

અહીં સિક્યોરિટી બહુ ટાઈટ છે. આપણને તો બરાબર તપાસે જ પણ પૂજાના થાળની પણ ચકાસણી કરે. થાળમાં નાળિયેર હોય તે એ લોકો લઈ લે. ઉપર નહીં જવા દે. એમ કહે કે અમે માતાને ચડાવી દઈશું. સુરક્ષા કર્મચારીઓ તો તેમને જે સૂચના આપવામાં આવી હોય તેનું નિષ્ઠાથી પાલન કરે. આતંકવાદ ચોમેર પ્રસરેલો છે. આગલે જ દિવસે જમ્મુના રેલવે સ્ટેશન પર બોંબ ધડાકાથી જ તો અમારું સ્વાગત થયું હતું તે કેમ ભૂલી જવાય? લોકોમાં દહેશત ગભરાટ ફેલાવવા માટે આતંકવાદીઓ ભીડવાળી જગ્યા પસંદ કરતા હોય છે. ન કરે નારાયણ અને પૂજાના થાળમાં મૂકેલું નાળિયેર એ નાળિયેર ન હોતાં બોંબ હોય તો? સિક્યોરિટીવાળા જરાક પણ ઢીલાશ ચલાવી લેતા નથી.

અમારી લાઈન ધીમે ધીમે આગળ ધપવા લાગી. વચમાં કોઈ શેડ બનાવેલો હતો. સ્ત્રી પુરુષોની અલગ લાઈન હતી. અમે સમાંતરે સાથે સાથે હતા. ગુફા હતી કે ગુફા જેવી રચના કરી હતી? નીચે પાણી હતું. અમારા પગ પાણીમાં બોળાયેલા હતા. ધીમે ધીમે આગળ વધતા જતા હતા. ગુફાના મોં સાંકડા હતા. અંદર ઘોર અંધારું હતું. ચાલી શકીએ એટલી જગ્યા પણ નહોતી. માથું ગુફા સાથે અથડાતું હતું. વાંકા વળીને ચાલીએ તોયે માથામાં વાગતું હતું. બેસી જવું પડ્યું. બેસીને હફલતા હફલતા આગળ વધવાનું હતું. કેટલું લાંબું અંતર હશે તે કોઈ જાણતું નહોતું. આંખ કંઈ કામ નહોતી આપતી. છતી આંખે અમે આંધળા જેવા હતા. પણ ઝવેરચંદ મેઘાણી લિખિત રવિશંકર મહારાજની “માણસાઈના દીવા” જીવનકથા વાંચેલી તેનું એક વાક્ય યાદ આવી ગયું. ‘અંધારામાં પગને પણ આંખો ફૂટે છે!‘  સ્પર્શના આધારે પગ રસ્તો ખોળી કાઢે છે. પગ જ્યાં લઈ જાય ત્યાં જવાનું. જીભ પર આપમેળે ‘જય માતાજી, જય માતાજી‘ શબ્દો રમતા થઈ જાય છે. માતાજી કે કોઈ અદૃષ્ટ શક્તિ પગને જ્યાં દોરી જાય ત્યાં જવાનું. મૃત્યુ પછી જીવ વૈતરણી નદી આ રીતે જ પાર કરતો હશે કે! બેસીને હફલવું સહેલું નથી. ભારે શરીરવાળા શું કરતા હશે? મોટા પેટવાળા ગબડી પડતા હશે, ગબડી પડવાથી છોલાઈ જતા હશે. કેટલાક તો ભયથી ચિચિયારી પણ પાડતા હતા, અરે રામ, હવે અમારું શું થશે? અમે વળી ક્યાં ભેરવાઈ પડ્યા એવું થતું હશે. કોઈનો શ્વાસ રૂંધાતો હશે. ગુંગળામણ થતી હશે, જીવ અધ્ધર થઈ જતો હશે. એટલું સારું છે કે અહીં અંધારી ગુફામાં પાણી નથી. અનિશ્ચિતતા વચ્ચે માર્ગ કાઢતાં અમે છેવટે બહાર નીકળીએ છીએ અને મુક્તિનો શ્વાસ લઈએ છીએ. અમારા જીવમાં જીવ આવે છે. કેટલી બધી રાહત, કેટલો બધો આનંદ! એ પંદરેક મિનિટ તો જાણે પંદર કલાલ જેટલી લાંબી લાગી હતી!

આ વિશિષ્ટ અનુભવ લઈને હવે અમે મંદિરમાં દર્શન માટે જઈએ છીએ. અત્યાર સુધી, આખે રસ્તે અમે બોર્ડ વાંચ્યા હતા કે વૈષ્ણોદેવી જેવી કોઈ માતા નથી. પ્રકૃતિ એ જ માતા છે, તો પછી અહીં દેદિપ્યમાન ત્રણ મૂર્તિ દેખાય છે તે કોની? એના વિશે તો અમને કંઈ જ ખબર નથી. એ જ વૈષ્ણોદેવી હોવાં જોઈએ. અમે દર્શન કરીએ ન કરીએ, નજરના કેમેરો મૂર્તિ પર ફોકસ કરીએ ન કરીએ, મૂર્તિનું રૂપ મગજમાં ઉતારીએ ન ઉતારીએ એટલી વારમાં તો સિક્યોરિટીના જુવાન અચાનક અમારી બોચી પર એક થાપટ મારે છે, કેમ માર્યું એનો વિચાર કરીએ તે પહેલાં તો એક પાવલી અમારા હાથમાં મૂકીને મૂઠ્ઠી વાળી આપીને અમને બહારનો દરવાજો બતાવી દે છે. મતલબ કે બોચીમાં થાપટ ખાધી તે ક્ષણ અમારી વૈષ્ણોદેવી યાત્રાનું ચરમબિંદુ હતું.

અમારા ગૃપના બધાં યાત્રિકો ભેગાં થાય તેની અમે રાહ જોઈ. સૌ આવી ગયાંની ચકાસણી કરી લીધા પછી વળતી મુસાફરી ચાલુ થઈ. ખરી મજા તો હવે આવવાની હતી.

17-08-22 17:14:32

અમારી ઉત્તરાખંડ- ચારધામની જાત્રા

૨૪

વૈષ્ણવોદેવી યાત્રાનો અનુભવ રોમાંચક રહ્યો. એ અનુભવ વાગોળતાં વાગોળતાં રાત્રે અમે ડુંગર ઉતરી રહ્યા હતા. રાત્રિને વખતે ડુંગર પરથી તળેટીને નીહાળવાનો અનુભવ પણ રોમાંચક હોય છે. આવો અવસર વારંવાર મળતો નથી. ચૂપ હૈ ચાંદ ચાંદની ચૂપ યે આસમાન હૈ, મીઠી મીઠી નીંદ મેં સો રહા જહાન હૈ, સૌ રહા જહાન હૈ! અને એ સોયે હુયે જહાન પર દૃષ્ટિ કરતાં કરતાં જાત પર વિશેષ ગૌરવનો અનુભવ કરતાં અમે નીચે આવી રહ્યા હતા. થાક તો હતો, પણ નજરોથી જે જોયું અને મનથી જે અનુભવ્યું તેનાથી દિલ તૃપ્ત હતું. મન અને દિલ વચ્ચે શો ફરક હશે? બીજી એક વાત, જ્યારે જગત આખું મીઠી મિંદ માણી રહ્યું હોય અને આપણે કોઈક સારી પ્રવૃત્તિને લઈને જાગતા હોઈએ ત્યારે ગીતાનો એક શ્લોક પણ આપણને વિશેષ ગૌરવ આપતો લાગે છે. એ શ્લોકનો હું મજાક તરીકે ક્યારેક ઉપયોગ કરી લઉં છું. ‘નિશા જે સર્વભૂતોની, તેમાં જાગે છે સંયમી; જેમાં જાગે બધાં ભૂતો તે જ્ઞાની મુનિની નિશા.‘ જે લોકો ઉંઘમાં છે તે બધા ભૂતો છે અને ભૂતની જેમ રાત્રે ભટકતા આપણા જેવા લોકો ખરા જ્ઞાની છે! આપણે ઉંઘ પર સંયમ મેળવ્યો છે એટલે આપણને સંયમીનું લેબલ મળી ગયું!

રાતના વખતે કોઈ આગળ પાછળ થઈ જાય છે તેથી બધાં સાથે રહેવાય એ રીતે સંભાળપૂર્વક અમે નીચે આવ્યા. હવે લગભગ સપાટ રસ્તો છે. હાશ! ડુંગર ઊતરી આવ્યાનો આનંદ થયો અને હવે અમે કટરા તરફ ચાલતા આવી જ રહ્યાં હતાં ને અચાનક અંધારું થઈ ગયું. સવારે સાંભળેલી વાતથી અમે નચિંત હતા કે અને વિશ્વાસ હતો કે અહીંના રેકોર્ડ મુજબ લાઈટ કદી જવાની નથી, તો આજે એકાએક આમ કેમ થયું? બે પાંચ મિનિટમાં આવશે એમ ધારીને અંધારામાં રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, પણ આશા ઠગારી નીવડી. આકાશમાં ચંદ્ર પણ નહોતો કે ચાંદનીમાં ઝાંખો ઝાંખો રસ્તો ખોળી શકીએ. તારાના ટમટમિયાથી કંઈ વળે એમ નહોતું. અમને મદદ કરવાને બદલે એ તારા સમુહો પરસ્પર આંખ મીંચકારીને જાણે અમારી આ મુંઝવણભરી હાલત પર મશ્કરી કરતા હતા. એ આંખમિંચામણા અમારાથી સહન થયા નહીં. પુષ્કળ થાકેલા હતા. થાક હતો જ અને ઉંઘવાની વેળા પણ હતી. ધારેલું હતું કે હોટેલ પર જતાંની સાથે જ ગોદડી ગોળ કરી જવું છે, તેને બદલે અમે અધ્ધર ટંગાઈ પડ્યા! અમે રસ્તાની એક કોર પર જઈને બેસી પડ્યા. સંતાનો એટલાં નાના નહોતાં કે એમને ઊંચકીને અમે ચાલી શકીએ, તેઓ એટલા મોટાં પણ નહોતા કે અમને ઉંચકીને ચાલી શકે! અને થાકને કારણે સૌના ટાંટિયા ભજન કરતા હોય ત્યારે કોણ કોને સધિયારો આપી શકે? અમે બેઠા એટલે મારા દીકરાએ મારા ખોળામાં માથું મૂકીને શરીર લંબાવી દીધું અને દીકરીએ એની મમ્મીના ખોળામાં ઝંપલાવ્યું. અદભુત પ્રસંગ હતો. કોલેજમાં ભણતા અમારા સંતાનો છેલ્લે ક્યારે અમારા ખોળામાં સૂતા હશે, બહુ વર્ષો પછી, ખોળામાં સૂતેલા સંતાનોના માથા પર હાથ પસવારીને વહાલ વરસાવવાનો અવસર સાંપડ્યો! એમને પણ વર્ષો પછી મા બાપના ખોળામાં સ્વર્ગનો આનંદ લેવાનો સુયોગ સાંપડ્યો. ઠંડા પવનની લહેરખી તેમને અજાણી ભૂમિ પર સૂતાં સૂતાં સ્વર્ગની સફરે લઈ ગઈ! સાવ અજાણ્યો પ્રદેશ, રાતનું ઘોર અંધારું અને જાહેર રસ્તાની ધૂળમાં એકમેકને અડીને અમે લાંબા થયા. થાકેલા તો અમે પણ હતા જ. અમને નિદ્રા દેવીએ ક્યારે એના સપાટામાં લીધા તેની સુરતા ન રહી. એક ફિલ્મી ગીતની પંક્તિ યાદ આવી ગઈ, બિછૌના ધરતી કા કર લે, ઔર આકાશ ઓઢ લે! ધૂળમાં રહેલા નાના જીવ જંતુઓ અને બેકટરિયાને આજે અમારે કારણે ખલેલ પડી હશે એટલે સળવળવા લાગ્યા. પ્રતિક્ષિપ્ત ક્રિયા મુજબ અમારો હાથ તેમનો સામનો કરતો રહ્યો અને અમે રામભરોસે ઊંઘી ગયા. સવાર થઈ તોયે લાઈટ નહોતી આવી. ચહલપહલ ચાલુ થઈ એટલે અમારી આંખો ઉઘડી. કોઈ વાહન તો મળ્યું નહીં એટલે ચાલતાં ચાલતાં હોટેલ પર પહોંચ્યા. મા વૈષ્ણવોદેવીના વહાલને નમસ્કાર કરીને એ યાત્રા અમે પૂરી કરી.

અમારા અવકાશયાન જેવા રિઝર્વ ડબ્બામાં ગોઠવાઈને અમે અમૃતસરનું સુવર્ણમંદિર જોવા પ્રસ્થાન કર્યુ. જે સુવર્ણમંદિરનો આજ સુધી માત્ર ફોટો જ જોયો હતો તેની ભવ્યતા આજે પ્રત્યક્ષ નીહાળી. ખરેખર અનુપમ દૃશ્ય. અહીં પ્રવેશ કરવો હોય તો ઉઘાડે માથે ન કરી શકાય. માથા પર સ્કાર્ફ બાંધવો પડે. અમે ઉત્સાહ અને ગૌરવથી કેસરી સ્કાર્ફ માથે બાંધ્યો. પાણીમાંથી પસાર થઈને મંદિરે પહોંચ્યા. જિંદગીમાં સુવર્ણમંદિર ક્યારેય પણ જોવા મળશે કે નહીં એવી મનોસ્થિતિ વચ્ચે એક અણદીઠું સપનું સાકાર થઈ રહ્યું હતું તેનાથી તન મન ઝણઝણાટી અનુભવી રહ્યું હતું. એના ખંડેખંડ, એની સુવર્ણમઢી દિવાલોની ઈંચે ઈંચ જગ્યા, એ સુરક્ષા કર્મચારીઓની કરડાકી અને મંદિરની પવિત્રતા જાળવવા માટેની નિષ્ઠા અને આદરભાવ મનમાં વસી ગયા. સંત ભિંદરાનવાલે પણ યાદ આવી ગયો. ઓપરેશન બ્લ્યુ સ્ટાર દરમિયાન ચાલેલી ગોળીઓ તેના નિશાન છોડી ગઈ હતી. એ ભયંકર ક્ષણ પણ યાદ આવી ગઈ અને તે વખતે અખબારોમાં છપાયેલા અહેવાલોના અક્ષરો પણ જીવંત થઈ ઊઠ્યા. જાણે ગઈકાલની ઘટના હોય એમ ભયનું એક લખલખું બદનમાં પ્રસરી ગયું.

ગુરુ ગ્રંથસાહેબને ભાવથી નમસ્કાર કર્યા. ગુરુ નાનક સિંહને યાદ કર્યા. ‘રામકી ચિડિયા, રામકા ખેત; ખા લો ચિડિયાં ભર ભર પેટ!‘ સંતની બચપણની એ ઉદારતા માનસપટ પર ઉપસી આવી. ગુરુ ગોવિંદ સિંહનું બલિદાન એમના સંતાનોની શહાદત યાદ આવતાંની સાથે જ મસ્તક નમી ગયું. શીખોની ઓળખ તરીકે કેશ કંકણ ને કાંસકી કચ્છ અને કિરપાણ- એવું સૂત્ર પણ યાદ કર્યું. ઇતિહાસના એક કાળખંડમાં જાણે કે અમે પહોંચી ગયા. થોડી ક્ષણો એમાં ખોવાઈ ગયા. મંદિરમાં પ્રસાદ તરીકે મળતો શીરો એટલો સ્વાદિષ્ટ લાગ્યો કે જાણે લીધા પછી ક્ષુધા દેવી ઓર જાગૃત થાય! એમ થાય કે આ તો ઘરે લઈ જઈને બધાંને ચખાડવા જેવો પ્રસાદ છે. હૃદયમાં ભાવ, આદર અને તે સાથે મંદિરમાં જળવાતી સ્વચ્છતા અને શિસ્ત પર ખરેખર મોહી પડાય તેમ છે. મંદિરની ભવ્યતા એવી છે કે એ પરિસર છોડવાનું મન જ નથી થતું. આપણા લોકોએ ભવ્ય મંદિરો બંધાવ્યા તેની સાથે અહીંની જેમ સખત સશસ્ત્ર સુરક્ષાની પણ વ્યવસ્થા કરી હોત તો સોમનાથ જેવા મંદિરો પર વિદેશી – વિધર્મીઓની દાઢ સણકી ન હોત. એવો વિચાર પણ મનમાં ઝબકી ગયો. ટૂંકમાં કહીએ તો બધી રીતે આફરિન થઈ જવાય તેવું છે અમૃતસરનું હેમમંડિત ઝળહળતું સુવર્ણમંદિર.

પણ જલિયાંવાલા બાગે અમારું ચિત્ત ડહોળી નાંખ્યું. જનરલ ડાયરે એ નિર્દોષ, નિ:શસ્ત્ર સ્ત્રી પુરુષો માસુમ બાળકો પર નિર્દયતાથી ફાયરીંગ કરવાનો હુકમ છોડ્યો. બહાર નીકળવાનો એકેય માર્ગ નહોતો. લોકો જીવ બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા. એ કૂવો જોયો, એ પ્રાચીન દિવાલો પરના નિશાનો જોયા. નાસભાગ કરતા લોકોના ચિત્રો દોરેલા હતા તે જોયા. સરકારનનું અમાનુષીપણું અને બર્બરતાનો ખ્યાલ આવ્યો. ફાયરિંગનો ઓર્ડર આપનાર જનરલ ડાયર હતો પણ એનો અમલ કરનાર સૈનિકો તો દેશી ગુલામો હતા! એમનો જીવ કેમ ચાલ્યો હશે પોતાના દેશબાંધવોનો નરસંહાર કરતા? વિચાર કરતાં કરતાં મન ક્ષુબ્ધ થઈ જાય તેવો એ પ્રસંગ, તે સ્થળ, તે સ્મારક. જેનું લોહી ઠરી ગયું હોય તેનું લોહી પણ ઉકળી આવે એવી એ ઘટના.

એ ઘટનાના સાક્ષી એવા બાળક ઉધમ સિંહે મોટા થઈને, વર્ષો પછી ઈંગ્લેંડ જઈને એ જનરલ ડાયરને ઠાર માર્યો ત્યારે એની અંદરની જ્વાળા ઠંડી પડી. સરદાર ઉધમસિંહનું પૂતળું જોયા પછી એને સેલ્યુટ કર્યા વિના રહી ન શકાય.

મને લાગે છે કે અમારી એ યાત્રાને હવે મારે વિરામ આપવો જ જોઈએ. યાત્રા દરમિયાન શરીર સતત ગતિ કરે છે, નજરોમાં અવનવાં દૃશ્યો નોંધાય છે. હૃદય જુદા જુદા ભાવો અનુભવે છે. મન જુદા જુદા વિષયો પર કૂદકા મારે છે. બુદ્ધિમાં સતત વિચારોની ઉથલપાથલ થયા કરે છે. રૂટિન કરતા બધું જ સાવ જુદું. શું લખું અને શું રહેવા દઉં? ચોવીસ વરસ સુધી મારા મનમાં જે સંગ્રહાયેલું પડ્યું હતું તે મેં શબ્દો રૂપે વ્યક્ત કર્યું. જે સમયે જે સ્થળે જે જોયું, જે અનુભવ્યું અને જે વિચાર્યું તેમાંનું મોટાભાગનું ખાલી કરી દીધું. હવે હું રજા લઉં? જેમને કદી પ્રત્યક્ષ મળાયું નથી એવા કેટલાક મિત્રો પણ અપ્રગટપણે મારી સાથે વિચારોથી સહયાત્રા કરી રહ્યા હતા એ તમામ મિત્રોને સ્નેહભાવે છું, પૂછું  ફિર કબ મિલોગે? આપ સૌનો પ્રેમ મને સદા યાદ રહેશે.

પ્ર. મિ.

18-08-22  22:11

અશીતિ વંદનાનું પ્રવચન

અશીતિ વંદનાના અવસરે ભરૂચ ખાતે પરમ પૂજ્ય દાદાએ આપેલું પ્રવચન.

 તારીખ 10- 12 -2000

મૂળ હિન્દી પ્રવચન પરથી અનુવાદિત.

આજનો સમારોહ જોઈ મારી આંખો કોરી રહી શકે તેમ નથી. તેથી મારી આંખો અશ્રુઓથી ભીંજાયેલી છે; તેનો અર્થ એમ નથી કે હું રડું છું. મારું જીવન એવું થઈ ગયું છે કે હું કદી રડતો નથી અને કોઈને રડાવતો પણ નથી. આજે ખરેખર મને અત્યંત આનંદ થયો છે.

હું અમેરિકા હતો ત્યારે એકવાર ડોક્ટર જ્યોર્જ પેટ્રોશિયન મને મળવા આવ્યા. ડૉ. જ્યોર્જ મોટા ડોક્ટર છે. તેમણે મને પૂછ્યું, “દાદા, તમે શેનો વિચાર કરો છો? (શું તમને મૃત્યુનો ડર લાગે છે?)” મેં કહ્યું “Certainly not. (બેશક નહીં.) મૃત્યુનો ડર કોને લાગે? જેની પાસે ઉપર ભગવાનને કહેવા માટે કાંઈ ન હોય તેને. મારી પાસે તો તેને કહેવા જેવું ઘણું છે. ભગવાનને પણ તેની ખબર છે, તેથી તો તેણે મદદ કરી છે. મેં કોઈની પાસે મદદ માગી નથી, છતાં મને મદદ મળી છે. કેવી રીતે મળી? ભગવદ્શક્તિથી મળી. મેં તેમને કહ્યું I am afraid about my work. – મને ડર હોય તો મારા કાર્યનો. જે પદ્ધતિથી, જે દૃષ્ટિથી મેં કામ શરૂ કરેલું છે તે પદ્ધતિ, તે રીત જળવાઈ રહેશે કે? મારી આ શંકા છે.”

આજે સમાજ એકદમ ભ્રાંત બની ગયો છે, તેથી રાજનીતિ નિર્ભય થઈ ગઈ છે લોકોને કહેવું જોઈએ કે રાજનીતિ તમને ઉપર લાવી શકશે નહીં. કેટલાક લોકોને લાગે છે કે રાજનીતિજ્ઞો ઉપયોગી થશે પરંતુ, રાજનીતિ ફક્ત એક કઠેડો છે. આનાથી આગળ ન જવાય એટલું એ કહી દેશે. કેટલાક લોકો આપણા કાર્યને Social work-  સામાજિક કાર્ય સમજે છે. જરૂર, હું સૌને ઉપયોગી છું. પરંતુ આ સામાજિક કાર્ય નથી.

આજે યુવાનોએ અહીં શિસ્તબદ્ધ રીતે જે કાર્યક્રમ કર્યો તે demonstration-  નિદર્શન નહોતું. નવયુવાનોએ તે દ્વારા ભવિષ્યને માટે મને ખાતરી આપી છે, તેથી હું અત્યંત આનંદિત છું. હવે હું ડોક્ટર પેટ્રોશિયનને કહીશ કે તમે અહીં આવીને જુઓ. અમારા લોકો કેટલા શિસ્તબદ્ધ છે. પરંતુ આ જીવનનો સ્વભાવ બનવો જોઈએ. લીધેલા કામને કોઈને ઈચ્છા અભિલાષા પર છોડી દેશો તો ‘અશીતિ સમારોહ‘ કરવો નિરર્થક છે. જીવનમાં આવી શિસ્ત આવે ત્યારે તેને શીલ કહેવાય.

આજે દેશમાં શું ઓછું છે? શીલ ઓછું થઈ ગયું છે. આજે શીલનો અર્થ સ્ત્રી અને વિત્ત પૂરતો જ મર્યાદિત રહ્યો છે. પરંતુ એ તો સામાન્ય અર્થ છે शीलं परं भूषणम्।

પુરાણમાં એક વાર્તા છે પ્રહલાદનું રાજ્ય એકદમ વ્યવસ્થિત ચાલતું હતું. પ્રજા અત્યંત સુખી અને સમૃદ્ધ હતી તેનું કારણ તે રાજ્યના પાયામાં શીલ હતું. દેવાધિદેવ ઈન્દ્રથી આ જોવાયું નહીં. બ્રાહ્મણ વેશે તે પ્રહલાદ પાસે આવ્યો. તેણે પ્રહલાદને કહ્યું કે, ‘મને આ જોઈએ, તે જોઈએ, પેલું જોઈએ.’ પ્રહલાદે પણ ‘લો, લો’ કરીને બધું આપી દીધું. અંતે ઇન્દ્રે કહ્યું, ‘મને તારી પાસેથી શીલ જોઈએ છે.’ શીલ માગ્યું એટલે શીલ પણ આપી દીધું. પરંતુ શીલ આપી દીધા પછી શું થયું? સૌ પ્રથમ ધર્મે વિદાય લીધી. ધર્મ પછી સત્ય ગયું. સત્ય પછી સદાચાર; સદાચાર પછી બળ અને અંતે સ્ત્રીના રૂપે લક્ષ્મીએ વિદાય લીધી. આને પરિણામે તેની બધી શક્તિ ચાલી ગઈ. તેનું તેજ ચાલ્યું ગયું. હું થઈ શકીશ, હું બદલી શકીશ, આ શક્તિ જ તે ખોઈ બેઠો.

આત્મશક્તિ અને આત્મનિર્ભરતા-  આ બે વાતો ગઈ એટલે સમજી લો કે શીલ ચાલ્યું ગયું. સમાજ એટલાં દુઃખોથી ભરેલો છે, જગતમાં એટલી સમસ્યાઓ છે કે તેમાં હું શું કરી શકું? હું તો મામૂલી વ્યક્તિ, મારી શું તાકાત? આવી ક્ષુદ્રતા, અસમર્થતા માણસના મનમાં આવી જાય ત્યારે તે શીલ ખોઈ બેસે છે. અરે, કંઈ વિરોધ થશે, મુશ્કેલી આવશે તો ભગવાન સંભાળશે, એવું માણસે વિચારવું જોઈએ. જો કામ ભગવાનનું હશે તો તે ભગવાને સંભાળવું જ પડશે. આપણે મસ્તીથી કહીએ છીએ કે ભગવાન અમે તારું કામ કરીએ છીએ તેથી તારે સંભાળવું જ જોઈએ.

તું એકલો છે જ નહીં, એ કહેવાવાળી ગીતા છે. તેથી આપણે ગીતા ઉપાડી છે. તું એકલો છે જ નહીં, તારી સાથે તારો ભગવાન છે અને એ ભગવાન સૂતેલો નથી પણ એક્ટિવ – સક્રિય છે. તેથી આપણે ત્રિકાળ સંધ્યા કરીએ છીએ. માણસની પાસે એટલી શક્તિ છે કે તે જો ધારે તો આખા વિશ્વને બદલી શકે તેમ છે, પણ આજે આપણી સ્થિતિ એવી છે કે આપણે એક કુટુંબને પણ બદલી શકતા નથી. કારણ, આપણે શીલભ્રષ્ટ થઈ ગયા છીએ. શીલભ્રષ્ટ થયા પછી આત્મવિશ્વાસ ચાલ્યો જાય છે. હું થઈ શકું છું, બદલી શકું છું, એવું શિક્ષણ પણ આપણને મળતું નથી તેની વ્યથા છે. જ્યાં સુધી આ વિચાર સ્થિર નહીં થાય ત્યાં સુધી ભગવાન પાસે કેવી રીતે જશો? માણસ કહે, ભગવાન કેટલા મોટા છે! કેટલા શક્તિશાળી છે! હું તો બહુ નાનો છું, તેની પાસે મારાથી કેમ જવાય? અરે, ‘ભગવાન! તારી ગોદમાં હું બેસીશ જ. It is my birthright.- આ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આવી ખુમારી રાખો. તિલકે કહ્યું, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ. (Swarajya is my birtright and I shall have it) તેમની સામેની બાજુ કેટલું મોટું સામ્રાજ્ય હતું! તેથી સ્વરાજ અશક્ય જ હતું, છતાં તેમણે આવું કહ્યું તેથી જ તેઓ ‘લોકમાન્ય’ કહેવાયા. શિવાજીને પણ The great કહ્યા તે એટલા માટે નહીં કે તેઓ લડાઈઓ જીતતા હતા. તેઓ જીવનની લડાઈ જીતી ગયા. હું ક્ષુદ્ર નથી, તેમ મોટો પણ નથી. મોટાઈ હશે તો પણ તે તારી કૃપા અને આશીર્વાદથી. આ જે ભૂલતો નથી તેને ‘અસ્મિતા’ હેરાન નથી કરતી.

 “હું કંઈક છું” એમ માનવું એ દોષ છે. વેદાંત કહે છે કે અસ્મિતા કાઢવી જોઈએ. વાસ્તવમાં જો અસ્મિતા ચાલી જાય તો ભક્તિ ફિક્કી પડી જાય. આજે અસ્મિતા ચાલી ગઈ છે અને શીલભ્રષ્ટતા આવી ગઈ છે. આજે અસ્મિતા સમજાવવાવાળું કોઈ નથી. આજે કોઈ શિક્ષણમાં આપણને અસ્મિતા મળે છે? ‘હું કરી શકું છું, હું થઈ શકું છું, હું બની શકું છું, હું બનાવી શકું છું’ આ શક્તિ અંદરથી ચાલી જાય તો આપણે કંઈ કરી શકીશું નહીં.

અસ્મિતા એટલે શીલ. આજે બધાને ખબર છે કે જે કંઈ ચાલી રહ્યું છે કે ખોટું છે. સરકાર પોતે જ અસ્મિતાશૂન્ય બની છે. તેને ખબર છે કે બધું જ બગડ્યું છે, પણ “શું થાય? તમે લાચાર છીએ.” આ શબ્દો જ ચારે બાજુથી સંભળાય છે. “અમે કરી શકીએ છીએ” આ ભાષા હોવી જોઈએ. માણસના જીવનમાંથી શીલ જતા આ વૃત્તિ ચાલી જાય.

શીલ ગયું એટલે સદાચાર ગયો અને દુરાચાર આવ્યો સદાચાર જોઈતો હોય તો ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ. મારું શું થશે? આ વિચાર જ્યાં સુધી મગજમાં છે ત્યાં સુધી દુરાચાર જવાનો જ નથી. દુરાચાર કાઢવા માટે અને સદાચાર લાવવા માટે શીલ જોઈએ જ.

આમ, શીલનું મહત્વ ઘણું છે. शीलवान भव। – એ જ ઋષિઓનો આશીર્વાદ છે પણ આજે આપણે બધા અસ્મિતાશૂન્ય બની ગયા છીએ. આની વ્યથા કોઈને નથી. દુષ્ટાચાર, દુરાચારથી ભરેલા જગતમાં શીલ કેવી રીતે લાવીશું? કેવી રીતે શીલ ઊભું કરીશું?

ગીતાએ કહ્યું છે, તું ડર નહીં. તારી સાથે ભગવાન છે અને તે Active – સક્રિય છે. જો ભગવાન હોય તો હું દૂર્બળ કેમ? અશક્ત કેમ? કંગાળ કેમ? તેનું કારણ, મારું આચરણ એવું થઈ ગયું છે. આચરણ બદલાશે તો બધું બદલાઈ જશે. આચરણ બદલવાથી માણસ શીલવાન બને છે. शीलं परं भूषणम्।

એકવાર હું રાજકારણી લોકો સાથે બેઠો હતો. તેમની સાથે વાતો કરતો હતો ત્યાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ મને કહ્યું, ‘મારે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ જોવી છે.’ મેં કહ્યું ‘ચાલો મારી સાથે.’ તેમણે મને પૂછ્યું, ‘તમે સરકારનો આશ્રય કેમ ન લીધો?’ મેં કહ્યું ‘તેનું કારણ એ છે કે સરકારનિર્ભરતા એ દોષ છે. કોઈના પર જવાબદારી નાખવી એ દોષ છે. આ વિદ્યાનો પ્રભાવ નથી. વિદ્યાનો પ્રભાવ શીલ છે અને શીલનો અર્થ ઘણો મોટો છે. આત્મનિર્ભર થવું જોઈએ. શિક્ષણ જ્યાં સુધી સરકારનિર્ભર રહે છે ત્યાં સુધી ખોટું જ છે. જ્યાં સુધી આ કામ મારું છે એવું ન લાગે ત્યાં સુધી લોકોમાં શીલ આવ્યું ન ગણાય. શીલ આવ્યું ત્યારે કહેવાય જ્યારે લોકોને એમ લાગે કે આ મારું કામ છે અને મારે કરવાનું છે. આ વૃત્તિ ઊભી કરવી જોઈએ. એ વૃત્તિને જ શીલ કહેવાય.’

આજે સરકાર શિક્ષણ માટે છૂટે હાથે મદદ આપે છે. પરંતુ તે જોતી નથી કે વિદ્યાનો અર્થ શું છે. सा विद्या या विमुक्तये। જે મને મુક્ત કરે તે વિદ્યા. જે મારામાંથી Inferiority Complex – લઘુતા ગ્રંથિ દૂર કરે તેને વિદ્યા કહેવાય. આજે લોકો શીલભ્રષ્ટ થઈ ગયા છે, તેની વ્યથા છે. શીલભ્રષ્ટતા નહીં હોય તો ભગવાન કામ કરશે.

શરૂઆતમાં મેં તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ ઊભી કરી ત્યારે તેને જોવા માટે ડોક્ટર રાધાકૃષ્ણન્ આવેલા. તેમણે મને પૂછ્યું, ‘તમે કેટલું ફંડ એકઠું કર્યું છે?’ મેં કહ્યું, ‘બિલકુલ નહીં. પૈસા એકઠા કરવા એ મારું કામ નથી. એ વાણિયાવૃત્તિવાળા લોકોનું કામ છે. કોઈ સ્વાર્થને માટે પૈસા એકઠા કરે છે, તો કોઈ બીજા માટે એકઠા કરે છે. પૈસા એકઠા કરવા માટે લોકોની પાસે જવું એ જ ખોટું છે. તેથી હું જતો નથી. મારું કાર્ય યોગ્ય છે દેવમાન્ય છે, તેથી ભગવાન ચલાવશે.’ આવા આત્મવિશ્વાસ ભરેલા ઉદગાર મેં વ્યક્ત કરેલા. ‘હું’ પુરાણ ચલાવવું મને ગમતું નથી, પરંતુ ઉદાહરણ શું આપવું? જે છે તે બિલકુલ સત્ય છે. આજે ક્યાંય પણ આત્મવિશ્વાસ કે ઈશવિશ્વાસ દેખાતો નથી. વિશ્વાસ જ ખલાસ થયો છે. (હું હરહંમેશ કહું છું કે પાણીપતની લડાઈમાં વિશ્વાસરાવ મરી ગયો ત્યારથી આપણી અંદરથી વિશ્વાસ જ ચાલ્યો ગયો છે!) કોઈના ઉપર આપણો વિશ્વાસ નથી, એવી સ્થિતિ આવી ગઈ છે. આપણે શીલભ્રષ્ટ થઈ ગયા છીએ.

અશિતિ વંદનાનું પ્રવચન

આપણી વ્યક્તિગત, સામાજિક અનેક સમસ્યાઓ છે આનો જવાબ કોણ આપશે? તેઓ કહે છે, ‘અમે શું કરી શકીએ? અમારી પાસે કંઈ નથી. જે કંઈ ચાલી રહ્યું છે તેને બદલવું અમને અશક્ય લાગે છે.’

મને ઘણા લોકોએ કહ્યું, ‘દરિયો એટલો મોટો છે કે તેને મીઠો કરવાની કોશિશ ન કરતા. ખાંડની એક ગુણ નાખશો તો શું દરિયો મીઠો થઈ જશે? તમારી ખાંડની ગુણ ફોગટ જશે. બીજું કંઈ નહીં થાય.’ પરંતુ, આપણું કાર્ય ઊભું થવા લાગ્યું તે જોઈ મને થયું કે આ વાત તદ્દન ખોટી છે. ભગવાન પર વિશ્વાસ રાખી આપણે કાર્ય કરવા લાગ્યા.

શું આજ સુધી મને સમસ્યાઓ નથી આવી? ઘણી બધી સમસ્યાઓ આવી. કોઈની પાસે ફી લેવારી નહીં અને પ્રાચીન શિક્ષણ આપવાનું! તે આપીને મેં શીલવાન બનાવવાની કોશિશ કરી. આજે ‘શીલ‘ શબ્દનો બહુ સંકુચિત અર્થ થઈ ગયો છે. આત્મવિશ્વાસ ઊભો થાય તેને શીલ કહેવાય. આજનું શિક્ષણ શીલભ્રષ્ટતા લાવે છે. સરકારનિર્ભરતા આવે છે ત્યારે શીલભ્રષ્ટતા આવે છે. આપણે આત્મનિર્ભરતા, ઈશનિર્ભરતા લાવવી છે.

આ કોશિશ સ્વાધ્યાય પરિવાર કરી રહ્યો છે મને લાગે છે કે નાની-નાની વાતો તમે સાંભળો છો તેનું મોટું રૂપ આ જ છે. શીલસંવર્ધન એ આપણું કાર્ય છે. શીલસંવર્ધનમાં આ બધી વાતો આવી જાય છે. શીલવાન બનવાની કોશિશ આપણે કરવાની છે. શીલ કેવી રીતે મળે તે આપણું પ્રાચીન વાન્ગ્મય સમજાવે છે. આજનું આખું શિક્ષણ શીલભ્રષ્ટ છે તેથી શિક્ષણથી માણસ સુધરવાનો નથી. તેનામાં દુ:શીલતા આવી છે એમ હું નથી કહેતો. પરંતુ, શીલભ્રષ્ટતા આવી ગઈ છે.

શીલભ્રષ્ટતા કાઢવાની કોશિશ આપણે લોકો કરી રહ્યા છીએ. સ્વાધ્યાયી શું કરશે? માત્ર શ્લોક જ નહીં શીખવાડે. હું કંઈક કરી શકું છું, થઈ શકું છું, બની શકું છું, આ વૃત્તિ જેની ખતમ થઈ ગઈ છે તે શીલભ્રષ્ટ છે. પંડિતોની પાસેથી ફક્ત આજનું અધ્યયન કરવાથી નહીં ચાલે. તે તો કરવું જ જોઈએ.

વ્યક્તિને સંપન્ન બનાવવો અશક્ય છે. બધાને સરકાર વિત્તવન બનાવે એ શક્ય નથી. એ કામ ધર્મ કરશે, ભગવાન કરશે, આ દ્રષ્ટિથી આપણે ચાલવું જોઈએ.

આપણા સાગર પુત્રોએ આ જ કર્યું. આજે સાગરપુત્રો કોઈની પાસે પૈસા માગવા જતા નથી, કારણ તેઓએ ધર્મનું રૂપ જ બદલાવી નાખ્યું. એકાદશીનો અર્થ શું? સુરણ- કંદ ખાવું એ જ એકાદશી છે? એ તો change of food ખોરાકનો ફેરફાર થયો. તેનાથી આનંદ થાય છે, પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું એ જ એકાદશી છે? એ સમજવું જોઈએ કે મારામાં જે શક્તિ છે તે ભગવાન આપે છે, તે શક્તિ ભગવાનની છે. તેથી પખવાડિયામાં એક દિવસ ભગવાનને આપી દો. આ શિક્ષણ મળવા લાગશે તો સમૃદ્ધિ- સમૃદ્ધિ જ થઈ જશે.

આજે વિશ્વમાં અનેક વિચારધારાઓ માનવ જીવનને પ્રભાવિત કરી રહી છે. તેમાંની એક છે પરિસ્થિતિવાદ. તેના પ્રભાવમાં આવીને માણસ કહેવા લાગ્યો કે ગુનો કરવો એ મારા હાથની વાત નથી. પરિસ્થિતિ એ મને ફરજ પડી એટલે મારે ચોરી કરવી પડી. મેં કંઈ ખોટું કર્યું નથી. પરિસ્થિતિવાદ પર ઘણું લખાયું છે. તેનું પરિણામ આપણા વિદ્વાનો પર પણ થયું છે.

બીજો વાદ આવ્યો મનોવિશ્લેષણવાદ. તેણે માણસના મનનું વિશ્લેષણ કરી એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે સપ્રેસ્ડ કોમ્પ્લેક્સના સિદ્ધાંત મુજબ માણસના હાથે ગુનો થાય તેનો જવાબદાર તે નથી. કોઈ એવી પરિસ્થિતિની માણસના મન પર અસર થાય છે જેથી તે ગુનો કરવા પ્રેરાય છે. મનુષ્ય તેના દુષ્કૃત્યનો જવાબદાર નથી.

ત્રીજો વાદ છે સમતાવાદ. તેણે કહ્યું કે બધાને બધું મળવું જોઈએ. સમતાવાદના મૂળમાં સમાનતાનો વિચાર છે. સમાનતા આવે એ સારી વાત છે, પણ સમાનતા કેવી રીતે આવશે? મારી અંદર પડેલી શક્તિ જાગૃત કરવી જોઈએ. ભગવાન મારી અંદર છે તે active છે. તે कर्तुं अकर्तुं अन्यथा कर्तुं समर्थ: છે. આવી શક્તિ મારી સાથે છે અને તેની મદદથી મારું જીવન ચાલે છે, આ વસ્તુઓનું જ્ઞાન થવું જોઈએ. તેને માટે ઈશ્વરવાદ લાવવો પડશે. તેનાથી સમતાવાદ, મનોવિશ્લેષણવાદ, પરિસ્થિતિવાદ- આ બધા વાદોએ ઉભી કરેલી ભ્રમણા ચાલી જશે. ઈશ્વરવાદને ઉપાડીશું તો જ આપણે આગળ જઈશું.

હું તો આજનું દૃશ્ય જોઈને ખુશ છું. ભલે નાનું પ્રમાણ હોય પરંતુ, આપણે યશસ્વી થયા છીએ. નાના પ્રમાણમાંથી આપણે મોટું પ્રમાણ કરી શકીએ છીએ. વ્યક્તિના જીવનમાંથી દીનતા, લાચારી, નિર્બળતા ચાલી જશે તો વિશ્વમાંથી પણ ચાલી જશે. કોઈને પૈસા આપવાથી આ નથી થતું. આપણા માછીમારોએ કોણ આપશે તેનો વિચાર જ ન કર્યો અને તેમણે પ્રભુકાર્ય માટે એકાદશીએ નીકળવાની શરૂઆત કરી. આજે તેઓની 100 મત્સ્યગંધા થઈ ગઈ છે અને તેના પર લોકો કામ કરવા જાય છે. ત્યાં કંઈ તેઓ વેતન લેતા નથી. એ જ તેમની મૂડી capital છે, જેનાથી તેઓ સુખી છે.

હું શરૂઆતમાં માછીમારો પાસે જતો ત્યારે મેં તેમનું જીવન, રહેણી- કરણી જોયાં. આ બધું કોઈપણ રીતે મનુષ્યને શોભા આપે તેવું નહોતું. આજે તમે જોશો તો બધું બદલાઈ ગયું છે. તેમને ધર્મ ઉપાડ્યો અને તે પણ ધર્મને બુદ્ધિગમ્ય logical રીતે સમજીને. પખવાડિયામાં એક દિવસ ભગવાનને આપો. બધી સમસ્યાઓ હલ થઈ જશે. તેમણે આ જ કર્યું. તેમણે ફક્ત એકાદશી ઉપાડી, સાચા અર્થમાં ઈશ્વરવાદ ઉપાડ્યો. હું કલ્પનાથી નથી કહેતો, પણ ઘર ઘરમાં જાઉં છું ત્યારે તેનો પરિણામ જોઉં છું. આજે કોઈ એવો નથી જે વિપત્તિમાં હોય, અગવડમાં હોય.

આપણે આપણા બધા કામો આ રીતે જ ઈશ્વરભક્તિથી કરીશું. ઈશ્વરભક્તિ એટલે માત્ર ‘નામજપ કરો, ભગવાન મદદ કરશે‘ એવો અર્થ નથી. ‘ભક્ત‘ એટલે જે ‘વિભક્ત નથી‘ તે. ખાવું, પીવું, સૂવું, ઊઠવું આ બધી કૃતિમાં ભગવાન છે તે સમજીને દૃઢતાપૂર્વક માનીશું તો વ્યક્તિનું જીવન આનંદી, સુખી થઈ જશે અને એક વ્યક્તિનું જીવન આવું થશે તો આખા સમાજનું જીવન પણ આવું થઈ જશે.

આજે આપણને પરદેશી લોકો પારકા નથી લાગતા. શા માટે? કારણ કે તેમની સાથે આપણો સંબંધ બંધાયો છે. Gulf countries- ખાડીના દેશોમાં આપણું કાર્ય ચાલે છે, કોઈના ઘરમાં બેસીને નહીં, પણ જાહેરમાં ગૌરવથી ચાલે છે. આપણું બધું કામ ખુલ્લંખુલ્લા થાય છે, કારણ કે આપણે ઈશ્વરવાદ ઉપાડ્યો છે. જે મારું જીવન ચલાવે છે એ જ ઉસ્માનભાઈનું જીવન ચલાવે છે, આ કલ્પના સ્થિર કર્યા બાદ આપણને વ્યથા નથી થતી. Gulf countries માં જે કામ કરીએ છીએ તેનો હિસાબ- કિતાબ કરવા હું નથી બેઠો, પણ મૂળ મુદ્દો એ છે કે કૃતિભક્તિ બહુ મોટી ભક્તિ છે. તે આપણે ઉપાડી છે. કૃતિભક્તિ કરવાથી બધા પ્રશ્નો ઉકેલાય છે.

હું પ્રવચન કરવા નથી બેઠો અને આજે મારી શક્તિ પણ નથી. હમણાં જ દીદી એ આવીને કહ્યું, ‘દાદા, કંઈક ગળ્યું ખાઈ લો. તમારી શક્તિ ઓછી થઈ ગઈ છે.‘ સાચી વાત છે. બોલવામાં તકલીફ પડે જ છે.

મારે એટલું જ કહેવાનું છે કે ઈશ્વર વાદને સમજી લો અને તેને ઉપાડો. ઈશ્વરવાદથી જ આપણે સમાજમાં પરિવર્તન લાવી શક્યા છીએ, લાવવાની કોશિશ કરી છે. બાકી સમાજમાં કેટલાક તો ચોર રહેવાના જ પરંતુ, ચોરી નહીં કરવી જોઈએ એ વાત સ્થિર થતી જાય છે. એવા ઘણાં ગામો હતાં જ્યાં ગુંડાઓની ભીતિ હતી. હવે ઓછી થઈ ગઈ છે. હવે ત્યાંના લોકો શાંતિથી સૂવા લાગ્યા છે. આપણે મહેનત કરવી જોઈએ. ભક્તિ અને પરંપરા બંનેને અલગ રીતે જોવાં જોઈએ. આ કામ સ્વાધ્યાયી કરી રહ્યા છે, કરશે. Unto the last- અંતિમ વ્યક્તિ સુધી લોકો કામ કરશે. આજે સમાજની અંતિમ વ્યક્તિ આપણને પારકી નથી લાગતી, પોતાની લાગે છે. તેને પણ આપણે પોતીકા જ લાગીએ છીએ. આ વાત બહુ કઠણ છે. શુભ્રપોશ White collar  લોકો મોટાઈ માટે, કાં તો સ્વાર્થવશ, કાં તો ચૂંટણી માટે આપણી પાસે આવે છે. આ મારી કલ્પના નથી પણ સચ્ચાઈ છે. સ્વાધ્યાયી સમાજનું રૂપ બદલાવશે, આત્મનિર્ભરતા ઊભી કરશે. આત્મનિર્ભરતા ઊભી થશે તો સરકારનિર્ભરતા ચાલી જશે.

વ્યક્તિ આત્મનિર્ભર થશે તો શું થશે? સાગર પુત્રો પાસે જાઓ. જુઓ, તેઓ કેવા સુધરી ગયા છે! મને લાગે છે કે આજનો સમારોહ શિક્ષણ આપી જશે. મને તો શિક્ષણ મળ્યું જ છે. નિષ્ઠા, વિશ્વાસ કેટલાં અતૂટ રહી શકે છે એ મને જોવા મળ્યું.

સૌરાષ્ટ્રમાં એવા પણ પ્રદેશ છે કે જ્યાં લોકોને રાતના સિંહ આવીને ખાઈ જાય. એવી માન્યતા છે કે એકવાર સિંહને મનુષ્યનું લોહી ચાખવા મળે તો બીજાને અડે પણ નહીં. આપણા ગામડાના લોકો તેઓની સાથે બેઠા. સ્વાધ્યાય કરવા લાગ્યા. સાથે બેસીને પ્રાર્થના કરવા લાગ્યા. એ લોકોમાંથી કોઈ કોઈ તો એટલા દૂબળા કે કોઈ તમાચો મારે તો ચૂપ બેસી જાય. એવા એક માણસે સિંહ સાથે લડાઈ કરી. તેણે ઘરના માણસોને કહ્યું મારે સ્વાધ્યાય છોડવો નથી. સ્વાધ્યાયથી જ મારામાં આ તાકાત આવી છે.

આવાં તો કેટલાય ઉદાહરણો છે. ભગવાન બધાને શક્તિ આપે એવા આશીર્વાદ અહીં માગવામાં આવ્યા, પરંતુ માગવાથી આશીર્વાદ નથી મળતાં; કામ કરવાથી આશીર્વાદ એની મેળે મળી જાય છે. એ જ આશીર્વાદ સાચા. ભગવાનને માટે એક દિવસ આપનારને સંભાળવાનું કામ ભગવાનનું છે અને તે કરશે જ તેને માટે મને ખાતરી છે, શ્રદ્ધા છે. ભગવાન મને આપશે કે નહીં એવું અશ્રદ્ધ બનીને માણસ માગે તો કંઈ ના મળે. અશ્રદ્ધ બનીને ભગવાન પાસે નહીં જાઓ. આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધા આ બંને શ્રદ્ધાઓનું મિલન હશે તો માણસ ઊભો થશે.

આજે પરદેશથી લોકો આવ્યા છે, તેઓ વાત કરતા હતા કે અત્યાર સુધી બાપ દીકરાના સંબંધો अहि-नकुलवत्  એટલે કે સાપ નોળિયા જેવા હતા. આજે તેમના સંબંધો બદલાઈ ગયા છે. આજે દીકરો પિતાનું માનવા લાગ્યો છે, પિતાનું કામ કરવા માટે કટિબદ્ધ થયો છે. આ શું ઓછી યશસ્વિતા છે?

અંતે ભગવાન પાસે એટલું જ કહીશ કે હે ભગવાન!

सर्वेत्र सुखिन: सन्तु सर्वे सन्तु निरामय:

सर्वे भ्द्राणि पश्यन्तु मा कश्चित् दु:खमाप्नुयात्।

 આ આશીર્વાદ અમને જોઈએ છે. આ આશીર્વાદ અમને વ્યક્તિગત જીવન Individual life આપશો તેવી ખાતરી છે, સામૂહિક જીવન collective life માં સમય લાગે.

 હવે આપણે ભાવગીત સાંભળીશું.

સાઉથની ટૂરના અમારા સહપ્રવાસી: અરવિંદલાલ દેસાઈ

કલાપી ગાર્ડનમાં મોર્નિંગ વૉક કરતી વખતે અનાયાસે જે વૃદ્ધ સજ્જન મળી ગયા તેમની સાથે અમારો પુરાણો નાતો છે. મેં પૂછ્યું, ‘મને ઓળખ્યો કે અરવિંદભાઈ!‘

દાંત વગરનું મોં ખુલ્લું રાખીને તેઓ મારા તરફ જોતા રહ્યા અને વિચારતા રહ્યા!

મને લાગ્યું કે વરસોના પડ ચડી ગયાં છે એ સંબંધ પર અને વયની પણ અસર થઈ છે, પછી તેમની યાદદાસ્તને વધારે તસ્દી આપવી સારી નહીં.

‘હું પરભુ મિસ્ત્રી, મને ન ઓળખ્યો? આપણે રામેશ્વર કન્યાકુમારીના પ્રવાસમાં સાથે હતા. પ્રવાસ દરમિયાન આપણે પરસ્પર સતત લડતા રહેતા હતા!

‘પરભુભાઈ મિસ્ત્રી?‘

 ‘હા. આપણી જોડે ટેક્ષ્ટાઈલ વેપારી હસમુખભાઈરાવલ હતા. એક મિ. ટાંક હતા….‘ થોડા સહપ્રવાસીઓના નામો મેં જણાવ્યા. બોખા મોં પર મલકાટ પ્રસરી ગયો! અબ બાત આયી સમજમેં! ‘તમારી તબિયત કેમ છે, દક્ષાબેન શું કરે છે, એમની તબિયત કેમ છે.‘ વગેરે પ્રશ્નો મેં કર્યા. વરસો પછી કોઈ આત્મીયજન મળ્યું હોય એટલો આનંદ અમે બંને જણાં માણી રહ્યા.બરાબર વીસ વરસ પહેલાંનું તોફાન નજર સામે ઊભરી આવ્યું. રમણભાઈ શાહ સંચાલિત નૂતન ટ્રાવેલ્સની અમારી એ ટૂરના સહપ્રવાસીઓના જીવ ઊંચા થઈ જતા હતા અમારા શબ્દબાણોને કારણે. અમે ક્યારે બાઝી પડીશું તેનું ઠેકાણું નહીં, એમ સૌને લાગતું હતું.. મારા સ્વભાવ વિરુદ્ધ હું વર્તી રહ્યો હતો!

પ્રાથમિક પરિચય પછી ટ્રેનના ડબ્બામાં વાતચીત ચાલી રહી હતી. મારા કંપાટમેન્ટમાં સિવિલ હોસ્પીટલની નર્સ બહેનોની મેજોરિટી હતી એટલે મારી બાજુના કંપાર્ટમેન્ટમાં વડીલોના ગૃપ વચ્ચે જઈને હું બેઠો હતો. કોઈ મુદ્દા પર મારો અભિપ્રાય લેવાનું એક વડીલે સૂચન કર્યું. અને અરવિંદલાલ દેસાઈએ બેપરવાઈથી અનાવિલને છાજે તેવું બોલી નાંખ્યું, ‘એ કુંભારને હું કારેલા હમજ પડે?‘

હું તો અનાવિલો અને પટેલોની જબાનથી બરાબર ટેવાયેલો એટલે મને તો  જરા પણ ઝાળ ન બળી! પણ મારી આવી ઘોર અવગણના બીજા વડીલોથી સહન ના થઈ. તેઓ બોલ્યા, ’અરવિંદભાઈ, જરાક તો માન અને સભ્યતાથીબોલો.‘ અરવિંદભાઈ કહે, ‘આનાથી વધારે વળી કેટલાક માનથી બોલવાનું હોય!‘ લોકોના ચહેરા પર કડવું હાસ્ય ઊભરી આવ્યું. મેં મનોમન નક્કી કરી લીધું કે આ અરવિંદ દેસાઈ જે ભાષા સમજે છે તે જ ભાષામાં મારે એમની જોડે વાત કરવી પડશે. પરિણામે, કોઈપણ મુદ્દા પર અમે પરસ્પર વાંકુ જ બોલવા માંડ્યા. આ ટુરમાં મારે અદ્દલ દેહાઈ તરીકેનો પાઠ ભજવવાનો છે! વડીલોને મનમાં થયું કે આ અરવિંદભાઈ તો એમના અનાવિલોના સ્વભાવ પ્રમાણે કડવું બોલે, પણ પરભુભાઈ એમની સામે કેવી રીતે ટક્કર ઝીલી શકશે.? આવું જ ચાલશે તો પ્રવાસ દરમિયાન સતત ચકમક ઝર્યા જ કરવાની.

અમારા બંનેની ખાસિયત એ હતી કે અમે જાહેરમાં સામસામે ઘુરકિયાં કરીને બોલતા ખરા, પણ મારા પક્ષે તો એ ગોલાલડાઈ જ હતી. અમે બે એકલા મળીએ ત્યારે હું એમની સાથે ખૂબ માનથી વર્તન કરતો હતો.. અમને એ રીતે મિત્રભાવે ગોષ્ઠિ કરતા જોઈને અન્યોને ખૂબ નવાઈ લાગતી! હમણાં તો એકમેકને ખાઈ જવાના હોય તેમ ઉગ્ર ભાષામાં બોલતા હતા અને આમ અચાનક પરસ્પર ભાવ ક્યાંથી ફૂટી નીકળ્યો હશે! અરવિંદલાલ મને કહે, ‘અયલા હુંથાર, તને અમારી ભાઠલા બોલી હારી આવડતી દેહું. તું કાંથી હીખી લાયવો?‘ હું કહું, ‘એ તારે જોવાનું નથી. તમે દેહાઈ લોકો એમ સમજી બેઠા છે કે કડવી જબાન પર તમારો એખલાનો જ અધિકાર છે? અમારા બાપ દાદાનો ધંધો પણ છોડા કાઢવાનો છે. અમારી જીભ પણ કુહાડા જેવી હોય છે. પેલી કહેવત તમને યાદ કરાવું કે હુંથારની કરવત બેધારી હોય છે, આવતાંયે વહેરે ને જતાંયે વહેરે! અમારી જબાન કોઈ રીતે તમારાથી ઊતરતી નથી. હમસે પંગા લેના મત!‘ મારી પત્ની મનોમન અકળાય કે આમને શું થઈ ગયું છે! આ તો કંઈક જુદું જ રૂપ હું જોઈ રહી છું. હું એને સમજાવું કે તું તારે જોયા કર. મારે ક્યાં કોઈની  સાથે લડવાનું છે, આ તો એક નાટક છે. જો કે મારા સમજાવવા છતાં તેને હેયે ફડક તો રહેતી જ હતી. ક્યાંક હસવામાંથી ખસવું થઈ ગયું તો? એવો ભય પણ રહે.

અરવિંદભાઈની પત્ની દક્ષાબેનને મારી પત્ની સાથે અને મારી સાથે સારું બનતું હતું. કોઈ જગ્યાએ સાઈટ સીન જોવા ગયા હશે ત્યાં વોટર ફૉલ આગળ અરવિંસભાઈ અને દક્ષાબેને ફોટો પડાવ્યો. ગાડીમાં બેઠા પછી એ ફોટો જોઈને હસમુખ રાવળે વ્યંગ કરતા કહ્યું કે ‘અરવિંદભાઈ, આવા પ્રસંગે પણ તમે કેમેરા સામે જોવાને બદલે આઘું કેમ જૂઓ છો, અને ચહેરાની રેખા આટલી બધી તંગ કેમ? જરાકવાર તો હસતું મોઢું રાખવું હતું!‘ દક્ષાબેન કહે કે  ‘એ તો આખી જિંદગી એવા ને એવા જ રહ્યા છે!‘ અરવિંદભાઈને કંઈ ફરક ન પડે. એની દુનિયા જ જુદી! કોઈ વાતનો સીધો જવાબ આપવાને બદલે વાત ફેરવતા હોય તેમ દક્ષાબેન પાસે હળવેકથી લાઈટર માંગે! દક્ષાબેન ચિડાય. એમના પર અકળાય. ‘કેટલીવારમાં તલપ લાગી ગેઈ!‘ અરવિંદલાલ ચોરીછૂપીથી કરગરે, ‘આટલી વખત આપનીં! મગજમારી કર્યા વગર.‘ દક્ષાબેન કમને અને ગુસ્સાથી લાઈટર લગાડી મૂકે! અરવિંદલાલે દેવાનંદના જેવું શર્ટ પહેર્યું હોય અને દેવાનંદની સ્ટાઈલમાં જ સિગારેટ ફૂંકે. દેસાઈ લોકો રિક્વેસ્ટ કરે તેમાં પણ ટોન તો દાદાગીરીનો જ હોય!

બેંકોના ક્લિયરિંગ હાઉસમાં બેંક ઓફ બરોડામાંથી ચેક્સ લઈને આવતો વલસાડનો સતીષ દેસાઈ મારી બાજુમાં જ બેસતો હતો. તે મને કહેતો કે ‘અમારી જબાન તો આવી જ રહેવાની. ગામડાનો હોય કે શહેરનો હોય, ઓછું ભણેલો હોય કે ઉચ્ચ ડિગ્રી મેળવેલી હોય. ક્લાર્ક હોય કે મેનેજર દેસાઈ એ દેસાઈ જ રહેવાનો! તું મોરારજી દેસાઈની જ વાત કર ને! વડાપ્રધાન થયો તો પણ બોલવામાં તો આખ્ખો જ રહ્યો.પણ તું કેમ અમારા જેવું બોલે છે?‘ મેં કહેલું કે ‘હું ગામડેથી આવું ને એટલે!‘ એ ઘટના પણ મને યાદ આવી ગઈ.

અરવિંદભાઈની પત્ની દક્ષાબેનને હું મારી મોટી બેન જેવી ગણું. મારાથી બે વરસ જ મોટી હશે. અમે સમવયસ્ક જ ગણાઈએ.હું બાવન વરસનો, દક્ષાબેન ચોપનના જ્યારે અરવિંદલાલ બાસઠના! એ દેખાવે ઊંચા, પાતળા, સિગારેટ ફૂંકી ફૂંકીને ફેફસાં બગાડી મૂકેલા. ઊભા હોય તો સ્હેજ વાંકા વળી ગયેલા દેખાય. ઘડપણ પ્રવેશી ચૂકેલું. મગજમાં કાયમ ભમરીભરી રાખેલી હોય તેવો રૂક્ષ ચહેરો. કોઈને ઝૂડી કાઢવા તત્પર હોય તેવા જ ભાવો એના ચહેરા પર દેખાય.  માણસે એની પત્ની જોડે પણ પ્રસન્ન ચહેરે કદી વાત કરી હશે કે કેમ તેની શંકા જાય. દક્ષાબેનને તો હંમેશાં તતડાવ્યા જ કરે. દક્ષાબેને અમારી આગળ દિલ હળવું કર્યું. મેં મનોમન નક્કી કર્યું કે મારે એને ઉશ્કેરવા છે અને પછી હસાવવા છે.

બેંગલોરમાં સાઈટ સીન જોવા ગયાં. બસમાં બારી પાસે દક્ષાબેન બેઠા, એમની બાજુમાં હું બેઠો અને આ મહાશય તો પોતાને વીઆઈપી સમજે એટલે બસમાં છેલ્લે એન્ટ્રી મારે. મારી બાજુમાં આવીને બેઠા. એની નજર બારી બહાર હોય પણ સૌંદર્ય જોવાને બદલે કંઈક બીજા જ વિચારો એના મગજમાં ચાલતા હોય. એના રસના વિષયો જુદા. થોડીવાર પછી એ ખાનગી વાત કરવાના હોય તેમ દક્ષાબેનને સંકેત કરે. દક્ષાબેન જોયું ન જોયું કરે, ભાવ નહીં આપે! પતિદેવ અકળાય. હું વચમાં અવરોધ થઈને બેઠેલો. એ ઊંચાનીચા થાય એટલે હું ટોંકુ, જરાક હખેથી બેહો ને અમને હો બેહવા દો. દાંત તો મોંમાં હતા નહીં તોયે મારા પર દાંત કચકચાવે! હું કહું, ‘જુઓ અરવિંદલાલ, દક્ષાબેન મારી બેન છે એટલે તમે મારા બનેવીલાલ થયા! હું તમને અરવિંદલાલ કહું કે બનેવીલાલ કહું કે દેહાઈ કહું તે તમારે ચલાવી લેવું પડે. બસમાં ચવરચવર કયરા વગર સાંતિથી બેહો.‘ એ મને કહે કે ‘હુંથાર તુ નીં હમજે!‘ હું દક્ષાબેનને પૂછું કે કેમ ચવર ચવર કરે છે ને મને કેમ કહે છે કે તને હમજ ન પડે?‘ તે કહે ,‘ભાઈ ડોક્ટરે એને સિગારેટ પીવાની ના પાડેલી છે અને મને કહેલું કે એને લાઈટર જ નહીં આપવાનું.‘ મને સમજાયું કે ભાઈનું નિકોટિનનું લેવલ ઘટી જવાથી બેચેન છે!

                              **  ૨  **

 અરવિંદલાલ આજે જેટલા વૃદ્ધ દેખાય છે તેટલા જ વૃદ્ધ વીસ વરસ પહેલાં પણ દેખાતા હતા. પરિણામે દક્ષાબેન અને એમની ઉંમર વચ્ચે વાસ્તવિક જે તફાવત રહેલો છે તેના કરતા વધારે તફાવત દેખાતો હતો. તેમાં પત્ની સાથેની એમની વર્તણૂકને કારણે બંને વચ્ચે એક આખી પેઢીનું અંતર હોય એમ લાગતું હતું. એ પરિસ્થિતિમાં સંગમ ફિલ્મનું ‘મૈં કા કરું રામ, મુઝે બૂઢ્ઢા મિલ ગયા!‘ ગીત ન યાદ આવે તો જ નવાઈ. અરવિંદલાલ પત્નીને જાત્રા કરાવવા કે સહેલ કરાવવા નીકળ્યા છે એવું માનતા હતા, પણ પોતે જાત્રા કે પિકનિકના મૂડમાં નહોતા જણાતા. તેઓ અમારી વચ્ચે હતા અને છતાં નહોતા! મતલબ કે એમનું શરીર જ અમારી વચ્ચે હતું બાકી ચિત્ત તો કશે બહાર જ ભમતું જણાતું હતુ. ‘બૈરી બૈરીની વ્હાયે!‘ એને ઘરમાંથી બહાર લાવ્યો તે જ એનો મોટો ઉપકાર! એવી ભાવના કેટલાક પતિદેવોમાં હોય છે. અરવિંદલાલ એ કેટેગરીમાં આવતા હતા.

ચાર દિવાલો વચ્ચેથી બહાર નીકળીને દુનિયા જોવાનો, રૂટિનથી અલગ જિંદગી જીવવાનો. પતિનું સાંન્નિધ્ય માણવાનો, સજોડે ચાલવાનો, બેસવાનો, જમવાનો, પ્યારભરી મીઠી મીઠી વાતો કરવાનો પત્નીને હૈયે હરખ હોય કે નહીં? રેઢિયાળ જિંદગીથી અલગ સપનાની દુનિયામાં મહાલવાનો યત્કિંચિત લ્હાવો લેવાનું દરેકને મન થતું હોય છે. અરવિંદલાલને આ બધું સમજાવવું એ ભેંસ આગળ ભાગવત સમાન હતું.

 સમુદ્ર કિનારે તાડના ઊંચા વૃક્ષો ઊગી નીકળ્યા હોય તેવું દૃશ્ય ઊભું કરતી પવનચક્કીઓ જોઈને અરવિંદલાલે એમની માહિતી શેર કરતાં જણાવ્યું કે ‘આ બધી પવનચક્કીઓનું સૌથી વધારે પ્રોડક્શન સૂઝલોન કંપની કરે છે અને આપણે ત્યાં ગુજરાતના વાપીમાં પણ એ તૈયાર થાય છે!‘ મને એ નહોતી ખબર, પણ એ જાણીને સંતોષ થયો કે ગુજરાત વીજ ઉત્પાદન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યું છે. નાનપણમાં મેળામાંથી ખરીદેલી રંગબેરંગી આકર્ષક ચકરડી અને તાડના પતિયામાંથી તથા દુકાનેથી આવેલા પડીકાના કાગળમાંથી બનાવેલી ચકરડી હાથમાં પકડીને મહોલ્લામાં ગબેડી મારતા તે ઘટના યાદ આવી ગઈ. તેનું વિકસાવેલું સ્વરૂપ તે આ પવનચક્કી. પવનની ગતિ શક્તિનું વિદ્યુતશક્તિમાં રૂપાંતર એ શક્તિની અચળતાનો ગુણધર્મ દર્શાવે છે. શક્તિનો કદી નાશ થતો નથી. એનું રૂપાંતર માત્ર થાય છે. આત્મા મરતો નથી, વાસાંસિ જિર્ણાનિ યથા વિહાય.. અને પછી પુનર્જન્મની વાત ગીતામાં સમજાવેલી છે. બાળકો જે ચકરડી ફેરવવાનો આનંદ માણે છે તેમાં વિદ્યુત શક્તિ મળતી નથી; તેમાં તો દોડવાની ગતિશક્તિ અને હવાની શક્તિનું રૂપાંતર ‘આનંદશક્તિ‘માં થતું હોય છે. એ ઉત્સાહ, આનદ અને સંતોષ માપવાનું કોઈ યંત્ર હજી સુધી શોધાયું નથી.

 એક સ્થળે અમને હોલ્ટ આપવામાં આવ્યો હતો. જેમને જ્યાં ફરવું હોય ત્યાં યથેચ્છ ફરી શકે. પ્રવાસીઓ ગૃપ બનાવીને નીકળી પડ્યા. દક્ષાબેન અરવિંદભાઈને શોધે, પણ અરવિંદલાલ કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયા! વર એણે ગોત્યો ગોત્યો ને ક્યાંયે ના જડ્યો. આ સ્વૈરવિહારી જીવને પોતાની પત્નીની કોઈ ચિંતા નહોતી. એખલી થોડી જ છે, બીજાં બધાં પણ છે ને! બેન ટેવાઈ ગયેલાં હશે કે આ તો રોજનું રહ્યું. બધાં ફરીને આવી ગયાં પણ અરવિંદલાલનો કોઈ પત્તો નહીં. ક્યાં ગયા હશે?  પ્રવાસ આયોજક રમણભાઈ રમુજી માણસ હતા. તેમણે રમુજ કરી કે ખોટો સિક્કો ક્યાંયે ખોવાય નહી. એમના વિશે વાતો થઈ. કેટલાક જણે મજાક પણ કરી. અચાનક તેઓ પ્રગટ થયા. એમનો ચહેરો આત્મવિશ્વાસથી છલકાતો દેખાયો. બધા પૂછવા લાગ્યા કે ક્યાં ગયેલા? અરવિંદલાલે ગજવામાંથી કેટલાક વિઝિટિંગ કાર્ડ્સ કાઢીને દેખાડ્યા. જણાવ્યું કે હું આટલી આટલી કંપનીઓમાં જઈ આવ્યો અને પવનચક્કી માટે સોદો કરવાની વાત કરી આવ્યો. લોકો તાજ્જુબ થઈ ગયા. પત્નીની નિરાશાની એમને કંઈ પડી નહોતી.

અમારી ટૂરમાં બીજું પણ એક દેસાઈ કપલ હતું. ખૂબ સમજદાર અને વિવેકી. તેઓ બીલીમોરાના હતા. વેલ એજ્યુકેટેડ હતા. પતિ પત્ની વચ્ચે સાયૂજ્ય હતું. તેઓ મારી સાથે શાંતિથી ઘણી બધી વાતો કરતા. આ બે અનાવિલ દંપતિના વ્યવહાર વચ્ચે આભ જમીનનો તફાવત હતો. નર્સિંગ ગૃપમાં બિન્દાસ્ત સ્વભાવ માટે જાણીતા પન્નાબેન દેસાઈ પણ હતા. ક્યારેક એવું બોલી પાડે કે આપણે શરમમાં મુકાઈ જઈએ. મને એકવાર તેમનો અનુભવ થઈ ગયેલો. મારા ઘરે મારી પત્ની સાથે આવેલી. જતી વખતે તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે મેં એમને આવજો કહ્યું, તો તરત જ મારા ઘરમાં આવીને મારી પાસે બેસી ગઈ. મને કહે કે ‘હવે હું અહીં જ રહેવાની. મારે હવે તારી સાથે જ રહેવું છે!‘ મેં સાંભળેલું હતું કે પન્ના દેસાઈ બહુ બોલ્ડ સ્વભાવના છે, પણ તેઓ મને શરમમાં મૂકશે એવું કદી ધાર્યું નહોતું. એવા પન્નાબેને મને જણાવ્યું કે હું પણ દેસાઈ છું તે તમે અરવિંદલાલને કહેતા નહીં. મારા ગામનું નામ પણ કહેતા નહીં. જો કે અરવિંદલાલની તો દુનિયા જ જુદી હતી. ખપ પૂરતા જ આ દુનિયામાં અમારી વચ્ચે આવી જતા. અને વે તેવા સુપરમેન હોય તેવો વ્યવહાર કરતા.

એક વાત હું જણાવવાની ભૂલી ગયો કે 2002 ની સાલમાં મોબાઈલ ફૉનનું ચલણ હજી ચાલુ થયું નહોતું. કોઈ પાસે કોડલેસ ડબલા ફૉન હોય તેયે વૈભવ ગણાતો હતો! મોબાઈલ તો ભાગ્યે જ કોઈના હાથમાં જોવામાં આવતો હતો. અરવિંદલાલ તે જમાનામાં મોબાઈલ હાથમાં લઈને ફરતા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે એને મોબાઈલ ફોનથી કોઈની જોડે વાત કરતા કોઈએ જોયા નહોતા. મેં એમને પૂછ્યું કે તમારા હાથમાં આ રમકડું શેનું છે? તો કહે, એ રમકડું નથી. એ મોબાઈલ ફૉન છે. મેં સળી કરતાં કહ્યું કે મોબાઈલ ફૉન હોય તો એનો ઉપયોગ કેમ નથી કરતા. મને લાગે છે કે પ્રવાસમાં બધા પર રૂઆબ છાંટવા માટે અસલી મોબાઈલને બદલે બાળકોને રમવાનું રમકડાનું મોબાઈલ લાવેલા લાગો છો! અરવિંદલાલ અકળાઈ ગયા. તેઓ બોલ્યા કે ‘અરે ભાઈ, અસલી મોબાઈલ જ છે.‘ તો પછી વાત કેમ કરતા નથી? તેઓ કહે કે બેટરી ખલાસ થઈ ગઈ છે. મેં કહ્યું કે એ બધા બહાના છે! લોકોને ઉલ્લુ બનાવો છો! એમણે થેલીમાંથી ચાર્જર કાઢીને બતાવ્યું. હકીકતમાં મોબાઈલ ફૉન વિશે મને કોઈ જાણકારી જ નહોતી એટલે મેં કહ્યું કે આ વળી નવો સ્ટંટ!

વાત એમ બનેલી કે એમના દીકરાએ એમને એ ફૉન લઈ આપેલો અને કેમ વાપરવાનો તે પણ શીખવી દીધેલું. પ્રવાસમાં જવાનું થાય ત્યારે મોબાઈલ ઘણો કામ લાગે. બેટરી ઊતરી જાય તો ચાર્જ કરવા માટે ચાર્જર પણ સાથે લાવેલા હતા. ટ્રેનની મુસાફરી દરમિયાન બેટરી પૂરી થઈ ગયેલી. ફૉન મરી ગયેલો હતો! ગાડીમાં તે વખતે મોબાઈલ ચાર્જ કરવા માટેના પોઈંટ નહોતા. અરવિંદલાલની ગણતરી હતી કે હોટેલમાં ઊતારો મળે ત્યારે રૂમમાં ચાર્જ કરી લેવાશે. કમનસીબે, રૂમમાં પંખા લાઈટની સ્વીચ સિવાય પીન નાંખવા માટેના પ્લગ નહોતા. બહાર ફરવા નીકળીએ ત્યાં કોઈ દુકાનદાર પાંચ મિનિટ માટે પણ ચાર્જરની પીન નાખવા નહોતા દેતા! પ્રવાસ પૂરો થયો ત્યાં સુધી ઠેક ઠેકાણે પ્રયત્ન કરી જોયો, પણ મોબાઈલ ચાર્જ કરવા દેવાની ઉદારતા કોઈ દુકાનદાર કે હોટેલવાળાએ બતાવી નહીં. છતા સાધને ફજેતી થઈ રહી હતી.

                               **  ૩  **

 આ મોબાઈલ પ્રકરણે તો અમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધેલા. એવું ક્યારે અને કેમ થયેલું તે જાણ્યા પછી લોકોને ખરેખર હસવું આવશે! પણ તે પહેલાં અરવિંદલાલ સાથેના અમુક પ્રસંગો યાદ કરીને લખી દઉં.

એમનું અંગ્રેજી પાવરફુલ હતું. અને આત્મવિશ્વાસ તો એમના જિન્સમાં હોય જ. કોઈની પણ જોડે દલીલ કરતી વખતે આક્રમકતા પણ હોય જ. એમને છેડવા એ જોખમી કામ હતું. બિચારી દક્ષાબેન તો પારેવા જેવી. આવા જમદગ્ન્ય જેવા માણસ જોડે જિંદગી કાઢવી એ એક તપ જ છે. મારે એમની સાથે શાબ્દિક ટપાટપી જરૂર થઈ, પણ ટપાટપી પછી જે દોસ્તી જામે છે તેની વાત જ ન્યારી છે. પેલું એક ગીત છે કે પ્યાર મેં અકસર પ્રેમી પહલે ઝગડા કરતે હૈં. મગર ફિર આહેં ભરતે હૈ;, એકદૂજે પે મરતે હૈં! પરસ્પર જેટલું ઘસાતું બોલી શકાય તેમ હોય તે સઘળું બોલી દીધા પછી જે સંબંધ બંધાય છે તેમાં પછી ફરિયાદ કરવાને કોઈ અવકાશ રહેતો નથી. મારે અને અરવિંદલાલને એવું જ બન્યું. મારે માટે આવું પ્રથમવાર નથી બન્યું. મહાનુભાવો સાથેના મારા મોટાભાગના સંબંધો ઝગડ્યા પછી જ રંગ લાવ્યા છે. એક તરફ કાતિલ બોલિંગ બેટિંગ ચાલતી હોય તે સાથે જ તેના અમુક મજબૂત પાસાંનો પરિચય થતો જાય છે અને જેમ જેમ એ ખબર પડતી જાય છે તેમ તેમ માણસમાં રહેલી પ્રતિભાનું આકર્ષણ થતું જાય છે. અરવિંદલાલ મારાથી દસેક વરસ મોટા તો હતા જ તે સાથે વાસ્તવિક ઉંમર કરતાં વધારે ઘરડા દેખાતા હતા. તે મારા માટે આદરણીય વડીલ બની રહ્યા.

મદ્રાસથી અમે તિરુપતિ બાલાજી દર્શને ગયા. ધારવા કરતા દર્શન વહેલા થઈ ગયા. માત્ર અડધા જ કલાકમાં જ પતી ગયું. પછી ત્યાંના બજારમાં આમતેમ ફરતા હતા. કોઈ નવીન વસ્તુ ખરીદવા જેવી લાગે તે ખરીદીને બસમાં ભેગા થવાનું હતું. અરવિંદલાલને ખરીદીમાં કોઈ ઈન્ટરેસ્ટ નહોતો. એમને શામાં ઈન્ટરેસ્ટ હતોતે સમજવું જ મુશ્કેલ હતું. તેઓ બસ આગળ જ ઊભેલા હતા. બધાં બસમાં બેસવા આવ્યા તેમની સાથે દક્ષાબેન પણ આવ્યા. દક્ષાબેનના હાથમાં આર્ટિફિશિયલ ગુલાબની કળી અને ફૂલોનો મનમોહક ગુલદસ્તો હતો. એ જોઈને અરવિંદલાલનો પિત્તો ગયો! તેઓ પત્ની પર તાડૂકી ઊઠ્યા, ‘આ હું કામ લીધું?‘ દક્ષાબેને શાંતિથી કહ્યું કે મને ગમી ગિયુ એટલે લેઈ લીધુ. પતિદેવે એને ઠોંહાટી કાઢી. નકામા પૈહા બગાયડા, આવા પ્લાસ્ટિકના ફૂલ તો સુરતની શનિવારી બજારમાં જોઈએ તેટલા મલે છે.‘

પોતાની પસંદગીની વસ્તુનું આવું અવમૂલ્યન થતું જોઈને દક્ષાબેનથી ન રહેવાયું. જિંદગીમાં તો ખબર નહીં, પણ આટલા દિવસના પ્રવાસ દરમિયાન પહેલી જ વાર એમણે ફૂંફાડો માર્યો! ‘તમે કોઈ દિવસ મને ચોક બજાર સુધી જવા દીધી છે ખરી?‘ સૌના કાન ઊંચા થયા. બધાંને આ ફૂંફાડો ગમ્યો. અરવિંદલાલ ખિસિયાણા પડી ગયા. જાહેરમાં તેમની બેઈજ્જતી થવાથી ગલવાઈ ગિયા. દક્ષાબેનમાં અચાનક આવી હિંમત ક્યાંથી આવી ગઈ એવું વિચારતા હશે, પણ સ્વજનને કાયમ ઉતારી પાડવાનું પરિણામ આવું જ આવે. ક્યારેક તો તે માથું ઊંચકે જ. કાયમ ઝગડતા દંપતિએ પણ જાહેરમાં તો એકમેકનું માન જાળવવું જ જોઈએ.

એક દિવસ અમે મૂડમાં હતા. અમે બે જ જણા હતા ત્યારે મેં અરવિંદલાલને વાત કરી કે તમારી અટકમાં જે છેલ્લો અક્ષર ઈ આવે છે ને તે બહુ ખતરનાક છે. સિગારેટનો ધુમાડો કાઢતા કાઢતા તેઓ મારી સામું જોતા રહ્યા. મારા બોલવાનો અર્થ સમજવા મથી રહ્યા. એમણે પૂછ્યું, ‘કેમ, એમાં તને હું દેખાયું?‘ મેં કહ્યું કે એ ‘ઈ‘ જોઈને મને ફેણિયો સાપ યાદ આવે છે! એમનું કુતૂહલ વધ્યું. ફેણ માંડેલો સાપ ક્યારે કોઈને ડંખ મારી બેસે તેનો ભરોસો નહી. એ ‘ઈ‘ એ તમારા જેવા દેસાઈ લોકોના ઈગોનો ‘ઈ‘ છે! હું બહુ જોખમી શબ્દો બોલી રહ્યો હતો. પણ મારી વાત સાંભળીને તેઓ હસી પડ્યા. એના મગજમાં કોઈ વિચાર ઝબકી ગયો. મને કહે, ‘અયલા હુંથાર, અમારું અનાવિલ લોકોનું જય શુકલેશ્વર નામનું એક ચોપાનિયું બહાર પડે છે તેમાં તારે આવું લખવું જોઈએ.‘ મેં કહ્યું, ‘મને મારી નંખાવવો છે? એક સાથે અનેક ફેણિયા મને ડંખ મારવા ધસી આવશે. તમે મને બચાવવાના છો‘ તેઓ વિચારમાં પડી ગયા. મને થયું કે મોઢા સુધી ધસી આવેલા બીજા શબ્દો પણ બોલી જ દઉં, અત્યારે વાતાવરણ જરાક અનુકૂળ લાગે છે.

બીજી એક વાત કરું? તમારા લોકોમાં કેટલાક પુરુષો તેમના નામ સાથે કુમાર, ચંદ્ર, ભાઈ કે લાલ લખવાને બદલે રાય લખે છે તે ખોટું છે! એમણે પૂછ્યું કે કઈ રીતે ખોટું કહેવાય? મેં પૂછ્યું રાય એટલે શું? તો કહે ‘રાય એટલે રાજા.‘ મેં કહ્યું કે રાજાઓના રાજ ગયા અને અંગ્રેજોનો તાજ પણ ગયો, લોકશાહી દેશમાં હવે કોઈ રાજા રહ્યું જ નથી છતાં તમે લોકો રાજા હોવાના વહેમમાં કેમ જીવો છો?‘ મૌન રહીને તેઓ સાંભળતા રહ્યા. મને મજાક સૂઝી એટલે ઉમેરો કર્યો કે ‘રાયને બદલે રાઈ લખો તો બરાબર મેળ બેસે!‘ એમણે પૂછ્યું, ‘એનાથી હું ફરક પડે? મેં કહ્યું કે તમે લોકો રાય એટલે રાજા તો છો જ નહીં. પણ તમે લોકો ભેજામાં રાઈ રાખીને જીવો છો! વળી એમાં આવતો ઈ તમારા ઈગોની ઓળખ આપતો હાજરાહજુર છે એટલે આટલો સુધારો કરવા જેવો છે. અરવિંદલાલે કબૂલ કર્યું કે અમારા અનાવલાના લક્ષણો જોતાં તું કહે છે તે વાત ખોટી નથી.

એકવાર કોઈ મંદિરના ભોજનાલયમાં અમે પંગતમાં જમવા બેઠા હતા. તેઓ મારી બાજુમાં જ હતા. બેસી તો ગયા, પણ પીરસાવાની વાર હતી. અરવિંદલાલને એકાએક કંઈ યાદ આવ્યું એટલે મને કહે કે ‘અયલા, તારી પોરીના લગન થાય તિયારે જમવા હારુ મને બોલાવજે હં કે!” મેં એમનો પતંગ ભર દોરીએ કાપી નાંખ્યો. મેં કહ્યું, ‘એનું અત્યારથી કંઈ કહેવાય નહીં, તે વખતે તારા અને મારા સંબંધો કેવા રહ્યા હશે તેના પર બધો આધાર છે.‘ અનપેક્ષિત જવાબ મળવાથી નિરાશ થાય તે બીજા! એમણે કહ્યું કે ‘અયલા કરવામાંથી તો ગિયા પણ બોલવામાંથી હો ગિયા?‘ મેં કહ્યું કે એવી કાલ્પનિક સભ્યતા દેખાડવાનું મને આવડતું નથી.  મને કહે કે ‘તુ હો દેહાઈ જેવો જ આખાબોલો છે.‘

હવે મોબાઈલની વાત લખીને અટકું. વળતી વખતે અમારી ગાડી ભુસાવળમાં ઊભી રહી. ગાડી થોભવાની હતી. એ સમય દરમિયાન પ્લેટફોર્મ પર આંટા મારવા નીકળ્યા. અરવિંદલાલની અધૂરી ઈચ્છા સળવળી ઊઠી. ચોકડાવાળી લીલા રંગની લુંગી  ઉપર ખમીશ પહેરેલું હતું. હાથમાં મોબાઈલ અને ચાર્જિંગ વાયર લઈને પ્લગ પોઈંટ શોધવા નીક્ળી પડ્યા. સાથે હું પણ ગયો. સ્ટોલ પર અને પ્લેટફોર્મ પર નજર કરતા કરતા આગળ નીકળી ગયા. એક જગ્યાએ નંબર લાગી ગયો. ત્યાં પીન ખોસી દીધી. ચાર્જિંગ ચાલુ થઈ ગયું, પણ ધીમું થતું હતું.  અમારી એક નજર મોબાઈલ પર અને બીજી નજર અમારા ડબ્બા પર હતી. એકાએક અમે જોયું કે ગાડી ચાલુ થઈ ગઈ હતી. માયા સંકેલીને જલદી જલદી  અમે દોડ્યા. અમારો ડબ્બો તો નીકળી ગયો હતો એટલે જે ડબ્બામાં ઘુસાય તે ડબ્બામાં ઘુસી ગયા. પછી ડબ્બો બદલી લેવાશે એમ સમજીને  બેઠા તો ખરા, પણ પેસેન્જરોની વાત પરથી સમજાયું કે ગાડી સુરત તરફ આવવાને બદલે જલગાંવ તરફ જઈ રહી હતી! મતલબ કે અમે ભૂલમાં બીજી જ ગાડીમાં ઘુસી ગયા હતા. અમે ફસાયા. ચેઈન પુલિંગના નિયમો પણ બદલાયા હતા એટલે તાત્કાલિક ગાડી થોભાવાય તેમ નહોતું. જ્યારે ગાડી ઊભી રહી ત્યારે અમે ખાસ્સા દૂર પહોંચી ગયા હતા. બહાર જઈને અમે રિક્ષા કરી. પણ ભુસાવળ સ્ટેશન સુધી આવવાનું ભાડુ જેટલા પૈસા ક્યાં હતા! અરવિંદલાલ તો લુંગીમાં જ હતા. ખમીશના ગજવામાં પાંચ રૂપિયા હતા. સદભાગ્યે મારા ખિસામાંથી એમના કરતા વધારે પૈસા નીકળ્યા. જલદી જલદી ભાડું ચૂકવી અમે પ્લેટફોર્મ તરફ દોટ મૂકી. સુરત તરફ જતી ગાડી જોડે અમારો ડબ્બો જોડેલો હતો. અમારી એ ગાડીને અમારી નજર સામે સ્ટેશન છોડતી જોઈ રહ્યા. આવી લાચાર સ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે સાલું લાગી આવે. જરાકને લીધે અમે ગાડી ચૂકી ગયા. મૂઓ એ મોબાઈલ! એ મરેલો હતો તે એને મરેલો જ રહેવા દીધો હોત તો સારું થાત!

સ્ટેશન માસ્તર પાસે જઈને વીતક કથા કહી. લુંગીએ સ્ટેશન માસ્તરને કન્વિન્શ કરી દીધો. બંને ગાડીનો સમય એકસરખો હોવાથી આવું થાય છે. એમને સમજાવ્યું કે અમારી પાસેના પૈસા તો ડબ્બામાં જ રહી ગયા છે. એમણે ત્યાર પછીની ગાડીમાં અમારી વ્યવસ્થા કરી આપી. ટૂર આયોજક ભલા હતા. એમણે પણ એમની રીતે તોડ કાઢવાનો પ્રયત્ન કર્યો. ગાડીમાં બેઠા પછી નવરા પડ્યા એટલે યાદ આવ્યું કે મોબાઈલ ચાર્જ થયો કે નહીં. અરવિંદલાલે દીકરાને કોલ કરીને તમામ વિગતો જણાવી દીધી અને પ્રવાસીઓ સુરત પહોંચે અને ઘરના લોકો વાહન લઈને બધાંને લેવા આવે ત્યારે અમે ‘સલામત છીએ‘ નો સંદેશો સૌને પાઠવવા જણાવ્યું.

કલાપી ગાર્ડનમાં સવારની પાંચેક મિનિટ ચાલેલી એ મુલાકાતે તો મારા મગજમાં પડેલો આટલો બધો અ ધ ધ ધ કહેવાય તેવો ઊભરો આણી દીધો!

ઇતિ અરવિંદાયન સમાપ્ત:

                  દેશ તો આઝાદ થતાં થઈ ગયો, પછી શું?

કોઈ પણ રાષ્ટ્ર કોઈપણ કારણોસર ગુલામ બને અને એ લાંબાકાળની ગુંગળામણ પછી આઝાદ થવા માટે તત્કાલીન શાસકો સામે માથું ઊંચું કરે, આંદોલન કરે, શહીદ થાય, જેલવાસ નોંતરે, એમના માથાં ફૂટે, હાડકાં ભાંગે, તમામ રીતે ફના થઈ જાય અને એ આંદોલન લાંબું ચાલે ત્યારે તેનો સૌ પ્રથમ હેતુ તો ગુલામીની જંજીરમાંથી મુક્ત હોવાનો જ હોય. ગુલામીના પિંજરામાંથી બહાર નીકળેલું પંખી પિંજરું ખૂલ્યા પછી પિંજરાના ઢાંકણાની બહારની દિવાલ પર બેસે, ઘડીભર વિચાર કરે અને પછી વિશાળ ગગનમાં એવી ઊડાન ભરે કે જે એની અસલ જિંદગી હતી તેની પ્રાપ્તિ સુધી તે જંપે નહીં. બંદીવાન બનવાથી ટુંપાઈ ગયેલી એની પાંખો અને અને શક્તિહીન બની ગયેલી આંખોને મુક્તિની હવાનો સ્પર્શ થતાં જ એની શક્તિમાં પ્રાણસંચાર થાય અને આત્મવિશ્વાસથી અધિકારભેર આકાશમાં અને જંગલમાં એનું પૂર્વવત્ સ્થાન પ્રાપ્ત કરે. આમ જ થાય છે અને એમ જ થવું પણ જોઈએ. એ જ કુદરતી પ્રક્રિયા છે.

વિશ્વ આખું જ્યારે અંધારામાં હતું ત્યારે ભારતીય ઉપખંડમાં વૈદિક – સનાતન સંસ્કૃતિનો સૂર્ય ઝળહળતો હતો. ભારત સોનાની ચિડિયા કહેવાતું હતું. જીવનની તમામ સમસ્યાનો ઉકેલ એણે શોધી લીધો હતો. એ સમૃદ્ધ રાષ્ટ્ર પર વિદેશી આક્રાંતાઓએ હુમલા કર્યા અને એ રાષ્ટ્ર છિન્નભિન્ન થતું ગયું. વિધર્મી શાસકોએ ભારતનો ઇતિહાસ ચૂંથી નાંખ્યો. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની આંધી ચલાવી. લાખોની કતલેઆમ થઈ. પ્રજાની આસ્થાના કેન્દ્રો તૂટ્યા. જ્ઞાન- વિજ્ઞાનના પુસ્તકોની હોળી થઈ. પ્રજાએ આત્મવિશ્વાસ ગુમાવ્યો. પહેલાં મુસ્લીમ શાસકો અને પછી અંગ્રેજ શાસકોએ હિંદુસ્તાનને લૂંટ્યું. ગુલામ બનેલી પ્રજાના સુવર્ણ ઇતિહાસનું નામોનિશાન મિટાવી દીધું. પ્રજા સતત અપમાન અને દમન સહન કરતી કરતી સાવ પામર બની ગઈ. આત્મતેજ વિહોણી બની ગઈ. દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન! અન્યાય સહન કરવાની આદત પડી ગઈ, વિરોધ કરવાની ક્ષમતા વિહોણી પ્રજાની આ અવદશા જોઈને સુધારક લોકોએ જુદા જુદા સમયે, જુદા જુદા પ્રદેશમાં, જુદા જુદા ક્ષેત્રે પ્રજામાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા. અનેક બહાદુરો શહીદ થયા તે સાથે અનેક સુધારકોએ આખી જિંદગી પ્રજા વચ્ચે દટાઈ જઈને તપ કર્યું. અનેક વિટંબણાઓ વેઠી. યોગ્ય સમય આવતાં એ તમામના તપના પ્રતાપરૂપે આપણા દેશને 1947 માં આઝાદી મળી.

અનેક આંદોલનો પૈકી મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ચાલેલું આંદોલન લાંબું ચાલ્યું.  વિશાળ જનસમુદાય સુધી મહાત્મા ગાંધીજીનો પ્રભાવ વિસ્તર્યો. વિશ્વગુરુનું સ્થાન શોભાવતી ભારતીય સંસ્કૃતિના બેહાલ થયેલા તેમણે જોયા. લોકોને અન્યાય અને અપમાન કોઠે પડી ગયા હતા. અંધશ્રદ્ધા, આળસ, એદીપણું, કુરિવાજો, કુસંપ, કાયરતા અને સાવ ધ્યેયવિહોણા જીવનમાં ચેતના રેડવી અઘરી હતી. આઝાદી માટેના સંગ્રામમાં એમણે સામાન્ય લોકોને જોતર્યા એ કામ બહુ મોટું છે. તેમણે લોકોના હાથમાં તકલી અને રેંટિયો પકડાવ્યો. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન તેમણે નાક દબાવીને રસ્તા પર ચાલવું પડેલુ. લોકો જાહેર રસ્તા પર શૌચક્રિયા કરી જતા હતા, એ લોકોને સ્વચ્છતાના પાઠ શીખવવાના હતા. મહિલાઓમાં આત્મગૌરવ અને અસ્મિતા ઊભી કરવાની હતી, શ્રમનું ગૌરવ કરવાનું હતું. લોકોને શિક્ષણ લેવા પ્રેરવાના હતા. અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કરી દલિત સમાજ તરફ જોવાની લોકોની સમજ બદલવાની હતી. મુડદાલ બનેલી પ્રજાને ગાંધીજીએ અન્યાયનો વિરોધ કરી હડતાલ, અસહકાર અને સવિનય કાનૂનભંગ કરીને પ્રતિકાર કરતાં શીખવ્યું. સૈકાઓથી પ્રજાના દિલમાં છૂપાઈ રહેલા અસંતોષ અને બળાપાને જાગૃત કરીને તેને નિશ્ચિત દિશા આપી.  

સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નામી અનામી ચળવળકારોએ નેતાગીરી કરીને લોકોમાં જાગૃતિ આણી અને સૌના સહિયારા પ્રયત્નોથી પરદેશી શાસન તો હઠ્યું, પણ રાંકડી રૈયતનું જવાબદાર નાગરિકોમાં રૂપાંતર કરવાનું બાકી હતું. રૈયતને માથે કોઈ જવાબદારી હોતી નથી. તેમને તો તેમના ધંધા રોજગાર ચાલવા સાથે મતલબ; શાસન પરિવર્તન સાથે એને કોઈ લેવાદેવા હોતી નથી. ધણિયામો બદલાય તેથી કંઈ હાળીનું જીવન થોડું જ બદલાય! શાસક દોરે તેમ દોરાવાને ટેવાયેલી પ્રજા ક્યાં અને દેશના શાસન અને પ્રગતિમાં સીધો સક્રિય ભાગ ભજવનાર જાગૃત નાગરિક ક્યાં? આઝાદ દેશના નાગરિક તરીકે ચૂંટણીમાં મતદાન કરવાથી ફરજ પૂરી થતી નથી. રાષ્ટ્રની સભ્યતાને શોભે એવો જીવન વ્યવહાર કરતા પણ શીખવાનું છે. દરેક નાગરિક એ રાષ્ટ્રનો જવાબદાર પ્રતિનિધિ છે, રાષ્ટ્રની પહેચાન છે એ વાત કોઈએ યાદ કરાવી નહીં. મન, કર્મ, વચનથી રાષ્ટ્રને વફાદાર રહેવાની, વારસામાં મળેલી પ્રાચીન વિરાસતનું ગૌરવ ઊભું કરવાની વાત સ્વતંત્ર ભારતના દેશી શાસકોએ શીખવી જ નહીં. વિધર્મી અને વિદેશી શાસકોએ લખેલા ઇતિહાસ મુજબ આપણા પૂર્વજો તો જંગલી અને મૂરખ હતા એવું મગજમાં ઠસાવીને ભારતીયજનોનું મગજ બદલી નાખ્યું. પરિણામે આપણે ન તો આપણા મૂળ વારસાનો પરિચય પામી શક્યા કે ન તો નવા જમાનાને સમજી શક્યા.

આખરે, કોઈપણ પ્રજા ઊભી થાય તો તે પોતાના ડી.એન.એ. માં રહેલા લક્ષણોને ઓળખીને તથા તેનું ઉર્ધ્વીકરણ કરીને જ ઊભી થતી હોય છે. આપણા શાસકો આપણા નાગરિકોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ખિલવવાનું ચૂકી ગયા એટલું જ નહીં જેમણે પોતાની જાત ઘસીને ગંભીરતાથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઊભો કરવાનું કામ કર્યું તેમને જુનવાણી, અપ્રગતિશીલ, કોમવાદી, રાષ્ટ્રવિરોધી, માનવતાવિરોધી, સામંતવાદી, મનુવાદી, ફાસીવાદી ઇત્યાદિ ન જાણે કેટલીય ગાળો આપીને સતત અપમાનિત કરતા રહ્યા. દેશી શાસકોએ દેશના ગૌરવવંતા ઇતિહાસને પ્રગટ જ ન થવા દીધો! પ્રાચીન ઇતિહાસના સુવર્ણપૃષ્ઠો ઈરાદાપૂર્વક દબાવી દઈને ઇતિહાસના પાઠ્યપુસ્તકો તૈયાર કરનારી તારાચંદ કમિટિના વિદ્વાન ઇતિહાસકાર આર. સી. મજમુદારે નિરાશ થઈને રાજીનામું આપી દીધું હતું. તેમણે લખ્યું હતું કે અપ્રામાણિક ઇતિહાસકારોએ લખેલા અપ્રામાણિક ઇતિહાસ જોડે મારું નામ સંકળાય તે મને મંજૂર નથી. તથ્યોની ધરાર અવગણના કરીને સરકારના એજન્ડા મુજબ ગોળ ગોળ લખીને વિંટો વાળવાનો હોય તો ઇતિહાસ અને પુરાણ વચ્ચે ભેદ જ શો રહ્યો?

            કહેવાનો મતલબ આપણે આપણી સંસ્કૃતિના મૂળિયાં પકડીને ઊભા થયા હોત તો આજે વિકાસની હરણફાળ ભરી ચૂક્યા હોત. આપણી સંસ્કૃતિ પાસે પ્રમાણભૂત રાજકીય, સામાજિક, આર્થિક સુવ્યવસ્થાનો ભંડાર છે તે છોડીને અન્યત્ર ફાંફા મારવાની જરૂર નહોતી. વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર સમજીને મોડા તો મોડા પણ આપણી પોતાની ગૌરવવંતી વ્યવસ્થા ઊભી કરી વિશ્વના મંચ પર વિકાસની પગથી પાડીને દેશમાં કલ્યાણરાજ્યની સ્થાપના કરીએ અને વિશ્વને પણ તેનો પરચો કરાવી આપણી વિશિષ્ઠ ઓળખ ઊભી કરીએ. દેશના વિકાસ માટે સૌના સહિયારા પુરુષાર્થની જરૂર છે. નાગરિકો આત્મનિર્ભર બનશે તો દેશ પણ આત્મનિર્ભર બનશે. ચારિત્ર્યવાન નાગરિકો ઊભા થશે તો વિશ્વફલક પર રાષ્ટ્રનું ગૌરવ વધશે.

                            સ્વ. નાનુભાઈ ઝીણાભાઈ મિસ્ત્રી

               જ. તા. ૨-૧-૧૯૪૮                             અવસાન તા. ૧૧-૧૦- ૨૦૨૩

                      નાનુભાઈ સાથેના મારા સંસ્મરણો

        (બચપણ અને યુવાનીથી માંડી ગૃહસ્થ થયા ત્યાં સુધીના કેટલાક અંશો)

બારમી તારીખે સવારમાં ઊઠીને મોબાઈલ પકડતાં જ મેસેજ વાંચવા મળ્યો કે ગઈ રાત્રે દસેક વાગ્યે નાનુભાઈએ દેહ છોડી દીધો છે અને સવારે સાડા આઠ વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે. એના પાર્થિવ દેહને વિરાવળના સ્મશાનગૃહે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. વાંચીને ધ્રાસકો પડ્યો. દસ પંદર દિવસ પહેલાં એમની ખબર અંતર જાણવા હું એમના ઘરે ગયો હતો. નાનુભાઈ ઘરે નહોતા, પણ ચાર રસ્તે બેસવા ગયા હતા એમ જણાવાયું તે મને ગમેલું. આપણું સ્નેહીજન એટલિસ્ટ પથારીમાં નથી એ જાણીને કેટલી બધી રાહત થાય! દરરોજ સમવયસ્કો જોડે બેસવાની એમની ચિરપરિચિત જગ્યા પર પહોંચવા મેં મારું એક્ટિવા મારી મૂક્યું. પહેલાં તો નાનભાઈ કોઈ જોડીદાર સાથે ચાલીને જતા. બાંકડા પર ખુલ્લા આકાશ નીચે મિત્રો જોડે વાતો કરવા બેસતા અને સમય થાય એટલે ચાલીને ઘરે પહોંચી જતા. એને માટે એ જગ્યા સૌથી વધારે અનુકૂળ હતી જ્યારે મારે માટે એ જગ્યા અવંકી હતી. એટલે એની જેમ રોજ તો નહીં, પણ ક્યારેક હું ત્યાં જઈને બેસતો. ખાસ તો નાનભાઈને મળવા માટે જ હું ત્યાં જતો.

તે દિવસે એની સાથે અડધોક કલાક બેસવાનું થયું, તે અમારી છેલ્લી મુલાકાત બની રહી. પૌત્ર રોજ એને ચાર રસ્તે મૂકી જતો અને સમય થાય એટલે આવીને લઈ જતો. અમે મળીએ ત્યારે અમારી વચ્ચે વાતના વિષયો ખૂટે નહીં. મોંઢા સુધી આવેલી ઘણી વાતો કહેવાની રહી જાય!  ઉંમરના કારણે રાત્રે રોડ પર ચાલવાનું અઘરું થઈ પડતું હોવાથી વાતો અધૂરી રાખીને સમયસર ઘરે પહોંચી જવું પડે. દસેક મિનિટ સુધી બેસીશ એવું ધારીને હું નીકળેલો પણ અડધો કલાક તો ચપટી વગાડતામાં પસાર થઈ ગયો. એને ચાલવાની તકલીફ હતી. ચાલે ત્યારે ઘુંટણથી નીચેના ભાગમાં સખત દુખાવો થતો હતો. બાવીસ વરસ પહેલાં હૃદયની બાયપાસ સર્જરી કરેલી તેનો દુખાવો પણ થતો હતો. શરીરમાં શક્તિ રહી નથી. સો કપાલભાતિ કરતાં કરતાં પણ હાંફી જવાય છે એમ કહેતો હતો. બાકી ઘરમાં દીકરા વહુ ખૂબ જ પ્રેમથી સેવા સંભાળ રાખે છે. દેહકષ્ટ સિવાય બીજી કોઈ જ ઉપાધિ નથી. પણ આ પીડા અસહ્ય લાગે છે. ‘પભુ, તને હાચ્ચુ કે‘મ, અવે તો મોત આવે તો હારુ એમ મને થાય છે.‘ એવા શબ્દો એણે મને વારંવાર કહ્યા છે. મને ‘પભુ‘ કહીને વાત કરનાર વડીલો મિત્રો હવે રહ્યા નથી. સાતેક વરસ પહેલાં એની પત્ની હંસાબેનનું એકાએક અવસાન થયું તે મોટો આઘાત હતો, ત્યાર પછી એની દેહપીડા જોર કરીને વધવા લાગેલી. બાકી, વરસો સુધી જે. કે ટાવર પર નિયમિત યોગા કરતા મેં એને જોયો છે. ક્યારેક તકલીફ વધી જાય ત્યારે એ કેજલ હોસ્પીટલમાં બતાવવા જતો હતો.

નાનુભાઈને નાના મોટાં સૌ નાનભાઈ કહીને જ સંબોધન કરે. એનાથી મોટા ઠાકોરભાઈ અને બાલુભાઈ પણ ‘નાનભાઈ‘ જ કહે! ઈવન એના ‘બાપુજી‘ અને ‘જી‘ પણ એની સાથે નાનભાઈ કહીને વાત કરતાં હોય એવા પ્રસંગોનો હું સાક્ષી રહ્યો છું. તેઓ મારા બચપણના પડોશી હતા. તેમની હવેલી હતી અને અમારું લાકડાં અને છાણ-માટીનું ઘર. જે વખતે ગામમાં કોઈના પાકાં ઘર નહોતા તે વખતે એના દાદા મોરારભાઈ ભીખાભાઈએ હવેલી બનાવેલી એવી તેમની જાહોજલાલી હતી. જો કે એ પરિવારમાં હવેલીના માલિક કે વારસદાર હોવાનો ઘમંડ કોઈનામાં મેં જોયો નથી. તેમની પાસે ખેતીવાડીની જમીન ઠીક ઠીક હતી. પણ તેઓ બહુ મોટા જમીનદાર પણ નહોતા. નાનભાઈના માતાનું નામ અંબાબેન અને પિતાનું નામ ઝીણાભાઈ. ઝીણાકાકાને ઘણા લોકો બુધીકાકા તરીકે પણ ઓળખે. અમે તો બુધીકાકા જ કહેતા. તેમને કોઈની જોડે લડાઈ ઝગડો નહી મળે. તકરારથી તેઓ આઘા રહેવાનું પસંદ કરે. સૌ સાથે હળીમળીને રહેવાનો સ્વભાવ. કોઈને લડતા જોઈને પણ બુધીકાકાને ગભરામણ થતી હોય તો પછી પોતે તો કોઈની જોડે તકરારમાં ન જ ઉતરે એ સ્વાભાવિક છે. માતાપિતાના કુલ છ સંતાનો હતાં. તે પૈકી સૌથી મોટી બેનનું નામ મણીબેન. અમે બહુ નાના હતા ત્યારે તેના લગ્ન સુપા નજીક પેરા ગામે થયેલા. ત્યાર પછી બાલુભાઈ, ઠાકોરભાઈ, નાનુભાઈ, ચંપક અને ઈશ્વર; આમ નાનભાઈ વચલા હતા. બાલુભાઈ સાત ચોપડી ભણીને સુથારીકામ શીખેલા. ઠાકોરભાઈએ સાતેમ હાઈસ્કૂલમાંથી મેટ્રિક કરીને પછી કેનેડા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. તેઓ જલદી અવસાન પામ્યા. સૌથી નાનો ઈશ્વર આંબા પરથી પડી ગયેલો તે કિશોરવયમાં જ અવસાન પામેલો. એમના ઘરનો એ સૌથી પહેલો કરુણ પ્રસંગ હતો. થોડાંક વર્ષો પહેલાં ચંપક પણ હૃદયરોગનો ભોગ બન્યો. છેલ્લે, સાત વર્ષ પહેલાં નાનભાઈની પત્ની હંસાબેન અને પાંચેક વરસ પહેલાં બાલુભાઈ પણ દેવલોક પામ્યા. નાનભાઈ મને ક્યારેક કહેતો કે અમારા છ ભાઈઓ પૈકી હું એક જ બાકી છું.

ઠાકોરભાઈએ હાઈસ્કૂલ છોડી અને બીજા વર્ષે નાનભાઈએ તે જ હાઈસ્કૂલ જોઈન કરી. શિક્ષકો સાથેના ઠાકોરભાઈના મીઠા સંબંધો નાનુભાઈને ગુડવીલમાં મળ્યા. એ બંનેના સંબંધો મને પણ ફળ્યા. નાનભાઈ કરતાં હું એક વરસ પાછળ હતો. હું એનાથી ચૌદ મહીના નાનો છું. એમના અને મારા ઘરની વચ્ચે બે ગાળા જેટલી ખુલ્લી જમીન હતી, પણ એ ખુલ્લી જગ્યા કે હવેલીનો કરો અને કરેડી અમારા સંબંધોની વચમાં ક્યારેય નડતરરૂપ નથી બની શક્યાં. એમની સાથે અમારા ઘનિષ્ઠ સંબંધો. નાનભાઈ, હું અને ચંપક- ત્રણ જણાની અમારી ત્રિપુટિ હતી. આમ તો ઈશ્વર પણ જીવ્યો ત્યાં સુધી અમારી સાથે ભેગાઈ જતો.

બાળપણમાં, હું જ્યારે ચારેક વરસનો હોઈશ ત્યારે મારી દાદીમા બીજી ડોસીઓ જોડે બોલતી હતી તે મેં સાંભળેલું, તે બોલતી હતી, ‘આમલીનું બિયું ને બે રૂપિયાનું થિયું!‘ આવું કેમ બોલતા હશે તે નહીં સમજાયું. પછી ખબર પડી કે નાનકડા નાનભાઈએ રમતાં રમતાં વિલાતી આમલીનું બિયું નાકમાં નાંખી દીધેલું તે નીકળે જ નહીં. શ્વાસ રૂંધાય અને જીવ ગભરાય! હજામને બોલાવાયો, તેણે ન‘ન્નીથી કાઢવાની કોશિષ કરી જોઈ. બિયું નહીં નીકળ્યું. પછી બળદગાડું જોડીને દૂર દાક્તર પાસે જઈને નસ્તર મૂકીને કઢાવેલું. તે જમાનામાં તેના બે રૂપિયા થયેલા! નાનભાઈ મારાથી એક વરસ મોટો અને ચંપક મારાથી એક વરસ નાનો. નિશાળે જતો થાઉં તે પહેલાં હું, ચંપક અને મારા કાકાની દીકરી લક્ષ્મી- અમે ત્રણ જણા આંગણામાં ધૂળની ઢગલીઓ કરીને ખેતર બનાવી રમતા. એક જણું વાંદરો બનીને હૂપાહૂપ કરતું આવે અને આખું ખેતર ઉજાડી દે. આંગણામાં ધૂળ જ ધૂળ! અમે સંતાકૂકડી, રાંધાકૂચી, ખોડી ખોડી ખુમચી ને રૂપિયા પચ્ચી રમતા. તાડના પતિયાને કાપીને પરસ્પર ભેરવીને બાવળના કાંટા સાથે જુવારના બોયામાં ભેરવીને ચકરડી બનાવતા. પવનની દિશામાં દોડમદોડી કરીને ફેરવતા. બાવળના કાંટાની શૂળ સાથે બકરીની લીંડી જોડીને તેને જુવારના બોયા પર ચગડોળની જેમ ગોઠવતા અને ગોળ ગોળ ફેરવતા. પણ પહેલા ધોરણ પછી એમાં બદલાવ આવ્યો.

હું પહેલા ધોરણમાં ત્યારે નાનભાઈ બીજા ધોરણમાં. એણે સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલો. તેમાં એણે કફની પાયજામો પહેરવાનો હતો. એવડું બાળક તે જમાનામાં કફની પાયજામો પહેરે તે કેટલું બધું સરસ લાગે! પાછો વળી એવર સ્માઇલિંગ ફેઈસ! એકવાર એમના કોઈ સંબંધી એને ત્યાં મહેમાન બનીને આવ્યા. તેની પાસે કેમેરો હતો. તેણે કહ્યું કે હું એનો ફોટો પાડું. નાનભાઈ તો કફની પાયજામો પહેરીને હસતા ચહેરે ઓટલા પર ઊભો હતો. છેલ્લી ઘડીએ મને પણ બોલાવાયો. ધૂળમાં રમતો હતો તે હાથપગ ‘ધોયા મુયકા‘ વગર જ હું કુતૂહલવશ ત્યાં ગયો. આથમણી દિવાલને અડીને અમને ઊભા રખાયા; ચાંપ દબાવીને ‘પોટો‘ લેવાઈ ગયો. મને તો કંઈ ખબર ન પડી કે ‘પોટો‘ પાડે એટલે શું કરે? થોડા દિવસ પછી જિંદગીમાં પહેલીવાર પડેલો ‘પોટો‘ અમે જોયો અને નવાઈ લાગી! આ કેવી રીતે થયું! બાળ નાનભાઈનો એ વખતનો હસતો ચહેરો મને હજી યાદ છે. એની સાથે ઊભેલો હતો તે હું પણ મને દેખાય છે!

એમના ઘરે હિંચકો હતા. અમને હિંચકાની નવાઈ. એમને ત્યાં અને પડોશમાં એમની મોટી મા બેનકી કાકીને ત્યાં અમે ઊંચા ઊંચા હિંચકા ખાઈએ. એક જણું કંડક્ટર થાય અને બધાંની ટિકિટ કાપે. બારડોલી જવાનું હોય તેને એક ડોલી બે ડોલી એમ બાર આંટા ખવડાવીને ઉતારી પાડે અને નવસારી જવા માટે બેઠું હોય તેને એક સારી, બે સારી એમ નવ સારી બોલે એટલે ઉતરી જવાનું! અમે મરોલીની ટિકિટ કપાવતા! જોરમાં નાખેલા હીંચકા આલમડોલમ થઈને કોઈવાર પાસેના થાંભલા સાથે કે સામેની દિવાલ સાથે અથડાતા અને સળિયા ટકરાઈને નીકળી જવાથી અમે ભોંય પર અફળાતા!

ભણતાં ભણતાં હું પાંચમા ધોરણમાં આવ્યો. ‘ધોરણ પાંચ, છ અને સાતના વિદ્યાર્થીઓએ ‘હિંદી પહલી‘ ની પરીક્ષા બધાએ ફરજિયાત આપવાની છે‘ એવો હુકમ હેડમાસ્તર સાહેબે બહાર પાડ્યો. તે વખતે હિંદી કોઈને આવડતું નહોતું. તે વખતના શિક્ષકોને પણ નહોતું આવડતું! હેડ માસ્તરને સિક્કે નહીં! એક શિક્ષક હતા છગનભાઈ. તે ઉપલા ધોરણવાળાને ભેગા બેસાડીને હિંદી શીખવતા પણ તેની બદલી થઈ ગઈ. પછી ગંગાબેન નામની એક રમતિયાળ સ્વભાવની યુવતિ શિક્ષિકા બનીને આવી. ખૂબ ઉત્સાહી, ખૂબ બોલકણી અને ખૂબ મીઠડી! જાણે અમારી મોટીબેન હોય તેવું હેત વરસાવે. તે અમને હિંદી શીખવવાની હતી. પરીક્ષાની તૈયારી પણ તે જ કરાવવાની હતી. પણ તે પરીક્ષાના ત્રણ પુસ્તકોનો સેટ લેવાનો તેની કિંમત તે સમયે એક રૂપિયો થતી હતી. બધા પાસે પૈસા થોડા જ હોય? હિંદી પહલી, બાતચીત, બાલ કહાનિયાં નામની ત્રણ નાની નાની ચોપડીઓ હતી. એકલાથી ન મંગાવાય તો બે ત્રણ જણા મળીને એક સેટ મંગાવે અને વારાફરતી વાંચે, એવો રસ્તો નીકળ્યો. હું અને નાનભાઈ ભાગીરદાર બન્યા! અમે સાથે જ વાંચતા અને તૈયારી કરતા. સાતેમ કેન્દ્રમાં અમે પરીક્ષા આપી અને અમે બંને પાસ થઈ ગયા! હવે એનું પ્રમાણપત્ર આવશે! તેને મઢાવીને ઘરના ભારટ પર લગાડશું! સપના જોવા લાગ્યા. છેકચલ્લી સપના જોઈ શકે તો આપણે કેમ ન જોઈ શકીએ! આપણે કંઈ ગધેડી નથી પકડેલી! (જોકે આજ સુધી મેં એક પણ સર્ટિફિકેટ મઢાવીને ટિંગાડ્યું નથી!) નાનભાઈ સાથે બચપણમાં અમે એકસરખાં એવાં ઘણાં સપના જોયાં છે! એકમેક સાથે શેર પણ કર્યા છે, બંને જણામાંથી કોઈએ એકબીજાથી કંઈ જ છૂપું નથી રાખ્યું. શેખચલ્લીને બદલે મેં છેકચલ્લી જાણી જોઈને જ લખ્યું કારણ કે અમે એમ જ બોલતા.

સાતેમ હાઈસ્કૂલમાં ભણતા એના ઠાકોરભાઈ એક દિવસ ખબર લાવ્યા કે હિંદીની પરીક્ષાના માર્ક્સ  જનુભાઈ સાહેબને ત્યાં આવી ગયા છે, જેને જાણવા હોય તે ત્યાં જઈને જોઈ આવે. અમે સાતેમ ગામમાં અનાજ દળાવવા જતા એટલે ગામ તો જોયેલું, અનાજ દળવાની નવી અને જૂની એમ બંને મિલ જોયેલી. ઘંટીને બદલે મિલ કહેવાનું કારણ એ હતું કે એ ‘ફ્લોર એન્ડ રાઈસ મિલ‘ હતી, જેમાં ભાત ખંડાઈને ચોખા નીકળતા હતા. છગન રામાની અને પારસમલ વાણિયાની દુકાન જોયેલી હતી. પણ જનુભાઈ ક્યાં રહે તે ખબર નહોતી. વળી એ સાહેબ પણ તે વખતે બધાંને ખૂબ મારતા હતા એટલે એમનો ધાક પણ ભારે હતો! કેમ કરીને જવું? હું, નાનભાઈ અને ઠાકોરભાઈ અમે સાથે જનુભાઈને ત્યાં ગયા. ધૂળવાળા ટાંટિયા સાથે મોટા ફળિયામાં એમના ઘરે ગયા. તરસ ખૂબ લાગી હતી. જે સુશીલાબેન પરીક્ષામાં સુપરવાઈઝર તરીકે આવ્યા હતા તેમના જ હાથે અમે પાણી પીધું. અમને પૂછ્યું, ‘કેટલા માર્કસ આવ્યા?‘ અમે અમારા માર્ક કહ્યા. અમારા જેવા ટેણિયાના માર્ક જાણીને બેન અમારા બંને પર ખુશ થઈ ગયાં. પછી જે પ્રમાણપત્ર આવ્યું તેમાં લખેલું હતું કે ‘ઉમ્મીદ કી જાતી હૈ કિ ઇન કે હાથોં હિંદી કી સેવા આગે ભી હોતી રહેગી!‘- વાંચીને અમે બંને ખૂબ હસેલા, આપણે વળી કેવી રીતે હિંદીની સેવા કરવાના!

બીજે વરસે નાનભાઈ સાતમામાં અને હું છઠ્ઠામાં આવ્યો. એમને ગંગાબેન હિંદી ભણાવે અને અમને નવા આવેલા અમારા વર્ગશિક્ષક દેવચંદભાઈ હિંદી ભણાવે. એમણે વળી કોવિદ, સેવક એવી પરીક્ષાઓ પાસ કરેલી હતી. ખૂબ ઉત્સાહી હતા. એમણે હિંદી દૂસરીના વર્ગો લેવાની પરમિશન હેડમાસ્તર પાસે માંગી. નવા શિક્ષક પર સાહેબને એકદમ બહુ ભરોસો બેઠો નહીં, પણ ગંગાબેને વર્ગ લેવાની અનિચ્છા બતાવી અને દેવચંદભાઈની હિંદી ભણાવવાની લાયકાત સાહેબના ધ્યાનમાં આવી એટલે પરમિશન આપી અને દેવચંદભાઈએ વર્ગો ચલાવ્યા. અભ્યાસક્રમ અઘરો હતો પણ સાહેબે ખૂબ સરસ ભણાવ્યું અને રિઝલ્ટ પણ ઘણું સારું આવ્યું. અમારું હિંદી પાકું થવા લાગ્યું. અઘરા શબ્દો અને વ્યાકરણ બરાબર મગજમાં બેઠા. હું અને નાનભાઈ વર્ગમાં સાથે જ બેસતા. ચોપડી વાંચવા પણ સાથે જ બેસતા. એકમેકની ભૂલ થાય ત્યાં સાહેબે શું શીખવેલું તે યાદ કરાવતા. ચર્ચા કરતા. ‘સારે જહાંસે અચ્છા હિંદુસ્તાં હમારા‘ કવિતામાં નાનભાઈ ગાય કે ‘વો સંતરી હમારા, વો પાસબાં હમારા‘ હું એને કહું કે ‘વો‘ નહીં, પણ ‘વહ‘ આવે! મારી આ કુટેવ નાનપણથી જ ચાલતી આવેલી છે. પછી અમે સાહેબ પાસે જઈને ખાતરી કરી કે ખરેખર શું બોલાય. લોકો ‘ઢાઈ‘ ને બદલે ‘અઢાઈ‘ પણ બોલતા હતા. પછી તીસરી પરીક્ષાનું મુહૂર્ત બહુ મોડું નીકળ્યું. હું છેક નવમા ધોરણમાં અને નાનભાઈ દસમા ધોરણમાં હતા ત્યારે અમે તીસરી આપી. કોઈ વર્ગ ચલાવનાર નહોતું છતાં અમે જાતે તૈયારી કરીને પહલા, દૂસરા દરજ્જા હાંસલ કર્યા.

હું આઠમા ધોરણમાં દાખલ થયો ત્યારે મને આઠમાના જૂના ચોપડા મેળવી આપનાર પણ નાનભાઈ જ. એમના વર્ગમાં ભણતી શકિલાબાનુ ઈબ્રાહીમ ખલિફા પાસેથી અડધી કિંમતમાં ચોપડા લીધા. શકિલાબેન તો આગળ ભણી નહીં, પણ ચોપડા પર ઘણી જગ્યાએ એનું નામ લખેલું હતું તે મને યાદ રહી ગયેલું. નાનભાઈ આઠ- બ ના વર્ગમાં હતો તે પાસ થઈને નવ- બ માં ગયો. હવે હું આઠ- બ માં દાખલ થયો. એવું કહેવાતું હતું કે ‘બ‘ વર્ગમાં મોટાભાગે હોશિયાર વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે! જો કે એવું હોતું નથી, તેમ છતાં અમારા વર્ગમાં પંદરેક વિદ્યાર્થીઓ એવા હતા કે એ પૈકી કોઈનો પણ પહેલો નંબર આવી શકે! આ બધું જોગાનુજોગ હતું. તે વખતે એવી પણ લોકવાયકા હતી કે પ્રાથમિક શાળામાં જેનું બહુ મગજ ચાલતું હોય તે હાઈસ્કૂલમાં ઢીલા પડી જાય અને મંદ બુદ્ધિવાળાનું મગજ ખીલવા માંડે! નાનભાઈ મિડિયમમાં આવતો હતો એટલે વાંધો નહોતો, પણ મારા માટે ખતરો હતો! મને બીક લાગતી હતી કે મારું શું થશે? નાનભાઈ મને હિંમત આપતાં કહેતો કે એવું કંઈ થાય નહીં. મારા વિશે ગામના અદેખા લોકો કહેતા હતા કે એ તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન છે. હાઈસ્કૂલમાં જશે તો પાણી ઊતરી જશે! પાટીદારના છોકરાંઓ ખૂબ હોશિયાર અને મહેનતુ હોય છે, તેમની સામે આ તો કંઈ જ નહીં! એટલે મારે છોભીલા પડવાનો વારો આવી શકે તેમ હતું. નાનભાઈએ ધીરજ બંધાવેલી કે એવું કંઈ નહીં થાય; ઊલટું નવા નવા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે મિત્રતા થવાથી સૌને ફાયદો થાય.

અમે ગુજરાતી નિશાળમાં ભણતા ત્યારે પણ સાતેમ જુવાર દળાવવા માટે ચાલતાં જતા અને આવતા. નવી મિલ અને જુની મિલ તથા વાણિયા લોકોની દુકાન જોયેલી. તે સિવાય બીજું કંઈ જોયેલું નહીં. કંટ્રોલની ખાંડ લેવા નાગધરા વિ.વિ.કા.સ. મંડળીનો રેશનકાર્ડ લઈને દેવદત્ત પટેલને ત્યાં જતા. સહકારી મંડળીનું મકાન તો બહુ વરસો પછી બન્યું. સાતેમ કે નાગધરા જવા માટેના રસ્તા યાદ રાખવા પડતા હતા. તે વખતે વચમાં વેરાન વગડો આવે. રસ્તા બધા સૂમસામ! બીક લાગે તેવી ભયંકર શાંતિ! રસ્તો પણ ખૂબ લાં..બો લાગે! વાડામાંથી સીધા જવાનું કે સડક પર થઈને ફેરાવે જવાનું? કોઈ સંગાથ મળી જાય તો સારું એમ મનમાં થતું. મોટાભાગે અમે ચાર પાંચ જણા સાથે જ દળાવવા જતા જેથી રસ્તો ભૂલી જવાની બીક રહે નહીં.

હું હાઈસ્કૂલમાં દાખલ થાઉં તે પહેલાં જ ત્યાં કયા વિષય કયા શિક્ષક ભણાવે છે અને કોણ કેવું ભણાવે છે તેની સંપૂર્ણ માહિતી મને નાનભાઈ તરફથી મળી ચૂકી હતી. અંગ્રેજીમાં મારા નામની સ્પેલિંગ Parbhubhai પણ એણે જ લખી આપી હતી. એમના વર્ગશિક્ષક કોઈ વનમાળીભાઈ મિસ્ત્રી સાહેબ હતા પણ તેમની બદલી થઈ ગઈ હતી. તેઓ ચિત્રકામ સારું ભણાવતા હતા. પી.ટી. માર્સ ડ્રીલ, હિંદી પણ સારું ભણાવતા હતા. આ વરસે નવા કોઈ સાહેબ આવશે તે કોણ જાણે કોણ હશે અને કેવા હશે તે ખબર નથી. સુશીલાબેન અંગ્રેજી, હિંદી, ગુજરાતી અને સમાજશાસ્ત્ર ખૂબ સારું ભણાવતા હતા. ગણિત વિજ્ઞાન ડી.ડી પટેલ ભણાવશે. છીતુભાઈ કૉપી ચીતરાવશે. જનુભાઈ અને પ્રિન્સિપાલ સાહેબ તથા કે.કે. સાહેબ આઠમાવાળાનું કંઈ લેતા નથી. પણ કોઈવાર વર્ગમાં આવી ચડે અને ભણાવે તો ખરેખર આપણો દિવસ સુધરી જાય. ભગવાનજી સાહેબ આઠ- અ વાળાનું અંગ્રેજી લે, તે ઉપરાંત ગુજરાતી અને સમાજશાસ્ત્ર તેઓ ભણાવશે. મને ઉચાટ હતો અંગ્રેજી અને બીજગણિતનો. આ બંને વિષયો અમારા માટે નવા હતા. બાકીના વિષયોના પાઠ્યપુસ્તકો મેં વેકેસનમાં વાંચી લીધા હતા. નાનભાઈએ મને કહેલું કે સુશીલાબેન અંગ્રેજી લેશે એટલે પહેલા ત્રણ મહિના તો સ્ટ્રક્ચર્સ શીખવામાં જ જશે. એ પદ્ધતિ ખૂબ સારી છે એમ પણ કહેલું.

સ્કૂલ ઉઘડી. મારે તો નાનભાઈ જેમ સૂચના આપે તેમ મારે કરવાનું હતું. અમારા વર્ગો પડ્યા. અમને ટાઈમટેબલ લખાવ્યું. કયા વિષયની કેટલા પાનાવાળી નોટબુક લેવાની તેનું લિસ્ટ લખાવાયું. પાસપાસેનો જ રૂમ હોવાથી નાની અને મોટી રિસેસમાં નાનભાઈ મારી પાસે આવી જ જાય. એ મને કહે કે ‘કેમલ‘ શાહીનો ખડિયો એક જ વખત નવો ખરીદવાનો, એ પૂરો થાય પછી નવો નહીં ખરીદવો પડે. છગન નત્તમની દુકાને ખાલી ખડિયો બે આનામાં ભરી આપે. ખાખી પૂંઠાના આખા શીટ લેવાના અને જરૂરિયાત મુજબ કાપીને પૂંઠા ચડાવવાના. કરકસરની આ વાત મને ગમી ગઈ. યુનિફોર્મ તો વેકેસનમાં સીવડાવી લીધો હતો. આખે રસ્તે, આજના દિવસ દરમિયાન કોના પિરિયડમાં શું ભણ્યા, કોઈ રસપ્રદ બનાવ બન્યો હોય તો તેની વિગતવાર ચર્ચા થતી. રોજ ચાર માઈલ ચાલીને જવાનું અને આવવાનું હતું, પણ સમય ક્યાં નીકળી જાય તે ખબર ન પડે. પગ પણ નહીં થાકે અને મગજ તો સાવ હળવું ફૂલ થઈ જાય. ઘરે પહોંચતાંની સાથે ચોપડાં એક બાજુ પર મૂકીને ઢોરને માટે ઘાસ- પરાળ વાડામાંથી લાવીને ગભાણમાં મૂકી દેવાના અને પરસાળ વાળીને પછી હાથપગ ધોઈને હોમવર્ક બાકી રહ્યું હોય તે કરી દેવાનું. તે વખતે એમના  ઘાસ પરાળના કડબના કૂંદવા અમારા વાડામાં જ સિંચાતા હતા એટલે અમારા ઘરમાં થઈને જ તેઓ લઈ જતા. મોટાભાગનું હોમવર્ક તો અમે રિસેસ દરમિયાન જ પતાવી દેતા. ઘરે આવીને કામ કરતાં કરતાં અંગ્રેજી શબ્દોની સ્પેલિંગ પાકી કરતા. ઘણીવાર રસ્તે પણ પાકી કરતા.

પહેલે જ દિવસે મોંકાણ થયેલી. જિંદગીમાં પહેલી વાર નાસ્તાનો દાબડો લીધો. શું લીધું? નાનભાઈએ કલેડામાં સેકેલો જુવારનો તીખો રોટલો લીધો હતો. મારી જીએ બે પાપડ સેકીને ચૂરો કરી થોડુંક તેલ નાંખીને સાદો રોટલો એક દાબડામાં ભરી આપ્યો. બપોરની મોટી રિસેસ પડે ત્યારે ખાવાનું. પણ દાબડો મૂકવાનો ક્યાં? (જૂની) સ્કૂલની સામે કણબી લોકોના ઘર હતા. ત્યાંથી ભીખો મોરાર નામનો એક હસમુખો અને મૂંછવાળો છોકરો નાનભાઈના ક્લાસમાં ભણતો હતો તેના ઘરે લાકડાના પિંજરામાં અમે દાબડો મૂકી આવ્યા. બપોરે દાબડો ખોલીને ખાવા બેઠા તો મારા દાબડામાં ઝીણી કીડીઓ ભરાઈ ગઈ હતી! મારે એ ફેંકી દેવું પડ્યું. નાનભાઈએ એના દાબડામાંથી મને ખવડાવ્યું. પછી પાણી પીધું. સ્કૂલનું નવું બિલ્ડિંગ બંધાઈ ગયું એટલે અમે ત્યાં ભણવા ગયા. તે વખતે ડામર રોડ બન્યો નહોતો એટલે ગામમાં થઈને જ ત્યાં નહેર સુધી પહોંચવાનું હતું. નાનભાઈને ત્યાં દિવાલ ઘડિયાળ હતું. તેના ટકોરા વાગે તે મારા ઘર સુધી સંભળાય. અમારા એટલા વિસ્તારમાં કોઈને ત્યાં ઘડિયાળ નહોતું. સ્કૂલે જવા માટે યુનિફોર્મ પહેરીને ચોપડાં લઈ તૈયાર થઈને નાનભાઈ મારા ઘરે આવી પહોંચે. પ્રેમથી મને વઢે કે હજી કેટલીક વાર? હજી તું તૈયાર કેમ નથી થયો? કેમ, અત્તાર હુધી હું કરતો ઉતો? હું ફટાફટ કપડાં પહેરતા પહેરતાં કહું કે જવાનો વખત થાય ત્યાં સુધી વાંચતો હતો. મને ટેવ હતી કે આજે જે વિષયમાં જે પાઠ ચાલવાનો છે તેમાં મને કઈ બાબત અઘરી લાગી અને કઈ ગૂંચ છે તે જાણી લઉં જેથી સાહેબ ભણાવે ત્યારે ધ્યાનથી સાંભળીને શીખી લઉં અને સાહેબ ચૂકી ગયા એવું લાગે તો પિરિયડ પૂરો થાય ત્યારે પૂછીને સમજી લઉં. નાનભાઈને નવાઈ તો લાગી. તે વખતે આવું કોઈ કરતું નહોતું. પછી ડબ્બો દફતરમાં મૂકીને બંને જણા ચાલવા મંડીએ. ઝડપથી ચાલીને આગળવાળા ગૃપને પકડી પાડીએ, તેમની સાથે જોડાઈ જઈએ. તો વળી  અમારાથી પાછળ આવતા છોકરાઓ અમને પકડી પાડે! જુદા જુદા મહોલ્લામાંથી, ગોપીવાડી તરફથી, નાગધરા, પૂણી, મહૂડી ગામથી આવતા છોકરાઓ પણ ભેગાતા જાય અને પછી સાતેમ ગામમાં દાખલ થઈએ એટલે ઘડોઈ ગોપરા અને સાતેમના વિદ્યાર્થીઓનો સમુહ સ્કૂલ તરફ જવા નીકળે. નાનભાઈમાં સૂઝ વધારે. પાણીની ટાંકી ક્યાં છે તે એને યાદ હોય એટલે ત્યાં ધૂળ-કાદવવાળા પગ ધોઈ નાખવાની મને સૂચના આપે. છેલ્લે સ્કૂલની બાજુમાં નહેર કોલોનીમાં હેન્ડ પંપ હતો ત્યાં પગ ધોવા જતા. સાતેમ ગામના પાટીદારના છોકરાઓને સ્કૂલ દૂર લાગતી હતી એટલે તેઓ સાઈકલ પર આવતા અને બપોરે સાઈકલ પર ઘરે જમવા જતા! અમારા વર્ગખંડમાં દિવાલમાં કબાટ બનાવેલા હતા તેમાં અમે નાસ્તાનો ડબ્બો મૂકતા અને સિમેન્ટની ગુણ તથા સેન્ટિંગના પાટિયા રાખેલો એક ઓરડો હતો ત્યાં પાટિયા પરની સિમેન્ટ ખંખેરીને ડબ્બો ખોલીને જમવા બેસતા. ડબ્બો ખોલતાં ખોલતાં એકમેકને પૂછે કે ‘તું શું લાવેલો છે?‘ લુખું સૂકું જે કંઈ લાવેલા હોય તે બધા વહેંચીને ખાતા. ઓટલા પર પાણીની પવાલી મૂકેલી હતી તેમાંથી પાણી પીતા. ટીકડી ગોળા આમલી, ચણા વગેરેની ઢગલી કરીને હાટડી માંડીને થોડાક લોકો બેસતા, પણ બહુ ઓછા છોકરાઓ તે ખરીદતા.

ચોમાસું પૂરું થયા પછી બપોરે ડબ્બો લઈને અમે નહેર પર ખાવા જતા. નાનભાઈના વર્ગમાં એક નવો છોકરો દાખલ થયો હતો તે પણ અમારી સાથે આવતો. તે બટકો હતો, હસમુખો, રમતિયાળ, જૉલી અને ઈન્ટેલિજન્ટ હતો. તેનું નામ હતું ભીખુ. ભીખુ નાગર. એક લોકપ્રિય ગરબાની કડી એવી હતી કે ‘સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ઊભા રહો રંગ રસિયા!‘ તેની પેરોડી કરીને અમે ‘ભીખુ નાગર ઊભા રહો..‘ એમ ગાઈ સંભળાવતા! તે નવી ટોળીથી આવતો હતો. અમારી ત્રિપુટિ બની ગઈ. ભીખુ બહુ ક્યૂટ છોકરો. કાયમ મીઠું મીઠું હસતો જ હોય. નાનભાઈના વર્ગમાં બીજા પણ બે બટકા છોકરા હતા અને તેઓ પણ ભારે કોમેડિયન! એક વિજય હીરા અને બીજો જયરૂપ રાવલ. જયરૂપને બધા એને જેપુ કહે. નાનભાઈ એના વર્ગની રજેરજ વાત અમને કરે. ભીખુ ત્યાં હાજર જ હોય એટલે એ હસતો જાય અને ટાપસી પુરાવતો જાય. કયો છોકરો ક્યાં બેસે અને કયા પ્રકારના તોફાન કરે, કેવી રમુજ થાય એ બધાંનું એવું તાદૃશ વર્ણન નાનુભાઈ કરે કે એમના વર્ગમાં ગયા વગર મને આખો વર્ગ જાણે નજર સામે દેખાયા કરે. મંગો કિલો, મનહર મેરાઈ, ઠાકોર ગાંધી, ધીરુ ઈચ્છુ.. ઇંદિરા ગોકળ, ભગવતીબેન, દેવીલા આઈ પટેલ, લીલાવતી. રંજન પાનાચંદ, રાગિણી ચાવાલા.. ભીખુ મોરાર, નટુ મિસ્ત્રી, ઈશ્વર રામો, તારાબેન, કૌશલ્યા… આખેઆખો વર્ગ દેખાય. એકવાર એમના વર્ગમાં બાબુભાઈનો પિરિયડ ચાલતો હતો અને પટાવાળો જોગી પ્રિન્સિપાલ સાહેબનો સંદેશો લઈને આવ્યો. બારણા આગળ ઊભા રહીને જોગી બોલ્યો કે ‘મિસ ડિસમિસને સાહેબ બોલાવે છે!‘ બાબુભાઈ માથું ખંજવાળતા રહી ગયા. વિચારમાં પડી ગયા કે સાહેબ કોને બોલાવતા હશે. આખો વર્ગ સ્તબ્ધ હતો. પછી બાબુભાઈએ સૂચન કર્યું કે એક કાગળ પર નામ લખાવી લાવ. જોગી નામ લખાવીને આવ્યો. બાબુભાઈ સાહેબે નામ વાંચી સંભળાવ્યું, ‘મિસ ડી. આઈ. પટેલ!‘ સૌ હસી પડ્યા! આ દેવિલાબેન તે જ મિસ ડિસમિસ! દેવિલાબેન ભલી છોકરી હતી. વર્ગના એકેએક વિદ્યાર્થીની ખાસિયતનું એટલું સૂક્ષ્મ નિરીક્ષણ અને શ્રેષ્ઠ વર્ણન નાનભાઈ કરતો એટલે જે તે વ્યક્તિનું ચિત્ર સાંભળનારના મનમાં દોરાઈ જાય; પછી તે વ્યક્તિ પ્રત્યક્ષ મળે ત્યારે તે જ રમુજી પ્રસંગો યાદ આવે.

મેં અગાઉ કહ્યું તેમ અમારા બાળપણ અને કુમારાવસ્થા તથા સ્કૂલના દિવસો દરમિયાન અમે ફક્ત રાત્રે સૂતી વખતે જ છૂટા પડતા હોઈશું, બાકી તે સિવાયની તમામ પળ અમે સાથે જ જીવ્યા છીએ. ઘરમાં શું બન્યું, શું ખાધું પીધું, રાત્રે કેવું શમણું આવ્યું અને શમણામાં શું શું જોયું તેની અદ્ભુત વાતો પણ અમે એકમેકને કહી છે અને ખૂબ હસ્યા છીએ. કંઈક નવું જોવામાં, સાંભળવામાં કે શીખવામાં આવ્યું હોય તેની વાત કરીને અમે બંને ખૂબ મલકાયા છીએ. સિત્તેર વર્ષના વૃદ્ધ થયા પછી પણ નાનભાઈ ચહેરા પર સ્મિત લાવીને મને પૂછે કે ‘પભુ, તને પેલી વાત યાદ કે?‘ હું જાણી જ જાઉં કે એ કઈ વાતનો ઈશારો કરી રહ્યો છે, મને પણ હસવું આવી જાય છે. એ મને એવા પ્રસંગની કે યાદ અપાવવા માંગે છે જ્યાં માત્ર અમે બે જ સાક્ષી હતા! છતાં હું પૂછું કે કઈ વાત? નાનભાઈ એક બે શબ્દો બોલે તેટલામાં હું જ બોલી ઊઠું કે ‘નાનભાઈ, એ પ્રસંગ તો કેમ ભુલાય! સાલું એકલા બેઠા હોઈએ અને યાદ આવી જાય તો એકલા એકલા પણ ખડખડાટ હસી પડાય!‘ નાનભાઈને સંતોષ થાય કે ચાલો ,પભુ હજી ભૂલ્યો નથી! નહિતર એકને યાદ હોય અને બીજો ભૂલી ગયો હોય તો એ સ્મરણ વાગોળવાની મજા ન આવે. ‘દોનોં ને કિયા થા પ્યાર મગર મુઝે યાદ રહા, તૂ ભૂલ ગઈ!‘ એ બાબત બહુ પીડાજનક હોય છે.

નાનુભાઈ સાથેના સ્મરણો વાગોળતી વખતે એટલા બધા પ્રસંગો એકસામટા મગજમાં ઊભરી આવે કે મન મૂંઝવણ અનુભવવા લાગે કયા પ્રસંગો લખું અને કયા જતાં કરું? કયો પ્રસંગ પહેલો લખું અને કયો છેલ્લે લખું! અલબત્ત, અવસ્થા એવી હતી કે એમાં ગંભીરતા ઓછી અને બાલિશતા કે ભોળપણ વિશેષ હતું, એ જ તો મજા છે સ્મરણો વાગોળવાની. ઘરડા થયા પછી પણ બાળપણ માણવું હોય તો ‘ગયેલો વખત પાછો આવતો નથી‘ એમ સમજીને નિરાશ થવાની જરૂર નથી. બાળપણની યાદ તાજી કરીને પણ એ આનંદ માણી શકાય છે.

હાઈસ્કૂલનું બિલ્ડિંગ નવું નવું બની રહ્યું હતું. બારી બારણાંનું રંગકામ બાકી હતું. એક તરફ વર્ગમાં પિરિયડ ચાલે અને તે જ વખતે કારીગરો બારીને લાપી લગાડે. મજૂરો એ જોતાં જોતાં કામ કરે. એકવાર પાટિયા પર દાખલાની રકમ લખેલી જોઈને રંગારો બોલ્યો, ‘આ દાખલા તો મને હો ગણતા આવડે!‘ બારી પાસે બેઠેલો મેરાઈ નટખટ હતો, હાજરજવાબી હતો તે કહે ‘તને હું ઘંટા આવડે!‘ ગણતા નું ઘણતા અને ઘંટા થઈ જવાથી હસવું આવી જાય. મેરાઈની બાજુમાં ગાંધી બેસે. એ પણ તોફાની. નવી નવી બેંચ પર આંગળી ઘસીને એવો અવાજ કાઢે કે સાંભળનારને એમ જ લાગે કે વા છૂટનો અવાજ હશે. એનાથી આગલી બેંચ પર બેઠેલી છોકરીઓ મોં પર હાથ મૂકીને હસે!

બારી પાસે બેસતો મંગો ઠાકોર બીડી પીવાનું વ્યસન ધરાવતો હતો. એકવાર કારીગર પાસે લઈને બીડી લીધી. સળગાવી. કસ ખેંચ્યો એટલામાં સાહેબ પિરિયડ લેવા આવી પહોંચ્યા. હવે ધુમાડો કાઢવો ક્યાં તેની પંચાત ઊભી થઈ! મંગાએ ફટાફટ ખમીશના બટન ખોલી નાંખીને ધુમાડો છાતી અને ખમીશ વચ્ચે કાઢી દીધો. પછી ધીમે ધીમે બહાર નીકળવાની જગ્યા કરી આપી અને ઈજ્જત સચવાઈ ગઈ! વિજય હીરા પણ ભારે કોમેડિયન. કોઈક કારણસર સાહેબે એને જગ્યા પર ઊભા રહેવાની સજા કરી. એ ઊભો તો થઈ ગયો, પણ એની એની હાઈટ એટલી ઓછી હતી કે એ ઊભો રહ્યો છે એમ સાહેબને લાગ્યું જ નહીં! ઊભા રહ્યા પછી પણ એનું માથું બેઠેલા વિદ્યાર્થીઓ કરતાં ઊંચું દેખાતું નહોતું. સાહેબ ખિજાઈને નજીક આવ્યા. જોયું તો વિજય ખરેખર ઊભો જ હતો. આખો વર્ગ હસી પડ્યો અને સાહેબ બિચારા ખિસિયાણા પડી ગયા! વિજય કહે ‘મેં તો કંઈ કર્યું નથી!‘

રંજન નામની વાણિયણ કિશોરી તોતડું એટલે કે નાના બાળકની જેમ કાવલું કાવલું બોલતી હતી. સુશીલાબેને હિંદીમાં કવિતા ભણાવી, ‘બસો મેરે નૈનનમેં નંદલાલ‘ અને તે પાકી કરવા આપી. બીજી વખતે પિરિયડમાં બોલવાની હતી. ‘છુદ્ર ઘંટિકા કટિતટ શોભિત નૂપુર શબદ રસાલ‘ બોલતી વખતે રંજન બોલી ‘છુદ્ર ઘંતિકા કતિ તત શોભિત‘ અને સુશીલાબેનના હોઠ મલકાયા. આખા વર્ગને ખબર હતી કે રંજન આ પ્રમાણે જ બોલશે! આવા અનેક રમુજી પ્રસંગો એમના વર્ગમાં બનતા રહે અને નાનભાઈ અમારી સાથે વહેંચતા રહે. સુશીલાબેન પણ વર્ગમાં ઘણીવાર રમુજ કરતા. એકવાર ગુજરાતીમાં પાઠ ભણાવતા ભણાવતા કંઈક રમુજી વર્ણન આવ્યું એટલે બેન હસી પડ્યા. આખો વર્ગ પણ હસી પડ્યો. એકાએક બેને સવાલ કર્યો કે તમને કઈ બાબત પર હસવું આવ્યું? વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ‘પાઠમાં લખેલું વર્ણન સાંભળીને તમને હસવું આવ્યું અને તમે હસ્યાં એટલે અમે પણ હસ્યાં‘. બેને વાતનો ફોડ પાડતાં જણાવ્યું કે ‘તમારી વાત સાચી છે કે પાઠમાં લખેલું વર્ણન હાસ્ય નિસ્પન્ન કરનારું છે, પણ મારા હસવાનું કારણ તો બીજું જ હતું.‘ વર્ગ આખો અચંબામાં સરી પડ્યો. ‘આ સિવાય બીજી કઈ બાબત હશે કે બેન ભણાવતા ભણાવતાં હસવું રોકી ન શક્યા?‘ બાળકોના ચહેરા પરનું પ્રશ્નાર્થ ચિહ્ન વાંચીને બેને ખુલાસો કર્યો કે ‘પાઠ ભણાવતી વખતે એ રમુજી વર્ણન હું વાંચતી હતી ત્યારે એકાએક મારું ધ્યાન સામે બેઠેલા ઈશ્વર રામા પર ગયું. એને પગમાં વાગેલું હશે કે ચાંદું થયું હશે ત્યાં ખંજવાળ આવી. એણે એ ભાગ ખંજવાળ્યો, પણ ખંજવાળ મટી નહીં હશે એટલે ચાલુ પિરિયડે એ એની આંગળીઓ પર થુંક્યો અને થૂંક પગ પર લગાડ્યું તે જોઈને મને હસવું આવ્યું!‘ હવે આખો વર્ગ ફરીથી હસી પડ્યો. એ ખિલખિલાટ વચ્ચે સુશીલાબેને વળી સિક્સર મારી! તેઓ બોલ્યાં કે ‘બહેરા બે વાર હસે તે આનું નામ! પહેલી વખત બીજાને હસતા જોઈને વગર સમજ્યે હસે અને આખી વાત સમજ્યા પછી ફરીથી બીજીવાર હસે!‘ વર્ગ ત્રીજી વખત પણ હસ્યો.

સંસ્કૃત ભણાવનાર શિક્ષક કે. કે. સાહેબ બહુ ગંભીર સ્વભાવના હતા. તેમની હાજરીમાં હાસ્યને તો જાણે ગ્રહણ લાગી જાય. ભૂલે ચૂકે કોઈ બાબત પર કોઈએ હસવાની ગુસ્તાખી કરી તો તેને ગેટ આઉટ કરી દે! સંસ્કૃતમાં એક વાર્તા આવી. શિયાળને થયું કે રોજ રોજ નવો શિકાર શોધવો એના કરતા એકવાર કોઈ મોટો શિકાર કરી લીધો હોય તો ચાર પાંચ મહીના નિરાંત. એણે યોજના બનાવી હાથીનો શિકાર કરવાની. પણ હાથીને ફસાવવો કઈ રીતે? પુષ્કળ કાદવવાળા એક તળાવમાં લીલોતરી બિછાવીને એણે હાથીભાઈને ખાવા માટે લલચાવ્યો. હાથી તો ખુશ થઈને અંદર ઉતર્યો, પણ કાદવમાં ફસાયો. જેમ જેમ બહાર નીકળવાની કોશિષ કરે તેમ તેમ અંદર ઊંડે ફસાતો જાય. હાથી ગભરાયો. તે કહે કે મને બહાર નીકળવામાં મદદ કર. શિયાળ કહે કે મારી પૂંછડીનો ટેકો લઈને – મમ પુચ્છકાવલંબન કૃત્વા બહાર નીકળ! શિયાળ સંસ્કૃત બોલે અને કેવી ચાલાકી કરીને બુદ્ધિમાન ગણાતા હાથીનો પણ શિકાર કરે એ વાત પર અમે બહુ હસેલા. એ જ સાહેબને એક નવા પૈસા માટે માર ખાવો પડેલો તે વાત ભીખુ મોરાર જ જાણી લાવેલો અને સાહેબ વર્ગમાં આવ્યા ત્યારે ભીખુ બોલેલો કે ‘મને તો આજે નીરો નીરો ગંધાય!‘ સાહેબ ચોંકી ગયા. ખિજાયા. હસી રહેલા ગાંધીને ઊભો કર્યો અને પૂછ્યું કે ‘શું છે?‘ ગાંધીએ ઠાવકાઈથી કહ્યું કે ‘સાહેબ, આજે તો કોઈ રૂપ પાકા કરવાના નથી આપેલા!‘ વાત આખી સમેટાઈ ગઈ. સંકટ ટળી ગયું. સંસ્કૃતમાં રૂપો પાકા કરવાનો માથા દુખાવો એટલો બધો હતો કે ઈશ્વર રામો તો પેટમાં દુ:ખે છે એવું બહાનું કાઢીને વર્ગશિક્ષકની રજા લઈ ઘરે ચાલી જતો.

નીરાની વાત નીકળી એટલે તે વખતે નાગધરાના બસ સ્ટોપ પર રોજ સવારે નીરો વેચાતો હતો તે યાદ આવ્યું. ક્યારેક તો નીરો પીવાનું મન થાય ને, પણ અમારા સ્કૂલે જવાના ટાઈમ પર તો બધો નીરો વેચાઈ ગયો હોય. શનિવારે કદાચ મેળ પડે. શિયાળાના એક શનિવારે અમે એક એક આનાની જોગવાઈ કરીને એક ગ્લાસ નીરો પીવાનું નક્કી કર્યું. કમનસીબે નીરો બહુ જલદી ખતમ થઈ ગયો હતો. નીરાવાળાને પૂછ્યું કે આમ કેમ થયું, તો જવાબ મળ્યો કે ‘સામે ટેકરી પર નિવૃત્ત શિક્ષક નારણ માસ્તરની દુકાન છે ને, તે દુકાન પર એનો જાડિયો દીકરો ભાણાભાઈ બેસે છે ને, તે એકલો સત્તર ગ્લાસ નીરો પી ગયો! ‘ અમને નીરો ન મળ્યો એનું દુખ થવા કરતાં સત્તર ગ્લાસ નીરો પી જનાર ભાણાભાઈના પેટનો વિચાર કરીને ખૂબ હસેલા. આ તે પેટ છે કે પાલુ! સત્તર ગ્લાસ પેટમાં ક્યાં સમાવ્યા હશે! 

ડી. ડી. પટેલ ટેબલ પર શરીર ટેકવીને વિજ્ઞાન ભણાવે. ભણાવતાં ભણાવતાં એક હાથમાં ચોક અને બીજા હાથમાં ફૂટપટ્ટી. ચોકને ફૂટપટ્ટી પર ઘસતા જાય અને થિયરી સમજાવતા જાય. સમજાવી રહ્યા પછી પહેલી બેંચ પર બેઠેલી રંજનને કોઈ સવાલ પૂછ્યો. રંજન જવાબ આપી શકી નહીં. હું સમજાવતો હતો ત્યારે તારું ધ્યાન ક્યાં હતું, એમ કહીને હળવેકથી ફૂટપટ્ટી રંજનના ગાલ પર મારી. તેના ગાલ પર ચોકના સફેદ રજકણો ફેસ પાવડર જેવા લાગી ગયા તે જોઈને ડી.ડી સાહેબની જીભ ઉપલા હોઠ પર આવી ગઈ! સાહેબ હસે ત્યારે એમની જીભ હોઠ પર આવી જતી હતી સફેદ દાંત વચ્ચેથી સાહેબની રતુમડી જીભ હોઠ પર આવી જાય ત્યારે સમજવાનું કે તેમના હાસ્યમાં કંઈક રહસ્ય છે! આખો વર્ગ સમજી ગયો અને મલકી ઊઠ્યો, પણ રંજનની ટ્યૂબ લાઈટ ઝબકી નહીં!

એવા રમુજી પ્રસંગોનો પાર નથી. મારા જ ગામનો વિદ્યાર્થી ભગુ છીતા તે મારા કરતાં એક વરસ આગળ તે નાનભાઈના બ વર્ગમાં નહીં, પણ અ વર્ગમાં ભણતો હતો. રસ્તે તો અમે બધા સાથે જ ચાલતા જતા હોઈએ. ભગુના વર્ગમાં ભગવાનજીભાઈ ગુજરાતી ભણાવે. તેમણે કવિતા પાકી કરવાની આપેલી. ભગાનો નંબર પાછળ આવતો હતો. એને કંટાળો આવ્યો તે ચાલુ ક્લાસે એને ઝોકું આવી ગયું! ભગવાનજીભાઈ નેક્સ્ટ નેક્સ્ટ કરતા બધા પાસે કવિતા બોલાવતા હતા એટલામાં ભગાનો નંબર આવી ગયો. ભગો અડધી ઊંઘમાં હતો. પણ એણે સડસડાટ કવિતા બોલવા માંડી, ‘ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી રહેવા જાય; ઢેડ વરણમાં દૃઢ હરિભક્તિ તે પ્રેમ ધરીને લાગ્યા પાય!‘ એકાએક ભગવાનજીભાઈ સાહેબનું ધ્યાન ગયું તે બોલી પડ્યા, ‘ભગા, આ કડી તું ફરીથી બોલ!‘ આખો વર્ગ પણ એક કાને સાંભળવા આતુર બન્યો. ભગો ફરીથી આત્મવિશ્વાસપૂર્વક બોલી ગયો, ‘ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી રહેવા જાય‘ સાહેબ બોલ્યા, ‘ભગા, મને લાગે છે કે તું ઊંઘમાં છે. નરસિંહ મહેતા દામોદર કુંડમાં ‘રહેવા‘ નહીં પણ ‘નહાવા‘ જાય, એમ આવે!‘ ખરું જોતાં વર્ગમાં કોઈનું જ ધ્યાન નહોતું ગયું કે ભગો ખોટું બોલી ગયો છે! સાહેબની સજાગતાને સલામ મારવી પડે! આ પ્રસંગ પર અમે નાનભાઈ સાથે અનેકવાર ખૂબ હસ્યા છીએ. આવું તો સૌની સાથે બનતું હોય છે. ભગો તો તે વખતે બાળક હતો અને ચાલુ ક્લાસે કંટાળો આવવાથી પ્રાસ બેસતો બીજો શબ્દ બોલી ગયો હતો, પણ હું જ્યારે ગીતાના શ્લોક કે કોઈ સ્તોત્ર બોલતો હોઉં ત્યારે પહેલી લીટી બરાબર હોય અને બીજી લીટી બીજા જ કોઈ શ્લોકની બંધબેસતી જોડાઈ જાય! પછી ખબર પડે કે બેધ્યાનપણે હું ભૂલ કરી બેઠો. કોઈ ગાયન કે ભજન ગાતી વખતે પણ એવું થતું હોય છે. અમારા ગામના ભજનિક ભીખાભાઈએ ભજન ગવડાવવામાં આવી જ એક ભૂલ કરેલી! ‘પ્રશ્ન તમને એક જ પૂછું, જગના હે રચનાર; એક જીવને લાખ ઉપાધિ, કેમ જીવે જીવનાર!‘ ગવાને બદલે તાનમાં ને તાનમાં ‘લાખ જીવને એક ઉપાધિ‘ એમ ગાઈ ગયા. ખરેખર લાખ જીવને એક જ ઉપાધિ હોત તો કેટલું સારું થાત!

સ્કૂલે જતાં આવતાં રસ્તે થતી વાતચીતો કે પછી ઘરે આવ્યા પછી કંઈ કામ કરતાં કરતાં પણ નિશાળની અને વર્ગમાં બનેલા પ્રસંગો અમારી વચ્ચે ચર્ચાતા રહે જેના કારણે કયા પાઠ અને કવિતા કેટલી રસપ્રદ છે તે તથા એમા કઈ વિશેષતા છે તે મને સરળતાથી જાણવા મળતી જેને કારણે બીજા વર્ષે એ અભ્યાસક્રમ મારે ભણવાનો આવે ત્યાં સુધીમાં તે મારા મગજમાં બરાબર ઠીક બેસી ગયો હોય. નાનભાઈ સંસ્કૃતના રૂપ પાકા કરે, સ્પેલિંગ પાકી કરે, કવિતા અને છંદ બોલે તે મને યાદ રહી જાય! ભલે તે મારા ભણવામાં આવવાનું હજી બાકી હોય! પછી તો એ ભૂલી જાય તો હું એને યાદ કરાવું. પરીક્ષાની બેઠકો ગોઠવાય ત્યારે ઉપલા વર્ગના કોઈ એવરેજ વિદ્યાર્થીનો નંબર મારી બાજુમાં આવે તો તેને ધરપત રહે! કારણ કે નાનભાઈ પાસેથી એને માહિતી મળી ગઈ હોય કે મારું પેપર લખાઈ ગયા પછી મને કોઈ ખાલીજગ્યા કે છંદ, અલંકાર, કે ટૂંકા જવાબમાં હું મદદરૂપ થઈશ.

હમણાં થોડા વરસ પહેલાં જ હું નવસારી રહેવા આવ્યો તે પછી નાનભાઈએ મને પૂછ્યું કે ‘પભુ, પેલી બે ઢેડી પોરી આપણને રસ્તા પર ઘેરતી હતી તે યાદ છે કે?‘ મેં કહ્યું, ‘હા યાદ છે.‘ રોજ અમે નાગધરા ગામના બસ સ્ટોપ પાસેથી સાતેમ ગામ તરફની સડક પર વળીને અલગ અલગ ગૃપમાં ચાલ્યા જતા હોઈએ ત્યારે સામેથી બે દલિત કન્યાઓ આવતી દેખાતી. અમને રસ્તા પરથી આવતાં જોઈને એક છોકરી રસ્તાની ડાબી કિનારે અને બીજી છોકરી રસ્તાની જમણી કિનારે ચાલે. અમારા પસાર થઈ ગયા પછી તે બંને જણી પાછુ વળીને અમારા તરફ જૂએ અને દાંત કાઢે! પાછી બોલે કે ‘આ લોકોને કેવા વચ્ચે ઘાયલા!‘ અમે તો સ્કૂલે જવાની ધૂનમાં હોઈએ એટલે એમની હલકટ ચેષ્ટા પર કોઈનું ધ્યાન ગયું નહી, પણ એક દિવસ નાનભાઈને પાછળ જોવાનું થયું એટલે એણે આ હલકટાઈ જોઈ. અમને વાત કરી. સાંજે સ્કૂલેથી વળતી વખતે પણ આનું પુનરાવર્તન થતું જોવામાં આવ્યું. અમને કંઈ ખબર જ નથી એવો અમે દેખાવ કર્યો. એક દિવસ બંનેને સામેથી આવતી જોઈ એટલે ભગો જાણી જોઈને પાછળ ચાલવા માંડ્યો. અમને સમજાયું નહીં કે ભગો પાછળ કેમ પડી ગયો, કદાચ ઠોકર વાગી હશે, પગમાં કાંટો કે કાંકરો વાગી ગયો હશે. પણ ભગો તો સડકની કિનારે વાડમાં ઊગેલી મેંદી પાસે પહોંચ્યો અને મેંદીનું એક મજબૂત ડાળખું  તોડી લાવ્યો. પેલી બંને જણીએ દૂરથી જોયું અને ચેતી ગઈ! આજે ઝપેટાઈ જઈશું એનો ખ્યાલ આવી જતાં લાગ જોઈને તેઓ બાજુમાં રસ્તો પકડીને રામ પરસોતના વાડામાં થઈને નીકળી ગઈ. પછી વચમાં ઘાલવાની વાત જ ભૂલી ગઈ!

કુંભારફળિયા ગામના વિદ્યાર્થીઓનું ગણિત ખૂબ પાક્કું છે એમ બીજી સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓનું માનવું હતું. એનું કારણ, અમારે ત્યાં સવારની પ્રાર્થના થાય ત્યારથી જ આંક બોલવાના ફરજિયાત હતા અને બપોર સુધી તો દાંખલા જ દાખલા ગણાવાતા હતા. પરિણામે ગણિતમાં કંઈ જોવાનું રહેતું નહીં, તેમ છતાં, નાનભાઈ મને કહે કે અમને ગણિત ધારતું નથી! મારા ઠાકોરભાઈએ પણ એસએસસીમાં ગણિતનો વિષય છોડી દેવો પડેલો. નાનભાઈએ પણ મેટ્રિકમાં ગણિત છોડી દીધું, એને પગલે બે વરસ પછી ચંપકે પણ મેટ્રિકમાં ગણિત છોડી દીધું! હું નવમા ધોરણમાં હતો અને નાનભાઈ દસમામાં ત્યારે અમે ચિત્રકામની બહારની પરીક્ષા આપી. બીજા વિદ્યાર્થીઓ કહેતા કે મિસ્ત્રી લોકોનું ચિત્રકામ બહુ સારું હોય છે, પણ મારું ચિત્રકામ મને કાચું લાગતું હતું. કાચું એ અર્થમાં કે અન્ય તમામ વિષયોમાં મારા હાઈએસ્ટ માર્ક્સ આવે, પણ ચિત્રકામમાં હું પાછળ હતો. પરિણામે ટકાવારીમાં મને માર પડતો હતો. મેં બહારની પરીક્ષા આપવાનું એટલા માટે પસંદ કર્યું કે એ બહાને મને ચિત્ર દોરવાની પ્રેકટિશ થાય અને ચિત્રકામ પાકું થાય. વળી બહારની પરીક્ષામાં તો એક પેપર ભૂમિતિનું પણ આવતું હતું! સંગાથમાં તૈયારી કરવાથી અમને બંનેને ઘણો સપોર્ટ રહેતો હતો. રવિવારે અને તહેવારની રજામાં વરસતા વરસાદમાં પણ અમે ડ્રોઈંગના એક્સ્ટ્રા પિરિયડ ભરવા સાથે જ નિશાળે આવતા અને જતા. પરીક્ષાનું કેન્દ્ર નવસારી હોય એટલે હું પ્રજાપતિ આશ્રમમાં રહું અને નાનભાઈ કુંભારવાડામાં એની માસીને ત્યાં રહે. આશ્રમથી શહિદ ચોક તરફ જતાં રસ્તા પર ડાબી બાજુએ હરિનિવાસ નામનું મકાન હતું. એના માસા સંગીતના શોખીન હતા અને તે જમાનામાં એમને ત્યાં ગ્રામોફોન પ્લેયર અને ઘણી બધી રેકર્ડસ્ હતી. સાંજે નાનભાઈ આશ્રમ પર અમારા ઉતારા પર આવી જાય. અમે બે જણા સાથે હોઈએ તો જ અમને સારું લાગે.

એ મેટ્રિકમાં ગયો તે પછી અમારો ક્રમ થોડોક ખોરવાયો કારણ કે સાંજે છેલ્લો પિરિયડ એને ફ્રી હોય તો એ અમારાથી વહેલો નીકળી ગયો હોય. મેટ્રિકમાં સાત વિષયોમાં પાસ થવાનું ફરજિયાત હતું. સામાન્ય રીતે લોકો આઠ વિષયો રાખતા જેથી એક વિષયમાં નાપાસ થયા હોય તોપણ પાસ થયેલા જાહેર થાય. નાપાસ થયા હોય તે પેપર ક્લિયર કરવું હોય તો ઓક્ટોબર ટ્રાયલમાં પરીક્ષા આપીને ક્લિયર કરી શકાય. નાનભાઈના વિષયોમાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી સંસ્કૃત, સમાજશાસ્ત્ર, જનરલ સાયન્સ, ફિઝિયોલોજી હાઈજીન અને સ્પેશિયલ ભૂગોળ હતા. નાનભાઈને અને ઠાકોરભાઈને પણ સ્પેશિયલ ભૂગોળ વિષય ખૂબ ગમતો. ઠાકોરભાઈ તો કહેતા કે ‘પભુ, એક તરફ સુશીલાબેન ભૂગોળ ભણાવતા હોય અને બીજી તરફ વરસાદ આવતો હોય ત્યારે ભૂગોળ ભણવાની ખૂબ મજા આવે!‘ એ તર્ક મને સમજાતો નહોતો છતાં વરસાદ આવે ત્યારે હું ભૂગોળનું પાઠ્યપુસ્તક વાંચવાની કોશિષ કરી જોતો. મને કોઈ વિશેષતા માલમ પડેલી નહીં પણ એટલું સમજેલો કે મનને કોઈ પણ રીતે સમજાવીને એને અભ્યાસમાં સ્થિર કરવાનું  નિમિત્ત સારું છે. નાનભાઈનું અંગ્રેજી સારું હતું, નાપાસ થવાનો કોઈ ડર નહોતો છતાં કોણ જાણે કેમ તે અંગ્રેજીમાં નાપાસ થયો અને મનમાં નક્કી જ હતું તેમ ઓક્ટોબર ટ્રાયલમાં બેસવા માટે નવસારીના પ્રખ્યાત સપ્રે ટ્યૂશન ક્લાસમાં એડમિશન લઈ લીધું અને સાથોસાથ જુના થાણા પાસે આવેલ પરમાર ઈન્સ્ટિટ્યૂટમાં ટાઈપના વર્ગો જોઈન કરી લીધા. આમ કરવાથી એસ.ટી બસના ભાડામાં કન્સેશનનો પાસ મળી જતો હતો અને એસ.એસ.સી ઉપરાંત ટાઈપીસ્ટ તરીકેની વધારાની લાયકાત પ્રાપ્ત થઈ જતી હતી. તે સમયે એસ.એસ.સી. પાસ કરનારને નોકરી મળી શકતી હતી, પણ ટાઈપિંગની પરીક્ષા પાસ કરી હોય તો વિશેષ તક રહેતી હતી. તેમાંયે વળી ગુજરાતી ટાઈપ જાણનારાની સંખ્યા તે વખતે ઓછી જ હતી. નાનભાઈએ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ટાઈપ પણ શીખી લીધું હતું.

સાતેમ હાઈસ્કૂલની બાજુમાં નહેર કૉલોની આવેલી છે તેમાં ઊંચા અને મળતાવડા સ્વભાવના એક દેસાઈ સાહેબ અધિકારી હતા. તેમને અને નાનભાઈના પરિવારને સારા સંબંધો હતા. કદાચ, ડેઈલી વેજીસ પર નાનભાઈએ એ ખાતામાં કામ પણ કર્યું હતું. રોજના દોઢ કે બે રૂપિયા મળતા. તે જમાનો લાગવગનો હતો અને અમારી કોમનો કોઈ માણસ સરકારી નોકરીમાં નહોતો. દેસાઈ લોકોની વગ ભારે હતી અને તેમની સાથે જો સંબંધો સારા હોય તો તેઓ ગમે ત્યાં ભલામણ કરીને પોતાના માણસોને ગોઠવી શકતા હતા. સંબંધો એ બહુ મોટી મૂડી છે. યોગ્યતા હોય તે સારી વાત છે, પણ તે સાથે સંબંધોની મીઠાશ હોય તો કામ સરળ બને છે. નાનભાઈ કુદરતી રીતે સંબંધોનો માણસ હતો. સંબંધ ઊભા કરવામાં કંઈ ધન દોલતની જરૂર નથી પડતી. સારો વાણી વહેવાર, મળતાવડો સ્વભાવ, નિષ્કપટતા, મૈત્રી, કર્તવ્યનિષ્ઠા થકી નાનભાઈ જ્યાં જાય ત્યાં સંબંધોની દુનિયા ઊભી દેતો હતો. આ ગુણ એનો વિશેષ ગુણ હતો.

મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી હું કૉલેજ માટે પ્રજાપતિ આશ્રમમાં દાખલ થયો ત્યારે નાનભાઈને નોકરીનો ઓર્ડર આવ્યો. ઉમરગામ માં પોસ્ટિંગ હતું. તે વખતે દૂર ગણાતું હતું. મેં પણ કહ્યું કે નવસારીમાં હોત તો સારું થાત! પણ એણે જણાવ્યું કે એકવાર દૂર તો જવું જ પડે. આનંદની વાત એ હતી કે સરકારી નોકરી મળી ગઈ હતી, પછી દૂર શું ને નજીક શું? પાછળથી બદલી તો કરાવી જ શકાય. વાત વાજબી હતી. વરસો સુધી ઘર આંગણે નોકરી કર્યા પછી પાછળથી વતન છોડવાનું આવે તે અઘરું લાગે એના કરતાં અઘરું કામ પહેલું જ પતી જતું હોય તે વધારે સારું. ચોમાસાની સિઝન હતી. નાનભાઈ એની માસીને ત્યાં રહીને ઉમરગામ બસમાં જતો હતો કે પછી ઉમરગામમાં જ રૂમ રાખી હતી તે બહુ ચોક્કસ યાદ નથી, પણ એટલું ચોક્કસ યાદ છે કે બહુ જલદી એ નવસારીની કોર્ટમાં આવી ગયેલો. ચોમાસામાં અમારા ગામ જવાની બસ બંધ થઈ જતી હતી એટલે એ દરમિયાન નાનભાઈ નવસારી માસીને ત્યાં જ રહેતો હતો.

નવસારીમાં બદલી થયા પછી તો નાનભાઈ લગભગ રોજ અમારા આશ્રમ પર આવે. મારા રૂમ પાર્ટનર્સ અને બીજા વિદ્યાર્થીઓ જોડે મિત્રતા થતાં એને જરાયે વાર નહીં લાગી. તે વખતે અમને માર્કશીટની નકલને પ્રમાણિત કરાવવા માટે સેકંડ ક્લાસ ઓનરરી મેજિસ્ટ્રેટની સહી કરાવવી પડતી અને એક નકલ તેઓ રાખી લેતા. અમને તે પોસાતું નહોતું. નાનભાઈને કારણે એ બધાંનું કામ સરળ થઈ ગયું. આશ્રમમાં રહેતા કોલેજિયનો પૈકી ઘણા લોકોની માર્કશીટ એપ્રુવ્ડ કરવાનું કામ મફતમાં અને તે પણ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરાવી આપ્યું. નવસારીમાં એનો એક દોસ્ત જેનું નામ મેં વારંવાર અખબારોમાં વાંચ્યું હતું તેની જોડે દોસ્તી થઈ. કોર્ટનું જે નોટિફિકેશન અખબારમાં પ્રસિદ્ધિ અર્થે આવે તેમાં તૈયાર કરનાર નાનુભાઈ ઝેડ મિસ્ત્રી અને મુકાબલ કરનાર તરીકે કે. જી. અન્સારીનું નામ આવતું હતું. અન્સારી ખૂબ જ નમ્ર અને નરમ માણસ. નાનુભાઈ અને અન્સારીની જોડી બરાબર જામી ગઈ, બિલકુલ મારી સાથે હતી તેવી જ. બંને એકબીજાના જીવનની રજેરજ માહિતીથી માહિતગાર. ઘણીવાર તેઓ બંને સાથે અમારી રૂમ પર આવે. અમે સાંજનું ભોજન પતાવી દીધું હોય, થાળી વાટકીને માંજીને રૂમની બારી પર મૂકી દઈને કપડાં બદલીને અમે ત્રણે જણાં ફરવા નીકળી પડીએ. એસ. ટી. ડેપો, લુન્સીકૂઈ મેદાન કે દુધિયા તળાવ એ અમારી ફરવાની જગ્યા. એટલું ફરીને અમે છૂટા પડીએ કારણ કે સાંજે આઠ વાગ્યે અમારા આશ્રમમાં સમુહ પ્રાર્થના થાય અને તે વખતે હાજરી પુરાય. ઘણીવાર નાનભાઈ મને કહે કે ‘પભુ, આજે આપણે કંઈક ખાઈએ!‘ હું કહું કે કંઈ ખાવાનું જરૂરી નથી. એ પેન્ટના ગજવામાં હાથ નાંખે અને કહે કે મારી પાસે પૈસા છે, આપણે કેળાં ખાઈએ! તે વખતે છાંટવાળા કેળાં ચાર આને ડઝન મળતા હતા. એ જાતે જ લારીવાળા પાસેથી અડધો ડઝન કે ડઝન કેળાં ખરીદી લાવે. કેળાં નાના આવતાં હતાં. એકાદવાર આવું થાય તો ઠીક છે, પણ અવારનવાર આવું થવા લાગ્યું એટલે મેં ના પાડી તો કહે કે આ પૈસા મારા પગારના પૈસા નથી, તો? એ કહે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તેઓ જતી વખતે ઘરના બાળકોને પૈસા આપે ને, તેવી રીતે કોર્ટ કેસના આરોપીઓ આવે તે જતી વખતે અમને રૂપિયો બે રૂપિયા આપતા જાય! તેમાંથી હું નાસ્તો કરાવું. તેમના વકિલો જ તેમની પાસે પૈસા કઢાવીને અમને અપાવે! અન્સારી પણ એમાં ટાપસી પુરાવે.

ચોમાસાના ચાર મહીના એ એની માસીને ત્યાં રહે, પણ જમવાનું ચાર પુલ આગળ લલ્લુભાઈ પંચાલને ત્યાં રાખેલું. ત્યાં એ જમે તેટલીવાર હું બહાર બેસું અને લલ્લુભાઈ જોડે વાત કરું. એને બધા ‘લલ્લુ જાદુગર‘ તરીકે ઓળખે કારણ કે લલ્લુભાઈને ત્યાં સત્ય સાંઈ બાબાના ચમત્કારો થતા હતા. લોકો માનતા હતા કે એ ચમત્કારો લલ્લુભાઈ પોતે જ કરતા હતા! તેઓ અવારનવાર પુટ્ટપર્તિ પણ જતા હતા. મને એવું લાગેલું કે એ પરિવારને ભક્તિનો અહંકાર આવી ગયો હતો. પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ માનતા હતા.  

નાનભાઈની એ ખાસિયત કહો કે સ્વભાવની વિશેષતા કહો, પણ એ જ્યાં જાય ત્યાં બહુ સરળતાથી અને સજહતાથી એનું ફ્રેન્ડ સર્કલ જલદી બની જતું. લોકોના મનમાં ભરાઈ જવાની અને તેનો વિશ્વાસ જીતી લઈ મનની વાતો કઢાવવાની ગજબની કુનેહ હતી. એનો સંગાથ હોય તો આપણને કશે પણ અજાણું લાગવાનો સંભવ ન રહે. એને મારી કંપનીની જરૂર રહે અને મને એની કંપનીની. ત્રીજું ચોથું કોઈ અમારી સાથે ભેગાય કે ન ભેગાય તેનાથી અમને કશો ફરક નહીં પડે. આ તો એને નોકરી મળી તે પછીની વાત થઈ, પણ તે પહેલાં પણ કોઈ સગાં સંબંધીને ત્યાં સામાજિક પ્રસંગો હોય તો તે મને સાથે લઈ જાય. એના ખેતરે જવાનું હોય કે હજામને ત્યાં બાલ કપાવવા જવાનું હોય કે કોઈ મહેમાનને માટે દારૂ લેવા જવાનું હોય કે ઘરથી બહાર નીકળીને કોઈના પણ ઘરે જવાનું હોય અમે બંને સાથે જ હોઈએ. અમે વાલની પાપડી તોડવા જઈએ કે જુવારના, મગફળીના ખેતરે જઈએ, ઈવન એના માળ પર કઈ લેવા જવાનું હોય તો પણ અમે સાથે જ. નાનપણમાં એમના મનમાં કોઈએ બીક પેસાડી દીધેલી કે એમના માળ પર કંઈક અનિષ્ટ તત્વ બીવડાવે છે! આ બીક તો બહુ વરસો સુધી ચાલી. બારણે ચૂલે નહાવાનું પાણી ગરમ કરવા માટે ઈંધણા જોઈએ તે લેવા માટે અમે ટોપલામાં ઓઢણ, દોરડું અને દાતરડું લઈને નીકળી પડતા. કોઈના ખેતર કે વાડાની ફરતે બાવળના કાંટાની વાડ જુની થઈ ગઈ હોય તે વાડ ભાંગીને એ લાકડા કાંટા અમે ટોપલામાં ભરી લાવતા. કોઈ વાર પડોસમાં રહેતી કમરી ભાભી પણ અમારી સાથે હોય. વાડના કાંટા ઉપરાંત જુવારના ખૂપરા અને દિવેલિયાના સૂકા છોડ પણ લઈ આવતા. કપાસના છોડના મૂળિયાં સાથેના થડિયા તેમજ તુવેરના છોડના થડિયા પણ બળવામાં ઉત્તમ હોવાથી તે પણ શોધી શોધીને વીણી લાવતા. સીમમાં વાલની પાપડીનું ઉબેડિયું પાડતા, તુવેર બાફીને ખાતા, મગફળીની સીઝનમાં લીલી માંડવી શીંગ બાફીને તથા સેકીને ખાતા. મસ્ત મઝાના પોપટા બાઝ્યા હોય તેવા ચણાના છોડ ઉખેડી લાવીને તેના ઓરા પાડીને ખાતા. તે વખતે બધાના મોઢાં જોવા જેવાં હોય, વાંદરાના કાળાં કાળાં મુખ જેવાં! તલ સંક્રાંત પર એકાદ બે સાધારણ સાઈઝના પતંગ ખરીદીને ગોદડા સીવવાના જાડા દોરાની છડી લઈને સીમમાં પતંગ ચગાવતા. પડીકાના કાગળિયા પર બાવળના પડદાનો ચીક લગાડીને પતંગની પૂંછડી લગાવતા. પેચ લેવાનો તો સવાલ જ નહોતો. દોરો કપાઈ જાય તે અમને ન પોસાય! દોરો નહીં પણ અમારું દિલ કપાઈ જાય! પતંગ થોડીવાર આકાશમાં ઊડે એટલે પૈસા વસુલ! દોરો ફરીથી વીંટી લાવીને ઘરમાં આપી દેવાનો!

સાંજેનો વધેલો વાસી રોટલો અને સાંજે બનાવેલું કડવા વાલના દાણાનું શાક હથેળીમાં લઈને ચાલતાં ચાલતાં, ખાતાં ખાતાં અને શિયાળાની દાંત કકડાવતી ઠંડીમાં ખુલ્લા પગે દોડતાં દોડતાં, શેઢા કૂદતાં, કપાસના ખેતરે કપાસ વણવા જતા. ખળી લીંપીને તેમાં પુરેટિયાનો પાર જોડ્યો હોય કે જુવારના કણસલાનો પાર હોય કે પછી ઉકરડામાંથી ખાતર કાઢવાનું હોય. ઊંડા ઉકરડામાં ખામણાં પાડીને ‘ઓટી જામ, કોટી જામ, બંગલો કુદાવી જામ‘- બોલતાં બોલતાં મોતના કૂવાની જેમ ગોળ ગોળ ઘુમવાની મજા લેતા. પાદરે રામલા મોરિયાને ત્યાં વાડામાં ખૂબ બોરડીઓ હતી ત્યાં ખાટાં મીઠાં, રાતાં પીળાં ડલ્લા, રાતી રાતી રાઈ, ધરાઈ ધરાઈને ખાતાં અને ગજવા ભરીને ઘરે લઈ આવતા. ઉનાળામાં લોકોના ઉકરડા પાસે ઉગેલી આમલીના ઝાડ પરથી વિલાતી આમલીના ડેળખા ને ડેળખા આંકુડી બાંધીને પાડતા. ક્યારેક તો તુવેરની કરસાંટીમાંથી બનાવેલી આંકુડીનું ડિંગલું તૂટી જાય, તો ક્યારેક લાકડી સાથે બાંધેલી આખી આંકુડી જ સરી જાય અને આમલી સાથે ટિંગાતી રહે! પછી આમલીના ઢગલામાંથી ડોકી દુખામણીની આમલી જુદી લેતા. ઉકરડો ખોરાઈ જવાથી વડીલો અમને ધમકાવતા. ગોળીગળની જાત્રામાં ચાલતા જતા ને આવતા. હોળીમાં હોમવા માટે છાણમાંથી વિવિધ આકારના હોળિયાં બનાવી તેને સૂકવીને તેનો હાર બનાવતા. હોળી સળગ્યા પછી પ્રદક્ષિણા કરતા. બીજા દિવસે ઠંડા પડવા આવેલા દેવતા અને ભભરોટમાં બટાકા શક્કરિયા સેકતા. લોકોએ હોળીમાં નાખેલા પૈસા અમે શોધતા અને તે પૈસામાંથી દુકાનેથી ખજૂર લાવીને ખાતા. દુકાનદાર ખંડુ બાવાનો સ્વભાવ ભારે રમુજી. એકવાર તેની પાસે હોળીના પૈસામાંથી ખજૂર લેવા ગયા. ખંડુકાકાએ નજર ચૂકવીને ખજૂરને બદલે કંઈક બીજું જ બાંધી આપ્યું. ઘરના ઓટલે બેસીને અમે પડીકું ખોલવા બેઠા, ખજૂરને બદલે સડી ગયેલા પોચા પોચા બટાકા નીકળ્યા!  બહાર ફેંકી દેવા જુદા મૂકેલા હશે તે અમને બાંધી આપ્યા! આ પ્રસંગ તો નાનાભાઈને છેવટ સુધી યાદ હતો અને યાદ આવતાંની સાથે જ એ હસી પડતો.

એના દાદાની જાહોજલાલી હતી એટલે એમના ઘરે જુદું પાકું રસોડું હતું. પરસાળમાં અને ઓટલા પર ભોંય લીંપણ હતું પણ રસોડામાં ટાઈલ્સ હતી. પાકું પાણિયેરું અને નાવણિયું હતું. ત્યાં પણ ટાઈલ્સ જડેલી હતી. તેને અડીને કૂવો હતો. કૂવાનું પાણી મીઠું હતું. હવેલીની સ્ત્રીઓએ પાણી ભરવા માટે ફળિયાના સાર્વજનિક કૂવે નહોતું જવું પડતું. એમના કૂવામાં વારંવાર બિલાડી પડતી હોવાનું મેં સાંભળ્યું હતું. બિલાડી એટલે તાંબડો પડી ગયો હોય તેને કાઢવા માટે જે હૂક- આંકડાવાળું સાધન વપરાય તે નહીં, પણ સાચેસાચ ચાર પગવાળી બિલાડી! એનું કારણ બિલાડી રસોડામાં દૂધ પીવા ભરાઈ હોય, તેને હાંકી કાઢવા કોઈ રસોડામાં જાય એટલે બિલાડી રસોડાની બારી વાટે નાવણિયામાં જાય. ત્યાંથી ગભરાઈને કૂવામાંથી પાણી કાઢવાની બારીએથી બહાર જવા છલાંગ મારે, પણ સામે દિવાલ હોવાથી છેદાઈને કૂવામાં પડે! ફળિયાના કૂવામાં કોઈનો તામડો પડી ગયો હોય તો નાનભાઈને ત્યાંથી જ બિલાડી મંગાવવામાં આવતી. નાનભાઈના કૂવેથી મેં મારા આખા ઘરનું પાણી સવાર સાંજ ચારેક વરસ સુધી રોજ ભર્યું છે. નહાવા ધોવા માટે અમારા ઘરોમાં પતરાંની ડોલ હતી તે વખતે એમને ત્યાં પિત્તળની ડોલ વપરાતી હતી. ટાઈલ્સ સાથે અથડાવાનો એનો ખખડાટ છેક અમારા ઘરમાં પણ સંભળાતો.

અમારા એટલા વિસ્તારમાં ઘડિયાળ તો એક માત્ર નાનભાઈને ત્યાં જ હતી. મળસ્કે જગાઈ ગયું હોય તો સમય જોવા માટે ઊજેળિયો તારો (શુક્રનો ગ્રહ), દૂર દૂરથી આવતો કૂકડાનો અવાજ અને નાનભાઈના ઘરના ઘડિયાળના ટકોરા સિવાય બીજું કોઈ સાધન નહોતું. એલાર્મ ક્લોક કે રિસ્ટવૉચ ની કોઈને જરૂર પણ નહોતી પડતી અને ખરીદવાની ક્ષમતા પણ લોકોમાં નહોતી. ગામમાં આવતી જતી એસ.ટી. બસ અને નિશાળે જવાનો કે છૂટવાનો ઘંટ વાગે તેના પરથી આશે સમય જાણવા મળતો અને તેટલું બસ હતું. એમને ત્યાં જેમ ઘડિયાળ હતું તેમ કોલસાવાળી અસ્ત્રી હતી. મહોલ્લામાં કોઈને જરૂર પડે તો એમને ત્યાંથી અસ્ત્રી લાવીને સળગતા અંગારા તથા બીજા કોલસા નાખીને અસ્ત્રીનો ઉપયોગ કરાતો, પણ એની જરૂર બહુ ઓછા લોકોને પડતી. ખેતીકામ કે કારીગર તરીકે કામ કરતી વખતે અસ્ત્રી ટાઈટ કપડાંની કોઈ જરૂર નહોતી. નવાં ધોયેલાં કપડાંને ગડી વાળીને ડામચિયા કે પેટારા પરના ગોદડાની નીચે મૂકી દેવાથી આપોઆપ અસ્ત્રી થઈ જતી. અમે લોકો તે વખતે શેર, અચ્છેર, પાશેર, નવટાંક જેટલું ઘી ટોકવા માટે (તોલવા માટે) એટલા વજનના પથરાનો કાટલા તરીકે  ઉપયોગ કરતા અને ત્રાજવું પણ દેશી છાબવાળું વાપરતા હતા, પણ જરૂર પડે ત્યારે એમને ત્યાંથી નગારા જેવા અર્ધગોળાકાર ચામડાના બનેલા ત્રાજવા અને દુકાનમાં હોય છે તેવા સ્ટાન્ડર્ડ કાટલાં લઈ આવતા. મોટેભાગે પાંચશેરી, દસશેરી, અધમણિયો અને મણીકો એમને ત્યાંથી લાવતા. બીજી એક નવી નવાઈની વસ્તુ હતી તે અંગ્રેજી ડિક્ષ્નરી! એની જરૂર ભાગ્યે જ કોઈને પડતી. ઠાકોરભાઈ હાઈસ્કૂલમાં ભણવા ગયા ત્યારે વસાવેલી હશે, ઓઝા અને ભટ્ટની. તે વખતે તો કોઈને ડિક્ષ્નરીમાં જોતાં પણ ક્યાં આવડતું હતું?!

ગામમાં લગ્નનો પ્રસંગ હોય તો અમે સાથે જ જતા. લગ્નની વિધિ અમે ધ્યાનપૂર્વક જોતા. જુદા જુદા પ્રસંગે ગવાતાં લગ્નગીતો અમે ધ્યાનથી સાંભળતા અને ઘરે આવીને પાછા યાદ કરતા. બળદગાડામાં કે ખટારામાં બેસીને જાનમાં જતા હોઈએ ત્યારે પણ અમારું વિશેષ ધ્યાન કોઈ નવા લગ્નગીત પર અવશ્ય જતું. તેના પર હળવી કમેન્ટ પણ કરતા અને રમુજ માણતા. અમારી ફરમાઈશ મુજબના ફટાણા ગાવા- ગવડાવવાનું બહેનોને યાદ કરાવતા. અમારા ગામના આદિવાસી વિસ્તારમાં લગ્ન હોય તો દૂરથી તૂર વાગવાનો અવાજ સંભળાય. ક્યારેક તો અમારા ઝાંપા પાસે થઈને સડક પરથી એમની જાન જતી હોય. તૂરનો લય પકડીને એના શબ્દો અમે ગોઠવતા, ‘ડુબરાની જાન જાય, તાં હું જોવાનું થાય, ડુબરાની જાન જાય તાં હું જોવાનું થાય!‘ તૂર કંઈ એકલા હળપતિઓના લગનમાં જ થોડું વાગતું હોય! આદિવાસીઓની તમામ જાતિઓમાં તૂર વગાડાતું. જાન દેખાતી બંધ થાય પછી અમે થાળી અને વેલણ કાઢીને એની નકલ કરી જોઈએ એટલે વડીલો અમને ખીજાય! આદિવાસી મહિલાઓની ગીત ગાવાની ઢબ સામાન્યો કરતાં થોડીક અલગ હોય. એમની ઠસક એ એમની વિશિષ્ઠતા છે. ત્રણેક વરસ પહેલાં નાનભાઈએ મને પૂછ્યું, ‘માંડવા ઉપર ચલ્લી, પલકારા મારે!‘ એ ગીત યાદ છે? મેં હા કહી અને ગુણવંત શાહે લખેલો લેખ એને મોકલી આપ્યો. એક લીટી ઉમેરી પણ આપી, ‘કયા ભાઈને જોઈને પલકારા મારે!‘ ખાસ તો આદિવાસી મહિલાઓ અમુક શબ્દોને ઝાટકો મારીને ગાતી હોય છે. અમે આંગણામાંથી ટેકરીની ધાર પર આવીને સડક પર જતી જાન જોવા ઊભા રહીએ. અમારી ધારણા મુજબ પેલું ગીત જરૂર સાંભળવા મળે, ‘શું જૂએ શું જૂએ, નગરીના લોક જો.‘ નાનભાઈ સાથે અમે આદિવાસીઓના લગન જોવા જતા. એકમેકની કમ્મર પર હાથ ભીડાવીને દારૂના નશામાં ચકચૂર માટેડાઓ ગાંડા થઈને નાચે એ જોઈને અચરજ થાય. તૂરવાળાનો હાથ થાકે, પણ નાચનારાના પગ નહીં થાકે! જો થાળી કે ઢોલકનો અવાજ બંધ થાય તો

ભીખુ નાગર વળી એકવાર કહેવાનો થયો, નાનભાઈ એક જોક કહું!  ભીખુએ જોક કહ્યો, કહે કે ‘એક જગ્યાએ ત્રણ મિત્રો ભેગા થયા હતા. તે પૈકી એક બહેરો, એક આંધળો અને એક લંગડો હતો. અમારી ઉત્સુકતા વધી. થોડીક વાર થઈ એટલે બહેરો કહે કે ‘મને દૂર કશેક તૂર વાગતું હોય તેવું સંભળાય છે.‘ નાનભાઈ હસી પડે! બહેરાને સંભળાતું હોય તો એ સારું લક્ષણ ગણાય!! બીજો મિત્ર આંધળો તે કહે કે ‘મને તો આ..ઘ્ઘેથી લશ્કર જેવું કંઈ આવતું દેખાય છે! આંધળાને જો દેખાતું હોય તો એને આંધળો ન કહેવાય, પણ જોક એટલે જોક. પછી બાકી રહ્યો લંગડો. તેણે શું કહ્યું? તો ભીખુ બોલ્યો, લંગડાએ એમ કહ્યું કે ‘આપણા પર જોખમ છે. ચાલો, આપણે જલદીથી ભાગી જઈએ!‘.. માણસના મનની ભ્રમણા કેવી ગજબની હોય છે.

દિવાળીના દિવસોમાં ઓટલા પર અને આંગણામાં સાથિયા પૂરવા માટે નાનભાઈને ભારે ઉત્સાહ રહેતો હતો. ઘણાં સાથિયા એને મોંઢે યાદ હોય તો કેટલાક સાથિયા ચોપડી કે નોટબુકમાંથી જોઈને દોરવા પડે. રોજ ઉંબર ધોઈને ચાર પાંખડીવાળું ફૂલ તો દોરાતું જ હોય. તદુપરાંત છ થી છ ના કપ રકાબી અને તેરથી સાતની કારેલી જેવા સાથિયા તો યાદ જ હોય. નાનભાઈના હાથેથી ચપટી બહુ સરસ પડે! વાડકીમાંથી ચોખાનો લોટ કે કરોટીની ચપટી ભરીને સાથિયા માટે ઝડપથી ચપ ચપ ટપકાં પાડી દે અને મીંડાને જોડતી વખતે પણ સફેદ લાઈન એટલી સરસ પડે કે એમાં નાનભાઈ હસતો દેખાય! વધારે મીંડાવાળો સાથિયો બરાબર દોરાય તે માટે અમે સમાંતર કાણાં પાડેલું પૂંઠું વાપરતા જેથી સાથિયો આડોબાડો ન પડતાં સુરેખ દોરાય. એક જણના ઘરે દોરાઈ જાય પછી બીજાને ત્યાં દોરીએ, પણ સાથે મળીને કરીએ. કયા સાથિયાના કયા ભાગમાં કયો રંગ વધારે ઉચિત રહેશે તેની અમારામાં સૂઝ હતી, પરિણામે સાથિયો દીપી ઊઠતો. બીજાને ત્યાં જે કામ ઘરની છોકરીઓ કે વહુ કરતી હોય તે કામ અમારા ઘરમાં અમે કરતા, વળી ઉત્સાહભેર કરતા. નાનભાઈના હાથે સાથિયાની ચપટી જેમ બરાબર પડતી તેમ દિવાળીના ઘૂઘરાની કાંગરી પાડવી એ પણ નાનભાઈ માટે ડાબા હાથનો ખેલ હતો.

વાઘબારસના દિવસે ઘરના પાલતુ જાનવરોના શિંગડાં રંગવાના હોય અને તેના બરડા પર રંગવાળી હથેળીની છાપ પાડવાની હોય, એ તમામ જવાબદારી અમારી રહેતી. ચૌદસના મેળામાં નોગામા જવાનું થાય. રસ્તે વાત નીકળે કે કયા કયા લોકોની પહેલી પસંદગી કઈ હોય. મહિલા વર્ગ સારી બંગડી, હિંગળાની શીશી, ફેસ પાવડરની ડબ્બી, આરસી, બક્કલ, હેર પીન અને ઘર વખરીની ચીજો. બાળકો હોય તે ચગડોળ, ફુગ્ગા, ચકરડી, રમકડાં, સિસોટી, પીપુડી, ખાવાનું પીવાનું અને નવું નવું જોવાનું; પણ ગોવાળિયા આવે તે પહેલું શું ખરીદે? ગામમાં કહેવત પ્રચલિત હતી કે ગોવાળિયાને પૂંઠ વહાલી! એટલે પહેલું કામ તો સરસ મજાનો રૂમાલ ખરીદે! તે પણ ભડકતા લાલ રંગનો, બીજી ખરીદી પીહવો એટલે કે વાંસળીની કરે, પછી ભજિયાં ખાય, કચકડાંના રંગીન ચસમા પહેરીને ફરે. કોઈ ફોટો પાડતું હોય તો હાથમાં લાલ રૂમાલ પકડીને ફોટો પડાવે. બસ આટલી જ જરૂરિયાત હોય. બેસતા વરસના દિવસે વહેલા ઊઠીને સાથિયાની રંગપૂર્ણી કરીને પછી ગામમાં સૌને સાલમુબારક કરવા જઈએ. કોઈના ઘરમાં દાખલ થઈએ તે પહેલાં અમારી નજર તો ‘સુથારનું ચિત્ત બાવળિયે‘ ની જેમ ઘરના ઓટલા પર દોરેલા સાથિયા પર જ પહેલી જતી. ગામની મોટાભાગની ટેકરીઓ પર જઈને બધાંને મળી આવતા. ઘરે આવતાં બપોર થઈ જાય અને ત્યાં સુધીમાં તો શરીર ‘થાકીને ઠેંહ‘ થઈ ગયું હોય! બીજા દિવસથી જોતરાઈ જઈએ ખેતીના કામમાં.

હું, ચંપક અને નાનુભાઈ અમે ત્રણ જણા સીમમાં જઈને, આંબા પર લટકતી રંગબેરંગી કેરીઓ પાડતા. તે વખતે તો દેશી આંબા જ હતા એટલે તેની ફરતે વાડ નહોતી. એટલે કે આંબા સાર્વજનિક હતા. કેરી સહજ સુલભ હતી, પણ તે ઊંચી હતી એટલે તેને પાડવા માટે મજબૂત ઢેફું, નળિયું કે પથરાનો ઉપયોગ થતો. (ઢેફાંનો ઉપયોગ તો ડગલે ને પગલે ઘણી બધી ક્રિયાઓમાં થતો) બરાબર આંચ લઈને નિશાન પાર પાડતા, મહેનત કરીને પાડેલી રંગીન કેરી કમનસીબે કાચી નીકળતી ત્યારે અમને છેતરાયાની લાગણી થતી અને કાચી કેરીની ખટાશ કરતાં અમારું મન વધારે ખાટું થઈ જતું! જોકે ક્યારેક અમે વાટેલા મીઠાનું પડીકું ગજવામાં રાખતા જેથી કાચી કેરીની પણ જ્યાફત માણી શકતા.

હાઈસ્કૂલમાં હતા ત્યારે ક્યારેક અમે રાત્રે ત્રણે જણાં સાથે વાંચવા બેસતા. અમારે ત્યાં ઝાળ કાઢતા સાદા દીવા હતા જ્યારે મને ત્યાં લેમ્પ હતો. એ લેમ્પ એટલે વિદ્યુત બલ્બ નહીં, તેમ ફાનસ પણ નહીં! ફાનસમાં તો ઉપર છત જેવું ઢાંકણ હોય અને તેના અંદરના ભાગે મેંશ ચોંટી જતી હોય. જ્યારે લેમ્પની ચીમની લાંબી હોય અને ખુલ્લી હોય. ફાનસની ચીમનીમાં અંદરથી ઝાંખપ ફેલાય જ્યારે લેમ્પમાં મેંશ ઊંચે ચાલી જતી હોવાથી ઝાંખપ નહી લાગે અને અજવાળું વધારે લાગે. થોડોક વખત બેસીએ ત્યાં તો મંકોડા પણ ઘોડા જેવા મેદાનમાં ઉતરી આવે. કોઈ વળી પાંખવાળા હોય. અમારું ધ્યાન વાંચવા કરતાં મંકોડામાં વધારે જાય. થોડીવાર પછી ચા બનાવીને પીને સૂઈ જઈએ. આમાં વાંચવાની મજા નહીં આવે. વાંચતા વાંચતાં એકવાર પાણી પીવા ઊઠ્યા તો સડક પરથી શેરડીની ટ્રક જતી માલમ પડી. ધીમી ગતિએ ચાલતી હતી એટલે થયું કે પાછળથી શેરડીનો ટૂકડો ભાંગી લઈએ! ઝાંપો ઉતરતાં જ વાર! શેરડી ચસોચસ સીંચેલી હતી તે કોઈનો છેડો જ નહીં દેખાય! અમે શેરડીનો છેડો પકડવા ફાંફાં મારતા હતા ત્યાં અમારી બગલમાં ગપો ગપ કોઈ ઘુસા મારતું માલમ પડ્યું. અંધારામાં અમને કોણે માર્યા તે ખબર નહોતી પડી. દેહાકૃતિ પરથી અમને લાગ્યું કે નાનભાઈના મોટાભાઈ બાલુભાઈ હશે, વાંચવાનું મૂકીને શેરડી તોડવા કેમ દોડ્યા એમ વિચારીને અમને માર્યા હશે એમ સમજ્યા, પછી ખબર પડી કે ટ્રકનો ક્લીનર જ અગાઉથી ઉતરી પડીને શેરડી તોડવા આવનાર છોકરાને મારતો હતો! એને ટ્રકમાં બેસી જતાં જોયો ત્યારે ખબર પડી. અમને જ્યારે કોઈ કહેતું કે બોર્ડની પરીક્ષામાં ઊંચા ક્રમે પાસ થતા અમુક વિદ્યાર્થીની આર્થિક દશા એટલી નબળી હતી કે નગરપાલિકાએ જાહેર સ્થાનો પર મૂકેલી ટ્યૂબલાઈટના અજવાળે પરીક્ષાની તૈયારી કરી હતી ત્યારે અમને એમ લાગતું કે ગામડાંના શ્રીમંતોને જે ટ્યૂબ લાઈટનો લાભ નથી મળતો તે લાભ શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેનાર વિદ્યાર્થીને મળે છે, એને કમનસીબ કહેવું કે નસીબ!

અમારે એસએસસીની પરીક્ષા માટે વાંચવાની રજા પડી ત્યારે નાનભાઈ ફ્રી હતો. એક દિવસ એણે ખબર આપી કે બાજુના ઘડોઈ ગામે રામલીલાની મંડળી આવેલી છે અને આજુબાજુના ગામના ઘણા લોકો જાય છે. હું પણ જાઉં છું. બહુ મજા આવે છે. મારું મન લલચાયું. અંધારામાં બત્તી (ટોર્ચ) ના પ્રકાશમાં રસ્તે ફાંફાં મારતા ચાલતાં ચાલતાં ઘડોઈ જઈએ અને નાટકના ડાયલોગ, ગાયન કટ તથા હિરોઈન બનતા છોકરાની પ્રેક્ષકો દ્વારા થતી છેડતી વિશે કમેન્ટ કરતાં કરતાં રાત્રે ઘરે પહોંચીને એકાદ કલાક વાંચીને સૂઈ જાઉં.

બત્તીની વાત નીકળી એટલે એમાં વપરાતા પાવર સેલની વાત યાદ આવી. રેડિયો સેટની તે વખતે બહુ નવાઈ હતી. પરદેશથી કોઈ આવે તો લઈ આવે અથવા કોઈ દ્વારા મોકલાવે. બહુ ઓછા લોકોને ત્યાં રેડિયો હતો. નાનુભાઈના ભાઈ ઠાકોરભાઈએ રેડિયો મોકલાવ્યો. રેડિયો તો દીકરાએ મોકલાવ્યો હતો, પણ નાનુભાઈના બાપુજી કહેતા કે રેડિયો મોંઘો પડે છે. કહેતા કે દર મહીને સેલ બદલવાના અને દર વરસે લાઈસન્સના પૈસા ભરવાના તે ગણીએ તો રેડિયો વગાડવો મોંઘો પડે! નાનુભાઈના બા બાપુજીને રેડિયો પર સમાચાર અને ભજન સાંભળવાના ગમતા જ્યારે અમને ફિલ્મી ગીતો. જેવો સમાચારનો સમય થાય કે અમે સ્ટેશન બદલી નાંખતા! કાકા અને કાકી સમાચારની રાહ જ જોયા કરે અને અમે તે વખતે આકાશવાણીના ભોપાલ કેન્દ્ર પર ગાયનો સાંભળતા હોઈએ! તે વખતે ‘રામચંદ્ર કહ ગયે સિયા સે, ઐસા કલયુગ આયેગા..‘ ફિલ્મી ભજન બહુ લોકપ્રિય બન્યું હતું. ભજન પૂરું થયા પછી કાકા કહે કે આ બધું મહાભારતમાં લખેલું જ છે. તે વખતે રેડિયો સિલોન પરથી દર બુધવારે પ્રસારિત થતા બિનાકા કાર્યક્રમનું સૌને બહુ ઘેલું લાગ્યું હતું. સાંજનું જમવાનું પતાવીને સમય પહેલાં અમે નાનુભાઈના ઓટલા પર રેડિયો ચાલુ કરીને બેસી જતા. બિનાકાના ટાઈટલ મ્યુઝિકની સાથે એકાએક ફૂટી નીકળતો અમીન સયાનીનો વાતાવરણને ચીરીને આવતો મનમોહક અવાજ બિનાકા સુનનેવાલે બહનોં ઔર ભાઈઓ…‘અમારા પર મોહિની પાથરી દેતો.. ખિલૌના ફિલ્મનું રફીનું ગીત છેલ્લે આવતું એટલે અમે ઊઠવા માંડતા. રફી જાણે અમને ઉદ્દેશીને જ ગાતો હતો, ‘ખિલૌના! જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો!‘ એવું જ હીર રાંઝા ફિલ્મનું ગીત અમને અપશુકનિયાળ અને નિરાશા વેરતું લાગતું, ‘ યે દુનિયા, યે મહેફિલ.. મેરે કામ કી નહીં‘ પછી બિનાકાનું પણ કામ નથી એમ બબડીને અમે રેડિયો બંધ કરી દેતા. ગીત ગમે તે હોય પણ તેને રજુ કરવાની અમીન સયાનીની શૈલીના અમે દિવાના હતા.

અમારી એસ.એસ.સી.ની પરીક્ષા પૂરી થયા બાદ એમને ત્યાં મોટાભાઈ બાલુભાઈના લગ્ન હતા. અમારી જાણમાં તો એમના ઘરે એ પહેલો જ પ્રસંગ હતો. આખું ઘર નવેસરથી સજાવવાનું હતું. ઘરને ઝાપટ ઝુપટ કરીને દિવાલને ચૂનો કરવાનો હતો. બારી, બારણાં બારસખ અને બારીના સળિયાને રંગ કરવાનો હતો. ઘણાં દિવસો સુધી મેં ચંપકે અને નાનુભાઈએ સાથે મળીને કામ કર્યું. દિવાલ પર ગણપતિનું ચિત્ર પણ દોરવાનું કામ અમે કર્યું. સ્વાભાવિક રીતે જ મને આગળ પડીને કામ કરવાની તક મળી. ગાલ્લુ લઈને લગનનો સામાન વહોરવા ગયા ત્યારે મને પણ સાથે લીધો અને મારા માટે પણ પેન્ટનું કાપડ લીધું. મારી જિંદગીમાં મેં સિવડાવેલો એ પહેલો જ પેન્ટ હતો જે મને કોલેજે પહેરી જવામાં કામ લાગ્યો. લગ્નપ્રસંગે વપરાતા પતાસા પાડવા માટે એક માણસ આવેલો અને તેણે ખાંડની ચાસણી બનાવીને ખુલ્લી પાથરેલી પિછોડી પર જે ઝડપે પતાસાં પાડ્યાં તે જોવાની મજા આવી. 

સુરત છોડીને હું નવસારી આવ્યો તે પછી એક દિવસ નાનુભાઈ મને પૂછે કે પભુ તને યાદ છે કે અમારા આંગણામાંથી એક બળદ એક માણસને મારવા દોડેલો અને તે માણસ હિમાર બાજુ (સીમ બાજુ) ભાગેલો. બળદે જોરદાર ફુંફાડા મારીને પીછો કરેલો. પેલો માણસ આંબાન ઝાડ પર ચડી ગયો, તો બળદ પણ આંબાની ફરતે આંટા મારતો રહ્યો. કમનસીબે આંબા પર લાલ કીડીના પોટા હતા! પેલા માણસને કીડીએ ચટકા ભરવા માંડ્યા. અંધારું થવા આવ્યું હતું. ઉપર કીડી અને નીચે જીવ લેવા તત્પત બળદાસુર! પેલો તો આંબા પર પોક મૂકીને રડે. પછી બળદ આપણને મારવા દોડેલો!‘ કૃષ્ણ સુદામાની કવિતા ભણેલા ‘પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે; હાજી નાનપણાની પેર મને કેમ વીસરે રે!‘ ની જેમ હું પણ કહું કે ‘પછી આપણે એટલા જોરથી ભાગેલા કે એકી શ્વાસે ઘરે દોડી આવેલા. પાછું ફરીને જોયેલું સુદ્ધાં નહી. એ બળદ નહોતો, પણ સાક્ષાત કાળ હતો, એ દિલધડક પ્રસંગ તો કેવી રીતે ભુલાય?‘

મેં જ્યારે સિત્તેરના દાયકા પહેલાંનું મારું ગામ કેવું હતું તેનું વર્ણન લખીને ગામના મિત્રોને મોકલવા માંડ્યું ત્યારે નાનુભાઈ કહે કે ‘પભુ, મને વોટસેપ વાપરતાં  નહીં આવડે, પણ તું જે લખીને મોકલે તે હું પહેલું જ વાંચું.‘ એને લખવાનું નહીં ફાવે એટલે સીધો ફોન જ કરે. કંઈ રહી ગયું હોય તે યાદ કરાવે. ‘તને પેલો રામલો લક્કડફોડો યાદ છે, જે ધંતુરાનું ફૂલ ખાતો હતો. આખો દિવસ ગાંઠવાળા ગંડેરા ચીરતો હતો અને કૂવા પર ઠંડા પાણીથી નહાતો હતો!‘ હું કહું કે ‘મને એ યાદ છે ને મંજીરો ગાંડો પણ યાદ છે. પણ હું તને પૂછું કે ‘બંને પગને ઘુંટણથી વાળીને તીન્ન બિદી ભમ્મચક્ક અને ધીમી ધીમી નાચ ગાયી‘ ગાતો એક ભૂચકો આવતો હતો તે યાદ છે? નાનભાઈ બાળપણના એ દિવસોમાં ખોવાઈ જાય અને હસી પડે! માથા પર પતરાની પેટી લઈને એક સિંધી બિસ્કિટ વેચવા આવતો. બીજો એક સિંધી વળી ‘ચાલણગાડી ચોપડીવાળો, કાવરીવાળો, બંગડીવાળો, હિંગળાની બાટલીવાળો..‘ એમ બોલતો બોલતો ગામમાં ફરતો હતો! કરચેલિયાથી સુરણ બટાકા, શક્કરિયા, કોબીજ, તડબુચ વેચવા ગાલ્લુ લઈને આવતો એક કાછિયો કે બધા જેને ‘બખારિયો‘ નામથી ઓળખતા હતા! એનો હાંખલો (સાદ) બહુ મોટો હતો તેથી તેને બખારિયો કહેતા.

નાનભાઈની એક ખાસિયતથી બહુ ઓછા લોકો વાકેફ હશે, તે છે પગલાં ઓળખવામાં એની માસ્ટરી. રોજબરોજ સંપર્કમાં આવતા માણસોના પગલાંની છાપ એને યાદ રહી જતી હતી. લોકો મોટાભાગે પગરખાં વગર જ ફરતા અને કામ કરતા હતા. તે જોઈ જોઈને એટલે કે અવલોકન કરતા રહેવાને કારણે ‘પગી‘ તરીકેના લક્ષણો એણે આપોઆપ પ્રાપ્ત કરેલા. એને લગતો એક પ્રસંગ ટાંકું. એમને ત્યાં ઘરકામ કરવા સવિતા નામની એક છોકરી આવતી હતી. બહુ કામગરી અને બોલકણી હતી. ગામને પાદરે સીતલા રવિયાની એ છોકરી હતી. એનો ભાઈ ભગુ સીતા નાનભાઈની જેમ નવમા ધોરણના અ વર્ગમાં ભણતો હતો. એ સવિતા થોડાક દિવસથી નાનભાઈને પૂછ્યા કરે કે ‘નાનભાઈ સો તારીખ કે દા‘ડે?‘ નાનભાઈને નવાઈ લાગી કે આને વળી તારીખની શી જરૂર પડી? રમુજમાં એણે કહ્યું કે છ તારીખ છઠ્ઠી તારીખે આવે! સવિતાને બરાબર સમજાયું નહી. બે દિવસ પછી ફરીથી પૂછ્યું. આ વખતે નાનુભાઈએ બરાબર ગણીને કહ્યું કે આટલા દિવસ પછી છ તારીખ આવશે. થોડા થોડા દિવસે સવિતા પૂછ્યા જ કરે કે છ તારીખ ક્યારે આવવાની. પછી જ્યારે ખરેખર છઠ્ઠી તારીખ આવી તે દિવસે એ ઘરકામ કરવા આવી નહીં. ઘરે તપાસ કરી તો સવિતા સવારથી જ ગુમ! સવિતાના ઘરના પણ બધા ચિંતામાં પડી ગયા. ભગો અને નાનભાઈ ચર્ચા કરીને એનું પગેરું શોધવા માંડ્યાં ધૂળમાં પગલું જોતાં જોતાં નહેર પર આવ્યા. પગલાં દેખાતાં બંધ થયા. થોડે દૂર ગયા પછી એ જ પગલાં પૂણી ગામ તરફ જતાં દેખાયાં એટલે ખ્યાલ આવી ગયો કે સવિતા પૂણી ગઈ છે. સવિતાની મોટી બહેન પૂણી ગામે પરણેલી હતી. બેન- બનેવી વચ્ચે મનદુ:ખ ચાલ્યા કરતું હતું. મોટી બહેન પિયરમાં હતી. બનેવી મુંબઈ નોકરી કરતો હતો. ભગો સમજી ગયો કે સવિતા બનેવી જોડે મુંબઈ ભાગી ગઈ હોવી જોઈએ. ભગો મુંબઈ પહોંચ્યો, બનેવીને ઘેર. સવિતા ત્યાં જ હસતી રમતી હતી!   

બધા પ્રસંગો તો લખી શકાવાના નથી. લખવાનું પૂરું કરવા જાઉં ત્યાં રહી રહીને બીજો કોઈ પ્રસંગ યાદ આવે. મારું લખવાનું એ જ કે નાનભાઈ એ હળવાશના માણસ, સરળતા અને રમુજ એ એનો સ્વભાવ. એના સહવાસમાં ગંભીર બાબત પણ સરળ બની જાય. ભારે વાતાવરણ પણ હળવું બની જાય. અજાણ્યો પણ દોસ્ત બની જાય. અમારો સહવાસ અમે બંનેને નોકરી મળી ત્યાં સુધી કાયમ રહ્યો. મને બોતેરની સાલમાં સુરતમાં બેંકની નોકરી મળી. એક રવિવારે હું મારા વાડામાં કંઈ કામ કરતો હતો ને નાનભાઈ એની ખળીમાં કામ કરતો કરતો. કામ કરતાં કરતાં કોણ જાણે કેમ પણ એ એક જુની કવિતા લલકારીને ગાતો હતો. કવિતા મીરાંબાઈની હતી. ગીતના શબ્દો હતા, ‘તારે ને મારે હંસા પ્રીત બંધાણી રે!..‘ અવારનવાર આ કડી રિપિટ થતી હતી. મેં મારા ઘરમાં મારી માને પૂછ્યું કે નાનભાઈના લગ્ન માટે છોકરી જોવાની વાત ચાલતી હતી તે કંઈ નક્કી થયું કે નહીં. મારી માએ કહ્યું કે વડોલી ગામમાં નક્કી થયું છે. છોકરીનું નામ ખબર છે? તો માએ કહ્યું, લગભગ હંસા નામ છે. કવિતાનો તાળો મળી ગયો. નાનભાઈના લગ્ન બારમી મેના દિવસે હતા અને મેં મારી નોકરીમાં પહેલવહેલી કેઝ્યુઅલ લીવ મૂકી. આજ મેરે યાર કી શાદી હૈ. એના લગ્ન થયાં એટલે એનો સંસાર ચાલુ થયો.

ગણદેવી કોર્ટમાં બદલી થઈ. ધમડાછા રહેવા ગયો. મારા જીવનમાં તોફાન આવ્યું. મારી માને જીવલેણ કેન્સર થયું અને મારા લગ્નની વાત તૂટી ગઈ. સૌ સૌના પ્રશ્નોમાં ગુંથાઈ ગયા. મારે સુરત રહેવાનું થયું. એમનું ફેમિલી ને મારું ફેમિલી ઓતપ્રોત થાય એવા સંજોગો ક્યારેય આવ્યા જ નહીં. અમારાં બાળકો પણ એકમેકને ઓળખે સુદ્ધાં નહીં. કોઈ સામાજિક પ્રસંગે અમે મળીએ અને સમયાધીન ખપ પૂરતી વાતો કરીને છૂટા પડીએ. અમારી નોકરી ચાલુ હતી તે દરમિયાન એકવાર અમે  એસ.ટી ડેપોમાં ભેગા થઈ ગયા. મેં એને કહ્યું કે ‘નાનભાઈ તારે રિટાયર થવાને કેટલો વખત બાકી છે. મને તો બે દિવસ પહેલાં સપનું આવ્યું કે તું રિટાયર થઈ રહ્યો છે. વિદાય સમારંભ ગોઠવાઈ રહ્યો છે અને હું પણ ત્યાં હાજર છું!‘ એણે કહ્યું કે બે જ મહીના બાકી રહ્યા છે. કેવો જોગાનુજોગ? કોઈ વ્યક્તિ અથવા કોઈ ઘટના આપણને સપનામાં ક્યારે આવે? મને લાગે છે કે ઊંડે ઊંડે ય આપણે જે વ્યક્તિનું કે જે ઘટનાનું ચિંતન કરતા હોઈએ, જે આપણા જીવન સાથે અમીટપણે જોડાઈ ગઈ તે જ આપણને સપનામાં દેખાતી હોય એમ બને.

એ અઠ્ઠાવન વરસની ઉંમરે રિટાયર થયો. હું સાંઠ વરસની ઉંમરે રિટાયર થયો. બે વરસ પછી નવસારી રહેવા આવ્યો. નાનભાઈ નોકરી કરતો હતો ત્યારે ઘરથી નવસારી અપડાઉન કરતો હતો. રિટાયર થયા પછી એણે નવસારીમાં મકાન રાખ્યું. એ કેવળ સંજોગોનો પ્રતાપ! આમ જુઓ તો સાવ નજીકના વિસ્તારમાં જ એમની સોસાયટી. પણ અમારી મુલાકાત ઓછી થતી હતી. પરંતુ, રોજ સવારે હું જે. કે. ટાવર ચાલવા જાઉં ત્યાં નાનભાઈ અને અન્ય સજ્જનોનું ગૃપ નિયમિત યોગા કરવા આવે. એમનું યોગામાં ધ્યાન અને મારું ચાલવામાં. ત્યાંથી નીકળતી વખતે અમારી નજર એક થઈ જાય તો સ્મિત સાથે હાથ ઉંચો કરીને એકમેકનું અભિવાદન જરૂર કરીએ અને ખાસ કામ હોય તો ઊભા રહીને વાતો પણ કરી લઈએ. છેલ્લા વરસો દરમિયાન નાનભાઈને કબીલપોર પ્રજાપતિ સમાજને સેવા આપવાનું થયું. સમાજના ઉત્સાહી અને દીર્ઘ દૃષ્ટિવંત પ્રમુખ શ્રી નગીનભાઈ જોડે એમનું ટ્યૂનિંગ ખૂબ જ સારું રહ્યું. નાનુભાઈએ સેક્રેટરી તરીકે ઉમદા ફરજો બજાવી. નાનુભાઈ અને નગીનભાઈની જોડી આદર્શ અને પ્રેરણાદાયી રહી. ‘ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દુવારે!‘ એકનો સાદ પડે કે તરત જ બીજો હાજર થઈ જાય એમ કહેવા કરતાંયે એક યાદ કરે ને બીજો દોડતો આવે એવા સરસ સંબંધો બંને વચ્ચે બન્યા. સમાજના તમામ હોદ્દેદારો અને સર્વે પરિચિત મિત્રો એને સ્નેહભાવે સંભારે છે.

અમારા જુના શિક્ષકોનું અવસાન થયું હોય તો એકમેકને ખબર આપીને અમ્ સ્અથે મળવા જઈએ. કોઈ સાહેબ વિદેશથી આવ્યા હોય તો તેમને મળવા જઈએ. પગે લાગીને આશીર્વાદ લઈએ. અનવસારીના કડિયાવાડમાં રહેતા દયાળજીભાઈ પટેલ- ડી.ડી. પટેલ સાહેબ સાતેમ હાઈસ્કૂલમાં અમને ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. બે વાર એમને મળવા જવાનું થયું છેલ્લી વખતનો ફોટો મેં અહીં મૂક્યો છે.

સાત વરસ પહેલાં, દિવાળીના સપરમા તહેવારે હંસાબેનનું અચાનક અવસાન થયું અને નાનુભાઈના હૃદયમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો. હંસાબેનનું સ્થાન ખાલી પડ્યું એમ કહેવા કરતાં નાનુભાઈના અડધા અંગને લકવો મારી ગયો એમ કહેવું વધારે યોગ્ય ગણાય. ઘરમાં આજ્ઞાંકિત દીકરા વહુ અને પૌત્રોના કિલકિલાટથી સ્વર્ગ જેવું સુખ માણી રહેલા અને સમાજની પ્રવૃત્તિઓમાં કાર્યરત નાનુભાઈને અવારનવાર કેટલીક શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. યોગાના વર્ગમાં જવાનું બંધ થયું, પણ ઘરે યોગા ચાલુ રહ્યા. સાંજે સોસાયટીના મિત્રો જોડે ચાલવા નીકળવું, બેસવું અને પછી અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જવાનો ક્રમ ચાલુ થયો.

નાનુભાઈના ચાલ્યા જવાથી મારા મગજની મેમરી કાર્ડમાંથી અડધો ખજાનો લૂંટાઈ ગયો છે. હજી તો મારે ઘણી બધી જુની વાતો એની પાસે બેસીને નોંધવાની હતી. કાળ કદી થોભતો નથી. શારીરિક કષ્ટથી રિબાતા ઉંમરલાયક માણસ માટે મૃત્યુ શાંતિદાતા બનતું હોય છે. ક્યારેક તો સૌએ જવાનું જ છે. મૃત્યુ કંઈ નવાઈની વાત નથી, પણ વ્યક્તિના જવાથી આત્મીયજનોના હેયામાં એક ઊંડો ચીરો પડી જતો હોય છે તેનું દુ:ખ અવશ્ય થાય છે. સમય ધીરે ધીરે બધું થાળે પાડી દેતો હોય છે. જાનેવાલે કભી નહીં આતે, મગર જાનેવાલી યાદ તો હમેશા આતી રહતી હૈ. આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ; આતે જાતે રાસ્તેમેં યાદેં છોડ જાતા હૈ. આપણે બાકી રહેતા લોકો માટે એની યાદ એ જ મોટી મૂડી છે.

આપણા સૌની એક જ પ્રાર્થના કે ભગવાન એના દિવ્ય આત્માને મુક્તિ પ્રદાન કરે અને એમન કુટુંબી જનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.

અસ્તુ.     

આલેખન:

પરભુભાઈ સોમાભાઈ મિસ્ત્રી.

9327431312

૫૪- શ્રી રામનગર, કબીલપોર, નવસરી

દિવાન-એ-ખાસ

– વિક્રમ વકીલ

મોરીછાપી હત્યાકાંડ : સામ્યવાદીઓએ કરેલી કત્લેઆમનો વણકહ્યો લોહીયાળ ઇતિહાસ

*******

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવેલા ગરીબ હિન્દુઓને જ્યોતિ બસુએ કઈ રીતે મોતને ઘાટ ઊતાર્યા હતા?

*******

”પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારે અમારો આર્થિક બહિષ્કાર ચાલુ કર્યો હતો. 1979ની 26મી જાન્યુઆરી પોલીસની 30 જેટલી લોન્ચ બોટ અને ત્રણ જેટલી બીએસએફની સ્ટીમરે મોરીછાપી ટાપુને ઘેરી લીધો હતો. ઘણા દિવસોથી અમે અનાજ, પાણી કે દવા લેવા માટે ટાપુની બહાર જઇ શક્યા નહોતા. જ્યારે પણ અમારી હોડીઓ ટાપુથી દુર જવાનો પ્રયત્ન કરે કે પોલીસની લોન્ચ ટક્કર મારીને અમારી હોડીને ડુબાડી દેતી હતી અને હોડીમા સવાર લોકો ડુબી જતા હતા. અમારા નેતા સતીષ મોન્ડાલ અને રંગલાલ ગોલ્ડારે નક્કી કર્યું કે એક હોડીમાં ફક્ત સ્રીમોઓને બેસાડીને જ પાણી અને અનાજ લેવા મોકલીએ. પોલીસ કદાચ મહિલાઓને જોઇને હોડીને જવા દેશે. પરંતુ અમે ખોટા પડ્યા. ખાખી વર્દીધારીઓએ મહિલાઓની હોડીને પણ ટક્કર મારીને ડુબાડી દીધી. મહિલાઓ ડૂબી રહી હતી ત્યારે હું અને બીજા 400 જેટલા પુરુષો હિંમત કરીને એમને બચાવવા દોડ્યા. અમે નદીમાં ડુબકી મારીને તરતા તરતા પહોંચ્યા ત્યારે ડુબી રહેલી મહિલાઓ પર પોલીસે ફાઇરીંગ શરૂ કર્યું. જોકે અમે હિંમત કરીને કેટલીક મહિલાઓને બચાવી લીધી…. ”

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવીને પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલા સંતોષ સરકાર ઉપરનો પ્રસંગ યાદ કરતા લગભગ રડી પડ્યા હતા. મોરીછાપી શું છે અને ત્યાં શું શું થયું હતું એની આપવીતી કહેવા માટે સંતોષ સરકાર જેવા બીજા કેટલાક બંગાળી હિન્દુઓ હજી હયાત છે.

પશ્ચિમ બંગાળમાં કલકત્તાથી આશરે 70 કીલોમીટર દૂર આવેલા સુંદરવનના જંગલોની વચ્ચે મોરીછાપી નામનો નાનકડો ટાપુ આવ્યો છે. 1947ના ભાગલા વખતે એ વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા હિન્દુઓમાંથી, ઉપલા વર્ગના હિન્દુઓ કલકત્તા સ્થાયી થવા માટે નસીબદાર રહ્યા હતા. મોટા ભાગના ગરીબ અને દલિત હિન્દુઓને પશ્ચિમ બંગાળમાં આવકાર મળ્યો નહીં હોવાથી તેઓ ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સ્થાયી થયા હતા. આ હિન્દુઓની હાલત ખૂબ જ કપરી હતી. જંગલમાં તેઓ આદિવાસીઓની સાથે રહીને ભૂખમરામાં દિવસો પસાર કરતા હતા. હિટલરના કોન્સનટ્રેશન કેમ્પમાં જે હાલત યહુદીઓની હતી એવી જ હાલત હિન્દુ શરણાર્થીઓની હતી. 60ના દાયકામાં પણ પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો દ્વારા થતા અત્યાચારથી કંટાળીને હિન્દુઓ મહામહેનતે ભારત શરણાર્થી તરીકે આવ્યા હતા. એ વખતે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સીપીઆઇ (એમ) વિરોધ પક્ષ તરીકે હતો. મધ્યપ્રદેશના જંગલોમાં સ્થાયી થયેલા આ શરણાર્થીઓને બંગાળમાં સ્થાયી થવાનું આમંત્રણ અને લાલચ સામ્યવાદીઓએ આપી હતી.

સામ્યવાદી કહો, ડાબેરી કહો, માઓવાદી કહો કે અર્બન નક્સલ કહો. પ્રજાતિ એક જ છે. આ પ્રજાતિ હંમેશા એવો દેખાડો કરે છે કે તેઓ ગરીબોના મસિહા છે. લિબરલ છે. સેક્યુલર છે. પોતાના વિરોધીઓ માટે તેઓ હંમેશા ફાસિસ્ટ, કોમવાદી, માસ મર્ડરર… જેવા શબ્દપ્રયોગનો ઉપયોગ છુટથી કરે છે. સામ્યવાદીઓનો અસલી ચહેરો જોવો હોય તો ઘણા બધા દાખલા આપી શકાય. પરંતુ હમણા જ પ્રકાશિત થયેલા એક પુસ્તકે આ સામ્યવાદીઓનો એક એવો બિહામણો અને બર્બર ચહેરો એક્સપોઝ કર્યો છે કે કદાચ હિટલર અને મુસોલિની જેવા ક્રુર શાસકોને પણ સારા કહેવડાવે.

સામ્યવાદીઓ જે ઇતિહાસને વિશ્વથી છુપાવવા માંગતા હતા, જેના ઉલ્લેખ માત્રથી છળી ઊઠતા હતા એ હવે વિશ્વસમક્ષ બેનકાબ થઈ ગયો છે.

સિત્તેરના દાયકાના અંતભાગમાં પશ્ચિમ બંગાળની સત્તા પર પહેલી વખત સામ્યવાદીઓએ કબજો જમાવ્યો. મુખ્યપ્રધાન તરીકે જ્યોતિ બસુ હતા. સામ્યવાદીઓની વાતમાં વિશ્વાસ રાખીને કેટલાક હજાર શરણાર્થીઓ મોરીછાપી ટાપુ પર સ્થાયી થયા. જાત મહેનતે એમણે જંગલમાં મંગલ જેવું વાતાવરણ ઉભુ કર્યું. તેઓ માંડ બે પાંદડે થયા તે સામ્યવાદીઓની આંખમાં ખૂંચવા માંડ્યા. આ શરણાર્થીઓમાંથી મોટા ભાગના નવશુદ્ર તરીકે ઓળખાતા દલિત હતા. સામ્યવાદી સરકારે મોરીછાપીના શરણાર્થીઓને ધમકી આપવાની ચાલુ કરી કે તેઓ ટાપુ ખાલી કરી નાંખે. ધમકીઓથી ડરીને કેટલાક શરણાર્થીઓ સુંદરવન જંગલની અંદર ભાગી ગયા. આ ભાગેલા શરણાર્થીઓમાંથી કેટલાકને રેલવે સ્ટેશન પરથી જ પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. દિવસો સુધી એમને ખોરાક અને પાણી આપવામાં આવ્યા નહીં. કેટલાકને તડીપાર કરવામાં આવ્યા. ત્યાર પછી મોરીછાપીમાં રહી ગયેલા 40 હજાર જેટલા દલિત શરણાર્થીઓ પર જે અત્યાચાર થયા તેનો જોટો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જડે તેમ નથી.

સરકારે પોલીસ મોકલીને શરણાર્થીઓના ઝુંપડાઓ સળગાવી દીધા. ટાપુને ચારે તરફથી ઘેરી લઈને અનાજ અને પાણીનો પૂરવઠો અટકાવી દેવામાં આવ્યો. અનાજ, પાણી અને દવા વગર હજારો શરણાર્થીઓ મૃત્યુ પામ્યા. પોલીસ અત્યાચારમાં બાકીના બીજા જે મૃત્યુ પામ્યા એ બધાનો આંકડો ગણતા એમ કહેવાય છે કે 10 હજાર હિન્દુ શરણાર્થીઓની કત્લેઆમ કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ પછી જ્યારે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું ત્યાર પછી ત્યાંના હિન્દુઓ પર થતા અત્યાચારમાં ઘટાડો થયો નહીં એટલે અહીંના હિન્દુઓ માટે સૌથી મોટી દ્વિધા એ હતી કે એમણે કરવું શું ?

શરૂઆતમાં જે શરણાર્થીઓ આવ્યા હતા તેમને દંડકારણ્યમાં કામચલાઉ તંબુઓ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. આવા હિન્દુ શરણાર્થીઓ માટે મોરીછાપીનો ટાપુ એ કાયમના વસવાટનું સ્થળ બની શકે એમ હતું. શરણાર્થીઓ આવ્યા એ પહેલાં મોરીછાપી ટાપુ પર કોઈ વસવાટ કરતુ નહોતું એટલે સામ્યવાદી સરકાર પાસે દલિતોની કત્લેઆમ કરવા માટે કોઈ કારણ પણ નહોતું.

દિપ હલદર નામના તેજસ્વી પત્રકારે મોરીછાપી હત્યાકાંડમાંથી બચી ગયેલા અને જેમણે હત્યાકાંડ વિશે ફર્ટ્મહેન્ડ માહિતી મેળવી હતી તેવાઓને મળીને ‘બ્લડ આઇલેન્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પહેલાં મોરીછાપીના હત્યાકાંડને પૃષ્ઠભુમીમાં રાખીને અમિતાવ ઘોષ નામના જાણીતા લેખકે એક નવલકથા પણ લખી હતી. નવાઇની વાત એ છે કે 1984ના શીખ હત્યાકાંડ વિશે તપાસ કરવા યોગ્ય રીતે જ ઘણા કમિશનો નિમાયા અને ઘણા લેખો લખાયા, પરંતુ મોરીછાપી હત્યાકાંડ વિશે દેશ-વિદેશમાં બહુ ઓછાને ખબર છે. જ્યોતિ બસુની સરકારે મોરીછાપીના શરણાર્થીઓ પર અત્યાચાર કરવાનું જે કહેવાતું કારણરજુ કર્યું હતું એ પ્રમાણે મોરીછાપી એ પ્રતિબંધીત ટાપુ છે અને શરણાર્થીઓને કારણે ત્યાંના પર્યાવરણને નુકશાન થાય એમ હતું ! જોકે મોરીછાપીના હત્યાકાંડ વિશે જાણકાર કેટલાકની દલીલ છે કે સામ્યવાદીઓને દલિતો પ્રત્યે અણગમો હોવાથી તેઓ ઇચ્છા નહોતા કે પશ્ચિમ બંગાળમાં તેઓ સ્થાયી થાય. મોરીછાપીના હત્યાકાંડ પાછળનું કારણ જે કંઈ હોય, પરંતુ એક વાત નક્કી છે કે જો આ હત્યાકાંડની ફરીથી તપાસ થાય અને સત્ય બહાર આવે તો દેશના અર્બન નક્સલોનું માથું જિંદગીભર શરમથી ઉચું નહીં થાય !

* * *

(નરેન્દ્ર મોદીને હિટલર ગણાવતા લાલભાઈઓએ અરીસામાં મોઢું જોવાની ખાસ જરૂર છે..)

પહેલાં માંગવુ અને માંગેલું મળે ત્યારે રડવું!

માણસના સુખ દુ:ખનું કારણ કેવળ મન જ છે, એમ આપણા પ્રાચીન તેમજ અર્વાચીન શાસ્ત્રકારો સમજાવતા આવ્યા છે. પણ આટલી નાનકડી વાત સ્વીકારવી બહુ અઘરી લાગે; ગીતા કહે છે કે ‘મન એવ મનુષ્યાણામ્ કારણમ્ બન્ધ મોક્ષયો:‘ સુખ આપે તેવી તમામ સગવડો અને દુર્લભ એવા ભૌતિક પદાર્થો મળ્યા પછી પણ દુ:ખી થવાનું કોઈ ને કોઈ કારણ માણસનું મન શોધી જ કાઢે છે! જે મળ્યું તેનો માણસને સંતોષ નથી અને નથી મળ્યું તેનો અફસોસ કરવા લાગી જાય છે. મનને વાળવું જોઈએ પણ તે પહેલાં એને સમજવું જરૂરી છે. એના લક્ષણો સમજાય તો તેનો કોઈ ઉપાય વિચારી શકાય.

પહેલાંના વખતમાં જમાઈને એક અતૃપ્ત જીવ તરીકે ઓળખવામાં આવતો. એની યોગ્ય અયોગ્ય તમામ જીદ પૂરી કરવાના સતત પ્રયાસો પછી પણ જમાઈરાજને કદી સંતોષ જ ન થાય. એક સદગૃહસ્થના વાડામાં ઉગેલા આંબા પર કેરીઓ આવી. સ્વાભાવિક રીતે મજૂરને બોલાવીને ટોપલો ભરી કેરી દીકરીના સાસરે પહોંચાડી. કેરી સ્વાદિષ્ટ હતી, સુમધુર હતી, પિયરની હતી એટલે દીકરી તો ખુશ થઈ જ ઉપરાંત ઘરના અન્ય સભ્યો પણ ખૂબ ખુશ થઈ ગયાં, એકમાત્ર જમાઈને વાંકું પડ્યું! સાનુકુળ પ્રતિભાવ સાંપડશે એમ સમજી દીકરીએ તો હરખભેર કેરીના વખાણ કર્યા અને તે મોકલવા બદલ પિતાનો આભાર માન્યો. પણ જમાઈ જેનું નામ! તેણે કહ્યું કે ‘એક ટોપલો ભરીને કેરી મોકલી તેમાં શું ધાડ મારી? મોકલી મોકલી ને એક જ ટોપલો કેરી!..‘ દીકરીનું મોઢું પડી ગયું. એને થયું કે આ વરસે કેરીનો પાક જ ઓછો થયો છે અને બજારમાં જે આવે છે તેના દામ પણ ઊંચા જ છે. એ સંજોગોમાં મજૂરી ખર્ચીને પણ પિતાજીએ આટલી સરસ કેરી મોકલાવી તેની કોઈ કદર જ નહીં?

બીજે વરસે, કેરીની સિઝન આવી ત્યારે સસરાજીએ દસ મણ કેરી દીકરીને ત્યાં મોકલી. આશા રાખી હતી કે આ વખતે તો જમાઈરાજને જરૂર સંતોષ થશે અને વાંક કાઢવાનું કોઈ કારણ મળશે નહીં. પણ જમાઈની ખોપરી અલગ જ હતી. એણે કહ્યું, ‘ઠીક છે, પણ આંબા પરની બાકીની કેરી તો એ લોકોએ જ ખાધી ને!‘ બીજી વખતે સસરાજીએ આંબા પર જેટલી કેરી આવી હતી તે તમામ કેરી દીકરીને ત્યાં મોકલી આપી. તોયે જમારાઈ તે જમાઈરાજ! એ દીકરીને કહે કે ‘તારો બાપ કેટલો બધો કંજુસ છે!‘ દીકરીને થયું કે હવે વળી શું ઓછું પડ્યું? જમાઈ કહે કે ‘આંબા પરની તમામ કેરી મોકલી તેથી શું થઈ ગયું, આંબાની માલિકી તો એમણે પોતાની પાસે જ રાખી ને!‘

માણસનું મન કદી ધરાતું જ નથી. એને કોઈ વાતનો ઓડકાર કદી આવતો જ નથી. જેમ ખાતો જાય તેમ તેની ભૂખ વધે ને વધારે ઉઘડતી જ જાય છે.

સુખી થવા માટે જરૂરી તેટલાં સાધન સામગ્રી મળ્યાં પછી બીજી એક પંચાત ઊભી થાય છે. તે એ કે ‘બીજાને મારા કરતાં વધારે કેમ મળ્યું?‘ બીજાનું સુખ માણસથી સહન થતું નથી. પરિણામે એને જે સુખ મળ્યું છે તે પણ એ ભોગવી શકતો નથી! ઈર્ષ્યાળુ અને અદેખા લોકો સુખના સાગર વચ્ચે પણ મનમાં ને મનમાં બળ્યા જ કરે છે. કેટલાક લોકો એનાથીયે આગળ જઈને એમ વિચારે છે કે મને જે મળ્યું તે પ્રાપ્ત કરવાની કોઈનામાં લાયકાત નથી. બીજાએ જે સિદ્ધિ મેળવી તે તો જાણે કે ગેરરીતિ કરીને મેળવી, યોગ્યતા ન હોવાથી અપ્રામાણિકતાથી મેળવી, કાળાંધોળાં કરીને મેળવી. તેનો સંતાપ તેને સતત પીડા આપતો રહે છે. અપાર સમૃદ્ધિ વચ્ચે પણ માણસ સુખ ચેનથી કેમ નથી જીવી શકતો તેનું આશ્ચર્ય છે.

સંસ્કૃતમાં એક સુભાષિત ભણાવાય છે કે અભાવ વચ્ચે, દરિદ્રતા વચ્ચે પણ મસ્તી અને ખુમારીથી જીવી શકાય છે. સર્પા: પિબન્તિ પવનમ્ ન ચ દુર્બલાસ્તે, શુષ્કૈ: તૃણૈ: વનગજા: બલીનો ભવન્તિ. કન્દૈ: ફલૈ: મુનિજના ક્ષપયન્તિ કાલમ્. સંતોષ એવ મનુષસ્ય પરમ્ નિધાનમ્. ચાર્લ્સ મેકેનું અતિપ્રસિદ્ધ કાવ્ય ‘મિલર ઓફ ડી‘ ઘણાંના ભણવામાં આવ્યું હશે. ડી નદીને કાંઠે અનાજ દળવાની ઘંટી ચલાવતો સામાન્ય ઘંટીવાળો વહેલી સવારથી સાંજ સુધી અનાજ દળવાનું કામ કરતો હતો. મસ્તીથી ગાતો હતો કે I envy nobody – no, not I – And nobody envies me!’ હું કોઈની અદેખાઈ કરતો નથી અને કોઈ મારી અદેખાઈ કરતું નથી. પણ મજાની વાત એ બને છે કે રાજાને તેની અદેખાઈ આવે છે. રાજા વિચારે છે કે આટલી સમૃદ્ધિ વચ્ચે પણ હું ઉદાસ રહું છું. મને ચેન નથી. હું તારી જેમ મોટેથી, મસ્તીથી ગાઈ શકતો નથી. મારા કરતાં તો તું વધારે સુખી છે. લોટથી મેલી થયેલી તારી ટોપી મારા સુવર્ણમુગટથી વધારે મૂલ્યવાન છે.

ઘંટીવાળો કહે છે કે હું આત્મનિર્ભર છું. ડી નદી મારી ઘંટી ફેરવે છે, અને તેનાથી મારા કુટુંબનું પોષણ કરું છું. મારો રોટલો હું જાતે રળું છું. હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું. મારે માથે કોઈ દેવું નથી. રાજા શાણો છે તે કહે છે કે તારા જેવો માણસ એ મારા ઈંગ્લેન્ડનું ગૌરવ છે, હું તને શુભેચ્છા પાઠવું છું કે તું સુખી જ રહે.; પણ મહેરબાની કરીને એવું ગાતો નહીં કે તારી અદેખાઈ કરવાવાળું કોઈ જ નથી!

ભગવદ ગીતા કહે છે કે ‘શરીરમ્ યદવાપ્નોતિ યત્ ચાપિ ઉત્ક્રામતીશ્વર:, ગૃહીત્વા એતાનિ સંયાતિ વાયુ: ગન્ધાનિવાશયાત્.- જીવ જ્યારે આ દેહ છોડી જાય છે ત્યારે (વાયુ જેમ ગંધને તેના એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જાય છે તેમ) મન સહિત સૌ ઇન્દ્રિયોને પોતાની સાથે લઈ જાય છે. જન્મજન્માંતરથી મન જીવાત્માની સાથે જ ફરતું રહે છે. એક જન્મમાં કરેલી ઈચ્છા તેના મનમાં સચવાઈ પડેલી હોય છે અને કર્મફળ પાકતાં કે યોગ્ય સ્થિતિ સંજોગો પ્રાપ્ત થતાં તે ઈચ્છા સાકાર થાય છે. જ્યારે ઈચ્છા કરી હતી ત્યારે જે સુખદ જણાતું હતું તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દુ:ખનું કારણ બની જાય છે. માણસ ઘણીવાર ફરિયાદ કરે છે કે આવું દુ:ખ મને જ કેમ, પણ એને ખબર નથી હોતી કે આપણને જે સુખ અને દુ:ખ મળે છે તે તો એક સમયે એણે પોતે જ માંગ્યું હતું.

નોકરી દરમિયાન, એક સમયે આપણા સંજોગોને અનુરૂપ આપણે જ રિક્વેસ્ટ ટ્રાન્સ્ફર માંગી હોય છે. પણ તે સમયે ન થઈ હોય. વર્ષો પછી નિયમો બદલાય, બદલીનું ચક્કર ચાલવા માંડે અને જૂના રેકોર્ડને આધારે આપણે માંગેલા સ્થળે જવાનો ઓર્ડર નીકળે ત્યારે આપણને તે સજા લાગે છે!

નગરમાં એક નવી સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું હતું. મકાન માટે પાયા ખોદનારા, કડિયાકામ કરનારા શ્રમજીવીઓ કામ કરતા હતા તે બાજુની સોસાયટીના બંગલાવાસીઓ જોયા કરે. મજૂર અને મજૂરણ ભારે અગવડ વચ્ચે પણ ખિલખિલાટ કરતાં, મસ્તી કરતા કામ કરતાં રહે છે. તેમનું નાનું બાળક ઝાડની ડાળીએ કે લાકડાના ખૂંટાથી બનાવેલા કામચલાઉ ઘોડિયામાં સૂતું હોય. એ રડતું હોય તો મજૂરણ વચ્ચે વચ્ચે આંટો મારીને ઝુલાવી આવે છે. બાળકને પણ લાગે છે કે મા મારી જોડે જ છે. તેને હૂંફ મળે છે. તે નિશ્ચિંત થઈ ઊંઘી જાય છે. બપોરે રિસેસ સમયે મજૂર દંપતિ જમવા બેસે છે. પતિ જાહેર નળ પરથી પાણી ભરી લાવે છે. પત્ની રોટલો શાક કાઢે છે. બંને જણાં અતિ આનંદથી ભોજન આરોગે છે. એકમેક વચ્ચે પ્રેમાગ્રહથી ‘તું ખા, નહીં તું ખા!‘ નો ભાવભર્યો સંવાદ ચાલે છે. નજીકમાં જ સાદડી પર બાળકને સુવાડ્યું હોય છે. તે પણ હાથપગ ઉછાળતું રમી રહ્યું છે. આ મનોરમ્ય દૃશ્ય બંગલાવાસીઓ એકીટસે જોયા કરે છે. તેમના મનમાં ઈચ્છા નિર્માણ થાય છે કે, ‘આનું નામ જિંદગી કહેવાય!‘ ભગવાને તથાસ્તુ કહ્યું હોય કે ન પણ કહ્યું હોય, પણ અર્ધજાગૃત મન આ ઈચ્છાને પકડી રાખે છે અને હવે પછીના આવનારા સમયમાં કે જન્મારામાં એ ઈચ્છા ફળિભુત થાય છે ત્યારે માણસ ફરિયાદ કરે છે કે મને આવી સજા કેમ?!

પ્ર. મિ.

31/12/2022

માંગો તે મળશે! શોધો તે જડશે!

આપણા લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે ‘માંગ્યા વિના તો મા પણ ના પીરસે!‘ એકે કહ્યું, બીજાએ કહ્યું અને વાત આગળ વધતી ગઈ. કોઈ માએ પણ એનો વિરોધ કરવાની હિંમત ના બતાવી. દરેક માતાએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ છે કે શું કથન સંપૂર્ણ સાચું છે? આપણો બધાંનો અનુભવ તો એમ કહે છે કે આ જગતમાં મા અને ઈશ્વર એ બે જ એવાં છે કે જે માગ્યા વગર પણ આપે જ છે! એનાથી વિપરીત ઘણીવાર તો માંગી માંગીને થાકી જઈએ તો પણ આપતા નથી. બાળકનો અને ભક્તોનો તો સ્વભાવ હોય માંગ માંગ કરવાનો એટલે માંગે, પણ મા અને ઈશ્વર બહુ સારી રીતે સમજે છે કે બાળકનું/ભક્તનું કલ્યાણ શેમાં છે. એને કઈ વસ્તુની ખરી જરૂર ક્યારે છે અને કેટલી છે; તે મુજબ યોગ્ય સમયે, યોગ્ય વસ્તુ, યોગ્ય માત્રામાં આપે છે. આ તેમનો સ્વભાવ છે. મા અને ઈશ્વર એ બંને જવાબદાર સરકાર જેવાં છે. જ્યારે માણસની ઈચ્છાઓ વિરોધ પક્ષ જેવી છે! વિરોધપક્ષોનું કામ છે લોકોમાં ઈચ્છા અને અસંતોષ જગાડવાનું, લીડરશીપ લઈને સરકાર સામે માંગણી કરવાનું, પણ કોઈ સરકાર માંગતાંની સાથે જ કોઈ સગવડ આપી દેતી નથી.

માંગેલી તમામ વસ્તુ મા નથી આપી દેતી. બાળકની જરૂરિયાત કોઈ મા તાત્કાલિક નથી સંતોષી દેતી. બાળકની માંગણી પર તે ગંભીરતાથી વિચાર કરે છે અને આશ્વાસન આપે છે કે હું તારી ઈચ્છા સંતોષવાનો પ્રામાણિક પ્રયત્ન જરૂર કરીશ પણ તેને માટે વાર લાગશે. કેટલી વાર લાગશે તે ખબર નહીં, પણ તને એ મળશે જરૂર. દીકરા તું મોટો થા પછી તને પરણાવીશ! બાળક છે એટલે એ માંગે તો ખરું જ, પણ એની તમામ માંગણી સ્વીકારવા જેવી નથી હોતી; એમ કરવા જાય તો એ બાળક માટે જ હાનિકારક નીવડવાની પૂરી શક્યતા હોય. કેટલીક માંગણીઓ અણસમજમાં પણ કરેલી હોય. સરકાર પણ વિવિધ સમુદાયની માંગણીઓ પર સહાનુભૂતિથી વિચારવાની ખાતરી આપે છે. પૂરેપૂરી તમામ માંગણી સંતોષી શકતી નથી તેથી નેતાઓ જરૂર કરતા વધારે જ માગણી મૂકે છે જેથી કાપકૂપને અંતે જરૂરી મુદ્દા પર સમાધાન થાય. ભગવાન પણ માંગતાંની સાથે જ કોઈને કંઈ આપી દેતા નથી. હરજીની મરજી પડે ત્યારે તે આપણી અરજી પર નજર કરે. એની સામે આંદોલન કરી શકાતું નથી.

એક એવી વિચારધારા પણ સમાજમાં ચાલી રહેલી છે કે માંગવામાં જાય શું? માગણી કર્યા વિના કોઈને ખબર કેમ પડે કે આપણને શું જોઈએ છે. સરકારી કર્મચારીઓનો તો અનુભવ રહ્યો છે કે વાજબી માંગણી સંતોષવામાં પણ સરકાર આનાકાની કરે છે. છેવટે હડતાળનું શસ્ત્ર અજમાવવું પડે છે. નાક દબાવીએ તો મોઢું ખૂલે જ! કર્મચારીઓ અસહકાર કરીને તંત્રોની કામગીરી ખોરવી નાંખે, જાહેર જનતા અટવાય અને સરકાર પર દબાણ વધે, પરિણામે સરકાર ઢીલી પડે અને અનિચ્છાએ પણ માગણી સ્વીકારે. બાળકો પણ ઘણીવાર જીદ્દ પર ઊતરે છે, મા બાપનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરે છે અને બાળકને શાંત કરવા માટે માવતરે નાછૂટકે કેટલીક વસ્તુ લગાડી મૂકવી પડે છે! પણ પછી માણસ નજરમાંથી ઊતરી જાય છે. તેના પ્રત્યેનો ભાવ ઘટી જાય છે.

પણ આપણે વાત સુખ અને દુ:ખ વિશે કરતા હતા. તમામ અપેક્ષાઓ સંતોષાયા પછી પણ માણસને સુખ નથી મળતું તેનું શું? ભૌતિક પદાર્થો માણસને સુખની ગેરંટી નથી આપતા. આપણી એક ગેરસમજ એવી છે કે પૈસા, પ્રતિષ્ઠા અને પદ માણસને સુખ આપે છે. ઘણા સંપત્તિવાનો માટે તેમની સંપત્તિ જ દુ:ખનું કારણ બનતી હોય છે. હોદ્દો પણ કાંટાળો તાજ બની રહેતો હોય છે. પ્રતિષ્ઠાથી હૈયાની વેદના શાંત નથી થતી. લગ્ન કરીશ તો સુખી થઈશ એવી ધારણા બાંધી હોય છે, પણ ઘણા કિસ્સામાં લગ્ન જ દુ:ખનું કારણ બની જાય છે. ઈચ્છિત વ્યક્તિ જોડે લગ્ન કરીને હું સુખી થઈશ એમ માનતા હોઈએ અને લગ્ન પછી તે પ્રિયપાત્ર તરફથી જ વધારે સંતાપ ભોગવવો પડે એમ બની શકે. દંપતિને સંતાન માટે આરત હોય. શેર માટીની ખોટ સતત પીડા આપતી હોય, તેને માટે તમામ પ્રયત્નો દિલ રેડીને કર્યા હોય, પણ એ શેર માટી જ મગજની પાંચશેરી બની જતી હોય એવું પણ જોવા મળે છે. તો પછી સુખ મેળવવાનો ઉપાય શો? કુંવારો કોડે મરે અને પરણેલો પીડા ભોગવે! હોય તોયે દુ:ખ અને ન હોય તોયે દુ:ખ!

સુખ અને દુ:ખ આપણા મનમાં જ પડ્યા છે. મન જો સમજતું હોય તો અભાવો વચ્ચે પણ માણસ આનંદથી જીવતો હોય છે મન ન સમજતું હોય તો જગતભરની સમૃદ્ધિ વચ્ચે પણ માણસની અકળામણનો પાર નથી હોતો. બધો આઘાર મન પર છે. આપણા ધર્મશાસ્ત્રો હંમેશાં મનને ઓળખવાની અને મનને સમજાવવાની વાત કરે છે. વિવિધ યુક્તિઓ દ્વારા મનને શિક્ષણ આપવાનું સૂચવે છે. વ્રત ઉપવાસ દ્વારા મનગમતી વસ્તુઓ વગર ચલાવી લેવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રમશ: વસ્તુની જરૂરિયાત ઓછી કરતા જઈ છેવટે વસ્તુ વિના પણ જીવન સારી રીતે ચાલે છે એનો સ્વીકાર મન કરે છે. જીવનને ઉન્નત બનાવનારા સદવિચારોનો નિયમિત ડોઝ આપવામાં આવે છે. તેનું સાતત્ય રાખવાનું સૂચવે છે. પરિણામે મન પલોટાય છે અને સદવિચારોનું રૂપાંતર સદવૃત્તિમાં થાય છે. ત્યાર પછીનું પગથિયું તે સદપ્રવૃત્તિનું છે. વૈદિક સંસ્કૃતિનો એક મંત્ર છે, ‘સમાનિ વ આકૂતિ: સમાના હૃદયાનિ વ:‘ સદવિચારો અને સદવૃત્તિ ધરાવનાર લોકોનો એક સમુદાય બને. એ સમુદાય વિસ્તાર પામતો રહે તો સમગ્ર સમાજ સુખી થાય, સમગ્ર સમાજ પ્રગતિ કરે. સહનાવવતુ સહ નૌ ભુનક્તુ, સહ વીર્યમ્ કરવાવહૈ. તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. પછી ત્રણે પ્રકારની (આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક) શાંતિનો અનુભવ દરેકને પ્રાપ્ત થાય.

મનનું એ લક્ષણ રહ્યું છે કે એને જે જોઈએ તે એ મેળવે જ છે. મન અત્યંત શક્તિશાળી છે. જાગૃત મન કરતા અજાગૃત મનનો હિસ્સો ઘણો મોટો છે. લો ઓફ એટ્રેકશન મુજબ મન જેનું સતત ચિંતન કરે છે તે વસ્તુ કે તે પરિસ્થિતિ તે પ્રાપ્ત કરી જ લે છે. વાસનાનું ચિંતન સતત ચાલતું રહે તો એ વાસના સંતોષાય એ પરિસ્થિતિ જીવ માટે નિર્માણ કરશે અને વાસુદેવનું ચિંતન કરવાની ટેવ પાડી હશે તો વાદુદેવનું મિલન કરાવશે. ગુગલ સર્ચમાં એક વખત આપણી પસંદગીના વિષય બાબતે કંઈ સર્ચ કર્યું હોય તો બીજીવાર સર્ચ કરતી વખતે તે વિષય પરની ઢગલેબંધ માહિતીનો ખડકલો આપણી સમક્ષ કરે છે. શું સર્ચ કરવાનું તે આપણા સંસ્કાર અને ધ્યેય પર આધાર રાખે છે. મન પાસે આપણે સુખ શોધીશું તો સુખની અઢળક સામગ્રી ઠાલવશે; દુ:ખ શોધીશું તો ડૂબી જઈએ એવડો મોટો દરિયો આપણી સામે મૂકી દેશે. આપણને શું જોઈએ છે, સુખ કે દુ:ખ? ભુક્તિ કે મુક્તિ? વાસના કે વાસુદેવ?

પ્ર.મિ.

ખેતરની પોંકપાર્ટી અને દહેરાની કથા!*

સાલ હશે લગભગ ૧૯૮૮-૮૯ની. દર વરસે તાપીને સામે કાંઠે શીતલ ટૉકિઝની પાસે આવેલું શીતલ નગર એ પોંકનગરનું રૂપ ધારણ કરે. પુલના એ છેડેથી પસાર થનારના નાકમાં અદૃશ્ય રીતે પોંકની સુવાસ પ્રસરી જાય. ચાલુ વાહને નજર એ સુગંધનો પીછો પકડે. એ લઈ જાય આપણને સીધ્ધી પોંકનગરીમાં! ત્યાં રાખના ઢગલાવાળી ભઠ્ઠીઓ નજરે પડે. ભઠ્ઠીની આજુબાજુ મજૂરો કામ કરતા બેઠા હોય. તેઓ પૈકી કેટલાક ભભરોટમાં કણસલા સેકતા દેખાય. કેટલાક મજુરો એ કણસલાને સુતરાઉ કપડાની કોથળીમાં ઘાલી ઝપેટતા દેખાય. કેટલીક મજુરણ બહેનો એ પોંકને સૂપડામાં ખાલવીને ઝાટકતી હોય. ઝાટકવાથી રાખ કે બોરાવાળા દાણા અલગ થઈ જાય. બીજી તરફ કણસલા સાથે કાપી લાવેલી જુવારના છોડની થપ્પી હોય. ભઠ્ઠીનો માલિક પોંક વેચવા બેઠો હોય. પોંક લેવા આવનાર ઘરાકોની લાઈન લાગી હોય. માલિક સાથે ભાવતાલ અને પોંકની વકલ અંગે ચર્ચા ચાલતી હોય. માલિક એના ઘરાકોને ઊના ઊના પોંકનો ટેસ્ટ કરાવતો હોય. થોડીક ભઠ્ઠીઓનો પોંક ચાખ્યા પછી નક્કી થાય કે કઈ ભઠ્ઠી પરનો પોંક ખરીદવો. પોંક ખરીદ્યા પછી લાલ, કાળી, પીળી એટલે કે લાલ મરચાવાળી, લીંબુ- મરીવાળી અને મોળી સેવના પડીકા બંધાવવાના. કોઈકવાર સાંજના સમયે અમે કાંતિલાલ ખાંડવાળા જોડે પોંક ખરીદવા જતા. તેઓ એમના મુંબઈના સગાં માટે, પોંક ખરીદવાનો હોય ત્યારે અમને સાથે લઈને જતા. કાંતિભાઈની આંખો નબળી હતી. સૂર્યાસ્ત થયા પછી એમને ફરવામાં તકલીફ પડતી. કાંતિભાઈની આંખો ભલે નબળી હતી, પણ સ્વાદેન્દ્રિય તેજ હતી! ગજબના સ્વાદ પારખુ માણસ. ભાવતાલમાં પણ એમની વાણિયાગીરી (ચીકાસ) અચૂક ભાગ ભજવે. ભઠ્ઠીએ ભઠ્ઠીએ પોંકનો નમૂનો ચાખતાં ચાખતાં જ અમારા જેવાનું તો પેટ ભરાઈ જાય.

પરિવાર સાથે, પોંક પાર્ટી માણવાનો કાર્યક્રમ નક્કી કર્યો હોય ત્યારે સેવ ઉપરાંત ગરમ ગરમ પોંકવડા અને લસણની ચટણી, સાકરિયા દાણા તથા લસ્સીનો ટેસ્ટ પણ માણીએ.

પણ આ બધું તો શહેરમાં આવ્યા પછીના પોંકની વાત છે. અમે રહ્યા ગામડાના માણસો. બચપણમાં અમે જુવારના ખેતરે ભઠ્ઠી સળગાવીને પોંક પાડીને ખાતાં તથા ઘણીવાર કણસલાં કાપી લાવીને, સાંજે ઘરે આવીને ભભરોટમાં કણસલા સેકતા. અને કાથીના ખાટલાંની નીચે સૂપડું મૂકીને તેમાં પોંકના દાણા પડે એ રીતે ખાટલા પર બેસીને ગરમ ગરમ કણસલાને ઘસતા. તે જ રીતે વાંસના ટોપલાને ઊંધો વાળીને તેના પર સેકેલા કણસતા ઘસતા. અમુક અનુભવીઓ તો ડાયરેક્ટ હાથમાં જ ગરમ ગરમ કણસલું ચોળીને પોંક કાઢીને આરોગતા! આ બધાં દૃશ્યો અલોપ થઈ ગયાં છે કારણ કે, અમારા તરફ જુવાર અને મગફળીની ખેતી થતી બંધ થઈ ગઈ. કપાસ પણ બંધ થઈ ગયો. નહેરના પાણી મળતા થવાથી બંને સિઝનમાં ડાંગરની વિવિધ જાતો ઉગાડવાના પ્રયોગો થયા. પછી ઘઉં પણ થવા લાગ્યા. ઘઉંનું ઉત્પાદન બરાબર જામ્યું નહી. એટલામાં શેરડી ચાલુ થઈ ગઈ. સર્વત્ર લીલીછમ શેરડીના ઉપવનો રચાવાં લાગ્યાં. પરિણામે જુવાર, કપાસ, મગફળી, ડાંગર અને વાલ તુવેર સાથેના અમારા સ્મરણો ભુતકાળમાં દટાઈ ગયાં.

ઈચ્છાપોરથી આવતા શાંતુભાઈ- એસ.વી. જોડે કામ કરતાં કરતાં હું ગામડાંના એ જુના દિવસો યાદ કરતો રહેતો. એવામાં તેમણે એક દિવસ પ્રસ્તાવ મૂક્યો કે મેં મારા ખેતરમાં જુવાર કરી છે. આપણે કેટલાક મિત્રો મળીને અમારા ખેતરે એ દેસી જુવારની પોંક પાર્ટીનું આયોજન કરીએ. ખેતરે જઈને ઢેફાંવાળી જમીન પર બેસીને ખાવાનો એક વિશિષ્ટ આનંદ છે! એ તો જે જાણે તે જ જાણે! મારું હૈયું તો આનંદથી નાચવા લાગ્યું. શાંતુભાઈનું દિલ બહુ મોટું એટલે એમણે સૌને સપરિવાર પધારવાનું આમંત્રણ આપ્યું. બાળકો વળી એ આનંદ ક્યાં લેવા જવાના? એમને તો આપણી સાથે લેવાનાં જ હોય!

નક્કી કરેલા દિવસે પહેલાં અમે શાંતુભાઈના ઘરે ભેગા મળ્યા અને પછી એમના ખેતરે ગયા. મારી પાસે TVS 50 મોપેડ હતું. અમે બે અને અમારાં બે સંતાનો એ મોપેડ પર બેસીને ઈચ્છાપોર પહોંચ્યા. શાંતુભાઈના ઘરે પહોંચીએ તે પહેલાં જમણી તરફ એક દહેરું દેખાય. આવતાં- જતાં દરેકની દૃષ્ટિ એ દહેરા પર પડે. મેં તો નિશાની તરીકે યાદ રાખ્યું હતું કે એ દહેરું આવે ત્યારપછીની ગલીમાં વળીએ એટલે સીધ્ધા શાંતુભાઈના વાડા બારણે પહોંચી જવાય. ઘરથી ખેતર જવાની વ્યવસ્થા અને પસંદગીની જુવાર પરથી કણસલા કાપીને તેનો પોંક પાડવાની તથા બાવળના કાંટા સળગાવીને ભઠ્ઠીનો ભભરોટ પેદા કરવાની તમામ વ્યવસ્થા તેમણે કરી હતી. આમ પણ, એસ.વી નું કામ બધું ફટાફટ અને સચોટ તથા સંપૂર્ણ જ હોય. એમાં ભાગ્યે જ કોઈ ખામી રહે. ઝીણી ઝીણી બાબતો આપણને યાદ આવે તે પહેલાં તો એમણે એનો અમલ કરી દીધો હોય.

અમે કોણ કોણ હતા? બધાં નામો તો ચોક્કસપણે યાદ નથી પણ સતીષભાઈ શાહ, ડી.ડી જોશી, કિશોરચંદ્ર ડી દેસાઈ, આનંદોવાળા જગદીશભાઈ દેસાઈ, પ્રવીણસિંહ પરમાર સપરિવાર ભેગાં થયાં હતાં. શરૂઆતમાં જુવારના ખેતરના ચાસે ચાસે ફરવાનો આનંદ માણ્યો. બાળકોને તો મજા પડી જ, સાથે અમને પણ જુના દિવસો યાદ આવ્યા. પોંકની પ્રક્રિયા ખેતરના ખૂણે બેસીને નિહાળી. દેસી કુમળી કુમળી જુવારના લીલા લીલા દાણાનો પોંક અમે ખાધો. તદુપરાંત શાંતુભાઈએ સુરતથી આંધળી વાનીના પોંક, સેવ, ચટણી અને પોંકવડાની તથા મઠ્ઠાની પણ વ્યવસ્થા કરી હતી. બંને જાતનો પોંક અમે ખાધો. પોંકની મિજબાની માણતાં માણતાં સૂર્ય પશ્ચિમ આકાશમાં ક્યારે ઢળી ગયો તે ખબર જ ના પડી. જેમ જેમ અજવાળું સંકેલાતું ગયું તેમ તેમ ઠંડીનું જોર વધવા લાગ્યું! અંધારું અને ઠંડી બંને એકી સાથે ઘટ્ટ થતાં ગયાં. આવતાં તો આવી ગયાં, પણ હવે ઘરે જવાશે શી રીતે, તેની ચિંતા થઈ. ખેતરેથી શાતુભાઈના ઘરે આવી ગયાં. નવો અને તાજો જ અનુભવ ચિત્તમાંથી ખસતો નહોતો. વરસો જશે પછી પણ એ મહેફિલ તો યાદ રહેશે.

મારી દીકરી તે વખતે ઘણી નાની એટલે તે મોપેડમાં આગળ ઊભી રહે. શાંતુભાઈએ વિચારી લીધું કે ચાલુ વાહને એને ઘણી ઠંડી લાગશે. એના નાના દીકરાનું જાકીટ લાવીને એમણે મારી દીકરીને પહેરાવી દીધું.

પણ મેં ગામમાં પ્રવેશ કરતાં પાદરે ઊભેલા દહેરાનો ઉલ્લેખ કર્યો હતો તેની વાત પોંક ખાતાં ખાતાં નીકળી અને શાંતુભાઈએ તેની જે વિગત આપી તે રસપ્રદ હોવાથી લખ્યા વિના રહેવાતું નથી.

‘શાંતિલાલ! તમારા ગામના પાદરે ઊભેલા એ દહેરાનો કોઈ ઇતિહાસ હશે, નહીં? કોઈ ચમત્કારિક ઘટના કે એવું કંઈક.‘

પોંકવડું મોઢાંમાં મૂકતાં મૂકતાં જગદીશ દેસાઈએ સવાલ કર્યો.

શાંતુભાઈ બહુ સ્ટ્રેટ ફોર્વર્ડ માણસ. ગોળ ગોળ અને ગળ્યું ચોપડીને વાત કરવાનું એમના સ્વભાવમાં નહીં. જેવું હૈયે તેવું જ હોઠે!

‘અરે હાનો ઇતિયાસ અને હાનો ચમત્કાર!‘ શાંતુભાઈ બોલ્યા.

‘તો પછી એ દહેરું બન્યું કઈ રીતે, કોણે એને બનાવ્યું?‘

‘વાત એમ છે કે આ દહેરા બનાવવા પાછળ કોઈ ચમત્કારિક ઘટના કે કોઈ વિશિષ્ટ હેતુ કે ધાર્મિક ભાવના કે એવું બધું કંઈ છે જ નહીં! બનેલું એવું કે…‘ શાંતુભાઈએ વાત માંડી એટલે બધાંના કાન એ તરફ મંડાયા. (હમણાં જ મને ડી.ડી જોશીએ યાદ કરાવ્યું કે ‘છે અને નથી‘ એ બે શબ્દો એસ.વી પટેલ એકીસાથે બોલે! ગામડામાં આ બહુ કોમન છે)

‘વરસો પહેલાં, એકવાર અમારા ગામમાં વાંદરાની એક ટોળી આવી પહોંચી. તે ખેતરના પાકને નુકસાન કરે અને ઘરનાં નળિયા ઉખેડી નાંખે. એટલે ગામના જુવાનિયાઓ કૂતરાનો સાથ લઈને વાંદરા સાથે જંગ ખેલ્યા. તેમાં એક વાંદરો મરી ગયો. બીજા વાંદરા ભાગી ગયા. પણ મરેલા વાંદરાને જોઈને ગામના માણસોને વિચાર આવ્યો કે આ બહુ ખોટું થયું. વાંદરો પણ શરીરે તો માણસ જેવો જ. વળી એ હનુમાનનું સ્વરૂપ ગણાય. એટલે એની લાશને રખડવા ન દેવાય. ગામના લોકોએ એ જગ્યા પર એનો અગ્નિસંસ્કાર કર્યો.‘

‘એ સારું કર્યું.‘

‘પછી થોડાંક વરસ પછી ગામલોકોને થયું કે એ જગ્યા પર દહેરું બનાવવું જોઈએ. એટલે આ દહેરું બન્યું! વાત આટલી જ છે.‘

.. પણ આજે આટલાં વરસો પછી, 2022 ની આ દિવાળી પર એક સાંજે એમના ઘરે જવાનું થયું ત્યારે દહેરાનું નવસંસ્કરણ થઈને તે મંદિર સ્વરૂપે ઊભેલું જણાયું. આ છે સામાન્ય જણાતી ઘટનાની ઉત્ક્રાંતિ!

પ્ર. મિ.

23/01/2023